આચમની/૧૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬

એક વસ્તુ તલવારની ધાર જેવી તીક્ષ્ણ હોય અને એ જ વસ્તુ ફૂલની પાંખડી જેવી કોમળ બની જાય — આવું શક્ય છે ખરું? પણ સંતોની વાણીમાં આવી વિરોધાભાસી વસ્તુ વારંવાર આવે છે. આપણે ત્યાં ભજનમાં ગવાય છે : ભક્તિનો મારગ રે ખાંડા કેરી ધાર અને ત્યાં જ બીજો સૂર સંભળાય છે : ભક્તિનો મારગ રે ફૂલાં કેરી પાંખડી. ભજનવાણીના કુબેર ભંડારી કબીરે પણ આ જ વાત કરી છે. તે કહે છે: પિય કા મારગ કઠિન હૈ, ખાંડા હિ જૈસા. આવા કઠિન માર્ગ પર ચાલવા જતાં આપણો જીવ ગભરાય ત્યાં જ કબીરવાણી બોલી ઊઠે છે : પિય કા મારગ સુગમ હૈ, તેરા ચલન અવેડા. આ વચનમાંથી કોઈકને મારગની અને મારગ પર ચાલવાની સૂઝ પડે. મારગ તો સીધો અને સરળ છે પણ તારી ચાલ જ ‘અવેડા’ એટલે કે ઉટપટાંગ છે. તને સીધાં ચાલતાં આવડતું નથી એટલે જ ફૂલની કોમળ પાંખડી તલવારની ધાર બની જાય છે. ભક્તિના મારગને ભયજનક બનાવી દેનાર કોઈ બાહ્ય વસ્તુ નથી પણ માણસની અંદરની જ આડાઈ, વક્રતા, માની લીધેલી ચતુરાઈ છે. જ્યાં અંતરની આરત છે, તીવ્ર ઝંખના છે ત્યાં ચતુરાઈ તો ચૂલે પડે છે. એટલે જ ભક્તો કહે છે : આતુરી ચાતુરી નાંહી. આ માર્ગના ભોમિયા કબીરને ચરણે બેસી કેમ ચાલવું તેની જુક્તિ જાણી લઈએ. તે કહે છે :

પિય કા મારગ સુગમ હૈ, તેરા ચલન અવેડા,
નાચ ન જાને બાવરી, કહે આંગન ટેઢા

‘નાચનારીને આંગણું વાંકું’ એ કહેવત કાચી નાચનારીને લાગુ પડે છે. કબીર કહે છે કે મારગનો વાંક ન કાઢીશ, તારામાં રહેલી વૃત્તિ જ બરાબર તપાસી લે.

બાટ બિચારી ક્યા કરૈ, પંથી ન ચલે સુધાર,
રાહ અપની છાંડિ કૈ ચલે ઉજાર ઉજાર

સીધો, સરળ, ફૂલોની ફોરમ જેવો પંથ છે ભક્તિનો. પણ પંથી જ એ સીધે મારગે જવાને બદલે સિદ્ધાઈના ચક્કરમાં પડે તો તેને ભાગે માત્ર ઝાંઝવાં અને મૃગતૃષ્ણા જ આવે છે.

***