આચમની/૩૮

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૮

ખ્રિસ્તી મરમી સંત રૂઈસ બ્રોકને(૧૨૯૩-૧૩૮૧) વિદ્યાર્થીઓએ કહ્યું : ‘જીવનભર એક મુદ્રાલેખ તરીકે, એક ધ્યાનબિંદુ તરીકે માર્ગ દર્શાવે એવું એક જ વાક્ય કહો.’ રૂઈસ થોડીવાર વિચાર કર્યો અને શાંતિથી કહ્યું : ‘તમે જેટલા પવિત્ર થવા ધારો છો એટલા જ પવિત્ર તમે છો.’ માણસ પોતાનું હૃદય ઢંઢોળે ત્યારે તેને પોતાની કોઈ ને કોઈ અપૂર્ણતા જોવા મળે છે. તેનું હૃદય અસંતોષ અને અનુતાપથી ભરાઈ જાય છે કે, ‘ક્યારે મારા હૃદયને ગંગાની ધારા જેવું નિર્મળ કરી શકીશ? ક્યારેક તે નિરાશ થઈ જાય છે. હારી જાય છે અને ઊંચા આદર્શને પડતા મૂકી સામાન્ય પ્રવાહમાં ઘસડાઈ જાય છે. તો પછી અશક્ય લાગે એવી વસ્તુને પોતાની અંદર જ પ્રકાશતી નીરખી શકાય? ‘તમે જે થવા માગો છો તે તો તમે છો જ’ – એ વાક્ય શું કહી જાય છે? કોઈ બીજને હાથમાં લઈ કહે કે આ બીજમાં સંપૂર્ણ વૃક્ષ છે તો એ માની શકાય? પરંતુ એ બીજને વાવવામાં આવે, તેમાંથી અંકુર ફૂટે, છોડ થાય અને વૃક્ષને વધતું જોઈએ ત્યારે એ બીજમાં રહેલી શક્તિનો ખ્યાલ આવે. પરંતુ એ માટે બીજને હાથમાં રાખી ફરવાથી, તેની વાતો કરવાથી, તેને બતાવ્યા કરવાથી કાંઈ ન વળે એ બીજને વાવવું જોઈએ, તેને સિંચન કરવું જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ. ત્યારે જ તે ફૂલે, ફળે અને છાંયો પાથરે. આવું જ આ વાક્યમાં રહેલા ચેતન-બીજનું છે. રૂઈસ બ્રોકે તેને પેલા વિદ્યાર્થીઓના હૃદયમાં વાવી દીધું અને મનુષ્યમાં રહેલી ધારણા-શક્તિનું મહત્ત્વ દર્શાવ્યું. કબીરે એક પદમાં પોતાના મનને વિવિધ રીતે સમજાવ્યું છે અને તેને અમરાપુર લઈ જવાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે. આ જ કબીર એક સાખીમાં કહે છે :

મન ઐસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર,
હરિ લાગા પીછે ફિરૈ કહત કબીર કબીર

રૂઈસ બ્રોકે આપેલા જીવન-મંત્રમાં આ રીતે આપણી સોડમાં સૂતેલા કબીરને જગાડવાની શક્તિ છે.

***