અહો બત કિમ્ આશ્ચર્યમ્/સર્જકની લોકપ્રિયતા
સુરેશ જોષી
ખુશનૂમા કહેવા લલચાઈ જઈએ એવી આબોહવા છે. સૂર્યનો આભાસ છે. તાપ નથી. પવન ઉદ્ધત નથી. શીતળતા છે, પણ યોગ્ય માત્રામાં, છતાં વિષાદ પુષ્ટ થાય એવું વાતાવરણ તો છે. વૃક્ષો અને એની છાયાનું અદ્વૈત સિદ્ધ થયું છે. બધું અર્ધપારદર્શક છે. આથી દૃશ્ય માત્રમાં વ્યંજનાનું તત્ત્વ રહ્યું છે. થોડુંક આપણી કલ્પનાથી ઉમેરવાનું રહે છે. પણ સાહિત્યશાસ્ત્ર જેને ઉચ્ચ કોટિની કવિતા કહે છે તે લોકપ્રિયતાના દરબારમાં માન્યતા મેળવી શકતી નથી. આગલી પેઢીનો શિષ્ટ જનસમૂહ અને આ પેઢીનો સમકાલીન લોકસમૂહ – બે તરફથી વિરોધ થાય છે. વચલો એક વર્ગ છે જે તટસ્થ છે એમ નહીં કહું, એ વર્ગ ઉદાસીન છે. એ કળાવિહીન વર્ગ ભદ્ર લોકોમાં છે, ધનિકોમાં છે અને શિક્ષિતોમાં પણ છે. આનન્દકુમાર સ્વામીએ આ અભણ શિક્ષિતોની અશિક્ષિતતાની ચિન્તા કરેલી. દુર્ભાગ્યે એ વર્ગ વધતો જાય છે.
આવી પરિસ્થિતિને કારણે સર્જક સાથે લોકપ્રિયતાને જોડવા જઈએ તો એ સર્જકની નિન્દા કરીએ છીએ એવું લાગવાનો સમ્ભવ રહે છે. વાલેરીએ આ લોકપ્રિયતાની ઠેકડી ઉડાવેલી. વાલેરીએ કહેલું : ‘ત્રીસ લાખ લોકોની કદમબોસી કરવાનું વિચારી તો જુઓ, કમર ભાંગી જશે!’ બ.ક.ઠાકોરે તો કહી દીધેલું : જુવો, ઉઘાડું આ કમાડ. આમ કમાડ ચીંધીને એમણે લોકપ્રિયતાને વિદાય કરેલી. સો જણને ખુશ કરવા હોય તો બહુ ઓછાંની જરૂર પડે. વળી ત્રીસ લાખને સન્તોષનાર પોતાની જાતથી પણ વધુ સન્તુષ્ટ હોય છે એવું પણ કેટલાક માને છે. આપણે ત્યાં તો જડભરતોને ખોટી રીતે પંપાળવામાં નથી આવ્યા. સાહિત્ય અને કળા તો તદ્વિદ અને સહૃદયના પરિતોષ માટે જ છે.
સાહિત્યમાં જ્યારે નવાની ટીકા થાય અને જૂનાની પીઠ થાબડવામાં આવે ત્યારે આપણે માત્ર જો આટલું જ વિચારીએ કે જો આજનું નવું પચ્ચીસ વર્ષ પહેલાં લખાયું હોત અને જૂનું જો હમણાં લખાતું હોત તો શું થાત? સાહિત્યજગતમાં અમે જ આ શોધ કરી એવું કહેવું બાલિશતા છે. આ બધી ‘શોધો’ અમુક તબક્કે થતી રહે છે. ફરી એ બધું જૂનું થાય છે, ફરી નવાંને રૂપે રજૂ થાય છે.
લોકોને ચકિત કરી દેવા એ સાહિત્યનું લક્ષ્ય હોઈ શકે ખરું? આપણે ત્યાં ‘ચમત્કાર’ને લક્ષ્ય માન્યું છે. પણ એ વિસ્મય એક વિશિષ્ટ પ્રકારનો વિસ્મય છે. મર્યાદિત સ્વરૂપના વિસ્મયને સાહિત્ય સાથે કશી લેવાદેવા નથી. જેનાથી ચેતોવિસ્તાર થાય તે વિસ્મયની જરૂર છે. કશુંક અણધાર્યું ઓચિંતું બની આવે તે સ્વરૂપનો વિસ્મય પરમ્પરા સર્જી આપે, જેથી ઉન્મેષે ઉન્મેષે બધું નવીન લાગે તે સાચો વિસ્મય. સૌન્દર્ય આપણને ચકિત કરે છે તે અણધાર્યો આઘાત આપીને નહીં. એમાં એવો અભૂતપૂર્વ અન્વય હોય છે જેની આપણે આપમેળે કલ્પના જ કરી ન હોત.
