આમંત્રિત/૩૦. અંજલિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૦. અંજલિ

ન્યૂયોર્ક શહેરમાંની વસંત આમ તો પૂરી થઈ ગયેલી ગણાય. મોટા ભાગનાં ફૂલો ખીલીને, શોભા કરી કરીને હવે ખરી ગયાં હોય. છેલ્લે બસ, એક જ ફૂલ બાકી હોય. એ ખરેખર છેલ્લાં જ હોય. પણ શું એમની શોભા. ખરેખર એ ફૂલોના રાજા જ કહેવાય. મોટે ભાગે સફેદ હોય, ને ક્યાંક ગુલાબી ઝાડ જોવા મળી જાય. નામ જરા વિચિત્ર ખરું - ડૉગવૂડ્સ ફ્લાવર્સ, પણ શું એમનું સૌંદર્ય. ચાર એકસરખી પાંદડીઓથી એક ચોરસ જેવો આકાર બને. એમની વિશિષ્ટતા તે આ આકાર. એટલાં બધાં સાથે ખીલ્યાં હોય કે ડાળીઓ ફૂલોથી ભરાઈ જાય, અને પાંદડાં પણ જાણે ફૂલોથી ઢંકાઈ ગયાં હોય. ખલિલને ફૂલોનો કેટલો શોખ, ને ઋતુ ઋતુનાં ફૂલો જાણે. રેહાનાના ગરબાના કાર્યક્રમ માટે એણે ઘરમાં બધે ડૉગવૂડ્સ ફૂલોની ગોઠવણી કરાવડાવી હતી. સફેદ ખરાં, પણ વધારે ગુલાબી ડૉગવૂડ્સ મંગાવડાવેલાં - કારણકે બધી યુવતીઓ ગુલાબી રંગના જુદા જુદા શેડ્સ પહેરવાની હતી. સચિનને નવાઈ લાગેલી, કે જૅકિની પાસે સરસ ગુલાબી રંગનું લાંબું સ્કર્ટ ક્યાંથી નીકળી આવ્યું હશે? સાથે મૅચિંગ બ્લાઉઝ તો હોય, પણ આછા ગુલાબી ફ્રેન્ચ શિફૉનનો દુપટ્ટો -ઝીણી કિનારવાળી ઓઢણી જ વળી- પહેલેથી હશે એની પાસે? જાણે એ જાણતી હતી કે આજના કાર્યક્રમ માટે આ જ રંગ નક્કી થશે! કે પછી એનો ઋતુ ઋતુનાં ફૂલોને મળતા રંગ પહેરવાનો શોખ કામમાં આવી ગયો હતો? માર્શલ એમને ચારેયને આ પ્રસંગ માટે ગાડીમાં ન્યૂજર્સી લઈ જવાનો હતો. સચિનને ગાડી ભાડે કરવી ના પડી. અને પાપા તો જવા નહતા જ માગતા. કાર્યક્રમ તો દિવસ પૂરતો જ હતો, એટલે સાંજે એ એકલા પડવાના નહતા. જ્યૉર્જ વૉશિન્ગ્ટન બ્રિજ પર થઈને બધાં રેહાનાને ઘેર પહોંચ્યાં ત્યારે ખલિલ રાહ જ જોતો હતો. એનો ડૉગવૂડ્સનો આઇડિયા બધાંએ ઘણો વખાણ્યો. સચિને તો ખાસ. “તારું મગજ ક્યારેય નવરું પડે છે ખરું?”, એણે ખલિલની પીઠ થાબડતાં કહ્યું. સૌથી વધારે ઉત્સાહ રૂહીને હતો. એનાં જીદ ને આગ્રહને લીધે જ આ કાર્યક્રમ નક્કી થયો હતો. ગુલાબી રંગનો નિર્ણય પણ એનો જ હતો. રેહાનાને તો એનો પ્રિય બદામી રંગ જ વધારે ગમ્યો હોત, પણ એણે નાની બહેનને એનું ધાર્યું કરવા દીધું. ઘરની નીચેના મોટા હૉલમાં ગરબા ચાલુ થઈ ગયા પછી તો વાતો થઈ શકે જ નહીં. અમુક મિત્રો ઉપર જતા રહ્યા. ગરબામાં ઘણું ફર્યા પછી જરા શ્વાસ ખાવા, પાણી પીવા અંજલિ પણ ઉપર ગઈ. ત્યાં કોઈએ એને બોલાવી. એને તરત ઓળખાણ ના પડી, પણ પાસે દોલાને જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે એ દેવકી માશી હતાં. ‘ઓહો, કેટલાં વર્ષે જોયાં. કેવાં બદલાઈ ગયાં છે. પોતે પણ બદલાયેલી જ લાગી હશે ને એમને. પણ એ ઓળખી ગયાં.’ એ જ સાથે અંજલિને પોતાની મૉમ યાદ આવી ગઈ. ‘એ પણ આવી હશે અહીં?’ એણે આજુબાજુ જોયું. દેવકી સમજી ગઈ. એણે કહ્યું, કે “કેતકી નથી આવી, પણ એણે તને અને સચિનને મળવા બોલાવ્યાં છે. હમણાં અમારી સાથે જ રહે છે, ને અમારું ઘર અહીંથી નજીકમાં જ છે. આવશો ને? દોલા લઈ આવશે તમને.” અંજલિને મુંઝવણ થઈ, પણ એણે કહ્યું, “ભાઈ સાથે વાત કરીને કહું.” “તું ને સચિન કેમ છો, બેટા? એ ને ખલિલ તો નાનપણથી જીગરી ફ્રેન્ડ્સ છે, એટલે સચિન અત્યારે બિઝી હશે, પણ બોલાવી લાવજે, મને એક વાર મળવા. ઘણા વખતથી જોયો નથી એને.” ‘મૉમની વાત આવે, કે એની યાદ પણ આવે, એટલે મારો જ વાંક લાગવા માંડે છે મને. એટલેકે ગિલ્ટી લાગવા માંડે છે. એવું શું કામ થાય છે? એના ને પાપાની જેમ કોઈ ગુનો મેં કર્યો નથી.’ વધારે કશું વિચારતાં પણ અંજલિ અટકી ગઈ. ‘હાય રે, ફરી પાપાના, કે એમનાં બંનેના ગુનાની યાદ પણ કેમ આવે છે મનની અંદર?’ કઝીન સોનાના કહ્યે એણે થોડો વખત ક્યારેક કેતકીને ફોન કર્યા હતા. ખબર પૂછ્યા હતા, પોતે મઝામાં છે - એમ કહ્યા કર્યું હતું. એને હંમેશાં નિરાંત લાગે કે કેતકી ક્યારેય પૂછતી નહતી, કે ઘેર ક્યારે આવીશ? જાણે કેતકી ચૂપચાપ બધી સજા ભોગવવા, ને બધું સહન કરવા તૈયાર હતી. કે પછી એણે સુખી થવાની ઈચ્છા પણ છોડી દીધી હશે? ભાઈને વળગીને રડવાનું મન થતું હતું અંજલિને. પણ અહીં ક્યાં એવી તક હતી? એણે સચિનને શોધ્યો. એ, જૅકિ, ખલિલ અને રેહાના રાસમાં ફરતાં હતાં. આવડે તો એકલી રેહાનાને જ, પણ બધાં સાથે ભૂલો કરતાં, ને હસતાં જતાં હતાં. ત્યારે તો વાત થાય એમ જ નહતી. વળી, અંજલિએ જોયું તો માર્શલ એને શોધતો હતો. ‘સૉરિ, સૉરિ’ કરતી એ થોડી વાર માર્શલની સાથે ગાર્ડનમાં જતી રહી. પણ સચિનની સાથે વાત તો અહીં જ કરી લેવી જોઈએ. ઘેર જઈને ફોન થઈ શકે, પણ પાપા સાંભળે તે રીતે આ વાત કરવી સારી નહતી. બધાં વિખેરાઈને જમવામાં પડ્યાં ત્યારે અંજલિ સચિનને પાછલા ગાર્ડનમાં લઈ ગઈ, અને એકાંતમાં દેવકી માશીએ કહેલી વાત કરી. “જઈશુંને, મૉમને મળવા, ભાઈ? જમીને નીકળીએ ત્યારે જઈ આવવું છે?” સચિન જરા હબક ખાઈ ગયો હોય એમ તરત કશું બોલી ના શક્યો. થોડો વિચાર કર્યા પછી એણે કહ્યું, “ના સિસ, આજે નહીં. જૅકિને લઈને નથી જવું. એને મારે કોઈ રીતે અપસેટ નથી થવા દેવી. કાલના પ્રસંગમાં જૅકિ આવવાની નથી. જો એક વાર આપણે જવું જ હોય તો કાલ પર રાખીએ. તું દોલાને કહી દેજે. ને હમણાં પાપાને ના કહેતી.” ખલિલ જમવા માટે સચિનની રાહ જોઈ રહ્યો હતો. એનું ગંભીર થયેલું મોઢું જોઈને ખલિલે ટેવ મુજબની મજાક ના કરી. “તું ને જૅકિ મારી ને રેહાનાની સાથે બેસવાનાં છો. ચાલ, જમી લઈએ”, એણે ફક્ત એટલું જ કહ્યું. એણે અનુમાન કરેલું, કે સચિનનાં