અશ્રુઘર/૧૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭

સાડીઓ ધોઈને લલિતાએ રતબાવળ પર સૂકવી. પાળ પર પડેલા કમલદંડ લઈને તેના કટકા કરતી કરતી તે માછલાં પકડતા ભીલ બાળકોને જોઈ રહી. કાલ સાંજના પ્રસંગથી પોતાની મધુસૃષ્ટિ ધૂળમાં મળી ગઈ હતી. પોતાના જીવનપંથ પર પાછળ દૃષ્ટિ કરતાં એને એટલું તો દીવા જેવું દેખાતું હતું કે આજ લગી પોતે નક્કર વાસ્તવિકતા પર પગ મૂકતી આવી હતી. કાંટાળી ધરતી પર સુંવાળપનું સ્વપ્ન ન હોય, ને હોય તો એય ટકેય કેટલું? પોતાના નિશ્ચયને એણે મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો. જીવન વીતી જશે એ સ્પષ્ટ હતું. એણે પાછળ જોયું. પાળની બીજી બાજુ સ્મશાનભૂમિ હતી. થોડાક મહિનાઓ પહેલાં મૃત્યુ પામેલા એક મનુષ્યની રાખ હજી દેખાતી હતી. ખાસ્સાં બે મનુષ્ય સૂઈ શકે એટલો એનો પથારી–વિસ્તાર હતો.

એ સમસમી ઊઠી.

રતબાવળના છોડ પર સુકાતી સાડીના છેડાને કૂતરું પ્રાણીસહજ આનંદથી ખેંચતું હતું. ઓચિંતો ‘હડ્ડે’ શબ્દ આવતાં બપોરી એકાંતમાં બેઠેલી વિધવાની પીઠ ધ્રૂજી ઊઠી. સ્મશાનભૂમિનું ભૂખ્યું પ્રેત ભરબપોરે જાગી ઊઠયું હોય એવો વંટોળ ઝાડીમાંથી બહાર આવ્યો.

‘તમારો હાલ્લો ખેંચતું’તું મારું સાલું.’

લમણું ખજવાળતો રતિલાલ હીહી કરવા જતો હતો ત્યાં જ એને તમાચો મારતી હોય એમક લલિતા બોલી ઊઠી :

‘ભલે ખેંચતું. તમારા શરીર પરનો સાલ્લો તો નથી ખેંચતું ને!’ એ ઝટપટ નીચે ઊતરી પડી અને સાડીને એમની એમ વાળી લઈને ક્ષણવારમાં તો પાળ પર ચાલી ગઈ. છોભીલો પડી ગયેલો રતિલાલ એની પીઠ જોવા પણ ન રહ્યો.

*

તાળું ખોલીને એ ખંડમાં પ્રવેશી.

થોડી વાર પછી સત્ય દેખાયો.

‘તમે?’ લલિતાને કંઈ કહેવું હતું. મૌન રહી.

