અવલોકન-વિશ્વ/પ્રશિષ્ટની પ્રેરકતાથી સર્જાયેલી રોમાંચપ્રધાન રહસ્યકથા – પ્રદીપ પંડ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રશિષ્ટની પ્રેરકતાથી સર્જાયેલી રોમાંચપ્રધાન રહસ્યકથા – પ્રદીપ પંડ્યા


55-The-Inferno-193x300.jpg


The Inferno – Den Brown
Trans world publication, London, 2013
ડેનિયલ જરહાર્ડ ‘ડેન’ બ્રાઉન (જ. 1964) અમેરિકન થ્રીલર ફિક્શન (રોમાંચકારી નવલકથા)ના લેખક છે. તેઓ તેમની સૌથી વધારે વેચાતી (બેસ્ટ સેલર) નવલકથા ‘ધ દા વિન્ચી કોડ’ થી જાણીતા છે. તેમની દરેક નવલકથાનો ઘટના-સમયગાળો ચોવીસ કલાકનો હોય છે અને એ નવલકથાઓ હમેશાં કોયડાની ભાષામાં હોય છે. આ કોયડાઓ ચોવીસ કલાકમાં ઉકેલવાના હોય છે અને તેને લીધે નવલકથા ખૂબ જ ઝડપથી આગળ વધે છે. નવલકથામાં ક્રીપ્ટોગ્રાફી (એટલે એવી ભાષામાં લખવું જે બીજા કોઈ વાંચી ન શકે)નો ઉપયોગ હોય છે, આજે ક્રીપ્ટોગ્રાફી ગણિત, કમ્પ્યુટર વિજ્ઞાન અને ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગ, એટીએમ કાર્ડ, કમ્પ્યુટર પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક કોમર્સમાં વાપરવામાં આવે છે.

ડેન બ્રાઉનની નવલકથાઓ 52(બાવન) ભાષામાં પ્રકાશિત થઈ છે અને 2012 સુધીમાં એની અગણિત નકલો વેચાઈ છે તેની ત્રણ નવલકથાઓ – ‘એન્જલ્સ એન્ડ ડિમોન’ (2000), ‘ધ દા વિંચી કોડ’ (2003) અને ‘ઇન્ફર્નો’ (2016) – પરથી ફિલ્મ બની છે.

ડેન બ્રાઉનની પ્રથમ નવલક્થા ‘એન્જલ્સ એન્ડ ડિમોન’ (2000)માં નાયક તરીકે રોબર્ટ લેંગડોન પ્રવેશે છે અને ત્યાર પછીની ચાર નવલમાં તે નાયક છે. આ નવલકથામાં સાહિત્યિક વાત છે અને ત્યાર પછીની નવલકથાઓમાં કાવતરાખોરો, છૂપો સમાજ અને કેથોલીક ચર્ચ પર લેખકનું ધ્યાન છે પૌરાણિક ઇતિહાસ, સ્થાપત્યકલા અને અને ચિહ્નોનો ઉપયોગ સમગ્ર નવલક્થામાં વધારે અને વધારે થતો જાય છે. ‘ધ દા વિંચી કોડ’ એ રહસ્ય (ડિટેક્ટીવ) નવલકથા છે અને તેમાં ચિહ્ન-નિષ્ણાત રોબર્ટ લેંગડોન અને ક્રીપ્ટોલોજીસ્ટ સોફી નિઇયુ મુખ્ય પાત્રો છે. આમાં ખ્રિસ્તી ઇતિહાસ અને તેને લગતી કેટલીય દંતકથાઓનો ઉલ્લેખ છે. સંશોધન બહુ કરવામાં આવ્યું છે અને એટલે નવલકથા રસપ્રદ તો બની જ છે જ.

*

ઇન્ફર્નો ઇટાલિયન શબ્દ છે જેનો અર્થ થાય છે, ‘નરક’. 14મી સદીના મહાન લેખક દાન્તેની પૌરાણિક કવિતા ‘ધ ડિવાઇન કોમેડી’ના પ્રથમ ભાગમાં પૃથ્વીમાંના નરકનું વર્ણન થયેલું છે. જેમણે બીજી વ્યક્તિઓ સાથે આધ્યાત્મિક મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે અને હિંસા અથવા દગો કે કિન્નાખોરી કર્યાં છે તેઓ આ નરક્માં પ્રવેશે છે.