મૉમને લગતી કોઈ વાત હશે. એને એ ય ખબર કે તક મળશે ત્યારે સચિન એને કહેશે જ. ન્યૂયોર્ક શહેર પાછાં જતાં મોટરમાં અંજલિએ ખાત્રી કરવા માંડી કે સચિન કાલે કેતકીને મળવા આવશે જ. સચિનને અચકાટ હતો, અનિચ્છા હતી, આટલા વખત પછી મૉમની સામસામે થતાં એનું મન ઊપડતું નહતું. અંજલિએ ધીમેથી કહ્યું, “ભાઈ, આપણે બે સાથે હોઈશું, અને સાવ નજીકમાં હોઈશું. એક વાર જઈ આવીએ, મળી લઈએ. આપણે એટલું તો કરીએ મૉમ માટે, ભાઈ.” માર્શલ અને જૅકિ ચૂપ રહીને સ્નેહ દર્શાવતાં હતાં. આ પ્રશ્ન ભાઈ-બહેન ઉકેલી લેશે. એ માટે બીજા કોઈની સલાહ કે દખલની જરૂર નહતી. જોકે એ સ્પષ્ટ હતું કે એક વાર માને મળવા જઈ આવવું જોઈએ. બહુ સમય ગયો; હવે વીતેલું તે પાછળ છોડવામાં જ સાર હતો. અંજલિના કહેવામાં ડહાપણ હતું, સચિને કબૂલ કર્યું. “સારું, સિસ, કાલે થોડી વાર માટે આપણે જઈ આવીશું. તું દોલાને કહેજે કે આપણને લઈ જાય.” માર્શલ હવે બોલ્યો, કે “હું જ તમને લઈ જઈશ. ખલિલને ત્યાં મળી લીધા પછી આન્ટીને ત્યાં હું તમને ઉતારીશ, ને રાહ પણ જોઈશ. તમે મળીને નીકળો એટલે તરત આપણે ખલિલને ત્યાં પાછાં જતાં રહીશું. કોઈને ખબર પણ નહીં પડે.” “થૅન્ક્સ, માર્શલ”, અંજલિ આંસુ રોકતાં ભાગ્યનો આભાર માનતી હતી, કે માર્શલ જેવો સમજુ યુવાન એની જિંદગીમાં હતો. ઘેર જઈને સચિને પાપાને ફોન કરીને ખલિલના પ્રસંગની બધી વાત કરેલી. લાગે કે બહુ ઉત્સાહિત હતો, પણ કેટલો પ્રયત્ન કરવો પડેલો એ માટે, તે જૅકિ જોઈ શકતી હતી. પણ પાપાને નહતું જ જણાવવું કે આવતી કાલે એ અને અંજલિ મૉમને મળવા જવાનાં હતાં. જૅકિ એને નીચે હડસન નદી પર ચાલવા લઈ ગઈ. સૂર્યાસ્તના આછા રંગ અને ધીમા પવનને લીધે સાંજ સરસ બની હતી. મોટાં વૃક્ષની હાર પૂરી થાય તે પછી, એક ભાગમાં ફૂલો ઉગાડેલાં હતાં. ત્યાં વસંતમાં ચૅરિ બ્લૉસમ્સનાં ઝાડ ખીલી ઊઠે, ને મોડા ઉનાળામાં ડૉગવૂડ્સનાં. સફેદ અને ગુલાબી ડૉગવૂડ્સની પાસે થઈને ચાલતાં ખલિલે આ ફૂલોથી ઘરમાં કરેલી શોભા યાદ આવી. “એને શું આઇડિયા આવે છે હંમેશાં”, કહી બંને હસ્યાં. સવારે સચિન વહેલો તૈયાર થઈને માર્શલ અને અંજલિની રાહ જોવા નીચે જતો રહ્યો. એને ચિંતા હતી, કે અંજલિ ઠીક હશે ને. ગઈ કાલે તો અંજલિ, અને એ પોતે પણ, જરા અજંપામાં જ હતાં. અંજલિ સ્વસ્થ હતી. એણે સચિનને ચિંતા ના કરવા કહ્યું. “આપણે મૉમને મળવા જવાનાં છીએ, ભાઈ, એમાં ડરવાની કે ગભરાવાની ક્યાં જરૂર જ છે. અને તું ચિડાતો નહીં, પણ પછી મેં અને માર્શલે સાથે બેસીને પાપાને કહી દીધું હતું. સાંભળીને એ પણ ગભરાયા નહતા, બલ્કે તને એક મૅસૅજ આપ્યો છે. તે તું મૉમને આપી દેજે.” ખલિલને મળી, જરૂર પ્રમાણે મદદ કરી, મહેમાનો આવવા માંડ્યાં એટલે અંજલિ અને સચિન માર્શલની