અવલોકન-વિશ્વ/સિદ્ધિ અને સંવેદનાનું સહજ નિરૂપણ – નીલિમા શુક્લ-ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સિદ્ધિ અને સંવેદનાનું સહજ નિરૂપણ – નીલિમા શુક્લ-ભટ્ટ


I am malala - Cover.jpg
I am Malala – Malala Yousafzai
Little, Brown and Company, New York, 2013
કોઈ પુસ્તક એના વિચારગાંભીર્ય વડે, તો કોઈ એમાં પ્રસ્તુત ભાવનાઓની સંકુલતાને કારણે વાચકને ચિંતન માટે પ્રેરે. પણ ક્યારેક એવું પુસ્તક પણ મળે કે જે એના લેખકના અવાજના સાચુકલા રણકા અને સરળતા વડે જ વિચાર માટેની નવી દિશાઓ ખોલી આપે. નોબેલ શાંતિ પારિતોષકની સૌથી નાની વયની વિજેતા મલાલા યુસુફઝઈનું (ક્રિસ્ટિના લેમ્બના સહયોગમાં) લખેલું I am Malala (હું છું મલાલા) આવું જ એક વિરલ પુસ્તક છે. પુસ્તકમાં પાને પાને છલકતી સરળતા, નિર્દોષતા, કુતૂહલપ્રિયતા અને સ્વપ્નિલતા જે કેવળ નહીં. એ બધું તો આ સત્તર વર્ષની તરુણ લેખિકા માટે સહજ છે – પરંતુ એ સાથે જ અહીં દૃઢ આદર્શવાદ, અવિચલ શ્રદ્ધા, અડગ આત્મવિશ્વાસ, અને અપ્રતિમ હિમ્મતની અભિવ્યકિત પણ છે. તદુપરાંત તેમાં થયેલું સામાજિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ, અને સ્ત્રી-શિક્ષણ માટે તેના પરિવારના સંન્નિષ્ઠ પ્ર્રયાસોનો અહેવાલ પુસ્તકને વધુ મૂલ્યવાન બનાવે છે. પ્રેરણાત્મક હોવાની સાથે સાથે એે વાચકને ગંભીર વાચન પણ પૂરું પાડે છે.

2014માં ભારતના કૈલાસ સત્યાર્થી સાથે મલાલા યુસુફઝઈ શાંતિ માટેના નોબેલ પારિતોષકની વિજેતા બની. આ સમયે તેની વય સોળ વર્ષની હતી. માત્ર શાંતિની શ્રેણીમાં જ નહીં, નોબેલ પારિતોષકના સમગ્ર ઇતિહાસમાં બધી જ શ્રેણીઓમાં મલાલા સૌથી નાની વયની વિજેતા છે. મલાલાનો જન્મ 12 જુલાઈ, 1997ના રોજ પાકિસ્તાનના વાયવ્યમાં આવેલી સ્વાત ખીણમાં થયો હતો. માતા-પિતાનું એ પહેલું સંતાન હોવા છતાં તેના જન્મનો ઉત્સવ મનાવવા પિતાના એક કુટુંબી સિવાય જ્યારે કોઈ દેખાયું નહીં ત્યારે, તેના પિતાએ વંશાવળીમાં તેનું નામ પોતાની પુખ્તુન જમાતની દંતકથાની એક બહાદુર નાયિકા મલાલાઇ ઉપરથી રાખી ઉમેરી દીધું. અને આ સાથે જ એક દંતકથા સમાન જીવનની શરૂઆત થઈ.

I am Malala આ જીવનના પરોઢનું આત્મકથનાત્મક ચિત્રણ છે જેના કેન્દ્રમાં એકવીસમી સદીના પહેલા દાયકામાં સ્વાતની સુંદર ખીણમાં ફેલાયેલી તાલીબાનની દહેશત અને તેનો અહિંસક રીતે પણ દ્રઢતાપૂર્વક વિરોધ કરનાર આ નાના પ્રાંતની એક બાળા અને તેના પિતાની હિમ્મતનો ટકરાવ છે. ર્સંઘષનો મુખ્ય મુદ્દો સ્ત્રી-શિક્ષણ હતો અને એક હિંસક નાટ્યાત્મક ઘટનામાં એ એના ચરમબિંદુએ પહોંચ્યો હતો. મલાલાના પિતા ઝિયાઉદ્દીન

