આચમની/૧૮

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૮

જેને બ્રહ્મજ્ઞાન, ભગવદ્-ભક્તિ કે યોગક્રિયાઓમાં પડવાનું મન નથી પણ જીવનને મૂળમાંથી પલટાવી નાખવું છે તેને માટે ગીતાના સોળમાં અધ્યાયના પહેલા ત્રણ શ્લોક ઘણા મહત્ત્વના છે. બીજી કોઈ પણ સાધના ન કરતાં આ ત્રણ શ્લોકમાં આપેલા ગુણો વિકસાવવા માટે એ પ્રયત્ન કરે તો યે બ્રહ્મપ્રાપ્તિ, ભગવત્-સાક્ષાત્કાર કે યોગસિદ્ધિને પામી શકે. ગીતાએ આ ત્રણ શ્લોકમાં વર્ણવેલા ગુણોને ‘દૈવી સંપત્તિ’ કહ્યા છે. એ કોઈ દેવતાની કે દિવ્યલોકની સંપત્તિ નથી પણ મનુષ્યે પોતાનામાં સુપ્ત પડેલા ગુણોને જ વિકસાવવા માટેના વધુ દિવ્યતા એટલે કે પ્રકાશ પામવા માટેના સ્વાભાવિક ગુણધર્મો છે. મનુષ્યને ભયમાંથી, ચિંતામાંથી, દુઃખમાંથી મુક્ત કરવાનાં તે અમૂલ્ય ઔષધો જ છે. એ પહેલા ત્રણ શ્લોકનું સ્મરણ, રટણ, મનન કરીએ અને તેને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો જ મૂળમાંથી રોગ મટે. એ શ્લોકો છે :

અભયમ્ સત્ત્વસંશુદ્ધિઃ જ્ઞાન-યોગ-વ્યવસ્થિતિઃ
દાનમ્ દમ: ચ યજ્ઞ: ચ સ્વાધ્યાયઃ તપ આર્જવમ્ - ૧
અહિંસા સત્યમ્ અક્રોધઃ ત્યાગ: શાન્તિ: અપૈશુનમ્
દયા ભૂતેષુ અલોલુપ્ત્વમ્ માર્દવમ્ હ્રી અચાપલમ્ - ૨
તેજ: ક્ષમા ધૃતિ: શૌચમ્ અદ્રોહ: ન અતિમાનિતા
ભવન્તિ સંપદમ્ દૈવીમ્ અભિજાતસ્ય ભારત - ૩

અહીં આ ત્રણે શ્લોકમાં શબ્દો છૂટા પાડીને આપ્યા છે જેથી એક એક શબ્દ પર પૂરો વિચાર કરી શકાય અને તેનું સ્વરૂ૫ જાણી શકાય. આ ગુણો આંગળીના વેઢા પર કે જીભના ટેરવા પર રમવા માંડે તો એને સમજવા બહુ સરળ પડે. શબ્દ, અર્થ અને તેમાં રહેલા મર્મની સ્મૃતિ આપણી અંદરની સમજ અને સમર્થતા જગાડવા માટે ખાસ જરૂરની છે. આ સ્મૃતિ પાકી કર્યા પછી આગળનું પગલું ભરીએ.

***