આચમની/૨૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૧

‘સત્ત્વસંશુદ્ધિ’ પાકી થઈ છે તેની ખબર કેમ પડે? તેનો માપદંડ ત્રીજા ગુણમાં ગણાવ્યો છે. ત્રીજો ગુણ છે :

જ્ઞાન-યોગ-વ્યવસ્થિતિઃ

એટલે કે જ્ઞાન તથા યોગમાં સારી રીતે સ્થિરતા. અહીં ‘વ્યવસ્થિતિ’ એટલે નિરંતર સ્થિતિ જ્ઞાન સિદ્ધાંત સમજાવે છે. સિદ્ધાંતમાં બરાબર નિષ્ઠા બંધાય એટલું જ પૂરતું નથી; તેનો અનુભવ થવો જોઈએ. અનુભવ યોગ દ્વારા થાય છે. આમ જ્ઞાન-અભ્યાસ અને યોગનું પાલન થાય તો જ પરમ તત્ત્વનો પ્રકાશ પથરાય છે. વ્યાસે ભાષ્યમાં કહ્યું છે :

સ્વાધ્યાયાદ્ યોગમાસીત, યોગાત્ સ્વાધ્યાયમામનેત્
સ્વાધ્યાય-યોગ સમ્પત્ત્યા પરમાત્મા પ્રકાશતે

‘સ્વાધ્યાયથી યોગની પ્રાપ્તિ અને યોગથી સ્વાધ્યાય સમજવો જોઈએ. આમ સ્વાધ્યાય અને યોગની સંપત્તિથી પરમાત્મા પ્રગટ થાય છે.’ અહીં સ્વાધ્યાય એટલે માત્ર પુસ્તકનું પઠન નહીં પણ પોતાના ‘સ્વ’નો, પોતાના સાચા સ્વરૂપનો પરિચય. જ્ઞાન ચિત્તની શુદ્ધિ કરે છે અને યોગ શુદ્ધ ચિત્તને આત્મ-સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. જ્ઞાન-યોગ-વ્યવસ્થિતિ એ એક એવી ભૂમિકા છે જ્યાં પોતાના માર્ગ અને ધ્યેય વિષે સંશય રહેતો નથી. મનની ચંચળતા અને અધીરતા બંને પર આત્માનો કાબૂ. પછી ભટકવાનું રહેતું નથી એટલું જ નહીં, જ્ઞાન તેને સંકુચિતતા, સાંપ્રદાયિકતા અને એકાંગી વિચારસરણીમાંથી મુક્ત કરે છે અને યોગ તેને સર્વ પ્રાણી સાથે પ્રેમભાવથી યુક્ત કરે છે. જેમ છીપમાં મોતી રહ્યું હોય છે તેમ આ માટીની કાયામાં પરમ ઉજ્જવળ આત્મમોતી રહ્યું છે. પણ સંતો કહે છે તેમ ‘પંડ ખોજ્યા વિના પાર પામે નહીં’ તિલકદાસે આ મોતીનું માહાત્મ્ય અને મોતીનો મરમ સમજાવતાં ગાયું છે:

જ્ઞાની ગોતજો રે, માત્યમ મોતીનો મરમ[1]
મોતી મોંઘા મૂલનાં, સંત ઝવેરી જાણે.
સુરતા સોહાગણ સુંદરી સો અમરવરને માણે -૦

મનુષ્યની સુરતા, લગની, તલ્લીનતા તેને અમરવર સાથે એકતા સાધી આપે છે.


  1. આ પદ તથા તેની સમજૂતિ માટે માટે જૂઓ લેખકનું પુસ્તક સત કેરી વાણી (આવૃત્તિ ૧૯૯૧) પૃષ્ઠ ૧૨૯-૩૦.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***