અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/બાપુનો જન્મદિન વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બાપુનો જન્મદિન વિશે

સુરેશ દલાલ

બાપુનો જન્મદિન
હરીન્દ્ર દવે

આજ બાપુનો જનમદિન

હરીન્દ્રની કવિતા એટલે ગીતદુલારી. ગઝલનો માહોલ પણ એને રચતાં આવડે. નજાકતનું બીજું નામ એટલે હરીન્દ્રની કવિતા. પ્રણય અને મૃત્યુ એના કાવ્યવિષયો. વ્યક્તિ હરીન્દ્ર કે કવિ હરીન્દ્રમાં કટાક્ષનું તો નામનિશાન નહિ. અહીં એટલે જ હરીન્દ્રનું ‘ઑફ બીટ’ કાવ્ય પસંદ કર્યું છે. કટાક્ષ પણ અહીં એવી રીતે કર્યો છે, જાણે કટાક્ષ કરતા જ ન હોય, અને એટલા માટે જ અહીં એવી રીતે કર્યો છે, જાણે કટાક્ષ કરતા જ ન હોય, અને એટલા માટે જ એ વધુ ધારદાર બને છે.

ગાંધીજી વિશે દેશમાં અને દુનિયામાં અઢળક કાવ્યો રચાયાં છે. આ કાવ્યમાં ગાંધીજી તો નિમિત્તમાત્ર છે. પણ અહીં, આપણી પ્રજા જાહેર પાયા પર જે જાતછેતરામણી કરે છે, એને કવિએ સાવ ઠાવકા થઈને, જાણગાંડા થઈને ઉઘાડી પાડી છે. ગાંધીજી દિવસે ને દિવસે આપણા સૌના જીવનમાં કેટલી હદે નહિવત્ થતા જાય છે એનો અહીં ઉઘાડો સંકેત છે. ગાંધી વ્યક્તિ પણ નહિ, વિભૂતિ પણ નહિ, પણ એક વાપરવાની ચીજ થયા છે. એક તત્ત્વજ્ઞે એવું કહ્યું’તું કે આપણે માણસોને ચાહવાને બદલે વાપરીએ અને ચીજવસ્તુઓને વાપરવાને બદલે ચાહીએ ત્યાંથી અનૈતિકતાનો આરંભ થાય છે. અહીં આપણે કાવ્યમાં જોઈએ છીએ એમ. ગાંધીજીને ચીજવસ્તુ તરીકે વાપરીએ જ છીએ. પ્રજાની અનૈતિકતા વિશેનું આ એક નૈતિક કાવ્ય છે.

ગાંધીજી આપણને ક્યારે યાદ આવે? સ્મૃતિ તો સહજ હોય છે. ગાંધીજી યાદ આવયી નથી. એમને યાદ કરવા પડે છે અથવા આપણને કોઈક યાદ કરાવે છે. ગાંધીજીના જન્મદિવસે રજા હોય એટલે બાપુ યાદ આવે. જે માણસે જીવનની પળેપળને પ્રયોજી એના જનમદિને રજા. ગાંધીજીના જીવનને આપણે ન સમજ્યા, એનો આ મોટામાં મોટો પુરાવો. અને માની લો કે આપણે રજા ન પાળીએ તો પણ બીજી ઑક્ટોબર ગાંધી-ક્રિયાકાંડમાં જ જાય છે.

અહીં કવિએ એવી રચના કરી છે કે માણસ પોતે જ સવાલ પૂછે અને પોતાને અનુકૂળ જવાબ આપે. ભગવદ્ગીતાએ જો માનવદેહ લેવો હોય તો એ કદાચ ગાંધીજીને પસંદ કરે. ગાંધીજીનો જન્મદિવસ હોય તો ગીતાના થોડાક શ્લોક વાંચીએ? આ ‘થોડા’માં પણ કટાક્ષ છે. ગાંધીજીના સંયમને આ રીતે આપણે કેવો અવળો ચીતર્યો અને ગીતા વાંચવાની નથી હોતી, પામવાની હોય છે. આળસુ અને એદી પ્રજાને કશુંક કરવાનો જ કંટાળો. એટલે બેઠાડુ આનંદ મળે માટે ‘વૉઇસ ઑફ ઇંડિયા’ની વાત છેડી.