યુસુફઝઇ સ્વાતના મિંગોરા શહેરમાં બાળાઓ માટેની શાળા ‘ખુશાલ સ્કૂલ’ના સ્થાપક હતા અને પ્રાંતીય કક્ષાએ શિક્ષણના પ્રચાર માટે તાલીબાનનાં શિક્ષણ-વિરોધી ફરમાનોનો જાહેર વિરોધ કરવા માટે ખ્યાતિ પામ્યા હતા. 2008થી, માત્ર અગિયાર વર્ષની કુમળી વયે મલાલાએ પણ તાલીબાનના અત્યાચારના વિરોધમાં જાહેરમાં બોલવાનું શરૂ કર્યું. પાકિસ્તાનનાં અનેક અખબારોએ આ બહાદુર બાળાને બિરદાવી. અને આમ આ બાલિકાના જાહેર જીવનની શરૂઆત થઈ. 2008માં તાલીબાને સ્વાત પ્રાંતનો કબજો લઈ લીધો હતો, પોલિસ અને લોકોની હત્યા પછી તેમનાં શરીર જાહેર જગાઓમાં લટકાવાતાં. બાળાઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકાતાં તેમનું શાળાએ જવાનું બંધ થયું હતું. એવા વાતાવરણમાં 2009ના જાન્યુઆરીમાં પિતાના સૂચનથી મલાલાએ બી.બી.સી. પર ગુલ મકાઈ ઉપનામે એક ઉર્દૂ બ્લોગ લખવાનું શરૂ કર્યું જેમાં એક બાળાના દૃષ્ટિબિંદુથી તાલીબાનના અત્યાચારના અનુભવો વર્ણાવાતા. બ્લોગની આંતરરાષ્ટ્રીય સામાચારપત્રોએ નોંધ લીધી. ફેબ્રુઆરીમાં છોકરીઓની શાળાઓ પરનો પ્રતિબંધ ઊઠ્યો અને તેમને બુરખા પહેરી શાળામાં જવાની પરવાનગી તાલીબાન તરફથી મળી. 2009ના અંત સુધીમાં બી.બી.સીના બ્લોગના લેખકનું ખરું નામ જાહેર થઈ ચૂક્યું હતું અને મલાલાએ ટેલિવિઝન પર સ્ત્રી-શિક્ષણના મહત્ત્વ વિષે જુસ્સાપૂર્વક બોલવા માંડ્યુ હતું. 2011માં દક્ષિણ આફ્રિકાના પ્રસિદ્ધ શાંતિદૂત આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ મલાલાનું નામ International Children’s Peace Prize માટે રજૂ કર્યું અને પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ તેને દેશના પહેલા National Youth Peace Prizeથી નવાજી. મલાલાની વધતી જતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને તેમના પોતાના જૂથની બદનામી તાલીબાનના નેતાઓના ધ્યાનબહાર ન રહ્યાં. મલાલાને હત્યાની ધમકીઓ તેના ફેસબુક પાન પર અને બીજી અનેક રીતે મળવા લાગી. છેવટે 2012ના ઉનાળામાં તાલીબાનના નેતાઓએ એકમતે તેની હત્યાનો નિર્ણય લીધો.

9મી ઓક્ટોબર 2012ની સવારે જ્યારે ચૌદ વર્ષની મલાલા તેની સ્કૂલની બસમાં જતી હતી ત્યારે, તાલીબાનના અનુયાયી કેટલાક યુવાનોએ તે બસ રોકી. એક યુવાને ‘તમારામાંથી મલાલા કોણ છે?’ એવો સવાલ કર્યો, જેવી બીજી બાળાઓએ તેના તરફ નજર ફેરવી, તેવી જ, જવાબની રાહ જોયા વગર આ યુવાને તેના પર ગોળીઓ ચલાવી. ગોળીઓ જીવલેણ તો ન નીવડી. પણ આ ઘટનાએ મલાલાના જીવનને એક એવો વળાંક આપ્યો કે તેનો પોતાના આર્દશ માટેનો સંઘર્ષ સ્થાનિક ન રહેતાં, સમગ્ર જગતના મંચ પર આવી ઊભો અને એક તરૂણી શિક્ષણની, ખાસ કરીને સ્ત્રી-શિક્ષણની, હિમાયતનો એક બુલંદ વૈશ્વિક અવાજ બની ગઈ. I am Malala એ જગતના મંચ પર મલાલાએ આપેલો પોતાનો પરિચય છે અને તાલીબાનના ગોળીબાજોને આપેલો જવાબ પણ છે.

