આપણો ઘડીક સંગ/પ્રકરણ ૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

‘જટિ, તું સંન્યાસ ક્યારે લેવાનો છે?’ વિનાયકે પૂછ્યું.

‘કેમ આમ પૂછે છે, વિનાયક!’

‘ના… અમસ્તો… પણ તું જ્યારે પણ સંન્યાસ લે ત્યારે વિધિસર લેજે અને અમને — તારા મિત્રોને, જરૂર હાજર રાખજે.’

વિનાયક ધૂર્જટિની અતિ અંગત ગણાય એવી મિત્રમંડળીની મોખરે હતો. અને મંડળીની એક જ વિમાસણ હતી — ધૂર્જટિ-જટિનું અલગ્ન જીવન; અને તેથી જ આજે વિનાયકે ધૂર્જટિને સંન્યાસ લેવાને, અને તે પણ વિધિસર લેવાને, આગ્રહ કર્યો.

‘તારાં ભગવાંનું ખર્ચ અમે ઉપાડી લેવા નક્કી કર્યું છે.’ વિનાયકે વધુ સમર્થન કરતાં મંડળી તરફથી ઉમેર્યું.

‘આભાર!’ ધૂર્જટિએ એટલું જ કહ્યું, અને પછી મૌન પકડ્યું.

‘જટિ!’

‘હં!’

‘બહાર આવવું છે?’

‘ક્યાં?’

‘બજારમાં.’

અને ધૂર્જટિએ વિનાયકની આ ‘ઓફર’નો નિર્ણયાત્મક રીતે જવાબ આપ્યો : ‘ના.’

…કેમ કે તેમના મિત્રોમાં એ એક ખૂબ પ્રચલિત માન્યતા હતી કે વિનાયક સાથે બજારમાં ફરવા જવું એ એક કાવતરામાં જોડાવા બરાબર હતું.

જૂની ચીજો વિનાયક માટે વિષકન્યાઓ હતી. એક વાર બજારમાં ગયા પછી વિનાયક આવી જૂની ચીજોની દુકાનોમાં એવો અટવાઈ જતો કે તેમાંથી બહાર ખેંચી કાઢવા મોટાં, મજબૂત દોરડાંનો ઉપયોગ કરવાના ઝનૂની નિર્ણય પર એક વાર તો તેના મિત્રો આવી ગયેલા!

વિનાયકના આવા જીવલેણ શોખની શરૂઆત થઈ એક પૂતળીથી, જેને વિનાયકના મિત્રો હજુ પણ ‘પ્રાણઘાતક પૂતળી’ તરીકે યાદ કરે છે. વિનાયક પોતે તેને ‘રોમન સમયની પૂતળી’ ગણતો અને ગણાવતો.

તે દિવસોમાં તે એમ.એ. માટે વાંચતો હતો. ઇતિહાસ તેનો વિષય હતો, અને તે એક ટેબલ-લૅમ્પની શોધમાં હતો.

બજારમાં ફરતાં ફરતાં તેની નજર એક જૂની ચીજો વેચનારની દુકાને પડેલી આ પૂતળી સાથે મળેલી. તે તેનાથી આકર્ષાયો. જે હકીકતને વિનાયકના મિત્રો ખૂબ જ સૂચક અને સમજાય એવી ગણતા. વિનાયકે તે પૂતળી ઉપાડી, જોઈ. બહારથી કોઈ અનિશ્ચિત ધાતુની બનેલી આ પૂતળી અંદરથી પોલી હતી.

‘આને માથે પહેલાં એક ઘડો હતો.’ દુકાનદારે વિનાયકને પૂતળીમાં રસ લેતો જોઈ સહજભાવે સૂચવ્યું… અને વિનાયકને એ કમનસીબ પળે સૂઝ્યું કે ‘તો હવે આ પૂતળીને માથે વીજળીનો દીવો કેમ ન રહી શકે?’

