ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/પીળું જાકીટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પીળું જાકીટ

મોટાભાઈના નાતરા માટે હરજીવન જ્યારે નગરથી પોતાને મૂળ વતન આવ્યો, ત્યારે ગામના જુવાનોની તે આદર્શમૂર્તિ થઈ પડ્યો. નગરના હેરકટિંગ સલૂનમાં કપાવેલાં એનાં લાંબાં જુલફાં, નગરના જ હજામને કાપતાં આવડે એવી એની અરધી મૂછો, મુસાભાઈ કરીમભાઈ એન્ડ સન્સમાંથી ખરીદેલા રબ્બરનાં તળિયાંવાળા સફેદ કંતાનના એના બૂટ અને તેમાં છીછરી અભિરુચિ વ્યક્ત કરતી રાતી વાધરી, રેશમી લીટીઓવાળું એનું ખમીસ, અને સૌથી વધારે એનું પીળા રંગનું રેશમી જાકીટ ગામના જુવાનોમાં ચોવીસે કલાકની ચર્ચાનો વિષય થઈ પડ્યાં. હાથમાં કપડાનું પોટકું લઈને વાણિયાની દુકાને જતાં કે કોકરનો થાળ લઈને સોપારી લેવા જતાં જ્યારે એ જરા છાતી ફુલાવી ગામડાની નાનકડી બજારમાંથી પસાર થતો, ત્યારે ગામના જુવાનો એની ઉપર બે ઘડી આંખો ઠેરવી રહેતા. નાનકડી હાટડીમાં બેઠાબેઠા બીડી વાળતા અભુ પાનવાળાની પાસેથી એ પસાર થતો, ત્યારે અભુના હાથમાં પાંદડું અને તમાકુ થંભી જતાં. ઢાળિયામાં વાંસલાથી હળ સમું કરતો 24 વર્ષનો કાનજી પણ બેઘડી વાંસલો પડતો મૂકી હોઠ પહોળા કરી હરજી તરફ મીટ માંડી રહેતો. વાણિયાની દુકાને ઘી વેચવા આવેલો ભીખા રબારીનો જુવાનજોધ ધનો પણ પોતાના ચકચકતા ગાલોના ગોળા કરી એની તરફ સહેજ હસી રહેતો. સૌ એના પરિચયમાં આવવા પ્રયત્ન કરતા; સૌ એના એક બોલને કૃપા સમાન સમજી કૃતાર્થતા અનુભવતા. હરજી આ બધું જોઈને મનમાં ને મનમાં ફુલાતો હતો; અને ક્યારેક એનું છીછરું મન કાબૂમાં ન રહેતાં એનાથી અકારણ મલકી પડાતું. છ જ વ2સ પહેલાં જેની સાથે ખેતરો ખૂંદ્યાં હતાં, જેની સાથે નદીમાંથી શંખલાં ને બઘોલાં વીણ્યાં હતાં એ હરજી ને પોતાની વચ્ચે આટલું અંતર જોઈને જુવાનો મનમાં ક્ષોભ અનુભવતા. છ વરસ પહેલાં જેની સાથે રામસંગ દરબારની ઘોડી છોડીને સીમમાં તગડાવી મૂકી હતી એ કાળા કુંભાને આજે હરજીનાં શહેરી નખરાં જોઈ મનમાં કાંઈક અકથ્ય ભાવ પેદા થતા હતા. હજી તો છ વરસ પર નદીની રેતમાં લડી પડતા અભુએ જેને ગડદેગડદે ગૂંદ્યો હતો એવા હરજીને હવે હરજીવનભાઈ કહેવો પડતો હતો. હવે તો કોઈ ‘હરજી’ કહે તો હરજીવનભાઈ એની સામે પણ ન જોતા. સાંજે જ્યારે હરજી નદી તરફ ફરવા નીકળ્યો, ત્યારે લાગ જોઈને તેને અભુ પાનવાળાએ બોલાવ્યો અને નગરની ગુજરીની હરાજીમાંથી એકવાર