આચમની/૩૯

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૯

અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીએ પોતાના પ્રવાસ-વર્ણનમાં એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. તે કહે છે : ‘એક વખત હું શહેરમાં પહોંચ્યો, જે સીરિયા પાસે છે. ત્યાં એક મહાત્મા એક ગુફામાં રહેતા હતા. એમના હાડમાંસ સુકાઈ ગયાં હતાં. જાણે હાડપિંજર હતા. તે એક ઝભ્ભા પર બેઠા હતા અને બે વાઘ દરવાજા પાસે ઊભા હતા. હું તેમને મળવા ગયો પણ વાઘના કારણે અંદર જવાની હિંમત થઈ નહીં. મહાત્માએ મને જોઈ કહ્યું : ‘આવી જાઓ. ડરો નહીં.’ એ સાંભળી હું અંદર ગયો અને સવિનય બેઠો. મહાત્માએ કહ્યું : ‘જ્યાં સુધી કોઈ વસ્તુનો ઈરાદો કરશો નહીં ત્યાં સુધી તે પણ તમારો ઈરાદો કરશે નહીં. જે અલ્લાહથી ડરે છે તેનાથી બધા ડરે છે.’ પછી મને પૂછ્યું: ‘ક્યાંથી આવો છો?’ મેં જણાવ્યું : ‘બગદાદથી’ ‘ભલે પધાર્યા. પણ વધારે સારી બાબત એ છે કે મહાત્માઓની સેવા કરતા રહો, જેથી તમારામાં પણ મહાત્માઓને લાગેલી લગની ઉત્પન્ન થાય.’ એ અનામી મહાત્માએ ખ્વાજા સાહેબને હંમેશા નમાઝ પઢવાની અને ખુદાની બંદગી કદી પણ ન ચૂકવાની સલાહ આપી. પછી કહ્યું: ‘અય દરવેશ, જે નમાજ પઢી તો સુબ્હાનલ્લાહ, નહીં તો મફતમાં જીવન બરબાદ કર્યું.’

***