આચમની/૯

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આપણે ત્યાં અઢાર આંકડાનું ઘણું મહત્ત્વ છે. અઢાર પુરાણો, ગીતાના અઢાર અધ્યાય, મહાભારત યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેના, અઢાર દિવસનું યુદ્ધ — આ બધું જાણીતું છે. એ ઉપરાંત મહિષાસુરનો વધ કરતી વખતે ચંડી અઢાર ભુજા ધારણ કરે છે એટલે તે અષ્ટાદશ-ભુજા કહેવાય છે. ‘શ્રીદુર્ગા સપ્તશતી’માં કહ્યું છે :

અષ્ટાદશભુજા ચૈષા પૂજ્યા મહિષમર્દિની
(વૈકૃતિકં રહસ્યમ્ શ્લોક-૨૪)

નાશિક પાસે સપ્તશૃંગ પર્વત પર સપ્તશૃંગ-નિવાસિની અષ્ટાદશભુજા દેવીનું અતિ પ્રાચીન સ્થાન છે. સપ્તશૃંગ એ પર્વતનું નામ છે પણ એનો સાંકેતિક અર્થ પણ છે. આ સ્થળે દત્તગુરુની આજ્ઞાથી મત્સ્યેન્દ્રનાથે સાધના કરી હતી. અષ્ટાદશભુજા એટલે અઢાર હાથ; જે દેવીની અષ્ટાદશ વિદ્યા છે. અઢાર હાથમાં રહેલાં દેવીનાં અઢાર આયુધો છે : અક્ષમાલા, કમલ, ધનુષ, તલવાર, વજ્ર, ગદા, ચક્ર, ત્રિશૂલ, પરશુ, શંખ, ઘંટા, પાશ, શક્તિ, દંડ, ઢાલ, બાણ, પાનપાત્ર અને કમંડલ (વૈકૃતિકં રહસ્યમ્ શ્લોક ૧૧-૧૨) આ આયુધોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવના તથા અવતારનાં આયુધો આવી જાય છે. એમાં રહેલા સંકેતો સમજાવવા જતાં તો પુસ્તકો ભરાય. એટલું જ સત્ત્વ ને તત્ત્વ જાણવાનું છે કે આ શસ્ત્ર-અસ્ત્ર કોઈ બહારના શત્રુને મારી નાખવા માટે નથી, પણ ભયંકર મહિષાસુર જેવા આપણા પોતાના જ અહંકારનો નાશ કરવા માટે છે. એ માટે અઢાર આયુધો અઢાર વિદ્યા દર્શાવે છે. આ અઢાર વિદ્યાના જ્ઞાન વિષે મત્સ્યેન્દ્રનાથે ‘કૌલજ્ઞાન નિર્ણય’ના આરંભમાં જ કહ્યું છે :

‘અષ્ટાદશવિધં દેવિ, જ્ઞાનં ચ કુલગોચરે’

જ્ઞાનના બે પ્રકાર છે : બાહ્ય અને આંતરિક, બાહ્ય માર્ગદર્શન આપે અને આંતરિક એ માર્ગદર્શન પ્રમાણે અનુભવ આપે. બાહ્ય અષ્ટાદશ વિદ્યા ગણાય છે :

અંગાનિ વેદાશ્ચત્વારો મીમાંસા ન્યાય વિસ્તર:
ધર્મશાસ્ત્રં પુરાણં ચ વિદ્યા શ્વેતા શ્ચતુર્દશઃ
આયુર્વેદો, ધનુર્વેદો, ગાંધર્વશ્વેતિ તેત્રયઃ
અર્થશાસ્ત્ર ચતુર્થ ચ વિદ્યાશ્વષ્ટાદશૈવતુ

‘ચાર વેદ અને મીમાંસા વગેરે છ દર્શનો મળી ચૌદ વિદ્યા. ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ એ ત્રણ ઉપવેદ અને ચોથું અર્થશાસ્ત્ર મળી અઢાર વિદ્યા ગણાય છે.’ હવે આંતરિક વિદ્યામાં ઈન્દ્રિય, વિષય અને તેને ગ્રહણ કરવાની નિર્મળ વૃત્તિ એ મુખ્ય છે. આને ચક્ષુવિજ્ઞાન, શ્રૌતવિજ્ઞાન, ઘ્રાણવિજ્ઞાન, જિહ્વાવિજ્ઞાન અને કાર્યવિજ્ઞાન કહે છે. તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને નિર્મલ તેમ જ નિર્લેપ ભાવે ગ્રહણ કરવાનું સૂચવે છે. આ ઉપરાંત મન, વિચાર અને તેના નિર્મળ, નિરાગ્રહી ગ્રહણને કહે છે મનોવિજ્ઞાન. બૌદ્ધ દર્શન તેને મૂલધાતુ કહે છે. આ મૂલનું જ્ઞાન એટલે અઢારભુજાનું દર્શન. સપ્તશૃંગ-નિવાસિની અષ્ટાદશભુજાની આ ખરી ઉપાસના છે.

***