પુસ્તકનું આમુખ મલાલાની પાકિસ્તાન પાછા ફરવાની ઝંખનાની અભિવ્યકિતથી શરૂ થાય છે. એ તબીબી સારવાર માટે બ્રિટન પહોંચી અને સ્વસ્થ થઈ ચૂકી છે, તે ત્યાં સુલભ એવી અનેક સુવિધાઓની નોંધ લે છે. પણ સાથે જ વાયવ્ય પાકિસ્તાનના હિમાચ્છાદિત પહાડ, સુંદર ઝરણાં અને પોતાના નાના ગામમાં પોતાના સામાન્ય ઘરના નાના ઓરડાને આતુરતાથી ઝંખે છે. એ યાદ કરે છે એની સહેલીને જેની સાથે એ જસ્ટિન બીબરનાં ગીતો વિષે વાત કરતી. એક બાલિકાના સહજ શબ્દોમાં જ અહીંથી પુસ્તકમાં વણાયેલા એક મહત્ત્વના વિષય તરફ ધ્યાન ખેંચાય છે. આ વિષય છે મહત્ત્વાકાંક્ષા કે આદર્શને કારણે વતનથી દૂર વસેલા લોકોની પહેચાનનો. એમની પહેચાન શું છે? એમની મહત્ત્વાકાંક્ષાઓ, આદર્શાથી ઘડાતી એમની વિશ્વનાગરિકતા કે વતનની માટીથી ઘડાયેલું અને એના પ્રેમથી સંકળાયેલું એમનું અંતર? આનો કોઈ ચોકકસ જવાબ પુસ્તકમાં મળતો નથી. પરંતુ એનો સંબંધ આમુખના આખરી ભાગમાં તલિબાની યુવાને પૂછેલા પ્રશ્ન –- ‘કોણ છે મલાલા?’ સાથે છે, જે પુસ્તકમાં અનેક સ્તરે ઊભરે છે. આમુખને અંતે મલાલાના શબ્દો છે: ‘હું છું મલાલા અને આ મારી કથા છે.’

મલાલાના પુસ્તકાકારે અપાયેલા પરિચય/ જવાબમાં ત્રણ વિષયવસ્તુ ધ્યાન ખેંચે છે. પુસ્તકના કેન્દ્રમાં એક કુટુંબની શિક્ષણને સમાજના ઉત્થાન માટેનું વાહન બનાવની ધગશ અને શિક્ષણમાં શ્રદ્ધા છે. આ તેનો મુખ્ય વિષય છે. પરંતુ એ કુટુંબની આધુનિક શિક્ષણની વ્યાખ્યામાં ધર્મની બાદબાકી નથી. આત્મકથનના દરેક મહત્ત્વના વળાંકે, કટોકટીની અને કૃતાર્થતાની દરેક પળે મલાલા અને તેનાં માતા-પિતા અલ્લાહની બંદગી અને કુરાનેપાકમાંથી બળ મેળવતાં જોવા મળે છે. એમની શિક્ષણના પ્રસાર માટેની સાધના પણ આ ઊંડી ધાર્મિક શ્રદ્ધા સાથે અતૂટપણે સંકળાયેલી છે. ઇસ્લામમાં તેમની આસ્થા અને રચનાત્મક પ્રેરકબળ તરીકે તેમના જીવનમાં તેનું સ્થાન તાલીબાનના ઇસ્લામના અર્થઘટનથી તદ્દન વિરુદ્ધમાં છે. ધર્મના સ્વરૂપનો દરેક પરિસ્થિતિમાં તેના અર્થઘટન ઉપર આધાર એ પુસ્તકનું બીજું અગત્યનું વિષયવસ્તુ છે. અને ત્રીજું તે ઉપર જેનો ઉલ્લેખ કર્યો છે તે વૈશ્વિકતાના જમાનામાં વ્યકિતની પહેચાન માટેની ખોજ અને તેની સંકુલતા.

