તારો પાર ન પામું, પ્રીત! મારે અધર મૌન છાયું, એણે ગાયું ગીત! એવું શું તેં કવ્યું? જેથી ઉભયનું ઉર દ્રવ્યું, મારું કરુણ જલ બન્યું ને એનું કોમલ સ્મિત. વસમી તારી વાતો, મારી નીંદરહીણી રાતો, એનાં તે સૌ સમણાંમાં હું ભ્રમણા કરું નિત.