લેખક કહે છે કે ‘આ પહેલાં, જ્યારે ‘ઇન્ફર્નો’ લખી ત્યારે દાન્તેની અદ્ભુત ‘ડિવાઇન કોમેડી’ વાંચીને હું ઉત્સાહિત અને રોમાંચિત થઈ ગયો. દાન્તેની નરકની કલ્પના, કળા અને ઇતિહાસ અને વસ્તુસ્થિતિએ મારી જિંદગીમાં અને લેખનમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. આ નવલકથા લખતી વખતે મને અતિશય આનંદનો અનુભવ ફરીથી થયો હતો. અને મને વિશ્વાસ છે કે તમને પણ આ નવલકથા ગમશે.’

કથાનો વિલન ઝોબ્રીસ્ટ એ બહુ જ પૈસાદાર, અબજોપતિ છે. તેને વિશ્વની વધતી જતી વસ્તીની ચિંતા છે અને તેને કોઈ પણ રીતે વિશ્વને વસ્તી-વધારામાંથી બચાવવું છે. તે એક જીનીયસ જનીન વિજ્ઞાની (જિનેટિસિસ્ટ) છે. તે પ્લેગનાં જંતુઓને જનીન વિજ્ઞાનની મદદથી બદલીને હવા એ મારફતે ફેલાય એવાં બનાવે છે અને આ કામ કોન્સોર્ટીમ નામની કંપનીને આપે છે, આ કંપની પાસેથી આ ટ્યુબ ચોરાઈ જાય છે અને તે ચોરને પકડવા તેના કમાન્ડરોને મોકલે છે. ઝોબ્રીસ્ટે એક સૂચના સાથે આ ટાઇટેનીઇમની ટ્યુબ કોન્સોર્ટીયમ કંપનીને આપી છે જે અમુક દિવસે ઇસ્તુંબલમાં પાણીમાં નાખવાની છે. તેની ભૂતપૂર્વ પ્રેમિકા સિયેના બ્રુક્સ પણ તેની સાથે છે, પણ જ્યારે આ યોજનાની તેને ખબર પડે છે ત્યારે આ યોજનાને કેવી રીતે નિષ્ફળ બનાવવી તે વિચારે છે. આ યોજનામાં ડબલ્યુ. એચ. ઓ. પણ સામેલ છે, જ્યારે સિયેનાને ખબર પડે છે ત્યારે તેને ડબલ્યુ. એચ. ઓ. પર વિશ્વાસ નથી અને બીક છે કે ડબલ્યુ. એચ. ઓ.ના હાથમાંથી આ ટ્યુબ કોઈ હથિયાર બનાવનાર દેશમાં જતી રહે તો વિશ્વમાં ખતરો વધી જાય અને એટલે તે ટાઇટેનીયમની ટ્યુબ લઇને ભાગે છે અને રોબર્ટ લેંગડોનની મદદ લે છે.

ઝોબ્રીસ્ટ માનતો હોય છે કે નવો અંધકાર યુગ શરૂ થવાની તૈયારી છે કારણ કે વિશ્વમાં વસ્તીવધારો ભયજનક રીતે થઈ રહ્યો છે. સદીઓ પહેલાં તો જ્યારે વસ્તી વધતી હતી અને પ્રજા હતાશ થઈ જતી હતી ત્યારે તેઓ ઈશ્વરના કોઈ ચમત્કારની રાહ જોતા અને કાળો પ્લેગ આવતો અને અર્ધી વસ્તીને સાફ કરી નાખતો, હવે પ્લેગ નથી એટલે વસ્તી વધતી જ જાય છે અને જ્યારે બધું નષ્ટ થાય છે ત્યારે નવસર્જન થાય છે, આ જ સિદ્ધાંત પર ઝોબ્રીસ્ટ જનીનશાસ્ત્રની મદદથી પ્લેગનાં નવાં જંતુઓ બનાવે છે, જ્યારે નવલકથા શરૂ થાય છે ત્યારે નાયક રોબર્ટ લેંગડોન, જે ચિહ્નો (સિમ્બોલ્સ) ઓળખવામાં નિષ્ણાત હોય છે અને અમેરિકાના એક બગીચામાં ફરતો હોય છે. કંઈક બને છે ને તે જાગે છે ત્યારે હોસ્પિટલમાં છે. અને તેને એ યાદ નથી કે તે ત્યાં કેવી રીતે આવ્યો. જોકે તેને તેનું મીકી માઉસનું ઘડિયાળ જેકેટ-કોટ ગૂમ થયાં છે તેની વધારે ચિંતા છે. તેને બહુ સમય મળતો નથી કારણ કે નીચે ગલીમાં એક મહિલા કાળાં વસ્ત્રો પહેરેલી તેને મારવા માટે આવી છે. તે લેંગડોનને કેમ મારવા માટે આવી છે તેની લેંગડોનને કોઈ ખબર નથી એટલે તેને પૂરું ભાન આવે તે પહેલાં ભાગવાનું શરૂ કરી દે છે અને આમ તેને માથામાં ગોળી વાગ્યાં પહેલા લેંગડોન બધાં રહસ્યો ફરી શોધે છે જે તેણે આગલી રાત્રીએ શોધ્યાં હોય છે. પણ માથાની ઈજાને લીધે તેની યાદશક્તિ થોડીવાર જતી રહે છે.