‘તને હું જરૂર મારા ઘરમાં લઈ જઈશ. લલિ, તને ખબર છે મનુષ્યના હૃદયમાં જે વસ્તુ રોકાઈ ગઈ હોય તેને ઉજ્જડ કરવી હોય તો મૃત્યુ સિવાય બીજો ઉપાય નથી. મને ખબર પડી છે. મા તારી પાસે આવી ગઈ છે. અને તને સમજાવી ગઈ લાગે છે. તું મારી લલિતા હોય તો તું એમનું કહ્યું નહીં સમજે. લલિ, મારા અંતર્યામીએ અત્યારે મારી બુદ્ધિ લઈ લીધી છે. તને શી રીતે હું સમજાવું કે તારો સત્ય કદીય સૂર્યા જેવી છોકરીનો ન થઈ શકે. મને ભાભીએ, માએ, સ્વજનોએ છેતર્યો છે. લલિ, સૂર્યાએ મારી સામે પ્રેમનું છલ કર્યું છે. પ્રેમનું છલ! તું કલ્પી શકે છે એ? હમણાં મને અહેમદે બધી વાત કરી. લલિતા, તું સૂર્યાની વાતને સાંભળે તો તને પણ ચીતરી ચડે. એ મને એનો પતિ બનાવીને એનો માર્ગ સરલ કરવા માગે છે. નહીં તો આ લગ્ન આટલું વહેલું કેમ કરે? તું કેમ ચૂપ છે? તને ખબર નથી; સત્ય મૂંઝાઈ ગયો છે? મારો અહેમદ કદી અસત્ય ન બોલે. મેં લગ્નની વાત મોડી ઠેલવા કહ્યું ત્યારે ભાભીએ ઝઘડો કર્યો. એણે મને બધાના દેખતાં શું કહ્યું ખબર છે તને? મને કહે છે, સૂર્યાને તમે પરણ્યા પહેલાં પત્ની તરીકે રાખી છે. લલિ, આ માણસો જોયાં તેં! તારા સત્યને કેવો ચરિત્રહીન સાબિત કરવા બેઠાં છે તે? સૂર્યાના વર્તનને સમજવાની સમજ મને કાલે–આજે જ આવી. મને એ પ્રેમ કરવા કેટલી તલપાપડ થઈ રહી હતી? ને હું પણ…મેં પણ… તેથી શું એમ કહી શકાય કે મેં એને પત્ની તરીકે ભોગવી? રાક્ષસો છે બધાં. ચાહવું એ કંઈ ગુનો છે? મેં ક્યારે કોઈનો તિરસ્કાર કર્યો? લલિતા તું ક્રૂર ન થઈશ, બોલ કંઈક તો બોલ! સૂર્યાને મેં પ્રેમ કર્યો હતો પણ મારો ભગવાન જાણે છે કે લલિનો સત્ય અને સૂર્યાનો સત્ય ભિન્ન છે, સાવ જુદા છે. સૂર્યા આગળ મેં મારો મનોભાર હળવો કર્યો હતો, એ વર્તનને પ્રેમ કહેવાય? તને હું ચાહું છું એવો જીવતો પ્રેમ કહેવાય એવું હું નથી માનતો, ક્યારેય નથી માનતો. પણ એમ કરવામાં મારી નબળાઈ અવશ્ય છે, અને એ નબળાઈનો જ આ રાક્ષસોએ લાભ લીધો છે. અહેમદ મને બેત્રણ વખત કહેતો હતો તું મને મળ. મારે તને ખાસ વાત કહેવી છે. એની ખાસ વાત પણ કેટલી મોડી પડી, મારો હિતેચ્છુ….શું કરું? પણ ઓ મૂંગી, મેં નક્કી કર્યું છે, તને હું મારા ઘરમાં લઈ જઈશ. તને મારા શ્વાસોશ્વાસ અર્પીશ. પણ તું ચૂપ છે એ હું સહન નથી કરી શકતો. તું ધાર કે મારી જગ્યાએ તું જ હોય તો તું શું માર્ગ કાઢે? અહેમદ તો કંઈ બોલ્યો નહીં. મને કહે : તું મારા કરતાં એકબે ચોપડી વધારે ભણ્યો છે. મા કહે છે અમને દુ:ખી ન કરીશ, માબાપ મને દુ:ખી કરી શકે, નહીં? મને સમજાતું નથી માને સૂર્યાએ શું ખવડાવ્યું છે! એણે જ મને, સૂર્યા વળગાળવા આ પેંતરો રચ્યો છે, ભાભીએ ઝઘડો કર્યો એટલે જ મને તો ખબર પડી. અને પેલો રતિલાલ? લલિ, તું જ કહે કોઈના વ્યભિચારને હું શા માટે આશ્રય આપું? હું ઓછો ધર્મરાજ છું? મેં તો કહી દીધું એવી છોકરીને હું નહીં સ્વીકારું. મારી સામે છલ કરીને આવે તો તો કદીય નહીં સ્વીકારું. તું નાલાયક બોલતી કેમ નથી? લુચ્ચી….’

સત્યનો ક્રોધ ખંડ બહાર જતો હતો. એને હવે કશી મર્યાદા રહી નહોતી.

‘તારી ચૂપકીદી પણ આ દુષ્ટ જમાતને ટેકો આપે છે, ખરું ને? મને લાગે છે મારી પરિસ્થિતિથી તું વાકેફ થઈને હવે તું પણ એનો લાભ લેવા માગે છે. પણ યાદ રાખ, તારે પસ્તાવું પડશે. તને કહી રાખું છું, મને દુ:ખ થાય એવું તારું પગલું–વર્તન હું નહીં ચલાવી લઉં. તને હું બાંધીને મારા ઘરમાં લઈ જઈશ. તારે આવવું જ પડશે. તારે મારું કહેવું માનવું પડશે. તને એ પણ કહી રાખું કે હું આ કપટી લોકોની જાળમાં ફસાવા નથી માગતો. સૂર્યા મારી પત્ની હવે નહીં થઈ શકે! એને એવો અધિકાર હોય પણ નહીં. તું ચૂપ કેમ છે?’

લલિતા માત્ર ‘હું કમનસીબ છું’ એટલું જ બોલી. પ્રાયસમ સળગાવેલો હતો તે બંધ કરી દીધો. બારણા આગળ મંજુ આવીને ઊભી હતી.