પુસ્તક પાંચ ભાગમાં વહેંચાયેલું છે. પહેલો વિભાગ તાલીબાનની ભયાવહતા પહેલાંની સ્વાત ખીણના જનજીવનનો ચિતાર આપે છે. ઓમાં સ્વાત પ્રદેશના ઇતિહાસ, તેના કુદરતી સૌંદર્ય, પખ્તુન સંસ્કૃતિ, અને મલાલાના કુટુંબનો પરિચય મળે છે. સ્વાત લોકોને પોતાના સ્વર્ગ સમાન સુંદર પ્રદેશનો ગર્વ છે અને અત્યારે એ પખ્તુનોનો પ્રદેશ છે. પણ મલાલા ખાસ નોંધ લે છે કે ઈસવીસનની બીજી સદીથી 500 વર્ષ સુધી સ્વાત નદીના કિનારે અનેક બૌદ્ધ વિહારો હતા, તેમાંથી ઊઠતા ઘંટારવ આખી ખીણમાં સંભળાતા અને આજે પણ ખીણમાં ઠેર ઠેર એના અવશેષો મળે છે. પુષ્તુન લોકો સુન્ની ઇસ્લામ અનુસરે છે, પણ સાથે જ તેમની સાંસ્કૃતિક આચારસંહિતા પુષ્તુનવાલીનું પણ ચુસ્તપણે પાલન કરે છે. આ વિભાગનાં પ્રકરણોમાં પખ્તુન આચારસંહિતાનું પાલન કરતાં લોકોની દિલ્હી સલ્તનત સમયથી માંડીને અમેરિકાના અફઘાનિસ્તાન પરના આક્રમણ સુધીના ઇતિહાસમાં નોંધાયેલી જવાંમર્દી અને દરિયાદીલીની વાતો છે. તેમના રીતિરીવાજોનું જીવંત ચિત્રણ છે. નાનાં ગામોમાં પ્લાસ્ટિકની થેલીના દડાથી ક્રિકેટ રમતાં બાળકોની મોજની વાત છે. અને સાથે જ તે કોમમાં સ્ત્રીઓ પર પુરુષોના કડક અંકુશ અને તેમની બદલો લેવાની રીતની ટીકા પણ છે. પાકિસ્તાનના આવા એક અલ્પવિકસિત ખૂણામાં મલાલાના પિતાએ એની માતાના સતત સહકારથી કેવી રીતે શિક્ષણના પ્રસાર માટે પ્રયત્નો કર્યાં અને નાની મલાલામાં કેવી રીતે શિક્ષણના પ્રસાર માટેનું જોમ પ્રેર્યું તે આ વિભાગનું એક અત્યંત રસપ્રદ પાસું છે. માતા-પિતા અહીં લાડ પણ કરે છે અને ભૂલ માટે સજા પણ આપે છે. ભાઈઓ સાથેનાં તોફાનો, બહેનપણીઓ સાથેની હરીફાઈ અને નાના ઝઘડા અને બાલસહજ ઇચ્છાઓની અભિવ્યકિત આ પ્રકરણોને જીવંત બનાવે છે. વિભાગનાં અંતિમ પ્રકરણોમાં આવનારા ભયનો અણસાર મળે છે. અહીં પાકિસ્તાનમાં પ્રવર્તતા ઇસ્લામના અનેક ફિરકાઓની ચર્ચા છે. અને એ બધામાંથી કેટલાંક સંકુચિત અર્થઘટન કરનારાં જૂથો ઉદાર મતવાળા મુસ્લિમો સાથે કેવી રીતે ટકરાય છે તેનું ચિત્ર મલાલાના પિતા ઝિયાઉદ્દીન યુસુફઝઈની શાળાની પાસે જ રહેતા એક મુફ્તીના શાળા બંધ કરાવવાના પ્રયત્નોમાંથી ઊપસે છે. એ પણ સ્પષ્ટ થાય છે કે આદર્શવાદનો સંઘર્ષ સંકુલ હોય છે કેમ કે નાના પ્રાંતના રાજકીય તખ્તા પર પણ અનેક ખેલાડીઓ હોય છે અને અમેરિકાના અફઘાનિસ્તાન ઉપરના આક્રમણ જેવી ઘટનાઓ ય એમાં સંકળાઈ જાય છે. 2005ના ધરતીકંપ જેવી કુદરતી હોનારત વખતે પહોંચતી રાહત પણ ઘણી વાર રાજકીય હેતુથી અપાય છે અને આવા વખતે ઉગ્રવાદીઓ પણ માનવતાનો સ્વાંગ સજી સહાય કરે છે.

