ઇતિ મે મતિ/વિચારનો નશો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિચારનો નશો

સુરેશ જોષી

માનવી પોતાના હોવાપણા વિશે વધુ પડતું વિચારતો થાય એ કેટલાકને મતે સારું લક્ષણ નથી. વિચારનો નશો પણ બીજા નશા જેટલો જ ખરાબ છે. એથી જાણે કર્મમાંથી છુટ્ટી મળી જાય છે. પ્રમાદને સાભિપ્રાય ઠરાવવા માટે દાર્શનિક પરિભાષા મળી રહે છે. આપણે પોતાને વિશે તરંગે ચઢીએ એ તો નિરુપદ્રવી લેખાય, પણ આખી માનવતાને નામે એ ઉદ્યમ આરંભીએ! એટલું જ નહીં, એ પછી એ એક વળગણ બની રહે તો એ પરિસ્થિતિ ખતરનાક લેખાવી જોઈએ. પછી તો એ એક વ્યવસાય જ બની રહે. એમ કરવા જતાં કદાચ આપણે આપણી વ્યક્તિગત નિર્બળતાઓનો, ક્ષતિઓનો અને વિલક્ષણતાઓનો જ ગુણાકાર કરતા હોઈએ છીએ.

માનવ અસ્તિત્વની એક વિલક્ષણતા એ છે કે તમે એ વિશે વધુ વિચારવા માંડો કે તરત એ નર્યું નિરર્થક લાગવા માંડે છે. પછી આપણે ચહાનો દસમો કપ ગટગટાવતાં, એવા નિરર્થક અસ્તિત્વને દોસ્તોએવ્સ્કીના પાત્ર ઇવાનની અદાથી સ્વેચ્છાએ ફગાવી દેવાની વાતો કરવા લાગીએ છીએ. વૃક્ષોનું હોવું તે સ્વાભાવિક છે, માનવીનું હોવું એટલું સ્વાભાવિક લાગતું નથી. પ્રકૃતિ વિશેનું ચિન્તન, પ્રકૃતિકાવ્યો, પ્રકૃતિની પ્રશંસા – આ બધું એ અસ્તિત્વની સ્વાભાવિક સ્થિતિમાં થોડા સમય પૂરતા પણ, સરી જવા માટેના પ્રયત્નો હોય છે. મારામાં જ્યારે મારા હોવા વિશેના અનેક વિચારોની ધમાચકડી મચી રહે છે ત્યારે હું રસ્તાની ધારે, વર્ષોથી સ્થાનચ્યુત થયા વિના પડી રહેલા પથ્થરની નિશ્ચેષ્ટતાની ઈર્ષ્યા કરવા લાગું છું. ઘડીભર મારા જ ઘરનું દર્પણ બની રહેવાની મને ઇચ્છા થાય છે. બધું ગ્રહવું, ઝીલવું, પણ કશાનો પોતાના પર ડાઘ ન પડવા દેવો, નિલિર્પ્ત રહેવું. કબીરનો આદર્શ એ જ નહોતો? ચુંદડીને એવી ને એવી અકબંધ પાછી વાળવી એ જ આપણો પરમ પુરુષાર્થ!

