ઇદમ્ સર્વમ્/બુદ્ધિજીવીનું શોષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બુદ્ધિજીવીનું શોષણ

સુરેશ જોષી

હમણાં હમણાં બુદ્ધિજીવી વર્ગ પર તવાઈ ઊતરી લાગે છે, એવો કોઈ વર્ગ પોતાનું આગવું અસ્તિત્વ ટકાવીને સમાજમાં સુપ્રતિષ્ઠિત રહી શકે એવી પરિસ્થિતિ છે ખરી? એ વર્ગને જ હંમેશાં શંકાની નજરે જોવામાં આવે છે, એની બુદ્ધિનો ખપ છે ખરો, પણ એને પૈસાને જોરે ખરીદી શકાય એવો ફાંકો પણ રાખવામાં આવે છે. આગલી હરોળમાં બેઠેલા કે અગ્રગણ્ય સ્થાને સભાસમારમ્ભમાં બિરાજતા સજ્જનોની પાછળ બુદ્ધિજીવી સંતાઈને રહ્યો હોય છે, પ્રમુખ સ્થાને બેઠેલા સજ્જનને એ વ્યાખ્યાન લખી આપે છે. આમ એ બૌદ્ધિક નથી પણ ખરેખર બુદ્ધિજીવી છે, કારણ કે બુદ્ધિ એની આજીવિકા રળવાનું સાધન છે. બુદ્ધિજીવીઓનો સૌથી મોટો ભોગ લે છે વર્તમાનપત્ર. એને દાટી દેવાની, ખરીદી લેવાની ને અન્તે નીચોવી શોષીને ફોતરાંની જેમ ફેંકી દેવાની વર્તમાનપત્રની રીતરસમોનો અભ્યાસ થવો જરૂરી છે.

સરમુખત્યારશાહીમાં બુદ્ધિજીવી વર્ગને શોષવાની જે રીતિ અખત્યાર કરવામાં આવે છે તેને ટપી જાય એવી રીતિઓ આપણા દેશમાં આપણી લોકશાહીમાં અખત્યાર કરવામાં આવે છે. આમ છતાં છાશવારે સંસ્કૃતિ, સંસ્કૃતિના રક્ષણસંવર્ધનની વાતો કર્યા કરનારા અગ્રિમ ધુરંધરોને આ પ્રશ્ન મૂંઝવતો નથી. કરુણ અથવા બીજી રીતે જુઓ તો હાસ્યાસ્પદ પરિસ્થિતિ તો એ છે કે બુદ્ધિજીવીના શોષણનો પ્રશ્ન ઊભો થયો છે એનું ભાન આ શોષણ કરનારાઓને છે જ નહીં. એઓ તો કશા સભાન આશય વિના, જાણે તેમનો સ્વભાવ જ થઈ પડ્યો હોય તેમ, વર્તતા હોય છે. આ પરિસ્થિતિનું ભાન પણ એમને બુદ્ધિજીવીઓ સિવાય કોણ કરાવે? ને એ તો બિચારા ખરીદાઈ ગયા હોય છે! એમનાં તો કાંડાં કાપી લીધાં હોય છે! બુદ્ધિજીવીઓ શા માટે પોતાની આવી દશા થવા દે છે? એમને પોતાના સિદ્ધાન્ત ખાતર ભોગ આપતાં કેમ નથી આવડતું ? એઓ શા માટે હસતે મોઢે ગરીબી સહન કરી શકતા નથી? ફનાગીરીને જ એઓ કેમ પરમ સૌભાગ્ય ગણી લેતા નથી? ભોગ આપ્યા વિના કોઈ મહાન થઈ શકે?

આમ બુદ્ધિજીવીઓને એમનો ધર્મ સમજાવવાની, એમને પરાણે મહાન બનાવી દેવાની ચિન્તા ઘણાને થતી હોય છે. જે સમાજમાં બુદ્ધિશાળી વર્ગ શૂદ્રને સ્થાને છે તે સમાજની અધોગતિ થતાં વાર લાગતી નથી. મૂલ્યોનો લોપ, અરાજકતા, નીતિભ્રષ્ટતા, સદાચાર આ બધી વાતો ચાલ્યા કરે છે, પણ મૂલ્યસંશુદ્ધિની વિચારણા કરશે કોણ? સાધન અને સાધ્ય વિશે વિચારશે કોણ? વગ ધરાવનારા વર્ગને જે પોતાના સ્વાર્થને અનુકૂળ લાગ્યું તે જ મૂલ્ય એવું બુદ્ધિજીવી વર્ગ પાસે તર્કને જોરે પ્રતિપાદિત કરાવવાનો જેટલો ઉત્સાહ છે તેટલી જો સત્યનિષ્ઠા હોત તો આવું નહીં બન્યું હોત. પણ આપણા બધાનાં વતી સત્યનું માન રાખવાની જવાબદારી તો ગાંધીજીની હતી ને એઓ તો ગયા!

