ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/ઇન્સાન મિટા દૂંગા-(કૃતિ)
(1) સડસડાટ કરતી એક ટ્રેન મણિનગર તરફ ધસી રહી હતી. વીતતા ચોમાસાનાં વાદળાંઓ આકાશમાં અધ્ધર ચડતાં જણાતાં હતાં. મુસાફરો બન્ને બાજુનાં હરિયાળાં ખેતરો જુએ ન જુએ, ત્યાં તો ટ્રેન પસાર થઈ જતી હતી. દૂરદૂરનાં ઝાડવાંઓ જાણે પોતાની તરફ દોડી આવતાં હોય એવો આભાસ થતો હતો. પ્રભાતના ભૂખરા પ્રકાશમાં આકાશનો છેલ્લો તારો ઝાંખો પડતો જતો હતો. ત્રીજા ડબ્બામાં ગરદી ઓછી હતી. બારણાં પાસે જ ખાખી પોશાકમાં સજ્જ થયેલા બે બડકમદારો બેઠા હતા, એટલે ભીરુ ઉતારુઓ એ ડબ્બાનું બારણું ઉઘાડવાની હિંમત નહોતા કરતા. એ બે પોલીસોની વચ્ચે એક કદાવર, ઘઉંવર્ણો, મોટા મોઢાવાળો માણસ બેઠો હતો. એના એક હાથે જે દોરડું બાંધ્યું હતું. તેનો એક છેડો જમણી તરફ બેઠેલા સિપાહીના હાથમાં હતો. એની મોટી આંખોમાં નહોતો ભય કે નહોતું આશ્ચર્ય! જાણે બીજા ઉતારુઓની માફક એ પણ સહેલગાહ કરતો હોય એવી સ્વસ્થતાથી એ બેઠો હતો. એના માથા ઉપરના પાટિયા ઉપર એક તરફ બે ભરેલી બંદૂકો પડી હતી અને સિપાહીઓના બિસ્ત્રાચંબુઓને બીજી તરફ ખડકવામાં આવ્યા હતા. એક બિસ્ત્રાનું ઓશીકું કરી એક ભૈયો સિપાહી લાંબો થઈને સૂતો હતો. સામેના બાંકડા ઉપર એક આધેડ વયનો, સામાન્ય ઘાટીનો શામળો પુરુષ બેઠો હતો. એની મૂછો અને માથાના વાળ ધોળા થવા શરૂ થયા હતા. કપાળ ઉપર અને આંખના બહારના ખૂણા પાસે કરચલીઓ પડી ગઈ હતી. એનું નાક પોપટિયું અને પાતળું હતું. એની પડખે એક વીશ-બાવીશ વર્ષનો જુવાન બેઠો હતો. એની મોટી આંખો નીચે ઢળેલી રહેતી, એની ખેડૂતશાઈ પાઘડી નીચે કાળાં લીસાં જુલફાં લટકતાં હતાં. બારીમાંથી પવન આવતો અને જુલફાં કપાળ ઉપર અને કાનની આસપાસ કંઈ ને કંઈ રમતો રમી લેતાં. એનો રંગ સહેજ ઊજળો અને નાક આબાદ પેલા આધેડ પુરુષ જેવું હતું. મોઢાના મળતાવડાપણાથી બન્ને બાપ-દીકરા છે એમ લાગ્યા વિના ન રહેતું. જુવાનના હોઠ કાંઈક શરમક્ષોભમાં અને કાંઈક ઘવાયેલા ગુમાનમાં બિડાઈ રહ્યા હતા. બન્નેના હાથ દોરડાથી બાંધવામાં આવ્યા હતા; અને દોરડાના છેડાઓ બન્ને બાજુ બેઠેલા બીજા બે પોલીસોના હાથમાં હતા. એક સિપાહી બીડી પીતો હતો અને બીજો ઝોકાં ખાતો હતો. અંતના આડા બાંક ઉપર એક વણિક ગૃહસ્થ બેઠા હતા. એમનું પીળું મોઢું તેઓ વેપારી હતા એમ સૂચવતું હતું. એમની ઝીણી આંખોમાં વેપારીની કુમાશ અને લુચ્ચાઈ હતાં. એમના ટૂંકા કપાળમાં કેશરનો ચાંલ્લો હતો. સિપાહીઓની અને કેદીઓની હાજરીથી એઓ જરા અસ્વસ્થ દેખાતા હતા, અને પડખે જ બેઠેલા એક પટેલ સાથે વાતો કરવાનો પ્રયત્ન કરતા હતા; પરંતુ પટેલની પણ એવી જ દશા હતી. એમના લબડી ગયેલા ગાલો ગાડીના ધ્રુજારાથી ધ્રૂજતા હતા. સામે વિસ્તરેલું અસ્વસ્થ કરી નાખે એવું દૃશ્ય ન જોવા માટે તેઓ પ્રયત્નપૂર્વક બારીમાંથી બહાર જોઈ રહેતા અને વારે ઘડીએ ‘હે રામ!’ ‘હે નાથ!’ એમ બોલી નિસાસા મૂકતા હતા. બીજી બાજુના ખૂણામાં એક ડોશી બેઠી હતી. એ દયાર્દ્ર ભાવે પેલા ત્રણ કેદીઓ સામે અને ખાસ કરી પેલા જુવાન સામે જોઈ રહેતી. એની આંખો ભીની થતી, ત્યારે એ બારી તરફ જોઈ સાડલાની કોરથી લૂછી નાખતી. બે મેમણ અને બીજા ચાર ઉતારુઓ પણ એ ડબ્બામાં બેઠા હતા. મેમણ લોકો પોતાની વાતોમાં મશગૂલ હતા. સ્ટેશન નજીક આવતું જોઈને બારણા પાસે બેઠેલો સિપાહી બોલી ઊઠ્યો : ‘અરે ભૈયાજી, ઊઠો હવે ઊઠો. સ્ટેશન આવી લાગ્યું.’ ‘ક્યા? સ્ટેશન આ ગયા?’ ઉપર સૂતેલા સિપાહીએ ઝબકીને બોલવું શરૂ કર્યું. અને પછી બન્ને હાથ ઊંચા કરી બોલ્યો : ‘યા ખુદા! કૈસી કમબખ્ત નોકરી હૈ? પેટ ભરકે સોને ભી નહિ પાતે!’ વાક્ય પૂરું કરી એ નીચે કૂદ્યો અને પિતાપુત્રની સામેના બાંકડા ઉપર બેઠો. પોતાના પોલીસના પરસેવાથી ગંધાતા પહેરણ વડે આંખો લૂછી એણે પેલા પિતાપુત્ર તરફ જોયું. ‘ક્યા, સારી રાત જાગતે બૈઠે? નિંદ નહિ આઈ?’ એટલું બોલી એ બારણા પાસે બેઠેલા પોલીસ બાજુ ફર્યો. ‘યાર, એક બીડી તો નિકાલ! ઓર એક મિયાંસા’બ કો ભી દેના, હાં!’ એણે પેલા પડછંદ કેદી સામે જોઈને ઉમેર્યું. સિપાહીએ ખીસામાંથી એક દોથો બીડી કાઢી અને બધા સિપાહીઓને તથા પેલા કેદીને એકએક આપી. ‘લ્યો, બીડી તો પીઓ.’ બે બીડીઓ પિતાપુત્ર સામે ધરીને જાણે દયા કરતો હોય તેમ સિપાહી બોલ્યો. ‘અમે બીડી નથી પીતા.’ પેલા આધેડ કેદીએ ઠાવકાઈથી જવાબ આપ્યો. ‘યોં....’ ભૈયા સિપાહીએ આશ્ચર્યમાં ડોળા ફાડ્યા. ‘બડે ભગત માલૂમ પડતે હો!’ એણે આગળ ચલાવ્યું. ‘ઐસા થા તો ચોરી ક્યોં કી? સા...લ્લે.’ આધેડ પુરુષે એક નિસાસો મૂકી બારી બહાર જોવાનું શરૂ કર્યું. જુવાનની આંખો જરા લાલ થઈ. પોતાની કથા કહી દેવા એના હોઠ ફફડ્યા. બેચાર ક્ષણોમાં એ સ્વસ્થ થયો અને નીચલો હોઠ દાબી નીચે જોવા લાગ્યો. ખૂણામાં બેઠેલી ડોશીની આંખમાં આંસુ આવ્યાં. બારી બહાર જોઈ એણે ઉધરસ ખાધી. ત્યાં તો ધુમાડાના ગોટાઓથી આખો ડબો ભરાઈ ગયો. બીજા પોલીસો પેલા પડછંદ કેદી સાથે ‘આપ, આપ,’ ઉચ્ચારતા વાતે વળગ્યા. ‘ભગત લગતે હૈં!’ ભૈયા સિપાહીએ આંખો ચમકાવી વણિક સજ્જન તરફ જોઈ ફરી ઉચ્ચાર્યું. ‘હાં, ભગત લગતે હૈં!’ વણિક સજ્જને બીતાં-બીતાં શરૂ કર્યું. ‘પણ ભગત હૈ તો ચોરી શા માટે કરી હૈ? સિપાઈદાદા ખરું કે’તા હૈ!’ ‘હાં, સિપાઈદાદ ખરું કે’તા હૈ!’ પડખે બેઠેલા પટેલે ટાપશી પુરાવી. ભૈયાદાદાના ગાલમાં ખુશામત-પ્રેરિત લાલી ચડી. આધેડ પુરુષનું મોઢું ક્રોધથી-શરમથી લાલલાલ થઈ ગયું. જુવાનના હોઠ ફરી ફફડ્યા અને ફરી બિડાયા. ‘ભગત લોકને કોઈ અમસ્તા તો થોડા જ પકડતા હશે! ચોરી કરો અને પછી નીચું મોઢું રાખો તેમાં શું વળ્યું? જુઓ ને, અમને કોઈ પકડે છે? રોજ સાંજે અમે તો દેરે જઈએ છીએ અને ....અરિહંત! અરિહંત! અરિ....’ વાણિયાની જીભ મોકળી થવા લાગી એટલે એણે ચલાવ્યે રાખ્યું. પટેલે એમાં હાકારો મેળવ્યે રાખ્યો. ભૈયાદાદાને એમાં રસ ન પડ્યો એટલે તે પેલા પડછંદ કેદી તરફ ફર્યો. ‘ક્યોં? બીડી તો અચ્છી હે ના?’ ‘હાં, ક્યોં નહિ? હમ અચ્છે તો સબ અચ્છે!’ સુલેમાને સ્વસ્થતાથી જવાબ આપ્યો. ‘પણ આપને તો કશું જ લાગતું નથી. અને પેલા બેને તો જુઓ!’ વાણિયાએ મૂઢ હિંમતથી માથું માર્યું. ‘અરે, મને શું લાગે?’ સુલેમાને ગુજરાતી સાથે ગુજરાતીમાં શરૂ કર્યું, ‘હું તો આ ચોથી વાર જેલ જાઉં છું. મારે દુનિયા ઉપર એકે ઘર નથી એટલે મેં જેલને મારું ઘર બનાવ્યું છે. ત્યાં શું ખોટ છે? બહાર તો ભાખરી કે છાપરી મળે તો ભાગ્ય! ત્યાં તો નિયમિત ત્રણ ટંક ખાવાનું મળે. વળી એવા સરસ બંગલાઓ કોને માટે બંધાવ્યા છે? પેલા લોકો તો નવાનવા છે એટલે આમ ઉદાસ થઈ ગયા છે.’ બાપ-દીકરાના કાન ચમક્યા. તેઓએ સુલેમાન તરફ ઝડપભેર એક દૃષ્ટિ ફેંકી અને ફરી માથું નમાવી દીધાં. ‘હા, એ તો એમ જ.........’ વાણિયો વાત પૂરી કરે એ પહેલાં તો વ્હીસલ થઈ અને ગાડી સ્ટેશનમાં આવીને ઊભી રહી. સિપાહીઓએ થેલીઓ બગલમાં ઘાલી, બંદૂકો ખભે મૂકી અને કેદીઓને નીચે ઉતાર્યા. સામેના ખોડીબારામાંથી કાઢીને તેઓ કેદીઓને પાસેની જેલના દરવાજા પાસે લઈ ગયા. જેલના જંગી દરવાજાઓ ઊઘડ્યા; અને ક્ષણવારમાં તો ત્રણે કેદીઓ એ પડછંદ કાળી દીવાલો પાછળ અલોપ થઈ ગયા.
વ્હીસલ થઈ અને ગાડી ઊપડી. વાણિયાએ ‘અરિહંત, અરિહંત’નો ઉચ્ચાર કર્યો. ડોશીએ એક નિસાસો મૂકી ઊંચે જોવું શરૂ કર્યું; એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.(3) રેવાના બન્ને તટ ઉપર મણિનગર પથરાયેલું હતું. ગામના ધનિકો અને અમલદારો જ્યારે રાત્રે પોતાની હોડીઓ લઈ એમાં જળવિહાર કરવા નીકળતા, ત્યારે બન્ને બાજુએ એક હારમાં ઊભેલા બંગલાઓના દીવાઓનાં પ્રતિબિમ્બ જોઈ મુગ્ધ થઈ જતા. ધનિકોના બંગલાઓ જ્યાં પૂરા થતા હતા, ત્યાં દિલ્હીના સુવર્ણકાળની સ્મૃતિઓ સમાન થોડીક મસ્જિદો હતી. એનાથી દૂર મિલમજૂરોની હારમાળા શરૂ થતી હતી; અને એ ગીચ વસ્તીની વચ્ચેવચ્ચે મિલોનાં ભૂંગળાંઓ ડોકાતાં હતાં. સાંજ પડે અને રાતની પાંખો પહોળી થવા લાગે કે આખો દિવસ ઊંચે ચડી રહેલો ધુમાડો નીચે ઊતરવા લાગતો અને મજૂરોના એ લત્તાને ગૂંગળાવી નાખવા મથતો. એ ઝૂંપડાંઓ મૂકીને કાંઠેકાંઠે દૂર નજર કરતાં થોડાં બેઠા ઘાટનાં મકાનો અને તેની પાછળ પડછંદ કાળી દીવાલો નજરે પડતી. ચોમાસામાં જ્યારે રેવાના હૃદયમાં ભરતી ચડતી, ત્યારે એનાં નીર એ કાળી દીવાલો સાથે અફળાઈ અફળાઈ ભયાનક આક્રંદ કરી મૂકતાં. પચાસપચાસ ચોમાસાનાં પાણી પીને દીવાલો કાળી પડી ગઈ હતી. કોઈ મેઘલી મધરાતે જ્યારે ઉલ્કાપાત પછીની શાંતિ છવાઈ ગઈ હોય, ત્યારે કિલ્લાના બુરજ ઉપર ઝોકાં ખાતા સંત્રીની આલબેલ સાંભળી દોઢ છાતીના જુવાનો પણ કાંપી ઊઠતા. જ્યારે રેવાનાં ઊંડાં અને ગંભીર નીર સંત્રીના ફડકતા દીવાનો પ્રકાશ ઝીલતાં, ત્યારે કાંઠા ઉપરનાં ઝાડવાંઓનાં પંખીઓ પણ ફફડી ઊઠતાં. ક્યારેક મધરાતે એ દીવાલો પાછળ દેકારો મચી જતો, અને જાણે આગ પ્રકટી ઊઠી હોય એમ બ્યૂગલો ફૂંકાવા લાગતાં. પો ફાટ્યો હોય એમ પંખીઓ કકળી ઊઠતાં. પછી આસપાસનાં મકાનો અને બંગલાઓમાંથી સિપાહીઓ અને અમલદારો હાથમાં બત્તીઓ ઝાલી ટપોટપ નીકળી પડતા અને મિનિટ બે મિનિટમાં તો એ મોટા દરવાજાની અંદર પેસી જતા. જાણે દીવાલોની કાળપ ધોવા સતત પ્રયત્ન કરતી હોય અને દીવાલે કાન માંડીને હજારો કાળી કથાઓ સાંભળી રહી હોય એમ રેવા બરોબર દીવાલને ઘસાઈને વહી રહી હતી. રેવાને એ દીવાલો પાછળથી હજાર હૃદયોના ધબકારા સંભળાતા હતા. આજે સવારે જ્યારે જેલના દરવાજાઓ ઊઘડ્યા, ત્યારે અંદરથી સાત કેદીઓ બહાર નીકળ્યા અને બહારથી ત્રણ કેદીઓ અંદર ગયા. ભીડે કારકુન પોતાની પાસે જ બેઠેલા શંભુને નવી ભરતીની આટલી નાની સંખ્યા બદલ આશ્ચર્ય વ્યક્ત કરતો હતો. શંભુ કાંઈ જવાબ આપ્યા વિના પોતાની સામે પડેલા મોટા ચોપડામાં દટાઈ કાંઈક ગણગણતો હતો. એટલામાં તો પેલા ત્રણ નવા કેદીઓને તેઓની સામે ખડા કરવામાં આવ્યા. ‘તારું નામ શું?’ શંભુએ ઊંચે જોયા વિના જ પ્રશ્ન કર્યો. ‘હા...હા....હા......હા!’ સુલેમાન હસી પડ્યો.‘ મારું નામ? મારું નામ નથી જાણતો? ....’ સુલેમાન આગળ બોલે ત્યાં તો શંભુએ ઊંચે જોયું અને જાણે વજ્રઘાત થયો હોય એમ એની આંખો ફાટી ગઈ. આશ્ચર્યમાં એનો વાંસો ખુરશીના પાછલા પડખા સાથે અફળાયો. ‘તું આવી ગયો? તું.... ફરી આવી ગયો?’ શંભુએ શરૂ કર્યું ત્યાં તો ભીડેએ પણ સુલેમાન સામે જોયું અને જરા ખંચકાઈ પોતાના ચોપડામાં ફરી માથું પરોવી દીધું. નવા કેદીઓની સામે પોતાની વધુ ફજેતી ન થાય એટલા માટે એનું કામ ઝટપટ પતાવી શંભુએ એને વિદાય કર્યો. પછી જરા તિરસ્કારથી પેલા પાકટ કેદી સામે જોઈ એણે પ્રશ્ન કર્યો : ‘તારું નામ શું?’ ‘ગંગારામ.’ શંભુ નામ લખી લઈ પેલા યુવકને પૂછવા ઊંચે જોવા જાય છે ત્યાં જવાબ મળ્યો : ‘મારું નામ જીવતરામ.’ શંભુને આ જરા બે અદબીભર્યું લાગ્યું; પણ એ તરફ દુર્લક્ષ કરી એ આગળ પ્રશ્નો પૂછવા લાગ્યો. ‘ગુનો?’
‘અમારી ઉપર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે.’ ગંગારામે ‘મૂકવામાં આવ્યો છે’ એ શબ્દ ઉપર વધારે ભાર મૂકી ઉત્તર આપ્યો. શંભુના રીઢા કાન પર એની કાંઈ અસર ન થઈ. એણે એ લખી લીધું અને પછી સામે ઊભેલા એક પીળી પાઘડીવાળા વોર્ડર સામે જોઈ બોલ્યો : ‘જાવ, લે જાવ !!(4) બીજો દરવાજો ઊઘડ્યો અને ત્રણે જણા જેલના અંદરના ચોગાનમાં આવી પહોંચ્યા. પિતા-પુત્રના મનમાં કાંઈક ન સમજાય તેવો ક્ષોભ થયો. એમને કાંઈક નવી દુનિયામાં પ્રવેશ કર્યાનો અનુભવ થયો. ક્ષણભર આસપાસની રચના જોવાનું ભૂલી તેઓ એકબીજા સામે મૂઢતાથી જોઈ રહ્યા. પછી જાણે આંખો દાઝી હોય તેમ એકદમ ખસેડી લઈ શું બની રહ્યું છે તે જોવા લાગ્યા. એક સીધો રસ્તો આવીને દરવાજાને મળતો હતો. રસ્તાની બરોબર અધવચથી બીજા બે રસ્તાઓ સામસામા ફંટાતા હતા. એ રસ્તાઓ બાજુઓનાં બે ચક્કરોમાં જવા માટે હતા. રસ્તાની બન્ને બાજુએ સુંદર અને એકસરખા લીમડાઓની આવલિ આવી રહી હતી. થડનો નીચલો ભાગ ગેરુથી રંગેલો હતો. રસ્તાઓ સમાન અને સાફ હતા. ‘ચલો, કુડતે નિકાલો,’ વોર્ડરે ઝડતી લેવી શરૂ કરી. પિતા-પુત્ર જાણે કશી સમજ ન પડતી હોય તેમ ક્ષણભર એની સામે જોઈ રહ્યા. પડખે જ બે સિપાહીઓ સુલેમાનનાં કપડાં ઉતારી ઝડતી લઈ રહ્યા હતા. સુલેમાન કશું જ ન બનતું હોય એવી સ્વસ્થતાથી ટેવાયેલાની સરળતાથી બધું કર્યે જતો હતો. ગંગારામ અને જીવત કપડાં ઉતારવા લાગ્યા. થોડી વારમાં બીજા બે સિપાહીઓ આવી પહોંચ્યા અને પિતા-પુત્રને ન સમજાય તેવી રીતે કપડાં ખેંચી ઉતાવળ કરવા લાગ્યા. બીજાં બધા કપડા ઊતરી રહ્યાં એટલે પડખે ઊભેલા વોર્ડરે બન્નેનાં ધોતિયાં તરફ આંગળી કરી કહ્યું : ‘એ ભી ઉતાર ડાલો.’ ગંગારામે ખંચકાઈ જીવત સામે જોયું અને તરત જ નીચે જોઈ અંગૂઠા વડે ભોંય ખોતરવી શરૂ કરી. જીવતે ટટ્ટાર થઈ જવાબ આપ્યો : ‘એ નહિ ઊતરે.’ સિપાહીઓને જવાબથી આશ્ચર્ય થયું. એમના ટેવાયેલા કાનને આ કાંઈક નવી જ ભાષા લાગી. બન્ને સિપાહીઓ વોર્ડર સામે જોઈ રહ્યા. ‘નહિ ઊતરે? શું શાદીમાં આવ્યા છો?’ એક નવો અવાજ ગાજી ઊઠ્યો. સિપાહીઓ ખંચકાઈ અદબથી ઊભા રહ્યા. વોર્ડર સલામ ભરી એક તરફ ખસી ગયો. સામે એક શામળી-સીધા સોટા જેવી પાતળી વ્યક્તિ ઊભી હતી. એની ગરદન સહેજ ખંધી હતી. મોઢા ઉપર આછી મૂછો અને ઝીણી દાઢી હતી. આંખો ઝીણી અને સહેજ માંજરી હતી. ખાખી જીનનું સાંકડું પાટલૂન એણે પહેર્યું હતું. ઉપર પહેરેલો સાંકડો ખાખી કોટ એને વધારે લાંબો દેખાડતો હતો. એ પોતાની ઝીણી આંખો વધારે ઝીણી કરી સત્તાવાહી પગલે આગળ વધ્યો. ટેવ પ્રમાણે એનો હાથ ઊંચે ચડ્યો; કશાની સાથે કાંઈ અફળાયું. ફરી એમ બન્યું; ફરી.... અને પછી પોતાના હાથમાં રહેલી નેતરની પાતળી સોટી ચમચમાવતો કરડાકીમાં અરધી નીચે બિડાયેલી આંખો ઠેરવી જોવા લાગ્યો. ગંગારામ અને જીવત સ્તબ્ધ બની જોઈ રહ્યા. ગંગારામે એની આંખમાં પોતાની તીવ્ર દૃષ્ટિ પરોવી. આંખો દાઝી ઊઠી હોય એમ એણે ક્ષણવારમાં પોતાની દૃષ્ટિ ફેરવી લીધી. એણે એ આંખોમાં કાંઈક-કાંઈક કારમું વાંચ્યું, અને પછી એક નિશ્વાસ મૂકી આંખો બંધ કરી દીધી. યંત્રની માફક એણે પોતાનું ધોતિયું કાઢી નાખ્યું અને તે દિગંબર દશામાં ઊભો રહ્યો. જીવતે પણ એમ જ કર્યું. પેલો નવો માણસ સિપાહીઓ તરફ વિજયભરી દૃષ્ટિ ફેંકી ચાલતો થયો. સિપાહીઓએ સલામ બજાવી. ત્રણે કેદીઓને જેલના સળિયાઓના પ્રતીક સમાં લીંટીવાળાં કપડાં પહેરાવી, તાંસળી અને ચંબુ આપી, અને એકએક બિસ્ત્રો માથા ઉપર મુકાવી સિપાહીઓ બડા ચક્કર તરફ હંકારી ગયા. સળિયાઓનો એક મજબૂત દરવાજો ખોલી ત્રણેને અંદરના વિશાળ કમ્પાઉંડમાં ધકેલી સિપાહીઓ પાછા ફર્યા, ચોગાનમાં 50-60 કેદીઓ બબ્બેની હારમાં ઉભડક બેસી ખાતા હતા. સુલેમાનને જોઈ કેટલાક કેદીઓએ આંખના ઇશારા કર્યા, પણ પછી વોર્ડરોની બીકે માથું નીચે ઘાલી ખાવા લાગ્યા. સુલેમાન, ગંગારામ અને જીવત પણ બેઠા. સુલેમાનને ઉભડક બેઠેલો જોઈ પિતા-પુત્ર પણ ઉભડક બેઠા. મિનિટે-મિનિટે તેઓ સુલેમાન તરફ જોતા હતા અને શું કરવું અને કેમ કરવું તેનું શિક્ષણ લઈ લેતા હતા. થોડી વારમાં સીસાની તાંસળીઓમાં કાળીકાળી જાડી દાળનો કદડો પડ્યો. પછી જારના બબ્બે રોટલા આવ્યા. સુલેમાન તો રોજાનું પારણું કરતો હોય તેમ થોડી વારમાં રોટલા અડાવી ગયો અને દાળ ચાટીને તાંસળી સાફ કરી નાખી. બાપ-દીકરાએ બટકાં ભાંગી મોંમાં નાખ્યાં. કાંઈક ન ચાવી શકાય તેવો, કાંઈક દાંત તોડી નાખે તેવો પદાર્થ તેમાં હતો. દાળમાં કશાની ગંધ આવતી હતી. તેઓથી એ ન ખાધું ગયું. ચંબુમાંથી પાણી પી તેઓ ઊભા થયા.