તેણે પૂતળી ખરીદી લીધી અને પરીક્ષા માટેના બાકી રહેલા પાંચ-છ મહિનાનો મોટો ભાગ તેણે આ પૂતળીમાંથી ટેબલ-લૅમ્પ બનાવવાના પ્રયોગમાં પસાર કરી નાખ્યો, અને કર્મના નિયમ મુજબ એ જ પૂતળીને અજવાળે છેલ્લા બે-ચાર દિવસ વાંચી તે એમ.એ.માં નાપાસ થયો.

છતાંય વિનાયક પૂતળીને છેવટ સુધી વફાદાર રહેલો. પોતાની એમ.એ.ની નિષ્ફળતા માટે આ પૂતળી જવાબદાર હતી, તેવો ઇશારો પણ જો તેના મિત્રોની વાતમાં આવતો, તો એ છેડાઈ પડતો.

એટલે આ પૂતળીની નંદિ વિનાયકના મિત્રોથી ખાનગીમાં જ થતી.

એમ.એ.માં એ વર્ષે નાપાસ થયા પછી વિનાયક પાસે કોઈ ચોક્કસ પ્રવૃત્તિ તો તરત આવી પડી નહિ, અને ધીમે ધીમે વિનાયક જૂની ચીજોનો એવો અઠંગ ખરીદદાર થઈ પડ્યો કે તેના ઘરે એકાદ સંગ્રહસ્થાન જેવું સ્વરૂપ પકડવા માંડ્યું. અને તે પોતે પણ એક આજન્મ જૂની ચીજ જેવો દેખાવા મંડ્યો.

વિનાયકના મિત્રો ચોંકી ઊઠ્યા. વિનાયકને પરણાવી દીધો. ત્યારે પણ વિનાયકનો આગ્રહ તો ‘જૂની ચીજ’–જૂના જમાનાની–માટે જ હતો, પણ આ વખતે તેના મિત્રો તેને ગાંઠ્યા નહિ.

પરિણામે પોતાના પરમ મિત્ર ધૂર્જટિને સંન્યાસ લેવાનું જ્યારે તેણે સૂચન કર્યું, ત્યારે તો પોતે પણ ત્રણ વ્યક્તિઓના બનેલા એક કુટુંબનું શિરછત્ર બની બેઠો હતો. તેનાં શ્રીમતીઓ હમણાં જ તેમનાં એક અંગત મિત્રાણીને કહ્યું હતું તેમ : ‘મારે તો બંનેય લગભગ સરખી ઉંમરના મળ્યા છે.’ કહેવાની જરૂર નથી કે આ ‘બંનેય’ એટલે અનુક્રમે વિનાયક અને વિનાયકનો બાબો.

આવાં બધાં ઐતિહાસિક કારણોને લીધે ધૂર્જટિએ મિત્ર વિનાયકના બજારમાં ફરવા આવવાના આમંત્રણને નકારી કાઢ્યું, અને વિનાયકે રજા લીધી…

પણ પેલું સંન્યાસ લેવાનું સૂચન ધૂર્જટિને બીજી વાર પણ સાંભળવું પડ્યું.

‘અને છેલ્લે, દીકરા ધૂર્જટિ! તારો વિચાર શો છે? સંન્યાસ-બંન્યાસ લેવાનું ધાર્યું છે કે શું? મારે પેલા રણધીરરાયને જવાબ શો દેવો? જે હોય તે લખજે.’

લિ. ચંદ્રાના આશિષ.’

–માતુશ્રી ચંદ્રાએ તેમના પુત્ર ધૂર્જટિ ઉપરનો છેલ્લો કાગળ આ રીતે સમેટ્યો. વિનાયકનું સંન્યાસ-સૂચન તો હજુ એક-બે દિવસ પર જ થયું હતું, ત્યાં આ વળી બીજું! ધૂર્જટિના મનમાં અચાનક જ એ ભય જાગી ગયો કે જો આવું જ સૂચન ત્રીજી વાર થશે તો તે છેવટનું ગણાશે…

ચંદ્રાબાએ વળી રણધીરરાયનો ઉલ્લેખ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જતી હતી.