પુસ્તકનો બીજો વિભાગ તાલીબાનની વધતી જતી ભયાવહતાની સામાન્ય જનજીવન અને ખાસ કરીને સ્ત્રીઓના જીવન પર પડેલી અસરનો હૂબહૂ ચિતાર આપે છે. લેખક આક્રંદ કરતાં વર્ણવે છે કે સ્વાતની સુંદર ખીણમાં મળતી બુદ્ધની પ્રતિમાઓ તોડવાની સાથે સાથે તાલીબાનના અનુયાયીઓ એ પ્રાંતના ગૌરવપૂર્ણ ઇતિહાસ, તેનાં બાળકોનાં નિદોર્ષ સ્વપ્નો અને સમાજની સંવાદિતતાને પણ તોડી રહ્યાં હતાં. રેડિયો પર અપાતાં સ્ત્રી-શિક્ષણવિરોધી એલાનો, સ્ત્રીઓના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધનાં ફરમાનો, વગેરે કેટલાક લોકોને સમાજ માટે આત્મઘાતક લાગતાં. તો કેટલાક લોકો પર આ પ્રવચનોનો પ્રભાવ એવો પડતો કે તેઓ ઉદાર હાથે ઉગ્રવાદીઓને ફાળો આપતાં. આવા વિભાજિત સમાજનો ઉગ્રવાદીઓ કઈ કઈ રીતે લાભ ઉઠાવતા અને બેનઝીર ભુટ્ટો જેવી સશકત મહિલા માટે પણ આ સમય કેટલો પડકારરૂપ હતો તેનું અહીં વર્ણન છે. બેનઝીરનું મૃૃત્યુ નાની મલાલા માટે એક મોટો આઘાત હતો. આ સંકુલ સંજોગોની વચ્ચે, જ્યારે તાલીબાન સતત રંગ બદલે છે ત્યારે, ઉદારમતવાદીઓનું એક નાનું જૂથ કેવી રીતે ઝઝૂમે છે તેના વર્ણનમાં મલાલાના ઘડતરનો બીજો તબક્કો વણાયો છે. તૂટી પડતી આશાઓ વચ્ચે કેમ આદર્શ માટે અડીખમ રહેવું તેનો પાઠ એ પિતા અને તેમના મિત્રો પાસે શીખે છે. અહીં મલાલાના ‘ગુલમકાઈ’ નામે બ્લોગ લખવાના અનુભવનું અને તેની અસરનું પ્રભાવક વર્ણન છે. તાલીબાનના નેતાઓના પશ્ચિમી કેળવણીના વિરોધ સામે મીડિયાને આપેલું એનું એક વિધાન ચોટદાર છે: ‘શિક્ષણ પૌર્વાત્ય કે પાશ્ચાત્ય હોતું નથી. શિક્ષણ માનવીય હોય છે.’ વિભાગના અંત સુધીમાં એક અગિયાર વરસની બાલિકા જાહેર જગતમાં હિંમતભેર ઝંપલાવી ચૂકી છે.

ત્રીજા, ચોથા, અને પાંચમા વિભાગોમાં મલાલા પર થયેલા હુમલા, તેની બેહોશીમાં બ્રિટન સુધીની સફર, તેની સારવાર, અને તેના બ્રિટનના નિવાસની કથા છે. આ વિભાગોનું ભાવનાત્મક પાસું વજનદાર છે. એક સામાન્ય ખુશખુશાલ સવાર પછી માતા-પિતાને દીકરી પરના હુમલાની ખબરથી થતો આઘાત, તેમની આર્દ્ર પ્રાર્થનાઓ, પાકિસ્તાનના કુશળ તબીબોએ બચાવેલું જીવન અને અનેક અજાણ્યા લોકોની હમદર્દીથી ફરીથી મળેલું સ્વાસ્થ્ય આ બધાંનું વર્ણન જકડી રાખે એવું છે. ખાસ કરીને પ્રમુખ ઝરદારીની ઉદારતા, સહાનુભૂતિ અને તેમની મુલાકાતનું વર્ણન રસપ્રદ છે. આખું યુસુફઝઇ કુટુંબ બ્રિટન આવી વસે છે અને દેખીતા અનેક લાભો અને તે માટેની કૃતજ્ઞતા છતાં, એકલવાયાપણાનો અને સાંસ્કૃતિક અંતરનો અનુભવ અહીં કરે છે એ આલેખાયું છે. કેટલાક વિવેચકોએ પુસ્તકને પશ્ચિમ તરફી ગણાવ્યું છે. અને વ્યકિતગત સ્વતંત્રતા તથા લોકશાહી માટેની અમુક દલીલોમાં કયાંક પશ્ચિમના આદર્શોનો સંદર્ભ છે. પરંતુ સાથે જ બ્રિટનમાં મહેમાનોના અભાવના અનુભવના વર્ણનમાં પશ્ચિમની આછી ટીકા પણ છે. મલાલાનાં પુષ્તુનમૂળ એવાં ઊંડાં છે કે તે પિતા સામે તેના જીવનના ધ્યેયને પણ પુષ્તુન દોહાને ફેરવી પ્રસ્તુત કરે છે.