વાસણ ઊટકતી વખતે તેઓએ જ્યારે વધેલા ટુકડાઓ કૂંડી પાસે નાખ્યા, ત્યારે અન્ય કેદીઓ એની ઉપર ભૂખ્યા વરુની માફક તૂટી પડ્યા અને માંહોમાંહે તકરાર કરવા લાગ્યા. જીવતને અને ગંગારામને એ જોઈને ખૂબ આશ્ચર્ય થયું; પણ તેઓ મૂંગામૂંગા હાથ ધોઈ બરાકમાં ચાલ્યા ગયા.(5) જૂના જેલરની બદલી થવાથી તેની જગ્યાએ બહારથી એક ગોરા સાર્જન્ટને લાવવામાં આવ્યો હતો. એ શરીરે કદાવર અને માંસલ હતો. એ આવ્યો કે પહેલે જ દિવસે કેદીઓના ખાનગી વાર્તાલાપમાં એનું નામ કોઠી પડી ગયું. એ એક ખાખી ખમીસ અને જીનની ટૂંકી ચડ્ડી પહેરતો. માથા ઉપર મજબૂત ટોપો મૂકતો. હાથમાં ભારે મૂઠવાળી નેતરની ટૂંકી સોટી રાખતો. હોલબૂટ પહેરેલાં એનાં પગલાં જ્યારે ચક્કરમાં ધબાકધબાક પડતાં ત્યારે કેદીઓ થથરી જતા અને પોતપોતાના કામમાં મશગૂલ બની જતા. આજે જ્યારે એ આવ્યો ત્યારે જીવત પાટી વણતો હતો. પડખે બેઠોબેઠો ગંગારામ સૂતર ઠરડતો હતો. એ થોડીક વાર જીવત સામે થોભ્યો, પછી પોતાની પાછળ ઊભેલા સૂબેદાર તરફ ફરીને બોલ્યો : ‘નયા હૈ?’ ‘હાં જી, આઠ દિનસે હી આયા હૈ!’ સૂબેદારે જવાબ આપ્યો. જીવત સૂબેદાર સામે જોઈ રહ્યો. એ જ, બસ એ જ! જેણે પહેલે જ દિવસે પોતાને અને ગંગારામને સોટીઓ ફટકારી હતી એ જ! એ જ એના કપાળ ઉપરની કરચલીઓ! અને એ જ માંજરી ઝીણી આંખોથી અત્યારે એ પોતાની તરફ તાકી રહ્યો હતો! શરીર તો પહેલવાન કૈ જૈસે હૈ! પાનીમેં ભેજ દેના!’ એમ બોલતો-બોલતો જેલર આગળ ચાલવા લાગ્યો. સૂબેદારે પણ વોર્ડરને પાસે બોલાવી જીવતને આવતી કાલથી પાણીમાં મોકલવાની સૂચના કરી જેલરની પાછળપાછળ ચાલવા માંડ્યું. ગંગારામના પેટમાં ફાળ પડી. એનો જીવત હવે એનાથી જુદો પડવાનો! એની આંખો ભીની થઈ અને એના હાથ ધ્રૂજવા લાગ્યા. જેલરને પાછો ફરતો જોઈ એને સહેજ ખુશ કરવા પાસે ઊભેલો વોર્ડર તાડૂક્્યો : ‘ચલો, જલદી કરો. આજ દો શેર પૂરા કરના પડેગા.’ અને પછી ગંગારામ સામે આંખો ફાડીને તાકવા લાગ્યો. પાછા ફરતાંફરતાં જેલરની નજર બરાકના ખૂણામાં પડી. ત્યાં તેણે કોઈ માણસને પડેલો જોયો. એ આગળ વધ્યો. જેલ2ને પોતાના તરફ વધતો જોઈને સુલેમાનને ચાનક ચડી. પહેરણ નીચેથી એક બીડી કાઢી એણે સળગાવી. પછી બેદરકારીથી પીતોપીતો જેલર સામે જોઈ રહ્યો. સૂબેદાર અને બીજા સિપાઈઓ કાંઈક કાંઈક બહાનાં કાઢી પાછળ રહી ગયા. સુલેમાનની નજીક જઈ જેલરે જરા કડક અવાજે પૂછ્યું : ‘બીડી કેમ પીએ છે? તને ખબર નથી કે અહીં બીડી પીવા દેવામાં આવતી નથી?’ સુલેમાન સામે જોયા વિના હસ્યો. જેલર જરા અસ્વસ્થ થયો. પોતાનો ઘાંટો વધારે કડક કરી એ ફરી તાડૂક્્યો : ‘સાંભળતો નથી? બીડી કેમ પીએ છે? સૂબેદાર, ઇસકો...’ એમ કહીને એ પાછળ ફરે છે, તો ત્યાં સૂબેદાર કે સિપાહી કોઈ નહોતા! સુલેમાન ફરી હસ્યો. બીડી ઉપરની રાખ બેદરકારીથી ખંખેરતો એ સ્વસ્થતાથી બોલ્યો : ‘આપ નવા આવ્યા લાગો છો.’ જેલર મૂઝાયો. એ પોતાનાં આંગળાં આમળવા લાગ્યો. ‘પણ હું તો આ પહેલાં અહીં પાંચ વર્ષ રહી ગયો છું.’ સુલેમાને ચલાવ્યું : ‘અને આ મારી ત્રીજી વારની સજા છે.’ સુલેમાને બીડીને જમીન સાથે ઘસી ઓલવી નાખી અને ઠૂંઠાને ઓશરીની નીચે ફગાવી દીધું. પછી આંખ પાસે આવતો ધુમાડો હાથથી વીંઝી નાખી કહ્યું : ‘ભલભલા આઈ. જી. પી. પણ જેલમાંથી બીડી કાઢી નથી શક્યા તો આપ તો શું કરશો? તમે નહિ જાણતા હો પણ તમારી સામે આ જેટલા કેદીઓ કામ કરે છે તે સૌ બીડી પીએ છે.’ જેલરની આંખો ફાટી રહી. એ અવાક્ થઈ સાંભળી રહ્યો. ‘...અને જેલમાં જુગાર પણ રમાય છે, એ પણ તમે નહિ જાણતા હો; અને બહાર પણ જેટલું ન થઈ શકે તેટલું બધું અહીં અમે કરીએ છીએ.’ શું કરવું એ ન સૂઝવાથી જેલ2 જેમનો તેમ ઊભો રહી સુલેમાન તરફ ટગરટગર જોઈ રહ્યો. ‘અને એ બધું બંધ કરવાનો પ્રયત્ન કરનાર જેલરોનાં માથાં........’ સુલેમાન પોતાનું વાક્ય પૂરું કરે, ત્યાં તો જેલર પૂંઠ ફેરવીને ચાલતો થયો. લગભગ દોડતોદોડતો એ જ્યાં સૂબેદાર ઊભો હતો ત્યાં આવી પહોંચ્યોં અને એક શ્વાસ લીધો. પછી જરા હાંફળોફાંફળો બોલવા લાગ્યો : ‘સૂબેદાર, યે લોગ બરાબર કામ ક્યોં નહિ કરતે હૈં?’ અને પછી એક બે શાંતિથી કામ કરતા કેદીઓને સોટી ફટકારી દીધી. ગંગારામ આશ્ચર્યમાં મૂઢ થઈ જેલર સામે જોઈ રહ્યો. ‘ઓય યે મેરી સામને ક્યોં દેખ રહા હૈ?’ જેલરે ગંગારામ તરફ આંગળી ચીંધી સૂબેદારને પૂછ્યું. ‘સૂબેદાર, ઉસકો બરાબર કામમેં લગાવ.’ સૂબેદાર ગંગારામની પાસે ગયો અને એના માથાને જોરથી એક આંચકો મારી નીચે નમાવી દીધું. ‘ચલો સૂબેદાર!’ ‘ચલો સૂબેદાર!’ એમ બોલતો-બોલતો જેલર ચાલવા લાગ્યો અને તેની પાછળ સૂબેદાર પણ ચાલતો થયો. તે દિવસે બીજી બરાકોમાં ફરવાનું માંડી વાળી એ સીધો પોતાને બંગલે ગયો. ‘ડેડી! ડેડી!’ કરતો એનો દીકરો પાસે આવ્યો પણ એને રમાડવાની એને સોં નહોતી રહી.
તે રાત્રે એને બહુ મોડી ઊંઘ આવી.(6) રાત્રે જ્યારે સૌને બરાકમાં પૂરવામાં આવ્યા, ત્યારે આવતી કાલના પુત્રવિયોગના વિચારથી ગંગારામ અસ્વસ્થ થઈ આંટા મારવા લાગ્યો. એને ક્યાંય ચેન નહોતું પડતું. ઘડીકમાં બારી પાસે જઈ અંધારામાં દૂરદૂર દેખાતાં ઝાડવાંઓ સામે જોઈ રહેતો, તો ઘડીકમાં પોતાની પથારી ઉપર આવી પડખે સૂતેલા જીવતને પંપાળવા લાગતો. વળી પાછો અસ્વસ્થ થઈ એ બારી કને જતો. ગંગારામના બિસ્ત્રાથી ત્રીજા નંબરના બિસ્ત્રામાંથી એક આધેડ કેદી ઊઠયો અને ગંગારામ પાસે ગયો એની દાઢી ખૂબ લાંબી હતી. વચમાં ગણ્યાગાંઠ્યા કાળા વાળ બાકી રહ્યા હતા. એની જટા પણ ભૂખરી થઈ ગઈ હતી. ‘ગંગારામ, બધું નવું નવું લાગે છે કેમ?’ એણે પ્રેમાળ એવો પ્રશ્ન કર્યો. જેલમાં પહેલી જ વાર આવો મીઠો અવાજ સાંભળી ગંગારામ ચમક્યો. જીવત પણ ઊઠ્યો અને આવનાર કેદી માટે બેસવાની જગ્યા કરી એક તરફ લપાઈને બેઠો. કેદી જીવતના બિસ્ત્રા ઉપર બેઠો અને પોતાના બરછટ હાથથી દાઢી પંપાળવા લાગ્યો. ‘તમારું નામ શું? જીવતે આતુરતાથી પ્રશ્ન કર્યો. ‘મારું નામ સંતરામ; પણ અહીંના કેદીઓ મને મારા’જ’ કહીને બોલાવે છે. કેદીએ મીઠાશથી જવાબ આપ્યો. ‘તમે તો સાધુ બાવા જેવા લાગો છો. તમે અહીં ક્યાંથી?’ ગંગારામે પ્રશ્ન કર્યો. ‘કેમ, સાધુ બાવા અહીં ન આવે?’ સંતરામે આંખો ચમકાવતાં સામો પ્રશ્ન કર્યો. ‘સાધુ બાવા તો શું દુનિયાના નિદોર્ષમાં નિર્દોષ માણસને પણ એ લોકો અહીં મોકલી શકે છે!’ સંતરામને કોઈએ પૂછ્યું હોત કે ‘એ લોકો’માં તું કોનેકોને મૂકે છે, તો એનો એ સ્પષ્ટતાથી ઉત્તર આપી શક્યો ન હોત; પણ દુનિયાના અમુક પ્રકારના લોકોની એક મોટી જાતને એણે ‘એ લોકો’ કહી હશે! જીવતને અને ગંગારામને ખૂબ આશ્ચર્ય થયું. થોડી વાર શાંતિ પથરાઈ એટલે સંતરામ પોતાની મેળે બોલવા લાગ્યો : ‘હું સાધુ હતો અને ગામડેગામડે કથા કરતો ફરતો. એક દિવસ કાંઈક બન્યું અને મને પકડી લેવામાં આવ્યો. પાછળથી મને ખબર પડી કે મેં એક અત્યાચારનો વિરોધ કર્યો હતો એ મારો ગુનો હતો....પણ...’ સંતરામ વાત ચોરવા લાગ્યો. પણ એનું કાંઈ નહિ. મને પાંચ વર્ષની સજા થઈ. અહીં મને શાંતિ છે. મારી પાછળ એકે આંસુ પાડનાર કોઈ નથી એટલે નિરાંત પણ છે. ઉપરાંત અહીં કેટલાય દુ:ખી લોકોને આશ્વાસન પણ આપી શકું છું.’ ગંગારામ અને જીવત એની ગંભીર આંખો તરફ જોઈ રહ્યા. આસપાસના કેદીઓ પણ આતુરતાથી સાંભળવા લાગ્યા. કેદીઓમાં સંતરામનો પ્રભાવ પડતો. એ કેટલાય દાઝેલાઓને શાંત કરતો અને મરણિયાઓને ટાઢા પાડી અનેક જોખમમાંથી ઉગારી લેતો. જેલના વોર્ડરો પણ એની તરફ માનભરી નજરે જોતા. ‘પણ હમણાંહમણાં મને વિચાર આવે છે કે હું ઝાઝું નહિ જીવું.’ સંતરામે ખોંખારો ખાધો. સૌ શાંત થઈ ગયા. ‘એટલે તમારું એક કામ પડ્યું છે. હું આ જેલમાં આવ્યો, ત્યારે સાથે એક હરણીનું બચ્ચું લેતો આવ્યો હતો. આજે તો એ મોટું થઈ ગયું છે. એની સાથે એક પવિત્ર સ્મરણ સંકળાયેલું છે. મારી ગેરહાજરીમાં તમે એને સાચવશો?’ સંતરામે વાક્ય પૂરું કરી ગંગારામ તરફ એક આર્દ્ર મીટ માંડી. ‘જરૂર.’ ગંગારામે ટૂંકો ઉત્તર આપ્યો. પછી તો ત્રણે વાતોએ વળગ્યા. ગંગારામને સંતરામે અમુક ગામોનાં મંદિરો વિશે તો અમુકના મહંતો વિશે અનેક પ્રશ્નો પૂછ્યા; અને અનેક બનાવો કહ્યા. થોડી વારમાં સૌ શાંત થઈ ગયું. થાકીને લોથ થઈ ગયેલા કેદીઓ ઘોરવા લાગ્યા. તેઓનાં નસકોરાંનો અવાજ આવવા લાગ્યો, એટલે સંતરામે આખી બરાક ઉપર એક નજર ફેરવી લીધી. પછી કોઈ મહત્ત્વની વાત કહેતો હોય એમ ધીરેથી શરૂ કર્યું : ‘કોઈ સાંભળતું નથી એટલે તમને કેટલીક વાતો કહી દઉં. જેલના અમલદારો એટલે દુનિયા ઉપર જે સૌથી નીચ થઈ શકે તે જેલમાં સૌથી ઊંચે હોદ્દે ચડી શકે. જેલમાં જેઓ મૂંગે મોઢે સહન કરે છે તેઓ ફાવી જાય છે; માટે તો જેલમાં ‘કમ ખાના, ગમ ખાના, તબ કટ જાય જેલખાના,’ એ કહેતી થઈ પડી છે. કેટલાક લોકો તોફાન કરીને પણ ફાવી જાય છે; પરંતુ સહુ એમાં ફાવતા નથી. ઘણાને તો એમાં બહુ જ સહન કરવું પડે છે. ‘તમે ખાસ સૂબેદારથી ચેતજો. એ બહુ ભયંકર માણસ છે. એ મૂળ કસાઈ હતો. અહીં આવ્યો ત્યારે એની ઉંમર વીશ વર્ષની હતી. એને આજે પંચાવન વર્ષ થયાં છે છતાં એ પેન્શન નથી લેતો. અને બડા સા’બને પણ એ છે તેથી ખૂબ નિરાંત છે. એ સિપાહીમાંથી સૂબેદાર થયો છે. જેલનો કર્તાહર્તા લગભગ એ જ છે. બડા સા’બ પણ એનું બોલ્યું ઉથાપતા નથી. એણે આજ સુધીમાં આ જ જેલમાં ઓછામાં ઓછાં વીસ ખૂનો કર્યાં હશે, પણ છતાં દર વખત એ નિર્દોષ ઠર્યો છે. પાંચ તો મેં મારી આંખ સામે જોયાં છે. બાપડા કંગાલોની સંભાળ રાખનાર બહાર પણ કોઈ હોતું નથી, એટલે વાત વધતી પણ નથી. ઊલટો આનો પગાર વધતો જ જાય છે. તમને આ કહું છું, કેમકે મને ભય છે કે તમે કાંઈક કરી બેસશો અને ખત્તા ખાશો. સમજ્યો ને જીવત?’ એણે છેલ્લું વાક્ય પૂરું કરી જીવત તરફ એક માર્મિક દૃષ્ટિ ફેંકી. જાણે જીવતના કપાળમાં એ કશુંક વાંચી રહ્યો ન હોય! વાતો આગળ ચાલે ત્યાં તો વોર્ડર આવ્યો અને બોલ્યો : ‘મારા’જ, હવે સૂઈ જાવ. સિપાહી આવશે અને તમને હજી વાતો કરતા જોશે તો મને સજા થશે.’ સંતરામ ઊઠ્યો અને પોતાની પથારીમાં પડ્યો.
જીવતની આંખો સામે સૂબેદારની પાતળી-લાંબી અને સહેજ ખૂંધી મૂર્તિ તરી રહી. એના કાળા મોઢામાં પેલી બે ઝીણી આંખો જીવત સામે તગતગી રહી. એના બિડાયેલા હોઠ ઉપરની આછી મૂછો અને ભરાવદાર દાઢી હવામાં ઊડી રહી. એની ખાખી ટોપી, ખાખી ચોરણી, ખાખી કોટ, હાથની સોટી, બધું જ.... બધું જ......(7) સવારમાં જીવતને એક સિપાહી છોટા ચક્કરમાં લઈ ગયો. જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી ગંગારામ જીવતને જોઈ રહ્યો. પછી એક નિસાસો નાખી બહાવરાની માફક એ અહીંતહીં ભટકવા લાગ્યો. એવામાં એક કેદી એની પાસે આવ્યો અને વાતોએ વળગ્યો. ‘શું, એને પાણીમાં લઈ ગયા?’ ‘હા!’ એકલો પડવા ખાતર ગંગારામે ટૂંકમાં જ પતાવ્યું. ‘પાણીમાં લઈ ગયા? રામ...રામ....’ ગંગારામને આશ્ચર્ય થયું. વાત કરવાની વૃત્તિ થઈ અને તેણે પૂછ્યું : ‘નિસાસો કેમ મૂકે છે?’ ‘પાણીમાં તો બહુ ત્રાસ પડે છે. આખો દિવસ પંપ કર્યા કરવો પડે છે. કેદીઓ થાકીને બેસી જાય તો વોર્ડરો એને ફટકા મારે છે.’ કેદી બોલવા લાગ્યો. ‘હે...!’ ગંગારામનો અવાજ ફાટી ગયો. ‘મારો જીવત એ કેમ સહી શકશે?’ એ નીચે બેસી ગયો. ‘એક વખત શહેરના મહાજને જેલમાં એન્જિન મુકાવી આપવાનું કહ્યું, પણ બડા સા’બે ના પાડી અને જવાબ આપ્યો : ‘તો હું કેદીઓને સજા શું કરું?’ અને બીજી વખત લોટની ગીરણી મુકાવી આપવાની વાત આવી, ત્યારે તો બડા સા’બ ખિજાઈ ગયા અને બોલ્યા : ‘તમારે જેલ ભાંગી નાખવી છે કે શું? ચક્કી વિના હું બદમાશ કેદીઓને પાંશરા કેમ કરી શકું?’ હું તો કેટલી યે વાર પાણીમાં અને ચક્કીમાં જઈ આવ્યો છું.’ ગંગારામનો 2સ વધ્યો, એના ઝંખતા હૃદયને સહેજ આરામ લાગ્યો. એણે પ્રશ્નો પૂછવા શરૂ કર્યાં. ‘તમારે હવે કેટલી સજા બાકી છે?’ ‘અરે, હું તો એક મહિના પહેલાં છૂટી ગયો હોત!’ ધનાએ સહેજ મોઢું મલકાવતાં જવાબ આપ્યો. પણ એક ગુનો થઈ ગયો અને મને બીજાં ત્રણ વરસ સજા મળી.’ ગંગારામનો વળી રસ વધ્યો. બન્ને ઝાડના થડ કને ગયા. ધનાએ આગળ ચલાવ્યું : ‘મારી બાઈડી એક બીજા માણસ સાથે ચાલતી હતી. એક દિવસ મેં એ ઘરમાં ભાળ્યો, એટલે ધબાધબ ડંડા દેવા શરૂ કર્યા. મારી બાઈડી વચ્ચે પડી, એનેય ઠીકઠીક માર માર્યો. ત્યાં તો સિપાહીઓ આવી પહોંચ્યા અને અમને પકડી લીધાં. અમને બન્નેને બબ્બે વરસની સજા થઈ અને આ જેલમાં આણવામાં આવ્યાં. મારી બાઈડીના સારી ચાલચલગત માટે ચાર મહિના કપાયા. છૂટતાંછૂટતાં એણે મારી મુલાકાત માગી. અમને ઓફિસમાં બેસાડવામાં આવ્યાં, પણ મને તો એ શંખણીનું મોઢું પણ જોવું નો’તું ગમતું. હું તો કૂદ્યો અને હડફ દઈને એનું નાક કરડી ખાધું!’ અને ધનો ખડખડાટ હસી પડ્યો. ગંગારામ આશ્ચર્યથી આભો બની ગયો. ‘પછી મારો કેસ ચાલ્યો અને મને બીજાં બે વરસની સજા પડી; પણ હવે છૂટ્યા પછી એ શંખણીનો પીછો નથી છોડવાનો. એનો જીવ લઉં ત્યારે જંપ વળે.’ ધનો પોતાની વાત પૂરી કરી રહેવા આવ્યો, ત્યાં સુલેમાન ફરતોફરતો આવી ચડ્યો. ધનો એકદમ કૂદ્યો અને એના પગ પકડી દાબવા લાગ્યો. સુલેમાને પગ છોડાવવા ખૂબ પ્રયત્નો કર્યા પણ ધનાએ છોડ્યા નહિ; અને ‘મિયાંસા’બ, એક બીડી દે દો! બસ એક જ! દૂસરી દફા નહિ માગુંગા! બસ, એક બીડી દે દો!’ એમ બોલવું ચાલુ રાખ્યું.