રણધીરરાય ધૂર્જટિની જ્ઞાતિના જૂના રિવાજોની હાલતી-ચાલતી રક્ષિત ઇમારત જેવા હતા. દેખાવે તે આરસમાંથી કોતરી કાઢ્યા હોય તેવા લાગતા. સ્વભાવે તે આક્રમક રીતે મળતાવડા હતા. અને તેમને મન જીવનનું સાર્થક્ય જો કોઈ પણ બાબતમાં સિદ્ધ થતું હોય તો તે પ્રસંગોમાં… સામાજિક પ્રસંગોમાં!

તેમના હાથ પર કોઈ સામાજિક પ્રસંગ ન હોય તો રણધીરરાય બેચેન બની જતા. પોતાના જીવનમાં આવા પ્રસંગોની અછતથી અકળાઈને કેટલીક વાર તો તે પોતાના અંગત પ્રસંગોને પણ સામાજિક બનાવી દેતા! દાખલા તરીકે, તેમનું ઘર સમરાવવાનો પ્રસંગ.

તેમને રહેવાનું એક ઘર હતું, જોકે તેમને પોતાને ઘણી વાર એમ લાગી આવતું કે દરેક માણસ પોતપોતાના કુટુંબની સાથે પોતાના જ ઘરમાં જીવ્યા કરે, તેના કરતાં આવી દીવાલોમાંથી નીકળી, રોજ રોજ નવાં નવાં કુટુંબોમાં વારાફરતી જીવતો ફરે તો જીવન વળી વધુ સામાજિક બને. તેમની બાજુમાં જ રહેતાં કુટુંબોમાંના એકને જ્યાં રણધીરરાયના આ છેલ્લા ‘વિચાર’ની ખબર મળી કે તરત તે આખું ને આખું કુટુંબ રણધીરરાયનો પાડોશ છોડી બીજે રહેવા ચાલી નીકળ્યું! કદાચ રણધીરરાય પાડોશથી જ પહેલ કરીને રહેવા આવી ચડે તો? ના તો પડાય નહિ!

…અને રણધીરરાયને આ તો ખૂબ જ ગમ્યું. માણસો કુટુંબો બદલ્યા કરે એના કરતાં કુટુંબોનાં કુટુંબો લત્તાઓ બદલ્યા કરે એથી તો ‘સામાજિક જીવન’ વળી ઓર ખીલી ઊઠે. રણધીરરાયે ખાસ જઈને પેલા પાડોશના કુટુંબને અભિનંદન આપવા નક્કી કર્યું. તેમને જોઈને એક વાર તો પેલા લોકોના થડકારા વધી ગયા! પણ સારે નસીબે રણધીરરાય થોડુંક જ, નજીવું નુકસાન કરી પસાર થઈ ગયા.

પણ ઘર સમરાવવા જેવા કંટાળાસ્પદ પ્રસંગને પણ સામાજિક ધોરણ પર મૂકી દઈ કેટલી હદ સુધી માણી શકાય તે રણધીરરાયે લાજવાબ રીતે પુરવાર કરી આપેલું.

આમ જોઈએ તો ગરીબ બિચારું તેમનું ઘર તદ્દન તંદુરસ્ત હતું. તેને દુરસ્ત કરાવવાની કોઈ જરૂર ન હતી. પણ રણધીરરાયને એમ લાગ્યું–એક દિવસ જમીને આરામખુરશીમાં પડ્યાં પડ્યાં કે ઉપરના જડતરનું એક પાટિયું સડી ગયું છે. તે ઊભા થયા; એક લાકડી લીધી; પાટિયાને એક-બે ટકોરા માર્યા; ત્યાં તો તે ઈશ્વરની કૃપાની માફક પડ્યું.

…અને જડતર સમરાવવું, તો ઉપરના માળમાં ભેગાભેગી લાદી કેમ ન નખાવી દેવી? અને લાદી નખાવીએ તો આ કબાટોની ફ્રેમ પણ કેમ ન બદલવી?

