ઇદમ્ સર્વમ્/સત્ય ખાતર શહીદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સત્ય ખાતર શહીદી

સુરેશ જોષી

ના, હું કોઈ ભૂતાવળની વાત નથી કરતો. આ નરી કલ્પના નથી કે મનની અસ્વસ્થતાને કારણે થતી ભ્રાન્તિ નથી. આજ સુધી મેં પોતે પણ આવું જ કંઈક હશે અને દૂર થઈ જશે એવું આશ્વાસન લેવાનો પ્રયત્ન કરી જોયો છે. પણ સત્યને ભ્રાન્તિની અવસ્થામાં ક્યાં સુધી રાખી શકાય? આથી એ પરિસ્થિતિનો સામનો કર્યે જ છૂટકો! તમે પણ વિચાર કરી જોશો તો લાગશે કે મારી વાતમાં તથ્ય છે. પણ આપણા જમાનાની વિલક્ષણતા એ છે કે મહાયત્ને ઉપલબ્ધ થયેલાં સત્યોને એ સહેજમાં ભ્રાન્તિ ગણીને હડસેલી મૂકે છે. બધી જ બુદ્ધિશક્તિ ખરચીને આપણે સત્યને ભ્રાન્તિ સાથે ગૂંચવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ. આથી જ તો બૌદ્ધિકો એ ગાળનો શબ્દ બની રહ્યો છે. કોઠાસૂઝથી જે દીવા જેવું ચોખ્ખું દેખાય છે તેને વિશે અનેક પ્રશ્નો ઊભા કરીને ધુમાડામાં એને ઝાંખું કરી દેવાનો પુરુષાર્થ થતો રહે છે. આ પ્રવૃત્તિ એવી તો જોરશોરથી ચાલે છે કે ‘સત્ય’ શબ્દ વાપરવાનું આપણે ટાળતા રહીએ છીએ. ‘સત્ય’ વિશે એમ મનાતું કે એ સર્વસ્વીકૃત હોય, સૌ કોઈનું હોય, એને બદલે એમ કહેવાતું સાંભળીએ છીએ : ‘એ તમારું સત્ય હશે, અમારે મન એ સત્ય નથી.’ હેમિંગ્વેએ તો ઘણાં વર્ષો પહેલાં એની એક વાર્તામાં કહ્યું જ હતું કે દયા, પ્રેમ, માનવતા જેવાં ભાવવાચક નામો તો ઠાલાં છે. એના કરતાં મને આ શેરીનાં નામનાં પાટિયાં વધારે અર્થભર્યાં લાગે છે! પોતાને જે અભિમત છે તે સર્વસ્વીકૃત બને એ માટે એને સત્યને નામે રજૂ કરવાનો પ્રયત્ન નીતિના આગ્રહીઓ કરતા રહ્યા છે. સત્ય કંઈ તર્કથી નથી નક્કી થતું. એની પ્રમાણભૂતતા તો વ્યક્તિના અપરોક્ષ અનુભવમાંથી જ પ્રાપ્ત થાય છે, બહુમતિથી પસાર કરવામાં આવે તે સત્ય જ હોય એવું નથી. માટે તો સત્યને ખાતર બહુમતિની સામે થઈને ઘણાંને શહીદી વહોરી લેવી પડી. વ્યક્તિ પોતાની સ્વતન્ત્રતાને સત્ય તરીકે સિદ્ધ કરે પછી જ અન્ય મૂલ્યોના સાક્ષાત્કારની ભૂમિકા રચાય એમ કહેવું સહેલું છે, પણ વ્યવહારમાં એનો અર્થ શો? માનવી ઘણી વાર સ્વતન્ત્રતાના ભારને ઉતારી નાખીને હાશ નથી અનુભવતો? અથવા તો બહારથી સ્વતન્ત્રતાનો દેખાવ ચાલુ રાખીને એમાંથી છૂટવાની અનેક તરકીબો કામે નથી લગાડતો? સમૂહને ખાતર પોતે પોતાની સ્વતન્ત્રતાનો ભોગ આપીને ગૌરવ અનુભવતો નથી? સ્વતન્ત્રતા સાથે છે જવાબદારી અને જવાબદારી માનવી એકલો પોતાને માથે નથી લેવા ઇચ્છતો. આથી સહેજસાજમાં સમિતિ નિમાયાની વાત આપણે સાંભળીએ છીએ. તપાસ સમિતિ કરે, ચુકાદો સમિતિ આપે.