અને પછી જ્યારે કાંઈક કંટાળાથી, કાંઈક કૌતુકથી સુલેમાને એક પીધેલી બીડીનું ખોખું ફેંક્યું, ત્યારે ધનાએ પગો મૂકી દઈ ત્રણવાર સલામ ભરી, ખોખું ઉપાડી હરખાતાં-હરખાતાં ચાલવા માંડ્યું.(8) સંતરામનું શરીર ઝડપભેર લથડવા માંડ્યું. હવે તેનાથી જરી પણ કામ ન થઈ શકતું. એ બરાકના એક ખૂણામાં બિસ્ત્રો પાથરી પડ્યો રહેતો. ક્યારેક-ક્યારેક ગંગારામ તેની પાસે જઈને બેસતો અને તેને સાંત્વન આપતો. બન્ને લોકો જીવતને સંભારતા અને ક્યારેક-ક્યારેક ગંગારામ રડી પડતો. બહાર જતા-આવતા વોર્ડરો જીવતના ખબર આપતા અને કહેતા : ‘એના મોઢા ઉપરની લાલી ઊડતી જાય છે; એની આંખો ઊંડી જતી જાય છે; હવે એ પહેલાંના જેવો સફેદ રહ્યો નથી.’ ગંગારામ આ સાંભળી કંપી ઊઠતો અને માંદોમાંદો પણ સંતરામ એને આશ્વાસન આપતો. સંતરામ ગંગારામને પેલા હરણમાં મન પરોવી મનને શાંત કરવા કહેતો. ગંગારામ ખૂબ અસ્વસ્થ થતો, ત્યારે લીમડા પાસે બાંધેલા હરણ પાસે જઈને તેની સાથે રમતો, હરણની સુંદર શીંગડીઓ પકડી, એની ડોક હલાવી, ગળે બાંધેલી ઘૂઘરીઓ વગાડતો. પાણીનો ચંબુ લાવી હરણને ટગવતો. એનો વાંસો પંપાળતો અને એના કાનમાં કંઈકંઈ વાતો કરતો. ક્યારેકક્યારેક વોર્ડરની ગેરહાજરીમાં હરણને છોડી એ સંતરામની પથારી પાસે લઈ જતો. પછી બન્ને દાઝેલાઓ એને રમાડી શાંતિ મેળવા પ્રયત્નો કરતા. એક વખત ડોક્ટરે સંતરામને જોઈને કહ્યું : ‘મા’રાજ, હવે તમને દવાખાનામાં લઈ જવા પડશે.’ ‘ના, મને અહીં જ ઠીક છે. મારે મરતાંમરતાં મારા હરણથી જુદા નથી પડવું.’ સંતરામે સૂતાંસૂતાં જ જવાબ આપ્યો. ‘એ ન ચાલે. તમારે ત્યાં જ જવું પડશે. તૈયાર થઈ રહેજો.’ એટલું કહીને ડોક્ટર ચાલતો થયો. સંતરામ ગમગીન બની ગયો. એ હરણને પુત્ર કરતાં પણ વિશેષ ચાહતો. ગંગારામ પણ ગમગીન બન્યો. જ્યારે સંતરામ પાસે આવીને બેસતો, ત્યારે એના હૃદયને આરામ રહેતો. હવે તો તે પણ નહિ હોય! બન્ને કેટલીય વાર સુધી મૂંગામૂંગા બેસી રહ્યા. થોડી વાર પછી સંતરામે કહ્યું : ‘ગંગારામ! હરણને લઈ આવ તો!’ ગંગારામ ઊઠ્યો અને હરણને લઈ આવ્યો. હરણે નીચે બેસી જઈ સંતરામની દાઢી ચાટવી શરૂ કરી. સંતરામે પોતાનો ધ્રૂજતો હાથ હરણની સૂંવાળી પીઠ ઉપર ફેરવ્યા કર્યો. એ ક્યાંય સુધી હરણની આંખમાં જોઈ રહ્યો, અને પછી બોલ્યો : ‘આ હરણની આંખોમાં હું એના પડછાયા જોઉં છું. અમે જુવાન હતાં ત્યારે જંગલમાંથી એક હરણીને પકડી લાવેલાં. અમે આખો દિવસ સીમમાં એ હરણીને રમાડતાં અને રખડતાં. દુનિયામાં અમારું સુખીમાં સુખી જોડું હતું. એક દિવસ મને ખબર પડી કે એને એના પિતાએ એની મરજી વિરુદ્ધ ગામના જમીનદારના દીકરા સાથે પરણાવી દીધી છે. મારા જીવનનો રસ ઊડી ગયો. હું ગાંડાની જેમ ભટકવા લાગ્યો. એ ચોરીછૂપીથી ક્યારેકક્યારેક મને મળતી અને આશ્વાસન આપતી. પછી તો હું સાધુ બની એ હરણીને લઈને નીકળી પડ્યો. ખૂબખૂબ તીર્થો ફર્યો પણ મન શાંત ન થયું. ફરી પાછો મારે ગામ આવ્યો. એને મળ્યો. જમીનદારને શંકા ગઈ અને એણે મારી ઉપર મારામારીનો આરોપ મૂકી મને પકડાવ્યો. આ હરણ એ હરણીનું બચ્ચું છે. ‘તું એનું જીવની પેઠે જતન કરજે.’ સંતરામના શબ્દો તૂટવા લાગ્યા, એનું ગળું રૂંધાઈ ગયું, એ આગળ ન બોલી શક્યો. ગંગારામ ભારે હૈયે ત્યાંથી ઊઠ્યો અને હરણને પાછું લીમડે બાંધી આવ્યો. તે સાંજે એણે હરણને રોજ કરતાં વધારે હેતથી ચારો નાખ્યો. બીજે દિવસે જ્યારે સંતરામને લઈ જવા સિપાહી આપ્યો, ત્યારે સંતરામ લથડતે પગે હરણ પાસે ગયો અને એને એક ચૂમી ભરી. પછી એ સિપાહી સાથે ચાલતો થયો. એની પાછળ બરાડા પાડતું હરણ ક્યાંય સુધી કકળી રહ્યું. સમદુ:ખી ગંગારામે એને રોતાંરોતાં પાણી પાયું.
દશ દિવસ પછી ખબર આવ્યા કે સંતરામ દવાખાનામાં જ ગુજરી ગયો!(9) જેલમાં આવ્યાને રઘુવીરને વીશ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. એનું સ્થાન જેલના પ્રતિષ્ઠિત કેદીઓમાં હતું. આજે તો એક મોટી ફેક્ટરી એની દેખરેખ નીચે ચાલતી. એણે પોતે વણેલી શેતરંજીઓ અને ગાલીચા શહેરમાં તરત જ ખપી જતાં. નગરશેઠને એના ગાલીચા એટલા ગમતા કે કેટલીક વાર તો પોતે જાતે જેલમાં આવીને ઓર્ડર આપી જતા એનું શરીર કદાવર હતું. એ શીખ હતો એટલે એને દાઢી અને જટા રાખવાની છૂટ હતી. એની પીળી પાઘડીમાંથી કાળાભમ્મર વાળ લટકતા જોઈને કોઈ રાજવંશીનો આભાસ થતો. એની આંખો મોટી અને ધીર હતી. એના હોઠ હંમેશાં બીડેલા જ રહેતા. ગોળ ખભાઓમાંથી લટકતા એના લાંબા હાથ જોઈને ભલભલા ફિતૂરીઓ પણ થથરી જતા. એ જેલમાં આવ્યો ત્યારે વીશ વર્ષનો હતો. જેલનો જૂનો કેદી હરિદાસ કહેતો કે એ આવ્યો ત્યારે ફૂલ જેવો કોમળ હતો. એણે શરૂઆતના ત્રણ દિવસ તો મોંમાં પાણીનું ટીયું યે ન નાખતાં રડ્યા જ કર્યું હતું. જેલ અને કેદીઓને પણ એ જુવાન વહાલો લાગતો. હરિદાસ કહેતો કે એક રાત્રે તો એના ખોળામાં માથું નાખીને રઘુવીર ચાર કલાક રડ્યો હતો. રઘુવી2 કોમાગાટામારુ કેસમાં પકડાયો હતો. કેનેડાથી શીખ લોકોની જે સ્ટીમર કલકત્તા આવી હતી તેમાં તે પણ હતો. કલકત્તામાં રમખાણ થયું અને બીજા વીશ શીખો સાથે એ પણ પકડાયો. જેલમાં આવ્યો ત્યારે તેની સાથે અઢીસો ચોપડીઓ હતી. જેલના પુસ્તકાલયની કુલ પાંચસો ચોપડીઓમાંથી અઢીસો તો કેવળ રઘુવીર લેતો આવેલો, કેનેડાના વસવાટ દરમિયાન રઘુવીરે લખેલી ડાયરી પણ પુસ્તકાલયમાં સંઘરવામાં આવી હતી; પણ એ કોઈને વાંચવા દેવામાં ન આવતી. લગભગ બે વર્ષથી રઘુવીરની સજાની મુદ્દત પૂરી થઈ ગઈ હતી, પણ સરકારને એ માણસ ભયંકર લાગવાથી એનું રીમીશન કાપી લેવામાં આવ્યું હતું. જેલ કમિટીએ પણ એ બાબત આંખ આડા કાન કર્યા હતા. ઉપરથી લખાણ આવવાને કારણે એને ખૂબ ત્રાસ આપવામાં આવતો. એક વર્ષ તો એને અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો હતો. અને જ્યારે બહાર કાઢવામાં આવ્યો ત્યારે એ પહેલાંનો રઘુવીર નહોતો રહ્યો. એની આંખોની જ્યોતિ ઝાંખી પડી હતી; અને ક્યારેકક્યારેક એની છાતીમાં પણ દુખવા આવતું. એની જટામાં પણ ક્યાંકક્યાંક ધોળા વાળ તરી આવતા હતા. બીજા કેદીઓને એનો ચેપ ન લાગે એટલે વારેવારે એને ‘સેપરેટ’માં પૂરવામાં આવતો. જેલર અને બીજા અમલદારો એનું જાણીબૂઝી અપમાન કરતા. એની પાસે માફી મંગાવવા માટે જૂના જેલ સાહેબે એકે ઇલાજ બાકી રાખ્યો ન હતો. જેલની પંચોતેર પંચોતેર સજા એને ભોગવવી પડી હતી. છતાં એનો આત્મા એટલો જ તેજસ્વી અને અડગ રહ્યો હતો. જ્યારે એને ‘તાટકપડાં’ આપવામાં આવ્યાં હતાં, ત્યારે એના સફેદ શરીરમાંથી લોહીની ટશરો ફૂટી હતી. એનું વર્ણન કરતાં વૃદ્ધ હરિદાસ પણ રડી પડતો, એ બહુ ઓછાબોલો અને એકાન્તપ્રિય હતો. રાતે બરાકમાં જ્યારે બીજા કેદીઓ નાનાંનાનાં મંડળી રચી સુખદુ:ખની વાતો કરતા, ત્યારે એ બારીના સળિયા વચ્ચે નાક પરોવી ઊભો રહેતો અને બારીમાંથી અનંત આકાશના જોઈ શકાય એવડા નાના ટુકડાને જોઈ રહેતો. ક્યારેક વાતોમાંથી ઊઠી વૃદ્ધ હરિદાસ એની પાસે આવતો તો એને રડતો ભાળતો. પિતા તુલ્ય વાત્સલ્યથી એ એને પંપાળવા લાગતો; પણ એથી તો રઘુવીર પોતા ઉપરનો કાબૂ ઊલટો ગુમાવી બેસી ધ્રુસકેધ્રુસકે રડી પડતો. વોર્ડરો અને બીજા રીઢા કેદીઓ એની દયા ખાતા. એથી એનું સ્વાભિમાન ઘવાતું અને સૌ વચ્ચેથી છટકી જઈ પોતાના બિસ્ત્રામાં મોઢું ઢાંકી પડ્યો રહેતો. વૃદ્ધ હરિદાસને 78 વર્ષની સજા હતી. એણે જુવાનીમાં અનેક કાળાંધોળાં કર્યાં હતાં. લોકો કહેતા કે તેણે સાત તો ખૂનો કર્યાં હતાં. જેલમાં એના ત્રાસથી અધિકારીઓ પણ ત્રાસતા. એને લાલ ટોપી આપવામાં આવી હતી. અધિકારીઓ એનાથી દૂર રહ્યારહ્યા વાત કરતા; પણ રઘુવીર આવ્યો ત્યારથી એનામાં કાંઈક એકાએક પરિવર્તન થઈ ગયું. એની આંખોમાં જીવનમાં પહેલી જ વાર કોમળ ભાવ જોઈ જેલના એકેએક રહેવાસીને આશ્ચર્ય થયું હતું. શરૂઆતમાં એ રઘુવીરનાં કપડાં ધોઈ દેતો અને એની પથારી પાથરી દેતો. રઘુવીર જ્યારે અસ્વસ્થ થતો, ત્યારે તે પોતાના જીવનની અને જેલના અનેક અનુભવોની રસમય વાતો એને કહેતો; અને પ્રેમળ રઘુવીર એ સાંભળી પેટ પકડી હસી પડતો. એને હસતો જોઈને હરિદાસને પણ ખૂબ આનંદ થતો. જીવનભર અંતરના ખૂણામાં અટવાઈ રહેલો પ્રેમ જાણે હવે ધોધમાર વહેવા લાગ્યો. પણ હવે તો એ વૃદ્ધ થયો હતો. એ રઘુવીરને કેટલીક વખત આંખો ભાવમય કરી, કહેતો : ‘રઘુવીર! હું તો અહીં જ મરી જવાનો. હું મરી જઈશ પછી તને ગમશે?’ જુવાન રઘુવીર પણ બાળકની જેમ ખિન્ન બની બોલી ઊઠતો : ‘એવું ન બોલો; એવું ન બોલો. તમે જરૂર જેલમાંથી જીવતા છૂટવાના. જુઓ ને, બહાર સ્વરાજની ચળવળ કેવી ચાલે છે? સ્વરાજ મળ્યા પછી કાંઈ આપણા જ ભાઈઓ આપણને આવા દોજખમાં થોડા જ રાખવાના હતા?’ વર્ષો જતાં હરિદાસનું શરીર લથડવા લાગ્યું. એનાથી હવે કામ ન થઈ શકતું. ઘણી વખત રઘુવીર એનું કામ કરી દેતો. એક વખત જેલરને આવી ખબર પડી એટલે હરિદાસને એણે બીજા ચક્કરમાં ફેરવ્યો. રઘુવીર તે દિવસથી ભાગ્યે જ કોઈની સાથે બોલતો. હવે તે બારી બહાર મોડી રાત સુધી જોયા કરતો. સૌ ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે તેઓની ઉપર એક દયાર્દ્ર નજર કરી એ પણ પથારીમાં પડતો, પણ એને ઊંઘ ભાગ્યે જ આવતી. જ્યારે જીવતને રઘુવીરની બરાકમાં લાવવામાં આવ્યો, ત્યારે ફરી રઘુવીરની આંખો ચમકી. એને થયું કે પ્રભુએ કોઈ પોતાની જાતનું પ્રાણી પોતાની પાસે મોકલ્યું છે. પહેલી જ રાત્રે રઘુવીરે જીવતની કથા સાંભળી લીધી અને પછી પોતાની કહી સંભળાવી. પછી તો તેઓ વારંવાર કલાકોના કલાકો સુધી વાતો કર્યા કરતા.
ગંગારામને સંભારી જીવત જ્યારે ગમગીન થતો, ત્યારે રઘુવીર એને આશ્વાસન આપતો. જીવતનો ઊજળો વર્ણ અને સુરેખ મોટું જોઈને એને ચિંતા પેઠી હતી. એ ઘણી વાર જીવતને અમુક કેદીઓથી દૂર રહેવા સૂચના આપતો. જીવત પણ એ વસ્તુ સાનમાં સમજી જતો અને પોતાની જાતને બચાવી લેતો. પણ જ્યાં એકેએક કેદ...(10) ગોરો જેલર જ્યારે ફરી બરાકમાં આવ્યો, ત્યારે સૌની પાસેથી એકદમ પસાર થઈ જઈ એ સુલેમાન જ્યાં બેઠોબેઠો પાટી વણી રહ્યો હતો ત્યાં આવીને થોભ્યો. ‘પાટી તો અચ્છી બનાતે હો!’ જેલરે કહ્યું. ‘ક્યોં નહિ?’ સુલેમાને ઊંચે જોયા વિના જ જવાબ આપ્યો. આગળ શું બોલવું તે ન સૂઝવાથી ગોરો જેલર અંચકાઈ ઊભો રહ્યો. પછી ઓચિંતો વિચિત્ર રીતે સૂબેદાર તરફ ફર્યો અને બોલ્યો : ‘કલ ઈસકો ઓફિસ પર લાના!’ અને બહાર ચાલ્યો ગયો. સૂબેદારે એક માર્મિક હાસ્ય કરી સુલેમાનનો વાંસો થાબડ્યો. પછી એ પણ ચાલ્યો ગયો. બીજે દિવસે જ્યારે ઓફિસમાંથી સુલેમાન પાછો આવ્યો, ત્યારે એના માથા ઉપરની પીળી પાઘડી અને કમર ઉપરનો વોર્ડરનો પટ્ટો જોઈ સૌને આશ્ચર્ય થયું. હવે તે રુઆબભેર ચાલતો હતો અને બીજા કેદીઓને મારી-દબડાવીને સખત કામ લેતો હતો. જે કેદીઓની પહેલાં તે દયા ખાતો તેઓ ઉપર હવે તે કડક થતો. હવે જ્યારે જ્યારે ગોરો જેલર આવતો ત્યારે-ત્યારે તે લળીલળીને સલામ ભરતો હતો. સૂબેદાર આવતો ત્યારે તો એની સાથે આખી બરાક ફરી વળી અનેક કેદીઓની ચાડીચુગલી કરતો. સૂબેદારને એ ખૂબ ગમતું. પાછા ફરતાં એ કોઈ ન દેખે એમ થોડી બીડીઓ સુલેમાનના હાથમાં સરકાવી દેતો. સુલેમાન એને સલામ ભરી પાછો ફરતો, ત્યારે તાનમાં આવી જઈ અકારણ કોઈને દંડો લગાવતો તો કોઈને થપાટ મારી બરાડવા લાગતો.
ગંગારામ આ પરિવર્તન જોઈને હેબતાઈ ગયો!(11) કેદીઓ એને ગન્નુ દાદા કહેતા. એનું બિહામણું મોઢું જોઈને એની પાસે જવાની કોઈની હિંમત ન ચાલતી. એ પૂરા છ ફૂટ ઊંચો હતો. એના પહોળા નાક તળે મૂછોના થર બાઝ્યા હતા. એની ભમરો પણ ઝાંખરા જેવી હતી. ગળાનો હડિયો વધારે પડતો બહાર નીકળી ગયો હતો. એનું શરીર બહુ જાડુંયે નહોતું અને પાતળુંયે નહોતું; પણ કેદીઓ કહેતા કે એનામાં એક ઘોડા જેટલું બળ હતું. એ કેદમાં આવ્યો કે તરત જ એણે જૂના કારકુનને માર્યો હતો. પછી લગભગ એક વર્ષ સુધી એને ચક્કીમાં રાખવામાં આવ્યો હતો. ચાળીશ શેર બેત્રણ કલાકમાં દળી નાખી, ઘાસની પથારી કરી, એ આખો દિવસ ઊંઘી રહેતો. લગભગ બધા જ કેદીઓને જેલનો ખોરાક ઓછો પડતો, પણ ગન્નુને તો જાણે પોતે જમ્યો જ ન હોય એમ લાગતું. એમાંયે જ્યારે એ ચક્કી પીસી રહેતો, ત્યારે એની ભૂખ કુંભકર્ણની પેઠે જાગતી. વધારે રોટલા મેળવવાનો બીજો ઉપાય નહોતો એટલે એ ચક્કી પીસતાં-પીસતાં કાચા ઘઉં-બાજરાના બૂકડા ભરતો. તોલમાં આટો ઓછો થાય ત્યારે વોર્ડરો એની સામે જોતા. ગન્નુ સામે આંખો ફાડતો, એટલે પેલા લોકો પોતાની આંખો ઢાળી દેતા. આથી એક દિવસ એક વોર્ડરનો પટ્ટો છીનવી લેવામાં આવ્યો. વોર્ડરનું દયામણું મોઢું જોઈને ગન્નુ સહેજ પીગળ્યો અને એણે પેટ ભરવાની એક બીજી યુક્તિ શોધી કાઢી. સૂબેદાર ઉપર એની સારી અસર પડતી. જેટલા બદમાશ કેદીઓ હતા, તેઓને હાથમાં લેવાનું સૂબેદાર ચૂકતો નહિ, ભયંકર કેદીઓ ખિજાય ત્યારે પોતાની ઝીણી આંખો વધારે ઝીણી કરી, આછી મૂછોવાળો ઉપલો હોઠ સહેજ પહોળો કરી, આછું હસી, કેદીના હાથમાં એકાદ બીડી સરકાવીને અથવા એને વોર્ડર બનાવી એ એમને ખુશ કરી લેતો. ઘવાયેલી એ વૃત્તિઓનો બદલો એ નબળા કેદીઓ ઉપર લેતો. ટપુ મિયાણો કહેતો કે એણે પોતાની પંદર વર્ષની સજા દરમિયાન કોઈ દિવસ સૂબેદારને ગાળ દીધા વિના વાત કરતો નથી સાંભળ્યો. સૂબેદાર સોટી અને લાત તો સહેજસહેજમાં મારી દેતો. એક દિવસ સૂબેદારની પાસે જઈ ગન્નુએ કહ્યું : ‘દેખો, તુમ હમકો પિછાનતા હૈ?’ સૂબેદારે કશો પણ જવાબ દીધા સિવાય એની સામે જોયું. ‘દેખો હમકો વોર્ડર બના દો. નહિ તો.....’ સૂબેદારે ફરી એની સામે જોયું. ગન્નુ પોતાની આંખો પહોળી કરી કશા પણ ભાવ વિનાની દૃષ્ટિ એની ઉપર ઠેરવી રહ્યો હતો. ‘નહિ તો હમ.....’ ગન્નુ ફરી વાક્ય પૂરું કરે એ પહેલાં સૂબેદાર એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.