અને કબારની ફ્રેમ બદલાવતાં, ખસેડતાં, ખસ્યું આખું ચણતર, ઉપરનો માળ નીચે આવ્યો…

તો આમે ને તેમે છાપરાં કઢાવી બોક્સંગિ કેમ ન કરાવવું? પણ એની સાથે ઘરની આગળનો દેખાવ પણ બદલવો જોઈએ. તેમ ન કરવા જતાં સુધરાઈ સાથે રણધીરરાયને કોર્ટે ચડવું પડ્યું. કાંઈ નહિ. રણધીરરાયે કમર કસી. સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા તેમની ઇચ્છા હતી, પણ જ્યારે પહેલી જ કોર્ટમાં કેસ જીતી ગયા, અને સુધરાઈએ મુંબઈથી આગળ જવાની આતુરતા ન બતાવી ત્યારે રણધીરરાયે પોતે સુધરાઈને પોતાની સામે લડવા પૈસા આપવાની ‘ચેલેન્જ’ આપી…

અને આપે તો નવાઈ પણ નહિ. કોર્ટમાં કેસ હોય, અને તે પણ સુપ્રીમ કોર્ટમાં, એથી વધુ વૈભવશાળી સામાજિક પ્રસંગ કયો?

અને આ આખોયે કેસ તે પોતાના ઘરની બહાર રહીને જ લડેલા, કેમ કે તેનું તો સમારકામ ચાલતું હતું. તે પણ એક પ્રસંગ હતો ને?

આવા શ્રી રણધીરરાય…

ઈશ્વર પણ ખરો છે! તેણે તેમને પાઠવી દીધી એક-બે પુત્રીઓ જેમને શ્રી રણધીરરાય ખૂબ જ ચાહતા, કેમ કે પુત્રી એટલે તો સામાજિક પ્રસંગોથી સભર પૅન્ડોરાની પેટી…

આ રણધીરરાયની એક પુત્રીની ઓગણીસ-વીસ વર્ષની વયમાં અનેક વાર તેને ધૂર્જટિનાં બા આગળ ધરવામાં આવેલી.

*

‘અર્વાચીના…’

‘હં…’

‘અર્વાચીના!’

‘અર્વાચીના?’

‘અર્વા…’

માતુશ્રીનો કાગળ વાંચી રહેતાં જ ધૂર્જટિના મનમાં જાગેલાં આંદોલનોને ઉપર મુજબ આલેખી શકાય. અત્યાર સુધીના તેમના અર્વાચીના સાથેના, તેના કુટુંબ સાથેના પરિચયના પરિપાક રૂપે કોઈ પણ ચોટદાર પ્રસંગે પરોક્ષ અથવા અપરોક્ષ રીતે અર્વાચીના સાથે સંવાદમાં ઊતરી પડવાની સહજ ટેવ પ્રો. ધૂર્જટિને પ્રાપ્ત થઈ પડી હતી.

પરિણામે તે જ સાંજે અર્વાચીનાના દીવાનખાનામાં પ્રવેશતાં પણ તેના મનમાં સવારનો માતુશ્રીનો પત્ર, તેમાં ઉપસાવવામાં આવેલો લગ્ન અગર — સંન્યસ્તનો વિપરીત વિકલ્પ, અને સૌથી વધુ તો રણધીરરાયજી — એ બધાં જ રમતાં હતાં.

બીજું સત્ર પૂરું થવા આવતું હતું. અર્વાચીના આવતી પરીક્ષાની તૈયારીમાં વાંચવા બેઠી હતી, જે કટોકટીમાં નૈતિક ટેકા તરીકે તેનાં બા તેની બાજુમાં જ એમની ખુરશી ગોઠવી કંઈક સીવવા-સાંધવાનું કરતાં હતાં. સહેજ દૂર હીંચકા પર બેસી બાપુજી સાંજનો ‘વધારો’ વાંચવામાં ઊડા ઊતરી ગયા હતા. રાજકારણમાં બાપુજી અંગત રસ લેતા હતા અને તેથી જ ધૂર્જટિને આવેલા જોઈને તરત જ તે બોલી ઊઠ્યા : ‘છેવટે આખરીનામું આપી દીધું.’