હું જે ભૂતકાળની વાત કરું છું તેનો અનુભવ આપણને સૌને થાય છે. પણ આપણે આંખ આડા કાન કરીએ છીએ, એની વાત એકબીજા જોડે કરવાનું ટાળીએ છીએ. રસ્તે ચાલતો હોઉં છું ત્યારે, ઘરે પાછો ફરી રહ્યો છું ત્યારે કે કોઈ જોડે વાત કરતો હોઉં છું ત્યારે મારો કોઈ પીછો કરી રહ્યાં હોય, મારી ચાંપતી તપાસ રાખી રહ્યું હોય એવો અનુભવ થાય છે. જ્યોર્જ ઓરવેલે ‘થોટપોલિસ’ની એની કૃતિ ‘1980’માં કલ્પના કરેલી. મને એ કલ્પના સત્યમાં ફેરવાઈ જતી લાગે છે. આપણા વિચારને મૂળમાંથી જ તપાસીને એમાં દખલગીરી કરનારું કોઈક હોવાનો અનુભવ થાય છે. આ દખલગીરી કરનાર બહુરૂપી છે. કોઈ વાર આ સાહેબશાહી પોશાકમાં સજ્જ થયેલી, સત્તાવાહી સ્વરે છતાં આભાસી નમ્રતાથી બોલનારી વ્યકિત હોય છે. એના શબ્દોમાં સીધો આદેશ હોતો નથી, એ કહે છે : ‘આપણે આમ કરીએ તો કેમ?’ અથવા ‘તમને એમ નથી લાગતું કે હવે આપણે આમ કરવું જોઈએ?’ આ પ્રશ્નોને કેવળ સંમતિસૂચક મસ્તકધૂનનની જ અપેક્ષા હોય છે. એમાં ‘આપણે’નો ખૂબીથી ઉપયોગ કરવામાં આવે છે. બોલનાર પોતાનો સમાવેશ તમારી જોડે કરી જ લે છે. કોઈ વાર એ મોહક વ્યકિતત્વ ધારણ કરે છે, મીઠા શબ્દો – આકર્ષક રીતભાત, નિરુપદ્રવી સ્વભાવ આ એનાં શસ્ત્રો છે. એનાથી એ તમારો કબજો લઈ લે છે. કોઈ વાર એ હિતચિન્તક, વડીલ કે શુભેચ્છક આપ્તજનનું રૂપ લે છે. આપણને એમ લાગે છે કે આપણું હિત જોવાનું તો આપણને આવડતું જ નથી. એ તો કોઈ લાગણી ધરાવનાર વ્યકિતને જ સોંપવું જોઈએ અને સદ્ભાગ્ય આપણું કે આપણે માટે હજી એવું કોઈક રહ્યું છે ખરું! એથી તો એવા હિતેચ્છુઓ હંમેશાં કહે છે ‘તારું હિત તો અમારે જોવું જ જોઈએ ને! અત્યારે તને એમ લાગશે કે આ બધું યોગ્ય નથી, પણ પાછળથી તું અમને યાદ કરશે કે ના, એમની વાત સાચી હતી.’ ભવિષ્ય વિશે આટલી નિશ્ચિતતાથી બોલનારાઓને કેમ પહોંચી વળવું? આ ઉપરાંત સૌથી ખતરનાક તો એ હોય છે કે જે આપણું જ બીજું રૂપ હોવાનો દાવો કરે છે. આવો અભેદનો, એકરૂપતાનો દાવો ખતરનાક હોય છે. એ કહે છે : ‘આપણી વચ્ચે ભેદ નથી’ તો પછી મતભેદ તો હોય જ ક્યાંથી? આપણી વચ્ચે અધિકારનો પ્રશ્ન નથી. સ્વતન્ત્રતાનો પ્રશ્ન નથી. કોણ કોનાથી સ્વતન્ત્ર? કોણ કોના પર અધિકાર ભોગવે? આ રીતે સમ્પૂર્ણ સ્વત્વની શરણાગતિ જ એને અપેક્ષિત હોય છે. આપણા વિચાર અને લાગણીને એ એના વાઘા પહેરાવી દે છે. પણ આપણે જોઈએ ત્યારે એ વાઘા આપણા જ લાગે છે.

આમ આપણે કદી એકલા હોતા નથી . કોઈ વાર રાજકારણનો સ્વીકારેલો નેતા તો કોઈ વાર ધર્મગુરુ, કોઈ કોઈ વાર પરદેશનો કોઈ ફિલસૂફ કે ચિન્તક તો કોઈ વાર આપણા જ આદરપાત્ર વડીલ, કોઈ વાર ખોળિયાં જુદાં પણ આત્મા એક એવું નિકટનું કોઈ આત્મીય તો કોઈ વાર આપણું જ પોતાનું છેતરામણું બીજું રૂપ. આ હંમેશાં આપણો પીછો પકડીને આપણી સાથે ચાલ્યા જ કરે છે. વિચાર કરી જુઓ : હંમેશાં તમારી આગળ પાછળ કે અડખેપડખે કોઈ ચાલ્યા જ કરતું હોય, તમને એનો સતત અનુભવ થતો હોય તો તમે શું કરો? આપણા શબ્દો અર્ધેથી એ ઉઠાવી લે, આપણી અંગત લાગણી સાથે ચેડાં કરે, આપણી પોતાની જ એવી માન્યતાઓ પર એની છાપ મારી દે ત્યારે ‘સત્ય’, ‘સ્વતન્ત્રતા’ જેવા શબ્દો આપણી ક્રૂર મશ્કરી કરતા લાગે.