ઝોબ્રીસ્ટને દાન્તેની કવિતા ડિવાઇન કોમેડીનું અદ્ભુત આકર્ષણ છે અને તેની મદદ લઇને તે એવી ટાઇટેનીક ટ્યુબ બનાવે છે જેમાંથી એક પછી એક કોયડા નીકળતા જાય અને લેંગડોન તેને ખોલે છે અને તેમાંથી બીજી એક ટ્યુબ નીકળે છે જેની પર બાયો હેઝાર્ડ લખ્યું છે તેનો અર્થ એમ થાય કે તેમાં કોઈક પ્રકારનાં હાનિકારક જંતુઓ છે જે માનવ માટે હાનિકારક છે. લેંગડોન હવે આ કોયડો ઉકેલવા મથે છે અને આમ લેખક વાચકને પહેલાં ફલોરન્સ, પછી વેનીસ અને છેલ્લે ટર્કીમાં ઇસ્તંબુલ લઈ જાય છે.

હોસ્પિટલમાંથી મદદ મળે છે એક સુંદર બુદ્ધિશાળી મહિલા તબીબ સિયેના બ્રુકસની, અને લેખક આપણને લેંગડોન અને સિયેનાની પાછળ પાછળ ફેરવે છે જેથી તેના કાતિલનું રહસ્ય શોધી શકે. લેંગડોનની પાછળ કોંસોરિટીમના હત્યારા અને ડબલ્યુ. એચ. ઓ.ના હત્યારા પડ્યા છે. જેઓ માને છે કે આ બાયોહેઝાર્ડ ટ્યુબ લેંગડોનના હાથમાં હોવી જોઈએ.

કોંસોરિટીમ એક એવું ઓર્ગેનાઈઝેશન છે જે પોતાનું કામ હંમેશાં પૂર્ણ કરે છે. જ્યારે ટ્યૂબ ચોરાઈ જાય છે ત્યારે તેનો વડો આપઘાત કરે છે.

સમગ્ર નવલકથા સાદી ભાષાને બદલે ફ્કત ક્રિપ્ટીક ભાષામાં કોયડાઓ આપે છે. આનાથી એક પ્રકારનું રહસ્ય તો ઉત્પન્ન થાય છે પણ કેટલીય વખતે તે બિનજરૂરી લાગે છે અને ફ્કત નવલકથાને એક પ્રકારનો સ્પર્શ આપીને વાચકોને તે તરફ લઈ જાય છે, આવું ડેન બ્રાઉનની બધી નવલકથાઓમાં છે અને તે જ તેને મર્યાદા બને છે. ક્રિપ્ટીક ભાષાને એક તરફ મૂકીએ તો પણ કેટલીય વખત લેંગડોનને એક મૂર્ખ જેવો બતાવ્યો છે.

એક વખત સિયેના રોબર્ટ સાથે દલીલ કરતાં કહે છે: ‘Robert, look. I am not saying Zobrist is correct that a plague that kills half the world’s people is the answer to overpopulation. Nor am I saying we should stop curing the sick. What I am saying is that our path is pretty simple formula for distruction of popuation growth is an exponential progression occurring within a system of finit space and limited resources. The end will arrive very abruptly. Our experience will not be that of slowing out of gas but… it will be more like driving off cliff.’ ‘(રોબર્ટ, જો હું એમ કહેવા માંગતી નથી કે ઝોબ્રિસ્ટાની એ વાત સાચી છે કે પ્લેગ દ્વારા દુનિયાની અરધી વસ્તી સાફ કરી દેવી – અતિ વસ્તી સામેનો એ કોઈ સાચો ઉકેલ નથી. અને હું એમ પણ કહેવા માગતી નથી કે આપણે માંદા લોકોની સારવાર બંધ કરવી જોઈએ. હું એમ કહેવા માગુ છું કે આપણો રસ્તો બહુ જ સીધો છે, જે રીતે ઓછી જગ્યા અને મર્યાદિત સાધનો આપણી પાસે છે તેને માટે આ એક એક સાદી યોજના અર્ધી વસ્તીને નષ્ટ કરવા માટે પૂરતી છે. આપણી કારનો ગેસ ખતમ થઈ જશે ને એમ ધીમે ધીમે અંત આવશે એમ નહીં પણ સામે એક ઊંડી ખીણ આવશે અને એક સાથે અંત આવી જશે’)

