અહો બત કિમ્ આશ્ચર્યમ્/સમયનાં રૂપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સમયનાં રૂપ

સુરેશ જોષી

સમય વહે છે એમ કહીએ છીએ ત્યારે જાણે સમયનો પ્રવાહ એક દિશામાંથી નીકળીને બીજી દિશા તરફ વહી જતો હોય એવી સરળ વાત આપણે કરીએ છીએ. વાસ્તવમાં સમયની ગતિ એટલી સરળ હોતી નથી. માત્ર ગતિ જ શા માટે, સમયની અગતિને પણ લક્ષમાં લેવી જોઈએ. જાગૃતિના સમય ઉપરાંત સ્વપ્નના સમયની પણ નોંધ લેવી જોઈએ. બાળપણમાં સમયના ચક્રનાં ચિહ્નો આપણા મુખ પર અંકાતાં નથી. પ્રૌઢાવસ્થામાં સમયના આંકા સ્પષ્ટ દેખાવા માંડે છે. પણ સમય ખાસ તો દેખાય છે આંખના આકાશમાં, ધીમે ધીમે દૃષ્ટિની તરલતામાં ગામ્ભીર્યનો અણસાર દેખાવા લાગે છે, પછી એ ગામ્ભીર્ય વધુ ઊંડું બને છે. કોઈએ કાળને શી રીતે જીરવ્યો તે જો જાણવું હોય તો એની આંખને જોવી ઘટે. ઘણાંની આંખો સમયના વીતવા સાથે છીછરી થતી જાય છે. સમયનો પ્રપાત એમાં દેખાતો નથી. રેતાળ પટવાળી નદીના જેવી એ જિંદગી હોય છે. પણ કોઈકની આંખોમાં સમય પોતે જાણે નવું પરિમાણ પામે છે. એ નવા પરિમાણમાં દિવસરાત, જન્મમૃત્યુના દ્વંદ્વથી પર એવા કશાકની ઉપલબ્ધિ રહી હોય છે. આ ઉપલબ્ધિ આંખને નવા અંજનથી આંજી દે છે. એ ચૈતન્યનો ચમકારો સમયને એના તેજથી વીંધી નાંખે છે.

સમય આપણી પાસે આવે છે તો પતંગિયાના જેવી ચટુલ ગતિએ ક્ષણને રૂપે. એ ક્ષણનો કશો ભાર નહીં, એ જાણે ભૂમિતિનું બિન્દુ, એ છે એટલો જ એનો ભાર. તો પછી સમયને આપણે ભારે કેમ બનાવી દઈએ છીએ? સમયને કશાક લોભથી થંભાવી દેવો જોઈએ, કશાક લોભથી થોડીક ક્ષણોનો સરવાળો કરવા જઈએ એટલે ભાર લાગવા માંડે. સમયને રૂંધવા જઈએ તો એ આપણને રૂંધી નાંખે.

આમ કહું છું છતાં એ હકીકત તો સ્વીકારું જ છું કે આપણી ચેતના સમયની વિક્ષિપ્ત ક્ષણોમાં સાતત્યનું સૂત્ર પરોવવાનું સ્વભાવથી જ લઈ બેસે છે. ક્યાંક એમાં ગાંઠ પડી જાય, ક્યાંક તંતુ છેદાઈ જાય ત્યારે વેદના થાય છે. પણ વેદના આટલા પૂરતી જ હોતી નથી. એક રૂપ, અખણ્ડ સમયની ઉપલબ્ધિ આપણને થતી નથી. આથી ‘આગળ’ ‘પાછળ’ એવા એના ભાગ પડે છે. ‘પાછળ’નો સમય ‘આગળ’ના સમયના રૂપને બદલે છે. અહીંથી બધી ગૂંચ શરૂ થાય છે. સમયને છેક તળિયે પડી રહીને, સપાટી પરના બધા ક્ષોભથી નિલિર્પ્ત બનીને, જીવવા જઈએ તો જડ થઈ જવાય; સમયના તરંગો અને મોજાંઓ સાથે ઊછળીને જીવવા જઈએ તો કદાચ ચૂર્ણવિચૂર્ણ થઈ જવાય. સમયમાં રહેવું, છતાં એનાથી પર રહેવું એ મોટી સમસ્યા છે.

કાળની પગલી ભૂંસી નાંખવાના માનવીએ કેટલા પ્રયત્નો કર્યા છે! એમાંથી જ શૂન્યવાદ જન્મ્યો છે. અસ્તિત્વવાદીઓ કહે છે કે ચેતના શૂન્ય છે. એ તો એક પરાવર્તક સપાટી માત્ર છે જે પ્રતિબિમ્બ ઝીલે છે. એની આગવી કોઈ સત્તા નથી. પણ આ બધાં પ્રતિબિમ્બો પણ અવશેષમાં કશુંક મૂકી જાય છે, એ અવશિષ્ટમાંથી ધીમે ધીમે પિણ્ડ બંધાવાની સાથે જ બધી મુશ્કેલીઓ શરૂ થાય છે.

