અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/બોધ કાવ્ય વિશે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બોધ કાવ્ય વિશે – મનસુખલાલ ઝવેરી

બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા-બાલ
બોધ

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે

દરેક મનુષ્ય પોતાનું જીવન સુખ અને શાંતિપૂર્વક ગાળવા ઇચ્છતો હોય છે. સુખ માટેનો ખ્યાલ, અલબત્ત, સૌનો જુદો જુદો હોય છે. કોઈની દૃષ્ટિએ સુખ વસતું હોય છે, પરિગ્રહમાં તો કોઈની દૃષ્ટિએ, ત્યાગમાં. કોઈની દૃષ્ટિએ એ વસતું હોય છે, લોકસન્માન અને સમાજસંમતિમાં; તો કોઈની દૃષ્ટિએ, એકાન્ત આત્મનિષ્ઠામાં. અને સૌ પોતપોતાની રીતે પોતપોતાના ખ્યાલ પ્રમાણેનું સુખ મેળવવાને મથતાં હોય છે. પ્રયત્ન સૌના સફળ થતા હોય છે એવું નથી; પણ પ્રયત્ન કરી રહ્યાં હોય છે સૌ, બેશક, જીવનભર.

આ કાવ્યમાં કવિ પોતાન સૂઝ્યો છે તે સુખનો માર્ગ, વિશેષે તો, પોતાની જાતને બતાવે છે. એ કહે છેઃ

જગતનો સ્વામી તને સુખ કે દુઃખ, જય કે પરાજય જે કંઈ આપે તે સ્વીકારી લેજે શાંતિથી ને ધૈર્યથી. આપણે પોતે આપણી જાતની સાથે એવાં તો સંડોવામાં હોઈએ છીએ કે આપણે આપણને તટસ્થ રીતે જોઈ જ શકતાં નથી અને તેથી આફણે માટે સારું શું કે ખરાબ શું તે ઘણીવાર સમજી શકતાં નથી. આ સંજોગોમાં ક્યારેક આપણને દુઃખ કે પરાજય મળે તો તે આપણને ગમતું નથી હોતું, પણ જગતગુરુદેવ જગદીશને એ જો આપણને આપવાનું ગમ્યું તો એને આપણે ગમાડી જ લેવું જોઈએ, માનવીની ઇચ્છા અને પરમાત્માની ઇચ્છા, એ બે વચ્ચે વિરોધ ઊભો થાય તો વિજયી બનતી હોય છે તેની જ ઇચ્છા. એટલે આપણને ગમે કે ન ગમે, પણ તેની ઇચ્છાને વશ થયા વિના છૂટકો જ નથી હોતો આપણને. તો પછી શાંતિથી ને આનન્દથી તેને શા માટે ન સ્વીકારી લેવી?

દુનિયાનાં તો કાટલાં જ છે ખોટાં. ને અવળી જ આંખે જોવાની એ એકએક વસ્તુને. એટલે એ જો તારે માટે જૂઠી વાતો ફેલાવે તો જરા પણ કચવાતો કે દુઃખી થતો નહિ. આપણા આનન્દનું મૂળ ખરી રીતે હોવું જોઈએ આપણું પોતાનું અન્તઃકરણ; દોરંગી દુનિયાના સારામાઠા અભિપ્રાયો કે નિન્દાસ્તુતિ નહિ.

તારા અન્તરાત્માને વફાદાર રહીને તું જીવન ગાળજે તારું. દુનિયાને તારે માર્ગે વાળવાની પંચાતમાં તું પડતો નહિ, કે એ જે કરી રહી છે તે સારું છે કે ખરાબ તેનો ન્યાય તોળવાની તથામાં તું ઊતરતો નહિ. જગતે ચશ્માં જ પહેર્યાં છે ઊંધાં. વસ્તુને એ તેના યથાર્થ સ્વરૂપ પ્રમાણે નહિ, પણ પોતાના રાગદ્વેષ પ્રમાણે જોતી હોય છે. એટલે એ જેને સારા તરીકે ઓળખાવે તે કદાચ ખરેખર સારું હોય પણ નહિ; અને જેને ખરાબ તરીકે વગોવે તે વસ્તુતઃ ખરાબ ન પણ હોય. એટલું જ નહિ પણ, આજે જે એને સારું લાગે તે આવતી કાલે ખરાબ પણ લાગે; ને ખરાબ લાગતું હોય તે સારું પણ લાગવા માંડે. એટલે સારા કે ખરાબ, કોઈનો પણ સંગ કર્યા વિના કે કશાથી પણ રંગાયા વિના, તુ અસંગ અને આત્મનિષ્ઠ જ રહેજે. સુખી થવાનો ઉપાય છે એક જઃ મનમાં કશો પણ મેલ રાખ્યા વિના, શાંતિ અને સંતોષપૂર્વક જીવવું તે. તું એ રીતે જીવજે અને તારો આનન્દ કે તારો શોક, તારી હર્ષકથા કે તારી વ્યથા કોઈને પણ કહ્યા વિના, મનમાં ને મનમાં જીરવી લેજે. સાચો સમભાવ અને નિઃસ્વાર્થ સહાનુભૂતિ દુનિયામાં મળવાં વિરલ છે અને એ ન મળે ત્યાં પેટ ખોલવાનો કશો અર્થ નથી.

