આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/J

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંજ્ઞાકોશ
J

Jargon દુર્ભાષા

અપરિચિત સંજ્ઞાઓથી યુક્ત ભાષા, ભાષા-શૈલી. મૂળ ફ્રેન્ચ અર્થમાં આ સંજ્ઞા પક્ષીઓના કલબલાટનું સૂચન કરે છે.
કોઈ પણ વિષયની શાસ્ત્રીય પરિભાષાના વધુ પડતા ઉપયોગથી પ્રત્યાયનમાં ક્ષતિ પહોંચે છે. આ પ્રકારની ભાષા માટે પણ પ્રસ્તુત સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.

Jest-Book હાસપોથી

શુદ્ધ નીતિબોધ નહિ પણ મનોરંજનને લક્ષ્ય બનાવતી હાસ્યરસિક વાર્તાઓને સંગ્રહ. ૧૬મી સદીમાં પ્રસિદ્ધ ‘The exempla’ આ પ્રકારનાં પુસ્તકોનો મૂળ સ્રોત છે. ૧૫૨૬માં પ્રગટ થયેલા ‘A hundred Marry Tales’ અંગ્રેજી સાહિત્યમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલાં આ પ્રકારનાં પુસ્તકોમાંનું એક છે.

Jingle વિજ્ઞાપનિકા

રેડિયો અને ટેલિવિઝનની જાહેરાતોમાં ઉપયોગમાં લેવાતી સાદી ગેય પ્રાસરચનાનો પ્રયોગ.

Journal સંશોધન-સામયિક, રાજપોથી

આ સંજ્ઞા રોજનીશી, સામયિક, વર્તમાનપત્ર વગેરે માટે ઉપયોગમાં લેવાય છે. તેના મૂળ લૅટિન અર્થ મુજબ તે રોજની નોંધપોથીનું સૂચન કરે છે. કોઈ પણ વિષયને લગતા મહત્ત્વના દસ્તાવેજોની નોંધ કરતી પત્રિકા માટે પણ આ સંજ્ઞાને ઉપયોગ થાય છે. આ પ્રકારની સંશોધિત માહિતી રજૂ કરતા સામયિક માટે આ સંજ્ઞા પ્રયોજવાનું હાલ વલણ છે.
કેટલુંક આત્મકથનાત્મક સાહિત્ય પણ આ સ્વરૂપે રજૂ થાય છે.

Journalese અખબારી શૈલી, છાપાળવી શૈલી

અખબારી લેખનમાં રૂઢ થયેલી લેખન-શૈલી. આ પ્રકારની લેખન-શૈલીમાં અત્યંત લોકપ્રિય, ચવાઈ ગયેલા શબ્દ-પ્રયોગોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સંકુલ વિચારોના સરલીકરણ માટે નવા કામચલાઉ પ્રયોગો પ્રચારમાં મૂકવાનું વલણ પણ આવા લેખનમાં જોવા મળે છે.
અખબારમાં સમાચારનાં મથાળાં માટે વપરાતી ભાષા-શૈલી માટે head-lines સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.

Journalism પત્રકારત્વ, વૃત્તવિવેચન

અખબાર સાથે સંકળાયેલી લેખન-પ્રકાશનની વિધિઓનું સૂચન આ સંજ્ઞામાં રહેલું છે. સાહિત્યિક-લેખનની સરખામણીમાં ઊતરતી કોટિના લખાણ માટે પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
રોજિંદા સમાચારોના વર્ણન માટે ભાષાની મર્યાદિત જાણકારીની જ આવશ્યકતા હોઈ સાહિત્યિક લેખન અને પત્રકારત્વનું લખાણ બન્નેને અલગ પાડવામાં આવે છે. જોકે ધારાવાહી નવલકથા, પુસ્તકસમીક્ષા, નાટ્યવિવેચન જેવાં કેટલાંક સાહિત્યિક લખાણોનો તેમાં સમાવેશ થાય છે.

Judgement વિવેક

પ્રસ્થાપિત સાહિત્યિક ધોરણોને આધારે કૃતિની ઉચ્ચાવચતા અંગેનો મૂલ્યાત્મક નિર્ણય. આ નિર્ણય સૌન્દર્યનિષ્ઠ અને સહજ સ્ફુર્ત હોઈ શકે : જેમકે, ‘આ કવિતા સુંદર છે’; અથવા આ નિર્ણય વૈજ્ઞાનિક અને વિશ્લેષણપરક હોઈ શકે : જેમકે, ‘આ કવિતામાં કેટલાંક સુંદર સ્થાન છે.’

Judicial criticism મૂલ્યાંકનપરક વિવેચન

કૃતિના સારાનરસાપણાના કે લેખકની ઉચ્ચાવચ હરોળના નિર્ણયને મુખ્ય ગણતું વિવેચન.

Juvenilia કિશોરલેખન

લેખક કિશોરાવસ્થામાં લખેલી સાહિત્યકૃતિ માટે આ સંજ્ઞા પ્રયોજાય છે. અંગ્રેજ કવિ બાયરને ૧૮ વર્ષની વચ્ચે ‘આવર્સ ઑફ આઇડલનેસ’ નામની રચના પ્રગટ કરેલી.

Juxtaposition સંનિધિ

કોઈ પણ બે સમાન કે ભિન્ન પ્રકારનાં વિચારો, પાત્રો, પ્રસંગો, દૃશ્યો, પરિસ્થિતિઓ, કલ્પનો વગેરેને એકબીજાની સાથે મૂકી, તે દ્વારા વિશિષ્ટ ભાવસ્થિતિ કે અર્થસંદર્ભ ઊભો કરવાની પદ્ધતિ.
આ વિભાવનાનું અત્યંત સાદું ઉદાહરણ હાસ્ય-સાહિત્યમાંથી મળે છે, જેમકે, ભદ્રંભદ્ર અને અંબાશંકર જેવા બે ભિન્ન પ્રકૃતિનાં, ભિન્ન શરીરરચનાવાળા પાત્રોના પરસ્પર સતત સાન્નિધ્ય દ્વારા ‘ભદ્રંભદ્ર’ નવલકથામાં નિરૂપાતું હાસ્ય.