કોઈક વળી સમયને સમયથી છેદવાની પણ વાત કરે છે. ગીતામાં કર્મ વડે કર્મના લોપની વાત કરવામાં આવી છે. પણ એ એક શક્યતા લેખે જ સ્વીકારી શકાય. કર્મ એની છાપ મૂકી જાય છે, એને ભૂંસવા માટે બીજું કર્મ. પણ કાંટા વડે કાંટો કાઢવા જતાં કશી ઇજા ન જ થાય એવું માનવું તે ભોળપણ છે. આથી જ તો સમય એટલે આકાશ એમ માની લેવું વધુ સુગમ થઈ પડે છે. સમયના આદિ અન્ત જ છેદી નાખો એટલે બધી ઉપાધિનો અન્ત આવી જાય.

માનવીની વિચિત્રતા એ છે કે સમયને ભૂંસવા ઇચ્છતો છતાં એ સમયનું પગેરું શોધવાને સદા મંડ્યો રહે છે. લાખ વરસ પહેલાંના અશ્મીભૂત અવશેષને શોધીને એના પરથી સમયની છાપને એ ઉકેલે છે, અસ્થિ, સિક્કા, પથ્થર – આ બધું જ એ ફેંદી વળે છે. વૃક્ષના થડને વહેરીને એના પર પડેલી સમયની ભાતને એ છતી કરે છે.

સમય શિશુની આંખમાં સેલારા મારે છે, એના પ્રચણ્ડ મોજાં યૌવનમાં ઊછળે છે ને વૃદ્ધાવસ્થામાં એના ઓટનાં ઓસરતાં મોજાં દેખાય છે એમ કહેવું એ પણ યોગ્ય નથી. ઘણાં એવી જિંદગી જીવે છે કે સમયને હાથે પોતાનો લોપ થવાનું પણ એમને ભાન થતું નથી. ઘણાં સમયને નાથવા મથે છે, ઘણાં સમય સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે. પલાણેલા અશ્વની જેમ સમયને આરોહવાનું તો બહુ ઓછાથી બની શકે છે.

ઝાકળના ટીપામાં, ખીલતી કળીમાં જે સમય રહેલો છે તેને બાળપણમાં આપણે ઓળખતા હતા, કારણ કે ત્યારે ઓગળી જવું, ભળી જવું, એકાકાર થઈ જવું એને માટે સાધના કરવી પડતી નહોતી; ત્યારે એ આપણો સ્વભાવ હતો. ત્યારે આપણે શ્વાસને જાણતા હતા, નિ:શ્વાસને નહીં. પણ પછી બધું બંધ કરી દેવાની, સાચવી રાખવાની વૃત્તિ થવા લાગી. બંધાવું કે બાંધી લેવું એ પોતે કોઈ ખોટી વસ્તુ છે એવું હંમેશાં નથી. કોઈકના જીવનમાં સમય મોતીની જેમ બંધાઈને તેજ પ્રાપ્ત કરે છે, પણ એ તેજ કેવી તો વેદનાના ગર્ભમાં ઘુંટાતું હોય છે! બાળકની પાટીમાં રમતિયાળ લઘુક હાથે લખેલો એકડો અંકગણિતની જટાજાળનો ભાર ઉપાડતો નથી, કારણ કે એને આલેખનારનું મન હજી એ જટાજાળમાં ફસાયું હોતું નથી. તેમ સમયને પણ એના વિસ્તરેલા પ્રપંચમાંથી સારવી લેવાનું શક્ય તો હોવું જ જોઈએ. સૂર્યના ક્રમણથી સમયનું માપ માનવી કાઢવા મથ્યો. પણ સૂર્યને બીજી રીતે જોઈ શકાય. ગતિ અગતિના બે ધ્રુવ વચ્ચે જ જાણે માનવીની કલ્પના એની પાંખો પછાડ્યા કરે છે. આથી સાપેક્ષતા એ જ એની સૌથી મોટી ઉપાધિ છે.

સમયને નાથવાનું છોડો. સમયથી ભાગવાનું છોડો, એને બદલે સમયને ભોગવો, સમય આપણા ઉપભોગના આનન્દથી પુષ્ટ બને છે, આપણા ભયથી નહીં. સમય આપણી વેદના ભરવાનું પાત્ર નથી. એને ઉત્સવની ધજાપતાકાની જેમ પવનમાં ફરફર ફરકવા દો. સમય આપણા શ્વાસોચ્છ્વાસનું કારાગાર નથી. સમય આપણા જીવનની ક્રીડાનું પટાંગણ છે, જેને ક્ષિતિજોની સીમા નથી. સમય એ લોભથી ચોરવાની વસ્તુ નથી, ઉદાર બનીને લુંટાવવાની વસ્તુ છે. સમય અનેક સાંધાવાળી ફકીરની ગોદડી નથી, એ નવસ્ત્રા નરવા શિશુના દેહની કાન્તિ છે. સમયની અવળી છબિ જોનાર મૃત્યુનું રૂપ જોઈને છળી મરે છે. પણ સમયને સવળે રૂપે જોનારા બહુ ઓછા હોય છે. સમય જીર્ણ થતો નથી, આપણી દરિદ્રતા જ એને જરાજીર્ણ બનાવે છે. સમયના ગર્ભમાં રહસ્ય છે એમ માનીને એનાં પડ ઉકેલનારા જે શૂન્ય સુધી પહોંચે છે તે શૂન્યનો પહેલેથી જ સાક્ષાત્કાર કરી લીધેલો સારો.

21-5-71