બીજા દિવસે ગન્નુને ઓફિસ ઉપર બોલાવવામાં આવ્યો. એ ત્યાંથી પાછો ફર્યો ત્યારે એનો વેશ ફરી ગયો હતો. ધોળી ચીપટી ટોપીને બદલે પીળી પાઘડી એના ટૂંકા અને ઊપસેલા કપાળ ઉપર શોભતી હતી. કેડે પટ્ટો હતો અને એમાં એક દંડો ભરાવ્યો હતો!(12) હવે તો ગન્નુને આખા ચક્કરમાં ફરવાની છૂટ મળી ગઈ. એક દિવસ રસોડામાં જઈને એણે મુખ્ય રાંધનાર કેદીની પાસે બોલાવ્યો. ‘દેખો, તુમ અચ્છીઅચ્છી ભાજી અપને લિયે નિકાલ લેતા હો વો મૈં જાનતા હું.’ રસોઇયો કેદી આભો બની એની સામે જોઈ રહ્યો. ગન્નુ બોલવા લાગ્યો : ‘દેખો, તુમ ભાજીમેં ડલનેકા તેલ નિકાલ લેતા હો વો ભી મૈં જાનતા હું. ઓર દેખો, તુમ ઉસકી પૂડિયાં બના કરકે ખાતે હો વી ભી મેં જાનતા હું. ઓર પૂડિયાં, ઓર આટા, ઓર અચ્છી તરકારી, ઓર બીમારોં કા દૂધ જેલર સા’બ સૂબેદાર સા’બ ઔર કારકુનો કે વહાઁ તુમ ભેજવાતા હો વો ભી મેં જાનતા હું! દેખો, તુમ ઐસા મત માનના કી તુમકો માફી મીલ જાયગી મેં કલ બડા સા’બસે બોલનેવાલા હૈ!’ રસોઇયાની આંખો ફાટી ગઈ; એના પગો ધ્રૂજવા લાગ્યા. એ ગન્નુ પાસે કરગરવા લાગ્યો. ગન્નુએ એ કશા તરફ ધ્યાન ન આપવાનો ડોળ કર્યો, અને થોડી વાર પછી બેદરકારીથી ચાલવા માંડ્યું : થોડે સુધી જઈને એણે સહેજ પાછું વળી જોયું અને કહ્યું : ‘સમઝ ગયા ને?’ ‘હાં સા’બ બરાબર સમઝ ગયા!’ કેદીના મોઢા ઉપર રાહેજ હાસ્ય સ્ફુર્યું. બીજા દિવસથી ગન્નુને જે જોઈએ તે રસોડામાંથી આવવા લાગ્યું. એના શરીર ઉપર ચરબી વધવા લાગી અને મન વધારે ને વધારે તેજ બનવા લાગ્યું. જીવત જ્યારે પોતાની બરાકમાં આવ્યો ત્યારે ગન્નુને કાંઈક ન સમજાય તેવી લાગણી થઈ. એ એની નજીક જવા ખૂબ ઇચ્છતો પણ રઘુવીરની બીકે દૂર રહેવું પસંદ કરતો પણ જ્યારે રઘુવીર એક મહિના માટે ઓફિસમાં કામ કરવા ગયો ત્યારે એ એક રાતે જીવતના બિછાના પાસે આવીને બેઠો. અંધારું થઈ ગયું હતું. આસપાસના કેદીઓ પોતાની વાતોમાં મશગૂલ હતા. જીવતને એ સહેજ વિચિત્ર લાગ્યું. ગન્નુએ પોતાના ટુવાલમાંથી થોડી પૂરીઓ કાઢી અને જીવતને આપી. જીવત સમજી ગયો. એણે ના પાડી. ગન્નુ વધારે પાસે ખસ્યો. જીવતે એક રાડ પાડી અને તે બેઠો ગયો. બધા કેદીઓ આસપાસ ભેગા થઈ ગયા. ‘કુછ નહિ હૈ કુછ નહિ! ખાલી ફિતૂર કરતા હૈ!’ એમ બોલતો-બોલતો ઝંખવાણો પડી ગન્નુ ત્યાંથી ચાલ્યો ગયો! બીજે દિવસે જ્યારે જેલર ચક્કરમાં આવ્યો, ત્યારે ગન્નુએ જીવતને તેની સામે ખડો કર્યો અને એક અદબભેર સલામ કરી કહ્યું : ‘સા’બ, યે હુકમ નહિ સુનતા!’ પાછળ ઊભેલા સૂબેદાર તરફ જેલર ફર્યો અને બોલ્યો : ‘ઉસકો માંકડખોલીમેં ડાલો!’ અને ચાલતો થયો. જીવતે પોતાની વાત કરવા કંઈ કંઈ પ્રયત્નો કર્યા, પણ જેલર અટક્યા વિના ચાલ્યો ગયો. સૂબેદાર સહેજ પાછું ફરીને તિરસ્કારયુક્ત હસ્યો અને પોતાની સોટી બતાવી.
રાત્રે એક સિપાહી આવીને જીવતને બીજી બરાકમાં લઈ ગયો.(13) જીવત આખી રાત બારી સામે જાગતો બેસી રહ્યો. માંકડના થરના થર એ શરીર ઉપર બાઝતા હતા અને અવિશ્રાન્તપણે એને ઉખેડી-ઉખેડી પોતાની પડખે પડેલા ચંબુમાં તે નાખતો હતો. ચંબુ છલકાવા લાગ્યો. જેમજેમ રાત જામવા લાગી તેમતેમ માંકડનાં ધણ ઊભરાવા લાગ્યાં. હવે જીવતથી ન રહેવાયું. બે હાથ વચ્ચે માથું દાબી એ જોસજોસથી રડવા લાગ્યો. સૂબેદાર એ રાત્રે ચક્કર મારવા નીકળ્યો હતો. જીવતની ઓરડી સામે ઊભા રહી, આંખો અરધી મીચી એણે પ્રશ્ન કર્યો : ‘કેમ રડે છે?’ જીવતે કશો જ ઉત્તર ન આપ્યો. એની આંખમાંથી આંસુની ધારા સતત વહ્યા કરતી હતી. એ શરમાયો. માથા ઉપરથી હાથ ખસેડી હથેળીઓથી એ આંસુ લૂછવા લાગ્યો. ‘સાંભળતો નથી? કેમ રડે છે? રાત્રે અવાજ કેમ કરે છે?’ સૂબેદાર ફરી તાડૂક્યો. જીવતને શું જવાબ દેવો તે સૂઝ્યું નહિ. ‘જવાબ કેમ નથી દેતો?’ એમ કહી એક સોટી ફટકારી એણે ચાલવા માંડ્યું. જીવત સમસમી રહ્યો. માંકડનું દુ:ખ તે વીસરી ગયો. એનું મન એટલું કંપતું હતું કે એ વખતે એણે બંદૂકનો ધડાકો પણ સાંભળ્યો ન હોત! આખી રાત એ એમનો એમ બેસી રહ્યો. સવારે એણે જોયું તો એના આખા શરીર ઉપર મધપૂડાની માફક માંકડ બાઝી ગયા હતા.
જ્યારે એને પોલીસ છોડવા આવ્યો ત્યારે એ અડધો થઈ ગયો હતો.(14)
મદોન્મત્ત હાથી જેવી ગન્નુની દશા થઈ પડી. દિવસે દિવસે એ વધારે ને વધારે બેફામ બનવા લાગ્યો. એનું આખું શરીર ગરમગરમ રહેવા લાગ્યું. હવે તો વાતવાતમાં એ સૌને મારી બેસતો. એનાથી એનું મન જિરવાતું નહોતું. એક દિવસ ગોરો જેલર પોતાની મડમને જેલ દેખાડવા નીકળ્યો. બધા કેદીઓ વ્યવસ્થિત થઈ પોતપોતાને કામે વળગ્યા અને એઓ આવતાં અદબભેર સલામ બજાવવા લાગ્યા. નાહવાના હોજ પાસે કોઈ નહોતું. સહેજ નવરો પડતાં એક ઝાડ સાથે પાટી બાંધી ગન્નુ એકલોએકલો ત્યાં બેસી વણતો હતો. જેલર મડમને લઈ ત્યાં ગયો, પાટી બતાવી પાછો ફર્યો. સૂબેદાર સાથે વાતો કરતાં કરતાં એ સહેજ દૂર નીકળી ગયો અને મડમ પાટી જોવા પાછળ રોકાઈ. ગન્નુને આટલે વર્ષે જેલમાં આ વિચિત્ર પ્રાણી જોઈને અંતરમાં અકથ્ય ભાવ સ્ફુર્યો. એની આંખમાં લોહી દોડી આવ્યું. પોતે શું કરે છે તેનું ભાન સરી ગયું. એ એકદમ કૂદ્યો અને મડમનો હાથ ઝાલી એણે જોરથી ખેંચ્યો. ગભરાઈ ગયેલી મડમે એક ચીસ પાડી. જેલર અને સૂબેદાર દોડી આવ્યા. સૂબેદારે સીટી વગાડી અને સિપાહીઓ ભેગા થઈ ગયા. સિપાહીઓએ ગન્નુને નીચે પછાડ્યો અને એના હાથપગ બાંધ્યા. જેલરનો ક્રોધ માતો ન હતો. એણે પોતાના નાળવાળા જોડાથી ગન્નુને ગૂંદવા માંડ્યો. ગન્નુ લોહીલુહાણ થઈ ગયો. ‘ઈસકો મેદાનમેં’ લાવ!’ જેલર કડકાઈથી બોલ્યો અને પોતાની મડમને મનાવતો ચાલતો થયો. ગન્નુને મેદાનમાં લાવવામાં આવ્યો. એક લીમડાના થડ સાથે એને બાંધ્યો; પછી એના આખા શરીરે ગોળ ચોપડ્યો. લીમડાના થડમાં પાણી ભરેલી આખી ડોલ ઠાલવી નાખી અને એક પછી એક મકોડાઓ ઊભરાવા લાગ્યા. જોતજોતમાં તો મકોડાઓની એક મોટી સેના ગન્નુના શરીર ઉપર પથરાઈ ગઈ. ગન્નુના રાતામાતા શરીર ઉપર લોહીના ટશિયા ફૂટવા લાગ્યા. લીમડાના થડથી થોડે દૂર એક ખુરશી ઉપર ગોરો જેલર ઊંચોનીચો થતો બેઠો હતો અને આ બધી ક્રિયા મલકાતે મોંએ જોઈ રહ્યો હતો. ગન્નુના મોંમાંથી એક ઊંકારો સુધ્ધા ન નીકળ્યો. નીચી આંખો કરી વળ ખાતો એ ઊભો રહ્યો. ‘ક્યોં માફી માગતા હૈ?’ જેલરે આખરે પૂછ્યું. ‘માફી?’ ગન્નુએ એક તિરસ્કારયુક્ત હાસ્ય કર્યું : ‘ગન્નુ માફી માગનેવાલા નહિ.’ પછી સહેજ કડક થઈ એ બોલ્યો : ‘માફી મગાનેવાલા નહિ દેખા હોગા! તેરી.....’ જેલર વરુની માફક કૂદ્યો અને એક....બે...ત્રણ સોટીઓ ચોડી કાઢી અને પછી મડમને લઈને હાથ મસળતો મસળતો ચાલતો થયો. જેલરના ગયા પછી જે સિપાહીઓએ અને વોર્ડરોએ ગન્નુને બાંધ્યો હતો તેઓ સૌ તેની પાસે ભેગા થઈ ગયા અને કરગરીને કહેવા લાગ્યા : ‘ગન્નુદાદા, હમારા કુછ કસૂર નહિ! હમકો માફ કરના. હમકો તો...’
ગન્નુએ એક તિરસ્કારપૂર્ણ હાસ્ય કરી જવાબ આપ્યો : ‘જાઓ તુમ સબકો તો માફ હૈ! લેકિન વો સૂવરકા બચ્ચા અબ ઝિંદા નહિ રહેગા!’(15) ઇસો ઘાંચી આ સાતમી વખત જેલમાં આવ્યો હતો. જેલની દુનિયામાં એ અનુભવી લેખાતો. એ ઘણી વખત વાતવાતમાં કહેતો : ‘યાર, મને તો હિન્દુસ્તાનની બધી જેલોનો અનુભવ છે’ અને ગૌરવ લેતો. એની ગણતરી જેલના દાદાઓમાં જ થતી અને અનુભવને લીધે એને જોઈતી સગવડ મળી રહેતી. કેટલીક વખત કૂંડી પાછળ સંતાઈને એને લાડવો ખાતો જોઈને નવા કેદીઓ તો આભા જ બની જતા. ક્યારેક સિપાહી લોકો પણ એની પાસેથી છૂપી રીતે બીડી માગી લે એટલો જથ્થો તેની પાસે કાયમ રહેતો. એ ક્યારેક પોતાની ડોક સહેજ હલાવી મોંમાંથી મોતી કાઢતો, ત્યારે નવા કેદીઓના આશ્ચર્યનો પાર ન રહેતો પછી એ સહેજ અભિમાનપૂર્વક હસીને કહેતો : ‘તમને આશ્ચર્ય થાય છે પણ સામાન્ય રીતે 75 ટકા કેદીઓ આવી રીતે ધન રાખે છે. એટલું સાચું કે મારા જેટલું બીજા કોઈ ભાગ્યે જ રાખી શકતા હશે; પણ સૌ સૌની શક્તિ પ્રમાણે તો રાખે જ છે. હું જ્યારે જેલમાં નહોતો આવ્યો ત્યારે સુરતમાં આવા ગોબડ કરી આપવાની મારી એક ખાનગી દુકાન હતી. મારા ઘર નીચે એક ભોંયરું હતું, તેમાં હું એકસાથે સાત ઉમેદવારો રાખતો.’ પછી થોડીવાર હસતાં-હસતાં સાંભળનાર ઉપર શી અસર થઈ છે એ જોઈ લેતો અને પછી આંખો ચમકાવી ઉમેરતો : ‘પણ યાર, એમાં બીજું શું થાય? જેને આખી જિંદગી જેલમાં કાઢવાની છે તે આવું ન કરે તો એના જીવનમાં રસ શો રહે?’ પછી ફરીવાર એ શ્રોતાઓ તરફ નજર કરી લેતો અને પોતાનાં પરાક્રમોની કથા માંડતો : ‘અહીં આવ્યો એ પહેલાં હું સિયાલકોટની જેલમાં હતો. ત્યાંનું પાણી એટલું ખરાબ છે કે મને આખે શરીરે ગૂમડાં ફૂટી નીકળ્યાં હતાં. ત્યાંના અધિકારીઓ સાવ જનાવર જેવા હતા તેઓ કેદીઓને ભૂખ્યા રાખતા અને ખૂબ મારતા. મોટે ભાગે ડુંગરાઓમાં પથ્થરો ફોડવા જવાનું કામ આપવામાં આવતું. રાત્રે સૌને એક અરધી ઉઘાડી બરાકમાં પૂરતા અને જેમ લોકો ઘોડાના પગ દોરડાથી બાંધે છે તેમ અમારા પગ એક લાંબી સાંકળ સાથે બાંધી દેતા. પડખું પણ ફરાય નહિ એવી સ્થિતિ થઈ જતી. કોઈ જરા પગ હલાવે ત્યાં સાંકળ ખડખડી ઊઠે અને સૌ જાગી જાય, પણ આખો દિવસ કામ કરીને થાકીને ગાભો થઈ ગયેલા કેદીઓ તો યે ઘસઘસાટ ઊંઘી જતા. હું તો ત્રાસી ગયો. એક વખત જેલર પાસે જઈને કહ્યું : ‘મારી મણિનગર જેલમાં બદલી ન કરો?’ એણે મારી સામે આશ્ચર્યથી જોયું. પછી આંખો જરા તંગ કરી બરાડવા માંડ્યું : ‘તું તારા મનમાં શું સમજે છે?’ અને પછી લાકડી ઉગામી. મેં કહ્યું : ‘જરા ઠંડા પડો. આમ જુઓ.’ અને પછી મેં મારા મોંમાંથી એક ખોબો ભરીને મોતી કાઢ્યાં અને એની સામે ધર્યા. ‘મને જો મણિનગર મોકલશો તો આમાંથી ચાર મોતી હું તમને આપીશ.’ મેં ઉમેર્યું, જેલરનો લોભ વધ્યો. એ મોતી ઝૂંટવવા મારી તરફ કૂદ્યો. મેં હળવેક રહીને મોતી પાછાં મોંમાં મૂકી દીધાં. પછી એણે તો ડોક્ટરને બોલાવ્યો પણ કશું જ વળ્યું નહિ. મારી ઇચ્છા ન હોય તો કોઈનો ભાર નથી કે એ કાઢી શકે! પછી એણે મારી અહીં ફેરબદલી કરાવી અને મેં એના લોભની શિક્ષા બદલ ચારને બદલે ત્રણ મોતી એને આપ્યાં!’ વાત પૂરી કરી એ આસપાસ માનથી સાંભળી રહેલા નવા કેદીઓ તરફ જોઈ રહેતો અને હરખાતો. એક દિવસ એક નવો સિપાહી એ બરાકમાં આવ્યો, એને જોતાંવેંત ઇસો ઘૂરક્્યો : ‘યાદ રાખજે, ખુદા તને એનો બદલો આપશે; અને ખુદા નહિ આપે તો પછી હું આપીશ.’ ‘હવે જા..... જા....’ એમ કહેતો સિપાહી ત્યાંથી ચાલ્યો ગયો. ફરતો-ફરતો ઇસો ગંગારામ જ્યાં કામ કરતો હતો ત્યાં ગયો અને બોલ્યો : ‘પેલા સિપાહીને જોયો?’ ગંગારામને પ્રશ્નથી જરા આશ્ચર્ય થયું એટલે ‘હં!’ કહી એ ઇસા સામે જોવા લાગ્યો. ‘બડો બદમાશ છે!’ એણે પોતાની વાત શરૂ કરી; અને અનુભવની ગૌરવભરી દૃષ્ટિ એણે ગંગારામ ઉપર ઠેરવી. એક વખત એને મેં મારું એક સો રૂપિયાનું મોતી વટાવવા આપ્યું હતું. એ પંચોતેર રૂપિયા ખાઈ ગયો અને મને પચીસ જ આપ્યા. એ યાદ તો રાખે! ખુદા એને એનો બદલો આપશે; અથવા ખુદા નહિ આપે તો હું આપીશ.’ ગંગારામ આંખો ફાડીને એની તરફ જોઈ રહ્યો. પછી થોડીવારે પૂછ્યું : ‘પણ તું તો બે દિવસમાં છૂટવાનો છે ને?’ ઇસો જરા હસ્યો. ‘છૂટવાનો છું એટલે? પંદર દિવસમાં પાછો અહીં હાજર!’ ગંગારામ આભો થઈ ગયો. એના મોંમાંથી ‘હેં....! એવો ઉચ્ચાર નીકળી ગયો. ‘હેં.....! પંદર દિવસમાં પાછો અહીં આવી જઈશ? તને અહીં ખૂબ ગમે છે? ગુનો કરતાં તને જરા યે શરમ નહિ થાય?’ ઇસો ખડખડાટ હસી પડ્યો. ‘શરમ? શરમ શાની? જુઓને, હું ખરાબ છું, એ હું જાણું છું, પણ પહેલાં હું બહુ સારો હતો. એક વખત જોડાના અભાવે મારા પગમાં ફોલ્લા પડ્યા. બીજે દિવસે મેં જમાતમાંથી એક જણનાં ચંપલ ઉઠાવ્યાં. મને પકડવામાં આવ્યો અને બે વરસની સજા ફટકારવામાં આવી. જેલમાં તો મેં ખૂબ શાંતિ જાળવી અને ખૂબ કામ કર્યું; એટલે હું પોણાબે વર્ષમાં છૂટી ગયો, પણ બહાર મને કોણ રહેવા દે? જેલની છાપ લાગી એટલે કોઈ કામે ય ન રાખે. કોઈ રાખે તો ત્યાં સિપાહીઓ તો પાછળ પડ્યા જ હોય! અને ત્યાંથી પણ રજા અપાવે ત્યારે એમને જંપ થાય. પછી મને થયું, કે સારા રહેવામાં કાંઈ માલ નથી; અને હું ખરાબ થયો. મને હવે ખરાબ થવું ખૂબ ગમે છે. પેલા સિપાહીનો ગોળ ફાંદો જોઈને મને મુક્કો મારીને એ ફોડી નાખવાનું મન થાય છે!’ ગંગારામ અવાક્ થઈ ગયો. નીચું ઘાલી એણે પોતાનું કામ શરૂ કર્યું. ઇસો ત્યાંથી ઊઠ્યો અને કેદીઓના એક ટોળામાં જઈ ટોળટપ્પા મારતાં એક બીડી સળગાવી. બીજા કેદીઓ એની એક ઘૂંટ પામવા માટે ઇસા તરફ દયાર્દ્રભાવે જોઈ રહ્યા. છૂટવાને દિવસે જ્યારે એને ઓફિસ ઉપર લઈ જવામાં આવ્યો, ત્યારે કારકુનને એનો સામાન બરાબર છે કે નહિ એની મહેનત કરતો જોઈ એ બોલ્યો : ‘તમે આટલી મહેનત શા માટે કરો છો? મારે બહાર ઘર નથી; કોઈ સગું પણ નથી. વળી ક્યાંય રોટલો પામી શકું એમ પણ નથી. પંદર દિવસમાં પાછો અહીં આવી જવાની ઉમેદ રાખું છું. એ સામાન અહીં જ રાખો.’
