આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Act

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
Act

Act અંક

નાટકનો મુખ્ય એકમ કે વિભાગ. સંસ્કૃત તેમ જ ગ્રીક નાટકોમાં સામાન્યતઃ પાંચ અંકોનો સમાવેશ થતો. આ પરંપરા ૧૯મી સદીના અંતભાગ સુધી ભારતીય ભાષાનાં નાટકોમાં પણ મહદ્‌ અંશે જળવાઈ. વીસમી સદીના આરંભ સાથે યુરોપીય રંગભૂમિની અસરના પરિણામરૂપ ભારતીય રંગભૂમિ ઉપર ત્રણ અંકનાં નાટકો ભજવાવા લાગ્યાં. છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી બે અંકનાં નાટકો પણ પ્રચારમાં આવ્યાં. માત્ર એક અંકનાં નાનાં નાટકો, જે સમય જતાં સ્વતંત્ર સાહિત્ય-સ્વરૂપ(એકાંકી) તરીકે આગળ આવ્યાં, તે ૫ણ વીસમી સદીમાં જ વિશેષ પ્રચાર પામ્યાં.
સંસ્કૃત નાટકોની અસર હેઠળ લખાયેલાં ગુજરાતી નાટકો પાંચ અંકમાં પ્રાપ્ત થાય છે જેવાં કે : ‘જયા જયન્ત’, ‘શાહાનશાહ અકબરશાહ’ (નાનાલાલ) વગેરે, સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નાટ્યલેખન ત્રિઅંકી નાટકો તરફનો ઝોક બતાવે છે – જેવાં કે : ‘સુમંગલા’ (શિવકુમાર જોષી), ‘કુમારની અગાશી’ (મધુ રાય). છેલ્લા બે દાયકામાં આધુનિક વિશ્વરંગભૂમિનાં વલણો સ્વીકારીને ચાલતું નાટ્યલેખન દ્વિઅંકી નાટકો પણ લાવ્યું છે – જેવાં કે : ‘સુમનલાલ ટી દવે’ (સુભાષ શાહ) ‘પીળું ગુલાબ અને હું’ (લાભશંકર ઠાકર).
એકાંકી : (જુઓ, One Act Play)
નાટક કે વાર્તામાં ક્રિયાતત્ત્વના મહત્ત્વ વિશે એરિસ્ટોટલ, ભરત આદિ નાટ્યવિદો વિવિધ મત ધરાવે છે. નાટક કે વાર્તામાં અસરકારક આરંભથી ઉચિત અંત સુધી ગતિ કરતો ક્રિયાતત્ત્વનો આલેખ હોય એ સર્વસ્વીકૃત બાબત છે. ઉપરાંત ક્રિયાતત્ત્વનું મુખ્ય લક્ષણ એના દ્વારા પાત્રો તથા વસ્તુનું ઉદ્‌ઘાટન તથા તેનો વિકાસ છે. (જુઓ, Conflict)
સાહિત્યસર્જનનાં કેટલાંક આધુનિક વલણો હંમેશાં ક્રિયાતત્ત્વના સળંગ આલેખની અનિવાર્યતા સ્વીકારતાં નથી, આથી તેમાં ક્રિયાતત્ત્વનો અભાવ અથવા ક્રિયાતત્ત્વની અલ્પતા જણાય છે. (જુઓ, Anti-Novel, Anti-play).
આધુનિક વિવેચને કૃતિમાં પ્રગલ્ભ રીતે આવતા ઘટનાઅંશોને આંતરિક ક્રિયા તરીકે તપાસ્યાં છે. (જુઓ, Inner action).