બુદ્ધિજીવી વર્ગને હંમેશાં ગાળ ખાવાને તૈયાર રહેવું જ પડે છે, ક્ષેત્ર ગમે તે હોય, એક કહેવાતા સર્જકે (આમ તો ધંધાદારી વાર્તાલેખક) બુદ્ધિજીવીઓનો જે દોષ કાઢ્યો છે તેનો નમૂનો આ રહ્યો : ‘ગઈ સદીમાં બુદ્ધિજીવી વર્ગને ગુલામી સાલતી હતી. ને આજે આઝાદીમાં એ વર્ગને દેશની ગરીબાઈ, પછાતપણું સાલે છે તેમ કહી શકાય ખરું? અને જો સાલતું હોય તો તે માટે એ વર્ગે શું કર્યું? બુદ્ધિજીવી વર્ગ એવું માનતો જોવા મળે છે કે રાજકારણે સમગ્ર સમાજજીવન પર એવો ભરડો લીધો છે કે એમાં પડ્યા વિના કંઈ થઈ શકે એમ નથી. અને રાજકારણના ગંદવાડમાં પડવું પોતાને પોષાય નહીં! રાજકારણમાં એ ખૂણે નિસાસો નાખતો બેસી રહ્યો છે. જો આ ને આ સ્થિતિ ચાલુ રહેવાની હોય તો લોકશાહીનું ભાવિ ઊજળું નથી.’

આ પરિચ્છેદમાં કેવી તો અમાનુષી ક્રૂર મશ્કરી રહેલી છે! ગરીબી આંકડાશાસ્ત્રનાં કોષ્ટકોને આધારે પુરવાર કરવાની વસ્તુ નથી, પ્રત્યક્ષ અનુભવની વસ્તુ છે. તેને એમ પૂછવું કે, ‘તને ગરીબાઈ સાલે છે ખરી?’ એ ક્રૂર મશ્કરી નહીં તો શું? લોકરુચિની ખુશામત કરીને, ફદિયાની બુદ્ધિના આધારે લાખનો બંગલો બંધાવનારા વાર્તાકારને કદાચ આ પ્રશ્ન સુખસગવડ વચ્ચે આળોટતાં આળોટતાં પૂછવાનું પરવડે. બુદ્ધિજીવી કાયર છે, વાસ્તવિકતાનો સામનો કરવાને બદલે શાહમૃગીવૃત્તિ સેવે છે. પોતાના વિચારો (અથવા તો ગાળને વધારે આકરી બનાવવી હોય તો કળાના તરંગ)માં જ મગ્ન બનીને એ પોતાના એકદંડિયા મહેલમાં પુરાઈ રહે છે, જનતાનો એને સમ્પર્ક જ નથી, લોકોથી જુદા રહેવાની એ તુમાખી સેવે છે, એ કર્મવીર નથી વગેરે વગેરે આક્ષેપો મૂકવા સહેલા છે. રાજકારણ ગંદી રમત હોય ને જો એને ખરેખર એવું લાગતું હોય ને એમ કહે તો પણ તે સોગિયામાં ખપે. ગંદાની સૂગ રાખ્યા વિના એણે રાજકારણમાં ઝંપલાવવું જ જોઈએ એવી સલાહ આપવામાં આવે, કેમ જાણે રાજકારણમાં પડવાથી જ બધા પ્રશ્નો ઉકેલવાની જડીબુટ્ટી હાથમાં આવી જવાની હોય! પોતાને બુદ્ધિજીવી કહેવડાવતા છતાં વાસ્તવમાં બુદ્ધિદ્રોહી એવો આ વર્ગ હંમેશાં છીછરી વિચારસરણી, સમસ્યાઓને ઉથલાવી તપાસી જોવાનું નાટક – એમાં રાચતો હોય છે. ને એ રીતે પોતે બુદ્ધિજીવી છે એ વાતનો સંતોષ લઈ આત્મપ્રવંચનામાં રાચતો રહે છે. લોકશાહીના દ્રોહી બુદ્ધિજીવી જ છે એવું માની મનાવીને આ વર્ગ સન્તોષ લે છે.