ખરીદેલી ભાંગેલી ખુરસી ઉપર એને બેસાડ્યો. આખું કૂંડું ફેંદી સરસ પાન કાઢી બહુ જ કાળજીથી ચોપડ્યું. પછી એક સરસ સોપારીનો ભૂકો કરી અંદર નાખ્યો, એક ડબલામાંથી પોતાને મન બહુ જ અજાયબીભરેલી અને કીમતી જીનતાનની ડબી કાઢી પાનમાં બે ગોળી મૂકી બીડું તૈયાર કર્યું અને બહુ જ જાળવીને એણે એ હરજીવનભાઈને આપ્યું. હરજીવન સહેજ હસ્યો અને પાન ચાવતાંચાવતાં રંગમાં આવ્યો. ત્યાં તો બધા જુવાનો ભેગા થઈ ગયા. વાંસલો અને કરવત ઘરમાં મૂકી કાનજી આવી પહોંચ્યો. નાથા લુહારનો વાલો પણ આવ્યો. ગાયભેંસોને માટે નેસમાંથી આવેલો ધનો પણ સૂંડલીને એક તરફ મૂકી ત્યાં ઊભો રહ્યો. ભગત ઢેઢના રણછોડ અને ભગવાન પણ શાળ એમ ને એમ મૂકી ટોળાંથી થોડા દૂર ઊભા રહી શું વાતો ચાલે છે તે આતુરતાથી સાંભળવા લાગ્યા. આમ અભુનો વકરો વધ્યો અને આખરે પાન ખૂટ્યાં ત્યારે એણે દુકાન બંધ કરી. સૌ નદીની રેતીમાં ગયા. હરજીએ ત્યાં સૌને શહેરના નાટકમાં આવતી ધોળી-ધોળી છોકરીઓની વાતો કરી; સિનેમામાં એક ટેકરા ઉપરથી બીજા ટેકરા ઉપર ઘોડો કુદાવી જતા પહેલવાનોની અને ધોળે દિવસે ગળામાંથી સફાઈથી હાર કાઢી જનાર ઠગારાઓની વાત કરી; સાતસાત જાતની ચટણીવાળી હોટેલોની વાતો કરી; એક આનામાં જ્યાં જવું હોય ત્યાં લઈ જતી મોટરગાડીઓની વાત કરી; અને અંતે અભુના ખૂબ આગ્રહથી એણે નાટકનું એક ગીત શરૂ કર્યું : ‘પિયુ પહેલી પેસેન્જરમાં આવજો.....’ શ્રોતાઓ એકરસ થઈ તાલ દેતા ‘વાહવાહ’ કરવા લાગ્યા. હરજીએ ગાયન પૂરું કર્યું ત્યારે તો સૌએ તેને વધાવી લીધો. પછી તો હરજીએ પોતે પીટ કલાસમાં બેઠાંબેઠાં સીટીઓ વગાડી અને પાટિયાં ઉપર પગો પછાડીને કેવી રીતે વન્સમોર પડાવ્યો હતો તેનું રસમય વર્ણન કર્યું; અને જ્યારે સાવ અંધારું થઈ ગયું, ત્યારે જે સાત દિવસ હરજી ગામમાં રહેવાનો હતો તે સાતે દિવસ સાંજે સૌએ નદીની રેતમાં ભેગા થવું અને પેલું ‘પિયુ પહેલી પેસેન્જરમાં આવજો’ એ ગાયન સાંભળવું એમ નક્કી કરી સૌ ઊઠ્યા. એ રાત્રે કોઈ જુવાનને ઊંઘ ન આવી. હરજીએ નાટક-સિનેમાની કરેલી વાતો, હરજીનું પેલું ગાયન, હરજીના લાલ વાધરીવાળા ધોળા બૂટ, તેનું રેશમી લીટીઓવાળું ખમીસ અને સૌથી છેલ્લે હરજીનું પેલું ચંપાના પરાગ જેવું પીળું જાકીટ સૌની આંખ સામે તરી રહ્યાં. થોડા દિવસ પછી એક દિવસ સાંજે બેચર સુતાર ચોરા પાસે આવ્યો, ત્યારે એણે ઉકા પટેલને અને ભીખા રબારીને કાંઈક ઊકળીને વાતો કરતા ભાળ્યા. કાળો લુહાર પણ વચમાં ટાપશી પૂરતો હતો અને ઓટલાની ધાર ઉપર સહેજ દૂર બેઠોબેઠો ભગત ઢેઢ પણ કાંઈક દુ:ખ રડતો હતો. ત્યાં તો મહાદેવના મંદિરના પૂજારી ઉમાશંકર મહારાજ પણ આવી લાગ્યા અને સૌએ ઊભા થઈ એમને પ્રણામ કર્યાં. પછી ધીમે ધીમે સૌ વાતોએ વળગ્યા. આ તો ગજબ થયો છે. મારા બંને જુવાનજોધ દીકરાઓ હવે વણવાનું બંધ કરી નગર જવાની હઠ લઈને બેઠા છે. હું બહુ સમજાવું છું, પણ કેમે કરીને માનતા નથી!’ ભગત ઢેઢ મનની વરાળ કાઢવા લાગ્યો. ‘બાપ-દાદાનો ધંધો છોડી હવેના જવાનોને નગરના મોહ લાગ્યા છે !’ ‘એનું નામ કળજગ, ભગત! જો જો તો ખરા, થોડાં વરસમાં આ નદીમાં કાંકરા ઊડશે કાંકરા!’ ઉમાશંકર મહારાજે પાઘડી પડખે મૂકીને પોતાના ગોળ પેટ ઉપર હાથ ફેરવતાંફેરવતાં શરૂ કર્યું. ‘ભગત, અમારે ત્યાંજ એ જ ધમરોળ મચ્યો છે.’ કાળા લુહારે શરૂ કર્યું: ‘વાલાએ નગરમાં જવાનું વેન લીધું છે; અને હું ભગવાનને માથે રાખી કહું છું કે ત્રણ દિવસથી એની માની આંખમાંથી આંસુ સુકાયાં નથી.’ કાળાએ હાથ લંબાવી અંગૂઠો અને પહેલી આંગળી ભેગી કરી મનની મૂંઝવણ પંચ પાસે ઠાલવી. ‘બધે ય એ જ મોકાણ મંડાણી લાગે છે!’ બેચર સુતારે મોઢું સહેજ ઊંચું કરી કરી, પગની પલાંઠી ફેરવી ચલાવ્યું: ‘મારા કાનિયાને પણ નગરનું ભૂત વળગ્યું છે! આ હું સાચું કહું છું કે છેલ્લા બે દિવસથી મેં કે એની માએ મોંમાં રોટલાનું બટકું નથી મૂક્યું. તોય એ પોતાની જિદ્દ નથી છોડતો. નગરમાં મિલના ધૂંવાડા ખાઈ ખાઈ ખે રોગ વળગશે એનો એને વિચાર સરખો યે નથી!’ ‘ઈ બધાં કામો ઓલા હરજીનાં છે,’ ઉકા પટેલે પોતાના અનુભવનું ડહાપણ વાપર્યું. ‘ઈ જ્યારથી ગામમાં આવ્યો છે ત્યારથી ગામના જુવાનોને ચાકડે ચડાવ્યા છે. સાંજે નદીમાં એવું ભૂખ જેવું ગાય છે, કે કાનના કીડા ખરે; ઉમાશંકર મહારાજ, સાચે જ કળજગ આવ્યો છે.’ ‘બીજું શું ત્યારે?’ ઉમાશંકર મહારાજે જમણા હાથે પહોળી ચોટલી ખંખેરતાં શરૂ કર્યું: ‘હું તો મારી નજર સામે આ ગામડાના કાળા દિવસ જોઈ રહ્યો છું. કારીગરના છોકરાઓ આમ બાપીકો ધંધો છોડી નગરમાં જાય તો ગામડાની લક્ષ્મી વણસી જવાની અને ત્યાં મારા બાપ! લુચ્ચા, લફંગા, નાટકસિનેમા, દારૂનાં પીઠાં, વેશ્..... ભોળા શંકર! જુવાનો વંઠી ન જાય તો બીજું શું થાય? આપણા બાપદાદા તે કાંઈ મૂર્ખા હશે તે........?

પણ જ્યારે આ વાતો ચાલતી હતી ત્યારે ગામથી દૂર આવેલા સ્ટેશને સાત જુવાનો નગરની ટિકિટ કઢાવતા હતા.

[‘કુમાર’ : ચૈત્ર, 1987]