રૂમાનિયન ચિંતક સિઓરાન કહે છે કે જ્યારે આપણે શૂન્યમાં આત્મસાત્ થઈને રહીએ છીએ ત્યારે જ આપણે સાચું સ્વત્વ પામતા હોઈએ છીએ. બાકીનું બધું તો આપણી સાથેના એના મુકાબલા દરમિયાન આપણને કોઈ ને કોઈ રીતે ઊણા કરતું જ હોય છે. ઈશ્વરની કલ્પનાથી પણ આપણને પૂરો સન્તોષ થયો નથી. જો થયો હોત તો આદમ સ્વર્ગ છોડીને પૃથ્વી પર શા માટે જઈ પડ્યો હોત? એ અણજાણપણે ઈશ્વરની ઈર્ષ્યા કરતો હતો. શેતાને એની આ મનોદશાનું એને ભાન કરાવ્યું. ઉદ્યાનનાં બીજાં વૃક્ષોનાં ફળ ખાવાની એને છૂટ હતી. પણ ઇષ્ટ અને અનિષ્ટની વિવેકબુદ્ધિ જગાડનારા જ્ઞાનના ફળને ખાવાની જ મનાઈ હતી. અનિષ્ટ શું છે એ જાણવાથી જ આપણને અનિષ્ટ આચરવાનું પ્રલોભન થશે એવી ઈશ્વરને ચિન્તા થઈ હશે? પણ આખરે બન્યું શું? ઈશ્વરની વાત્સલ્યભાવે આપેલી ચેતવણી કરતાં શેતાનની ચઢવણી ચઢિયાતી નીકળી! મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતાં શેતાન ઈશ્વર કરતાં વધુ ચતુર લેખાય. શેતાનનો તો જે આશય હોય તે, પણ માનવીનો ઈશ્વરના સમોવડિયા થવાનો પ્રયત્ન પ્રશંસનીય છે, કારણ કે એ જ્ઞાન દ્વારા એ પોતાને સિદ્ધ કરવા ઇચ્છે છે, વળી એમ કરવાથી એ પોતાને મળેલી ઈશ્વરદત્ત અમરતાનો પણ ભોગ આપે છે. આ ભવાટવીમાંથી છૂટવા માટેનું મરણનું ખોડીબારું આપણો એ પૂર્વજ આપણને ચીંધતો ગયો! આથી જીવનવૃક્ષને છોડીને એણે જ્ઞાનવૃક્ષને જ પસંદ કર્યું. કાફકા કહે છે કે માનવીને જો પહેલાંના એ જ્ઞાનથી અકલુષિત નિષ્કલંક નિર્દોષ અવસ્થા ફરીથી પ્રાપ્ત કરવી હશે તો ફરીથી બીજી વાર જ્ઞાનના ફળને ચાખવું પડશે, આ બીજું પતન જ કદાચ ઊર્ધ્વગામી નીવડશે!

ઈશ્વરની ગણતરી એવી હશે કે અજ્ઞાની માણસની અમરતા નિરુપદ્રવી હોય છે. એથી ભય પામવાનું કશું કારણ હોતું નથી. પણ માનવી અમરતા અને જ્ઞાન બન્ને પામે તો? માનવીમાં વિદ્રોહની વૃત્તિ રહી છે. તે એક પાયાની વૃત્તિ છે. જેનો આદેશપૂર્વક નિષેધ કરવામાં આવે છે. તે આચરવાનો પછી એ પોતાનો અધિકાર સમજે છે. ઈશ્વરને આ નહીં સમજાયું હોય? એણે શા માટે ઇડનના ઉદ્યાનના કેન્દ્રસ્થાને જ્ઞાનવૃક્ષને સ્થાપ્યું? એને જો માનવીના આ વલણની ખબર હોય તો એણે જીવનવૃક્ષનાં ફળ ચાખવાનો જ નિષેધ કર્યો હોત!

આદિમાનવની મહત્તા કદાચ આપણે બરાબર સમજ્યા નથી. હજી પણ વિસ્મયમિશ્રિત આદરથી આપણે પૂછીએ છીએ. અમરતાને કોરાણે મૂકીને એણે શા માટે જ્ઞાનનું ફળ ચાખવાનું પસંદ કર્યું હશે? અમરતા એને સાવ રેઢિયાળ શા માટે લાગી હશે? અમરતા સ્વર્ગનો કાયદો હતી માટે એણે ફગાવી દીધી હશે? આજે આદમના એ સ્વભાવનો વારસો આપણને મળ્યો છે. જે કાયદાથી ખૂબ જ સહેલાઈથી આપણને મળે છે તેનું જ આપણને કશું મૂલ્ય નથી રહેતું. એથી કર્તૃત્વનો આપણો અહંકાર અતૃપ્ત રહે છે. આપણી ઈશ્વર સાથેની સ્પર્ધા આ કર્તૃત્વ પરત્વે છે. સુખને એકસરખું સહ્યો જવાનું પણ આપણું ગજું નથી. મને તો લાગે છે કે માનવી દુ:ખ કરતાં સુખથી વધુ ગભરાઈ જાય છે. વધુ સુખ જ વૈરાગ્યનું મૂળ છે. સ્વર્ગ છોડવું એ માનવીનો, આ જ કારણે જન્મસિદ્ધ અધિકાર નથી બની રહેતો? સ્વર્ગમાં તો આદિઅન્તની પરિભાષા હોતી જ નથી. સ્વર્ગ તો આકારશૂન્ય જ છે. માનવીની પરમ મહેચ્છા મૂર્ત થવાની અને મૂર્ત કરવાની છે. આથી જ્ઞાનનું ફળ ચાખીને એ સમયનાં પરિમાણની સીમામાં જઈ પડ્યો. પૃથ્વી પર એણે પગ ટેકવ્યો. એને એના અસ્તિત્વના અક્ષાંશરેખાંશ પ્રાપ્ત થયા. સ્વર્ગની નિશ્ચિહ્ન અમરતામાંથી છૂટીને એ આત્મસંજ્ઞા પામ્યો. સ્વર્ગમાં તો લક્ષ્ય નહીં, ધ્યેય નહીં, માટે નિયતિ જેવું કશું નહીં.