મનુષ્યના મોટામાં મોટા શત્રુઓમાંનો એક છે ક્રોધ. તારા મનમાંથી એને દૂર કરજે. બીજી લક્ષ્મી તો છે ભાગ્યને અધીન. સુપાત્રોને કે પુરુષાર્થીઓને જ એ મળતી હોય છે તેવું નથી. એટલે એવી લક્ષ્મી તો તારું ભાગ્ય હશે તો તને મળશે. પણ જિંદગીમાં જો તું ઘડી પણ ભલાઈ કરી શકે, આ સાદ્યન્ત દુઃખમય, સંસારમાં કોઈના દુઃખને ઘડી પણ હળવું બનાવી શકે તો તેને તું તારી મોટામાં મોટી કમાણી ગણી લેજે.

સુખ નથી વસતું ધનમાં કે નથી વસતું સત્તામાં; નથી વસતું કીર્તિમાં કે નથી વસતું બહારની કોઈ પણ વસ્તુમાં. સાચું સુખ વસે છે માણસના પોતાના મનમાં. નિજાનન્દની મસ્તીને જ તું સાચું સુખ ગણજે. ને પ્રેમ જો તારે કરવો જ હોય તો કરજે માત્ર પરમાત્માને. દુનિયા સાચો, નિઃસ્વાર્થ ને નિર્મળ પ્રેમ નથી આપી શકતી કે નથી કલ્પી શકતી. એટલે એ પ્રેમને પરિણામે હૃદયે ઝીલવાના હોય છે આઘાત ને વેઠવાની હોય છે નિરાશા. તેથી જ કોઈ લૌકિક વ્યક્તિના પ્રેમ માટે તું ઝૂરજે કે ન તારો પ્રમ એવી કોઈ વ્યક્તિને આપવા માટે ફાંફાં મારજે.

કોઈ તને કડવાં વેણ સંભળાવે તો પણ તું તો તેને મીઠાં વેણ જ કહેજે. બીજો કોઈ માણસ પોતાને મોઢે ઝેર લેવાની મૂર્ખાઈ કરતો હોય તો ભલે કરે; તારે શા માટે તેને ખાતર તારે મોઢે ઝેર લેવું જોઈએ?

અને ભાગ્યના વિશ્વાસે કદી બેસી રહેતો નહિ. એ તો છે ગાંડું. વેવલા બનીને એને જેમ વળગવા જઈએ તેમ એ ભાગતું જાય છે આઘું ને આઘું; ને એને ટળતું મૂકીએ તો એ આવે છે વાજોવાજ દોડતું. એટલે સુખી થવા માટે ભાગ્ય પર આધાર રાખીને બેસી ન રહેજે.

મોટામાં મોટું સુખ વસ્યું છે કોઈપણ વસ્તુનો મોહ રાખ્યા વિના, કશી પણ સ્પૃહા કે તૃષ્ણા રાખ્યા વિના. શાંતિપૂર્વક રહેવામાં. સુખી થવા માટે દુનિયા જે ખટપટો કરે છે, છળકપટ કરે છે, દાવપેચ અજમાવે છે તે બધાંથી દૂર રહેજે. સાચું સુખ એ રીતે મેળવેલી વસ્તુઓમાંથી નથી મળતું. તું કવિ છે. તારી કવિતાનું અધિષ્ઠાન દુનિયાની કોઈ માનવવ્યક્તિને બદલે પ્રભુને જ બનાવજે. તું કવિ, માત્ર કવિ નહિ, કવિરાજા છે, તારી પોતાની મનોભૂમિનો સ્વામી છે. બ્રહ્માની સૃષ્ટિ કરતાં વધારે રમણીય અને વધારે શાશ્વત સૃષ્ટિનો તું સરજનહાર છે. પછી તારે પરવા કોની હોય? તારે તારી મજા, તારો આનન્દ બીજે ક્યાંય શોધવાનો ન હોય. એ તો વસ્યો છે સદાકાળ તારી ભીતર, તારા નિજાનન્દની મસ્તીમાં.

