આપણો ઘડીક સંગ/પ્રકરણ ૧૭

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭

બીજા દિવસનું સવાર થતાં ધૂર્જટિ જાગ્યો. અને એ જ રીતે અર્વાચીના પણ જાગી… પોતપોતાને ઘેર જાગીને આમતેમ જોયું તો ધૂર્જટિને નવાઈ લાગી. બધું જેમનું તેમ હતું. એનું એ ફનિર્ચર, એનો એ રેડિયો, એનાં એ ચંદ્રાબા, અને એના એ બુદ્ધ ભગવાન… એટલામાં પેપર આવ્યું. ધૂર્જટિએ ઉત્સાહથી ચંદ્રાબાના હાથમાંથી તે ઝડપી લીધું. છેવટે કાંઈ નહિ તો પેપરે તો મોટા અક્ષરે મથાળે છાપ્યું જ હશે કે ‘પ્રોફેસર ધૂર્જટિએ કરેલો એકરાર! જીવનમાં પરિવર્તન!…’ પણ તે પણ નહિ. ધૂર્જટિએ બારી બહાર જોયું. આસોપાલવ તો ઊધે માથે થયો જ હશે — નીચે ડાળીઓ અને ઊચે મૂળ. પણ તેય જેમનો તેમ… બહુ નવાઈ જેવું! ગીતામાંય બહુ ભરોસો રાખવા જેવું નહિ. અશ્વત્થ વૃક્ષ…

‘અર્વાચીનાને સાંજે મળવું પડશે…’ ધૂર્જટિએ છેવટે નક્કી કર્યું. અર્વાચીના સાંજે મળી પણ ખરી, બાગમાં.

‘અર્વાચીના!’ થોડી વાર લોન પર બેસી રહ્યા પછી ધૂર્જટિએ કહ્યું.

અર્વાચીનાએ ઊચું જોયું. સ્નેહ, શરમ, તોફાન, મજાક, મશ્કરી, આનંદ — આ વખત ધૂર્જટિએ અર્વાચીનાની આંખમાં રમતાં તત્ત્વો તરત ગણી નાખ્યાં, અને પછી ઘેરા સાદથી કહ્યું :

‘લોન ઉખેડવી રહેવા દઈશ!’

‘કેમ?’

‘મેં વાંચેલી એક નવલકથાની નાયિકા પણ આવા પ્રસંગે આમ જ લોન ઉખેડતી હતી, અને…’

‘પછી?’

‘પછી તેણે નાયકને ઉખેડી નાખ્યો, બીજું શું?’

અર્વાચીનાએ લોન ઉખેડવી ચાલુ રાખી.

પાસેથી એક યુવાન દંપતી પસાર થતું હતું. તેમની વચ્ચે વાતચીત ચાલતી હતી : ‘જો, તું આમ માથું નહિ ખા! બાગમાં ફરવા આવ્યો છું; તારી સાથે માથાફોડ કરવા નહિ!’ ‘પણ બાગ સિવાય આપણે એકલાં મળીએ છીએ જ ક્યાં? ઘેર તો બાની ચોવીસ કલાકની ચોકી… બાગમાં માથું ન ખાઉં તો ક્યાં ખાઉં?’

કહે છે, પોતે દિલ રેડી ઉછેરેલા બાગમાં આવો સંવાદ સાંભળી એક માળીએ આજથી પાંચ વર્ષ પર આપઘાત કરેલો : ‘મેં બાગ આટલા માટે બનાવ્યો હતો? માથું ખાવા?’ તેને લાગી આવેલું. પાસેથી પસાર થતાં દંપતીનો આ સંવાદ સાંભળી ધૂર્જટિએ આંખ જ ફેરવી લીધી — અર્વાચીના તરફથી પણ…

બાજુના પટમાં છોકરાંને રમવા હીંચકા હતા. અર્વાચીનાની આંખ ત્યાં મંડાઈ હતી. આથમતા સૂર્યના આછા તડકામાં એક ચાર-પાંચ વર્ષના બાબાને ‘બા’ના બિરુદ માટે બહુ નાની એવી બા હીંચકે બેસાડતી હતી. બાબાએ અત્યારથી બળવો પોકાર્યો હતો. તેને રેતીમાં રમવું હતું. બેની તકરારમાં રેતી પોતે ઉશ્કેરાઈ જઈ ઊડવા મંડી હતી.

‘લઈ લો, આને!’ છેવટે બાએ માનભરી સંધિ કરી.

બાના ખિસ્સામાંથી નીકળ્યા હોય તેમ અચાનક આવી પપ્પા જેવા જણાતા યુવાને બાબાને તેડી લીધો.

‘કેવું સરસ છે!’ અર્વાચીનાએ ધૂર્જટિને ઉમળકાભેર પૂછ્યું.

‘શું? પેલાએ તેડી લીધું તે?’

‘ના! છોકરું!’

‘તો બસ!’ ધૂર્જટિને હાશ થઈ.

વાતો ફરતી ફરતી વાસ્તવિકતા પર આવી. પછી કાંઈક અધૂરું કામ યાદ આવી ગયું હોય તેમ ધૂર્જટિએ અર્વાચીનાને ઉદ્દેશી :

‘અર્વાચીના!’

‘હં!’

‘મેં ગઈ કાલે સાંજે…’

અર્વાચીનાએ આંખથી ખોબો ધર્યો.

‘કહ્યું’તું કે…’ ધૂર્જટિ અટકી પડ્યો.