પુસ્તકનો ઉપસંહાર એની કલગી સમાન છે. મલાલા હવે જાણે છે કે તે જગપ્રસિદ્ધ છે. તેણે દુનિયાના અનેક દેશોની સફર કરી લીધી છે. તેને અનેક પારિતોષકો મળી ચૂક્યાં છે, તેનું નામ નોબેલ પારિતોષક માટે મુકાઈ ચૂક્યું છે. પણ તે કહે છે કે મિંગોરામાં જ્યારે ઇનામ મળતાં ત્યારે થતી એવી ઉત્તેજના હવે થતી નથી. દરેક પારિતોષક એક જવાબદારીનો અહેસાસ કરાવે છે કે હજી કેટલું કામ બાકી છે. 2014માં મલાલાએ યુ.એન.માં આપેલા ભાષણમાં આખાય પુસ્તકનો નિચોડ, એનો સંદેશ છે. મલાલા જણાવે છે કે આ પ્રવચન તેણે માત્ર યુ.એન.માં હાજર લોકો માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે લખ્યું હતું. એ કહે છે: ‘ચાલો આપણે આપણાં પુસ્તક અને કલમ ઉઠાવીએ. એ આપણાં સૌથી શકિતશાળી હથિયારો છે. એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક, અને એક કલમ દુનિયા બદલી શકે છે.’ જગતના અગ્રગણ્ય લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે તેના પિતાના કહેવા મુજબ જ તે ક્ષણમાં તે આખા વિશ્વની દીકરી બની ગઈ. પુસ્તકનો અંત અલ્લાહ માટે પ્રેમ અને એમની કૃપા માટે કૃૃતજ્ઞતાની અભિવ્યકિતથી થાય છે. હવે ‘મલાલા કોણ છે?’ તે પ્રશ્નના જવાબ અનેક છે. મલાલા જાણે છે કે એની નાની જિંદગીમાં ઘણું ઘણું બદલાઈ ચૂક્યું છે. તેમ છતાં તેનું અંતરમન એ જ છે. અંતમાં એ કહે છે: ‘હું મલાલા છું. મારું જગત બદલાઈ ચૂક્યું છે, પણ હું નહીં.’

*

આ પુસ્તકને અનેક પારિતોષકો મળ્યાં અને ક્યાંક ટીકા પણ થઈ છે, ખાસ કરીને મલાલા પર તેના સહલેખકની અસર માટે. એમ કહેવાયું છે કે પુસ્તકમાં ધાર્મિક ઉગ્રવાદ, ભ્રષ્ટાચાર કે પશ્ચિમની ટીકામાં જોશીલાપણું ઓછું છે. પરંતુ આ પુસ્તકનું મૂલ્ય તેની નિર્દોષતા અને સૌમ્યતામાં જ જણાય છે. માતા-પિતા પ્રત્યેના અહોભાવ, ભાઈઓ માટેનું વહાલ, સહેલીઓ સાથેના સ્નેહ અને બાલિશ ઇચ્છાઓની અભિવ્યકિત ક્યાંક મુખ્ય વિષયથી દૂર જરૂર લઈ જાય છે. પણ એ પુસ્તકને એક તાજગી ય બક્ષે છે. તાલીબાન સામે લડવાની હિમ્મત માટેની અને બે ઈંચ વધુ ઊંચાઈ માટેની અલ્લાહને પ્રાર્થના મલાલા માટે એકસરખી સહજ છે. એની અભિવ્યકિતમાં ક્યાંય કૃત્રિમતા નથી. આ કારણે એ હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. તરુણો પર સાચે જ તે ઊંડી અસર કરે છે. દરેક તરુણી-તરુણને, તેમનાં માતા-પિતાને, તથા શિક્ષણ-ચાહક દરેક વ્યકિતને આ પુસ્તક ભેટ આપવા જેવું છે.

*

નીલિમા શુક્લ-ભટ્ટ
વિવેચક-સંશોધક.
અધ્યાપક, વેલેસ્લી કોલેજ,
માસેચ્યુસેટ્સ.
અમેરિકા.
neelishukla@gmail.com
1-315-256-8397

*