કારકુન એની સામે જોઈ રહ્યો!(16) બુલાખી મિયાણો એની બહાદુરી માટે પ્રખ્યાત હતો. જેલના અમલદારો જાણતા હતા કે એ માણસ જે ધારે તે કરવાની હિંમત કરે તેવો છે. આજકાલ તે બહુ જ ક્ષુભિત દેખાતો. રાત્રે બરાકની બારીમાં તે હવે પહેલાંના કરતાં વધારે વાર ઊભો રહેતો અને અસ્વસ્થ ચિત્તે અંધારા સામે જોઈ રહેતો, એની આંખ સામે કોઈ સુંદરી ખડી થતી. એના ધીંગા હાથ અને પગ જોઈને એનું હૈયું હાથ ન રહેતું. મોડી રાતે એ એવો જ અસ્વસ્થ પોતાના બિછાનામાં આવીને પડતો, પણ ઊંઘવા ન પામતો. આખી રાત એ આળોટ્યા કરતો. હમણાંહમણાં એ દીવાલના ખૂણા પાસે વારંવાર જતો. કોઈનું તેના તરફ ખાસ ધ્યાન ખેંચાયું ન હતું. એ કાંઈક ખાડા કરતો અને પાછા ન દેખાય તેમ પૂરી દેતો. ગંગારામને કાંઈક ગંધ આવી અને એ વાત પામી ગયો. રાત્રે જ્યારે એમને પૂરવામાં આવ્યા ત્યારે ગંગારામે એની પાસે જઈને કાનમાં પૂછ્યું : ‘બુલાખી, આજકાલ આમ ઉદાસ કેમ દેખાય છે?’ બુલાખીએ કશો પણ ઉત્તર આપ્યા સિવાય ગંગારામ સામે ટગરટગર જોયા જ કીધું. ગંગારામે ફરી પ્રશ્ન કર્યો : ‘ઘર યાદ આવે છે?’ મિયાણાએ સહેજ ગળું ખંખાર્યું અને પછી કહ્યું : ‘મેં જેલમાં આઠ વરસ કાઢી નાખ્યાં છે. હવે મારી સજાના માત્ર ચાર મહિના બાકી છે, પણ આ છેલ્લા દિવસો મને વરસો જેટલા લાંબા લાગે છે.’ એટલું બોલી એ બરાકના એક છેડાથી બીજા છેડા સુધી આંટા મારવા લાગ્યો. ગંગારામના પેટમાં ધ્રાસકો પડ્યો. એને થયું : ‘આ કાંઈ કરી તો નહિ બેસે ને!’ પછી તો રોજ એ બુલાખીને શાંત કરવા પ્રયત્ન કરતો અને રાત્રે તો કલાકોના કલાકો સુધી એની પથારી પાસે બેસી રહેતો. પણ ગંગારામના પ્રયત્નો કામમાં ન આવ્યા. એક મધરાતે બ્યુગલ ફૂંકાયું અને ચોગાનમાં અને રસ્તાઓ ઉપર બત્તીઓની દોડધામ થઈ રહી. કેદીઓની સાતસાત વાર ગણતરી કરવામાં આવી અને અંતે ખબર પડી કે બુલાખી નાસી છૂટ્યો છે. સવારે જ્યારે બડા સા’બ એ બરાકની ઝડતી લેવા આવ્યા, ત્યારે વળી વોર્ડરે કહ્યું : ‘સા’બ આ ગંગારામ થોડા દિવસોથી બુલાખીની સાથે બહુ વાતો કરતો હતો. કદાચ એને ખબર હોય કે બુલાખી કઈ રીતે નાસી છૂટ્યો છે!’ વલી વોર્ડરને એની વફાદારી માટે ચાર દિવસ માફીના આપવામાં આવ્યા અને ગંગારામને ઓફિસ ઉપર બોલાવવામાં આવ્યો. ગંગારામે અંદર પગ મૂક્યો એ ભેળી જ સૂબેદારે એને ત્રણ સોટીઓ ફટકારી. પછી ભમરો વચ્ચે કરચલી પાડી કડકાઈથી બોલ્યો : ‘સાચી વાત કહી દે, નહિ તો હેરાન થઈ જઈશ!’ ગંગારામે જરાયે મચક ન આપી. સૂબેદારે એને મરણતોલ માર માર્યો; અને પછી ચાર સિપાહીઓ પાસે ઉપડાવી સેપરેટમાં પૂર્યો. શિયાળાની રાત હતી. ગંગારામને કશું ઓઢવા-પાથરવાનું નહોતું આપ્યું, એટલે એ એક ખૂણામાં લપાઈને ધ્રૂજતો બેઠો હતો. એવામાં સૂબેદાર હાથમાં બત્તી લઈને ત્રણ સિપાહીઓ સાથે આવ્યો અને એક સોટી ચોડી કાઢી બોલ્યો : ‘કેમ, કાંઈ કહેવું છે કે નહિ?’ ગંગારામની આંખમાં આંસુ આવ્યાં. તૂટતે અવાજે એ બોલ્યો : ‘મારો કોઈ જ ગુનો નથી. બુલાખી વિશે હું કશું જ જાણતો નથી. ઊલટો હું તો બુલાખી....’ ગંગારામ પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલાં તો સૂબેદાર સાથેના સિપાહીઓ તરફ ફર્યો અને તાડૂક્યો : ‘ઈસકો નંગા કરો!’ સિપાહીઓએ લંગોટી સિવાય ગંગારામનાં તમામ કપડાં ઉતારી લીધાં. પછી એની આખી ઓરડી પાણીથી પલાળી દેવામાં આવી. ‘દેખો, ઘંટે ઘંટે પર ઇસકો ઓર ઇસ ખોલીકો પાની ડાલ કર ભીની કરતે રહો!’ એટલું બોલી સૂબેદાર ચાલતો થયો. સમયના ટકોરા વાગતાં એક સિપાહી ત્યાં આવતો અને પાણીથી ભરેલી બે ડોલ ગંગારામ ઉપર છાંટી ચાલ્યો જતો, ગંગારામ આખી રાત ધ્રૂજતો ટૂંટિયું વાળીને પડી રહ્યો.
તે રાત્રે કોઈ માણસનું ખૂન કરવાનો વિચાર અને જીવનભરમાં પહેલી જ વાર આવ્યો.(17) બીજે દિવસે જ્યારે ગંગારામને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તે ઠરીને શિંગડું થઈ ગયો હતો. સાત વાગી ગયા છતાં એ કામ ઉપર ન ચડ્યો અને બરાકના એક ખૂણામાં ટૂંટિયું વાળી પડ્યો રહ્યો. વોર્ડર જ્યારે અંદર આવ્યો ત્યારે એણે ગંગારામને સૂતેલો જોયો. એનાથી આ નિયમભંગ ન સહી શકાયો. એ પાસે ગયો અને પડખામાં એક લાત મારી. ‘અભી તક ક્યોં કામ પર નહિ ચડા હૈ? સોતા હૈ જૈસા દિલ્હી કા બાદશાહ! જેલમેં આયા હૈ કે શાદીમેં?’ ગંગારામે જવાબ ન આપ્યો. પોતાની શુષ્ક આંખો જરા ઉઘાડી એણે વોર્ડર સામે જોયું; અને પછી તરત જ બંધ કરી દીધી. એનું આખું શરીર ધગી રહ્યું હતું. શ્વાસ ખૂબ મુશ્કેલીથી લેવો પડતો હતો, અને છાતીની ધમણ ચાલતી ત્યારે ઘોઘરો અવાજ થતો હતો. વોર્ડરને સહેજ દયા આવી. નીચે નમી એણે ગંગારામનો હાથ પકડ્યો. પછી એક નિ:શ્વાસ મૂકી ચાલતો થયો. જ્યારે રોજના નિયમ પ્રમાણે કમ્પાઉન્ડર દવાની શીશીઓ લઈને આવ્યો, ત્યારે વોર્ડર એની પાસે ગયો અને બોલ્યો : ‘ગંગારામ વહાં તાવમેં પડા હૈ. ઉસકે લિયે દવા દીજીએ!’ વલીના શબ્દો સાંભળી કમ્પાઉન્ડરને આશ્ચર્ય થયું. એણે પોતાની આખી નોકરી દરમિયાન વલીને કોઈની આટલી ભીનાશથી શિફારસ કરતો આ પહેલી જ વાર સાંભળ્યો હતો. પોતાનાં ચશ્માં ફરી ગોઠવી એણે વલી તરફ ફરી જોયું. પછી લોઢાની એક નાનકડી વાટકીમાં કાંઈક પાણી જેવું નાખી ગંગારામ જ્યાં પડ્યો હતો તે તરફ ગયો. કોઈ પણ રોગને મટાડી દેવાની એ સર્વસામાન્ય રામબાણ દવા હતી. કોઈનું માથું દુખે, કોઈનું પેટ દુખે, કોઈને તાવ આવે, કોઈને ઉધરસ થાય કે કોઈનો પગ પાકે તો એ જ દવા આપવામાં આવતી. કેદીઓને આનું આશ્ચર્ય થતું; પણ કમ્પાઉન્ડર તો દયા કરતો હોય એમ સૌને એ સંજીવની પાતો. ‘ગંગારામ, દવા પી લે.’ કમ્પાઉન્ડરે ઊભાંઊભાં કહ્યું. ગંગારામે હાથ લંબાવ્યો અને વાટકી લઈ લીધી. પછી પડ્યાપડ્યા આંખ મીચીને ગટગટાવી ગયો. પાછો જાણે સૂઈ ગયો હોય તેમ પડી રહ્યો. કમ્પાઉન્ડર તિરસ્કારની એક દૃષ્ટિ નાખી ચાલતો થયો. પણ ગંગારામનો તાવ વધતો જ ગયો. આખી રાત એણે બિછાનામાં તરફડ્યા કર્યું. કોઈ એને પાણી પાનાર પણ નહોતું. લથડતોલથડતો એ જ્યારે ગોળા પાસે ગયો ત્યારે એને તમ્મર આવ્યાં. એ પડ્યો અને હાથમાંનો ચંબુ ઢોળાયો, બેચાર કેદીઓ જાગી ગયા અને ગાળો દેતાદેતા પાછા સૂઈ ગયા. પોતાની પથારીમાં આવીને એ પડ્યો ત્યારે એની આંખ સામે જીવત તરવરવા લાગ્યો. એણે એને હાંફતો હાંફતો પંપ કરતો જોયો. એક કાળા, ઊંચા, ખૂંધા, ખાખી પોશાકમાં સજ્જ થયેલા માણસની સોટીઓ ઝીલતો જોયો. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. એને ઘર યાદ આવ્યું. જીવતની માતા અને જીવતની સગર્ભા સ્ત્રી યાદ આવ્યાં. એનાથી ન સહાયું. એક જોરથી ડૂસકું ભરાઈ ગયું. ‘કૌન અવાજ કરતા હૈ?’ વોર્ડરનો કર્કશ અવાજ ગાજી રહ્યો. ગંગારામ મોડું દાબી પડ્યો રહ્યો. સવારે એ ઊઠ્યો ત્યારે એણે પોતાની પથારી પાસે ડોક્ટરને અને વલીને ઊભેલા જોયા. ડોક્ટર આગળ વલી ગંગારામની કાંઈક શિફારસ કરતો હતો. આખરે ગંગારામને દવાખાનામાં લઈ જવાનું કબૂલ કરી ડોક્ટર સોટી ચમચમાવતો ચાલતો થયો.
બપોરે એક સિપાહી આવ્યો અને ગંગારામને દવાખાનામાં લઈ ગયો.(18) દેશમાં ફરી એકવાર રાષ્ટ્રીય અસ્મિતાનો જુવાળ ચડ્યો અને ખૂણેખૂણે ફરી વળ્યો. વિદ્યાર્થીઓએ શાળાઓ અને મહાશાળાઓ છોડી, નોકરોએ નોકરીઓ છોડી, વેપારીઓએ વેપારધંધા બંધ કર્યાં, સ્ત્રીઓએ ઘરની ચાર દીવાલો ભેદી શક્તિસ્વરૂપે અહિંસક સમરાંગણમાં ઝંપલાવ્યું અને આઠઆઠ-દશદશ વર્ષના કુમારોએ અને કુમારીઓએ ‘હૂકહૂક!’ કરી આકાશ ગજવી મૂક્યું. ઘડીભર તો નોકરશાહી થંભી ગઈ. શું કરવું એ તેને સૂઝ્યું નહિ. અંતે એક પછી એક પ્રજાનાં પુષ્પો ચૂંટાવા લાગ્યાં. જેલમાં ટપોટપ ભરતી થવા લાગી. સામાન્ય કેદીઓથી રાજદ્વારી કેદીઓને ઓઝલ પડદામાં રાખવામાં આવતા, છતાં વાત વાયુવેગે જેલના ખૂણેખૂણામાં ફરી વળી. કેદીઓમાં આશાનાં પૂર આવ્યાં. તેઓને પોતાનો ઉદ્ધાર નજીક આવેલી ભાસ્યો. બે-ચાર મહિનામાં જેલની જંગી દીવાલો તૂટશે અને સૌ સ્વતંત્ર થઈ પોતપોતાને વહાલે વતન પહોંચી જશે એવા એવા તરંગો રચાવા લાગ્યા. જેલના દાદા કેદીઓની તુમાખી વધી; બીકણ લોકોએ પણ ધમાલ શરૂ કરી; અને દરેકેદરેક કેદીની આંખમાં કાંઈક નવા ચમકારા આવી ગયા. રાત જામતી જતી હતી. બરાકના એક ખૂણામાંથી ધીમી વાતોનો અવાજ આવતો હતો. દીવાલને દઈને રઘુવીર બેઠો હતો. એની સામે સહેજ બેદરકારીથી ગન્નુ આડો પડ્યો હતો. બીજી ભીંતને ટેકે અદબ વાળી જીવત બેઠો હતો. ‘જાણે પ્રભુએ જ બધી યોજના કરી આપી છે. તકનો ઉપયોગ કરવો જ જોઈએ.’ રઘુવીરે વાક્ય પૂરું કરી પોતાની ધીર આંખો જીવત ઉપર માંડી. જીવતે ઊંચે જોયું. ગન્નુએ અસ્વસ્થતાથી પાસું ફેરવ્યું. ‘મને પણ એમ જ લાગે છે.’ જીવતે ટૂંકો જવાબ આપ્યો. બંનેએ ગન્નુ તરફ નજર ફેરવી. ગન્નુએ ફરી પાસું ફેરવ્યું અને બોલવું શરૂ કર્યું : ‘મેં તો કબકા તૈયાર હું! લેકિન બાત તો યે હૈં કિ હુલ્લડ કૈસા કરના?’ રઘુવીર હુલ્લડ શબ્દ સાંભળી જરા હસ્યો. પછી ધીમે-ધીમે શરૂ કર્યું. આખી જેલને ઉથલાવી પાડવી હોય તો સૌ કેદીઓને આકર્ષી શકીએ એવી કોઈ વસ્તુ શોધી કાઢવી જોઈએ. સામાન્ય કેદીઓ માટે કાંઈક ખાવાની વાત વધારે અનુકૂળ પડશે. સૌ કેદીઓ ભાજીથી કંટાળી ગયા છે. એમાં આવતાં જીવડાં, ડાંખળાં અને ભાતભાતના ખડથી એ એવી તો બની ગઈ હોય છે કે મોંમાં ન જાય! એકેએક કેદી એને માટે તોફાન કરવા અને સહન કરવા તૈયાર થશે. આપણે આવતી કાલથી એ વાતનો છૂપો પ્રચાર શરૂ કરીએ. પછી રવિવારની ઉપદેશની સભામાં જાહેર રીતે સૌ કેદીઓને ઉશ્કેરી કામની હડતાલ શરૂ કરીએ, મુસલમાનોને સમજાવવાનું અને હાથમાં રાખવાનું કામ ગન્નુએ કરવાનું.’ બંને સાંભળનારા રઘુવીરની આ યોજના-કુશળતાની મૂક પ્રશંસા કરતા એની સામે જોઈ રહ્યા. પછી ‘મૈં તો તૈયાર હું!’ એમ બોલીને ગન્નુ બેઠો થઈ ગયો. જીવતે ઉત્સાહમાં આવી જઈ હાથ દાબ્યા. બીજા દિવસથી ત્રણેએ પોતાનું કામ શરૂ કરી દીધું, રઘુવીરનો એક બોલ પડે ત્યાં ગમે તે કરવા તૈયાર થાય એવા અનેક કેદીઓ હતા. ગન્નુને પણ અનુયાયીઓનો તોટો ન હતો. સુંદર જીવતનું મન જાળવવા પણ અનેક લોકો ગમે તે કરવા તૈયાર થાય એમ હતા. જેલની અંદર ઘૂસપૂસઘૂસપૂસ વાતો શરૂ થઈ ગઈ. લગભગ બધા જ કાનો ફફડવા લાગ્યા. એક બરાકમાંથી બીજી બરાકમાં, અને એક ચક્કરમાંથી બીજા ચક્કરમાં ચેપ ચોટવા લાગ્યો. કેટલાક કેદીઓ ઉત્સાહમાં આવી બરાડી ઊઠતા તો કેટલાએક સિપાહીઓનું અપમાન કરી બેસતા. ગન્નુએ અને રઘુવીરે સૌને છેલ્લા હુકમ સુધી ખામોશી પકડવા ખૂબ સમજાવ્યા.
શનિવારે સૌને ખબર પડી કે સત્યાગ્રહસંગ્રામના સરદાર મંગલસિંહ પકડાઈને આ જ જેલમાં આવ્યા છે. કેદીઓ ઉપર એની જાદૂઈ અસર થઈ. સૌમાં ઉત્સાહનાં પૂર ચડ્યાં અને સૌ આવતી કાલની રાહ જોતા અસ્વસ્થ થવા લાગ્યા.(19) રવિવાર આવ્યો. ચક્કરના ચોગાનમાં એક પછી એક કેદીઓ એકઠા થવા લાગ્યા. સૌનાં મોઢાંઓ ઉપર આજે કાંઈક આશ્ચર્ય ઉપજાવે તેવો ભાવ હતો; અને સૌની આંખો ચમકારા મારતી હતી. સૌ ત્રણત્રણ-ચારચારની મંડળીઓમાં વહેંચાઈ જઈ આસ્તેથી કાંઈક ગંભીર વાતો કરતા હતા. દવાખાનાનો વોર્ડર મુસો પોતાની નાનકડી આંખો ચમકાવતો આમથી તેમ ભમી રહ્યો હતો. ઘડીક આ ટોળીમાં જઈ, તો ઘડીક બીજી ટોળીમાં ભળી કાંઈક ટોળ કરી સૌને હસાવતો હતો. કોઈ અધીરો યુવક જરા અસ્વસ્થ થઈ બોલી ઊઠતો : ‘મુસા, આ હસવાનો સમય નથી.’ મુસો ફરી ખુશ કરે તેવું મલકી, આંખો ચમકાવી બોલતો : ‘હસો હસો, યાર! કલકી કિસકો ખબર હૈ?’ અને પછી તરત જ મગરૂરી ભર્યાં ડગલાં ભરતો બીજા મંડળમાં જઈ વાતોએ વળગતો. સુલેમાન પણ આજે વોર્ડર અને સામાન્ય કેદી વચ્ચેનો ભેદ ભૂલી જઈ સૌની સાથે છૂટથી ભળતો હતો. ગન્નુને એક ખૂણામાં લઈ જઈને એ ગંભીર થઈ કાંઈક વાતોએ વળગે છે, ત્યાં સૂબેદારની સાથે પાદરી આવી પહોંચ્યો. જૂના પાદરી માંદા પડ્યા હતા; એટલે આજે એક નવા આવ્યા હતા. એને જોઈને સુલેમાનની આંખો પહોળી થઈ ગઈ અને મોઢું ફાટી રહ્યું. ગન્નુને સુલેમાનની દશા જોઈએ આશ્ચર્ય થયું. સુલેમાન સહેજ ઠેકાણે આવતાં બરાડી ઊઠ્યો : ‘એ જ એ જ. એણે જ મને પહેલી વાર ખોટું તહોમત મુકાવી પકડાવ્યો હતો. મારી આજની દશા એને જ આભારી છે.’ અને પછી ગાંડાની માફક એ પાદરી તરફ ધસ્યો. ગન્નુએ એને જોરથી પકડી રાખ્યો અને શાંત કર્યો. એ અમારા ગામમાં આવ્યો હતો અને અમારા ભોળા લોકોને કંઈકંઈ લાલચો આપી ઈસાઈ કરતો હતો. મારાથી એ ન સહેવાયું; એટલે એક વખતે મેં એને ગામ છોડી જવા અથવા જીવનું જોખમ વહોરી લેવા જણાવ્યું. એણે ફોજદારને મારી વાત કરી અને મને પકડાવી લીધો. પછી મારી ઉપર લૂંટફાટનો આરોપ મુકાવી મને ચાર વરસ માટે જેલમાં મોકલાવ્યો. એ જ......સા......મોટો ધર્માત્મા થઈને ઉપદેશ કરવા આવ્યો છે!’ ફરી સુલેમાને છટકવાનો પ્રયાસ કર્યો, પણ ગન્નુનો હાથ એમ સહેલાઈથી છોડાવી શકાય તેવો નહોતો. ત્યાં તો ઓફિસનું કામ પતાવી રઘુવીર પણ આવી પહોંચ્યો. સૌ કેદીઓની આંખ એના તરફ મંડાણી. રઘુવીરે પોતાની ભાવવાહી આંખોથી સૌને ચૂપ રહેવા સૂચન કર્યું. ‘અમારા ધર્મમાં ભગવાન ઈસુખ્રિસ્ત તરફથી સૌને સ્વર્ગ અપાવવામાં આવે છે... પાદરીએ શરૂ કર્યું. ‘મારા કેદીભાઈઓ!’ સૌના આશ્ચર્ય વચ્ચે એક ખૂણામાંથી એક બુલંદ અવાજ ગાજી રહ્યો. સૌની આંખો એ તરફ દોરાઈ તો ત્યાં પડછંદ રઘુવીર આવેશમાં આવી જઈ કાંઈક બોલતો હતો. એનું મોઢું, એના કાન, એની આંખ બધું જ લાલ થઈ ગયું હતું. ‘મારા કેદીભાઈઓ!’ રઘુવીરનો અવાજ ફરી વખત વાતાવરણમાં ગાજી રહ્યો. સૂબેદાર અને પાદરી શું થાય છે એની ખબર ન પડવાથી બાઘાની જેમ જોઈ રહ્યા. ‘આપણને અહીં પશુની માફક રાખવામાં આવે છે. આપણને પશુને આપવામાં આવે તે કરતાં પણ ખરાબ ખોરાક આપવામાં આવે છે. આપણી ભાજીમાં ઘાસ, કાંટા, જીવડાં અને ક્યારેક કાનખજૂરા પણ આવે છે. આપણે ફરિયાદ કરીએ તો આપણને સજા...’ રઘુવીર પૂરું કરે એ પહેલાં તો સૂબેદારનો પંજો એના ખભા ઉપર પડ્યો. સૌ અસ્વસ્થ થઈ ઊઠવા લાગ્યા. ત્યાં બીજી દિશામાંથી અવાજ આવ્યો : ‘મારા કેદીભાઈઓ! તમે શાંત રહી જાવ! રઘુવીરનું કહેવું હું પૂરું કરું.’ સૌની સામે જુવાન જીવત છાતી કાઢીને બોલી રહ્યો હતો. એના હૈયામાં હરખ માતો નહોતો. એની આંખોનાં તેજ વધી ગયાં હતાં. ‘આપણી ભાજીમાં જ્યાં સુધી સુધારો ન થાય ત્યાં સુધી આપણે કામની હડતાલ ઉપર જવાનું છે. ઈશ્વરને અને ખુદાને સાક્ષી રાખી સૌ પ્રતિજ્ઞા કરો કે આપણાંથી કોઈ.....’ જીવત પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો. દશબાર સિપાહીઓ દોડી આવ્યા અને એકે જીવતના મોઢા આડો હાથ દઈ એને રૂંધવો શરૂ કર્યો. બીજા ખૂણામાં ગન્નુએ બોલવું આરંભ્યું, એ ઘેરાય ત્યાં મુસા અને સુલેમાન બોલવા લાગ્યા. કેદીઓમાં શોરબકોર થઈ રહ્યો. સૂબેદારે સીટી મારી અને જેલના તમામ પોલીસો દોડી આવ્યા. કેદીઓ તો ‘સરદાર મંગલસિંહ કી જય!’ ‘રઘુવીર કી જય!’ ‘જીવતરામકી જય’ ‘ગન્નુકી જય!’ એમ પોકારવા લાગ્યા. સિપાહીઓએ સૌને મારીમારીને બરાકમાં બંધ કરવા શરૂ કર્યા.