‘કેમ આવી તું અહીં? તને એ લોકોએ મોકલી ખરું ને?’

સત્યે મંજુને છાછિયું કર્યું. નાનકડી બાળકી ફફડી ગઈ. ‘હોવે’ કહીને પાછી ખસી ગઈ.

સત્ય પણ એની પાછળ પાછળ લલિતાને કંઈ કહ્યા વગર ગયો.

એને તો હવે લલિતા પર પણ શક જતો હતો, માનું કહ્યું એ માની ગઈ હશે. નહીં તો એ પોતાના દુ:ખને હળવું કરવામાં સાથ આપ્યા વગર ન રહે. આંગણામાં ખાટલા ઉપર વડીઓ સુકાતી હતી. એમાં બકરી મોં નાખવા જતી હતી.

‘રમતી.’ સત્યે બૂમ પાડી.

બકરી દોડતી દોડતી સત્ય સામે આવી. સત્યને વડીઓનો ખાટલો ઊભો કરી નાખવાનું મન થયું.

*

લલિતા એકલી પડી. બારણા આગળથી નિશાળનું રખોપું કરનાર માથે લૂગડું વીંટાળતો સરકી ગયો. ઊંડેથી ભયજનક આકૃતિ એની નજર આગળ તરવરી ને છાતીની ભીરુ સસલીઓ ક્યાંક નાસી જવા ઊછળી. આ ફાટેલું પહેરણ પહેરેલો પુરુષ પણ…થાંભલાનો ટેકો લઈને પોતાના બારણા આગળ બીડી ફૂંકતો હતો.

‘તમે આ નિશાળના રખેવાળ છો ને? હેડમાસ્તર કહેતા હતા તમે બીડી ખૂબ પીઓ છો.’

એના મોં પર આનંદ પથરાઈ ગયો. આવી ભણેલી ગણેલી સ્રી પોતાને બોલાવે એમાં એને એક પ્રકારનો આનંદ આવ્યો.

‘હોવ બોંન, બીડી વના અમારા લોકોને એક પલેય ના ચાલે. વચમાં તો વનમારીની માનેય આ વેસન ચડી ગએલું. તે બોંન ઓ ચડયું ઓ ચડયું કે હું પીપીને ઠંૂઠાં નાખી દૌ એનેય એ અવરથા ના જવા દે. ને મારો પિત્તો ગયો કે છોડવું પડયું, બીજું તો મને કંઈ નહીં પણ મણી રડે એનેય ના લે એવું તે એવું વેસન એનું.’

પછી ધીમેથી કહે :

‘તમે બોંન વનમારીને પૂરીઓ આલેલી તે ચાખી’તી હાંકે, બર્યું. એનો સ્વાદ હજીય દાઢમાં રહી ગયો છે.’

પાછું એને કંઈ સાંભળી આવ્યું હોય એમ, ‘બેહો ત્યારે મારે જરા મધ ઉતારવા જવું છે. ગૈ કાલ આખી ઝાડી રખડયો ત્યારે કળશો હાથ આયું. એમાંથી આઠશેર બાજરી આઈ. એમાં તો બોંન શું થાય? આજ લાટ તરફ જવું છે. એક લેંમડો ભાળમાં છે.’

ભલુ ઊભો થયો.

‘તમને ખોટું ન લાગે તો એક વાત કહું, ભાઈ?’

‘ખોટું શેનું લાગે અમને?’

‘આ તમે માથે કપડું વીંટાળ્યું છે, એ મને નથી ગમતું.’

‘આ હીહીહી…હીહી.’ કરતો ભલું હસી પડયો.

‘હું તો બર્યું હેરત પામી ગયો. બીડી તો જાણે હમજ્યા કે ધૂણીની ગંધ ના ગમે પણ—’ પાછો હસી પડયો.

‘પણ બોંન મારી હોનડી મને યાદ આવે છે. એને હું ખભે લાકડી મેલું એ ના ગમે. એની માને એક દા’ડો મેથીપાક ચખાડયો’તો એટલે જ મારી બેટીને લાકડી નહોતી ગમતી. કાલે જ એની હાહરીમાં જતો આયો’તો. મધ વેચવા ગયો’તો તે વચમાં વિચાર આયો કે લાવ ત્યારે આંટો મારી આવું ને રૂપિયો બુપિયો આલતો આવું. બેહો ત્યારે.’ કહીને એ ચાલવા માંડયો. લલિતાએ જોયું તો માથાનું લૂગડું એણે કેડે વીટાળ્યું હતું. એને હસવું આવ્યું ને કાને ઢોલ સંભળાયું.