વસ્તુના ક્ષયિષ્ણુ તત્ત્વમાં એની નવીનતા રહેલી છે એ જો ન સમજીએ તો નવીનતાની બડાશ મારવાનું કદાચ ન સૂઝે. નવીનમાં ભય એ રહ્યો હોય છે કે એ આપોઆપ નવીનતા ખોઈ બેસે છે, જેમ આપણે જુવાની ખોઈ બેસીએ છીએ તેમ. આ ક્ષતિનો પ્રતિકાર કરવો એટલે નવાનો વિરોધ કરવો, હું નવું જ મરણિયો બનીને શોધું તો આત્મવિનાશ વહોરી લઉં. જો હું આત્મવંચના કરું તો કદાચ બચી જાઉં. જે લોકો કેવળ કોઈ પણ પ્રકારના પરિવર્તનમાં રાચે છે તેમને જ નવીન અપીલ કરે છે. આપણી જ કોઈ જૂની ખેવનાને સન્તોષવામાં જ નવી નવી શ્રેષ્ઠતા રહી છે.
ટકી રહેવું, કાલજયી થવું એટલે શું? દરેક કળાકારને આવી છૂપી કે પ્રગટ મહત્ત્વાકાંક્ષા રહી હોય છે. એ ભવિષ્યના પર પોતાની છાપ આંકી દેવા ઇચ્છે છે. પણ ભવિષ્યની પેઢી આપણી કૃતિનું પરિવર્તન કરી નાખે છે. આપણે એને જે રૂપે જાળવી રાખવા ઇચ્છતા હતા એ રૂપે એ રહેતી નથી. આપણી સાથેનો એનો સમ્બન્ધ છૂટી જાય છે, પછી મમત્વનું સૂત્ર છેદાઈ જાય છે. એને ‘મારી અમરતા’ કહેવાનો કશો અર્થ રહેતો નથી. જે કૃતિ આવાં પરિવર્તન પામીને ટકી રહે તે જ કાલજયી કહેવાય. આવાં રૂપાન્તરોની શક્તિ એણે પોતાનામાં એના સર્જકથી પણ અણજાણપણે પ્રગટાવી હતી માટે એ ટકી રહે છે. તેથી જ એનાં અનેક મર્મઘટનો શક્ય બની રહે છે. આથી એના સર્જકોથી સ્વતન્ત્રપણે નિપજી આવે છે. એ તો એની પછીની પેઢીનું સહૃદયોનું અર્પણ હોય છે. તબક્કો બદલાય, રાષ્ટ્રનો મિજાજ બદલાય તેમ એનું મૂલ્ય વધતું જાય છે. એવા તબક્કા પણ વચ્ચે આવી જાય છે કે જ્યારે એ કૃતિની કશી ઉપયોગિતા કે કશું પણ મૂલ્ય જ લોકોને મન ન વસે. આપણા કાલિદાસ ભવભૂતિને દયારામે કે પ્રેમાનન્દે જાણ્યા હતા? એ આખા કાવ્યસાહિત્યને આ કવિઓ વગર ચાલ્યું. એકાદ ભાલણ બાણ તરફ વળ્યો. પણ્ડિતયુગમાં એ બધી કૃતિઓના અનુવાદો થયા, એનો પરામર્શ થયો. એની પછીના ગાંધીયુગમાં વળી એની ઉપયોગિતા ઘટી. પણ્ડિતયુગની આબોહવામાં જ જેઓ ઊછર્યા હતા તેમનામાં થોડી આસક્તિ રહી. આજે પશ્ચિમના વિપુલ કાવ્યસાહિત્યનાં પૂર બધે ફરી વળ્યાં છે ત્યારે વળી એ કવિઓની ઉપયોગિતા ઓછી થઈ છે. છતાં ભવિષ્યમાં વળી એમની ઉપયોગિતાનો તબક્કો આવશે. આને જો કહેવી હોય તો અમરતા કહી શકાય. ગાંધીએ જે આદર્શો માટે જીવન સમપિર્ત કર્યું તે આદર્શો ઉદાત્ત હતા, સનાતન હતા. પણ એ પ્રતિધ્વનિ રૂપે લખાયેલ કવિતા કેમ માત્ર પ્રાસંગિક બની ગઈ? ગાંધીજી આજે ભુલાયેલા લાગે, વળી એવો તબક્કો આવશે જ્યારે એમની ફરી પ્રતિષ્ઠા થશે પણ ગાંધીઆશ્રયી કવિતા પુનર્જીવન નહીં પામે. આમ જે થઈ ચૂક્યું છે તે મરી ગયું છે એવું માનવાને કારણ નથી. એવી ‘મૃત’ કૃતિ પરીકથાની નિદ્રિતા રાજકુંવરીની જેમ આળસ મરડીને એકાએક બેઠી થઈ જાય તો નવાઈ નહીં. આથી પોતાનું રહસ્ય દીર્ઘકાલ સુધી પ્રચ્છન્ન રાખી શકે તે કૃતિ શ્રેષ્ઠ. દરેક તબક્કાએ રહસ્યની શોધ થાય, સહૃદયો એનું પુનર્ભાવન કરે છતાં દીર્ઘકાળ સુધી તો એવી જ ભ્રાન્તિ વ્યાપી રહે કે જાણે એમાં કશું રહસ્ય નથી. રહસ્ય હોય ત્યારે જ એનો ઉપરદેખાડો હોતો નથી.
આમ છતાં કેટલીક કૃતિઓ એવી હોય છે જેણે આકસ્મિક રીતે સર્જકથી નિરપેક્ષ રીતે, કેટલીક વિલક્ષણતાઓ નિપજાવી હોય છે. આ વિલક્ષણતાનું મહત્ત્વ નથી, પણ એ નવી દિશા તરફ અંગુલિનિર્દેશ કરે છે. પોતે એ દિશામાં જઈ શકતી નથી હોતી. પણ એની દ્વારા જ નવી આશાની ઝલક દેખાય છે, નવા ક્ષેત્રનો અણસાર મળે છે, અને કૃતિ રચીને તેના ઢગલા નીચે દટાઈને મરી જનાર પણ સર્જકો હોય છે. એ સર્જક તો વિસ્મરણમાં જ લુપ્ત થઈ જાય છે. પણ એ ઢગલા ઉપર ઊભો રહીને પાંખો ફફડાવીને કોઈ નવીન સર્જક પોતાનું ઉડ્ડયન આરંભે છે. જ્યાં પેલો લેખક થાકીને ઢળી પડ્યો હોય છે ત્યાં કોઈ નવી જ શક્તિવાળો સર્જક આવીને પોતાનો આરમ્ભ કરે છે. પેલા લેખકની જીર્ણતાના ખણ્ડેરમાંથી જ એ નવીનતાનું બીજ શોધી કાઢે છે. પેલા લેખકના સંશયોની ઓથે સંતાયેલા સત્યનો એ ઉદ્ધાર કરે છે. સાહિત્યનો સાચો ઇતિહાસ આ બધાંની નોંધ લે છે.
માનવીના એવા પ્રચણ્ડ પુરુષાર્થને અન્તે જે સિદ્ધ થતું આવે છે તેને આપણે ‘પ્રભુની પ્રેરણા’ કહીને ઓળખાવીએ છીએ. કદાચ ઈશ્વર કરતાં માનવી વધુ નમ્ર છે કે પછી પોતે જે કહી રહ્યો છે તેમાં નિષ્ફળ જવાની ભીતિથી એ નિષ્ફળતાનો ભાર ઈશ્વર પર નાંખી દેવા માંગે છે? છતાં, આવા પ્રચણ્ડ પુરુષાર્થથી સર્જાયેલી કૃતિઓની જ માનવીએ હોળી ક્યાં નથી કરી? આથી જે ઊગરી ગયા તેનું ઊગરી જવા પૂરતું તો ભાગ્ય ખરું જ.
કોઈ કૃતિનું અનુકરણ થયા પછી જ આપણને ખબર પડે છે કે એમાં કેટલું અનુકરણ ન કહી શકાય એવું હતું. આ અનુકરણની પ્રક્રિયાને પણ વખોડી કાઢવાની જરૂર નથી. અપહરણ કરનારમાં અણજાણપણે અહંકારનો કેવો લોપ સિદ્ધ થયો હોય છે. પોતાના અનુકરણની પીઠિકા પર મૂકીને એ મૂળ કૃતિને ઊંચી ચઢાવે છે. એની જ ફરીથી પ્રતિષ્ઠા કરી આપે છે. અનુકરણો વધે ત્યારે જ કદાચ સાહિત્યના ઇતિહાસકારોને પહેલવહેલી એંધાણી મળે કે કોઈ અસાધારણ કૃતિ પ્રગટી ચૂકી છે. આમ અનુકરણ કરનારા સાચા સહૃદયો છે. અસાધારણતાને સૌપ્રથમ એ લોકો જ પારખે છે. પોતે અનુકરણમાં ખપી જાય છે અને મૂળ કૃતિને પ્રતિષ્ઠિત કરે છે.
27-7-73