આમ, આ કાવ્યમાં નિઃસંગ, નિઃસ્પૃહ અને આત્મનિષ્ઠ જીવનને જ સાચા અને સ્થાયી સુખના ધામ તરીકે આલેખવામાં આવ્યું છે.

નવમી કડી પછીની ત્રણ કડીઓ કાઢી નાખી છે. ત્રીજી કડીની પંક્તિ, ‘કચેરીમાંહી કાજીનો નથી હિસાબ કોડીનો’નો અર્થ બરાબર સ્પષ્ટતાથી સમજાતો નથી.

*

સ્વ. બાલાશંકરની કવિતા ‘બોધ’માંની પંક્તિ ‘કચેરી માંહિ કાજીનો નથી હિસાબ કોડીનો’નો અર્થ બરાબર સમજાતો નથી એમ મેં લખેલું તેના સંબંધમાં આપના*[1] પર આવેલા કેટલાક પત્રો સીધા આવ્યા છે. એ બધા પત્રોમાં એ પંક્તિના અનેક જુદા જુદા અર્થો સૂચવવામાં આવ્યા છે. સ્થળસંકોચને લીધે એ બધા અર્થો અહીં આપીને તેમની ચર્ચા કરી શકાય તેમ નથી. પણ કાવ્યમાંથી જે અર્થ તારવવામાં આવે તે કાવ્યના શબ્દોમાંથી જ નીકળવો જોઈએ અને કાવ્યના સમગ્ર સંદર્ભી સાથે એ સુસંગત હોવો જોઈએ. એ દૃષ્ટિએ તે અર્થો પર વિચાર કરી જોતાં, મને કોઈ પણ અર્થ પૂરેપૂરો સ્વીકારવા જેવો લાગ્યો નથી. ‘આ. ક. વૈ.’માં કાવ્ય પ્રકટ થઈ ગયું ત્યાર પછી પણ એ પંક્તિ પર ફરીથી વિચાર કરતાં મને એમ લાગ્યું હતું કે, ‘આખા ગામને નિષ્પાપ અને નીતિમાન રાખવાની ફિકર કરી કરીને કાજી ગમે તેટલો દૂબળો પડી જાય તો પણ દુનિયાને કશો હિસાબ નથી. કાજીનાં ન્યાયાત્યાયનાં ધોરણોને બાજુએ મૂકીને દુનિયા તો પોતાને માર્ગે જ જવાની. એટલે દુનિયાનો ન્યાય તોળવા બેસવું એ હાથે કરીને નકામી પીડા વહોરી લેવા જેવું છે.’ એવો અર્થ કદાચ નીકળી શકે. તેમાં ‘કચેરી માંહિ’નો અર્થ ‘પોતાની કચેરી’માં એવો કરવો જોઈએ, અને કેટલાક શબ્દો ગાંઠના ઉમેરવા પડે.

મને સૂઝેલો આ અર્થ હું ‘મુંબઈ સમાચાર’ના વાચકો સમક્ષ રજૂ કરવાનો વિચાર કરતો હતો તેવામાં શ્રી જે. એમ. બજાજના બે પત્રો—એક આપને અને બીજો મને ઉદ્દેશીને લખાયેલો, એમ બે પત્રો—મળ્યા. તેમાં તેમણે લખેલું કે ‘કચેરીમાંહિ કાજીનો’ એ પંક્તિનો પાઠ ‘ગુજરાતી વાચનમાળા’ ભાગ ૪, ‘સાહિત્યરત્ન’, પ્રથમ આવૃત્તિ, ‘કાવ્યનિમજ્જન’ અને ‘કવિતા પ્રવેશ’માં ‘કચેરીમાંહિ કાજીનો નથી ઇન્સાફ કોડીનો’ એ રીતે આપવામાં આવ્યો છે.’ આ પાઠ સ્વીકારીએ તો પંક્તિનો મૂળ અર્થ કેટલેક અંશે બદલાઈ જાય.