સિયેનાના કેટલાક વિચારો ઝોબ્રીસ્ટ જેવા જ છે પણ એક દિવસ તેને ભાન થાય છે કે આ થિયરી જ ખોટી છે. આપણે ઈશ્વર નથી અને આવી રીતે માનવજાતને નષ્ટ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલે તે માનવને બચાવવાના પ્રયત્નો કરે છે અને લેંગડોનને મદદ કરે છે. પણ તેના આ વિચારો ક્ષણિક છે, તે ઝોબ્ર્રીસ્ટને વફાદાર છે અને તેના વિચારને સાચા માને છે પણ તેના મગજમાં બીજા વિચારો પણ ચાલતા હોય છે. તે એમ પણ માને છે કે સદીઓ પછી માનવજાતે એટલી પ્રગતિ કરી હશે કે તે પોતાની જાતે જીવી શકશે. એક રીતે તેને વિશ્વને બચાવવું છે એટલે તે પ્રાઇવેટ જેટ લઇને ઇસ્તંબુલ-ટર્કી પહોંચી જાય છે, અહીં રોબર્ટ પણ આવે છે અને તેને પણ ખબર પડે છે કે છેલ્લો કોયડો અહીં જ છુપાયેલો છે, જ્યાં બધા પ્રશ્નોનો છેલ્લો ઉત્તર છે. તેને ખબર પડે છે કે અહીં એક કબર છે જેની નીચેથી પાણી વહે છે, તે કબર પાસે કાન મૂકીને સાંભળે છે તો સ્પષ્ટપણે પાણી વહેવાના અવાજ આવે છે.

બધા નીચે જાય છે તો ત્યાં નીચી ગટરમાં પાણી સતત વહેતું હોય છે અને આ જોવા હજારો મુલાકાતીઓ આવ્યા હોય છે, પાણીમાં હજારો જીવો તરતા હોય છે, ગાઇડ કહે છે કે આ પાણી કોઈ પીતું નથી પણ જંતુઓ હવામાં ઉડ્યા કરે છે અને અહીં આવતા લોકોના શ્વાસમાં જાય છે, ઝોબ્રિસ્ટે એવા પ્લેગનાં એવાં વાયરલ જંતુઓ બનાવ્યાં હતાં કે તે હવાથી ફેલાય. અહીં જ એક નક્કી કરેલા દિવસે પ્લાસ્ટીકની બેગ નાખવાની હતી, જે પાણીમાં ઓગળી જાય અને તેના વાયરસ હવા મારફતે મુલાકાતીઓના શ્વાસમાં જાય અને પછી વિશ્વમાં ફેલાય. આ કામ સિયેનાને સોંપવામાં આવ્યું હતું પણ એમ માનવામાં આવે છે કે સિયેનાએ બેગમાં કાણું પાડ્યું ન હતું અને તેને એક અઠવાડિયા પહેલાં ગટરના પાણીમાં ઓગાળી દેવામાં આવી હતી, તેનો અર્થ એમ થાય કે વિશ્વમાં પહેલેથી જ જંતુઓ ફેલાઈ ગયાં હતાં. ઝોબ્રિસ્ટના વિડિયોમાં જ ગણિતનાં એક અથવા વધારે પરિણામ આવી શક એમ છે અને તેને એવી રીતે ગોઠવ્યાં હતાં કે સમગ્ર વિશ્વમાં તેની અસર થાય. પછી એ પણ ખબર પડે છે કે સિયેના પોતે જ આ બધું અટકાવવા માંગતી હતી, પણ તેને ડબલ્યુ. એચ. ઓ. પર વિશ્વાસ ન હતો, કારણ કે એમના દ્વારા આ વાયરસના નમૂનાઓ અન્ય સરકારોનાં શસ્ત્રોમાં વપરાય એવી શક્યતા વધારે છે. કોન્સોર્ટીયમનો નેતા ડબલ્યુ. એચ. ઓ. ની જેલમાંથી નાસવામાં સફળ થાય છે પણ પછીથી ટર્કીશ પોલીસ તેને પકડે છે. એમ માનવામાં આવે છે કે કોન્સોર્ટીયમની તપાસ થશે અને તે ખતમ થઇ જશે. સિયેનાને માફ કરવામાં આવશે અને તેનું જ્ઞાન ડબલ્યુ. એચ. ઓ. જે કટોકટી આવી રહી છે તેને અટકાવવામાં કરશે, કારણ કે એ તબીબ હતી અને તેની પાસે ઝોબ્રીસ્ટના સંશોધન અને કાર્ય વિશે ઘણું જ્ઞાન હતું.