‘તેમને…’ ધૂર્જટિએ આંખ ચમકાવી પૂછ્યું : ‘આપને શી રીતે ખબર પડી ગઈ?’

‘કેમ? આ વધારામાં છે, વાંચો ને! રશિયાએ આપેલું આખરીનામું!’

‘ઓહો! હું તો બીજા આખરીનામાનું સમજ્યો.’

‘કેમ? બીજા કોઈએ કોઈને આપ્યું છે?’

‘જી…’ ધૂર્જટિએ ઠાવકાઈથી ચલાવ્યું : ‘હમણાં જ વાંચીને આવું છું.’

બાપુજી ઉશ્કેરાઈ ગયા. ચારે બાજુ આખરીનામાં અપાતાં હોય અને પોતે આમ હીંચકા પર બેસી રહે? આ જુવાન પણ કેવા ઠંડા લોહીનો છે!

‘કોણે કોને આપ્યું?’ તેમણે ઉશ્કેરાટ સાથે પૂછ્યું.

‘મારાં બાએ મને આપ્યું.’ ધૂર્જટિએ સમાચાર આપ્યા.

અર્વાચીના અને તેનાં બા બંને હસી પડ્યાં. જોકે રાજકારણ જેવા જીવસટોસટના વિષયમાં આવી રમૂજ બાપુજીને અક્ષમ્ય લાગી. એ ગંભીર રહ્યા.

‘એ વળી ક્યારે બન્યું?’ બાએ પૂછ્યું. ધૂર્જટિને તેનાં બાએ આપેલા આખરીનામામાં તેમને રસ પડ્યો. હમણાં હમણાં ધૂર્જટિમાં અર્વાચીનાનાં બા નવી રીતે રસ લેતાં હતાં — અર્વાચીનાનાં ‘બા’ તરીકે!

‘આજે તેમનો કાગળ છે.’ ધૂર્જટિ પણ હવે કુટુંબમાં ખૂલતો અને ખીલતો જતો હતો.

‘શું લખે છે? મજામાં છે ને?’

‘મજામાં છે.’

‘બીજા કાંઈ નવીન? આ બાજુ ક્યારે આવવાનાં?’

‘એક-બે દિવસમાં.’ ધૂર્જટિએ કહ્યું અને ચોપડીમાં મોં રાખી બેઠેલી અર્વાચીનાથી પુછાઈ ગયું : ‘એમ?’

‘કાલ સાંજે જ આવે છે.’ ધૂર્જટિએ તેના તરફ ફરી કહ્યું.

‘તમારાં બાને તમે કઈ નિશાનીથી ઓળખી કાઢો?’

બાપુજીને પેલી પહેલી સાંજ, સ્ટેશન પરની, યાદ આવી જતાં તેમણે ધૂર્જટિને નિખાલસ રીતે પૂછ્યું. પણ ત્યાં તો બાએ તેમની રાબેતા મુજબની કળ વાપરીને સમય સાચવી લીધો.

‘એમને તો એવું બોલવાની ટેવ છે હોં, સાહેબ! તમારાં બા આવશે તો તો આનંદ આવશે. અને આ આખરીનામું શેનું આપ્યું છે?’

‘તમને મળે એટલે રૂબરૂમાં જ પૂછી જોજો ને!’ ધૂર્જટિએ કહ્યું અને ઉમેર્યું :

‘આવે એટલે આવશોને એકાદ વાર, તમે બધાંય?’

આ ‘તમે બધાંય’માં અર્વાચીનાને એણે આંખથી આવરી લીધી.

આ તબક્કે બાપુજીએ પેપરમાંથી ઊચું જોયું. ‘જરૂર આવશું.’ તેમણે કહ્યું.

*