કેટલાક મુરબ્બીઓ નિવૃત્તિ અને એકાન્તની વાત કરતાં હોય છે. હંમેશાં આપણને કહેતાં હોય છે : ‘અમારે શું? અમે તો હવે બધું કરી પરવાર્યા. અમે તો બેઠાં બેઠાં તમારો ખેલ જોઈએ છીએ.’ પણ એમનેય પોતાની બુદ્ધિનો, ડહાપણનો લાભ બીજાને આપવાનો ભારે ઉત્સાહ હોય છે. વર્ષોનો અનુભવ – અને અનુભવ તો જેમ લાંબો તેમ ઉપયોગી – દુ:ખ ભોગવીને એ લોકો લેતા રહ્યા. હવે જો આપણે એમના વૃદ્ધ શરીરમાં રહેલાં ચપળ અને બુદ્ધિશાળી મનનો લાભ નહિ લઈએ તો એ આપણી કેવી મોટી મૂર્ખામી કહેવાય! આથી એમની આજુબાજુ થોડા ભાવિક જિજ્ઞાસુઓનું ટોળું હોય છે. આવી જ નિયતિ એમને પસંદ હોય છે.

આપણે તો પ્રાચીન દેશ, હડપ્પાના અવશેષો જેટલે ઊંડે દટાયેલા હતા તેટલે જ ઊંડે આપણે પણ દટાયેલા છીએ. એ બધા થરને ભેદીને આજની હવા લેવી એ કાંઈ જેવી તેવી વાત છે! આપણી આજુબાજુ કેટલાય સન્તો, ધર્માચાર્યો, ભગવાનોનું જંગલ છે, એને ભેદીને ખુલ્લી આબોહવામાં આવીને શ્વાસ લેવાની શક્તિ આપણાં ફેફસાં હજી કેળવી શક્યાં છે ખરાં? એ જાણ્યા વિના સ્વતન્ત્રતા પ્રાપ્ત કરવાનું દુ:સાહસ કરવું એટલે ઓક્સિજનનો પુરવઠો લીધા વિના એવરેસ્ટ ચઢવા બરાબર છે.

આ બધા અનુભવોથી તો એમ જ લાગે કે આ પરિસ્થિતિમાંથી છૂટવાનો આરો જ નથી. આપણી આજુબાજુ પીછો કરતી આ ભૂતાવળમાંથી આપણે શી રીતે છૂટીએ! હું કાંઈ લખતો હોઉં છું ત્યારે પણ ખભા પરથી કોઈ ડોકિયું કરતું હોય એવું લાગે છે. આમ છતાં મન ઠેકાણે રાખીને જીવવાનું બને છે તેનું કારણ કે આમાં જ થોડાક એવા છે જેનો કશો હસ્તક્ષેપ નથી, કશા દબાણ વિના એમના અવાજમાં આપણો અવાજ ભેળવી દેવાનું આપણને ગમે છે, એ છે સાચા કવિઓ. માફ કરજો, એમની આગળ પણ મારે ‘સાચા’ વિશેષણ લગાડવું પડ્યું. સાહિત્યકારો પણ સેવકો બને છે, કુરનિશ બજાવે છે, ચતુર્મુખે આશ્રયદાતા કે રાજકર્તાનું ગૌરવ ગાય છે. પણ એવાને પારખી કાઢવાનું બહુ અઘરું નથી. ઉછીનો કંઠ લઈને ગાનારા પણ છે. એમના સૂરનો રણકો બોદો જ સંભળાય છે. જો પ્રવાહ ક્રાન્તિનો ચાલે તો એઓ ક્રાન્તિના ફતવા બહાર પાડવા માંડે છે, જો ફેશન હતાશાની ચાલે તો લિજ્જતથી હતાશાનું કેફી પીણું ઢીંચીને એનો નશો કરે છે.

આથી જ તો કહું છું કે મારી વાત સાચા કવિસર્જકો વિશે છે. એમના શબ્દ સાથે સ્વતન્ત્રતાનું આકાશ વિસ્તરે છે, એમાં શ્વાસ લઈને આપણે નવું કૌવત અનુભવીએ છીએ. આપણી આંખમાં નવું તેજ અંજાય છે. દિવસ દરમિયાનના ઘોંઘાટ વચ્ચે પેલી ભૂતાવળ પાછળ પડી હોય છે ત્યારે કાન દઈને હું એકાદ વાલ્મીકિ, ભવભૂતિ કે બોદલેર, રિલ્કેનો શબ્દ સાંભળું છું. કાફકા કે દોસ્તોએવ્સ્કી સાથે મૂંગો મૂંગો ચાલુ છું.