ગાંધીજીએ ઉપવાસના શસ્ત્ર દ્વારા મડદા જેવી પ્રજાને બેઠી કરી. પણ ઉપવાસ કરીએ તો જીવ દુભાય અને આપણો જીવ દુભાય એમાં બાપુ રાજી ન રહે. ગાંધીજીની જ લાકડી ને ગાંધીજીનું જ માથું.

રાજઘાટ એ તો જાણે કે રાજકારણીઓ માટે પિકનિક સ્પૉટ. ફોટા પડાવવા માટેની ઉત્તમ જગા. ટીવી પર આવવા માટેનો રસ્તો કીમિયો. રાજઘાટ સાથે પવિત્રતા અને પવિત્ર સૌંદર્ય સંકળાયું છે એ તો ભુલાઈ ગયું. પણ એ ટહેલવા માટેની સુંદર જગા રહી. બીજી ઑક્ટોબરે બાપુની સમાધિ પર બે ફૂલ મૂક્યાં એટલે ભયોભયો. આપણે બિચારાં હતાં, ગાંધીજીએ આપણને માનવીય ગૌરવ આપ્યું અને આપણે કેલીબાન જેવા, ગાંધીજીને જ બિચારા કરીને રહ્યા.

ગાંધીજીએ આશ્રમભજનાવલી આપી. એમનું જીવન એટલે પળેપળની પ્રાર્થના. પ્રાર્થના કરવી જોઈએ, પણ શબ્દો યાદ નથી, પણ આપણી પ્રપંચી બુદ્ધિ તરત જ ઉકેલ શોધે છે કે હૃદય પ્રાર્થતું હોય તો એ પ્રાર્થના. સરકારી માધ્યમો પર કાયમનો ક્રિયાકાંડ ચાલે જ છે. આકાશવાણી પર કોઈ કાર્યક્રમ હશે અને હોઈહોઈને શું હોઈ શકે? કોઈ રાજનેતાનું પ્રવચન — જે કોઈકે લખેલું ઉછીનું. આવાં પ્રવચન છોડો અને ગ્રામ પર નવી રેકૉર્ડ મૂકો. ગાંધીજીનો જન્મદિવસ પણ જલદી વીતી ગયો. ગાંધીજીના જીવન જેમ.

આ કાવ્યનીસાથે હસમુખ પાઠકનું મુક્તક યાદ આવે છેઃ

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી —

અને પ્રિયકાન્તનું આ કાવ્ય પણ ભુલાય એવું નથી. ગાંધીજી જેવી વ્યક્તિ પસાર થઈ ગઈ અને આપણે સોડાલૅમન પીવામાંથી ઊંચા જ ન આવ્યાઃ

હાથી

અચિંત ક્યાંથી

અહીં આમ હાથી?
તે વૃદ્ધ
કો પર્વતના સરીખો!
વહ્યું જતું ક્યાં વટવૃક્ષ ઝૂલતું?
રિક્ષા અને મોટરની વચે વચે
સરી જતી સાઇકલથી લપાઈ
પોચા પડ્યા ડામરપંથની પરે
સુકાયલા કોઈક હાડકાશી
ચૂના સમી આ ઊડતી બપોરમાં
ધીરે રહીને પગલુંશું પોચું
ધરે?
હવામાં દ્વય દંતશૂલે
છિદ્રો પડે, આંખ અતીવ ઝીણી
મકાન ને માણસની છબીને
ઝીલે,
અરધી ઉઘાડી વળી બંધ એટલી
દુકાન ઢાંકે ખસટટ્ટી સુક્કી,
નિરાંતની લેમન લોક પીતાં
હોટેલમાં ને ભણતા સમે આ
નિશાળમાં તો સહુ છોકરાઓ.
સિગારના ધૂમ્ર સમો વહી ગયો.

(ભમરો વાત વહે ગુંજનમાં)