‘મારે પણ એ જ કહેવું હતું.’ અર્વાચીનાએ લોન ઉખેડવી બંધ કરી. એ જ કહ્યું.

પશ્ચિમના આછા ગુલાબી આકાશમાં તાજો ઊગેલો શુક્રનો તારો આ સાંભળી આનંદના આવેગમાં એકદમ નીચે ઊતરી આવ્યો, અને ‘ધૂર્જટિ–અર્વાચીના’ની આજુબાજુ એક ફરતું તેજવર્તુળ મૂકતો જઈ, પાછો પોતાની જગ્યાએ જતો રહ્યો. બાગમાં બીજા કોઈનેય આ બાબતની ખબર પડી નહિ.

જાણકારોના કહેવા પ્રમાણે આ તેજવર્તુળ જિંદગીભર ભૂંસાતું નથી…’

‘ત્યારે, અર્વાચીના! આપણે ખરેખર કદીય છૂટાં નહિ પડીએ?… કોઈ દિવસ?’ ધૂર્જટિ ગદ્ગદિત થઈ ગયો હતો. અર્વાચીનાઓ સાથે માંડ પાંચેક વર્ષો રહ્યા પછી પણ ધૂર્જટિઓ આવા જ શબ્દોમાં અધીરાઈ કરે છે, પણ તે અધીરાઈ જુદા જ કારણસર એ વખતે એમને એમ લાગે છે કે બસ! હવે આનો આરો જ નહિ? આખી જિંદગી સાથે ને સાથે?

ઘેર પાછાં ફરતાં, તેમજ આ પછીની ચાર-પાંચ મુલાકાતો દરમ્યાન પણ, બંનેને પ્રશ્ન એક જ હતો : શું કરવું? આમ તો ધૂર્જટિ–અર્વાચીનાની ઉંમરની બધી જ વ્યક્તિઓનો પ્રશ્ન પણ આ જ હોય છે કે શું કરવું? પણ ફેર માત્ર એટલો જ હતો કે તેમાંના મોટા ભાગના માટે કાંઈ નિશ્ચિત કરવાનું ન હોવાથી આ પ્રશ્ન જ સમય ગાળવા માટે પૂરતો હોય છે; જ્યારે ધૂર્જટિ–અર્વાચીનાને અમુક નિશ્ચિત બાબત કરવાની જ હોવાથી તેમનું કામ એ પ્રશ્નનો જવાબ શોધવાનું હતું.

‘પરણવું.’ એટલે કામચલાઉ ઉકેલ તો બંનેને સૂઝ્યો. તો પછી…

ક્યારે? કેવી રીતે? અને…

હવે પછીનો પ્રશ્ન અર્વાચીનાએ નહિ, પણ ધૂર્જટિએ ઉઠાવ્યો. ‘કેમ? કેમ પરણવું?’

પહેલાં તો અર્વાચીનાએ આ પ્રશ્નથી તીવ્ર આઘાત અનુભવ્યો. પણ તરત જ તેને યાદ આવ્યું કે ધૂર્જટિ એક ધંધાદારી વિચારક છે એટલે તેને શાંતિ થઈ.

‘કેમ પરણવું? આપણા પરણવાથી, દાખલા તરીકે, સમાજને શો ફાયદો થશે?’ પ્રોફેસરે પોતાના પ્રશ્નને વિશદ સ્વરૂપ આપ્યું.

‘ફાયદો તો…’ અને અર્વાચીના પહેલી જ વાર ખરેખર શરમાઈ ગઈ.

‘વડીલોને વાત કરીશુંને?’ અર્વાચીનાએ સૂચવ્યું.

…અને ધૂર્જટિની આંખ આગળ ત્રણ મૂતિર્ઓ ઊપસી આવી : ચંદ્રાબા, અર્વાચીનાનાં બા અને અનિવાર્ય રીતે, અર્વાચીનાના બાપુજી. અમને શું? એક ક્ષણભર તેને એમ પણ થયું… પણ પછી થયું કે એ ન હોત તો અમે બે પણ ન હોત… એટલે…

‘એમ કર, તું ચંદ્રાબાને કહે, હું તારાં બા-બાપુજીને કહું!’ ધૂર્જટિએ રસ્તો કાઢ્યો.

અર્વાચીનાએ લાલ આંખે એ રસ્તો બંધ કર્યો.

‘કાગળ લખવો? તાર કરવો? ટેલિફોન કરવો? હાથોહાથ દસ્તાવેજ જેવું આપવું? પરણી જઈને પગે લાગવું? પગે લાગી જઈને પરણી જવું? કે પછી પરણવું જ નહિ? શું કરવું?’ બંને જણાંએ ખૂબ મૂંઝવણ અનુભવી.

કદાચ તેથી જ પોતાનાં પાછલાં વર્ષોમાં પ્રોફેસર ધૂર્જટિએ ‘આવા સંજોગોમાં શું કરવું’ તે બદલ એક વ્યાખ્યાનમાળા યોજી અને તે વખતે તો યુનિવસિર્ટીએ પણ આ માટે એક જુદું સલાહકાર-મંડળ ગોઠવેલું…

…અત્યારે તો ધૂર્જટિ અને અર્વાચીના એવા નિર્ણય પર આવ્યાં કે થોડાક દિવસમાં ચંદ્રાબા, બા અને બાપુજીની એક સમૂહમુલાકાત યોજી, તેમાં આ વાત મૂકવી.

*