આપણી સર્વ ક્ષેત્રની વિચારણા-પર્યેષણામાં બુદ્ધિનું સ્તર કેટલું ઊંચું રાખી શકાયું છે? આપણે ત્યાં સાચી લોકશાહી છે ખરી? તટસ્થ રહીને જો આ પ્રશ્નો વિચારીશું તો જણાશે કે કોઈ વાદ, કોઈ વર્ગની સેહમાં દબાયા વિના થતું સ્વતન્ત્ર ને મૌલિક ચિન્તન ઘણું ઓછું છે. આપણી વિદ્યાપીઠો તો બુદ્ધિજીવીઓનું મુખ્ય સ્થાનક છે. ત્યાં જે સંવિવાદ ને ચર્ચાઓ ચાલે છે તે સાંભળો કે આપણા અગ્રગણ્ય લેખાતા સર્જકો ને વિચારકો આપણા નગરગૃહોમાં મહત્ત્વના પ્રશ્નો જે રીતે છણે છે તે જુઓ, ક્યાંક એકાદ નવો વિચાર ઝબકી ઊઠે, એના ઝબકારાથી આપણા મનમાં અજવાળું થઈ જાય એવું ક્વચિત બને છે ખરું? આવા વિદ્વાનોના શબ્દો મુદ્રિત કરી એમની સામે ધરીને એમનો જવાબ માગવામાં આવે તેમ થવું જોઈએ. થોડું બુદ્ધિચાપલ્ય (આ સમાસનું પહેલું અંગ ઘણુંખરું ગેરહાજર), થોડાં ટાંચણો, થોડી હળવી ને સસ્તી મજાક, થોડો આવેગ ને આવેશ ને થોડો અભિનય બસ, પતી ગયું.

બુદ્ધિજીવી વર્ગને જો ગાળ ભાંડવી હોય તો તેનું સાચું કારણ તો એ હોવું ઘટે કે આ વર્ગ જ બૌદ્ધિક પ્રામાણિકતા જાળવી રાખતો નથી, બુદ્ધિને સતેજ રાખતો નથી. પોતાના મનમાં સતત ચાલ્યા કરતા વિચારને કારણે જે ઉદ્ભવે તે વિશે ઊહાપોહ કરવાને બદલે એ સસ્તી ગાઇડ લખીને ગુજારો કરે છે. સભાજનોનું ને સરકારનું ગુણગાન કરે છે. જરૂર પડે તો ઉગ્ર પણ સત્યનિષ્ઠ એવી આલોચના થતી રહે તો જ આ પરિસ્થિતિમાંથી ઊગરી શકાય, આથી બુદ્ધિજીવીઓને ખરો પૂછવાનો પ્રશ્ન તો આ છે : બુદ્ધિની મંદતા, મૌલિક વિચારણાનો અભાવ, બૌદ્ધિકોની ગણતરીપૂર્વકની અપ્રામાણિકતા, એમનું સમાજના વગ ધરાવનારા વર્ગને હાથે થતું શોષણ, વિદ્યાસ્થાનોમાં પણ એમની દયાજનક સ્થિતિ – આ બધું તમને સાલતું નથી? બુદ્ધિજીવીઓની સામે ગમે તે કહેવાનું હશે, ક્રાન્તિનો તણખો એ વર્ગમાંથી જ ઊડશે ને પછી બધું સળગી ઊઠશે. વિદ્યાપીઠમાં પણ રાજકારણે પ્રવેશ કર્યો છે. આ વ્યક્તિ આ પક્ષનો પ્રતિનિધિ છે એ રીતે જોવામાં આવે છે. પોતાના ક્ષેત્રમાં કશુંક અસાધારણ સિદ્ધ કર્યા બદલની એની ગુણવત્તા જોવામાં આવતી નથી. લોકશાહી એટલે મતગણતરી – હાથ ઊંચો કરવામાં જેટલી બુદ્ધિની કે પ્રામાણિકતાની કે સત્યનિષ્ઠાની જરૂર રહે છે તેટલી કદાચ અમુક વર્ગની પ્રત્યેની વફાદારીના ખ્યાલની ન હોવી ઘટે. આનો અર્થ એ થયો કે લોકશાહીમાં બુદ્ધિ હાથ ઊંચો કરવા સુધી પહોંચી છે, મગજ સુધી નહીં : ‘લોક’ શબ્દ જેના પરથી ‘લોચન’ શબ્દ બન્યો છે તેમાંથી બન્યો છે. લોક એટલે જે દેખી શકે છે તે. આથી લોકતંત્ર એટલે પોતાની દૃષ્ટિથી દેખી શકનારનું તંત્ર. પણ એક જણને હાથ ઊંચો કરતો જોઈને દેખાદેખીથી હાથ ઊંચો કરનારો સાચા અર્થમાં દેખતો નથી પણ આંધળો છે, એ સત્યને ઓળખતો નથી, આથી સત્યનો આગ્રહ તે શી રીતે રાખે? એના વર્ગના અગ્રણી જેનો આગ્રહ રાખે તેને સત્ય માનીને જ એ સૂત્રોચ્ચાર કરે, એનો જ હઠાગ્રહ એ રાખે. આથી એમાં પ્રામાણિકતા કરતાં વફાદારી વધારે, નિષ્ઠા કરતાં ઝનૂન વધારે, બુદ્ધિ કરતાં શ્રદ્ધા વધારે.

કશુંક અસાધારણ બની આવે તો આપણું શું થશે એવી ભીતિ આ વગ ધરાવનારા વર્ગને છે ને તે સર્વ ક્ષેત્રમાં – પછી તે વિદ્યાપીઠ હોય, સમાજસંસ્થા હોય કે રાજકીય પક્ષ હોય.