ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/ઇન્સાન મિટા દૂંગા-નું કથયિતવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઇન્સાન મિટા દૂંગા-નું કથયિતવ્ય

ત્રીજા વર્ગના મુસાફરોની અગવડો દૂર કરવાનો જેમ પ્રતિષ્ઠિત પુરુષોને ત્રીજા વર્ગમાં મુસાફરી કરવી એ રાજમાર્ગ છે, તેમ જેલનાં દુ:ખો દૂર કરવા માટે નેતાઓએ સામાન્ય કેદીઓની સાથે અને તેમની માફક રહેવું એ જ એક ઉપાય છે. પણ બન્યું છે તો એથી તદ્દન ઊલટું જ. બે-ત્રણ વર્ષ પહેલાં એક શહીદના આત્મબલિદાનથી સરકારના કાન ચમક્યા અને પરિણામે જેલસુધારાનો જન્મ થયો. સરકારના સુધારાઓ પણ રાષ્ટ્રવિનાશ અને વર્ગવૈષમ્યને માટે યોજાયેલા હોય છે તેનો આથી સરસ બીજો દાખલો ભાગ્યે જ મળે છે. એ સુધારાઓ જાહેર કરવામાં આવ્યા, ત્યારે અનેક લોકોનાં મોઢાં મલકાયાં, પણ એમાં રહેલી ગુનેગાર કેદીઓ અને રાજદ્વારી કેદીઓને, સરદારો અને સૈનિકોને જુદા પાડી આપસમાં અંટસ ઊભી કરવાની વિચક્ષણ ચાતુરી બહુ જ ઓછા લોકો જોઈ શક્યા. એ સુધારાઓને પરિણામે ગુનેગાર કેદીઓ સાથે રહેવું અને એમના જીવનમાં પ્રવેશ કરવો અમારે માટે લગભગ અશક્ય થઈ પડ્યું. મુગલ શહેનશાહોની બેગમોની પેઠે અમને લગભગ ઓઝલ પડદામાં રાખવામાં આવતા અને એક જેલમાં તો અમારા વિભાગ આસપાસ પતરાંઓ જડી લઈ મુખદર્શન અટકાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં ગુનેગાર કેદીઓના જીવનનો અને દર્દોનો અભ્યાસ કરવો બહુ મુશ્કેલ હતો, છતાં ઓછામાં ઓછું એનું અવલોકન તો કરી જ લેવું એવો મારો સંકલ્પ હતો. ઓઝલ પડદામાંથી જે ઝાંખું ઝાંખુ જોયું, અનુભવ્યું અને સાંભળ્યું તે અહીં રજૂ કરું છું. કથાવસ્તુ અને કથાધ્વનિ જેલમાં જ વિચારી લીધાં હતાં. વિચાર તો એવો હતો, કે કથાને જેલમાં જ લખી નાખવી. પણ જો એનો જન્મ ત્યાં થાય તો મૃત્યુ પણ ત્યાં જ થાય એવો સંભવ હતો. બહાર આવતાં એટલું સ્વાસ્થ્ય મેળવતાં વાર થઈ અને લખતાં વિલંબ થયો.

આઠે પો’2 ચોકી-પહેરાની એ પરિસ્થિતિમાં સંપૂર્ણ અવલોકન મુશ્કેલ હતું. આ તો માત્ર અંગુલિનિર્દેશ છે; એ દુનિયા તો આથી અનેકગણાં કમકમાં ઉપજાવે તેવી છે અને કશું કબૂલ કરવાનું રહેતું હોય તો અલ્પોક્તિદોષ કબૂલ કરું છું.

કૃષ્ણલાલ શ્રીધરાણી


ભાવનગર

27-6-’31

0