સૂબેદારની આંખમાં ખૂન ભરાયું.(20) અમલદાર વર્ગ હેબતાઈ ગયો. શું કરવું તેની સૂઝ ન પડવાથી કેદીઓને વિનવવા શરૂ કર્યા. કેદીઓની ઉપર એની ઊલટી અસર થઈ અને સૌ પશુની માફક બેફામ બન્યા. અમલદાર વર્ગ ચેત્યો, અને એક પછી એક કેદીઓને ફોડવા શરૂ કર્યા. સૂબેદારે મુસાને હાથ કર્યો, એક મહિનાની માફી આપવાની લાલચ આપી એને કામે વળગાડ્યો. એક પછી એક કેદીઓ કામે વળગવા લાગ્યા. સંઘબળ તૂટયું, અને ફરી સિપાહીઓનું બળ સર્વોપરી થયું. ગોરા જેલરે નેતરના કોરડા મીઠામાં પલાળાવ્યા. પછી પાંચસાત પઠ્ઠા સિપાહીઓને એક કોરડે એક આનો આપવાનું કબૂલ કરી કેદીઓને મારવા તૈયાર કર્યા. શરૂઆતમાં એક રાતે રઘુવીરને બીજી જેલમાં અચાનક મોકલી દીધો. પછી મુખ્યમુખ્ય ફિતૂરીઓને ત્રીશીત્રીશ ફટકાઓની સજા કરી. સિપાહીઓએ સોટીઓ સબોડવા માંડી. કેદીઓના વાંસામાં સોળ ઊઠ્યા અને લોહીના ટશિયા ફૂટ્યા. સુલેમાન અને ગન્નુના વારા આવ્યા. ગન્નુ વખતે તો ગોરા જેલરે પોતે ફટકા મારવાનું કામ કર્યું. કમર આસપાસ દવામાં પલાળેલું પાતળું કપડું વીંટી એને આખે શરીરે નાગો કર્યો. પછી ગોરો જેલર પોતાનું અલમસ્ત શરીર ઉછાળઉછાળી ફટકા મારવા લાગ્યો. પહેલા પાંચ ફટકામાં તો ગન્નુને લોહીલોહાણ કરી નાખ્યો. પંદર ટકા પૂરા થતાં ગન્નુ બેહોશ થઈને જમીન ઉપર પટકાઈ પડ્યો, એના માથા ઉપર સૂબેદારે પાણી છાંટ્યું અને ફરી હોશમાં આણ્યો. જેલરે ફરી સોટા સબોડવા શરૂ કર્યા. ગન્નુની આંખો લીલી કાચ જેવી થઈ ગઈ. એણે જેલર સામે એક ભયાનક દૃષ્ટિ ફેંકી કહ્યું : ‘અબ તું જીંદા નહિ રહેગા!’ જેલરનો ક્રોધ હવે ફાટી ગયો. એણે ફટકાઓનો વરસાદ વરસાવવો શરૂ કર્યો. ત્રીસ.....એકત્રીસ..... બત્રીસ...છત્રીસ.... ત્યાં કયો ન્યાયાધીશ જોવા ઊભો હતો? ગન્નુ જમીન ઉપર ધડૂસ લઈને પછડાયો. એનું માથું ફૂટ્યું અને અંદરથી લોહી વહેવા લાગ્યું. સૌને હોશમાં લાવી અંધારી કોટડીમાં નાખવામાં આવ્યા. છેલ્લી કોટડીમાં જીવત ઊંધમૂંધ પડ્યો હતો.
(21) બીજે દિવસે ઓરડીનું બારણું ઊઘડ્યું ત્યારે જીવત લગભગ બેશુદ્ધ જેવો એક ખૂણામાં ટૂંટિયા વાળી આંખો મીચી પડ્યો હતો. એના પડખામાં બૂટની અણી ભોંકાઈ અને જીવતે ઊંચું જોયું. એ જ પાતળું, સીધું, ખૂંધું શરીર! એ જ ખાખી ટોપી! એ જ ખાખી સાંકડું પાટલૂન! અને એ જ, પહેલે દિવસે જોઈ હતી એ જ ઝીણી માંજરી આંખો! જીવત ફફડી ઊઠ્યો. એનું અંગ ધ્રૂજવા લાગ્યું. આંખો મીંચીને ફરી એ ટૂંટિયું વાળી પડી રહ્યો. એના વાંસ ઉપર અને કેડ નીચે ફટકાના સોળ ઊઠ્યા હતા. એનાથી વાંસાભાર સૂઈ શકાતું નહોતું. મોંમાંથી ઘડીએઘડીએ ઊંકારો નીકળી જતો હતો. સૂબેદારે ફરી જોડાની અણી જીવતના પડખામાં ભરાવી, આંખો ઝીણી કરી, હોઠ દાબી, નીચું માથું કરી એ જીવત તરફ જોઈ રહ્યો. જીવતે ધ્રૂજતાંધ્રૂજતાં ફરી ઊંચું જોયું. બરાબર એ જ! જીવતના શરીરમાંથી એક કંપારી પસાર થઈ ગઈ. ફરી એણે પોતાની આંખો મીંચી દીધી અને મોઢું બે હાથ વચ્ચે સંતાડી દીધું. સૂબેદારની આંખમાં ખૂન ચડતું જતું હતું. હોઠ વધારે પીસી ફરી એકવાર જોડાની ચાંચ એણે જીવતની પાંસળીઓમાં ભરાવી. આ વખતે જીવતના મોઢામાંથી એક અણધારી-ચીસ નીકળી ગઈ. બેબાકળો થઈ એ બેઠો થઈ ગયો. જાણે ભાન ભૂલી ગયો હોય એમ સૂબેદાર સામે ટગરટગર જોઈ રહ્યો. સૂબેદારે આંખો કરડી કરી, હાથમાંની સોટી જરા ચમચમાવી ને નીચલો હોઠ જરા વધારે દાબી બોલવું શરૂ કર્યું : ‘કેમ જેલમાં હુલ્લડ મચાવવું હતું?’ સૂબેદારે આંખો ઝીણી કરી. ‘જીવતરામકી જય!’ ‘વાહ રે જીવતરા..મ!’ ઓચિંતો સૂબેદારના શરીરમાં એક આંચકો આવ્યો. પોતાને પણ ખબર ન પડે એમ એનો જોડાવાળો પગ હવામાં વીંઝાયો, અને ધડાક લઈને જીવતના પેડુમાં અફળાયો. એક કારમી ચીસ પાડી જીવતરામ ચોપાટ ધરણી ઉપર ઢળી પડ્યો. એનું પેડુ ફૂટી ગયું. ક્ષણ બે ક્ષણમાં તો જીવતની આંખો ફાટી રહી અને અંદરનો અગ્નિ ઓલવાઈ ગયો. એક ક્ષણ માટે સૂબેદાર કંપી ઊઠ્યો! પોતે શું કરી નાખ્યું એનું ભાન થતાં એનું મોઢું ફિક્કું પડી ગયું; પણ બીજી જ ક્ષણે મન પોતાને સ્થાને આવી ગયું અને એણે એક બેપરવાઈભર્યું અટ્ટહાસ્ય કર્યું. પછી જરા નીચે વદને એ ખોલી છોડી ચાલતો થયો. થોડી વારમાં બડા સા’બ, જેલર અને ડોક્ટરો ત્યાં આવી પહોંચ્યા. ડોક્ટરો એકબીજાની સામે મ્લાન વદને જોતા હતા. બડા સા’બ અને ગોરા જેલરના મોઢા ઉપરની એક રેખા પણ બદલાઈ નહોતી. સૂબેદારનું મોઢું સહેજ શામળું પડી ગયું હતું. ‘ડોક્ટર!’ બડા સા’બનો અવાજ ગાજી ઊઠ્યો. ‘દેખો, ઇસ મુડદેકો દવાખાનાકે સામને ગાડ દો! બુકમેં લીખ ડાલો કી દરદીકો મરનેસે તીન ઘંટે પહેલ હોસ્પિટલમેં લાયા ગયા થા. કોલેરાકી બીમારીસે વો મર ગયા!’ ‘પણ...!’ ડોક્ટર બોલે, ન બોલે ત્યાં તો બડા સા’બ ચાલતા થઈ ગયા. એને જવાબ સાંભળવાની ટેવ નહોતી. પોતાનો હુકમ ઊંકારા વિના અમલમાં મુકાતો જોવાને એે ટેવાયો હતો. ગોરો જેલર પણ મરકીમરકીને વાત કરતો બડા સા’બ સાથે ચાલતો થયો. બન્ને ડોક્ટરો એકબીજા સામે જોઈ રહ્યા. ‘ચલો, દેર મત કરો!’ સૂબેદાર આગળ આવ્યો અને ડોક્ટરો તરફ મોઢું ફેરવી ઊભો રહ્યો. ચારપાંચ વોર્ડરોએ મળીને જીવતનું શબ ઉપાડ્યું અને દવાખાના ભણી ચાલવા માંડ્યું. પાછળ ડોક્ટરો અને સૂબેદાર ચાલતા હતા. ડોક્ટરોએ જઈને બુકમાં લખી નાખ્યું: ‘જીવતરામને મૃત્યુ પહેલાં ત્રણ કલાકે દવાખાનામાં લાવવામાં આવ્યો હતો. કોલેરાના ઓચિંતા હુમલાથી એનું મૃત્યુ નીપજ્યું છે.’
એ દિવસે ડોક્ટરોએ ઉપવાસ કરી નાખ્યો!(22) ગંગારામને જ્યારે જીવતના ખૂનની ખબર પડી, ત્યારે ચાર મિનિટ સુધી એ અવાક્ થઈ ગયો. એની આંખો ફાટી ગઈ અને જીભ બહાર નીકળી આવી. પડખેના કેદીઓએ એને ઝીલી લીધો અને કાળજીથી ખાટલામાં સુવાડ્યો. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે ડૂસકાં ભરી રોવા લાગ્યો. અંતે એની આંખમાંના આંસુ ખૂટ્યાં અને એ બંધ સળિયાઓમાંથી આકાશ તરફ જોવા લાગ્યો. કેદીઓ આજે એની દયા ખાઈ સહૃદયતા બતાવવા આવવા લાગ્યા. ગંગારામે કોઈની પણ સામે જોયા સિવાય રડવું શરૂ કર્યું. કેદીઓ દયા ખાતા પાછા ફર્યા. આજે દવાખાનાની બરાકોને વહેલી બંધ કરવામાં આવી. અંધારુંં જામતું જતું હતું. સૂબેદાર હાથમાં ફાનસ લઈને આવ્યો. એની પાછળ પાંચસાત સિપાહીઓ અને પાંચસાત વોર્ડરો કોદાળી-પાવડા લઈને હાજર થયા. બરાકની સામેના ફળિયાના એક ખૂણામાં ખાડો ખોદાવો શરૂ થયો. ગંગારામ સળિયા પકડી ખોદાતા ખાડાને જોઈ રહ્યો. એની આંખમાં આંસુ નહોતાં; એના મોઢામાં નિ:શ્વાસ નહોતો. મૂઢની માફક એ જોઈ રહ્યો હતો. સૌ કેદીઓ એની દયા ખાતા એની તરફ કરુણ દૃષ્ટિ કરી પસાર થઈ જતા. આઠ વાગે મુસા વોર્ડરે સૌને પોતાની પથારીમાં પડી જવા હુકમ કર્યો. ગંગારામ બારીમાંથી ન ખસ્યો. આજે મુસાના હૃદયમાં પણ કાંઈક ભીનાશ વસી અને એણે ગંગારામને ન સતાવ્યો. કોદાળીના એકએક ઘા જેમ જમીન ઉપર પડતા હતા, તેમ ગંગારામના અંત:કરણ ઉપર પણ પડતા હતા. ગંગારામે સળિયાઓ જોરથી પકડી રાખ્યા. એક પછી એક તારાઓ ઊભરાવા લાગ્યા. કાળી ઘોર રાત્રિમાં દસના ટકોરા થયા અને સિપાહીઓએ પાવડા હેઠા મૂક્યા. દવાખાનાના દરવાજામાંથી શબને બહાર કાઢવામાં આવ્યું. ગંગારામે વધુ જોરથી સળિયાને આંકડા ભીડ્યા. સૂબેદાર ક્ષણભર જીવતની ફાટેલી આંખો તરફ જોઈ રહ્યો. પછી એકદમ આંખો ફેરવી લીધી અને ખાડા તરફ પીઠ ફેરવી ઊભો રહ્યો. ધીમેધીમે શબ નમ્યું. જીવતના વાળનાં કાળાં જુલફાં ઝૂલતાં હતાં. એના બન્ને હાથ પેટ ઉપર મૂકવામાં આવ્યા હતા. શબને ખાડામાં મૂકવામાં આવ્યું. પાવડાઓથી એની ઉપર માટી....... બરાકમાંથી એક કારમી ચીસ આવી. એ તરફ સૌ ફરીને આશ્ચર્યથી જોવા લાગ્યા. ગંગારામને તમ્મર આવી હતી. એનું શરીર વાંકું વળી ઢળી પડ્યું હતું. સૂબેદાર એકદમ દોડ્યો. ‘સા.....લ્લા, ફિતૂર કરતા હૈ?’ એમ કહીને ગંગારામની બંધ મૂઠીઓ ઉપર જોરથી લાકડી ફટકારી.
બેભાન ગંગારામના લોહીલોહાણ હાથ સળિયાને ચોટી જ રહ્યા.(23) દુ:ખી માણસના જીવનમાં એક એવો તાર હોય છે કે જે તાર કોઈ પણ પરિસ્થિતિમાં એના જીવવાના લોભને ટકાવી રાખે છે. એ તાર જ્યાં સુધી સાબૂત હોય છે ત્યાં સુધી એના ઉદ્ધારની પણ આશા હોય છે. કુશળ મનુષ્યપ્રેમી અથવા કુદરતનો કોઈ અદ્ભુત બનાવ જ્યારે એ તારને ઝણઝણાવી મૂકે છે, ત્યારે પાકેલા ફળની માફક દુ:ખીના અંતરની મલિનતા ખરી પડે છે અને એનો ઉદ્ધાર થઈ જાય છે. પણ જો એ તાર તૂટી જાય છે અને તેમાં યે જો એ તાર ઉપર અત્યાચારનો કુહાડો પડે તો એ માણસજીવતરનો રસ ઊડી જાય છે અને સાથેસાથે હૃદયની એકેએક વિશુદ્ધ વૃત્તિ વિલીન થાય છે. તારના તૂટવાના એ છેલ્લા ભયાનક અનુરણન સાથે માણસની માણસાઈ પણ આછીઆછી થતી આખરે અલોપ થઈ જાય છે; અને એક સપાટે માણસ માણસ મટી હીનવૃત્તિ પશુ બની જાય છે. જગતની અસાધારણ મલિનતાનો મોટો ભાગ આ રીતે જ ઊભો થયેલો હોય છે. જીવતનું મૃત્યુ એ ગંગારામના જીવનના આ તાર ઉપર અત્યાચારના કુહાડા રૂપ હતું. જીવત સાથે ગંગારામના જીવતરનો આનંદ દટાઈ ગયો. જીવત સાથે એના હૃદયની એકએક સદ્વૃત્તિનો અંત આવ્યો. એનું શરીર લથડ્યું. ગાલમાં ખાડા પડ્યા અને આંખોની આસપાસ કાળાં કૂંડાળાં ફરી વળ્યાં. નાક વધારે પાતળું પડ્યું, અને તરત જ નજરમાં આવે એવી રીતે આગળ આવી ગયું. વાળ સફેદ થવા લાગ્યા, અને કપાળ ઉપર અને આંખોના ખૂણા પાસે કરચલીઓ પડવા લાગી. આખો દિવસ એ બેબાકળો થઈ આમતેમ જોયા કરતો અને મનમાં ને મનમાં કાંઈક ગણગણ્યા કરતો. ક્યારેકક્યારેક એના હોઠ ફફડી રહેતા, પણ એકે શબ્દ બહાર ન આવતો. રાત્રે એ ઘસઘસાટ ઊંઘતો. હવે ક્યારે-ક્યારેક દિવસે પણ સૂઈ જતો. મુસો વોર્ડર દયાથી એને ફાવે તેમ કરવા દેતો. ધીમેધીમે એની ઊંઘનું પ્રમાણ વધવા લાગ્યું. હવે તો સામાન્ય રીતે એ ઊંઘતો જ દેખાતો. ડોક્ટરના અપરાધી અંત:કરણમાં ગંગારામ માટે છૂપો સમભાવ પેદા થયો. એ ગંગારામને ખાસ દવા દેતો અને હવે તો રોજનું અડધો શેર દૂધ દેવું પણ શરૂ કર્યું હતું; પણ ગંગારામ ભાગ્યે જ તે પીતો. ક્યારેક તે સંતરામના હરણને પાઈ દેતો, તો ક્યારેક જમીન ઉપર ઢોળી એકલો-એકલો ખડખડાટ હસી પડતો. ગંગારામને એક દિવસ સખત તાવ ચડ્યો. ડોક્ટરે સહૃદયતાપૂર્વક ઉપચારો કર્યા, પણ તાવ તો વધતો જ ચાલ્યો. ત્રણ દિવસ સુધી તો એ બેભાન જેવો જ રહ્યો. એ દરમિયાન એનું દૂધ મુસો વોર્ડર પી જતો. સાત દિવસના કડાકા પછી એક દિવસ એને કકડીને ભૂખ લાગી. અડધા શેર દૂધની એ આતુરતાથી રાહ જોવા લાગ્યો. ત્યાં દૂધવાળો આવ્યો ગંગારામ ખાટલામાં બેઠો થયો, નીચે નમ્યો અને ચંબુ ઉપાડ્યો. પછી ધ્રૂજતે હાથે એણે ચંબુને દૂધવાળા તરફ ધર્યો. દૂધવાળાએ અંદર દૂધ નાખ્યું. ત્યાં તો મુસો વોર્ડર આવી ચડ્યો અને હાથમાંથી ચંબુ આંચકી દૂધ ગટગટાવી ગયો. ગંગારામ મુસા તરફ ફાટી આંખે ટગરટગર જોવા લાગ્યો. આંખોમાં કશો જ ભાવ નહોતો. જે ખાલી નજરથી એ તારાઓ સામે, પક્ષીઓ સામે, રોટલા સામે, કેદીઓ સામે, આખા જગત સામે જોતો એ જ નજરથી એણે મુસા તરફ જોયા જ કર્યું. પછી મુસો ચાલતો થયો અને ગંગારામ પથારીમાં પડી ઘસઘસાટ ઊંઘી ગયો.
બીજા માંદા કેદીઓ આ બનાવ દયાર્દ્રભાવે જોઈ રહ્યા, પણ મોંમાંથી એક ઊંકારો કાઢવાની કોઈની હિંમત ન ચાલી. શાંતિદાસ જ્યારથી જેલમાં આવ્યો ત્યારથી માંદો જ રહેતો. દવાખાનાનો એ અનુભવી દરદી હતો. એણે તો આવા અનેક પ્રસંગો જોયા હતા. ગંગારામને ઘોરતો જોઈ એ પડખેના ખાટલામાં પડેલા કેદી સામે જોઈને ધીમેધીમે બોલ્યો : ‘આવું તો અનેક વાર બને છે. મારું દૂધ અને ફળો વોર્ડરો કેટલી યે વાર ખાઈ ગયા છે. અરે, એક વખત તો એક કેદી ભૂખે મરતો હતો, ત્યારે આ મુસા પહેલાંનો ઇસ્માઈલ વોર્ડર એનાં ફળો અને દૂધ ખાઈ જતો હતો.’ પછી એણે એક ધીમો નિસાસો નાખ્યો અને પથારીમાં પડી આળોટવું શરૂ કર્યું. થોડીવારે ફરી બેઠો થયો અને બોલવા લાગ્યો : ‘જેલમાં કેટલાય કેદીઓને મેં સારી સારવારને અભાવે મરતા જોયા છે. સિવિલ હોસ્પિટલમાં મોકલે તો જેલમાં ખૂબ જુલમ થતો હશે, અથવા ખોરાક સડેલો મળતો હશે એવી બદનામી થાય એટલા માટે કેટલાય કેદીઓને અહીં ને અહીં ગોંધી રાખવામાં આવે છે; અને પછી આખરે તેઓ રિબાઈ રિબાઈને મરી જાય છે.’(24) સવારે જેલર રોન મારવા નીકળ્યો ત્યારે ગઈ કાલના બનાવની ફરિયાદ કરવાની કોઈની હિંમત ન ચાલી. કોઈ બોલવા જાય ત્યાં તો એ આગળ ચાલવા લાગતો અને ફરિયાદનો એક શબ્દ પણ ન સાંભળતો. આખી જેલના બે હજાર કેદીઓની ફરિયાદો સાંભળી અને જેલના ખૂણેખૂણા જોઈ વળી એ દશ મિનિટમાં દરવાજા ઉપર પાછો આવી જતો, ત્યારે શંભુ અને ભીડે પણ સામસામા આંખના ઇશારા કરી લેતા અને મુસાની ફરિયાદ કરવી એ જેલની જિંદગીને એક સતત યાતના સમાન કરી મૂકવા જેવું હતું. જેલના બડા સા’બથી માંડીને નાનામાં નાના કારકુન સુધી એ સૌનો માનીતો હતો. મુંબઈની સોનેરી ટોળીનો એ મવાલી હતો. આ એની ચોથી વારની જેલ હતી. લોકો કહેતા કે એના ગોબડમાં હીરા અને નીલમ પણ છે. એની જીભ ખૂબ મીઠી હતી. બેચાર શબ્દોમાં તો એ ભલભલા અમલદારોને પણ પાણીપાણી કરી નાખતો. પોતાના કાળામેશ મોઢામાં ધોળીધોળી ચમકતી પેલી બે નાની આંખો ચમકાવી, હોઠ આસપાસ આછું હાસ્ય ફરકાવી એ જ્યારે ‘અરે યાર....!’ કરીને વાત શરૂ કરતો, ત્યારે પોલીસો પોતાના ખીસામાં સંતાડેલી બીડીઓ કાઢીને એને આપી દેતા. ખુદ સૂબેદાર પણ એને બીડીઓ, ગાંજો, તમાકુ વગેરે આપતો. બડાસા’બ પણ નવરા પડે. લહેરમાં હોય ત્યારે ક્યારેક એને પોતાની પાસે બોલાવતો. પછી બડાસા’બના પગ દાબતાંદાબતાં એ પોતાના જીવનનાં અનેક પરાક્રમો વર્ણવી સંભળાવતો. સાંભળનારા સૌ જાણતા કે કેટલાક પ્રસંગો તો તરતના ઘડેલા હતા. એ પોતાની માતાને સાત્ત્વિક દેવી જેવી વર્ણવતો. માતા વિષે બોલતો ત્યારે કહેતો : ‘અમ્મા હમકો બુલાકર કહેતી : દેખો મુસામિયાં, તુમકો કિસ ચીજ કી કમી હૈ? તુમકો ખૂબસૂરત ઓરત હૈ, તુમ કાયકે વાસ્તે ઐસા કરતે હો?’ મૈં અપને કાન પકડકે કહેતા: ‘અમ્મા! તોબા, તોબા! અબસે ઐસા નહિ કરુંગા.’ લેકિન દો-તીન રોજ કે બાદ વૈસાહી હો જાતા થા. આદત પડ ગઈ, ફિર ક્યાં કરે?’ બડાસા’બ ખડખડાટ હસી પડતો અને શાબાશીની એના વાંસામાં ધીરેથી એક સોટી મારતો પછી કહેતો : ‘મુસામિયાં, અપની ઓરતકી તો વાત કરો!’ બડાસા’બે એ વાત અનેક વાર મુસાને મોઢેથી સાંભળી હતી, પણ ફરીફરી સાંભળવામાં એને એક પ્રકારનો રસ પડતો હતો. એ જ્યારેજ્યારે મુસાને બોલાવતો ત્યારેત્યારે અગાઉથી મુસો એ વાતમાં સુધારાવધારા કરી લેતો. પછી પોતાની ઝીણી આંખો ચમકાવી, મોઢું ડોલાવી શરૂ કરતો : ‘મૈંને તો અપની બીબીકો બુલવાઈ. ફિર ઉસકે સામને દેખકર કહા : ‘દેખો હમ જાતા હૈ! તુમકો કિસી તરહકી ખોટ નહિ હૈ! તુમારે પાસ મૈંને પેસે રખ છોડે હૈ! તુમકો લડકે લડકીયાં ભી બહોત હૈ! દેખો તુમકો રહને કે લિયે અચ્છા મકાન ભી હૈ! દેખો, તુમકો જો ચાહીએ, હમારે દોસ્તોં કે પાસસે મંગવા સકતી હો! સબ કુછ હૈ, લેકિન તુમ જવાન હો; અગર તુમ રહ ન શકો તો દૂસરા ખાવિંદ ખોજ લેના. લેકિન હમકો દુવા દેતે રહના!’ મુસો પૂરું કરે ત્યાં તો સુપરિન્ટેન્ડેન્ટ ખડખડાટ હસી પડતો. પછી ઊભા થઈ ચાલતાંચાલતાં એક સોટી લગાવતો જતો. ખુશામતિયા કારકુનો પણ હસી રહેતા, અને મુસા તરફ મમતાથી જોતા. જેલમાં મુસાની શક્તિઓ વિશે બહુ યે અફવાઓ ચાલતી. એક વખત એક પીર કેદી થઈ આવ્યા હતા. માંદા પડી એ દવાખાનામાં આવ્યા. મુસો એને બધી સગવડ કરી આપતો અને રાત્રે કલાકોના કલાકો સુધી પોતાના જીવનનાં પરાક્રમો વર્ણવી એમનું મનોરંજન કરતો. જ્યારે પીર ઉપદેશનાં બે વેણ કહેતા, ત્યારે કાન પકડી આંખો ચમકાવી એ બોલતો : ‘પીરસાહબ, મૈંને દુનિયામેં આકર સબ કુછ કિયા હૈ! લેકિન એક અચ્છા કામ નહિ કિયા! તોબા, તોબા! લેકિન અબસે ઐસા નહિ કરુંગા.’ અને પછી પોતાનું રોજનું પ્રિય ગાયન ગાવા લાગતો ‘દુનિયામેં આકર તુંને કુછ ન કિયા, જો કિયા સો બૂરા હિ કિયા તેરે શિરપે ગુન્હાઓંકે પ્હાડ હૈં પ્હાડ હૈં.....પ્હા’ અને આસપાસના કેદીઓ તાળીઓ વગાડી તાલ આપવા લાગતા. મુસો આંખો ફેરવી ‘સો જાવ!’ એમ બોલતો-બોલતો ઊઠતો અને સૌને દબડાવી સુવાડી દેતો. બીજે દિવસે પાછો હતો એવો ને એવો જ થઈ રહેતો.