રોબર્ટ અને તેના સાથીઓ જે નળીમાં પ્લેગ છે તેને શોધી તો કાઢે છે પણ તે સમયે તેઓને ખબર પડે છે કે સિયેના તેમના કરતાં વહેલી પહોંચી ગઈ છે અને જે બેગમાં પ્લેગનાં જંતુઓ હતાં તે બેગ પાણીમાં ઓગળી ગઈ છે અને ત્યાં આવતા મુલાકાતીઓ મારફતે પ્લેગ ફેલાઈ ચૂક્યો છે. આ એવાં જંતુઓ હતાં જે વાયરસ હતાં અને તે શ્વાસમાં જાય તો શરીરના ડીએનએમાં ફેરફાર કરીને તે વ્યક્તિને નપુંસક બનાવી દે અને વિશ્વની ત્રીજા ભાગની વસ્તીને અસર થાય, થોડાં વર્ષોમાં વસ્તી ઘટતી જાય અને વિશ્વમાં પાછું બધું બરાબર થઈ જાય. કારણ કે તેની મદદથી જ આ વાયરસ કાબૂમાં આવી શકે તેમ હતું, તે કહે છે કે ઝોબ્રીસ્ટની યોજના ખરાબ ન હતી અને સમગ્ર વિશ્વ આજે માને છે કે વસ્તીવધારો એ વિશ્વનો મહાન પ્રશ્ન છે.

આમ આ નવલકથા એક સંદેશ સાથે પૂરી થાય છે કે કોઈ પણ હિસાબે વિશ્વની વસ્તી ઘટવી જોઈએ.

અને તેને માટે કોઈ પણ માર્ગ લેવામાં આવે તો તેને માફ કરી શકાય છે. આ એક એવા પ્રકારની નવલકથા છે જેમાં વિલન વિશ્વનું ભલું કરવા માગે છે અને ડેન બ્રાઉનની બીજી નવલકથાની જેમ આ નવલકથા પણ કોયડાની ભાષા વાત કરે છે અને વાચકને ત્યાં લઈ જાય છે. આ નવલકથાની ખૂબી એ છે કે વાચકને વિલન પ્રત્યે ગુસ્સો આવતો નથી પણ સહાનુભૂતિ થાય છે. લેખકની ભાષા આમ તો સરળ છે પણ વચ્ચે વચ્ચે આવતા ઇટાલિયન અને લેટિન ભાષાના શબ્દો થોડો અવરોધ સર્જે છે. ડેન બ્રાઉનની ખૂબી છે કે તે એક પછી રહસ્યમય કોયડા આપે છે અને રહસ્ય જળવાઈ રહે છે.

નવલકથા ઘણી આંટીઘૂંટીઓ વાળી છે ને વધારે પડતી વૈજ્ઞાનિક સંકેતો પર ચાલે છે તેમ છતાં પ્રસંગો એવા કુતૂહલભર્યા છે કે વાચકનો રસ જળવાઈ રહે. આવી નવલકથાઓમાં પાત્રો કથાઘટનાની કોઈ ને કોઈ કડી જેવાં હોય છે – સૂત્રો જેવાં હોય છે એટલે નવલકથાનું પહેલું વાચન જ આનંદ આપનારું બને છે. ડેન્ટિના પ્રશિષ્ટ કાવ્ય ‘ઇન્ફર્નો’માંથી પ્રેરણા લઈને રોમાંચ-પ્રધાન રહસ્યમય લોકપ્રિય નવલકથા લખાય એ પણ અજાયબીવાળી વાત છે.

*

પ્રદીપ પંડ્યા
નવલકથાકાર.
વ્યવસાયે તબીબ, વડોદરા.
વડોદરા.
pandya47@hotmail.com
93762 16246

*