એ સમજીએ છીએ ત્યારે કાફકા શા માટે વિનિમયની તૂટી ગયેલી કડીઓ પરત્વે અને લક્ષ્યના લોપ વિશે આક્રોશપૂર્વક બોલે છે તે સમજાય છે. જે શૂન્યાવકાશમાં છે તેને સ્વર્ગ પરથી અવતારીને પૃથ્વી પર એની આગવી મર્યાદાથી, એની આગવી નિયતિથી, ચિહ્નિત કરીને જ એની અધિકૃતતા અર્પી શકાય. કાફકા આવી અધિકૃતતાની શોધમાં છે. એણે પણ એની ‘ધ કાસલ’ નવલકથામાં કિલ્લારૂપે સ્થાપેલા સ્વર્ગને નકારી કાઢ્યું છે. એક બીજો પ્રશ્ન પણ આપણને હજી પજવે છે. સ્વર્ગમાંથી માનવી અવિકલ પૃથ્વી પર અવતરી શક્યો છે ખરો? ઈશ્વર એટલી ઉદારતા બતાવી શકે? મને લાગે છે કે ઈશ્વરથી છૂટા પડતાંની સાથે એ પોતાના એક અંશથી પણ છૂટો પડ્યો છે. આ વિકલ માનવીનો સાચો સ્વભાવ વ્યાકુળતા જ છે. એ પ્રેમથી વ્યાકુળ થાય છે. ભક્તિથી વ્યાકુળ થાય છે. આથી જ ચિત્તની સમાહિત અવસ્થા કેળવવાનો આદેશ ધર્મ એને આપ્યા કરે છે. ધર્મ ફરી માનવીને ઈશ્વરસદૃશ બનવાનાં પ્રલોભનો આપ્યા કરે છે. જે કામસર્પે ઇડનના ઉદ્યાનમાં કર્યું તે કામ ધર્મ અહીં કરી રહ્યો છે. આથી જ તો ધર્મથી સાવધાન રહેવાનો આપણો ધર્મર્ બની રહે છે.

આથી માનવપુરુષાર્થે બે માર્ગ લીધા છે. ઈશ્વરસદૃશ થવાનો અને ઈશ્વરને ઉલ્લંઘી જવાનો. આથી જ તો મેં શરૂઆતમાં કહ્યું કે માનવી માનવ્યની વાત કરે છે ત્યારે એ કૃત્રિમ અને વિલક્ષણ લાગે છે. ઘણી વાર આપણને હજી શંકા જાય છે કે જ્ઞાનના ફળમાં પણ ઈશ્વર કીડો થઈને પેસી નહિ ગયો હોય? ભલે ગીતા નિશ્ચયાત્મિકા બુદ્ધિની વાત કરે, સંશય જ આપણો સ્થાયી ભાવ છે. સંશય અને વિસ્મય વચ્ચેનો ભેદ નહિ પારખવા જેટલા આપણે ‘અજ્ઞાની’ નથી. વિસ્મય ભક્તિમાં પરિણમે છે કારણ કે એ અદ્ભુત અને અલૌકિકની દિશામાં આગળ વધે છે. સંશય એટલે જ દ્વિધા, માટે જ એની ગતિ કુણ્ઠિત હોય છે. આથી જ એ ભક્તિના વૈકુણ્ઠની બહાર રહે છે.

26-9-80