રમજાન મહિનામાં રોજો તોડતી વખતે જ્યારે મુસો બહાર મળી શકે એટલી બધી ચીજો પીરને જેલમાં આપતો, ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહેતો.(25) જે કેદીઓનાં કપડાં ફાટી ચીંથરા જેવાં થઈ ગયાં હતાં તેઓને બે દિવસ માટે નવાં કપડાં આપવામાં આવ્યાં. જેમના ચંબુ અને તસબુ ધોળા પડવાથી સાવ નકામા જેવા થઈ ગયા હતા, તેઓને તે બે દિવસ માટે બદલાવી આપવામાં આવ્યા. બે દિવસ માટે કેદીઓનું કામ પણ ઓછું કરી નાખવામાં આવ્યું. કેદીઓ પામી ગયા કે આવતી કાલે જેલ-કમિટી આવવાની હશે! પણ કોઈને એનો હરખશોક નહોતો; કેમકે જેલ કમિટી પાસે કશી ફરિયાદ કરી શકાય તેમ નહોતું. જે બેત્રણ કલાક કમિટી જેલમાં ફરવાની હોય છે તેમાંનો એક કલાક સુપરિન્ટેન્ડેન્ટને ત્યાં અને પોણો કલાક ઓફિસ ઉપર ચા લેવામાં જાય છે. બાકીની પંદર મિનિટમાં પંદર સો નહિ પણ બે હજાર કેદીઓને પહોંચી વળવાનું હોય છે. એટલે ઉતાવળ ન કરે તો કેમ ચાલે? વળી કશી ફરિયાદ કરવા કોઈ કેદી હોઠ ફફડાવે ત્યાં તો કમિટી આગળ ચાલી જાય છે, અને કરડી નજર કરી સૂબેદાર એવા લોકને ધ્યાનમાં રાખી લે છે. પાછળથી એવા લોકોને કાં તો ફટકા, કાં તો મીઠાની કાંજી અથવા અંધારી કોટડી મળે છે. પણ હવે કશું ગુમાવવાપણું ન હોવાથી મરણિયો થઈ ગંગારામ કશું કહી દેશે એ દહેશતથી આજે એને એક અંધારી ઓરડીમાં પૂરી દેવામાં આવ્યો. બાકીના તમામ કેદીઓને બહાર કાઢી હારબંધ ઊભા કરવામાં આવ્યા. કમિટી જ્યારે અંધારી ઓરડી પાસેથી પસાર થતી હતી, ત્યારે ગંગારામે અંદરથી કોલાહલ મચાવવો શરૂ કર્યો, પણ કોઈએ કશું સાંભળ્યું નહિ; માત્ર સૂબેદારના કાન ચમક્યા. કમિટીને વિદાય આપી એ પાછો ફર્યો ત્યારે પાધરો ગંગારામ પાસે ગયો અને પોતાની ઝીણી આંખો અડધી મીચીને, નીચલો હોઠ દાબીને, એની સામે જાવો લાગ્યો. ગંગારામ પણ એની સામે રોજની જેમ આંખો ફાડી જોવા લાગ્યો. એણે સૂબેદારની આંખમાં કાંઈ લખાયેલું જોયું. એણે એ વાંચી લીધું, પણ એને પોતાને પણ સ્પષ્ટ ખ્યાલ નહોતો કે એણે શું વાંચ્યું. સૂબેદાર એક સોટી ફટકારી કશું પણ બોલ્યા સિવાય ત્યાંથી ચાલતો થયો. ગંગારામની પીઠ ઉપર લોહીનો ટશિયો ફૂટ્યો. કેદીઓમાં માંહોમાંહો વાતો ચાલી કે ગંગારામ ગાંડો થઈ ગયો છે. હવે તે ભાગ્યે જ કોઈ સાથે બોલતો. મોટે ભાગે ઊંઘ્યા જ કરતો; અને જ્યારે ઊંઘતો ન હોય ત્યારે જીવતને જ્યાં દાટવામાં આવ્યો હતો ત્યાં જઈને હરણને રમાડ્યા કરતો. એક દિવસ જ્યારે ઈંસા ઘાંચીને દવાખાનામાં વજન કરાવવા માટે લાવવામાં આવ્યો, ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગંગારામ પણ આજે જાણે કાંઈ ભાવ અનુભવતો હોય એમ એની સામે દૂરથી જોઈ રહ્યો. એને ઈસાના છેલ્લા શબ્દો યાદ આવ્યા : મારે બહાર કોઈ નથી. મને બહાર કોઈ રહેવા દે તેમ પણ નથી. હું અહીં થોડા જ દિવસોમાં પાછો આવી જઈશ.’ અને તે સાથે જ ગંગારામ વધારે ગમગીન થઈ પગના અંગૂઠાના નખ વતી જમીન ખોતરવા લાગ્યો. ગંગારામને જોઈ ઈસો તેની પાસે ગયો અને બોલ્યો : ‘કેમ ગંગારામ?’ ગંગારામે ઊંચે જોયું થોડી વાર ઈસાની આંખમાં જ જોયા કર્યું. પછી એકદમ ખડખડાટ હસી પડ્યો. ઈસાને ખૂબ આશ્ચર્ય થયું. એ આગળ બોલવા જાય છે ત્યાં સિપાહી આવ્યો અને એને લઈ ગયો. ઈસો ફરી જેલમાં આવ્યો ત્યારે પોતાની સાથે એક નવા ખબર લેતો આવ્યો. દિવસ બે દિવસમાં એ વાત આખી જેલમાં ફરી વળી. સૌના હોઠ ઉપર એક જ ખબર રમતા હતા : ‘ઇંગ્લેંડમાં શહેનશાહ માંદા પડ્યા છે. ગંભીર હાલતમાં છે.’ સૌની આંખો આનંદથી ચમકવા લાગી અને હોઠ આસપાસ પણ એ રેખાઓ રમવા લાગી. રાજા મરી જાય અને નવો રાજા ગાદીએ આવે એટલે સૌનો છુટકારો થાય એવી માન્યતા હતી. વાત વધતાંવધતાં જેલના મુખપત્રમાં આવી પણ ગયું કે રાજા મરી પણ ગયો. સૌ આતુરતાથી રાજ્યારોહણની વાટ જોવા લાગ્યા.
પણ ગંગારામને આ કશામાં રસ ન પડ્યો. જ્યારેજ્યારે એ કાંઈક આવું સાંભળતો, ત્યારે સામેના માણસના મોઢા સામે રોજ માફક તાકી રહેતો; અને પછી હરણને રમાડવા લાગતો.(26) ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. આખી જેલ શાંત હતી. કેદીઓ બરાકમાં બેઠાબેઠા પોતપોતાનું કામ કરતા હતા. દવાખાનાવાળી બરાકોમાં કેટલાક કેદીઓ ખાટલામાં પડ્યા-પડ્યા નેવાંનાં પાણીનો અવાજ સાંભળતા શાંત પડ્યા હતા, તો કેટલાક બારીમાં ઊભા રહી આછી વાછટની લહેજત લૂંટતા હતા. એટલામાં કમ્પાઉન્ડનું બારણું ઊઘડ્યું અને એક પીળી પાઘડીવાળો વોર્ડર દાખલ થયો. ‘ગંગારામ! ગંગારામ! ગંગારામ!’ એણે ત્રણ વાર બૂમ મારી. ગંગારામ પથારીમાં બેઠો થઈ ગયો. બેબાકળાની માફક ક્યાંથી અવાજ આવે છે તે જોવા લાગ્યો. વોર્ડર એની પાસે આવી લાગ્યો અને જરા કડક અવાજે બોલ્યો : ‘સાંભળતો નથી, ક્યારનો બૂમ પાડી રહ્યો છું તે?’ ગંગારામ આંખો ફાડી ભાવહીન દૃષ્ટિથી એની સામે જોઈ રહ્યો. ક્ષણવાર પછી વોર્ડર બોલ્યો : ‘બે સ્ત્રીઓ અને એક નાનું છોકરું તારી મુલાકાત લેવા આવ્યાં છે.’ ગંગારામના મોઢા ઉપર આનંદની એક લહરી આવી-આવીને પસાર થઈ ગઈ. ઘણે દિવસે આજે આંખમાં આંસુ આવ્યાં. ગળું ખંખારી એ સહેજ સ્વસ્થ થયો. પછી માથે ટોપી ઘાલી વોર્ડરની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. બીજા માંદા કેદીઓ એની સામે અદેખાઈથી જોઈ રહ્યા. અંદરનો દરવાજો ઉઘાડી સળિયાવાળી બારી સામે એને ખડો કરવામાં આવ્યો. પડખેના ઓરડામાંથી સૂબેદાર નીકળ્યો અને ગંગારામની સામે આવી ઊભો રહ્યો. હોઠ દાબી થોડી વાર એ ગંગારામ સામે જોઈ રહ્યો. પછી ધીમે સાદે કહ્યું : ‘યાદ રાખજે! કશી વધારે વાત કરવાની નથી, સમજ્યો?’ અને પછી પીઠ ફેરવી સિપાહીને બારી ખોલવા હુકમ કર્યો. બારીમાંથી ગંગારામે પોતાની અને જીવતની સ્ત્રીને બહાર ઊભેલી જોઈ. એમનાં કપડાં પલળી ગયાં હતાં, અને એમાંથી પાણી ટપકતું હતું. જીવતની સ્ત્રીની કાખમાં એક નાનકડું છોકરું ઊંઘતું હતું. છોકરા ઉપર એની માતાએ પોતાના સાડલાનો છેડો ઢાંક્યો હતો, અને એની ઉપર વરસાદ ન પડે તેની તે ખાસ કાળજી લેતી હતી. બન્ને સ્ત્રીઓનાં મોઢાં ફિક્કાં પડી ગયાં હતાં; આંખો ઊંડી ગઈ હતી અને હોઠ સુકાઈ ગયા હતા. ગંગારામને આવો કૃશ, વૃદ્ધ, ભાવહીન અને કેદીના વેશમાં જોઈને તેઓની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. ગંગારામની આંખો પણ ભીની થઈ. એણે પોતાનાં આંસુ રોકવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ અંતે એક ડૂસકા સાથે એની આંખનાં દ્વાર ખૂલી ગયાં. જીવતની સ્ત્રીએ પોતાના સાડલાના છેડાથી પોતાનાં આંસુઓ લૂછવા માંડ્યાં. સાડલો ઊંચોનીચો થયો અને જીવતનો છોકરો જાગી ગયો. એ પોતાની બા અને મા તરફ આશ્ચર્યથી જોવા લાગ્યો. પછી પાંજરામાં ઊભેલા કોઈ વૃદ્ધ સામે હાથ લંબાવી શરીરના ઉછાળા મારતો હસવા લાગ્યો. ગંગારામથી ન રહેવાયું. એણે સળિયામાંથી હાથ બહાર કાઢી હાથ લંબાવ્યો. પડખે ઊભેલા સૂબેદારે એક ઝાટકાથી એ હાથ અંદર ખેંચી લીધો. અને આંખો લાલ કરી કહ્યું : ‘શું કરે છે? ફિતૂર કરીશ તો અંદર લઈ જવામાં આવશે!’ ગંગારામ દયાર્દ્ર ભાવે આંખો ફાડી એની તરફ જોઈ રહ્યો. બહાર વરસાદ વધ્યો અને સ્ત્રીઓ ટાઢથી ધ્રૂજવા લાગી. છોકરાએ રડવું શરૂ કર્યું એટલે જીવતની પત્ની અને રમાડવામાં રોકાઈ. ‘રોવો છો શું? વખત થઈ જશે અને વાતો રહી જશે.’ પડખે ઊભેલા પોલીસે સહૃદયતાથી કહ્યું. જાણે કશી જ વાતો ન કરવાની હોય એમ ગંગારામ તે સિપાહી સામે ફર્યો અને આંખો વિકસાવી તાકવા લાગ્યો. ગળું ખોંખારી જીવતની માતાએ શરૂ કર્યું : ‘અમે અહીં ત્રણ દિવસથી આવ્યાં છીએ. આજે અમને માંડમાંડ મુલાકાતની રજા મળી. બે રાત સામેના ઝાડ નીચે પડ્યાં રહી ગાળી. અહીંના લોકો પાસેથી બટકું રોટલો ભીખી મેં અને આણે પેટ ભર્યું અને આ છોકરા માટે.... જીવતની માની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યાં. આકાશમાં ભયાનક કડાકો થયો ને છોકરો ધ્રૂજી ઊઠી ફરી રડવા લાગ્યો. જીવતની સ્ત્રી એને છાતી સરસો ચાંપી શાંત કરવા લાગી. થોડી વારે ફરી જીવતની મા બોલી : ‘માત્ર આજે તમારી મુલાકાતની રજા મળી. જીવતની મુલાકાતની ના પાડવામાં આવી છે. એને મારા અને એની...’ એ વાક્ય પૂરું થાય એ પહેલાં તો ગંગારામ ફસડાઈ પડ્યો. એના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. બંને સ્ત્રીઓ દિગ્મૂઢ બની એની સામે જોવા લાગી. છોકરાએ પણ રડવું બંધ કરી પાંજરા પાછળ ભોંય ઉપર પડેલા વૃદ્ધ ઉપર આંખો ઠેરવી. ‘ફિતૂર કરતા હૈ? ચલો, ઇસકુ અંદર લે જાવ!’ અને કાંઈક જાહેર થઈ જશે એની દહેશતમાં સૂબેદારે એકદમ બારણું બંધ કરી દીધું. વરસતા વરસાદમાં બંને સ્ત્રીઓ ચાલી નીકળી. વરસાદ સાથે એમની આંખોમાંથી સરતાં આંસુઓનો વેગ પણ વધતો જતો હતો. ટાઢથી બંનેનાં શરીર કંપી રહ્યાં હતાં; દાંત કડકડતા હતા અને વાળની લટોના છેડા પરથી અને પાલવની કોરમાંથી પાણી ટપકતું હતું.
રડતા બાળકનું આક્રંદ કાળી દીવાલો સાથે અળાઈ પાછું ફરતું હતું!’(27) બે મહિના પછી સુલેમાન, ગન્નુ વગેરે કેદીઓને અંધારી ઓરડીઓમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ સાવ બેહાલ બની ગયા હતા. ગાલનાં હાડકાંઓ આગળ આવી ગયાં હતાં અને દાઢી પણ ખૂણો પાડતી હતી. પહેલા કરતાં હવે તેઓ શાંત દેખાતા હતા, છતાં સિપાહીઓ અને અમલદારો તેમનાથી વધારે ડરતા હતા. અમલદારો હવે દૂર ઊભાઊભા જ તેઓની સાથે વાત કરતા હતા. ધૂંધવાઈ રહેલા અગ્નિના જેવી તેમની સ્થિતિ હતી. અંગારા ઉપર રાખ વળી ગઈ હોય અને તેઓ ઠરી ગયા છે એવો ભાસ થતો હોય, છતાં તેનો તાપ તો લાગ્યા જ કરતો હોય, એમ હવે બીજા લોકો સુલેમાન અને ગન્નુથી દાઝતા હતા. એમને બહાર કાઢતાંવેંત પથ્થર ફોડવાનું કામ આપવામાં આવ્યું. આખો દિવસ તેઓની પાસેથી સખત મજૂરી લેવામાં આવતી. રાત્રે તેઓ થાકીને લોથ થઈ બિછાનામાં પડી ઘસઘસાટ ઊંઘી જતા. હવે તેઓ ભાગ્યે જ કોઈ સાથે બોલતા. એક રાત્રે બરાકના ખૂણામાં આ બંને કેદીઓએ મોડી રાત સુધી કાંઈક ધીમી વાતો કર્યા કીધી. બરાકના વોર્ડરોનું એમના તરફ ધ્યાન ગયું; કાંઈ નવીન બનશે એની પણ તેઓને ગંધ આવી, પણ હોઠ ઉઘાડવાની તેઓની હિંમત નહોતી. બીજે દિવસે દવાખાનાનો મુસા વોર્ડર જ્યારે કમ્પાઉન્ડર સાથે આયોડીનની શીશી અને રૂનાં પૂમડાં લઈને આવ્યો, ત્યારે સુલેમાને એને ઇશારો કરી એક તરફ બોલાવી લીધો. ધીમે-ધીમે ગન્નુ પણ એમની પાસે પહોંચી ગયો; અને તેઓની વચ્ચે બહુ જ ટૂંકી વાત ચાલી. છૂટા પડતી વખતે ‘બરાબર હૈ’ એમ કહીને મુસાએ આંખો ચમકાવી આછું હાસ્ય કર્યું. બેચાર બીજા કેદીઓ સાથે પણ સુલેમાન અને ગન્નુને વાતો કરતા જોઈ બરાકનો વોર્ડર મનમાં ને મનમાં ધ્રૂજતો હતો, પણ કશું બોલવાની એની હિંમત નહોતી ચાલતી. એક દિવસ ગન્નુ અને સુલેમાન હંમેશ કરતાં વધારે ખુશમિજાજ દેખાતા હતા. આજે તેઓ સૌ સાથે ભીનાશથી અને કશોય અંતરાય રાખ્યા વિના વર્તતા હતા. બપોરે જ્યારે તેઓને પથ્થર ફોડવા લઈ જવામાં આવ્યા, ત્યારે કાંઈક બહાનું કાઢી મુસા પણ ત્યાં આવી ગયો. સુલેમાને અને મુસાએ સામસામી આંખો ચમકાવી. સુલેમાને અને ગન્નુએ કામ કરવું છોડી દીધું અને જમીન ઉપર લાંબા પડી બરાડવું શરૂ કર્યું. મુકાદમ ગભરાયો અને તેમની પાસે આવી કરગરી તેમને સમજાવવા લાગ્યો.
‘ગોરે જેલરકો બુલા લાવ. હમ ઉસસે બાતેં કરના ચાહતે હૈં.’ સુલેમાન બોલ્યો. મુકાદમ જેલર પાસે ગયો અને બધી વાત કરી. જેલરનો કાળ ફર્યો હતો. એનો પિત્તો ઊછળ્યો અને સૂબેદારને પણ સાથે લીધા સિવાય હાથમાં સોટી લઈ જ્યાં ગન્નુ અને સુલેમાન સૂતા હતા ત્યાં આવી પહોંચ્યો. ‘ક્યા હૈ? ફિતૂર ક્યોં કરતે હો?’ આવતાંવેંત એણે ગાંગરવા માંડ્યું. એની આંખો લાલચોળ થઈ ગઈ હતી. નાકમાંથી ધૂંવાડા નીકળતા હતા. ‘ફિતૂર નહિ હૈ, સા’બ!’ ગન્નુ ઊઠ્યો અને અદબ વાળી ઊભો રહ્યો. જેલરને આ નમ્રતાથી ખૂબ આશ્ચર્ય થયું. ‘દેખો...નામ...’ ગન્નુએ ધીરેથી વાત શરૂ કરી. સુલેમાન પણ ઊઠ્યો અને જેલરની પાછળ જઈ આસ્તેથી પડખે પડેલો હથોડો ઉપાડ્યો. મુસાએ પડખેથી જેલરનો ટોપો ઉપાડી લીધો, સુલેમાને જોરથી એક ઘા ફટકાર્યો; મુસાએ બીજો ઘા કર્યો. જેલર તમ્મર ખાઈ નીચે પડ્યો. ગન્નુએ બીજા બે ઘા કર્યા અને આસાપાસના બીજા કેદીઓએ પણ પોતાની તૃષા શાંત કરી.