સાથે કેતકીને મળવા નીકળી ગયાં. ઘર નજીકમાં જ હતું. બારણું કેતકીએ ખોલ્યું. “આ મૉમ હતી?”, અંજલિ અને સચિનને મનમાં થયું. કેવી સૂકાઈ ગઈ હતી. એમને જોઈને, “આવો બેટા” કહીને એ હસી ત્યારે પણ ચહેરા પર ઉદાસી રહેલી હતી. બંને સંકોચ પામતાં અંદર ગયાં. દોલાને જણાવ્યું નહતું એટલે એ અને દેવકી માશી હતાં નહીં. એ બંને કદાચ ખલિલને ઘેર જઈ રહ્યાં હશે. કેતકીને થતું હતું કે જાણે બંને છોકરાં તરફ એ જોયા જ કરે. આંખોનાં ઝળઝળિયાંને લીધે બંનેનાં મોઢાં પહેલાં અસ્પષ્ટ હતાં. આ સચિન. કેવો ઊંચો અને દેખાવડો થઈ ગયો છે. એની આંખો આટલી બધી એના પાપાની આંખો જેવી હતી? કેટલાં વર્ષે જોયો એને. ને મારી નાનકડી દીકરી. એ ય કેટલી મોટી થઈ ગઈ. ને ખરેખર ડાહી. શું પહેર્યું છે? જાંબલી ને લીલું મૅચિંગ સરસ લાગે છે. હવે સાડી કોઈ પહેરતું જ નહીં હોય? અંજલિ કેતકીની નજરથી સભાન થઈ ગઈ હશે. એણે કહ્યું, “હવે યન્ગ કોઈ છોકરીઓ સાડી પહેરતી જ નથી.” “ના, ના, આ સરસ લાગે છે. પણ મને એમ કે તને મારી સાડીઓ આપું.” ખલિલને ત્યાં જમવાનું હતું, તેથી સચિન અને અંજલિ કશું ખાવા નહતાં માગતાં. વળી, થોડી જ વારમાં જવું પણ પડશે, એમણે કહ્યું. કેતકીએ અચકાતાં કહ્યું, “એક વાર તમારા પાપાને મળવું છે. ઘેર નહીં તો ક્યાંક રૅસ્ટૉરાઁમાં, કોઈ પાર્કમાં. થોડી જ વાર માટે. એક વાર, બેટા, એમને જોઈ તો લઉં.” એના અવાજમાં આજીજી હતી. અને એણે એમ કેમ કહ્યું, ‘એક વાર જોઈ તો લઉં?’ આવો વિચાર તો સચિનને તત્કાળ આવી ગયો, પણ એણે કહ્યું તો જે કહેવાનું હતું તે જ. “મૉમ, પાપાએ કહેવડાવ્યું છે કે એમણે તને પૂરી માફ કરી દીધી છે. તારે પણ હવે માફી માગવાની નથી. પાપા સારા છે, આનંદમાં છે”, સચિન બોલ્યો. કેતકી કશું કહેવા જતી હતી, એને અટકાવીને સચિને આગળ કહ્યું, “ઘણો સમય વહી ગયો, મૉમ. હવે રહેવા દે. પાપાના મનમાં હવે કોઈ ફરિયાદ નથી, પણ એ તને મળી શકે તેમ નથી. તું સારી રહે એમ ઈચ્છે છે.” અંજલિ જતાં જતાં મૉમને જરા ભેટી, પણ સચિન એમ ના કરી શક્યો. કેતકીએ બંનેને એક એક બૉક્સ આપ્યા, ને કહ્યું, “તમને ભાવતા નારકોળના લાડુ છે. તમે ચારેય શોખથી ખાજો. દોલા પાસેથી તમારા ખબર મળે છે ક્યારેક મને.” એટલેકે, સચિન ઝડપથી સમજી ગયો, કેતકીને જૅકિ અને માર્શલ વિષે જાણ હતી. સારું થયું કે એ સંયત રહી, ને કશું પૂછ્યું નહીં, ને એમને મળવા લાવવાનો આગ્રહ કર્યો નહીં. એ અકળાઈ જ ગયો હોત, તો તો. અંજલિ પૂછતી હતી, “તને ખબર તો નહતી કે અમે આવવાનાં છીએ.” “ખબર તો નહતી, પણ કદાચ આવો પણ ખરાં. એમ માનીને ગઈ કાલે જ લાડુ બનાવી રાખ્યા હતા. ગઈ કાલે ના આવ્યાં, પણ કદાચ આજે આવો. મેં આશા તો રાખી જ હતી.” “ઓ મૉમ”, કહીને અંજલિ હવે કેતકીને જોરથી ભેટી.