ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/સમૂહગાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમૂહગાન





સમૂહગાન • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ



સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદી જી!

અવાજ ૧ :
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યાં છે
અટકળની આ વાત નથી, મેં થોડાં થોડાં ચાખ્યાં છે...
ઠેર ઠેર એની કાયામાં વમળ-વર્તુળો ઊઠે છે
ઊંડે તાણી જાય છે, મારા
શ્વાસો
ક્રમશઃ
તૂટે છે

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી

અવાજ ૨ :
મોડું-વ્હેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે
જળસમૂહને એક છોકરી તણખ્ખલાથી ખાળે છે
દીવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે?
મીણનો જથ્થો નષ્ટ થશે, પણ અજવાળાંઓ ફેલાશે

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી

અવાજ ૩ :
શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે!
રૂપ કોઈનું, અટકળથી પણ આગળ જઈને અટક્યું રે!
જાણે પંખી ડાળ મૂકીને, જાત હવામાં ફેંકે જી
અથવા દૈનિકમાંથી શીર્ષક, વાચક સુધી ઠેકે જી

સમૂહ :
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદી જી