એટલે કવિનો પોતાનો મૂળ પાઠ શો છે તે જાણવા માટે મેં શ્રી ઉમાશંકર જોશી સંપાદિત ‘કલાન્ત કવિ’ જોયું. તેમાંથી જાણવા મળ્યું કે આ કૃતિ–‘બોધ’ ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૯૩ના સપ્ટેમ્બરના અંકમાં પ્રથમ છપાઈ હતી. તે વખતે કવિએ પોતે પાદટીપમાં તેની ટીકા આપેલી. એ ટીકા શ્રી ઉમાશંકરે ‘ક્લાન્તકવિ’માં ઉતારી છે. તેમાં કવિએ પોતે આ પંક્તિ માટે નીચે પ્રમાણે કહ્યું છેઃ

‘કાજી કર્યો દુબરે તો સારે શહરકી ફીકર.’ કાજીનો રાજ્ય વ્યવહારમાં કશો હિસાબ નથી, અને આખા શહેરનો ભાર વ્હોરી લે છે તો તું આખું જગત કેમ વર્તે છે, ફલાણો શું કરે છે, દુનિયા અમુક રસ્તેજ ચાલવી જોઈએ. એવા વિચારોથી જગત–કાજી થઈશ નહીં. જગતમાં કંઈ તારો હિસાબ નથી એ ભાવ.’ (પૃ. ૩૬૫)

અને આ સ્પષ્ટીકરણ પર આધાર રીખીને શ્રી ઉમાશંકર લખે છેઃ

‘કચેરી-કાજીની કચેરી એટલો જ અર્થ લેવાનો નથી, પણ રાજ્યનો સમગ્ર કારભાર જ્યાં ચાલે છે તે ઉપલી કચેરી સમજવાની છે.’ (પૃ.૩૬૪)

આના પરથી બે હકીકતો તરી આવે છેઃ એક તો કાવ્યનો મૂળ પાઠ ‘હિસાબ’ જ છે, ‘ઇન્સાફ’ નહિ. ‘હિસાબ’નો અર્થ બેસાડવામાં મુશ્કેલી પડતાં કોઈએ, કદાચ ગુજરાતી વાચનમાળાના સંપાદકોએ, ‘ઈન્સાફ’ કરી નાખ્યું હશે. અને પછી એ જ પાઠ બીજા કેટલાક સંપાદકોએ સ્વીકાર્યો હશે.

બીજી હકીકત એ છે કે ‘કચેરી’ એટલે ન્યાયની અદાલત નહિ પણ ‘હજુર ઑફિસ’ એવો અર્થ કવિને ઇષ્ટ છે. તો પ્રશ્ન એ થાય છે કે, દુનિયાનાં કાર્યોની યોગ્યાયોગ્યતાનો નિર્ણય કરવા બેસનાર ‘જગત-કાજી’ માટેની ‘હજૂર ઑફિસ’ કઈ? ઈશ્વરનો દરબાર? તો ‘જગતનાં કાર્યોની યોગ્યાયોગ્યના તપાસવા માટે તું ગમે તેટલું કરશે તો પણ ઈશ્વરના દરબારમાં તારો કશો હિસાબ જ નહિ હોય’ એવો અર્થ થાય, જેમાં કશું સ્વારસ્ય નથી. તો પછી ‘હજુર ઑફિસ’ એટલે દુનિયા પોતે? ‘જગતમાં કંઈ તારો હિસાબ નથી એ ભાવ’ એમ કવિ પોતે જે કહે છે તેમાં આ અભિપ્રેત હોય તેમ દેખાય છે. પણ તો, એક બીજો પ્રશ્ન ઊભો થાય છેઃ જગત-કાજી જેનો ન્યાય તોળવા બેસે છે તે આરોપી પણ દુનિયા? ને જેની પાસે જગત-કાજીનો કશો હિસાબ નથી એવી ‘હજુર ઑફિસ’ પણ દુનિયા? કવિને પોતાને ‘કચેરી’નો જે અર્થ ઇષ્ટ છે તે સ્વીકાર્યા પછી, પહેલી પંક્તિનો અર્થ સ્પષ્ટ થાય છે; તો બીજી પંક્તિનો અર્થ જરા અસ્પષ્ટ રહી જાય છે.

૨૭-૪-૭૨
(આપણો કવિતા-વૈભવ)


  1. *‘મુંબઈ સમાચાર’ના

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.