બ્યૂગલ ફૂંકાયું જેલમાં હાહાકાર મચી ગયો.(28) ગંગારામ ગાંડો બની ગયો છે એવી કેદીઓની માન્યતા દૃઢ થવા લાગી. એના કાર્યક્રમમાં એક મોટો ફેરફાર થયો. પહેલાં તે ઊંઘ્યા જ કરતો; હવે તે ભાગ્યે જ ઊંઘતો, મોડી રાત સુધી એ બારીમાં ઊભો રહેતો અને જેલની દીવાલ ઉપરથી ડોકાતાં ઝાડવાંઓ જોઈ રહેતો, એ મનમાં ને મનમાં કાંઈક ગણગણતો. ક્યારેક ઓચિંતો હસી પડતો. કેટલાક કાચા મનના કેદીઓ એ ભયાનક અટ્ટહાસ્યથી ડરી જતા. વોર્ડરે પણ હવે ગંગારામને સતાવી-સતાવી કંટાળ્યો હતો, એટલે હવે એણે ગંગારામને છેડવાનું છોડી દીધું હતું. રાત્રે કેટલીક વખત એ ભરઊંઘમાંથી જાગી જતો અને ખડખડાટ હસી પડતો. આસપાસ સૂતેલા કેદીઓ જાગી જતા અને બે-ચાર સંભળાવી પાછા સૂઈ જતા. આખો દિવસ એ જીવતને જ્યાં દાટ્યો હતો ત્યાં જ ગાળતો. ત્યાં એણે ચાર ગલગોટાના અને બે ગુલાબના છોડ વાવ્યા હતા. બારમાસીના છોડોની વાડ કરી હતી. વચમાં એક ડોલર પણ રોપ્યો હતો. થોડા મરવાના છોડ પણ રોપી નાનો વ્યવસ્થિત બાગ બનાવ્યો હતો. જેલના અમલદારો અને વોર્ડરો ગંગારામના દુ:ખથી સહૃદયી થઈ ગંગારામને આ બધું કરવા દેતા. એ લગભગ બધો વખત સંતરામના હરણને લઈને ત્યાં બેસી રહેતો. કાં તો હરણના પેટ ઉપર માથું મૂકી પોતે સૂઈ જતો, અને કાં તો પોતાની છાતી ઉપર હરણની ડોક રાખી એને પંપાળ્યા કરતો. નાના છોકરાની માફક એ એની સાથે ગેલ કરતો; ક્યારેક હરણને બચી પણ લેતો. કેદીઓ આ બધું જોઈને હસતા, અને તેઓને હસતા જોઈને ગંગારામ પણ ખડખડાટ હસી પડતો. કેટલીક વખત સાંજે એ હરણને લઈને બાગમાં બેઠો હોય, ત્યારે કેટલાક કેદીઓ તેની આસપાસ ભેગા થઈ વાતો કરવાનો પ્રયત્ન કરતા. ગંગારામ પ્રશ્નોના બને તેટલા ટૂંકા ઉત્તરો આપી વાત ટાળવા પ્રયત્ન કરતો. ક્યારેક ગંગારામને હરણના પેટ ઉપર માથું રાખી રડતો ભાળી કેટલાક કેદીઓ એની પાસે આવી આશ્વાસન આપતા. ગંગારામ કોઈને જવાબ ન દેતાં રડ્યા જ કરતો. કંટાળીને કેદીઓ પોતાને કામે વળગતા. એક દિવસ બપોરે ગંગારામ હરણને લઈને પોતે બનાવેલા બાગમાં બેઠો હતો. હરણના કાનમાં એ કંઈક કાલુંકાલું બોલતો હતો. એટલામાં કમ્પાઉન્ડનો દરવાજો ઊઘડ્યો અને સૂબેદાર અંદર આવ્યો. એની સાથે એનો આઠ વર્ષનો દીકરો ઉમર હતો. ઉમરના માથા ઉપર જરીની ટોપી હતી, અને બદન ઉપર કીનખાબનું જાકીટ હતું. પગમાં પીળા બૂટ હતા, અને હાથમાં પિતાની જેમ નાનકડી સોટી હતી. બીજા કેદીઓમાં ફરી વળી સૂબેદાર ગંગારામ સામે આવી ઊભો રહ્યો. જીવતને જ્યાં દાટ્યો હતો ત્યાં ગંગારામને જોઈને એની આંખમાં સહેજે ખૂન ચડ્યું. આંખો ઝીણી કરી એ બરાડ્યો : ‘અહીં કેમ બેઠો છે?’ ગંગારામે કાંઈ જ ઉત્તર ન આપતાં એની સામે ટગરટગર તાકવાનું શરૂ કર્યું. સૂબેદારે ફરી પ્રશ્ન કર્યો : ‘અહીં કેમ બેઠો છે?’ ગંગારામે ફરી માથું ઊંચું કરી પહેલાંની માફક ભાવશૂન્ય નજરે જોયા કર્યું. સૂબેદારની ધીરજ ખૂટી. એ નીચે નમ્યો અને ગલગોટાનો એક છોડ ખેંચી કાઢી દૂરદૂર ફગાવી દીધો. બીજો ખેંચ્યો, ત્રીજો ઉપાડ્યો, હવે તો ઉમર પણ તેની મદદે દોડ્યો. જોતજોતમાં આખી નાનકડી વાડી એણે ફેંદી નાખી. કરવાનું કંઈ બાકી ન રહેતાં હરણને એક સોટી ચોડી કાઢી. હરણ રઘવાયું બની કૂદાકૂદ કરી રહ્યું. ગંગારામ મૂઢ બની આ બધું જોઈ રહ્યો. સૂબેદાર ફર્યો અને તેણે હાકલ કરી એ સિપાહીને બોલાવ્યો : ‘જા, હરણને ઘરે લઈ જા. કસાઈ પાસે હલાલ કરાવી ઉમરને બેસવા માટે ચામડું તૈયાર કરાવી લાવજે.’ જાણે ગંગારામને ડામવા એણે સ્પષ્ટતા કરી. ગંગારામના હોઠ ફાટી રહ્યા. એનું મોઢું મૃત્યુ જેવું પીળું પડી ગયું. સૂબેદાર ગંગારામ તરફ ફર્યો. પોતાની દૂબળી સોટા જેવી કાયા એણે ટટ્ટાર કરી. પછી માથું નીચે નમાવી પોતાની ઝીણી માંજરી આંખો વધારે ઝીણી કરી હોઠ ફફડ્યા અને ઓચિંતો એ બોલી ઊઠ્યો : ‘તુજે ઇન્સાન મિટા દૂંગા!’ સૂબેદારને પણ આશ્ચર્ય થયું કે પોતે શું બોલી ગયો. એ સહેજ અસ્વસ્થ થયો અને કાંઈ ન સૂઝતાં સોટી ફટકારી. ગંગારામ એની સામે તાકતો જ રહ્યો. જેલમાં આવતાં પહેલે દિવસે સૂબેદારની આંખમાં એણે જે અસ્પષ્ટપણે વાંચ્યું હતું, પોતાની અને જીવતની સ્ત્રી સાથેની મુલાકાત દરમિયાન એણે જે સૂબેદારની આંખમાં લખેલું જોયું હતું, એ આજે એણે અચાનક સાંભળ્યું. એનેય આશ્ચર્ય થયું. ગંગારામ એની સામે જોઈ જ રહ્યો! એ જ, એ જ સીધી સોટા જેવી કાયા, સહેજ વળી ગયેલી ખૂંધી ગરદન એ જ ખાખી કોટ અને સાંકડી ચોરણી, એ જ આછી મૂછો અને ઝીણી દાઢી; એ જ કાળું મોઢું અને એમાં ચમકી રહેલી ઝીણી માંજરી આંખો; અને એમાં એ જ ‘ઇન્સાન મિટા દૂંગા’નો કોતરાયેલો ભાવ! બધું એ જ! જે એણે આવતાંવેંત જોયું હતું, અને હંમેશ જોયા કર્યું હતું. સૂબેદારની અસ્વસ્થતા વધવા લાગી. એના હોઠ ધ્રૂજ્યા. અંતે ગંગારામની આંખો જીરવવી મુશ્કેલ થઈ પડી અને એ પીઠ ફેરવી સોટી ચમચમાવતો ચાલતો થયો. હરણને પકડીને એક સિપાહી સૂબેદાર સાથે બહાર નીકળ્યો. અને અંતે કૂદકૂદ કરતો નાનો ઉમર પોતાની નાની સોટી હરણ ઉપર ચલાવતો દોડવા લાગ્યો. ગંગારામની આંખમાં ઝેર આવ્યું.
રાત્રે સૂતી વખતે એની આંખ સામે જીવત અને એની પાછળ થોડે દૂર દોડતો ઉમર તરી રહ્યા!(29) સુલેમાન, ગન્નુ, મુસા અને બીજા બે કેદીઓને પહેલાં તો મારીમારીને અધમૂઆ કરી નાખવામાં આવ્યા. પછી સૌને અંધારી કોટડીમાં બંધ કરવામાં આવ્યા. એમનાં સૂતરનાં કપડાં ઉતારી લઈ ગુણિયાનાં કપડાં પહેરાવવામાં આવ્યાં. તેઓને ત્રણ દિવસ સુધી કશું ખાવાનું ન આપ્યું અને ચોથા દિવસથી મીઠાની કાંજી શરૂ કરી. પછી ફરીવાર સૌને વારાફરતી બહાર કાઢી મરણતોલ માર મારવામાં આવ્યો. સૂબેદારે ઊછળીઊછળીને હંટર લગાવ્યાં. બધાના વાંસાઓ ઉપર સોળ ઊઠ્યા. થોડા દિવસ પછી એમનો કેસ શહેરની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો. એક દિવસ સૂબેદાર અને સુપરિન્ટેન્ડેન્ટ રોન મારવા નીકળ્યા ત્યારે મુસાએ ઇશારો કરી એમને પાસે બોલાવ્યાં. પછી કાંઈ પણ બોલ્યા સિવાય પોતાનું ડોકું સહેજ હલાવી મોંમાંથી ખોબોએક મોતી કાઢ્યાં. પછી બડાસા’બની તરફ જોઈને એ કરગરીને બોલવા લાગ્યો : ‘સા’બ, મૈં સારા તહોમત ગન્નુ ઔર સુલેમાન કે ઉપર ડાલને કે લિયે તૈયાર હું. મુજે માફી મિલની ચાહીએ.’ પછી સળિયામાંથી હાથ બહાર કાઢી બધાં મોતી બડાસા’બની હથેળીમાં ઠાલવી દીધાં. ફરીવાર મોંમાંથી બે મોતી કાઢી એણે સૂબેદારને આપ્યાં. ‘દેખા જાયગા!’ એટલું કહી બડાસા’બ જરા હસ્યા. પછી સોટી ચમચમાવતા ત્યાંથી ચાલતા થયા. બીજે દિવસે કોર્ટમાં જ્યારે જાહેર કરવામાં આવ્યું કે મુસાને માફી આપવામાં આવે છે, ત્યારે સુલેમાનને અને ગન્નુને આશ્ચર્ય થયું, પણ તરત જ તેઓ બધું પામી ગયા. સુલેમાને એક તિરસ્કારયુક્ત દૃષ્ટિ મુસા ઉપર ફેંકી. મુસો નીચે જોઈ ગયો. ગન્નુએ એની સામે જોવાની પણ પરવા ન કરી. ગન્નુએ ગુનો કબૂલ કર્યો એટલે સુલેમાને પણ કર્યો. બંનેને ફાંસીની શિક્ષા થઈ. બીજા બે કેદીઓની સજામાં પંદરપંદર વરસનો વધારો થયો. જેલમાં લાવી ગન્નુને અને સુલેમાનને ફાંસી ખોલીમાં લઈ જવામાં આવ્યા. સુલેમાનનું મોઢું સહેજ ઊતરી ગયું હતું; પણ ગન્નુ તો એટલો ને એટલો જ ઉત્સાહમાં હતો. રાત્રે ક્યારેક તેઓ જોરથી ગાવા લાગતા અને ખડખડાટ હસી પડતા. બંનેને ભાગ્યે જ ઊંઘ આવતી. પાંજરામાં પુરાયેલા સિંહોની માફક તેઓ પોતાના પાંજરામાં આમથી તેમ આંટા માર્યા કરતા. એક વખત કાંઈ કામ પ્રસંગે ગંગારામ ફાંસી ખોલી તરફ આવી ચડ્યો. એને જોઈને ગન્નુની આંખો ચમકી, અને એણે ગંગારામને પાસે બોલાવ્યો. પછી કોઈ જોતું નથી એની ખાતરી કરવા આમતેમ નજર ફેરવી. એણે પોતાના કુરાનના પૂંઠામાંથી એક કટારી કાઢી. ગંગારામ તાજુબ થયો. ગન્નુએ પાછી એ બરાબર સંતાડી દીધી અને હસવા લાગ્યો. ‘ક્યોં, દેખી ના?’ ગન્નુએ પૂછ્યું. જવાબમાં ગંગારામને માથું ધુણાવવાનું પણ સૂઝ્યું નહિ. બુઢ્ઢા, તેરી આફતસે મુજે તેરે પર બહોત રહમ આતી હૈ! મૈં તો અભી મરનેવાલા હું, લેકિન મરતેમરતે તુજે શાંત કરતા જાઉં ઐસા દિલ હોતા હૈ! ઇસલિયે મૈંને યે કટારી અપની પાસ રખ્ખી હૈ. જીવતકો માનેવાલે, ઔર સારી જેલકો તાબાહ કરાનેવાલે સૂબેદારકી ઇસસે મૈં જાન લેના ચાહતા હું ...’ ગન્નુ બોલવાનું પૂરું કરે પહેલાં જ ગંગારામ બોલી ઊઠ્યો : ‘ના, ના, એવું કરશો નહિ. મનને શાંત કરવાનો એ ઉપાય નથી. તમે મને વચન આપો કે એવું નહિ કરો. જો તમે એમ કરશો તો હું કોઈ દિવસ શાંત નહિ થાઉં.’ ગન્નુના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે પોતાની આંખો પહોળી કરી પૂછ્યું : ‘ક્યો? દયા આતી હૈ?’ ‘ના.....ના....દયા નથી. પણ...પણ એ હું તમને ફરી કોઈ દિવસ કહીશ. તમને એની પછી ખબર પડશે. મને વચન આપો કે તમે એવું નહિ કરી.’ ગંગારામ હાથ જોડી કરગરવા લાગ્યો. ગન્તુનું આશ્ચર્ય વધતું જ ચાલ્યું. ‘અરે, પણ જબ મુજે ફાંસી મિલેગી તબ વો મેરે સામને બંદૂકકા ઘોડા ચડા કર બૈઠેગા! વો મેરેસે નહિ સહા જાયગા! મૈં તો ઉસકો મેરે પહલે ખલાસ કરનેવાલા હું!’ ગન્નુએ ઉશ્કેરાઈને બોલવું શરૂ કર્યું. ‘ના, ના, મને વચન આપો. હું તમને ખુદાના કસમ આપું છું. તમે એવું નહિ કરતા.’ ગંગારામે ન સમજાય એવી યાચનાવૃત્તિથી કરગરવા માંડ્યું. એણે કશુંક વિચારી રાખ્યું હતું, પણ કહેવા નહોતો માગતો. ગન્નુ આ કશું ન સમજી શક્યો અને ગંગારામની સામે શંકાથી જોઈ રહ્યો. પણ ગંગારામની આંખોએ એના અંત:કરણ ઉપર કાંઈક અસ્પષ્ટ કોતરી દીધું, અને એણે સૂબેદારનું ખૂન ન કરવાનું વચન આપ્યું. ગંગારામ હાશ કરી હરખાતોહરખાતો ત્યાંથી ચાલતો થયો.
સાત દિવસ પછી સુલેમાન અને ગન્નુને લટકાવી દેવામાં આવ્યા.(30) આકાશે આખો દિવસ ચોધાર આંસુએ રડ્યા કીધું. જમીન પલળીને ગારો થઈ ગઈ. વરસાદ ઓછો થયો, પણ ઝાડવાંઓએ પાણી વિશેષ ખેરવવા માંડ્યું. સાંજના સાડાપાંચ થયા અને બહાર પાટીવાળાને જેલના દરવાજામાં ઝડતી લઈ અંદર દાખલ કરવામાં આવ્યા. એકેએક કેદીનાં કપડાં પલળીને લોંદો થઈ ગયાં હતાં. અનેક દિવસોનો એકઠો પરસેવો ગંધાઈ ઊઠતો હતો. ગંગારામનો અંદર આવવાનો વારો આવ્યો. પગથિયાં પલળીને લપસણાં થઈ ગયાં હતાં. ગંગારામનો પગ લપસ્યો અને એ પડ્યો. એના ઉપર એક લાત પડી. ગંગારામે ઊંચે જોયું તો કરડી આંખો કરી સૂબેદાર એની સામે જોઈ રહ્યો હતો. ગંગારામ એની સામે જોઈ રહ્યો, પણ આજે આંખોમાં અભાવને સ્થળે કોઈ ભાવે સ્થાન લીધું હતું. થોડી વારે આંખ લાલ થઈ; પછી લીલી થઈ. સૂબેદારે એક સોટી સબોડી એટલે ગંગારામ ઊભું થઈ ચાલવા લાગ્યો. એનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. દાંત કકડતા હતા અને હોઠ કંપી રહ્યા હતા. બીજા દરવાજામાંથી બહાર નીકળ્યો એટલે એની આંખમાંથી આંસુ પડવાં શરૂ થઈ ગયાં. રાત્રે જ્યારે બીજા કેદીઓ પથારીમાં પડી કામળો ઓઢી હૂંફ મેળવી રહ્યા હતા, ત્યારે ગંગારામ ધ્રૂજતોધ્રૂજતો બારીમાં ઊભો હતો. એની આંખ સામે એનું ખેતર તરી રહ્યું હતું. એની સ્ત્રી અને જીવતની જુવાન વિધવા એની આંખ સામે આવી ખડાં થઈ ગયાં. જીવતનું નાનું બાળક એની કલ્પનામાં કલ્પાંત કરવા લાગ્યું. ગંગારામથી ન સહેવાયું. એકદમ દોડીને પથારીમાં માથું છુપાવી રડવા લાગ્યો. બીજે દિવસે ફરી એને તાવ ચડ્યો.
આઠ દિવસ પછી જ્યારે એનો છૂટવાનો દિવસ આવી લાગ્યો ત્યારે પણ એના શરીરમાં તાવ ભર્યો હતો. એને એવી હાલતમાં ઓફિસમાં લઈ જવામાં આવ્યો. એનાં મેલાં જૂનાં કપડાં એને પાછાં આપવામાં આવ્યાં. કાંઈ જ ન બનતું હોય એમ એણે સ્વસ્થતાથી-જડતાથી બધો ફેરફાર કરી લીધો. નવ વાગે જેલના દરવાજા ઊઘડ્યા અને એ બહાર આવ્યો. એણે પછવાડે એક દૃષ્ટિ કરી. સળિયા પાછળ સૂબેદાર પોતાની ઝીણી આંખો વધારે ઝીણી કરી એની સામે જોતો ઊભો હતો. ક્ષણભર ગંગારામે મીટમાં મીટ મેળવી. પછી બંનેએ પીઠ ફેરવી.(31) મેઘલી રાત જામી હતી. વાદળાંઓએ ઝાંખા ઝબૂકતા તારાઓને પણ આવરી લીધા હતા. સૃષ્ટિ ઉપર અંધકારના થર બાઝ્યા હતા. ઝીણોઝીણો વરસાદ ટપકતો હતો. પાંદડાં ઉપરથી નીચે ટપકતાં પાણીનાં ટીપાંઓથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. આખી સૃષ્ટિ આજે અકાળે શાંત થઈ ગઈ હતી. જેલની બહારની કોટડીઓની જાળીઓમાંથી બહાર એકઠા થયેલા પાણીમાં પ્રકાશનાં ચોસલાં પડતાં હતાં અને સુંદર ભાત પાડી આછુંઆછું મરકી લેતાં હતાં. નેવાનાં નીર પણ અવિશ્રાન્તપણે રડી રહ્યાં હતાં. ખૂણા ઉપરની મોટી ઓરડીમાં સૂબેદાર રહેતો હતો. સૌ અંદરના ઓરડામાં જમવા બેઠાં હતાં. જેલની રાંગ ઉપરથી પહેરેગીરના આલબેલ સંભળાતા હતા. એવામાં ઉમર હાથ ધોવા ઓશરીમાં આવ્યો. પડખેના લીમડાના થડ પાછળથી એક કાળી આકૃતિ આગળ આવી. એક તરાપ મારી એણે ઉમરના મોઢામાં ડૂચો મારી દીધો. પછી એને મચરડી નાખી ખભે નાખ્યો અને અંધારાના ગર્ભમાં અલોપ થઈ ગઈ! થોડી વાર પછી ‘ઉમર! ઉમર! એવી બૂમાબૂમ થઈ રહી. બધાં મકાનોમાંથી બત્તીઓ લઈલઈને પુરુષો બહાર નીકળ્યા. જેલની ચારે બાજુએ દોડધામ થઈ રહી. અંદર બરાકે-બરાકે સિપાહીઓ ફરી વળ્યા. ટેલિફોનથી પોલીસને ખબર કરવામાં આવી. ચારે દિશામાં ઘોડેસવારો દોડ્યા. સૂબેદારના ઘરમાં રોકકળ થઈ રહી. ઘરડે ઘડપણ સૂબેદારને આ એક માત્ર સંતાન સાંપડ્યું હતું. બીજાં ઘરોમાંથી સ્ત્રીઓ આવી અને સૂબેદારની સ્ત્રીને આશ્વાસન આપવા લાગી. બીબી ઊછળીઊછળીને જમીન ઉપર પછાડા ખાતી. સૂબેદારની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. આખી રાત દોડધામમાં ગઈ. સવાર થઈ. સૂબેદારે કે એની સ્ત્રીએ મોંમાં પાણીનું ટીપુંયે ઘાલ્યા સિવાય રડ્યા કીધું. તેઓની આંખો સૂજી ગઈ હતી. મોઢાં આંસુથી ખરડાઈને ભયંકર બની ગયાં હતાં. જેલના ઉપરી અમલદારો આવીને તેઓને આશ્વાસન આપી જતા હતા કે ચોવીશ કલાકમાં તેઓ ઉમરને હાજર કરી દેશે, પણ બીબીનું કે સૂબેદારનું મન માનતું નહોતું. બન્ને ઢગલો થઈને ઘરમાં પડ્યાં હતાં. બીબી વારેઘડીએ ઘૂંટણિયે પડી ખુદાની બંદગી કરતી હતી. ક્યારેકક્યારેક રડતી આંખે સૂબેદાર તરફ રોષે ભરાતી હતી. ફરી રાત પડી. વાતાવરણ શાંત હતું. આજે જરાજરા તારાઓ નીકળ્યા હતા. વરસાદ પણ મોળો પડી ગયો હતો. સૂબેદાર અને બીબી સામસામાં મોઢાં રાખી રડતાં બેઠાં હતાં. એવામાં છાપરા ઉપર કાંઈક અવાજ થયો. દડતુંદડતું કાંઈક નીચે આવી ફળિયામાં પડ્યું. સૂબેદાર બેબાકળો બની બહાર આવ્યો. જુએ છે તો કોઈ છોકરાનો કપાયેલો પગ ત્યાં પડેલો! નીચે નમી ઉપાડવા જાય છે ત્યાં ફરી છાપરા ઉપર દડદડાટ થયો, અને બીજો પગ જમીન ઉપર પછડાયો. ત્યાં તો એક હાથ... બીજો.... પાનખરનાં પાંદડાંની જેમ સૂબેદારનું હૈયું ફફડી ઊઠ્યું. એના મોઢા ઉપરનું નૂર ઊડી ગયું. બીબી ધ્રૂજતીધ્રૂજતી બત્તી હાથમાં ઝાલીને બારણામાં ઊભી હતી, ત્યાં ઝાડવાંઓ પાછળ સૂકાં પાંદડાંઓ કોઈના પગ નીચે કચરાઈ અવાજ કરવા લાગ્યાં. એક કાળી આકૃતિ નાસતી દેખાઈ. સૂબેદાર દાંત કચકચાવી, મૂઠીઓ વાળી એની પાછળ પડ્યો. બંનેએ જોરજોરથી દોડ્યા કીધું. અંતે નદીનો પટ આવી લાગ્યો. રેવામાં પૂર ચડ્યાં હતાં. બંને કાંઠાઓ છલોછલ ભરાઈ ગયા હતા. જેલની કાળી દીવાલો સાથે પાણી પછાડા ખાઈ આક્રંદ કરી રહ્યાં હતાં. ગંગારામ ઊભો રહ્યો. સૂબેદારની સામે ર્યો અને એક ભયાનક અટ્ટહાસ્ય કર્યું. સૂબેદાર પણ થોભ્યો. એણે પણ એક ભયાનક અટ્ટહાસ્ય કર્યું. ગંગારામ ફરી દોડવા લાગ્યો. ફરી સૂબેદાર એની પાછળ મૂઠીઓ વાળીને પડ્યો. નદીના પાણીમાં એક ધુબાકો થયો; થોડી વાર પછી એક બીજો ધુબાકો થયો.
— અને સવાર પડે ન પડે ત્યાં તો મહાસાગરના અગાધ ઊંડાણમાં બંને અલોપ થઈ ગયા!