અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/નિજી વિસ્મયનું રસાત્મક સંક્રમણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિજી વિસ્મયનું રસાત્મક સંક્રમણ

રાધેશ્યામ શર્મા

રૂપાંતર
રામચન્દ્ર પટેલ

સામાં લ્હેરે કદમ્બનું વૃક્ષ

કાવ્યકળા ‘પ્રોડક્ટ’ નથી કેવળ, એ પ્રક્રિયા – ‘પ્રોસેસ’ પણ છે. પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ એ કળા–વસ્તુમાં પરિણમે. પ્રક્રિયા જેટલી જીવંત એટલી કળા, સર્જન નામને પાત્ર.

‘રૂપાન્તર’માં, કાવ્યનાયકનું નિરીક્ષણ જેવું ઝીણું એવા જ એના પ્રતિભાવો સદ્ય સહજ સ્ફુરિત છે. અહીં તાદાત્મ્ય બલકે તદ્રુપતા રસચર્વણાનું કારણ બને છે, પણ પ્રેરણા જ્યાંથી ઉદ્ભવી એનો અચાનક વિસ્મયકારક અંતઃપ્રવેશ, કૃતિના નાભિકેન્દ્રનું સ્થાન લે છે.

વૃક્ષ સામે ઝૂલતું હોય અને મનુષ્યો એને જોતા હોય એવા સામાન્ય દૃશ્યને કાવ્યનાયક કેવી દૃષ્ટિથી અનુભવે છે તે કૃતિની પ્રથમ ચાર પંક્તિમાં પ્રસ્તુત છે, સામે લ્હેરે કદમ્બનું વૃક્ષ એના પાંદ પાંદ બનીને ઝૂલે… વૃક્ષ કદમ્બનું છે એટલે ‘ઝૂલે’ સાથે ‘ખૂલે’ના પ્રાણ સાથે પંક્તિ બની ‘ખૂલે મહેક…’

આખી કૃતિમાંથી પસાર થઈ ગયા હોઈએ એટલે ભાષાકર્મની રીતે ‘એ’કારનું પઠન ધ્યાનાર્હ બની જાય. દા.ત. સામે, લ્હેરે, ઝૂલે, ખૂલે, રચે, ફરે, ચઢે, ઊતરે વગેરે…. ઉપરાંત, ‘ઠોલે’ – ‘ફોલે’ના પ્રાસ પણ ખરા.

પણ વિશેષ રસ પડે કદમ્બની ડાળ ડાળ પર ફરતી, ચઢતી, ઊતરતી ખિસકોલીની રમતમાં. ત્યાંથી ઊતરી જમીન ઉપર આવી કશુંક ઠોલતી, ફોલતી… એવી એને જોઈ નાયકને, એ પોતે કદાચ દાડમ ખાતો હશે એટલે મન કરે છે; લાવ, દાણા નાખું દાડમના. દાડમ ના આરોગતો હોત અને બીજું કશુંક આરોગતો હોત તો એના દાણા નાખત.

દાડમ દાણા નાખી દીધા બાદ ખિસકોલીબાઈ દાણો દાણો પકડી ખાતી ખાતી નાયકની નજીક આવતી રહી પણ પછી વણધાર્યું બનતું ગયું. મોટે ભાગે ખિસકોલી એની તરલ ચંચળતા માટે જાણીતું થોડું બીકણ પ્રાણી છે… પણ અહીં તો ઓચિંતું અવનવું બન્યું:

ત્યાં થયો કશોક ધબાકો ધબ…
ઝબ ઝબકી
ઝણઝણીને ઉતાવળી દોડતી એ ચડી ગઈ
મારા શરીર પર.

રચનામાં પદોમાં ‘ધભાકો ધબ’, ‘ઝબ ઝબકી’, ‘ઝણઝણી’ જેવા પ્રયોગો નાયકની ચેતનામાં રણકેલા એક પ્રકારના નિનાદ–લયને મૂર્ત કરી શ્રુતિકલ્પનની હાજરી દર્શાવે છે.

ખિસકોલી, ઘડી વારમાં તો નાયકની આંખોમાં થઈને સીધી ઊતરી ગઈ છેક ‘કલેજામાં.’ (અહીં ‘કલેજામાં’ શબ્દ આ લખનારને કિંચિત્ પણ ક્લેશ વેરી, રવાના થયો!) અને ‘નાડી નાડી રણકી ઊઠ્યાં બુન્દ બુન્દ’ પંક્તિ બાદ નાયક તેમજ કૃતિની પરાકાષ્ઠા અન્તિમ ચરણમાં અભિવ્યક્તિ પામી છે: ‘હું જ જાણે થઈ ગયો કદમ્બનું વૃક્ષ!’

કાફકાનો નાયક ‘મેટમૉર્ફસિસ’માં રૂપાન્તરિત થઈ મનુષ્યમાંથી મનુજેતર જંતુ બની ગયો હતો, જ્યારે અહીં નાયક ખિસકોલીના અંતઃપ્રવેશે કરી – કદમ્બના વૃક્ષમાં રૂપાંતર પામ્યો!

બ્રિટિશ સર્જક ક્રિસ્ટોફર ફ્રાયે કાવ્યભાષા અને અંતર્નિહિત ભાવ વિશે સરસ વિધાન કર્યું છે:

Poetry is the language in which man explores his own amazement.

‘કુમાર’ ચન્દ્રકસંપ્રાપ્ત સર્જક શ્રી રામચન્દ્ર પટેલે એમના નાયકની ઓથે ભાવકને, નિજી વિસ્મયનું આ અછાન્દસ રચના દ્વારા રસાવહ સંપ્રેષણ કર્યું છે.

(રચનાને રસ્તે)