ઉમાશંકરનો વાગ્વૈભવ/આ મહાનિબંધના પ્રકાશન નિમિત્તે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આ બીજા મહાનિબંધના પ્રકાશન નિમિત્તે...

‘ઉમાશંકર જોશી : સાહિત્યસર્જક અને વિવેચક’ – એ મથાળા હેઠળ, ગૂજરાત વિદ્યાપીઠમાં ‘વિદ્યાવાચસ્પતિ’ (પી.એચ.ડી.)ની પદવી માટે લખાયેલા મહાનિબંધનો આ બીજો ખંડ છે. આ ખંડમાં ઉમાશંકરે ગદ્યમાં કરેલા એમના આજ દિન સુધીમાં પ્રકાશિત સર્વ સર્જનકાર્યને આવરી લેવાયું છે. એ રીતે આ ખંડમાં નાટક, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, ચરિત્ર અને પ્રવાસ જેવા સાહિત્યપ્રકારોમાં ઉમાશંકરની કલમે જે કંઈ સર્જનકર્મ કર્યું છે તેની આસ્વાદમૂલક અવબોધકથા રજૂ કરવાનો આ એક પ્રયાસ છે. બને ત્યાં સુધી ઉમાશંકરના પદેપદને – એમના ગતિસંચાર તેમ જ દિશાલક્ષ્યને સતત નજરમાં રાખતાં એમનાં શીલ-શૈલીની જે કંઈ ખૂબી-ખાસિયતો મને વરતાઈ તેનું વિવરણ અહીં આપ્યું છે. આ લખાણ ઉમાશંકરના શબ્દ સાથે વાચકોનો હૃદયસેતુ રચી આપવામાં કોઈક રીતે ઉપયોગી થશે તો એનો મને આનંદ હશે. પ્રસ્તુત ખંડનો ઉપયોગ કરનાર વાચકમિત્રો આ મહાનિબંધનો પહેલો તથા ત્રીજો ખંડ પણ જોશે તો તેથી લાભ થશે. ઉમાશંકરના દેશકાળની, એમના ઘડતરનાં પરિબળો તથા એમના સર્જકવ્યક્તિત્વની તાસીરની વીગતો આ મહાનિબંધના પહેલા ખંડના પ્રારંભિક ભાગમાંથી તો આ મહાનિબંધના ત્રીજા ખંડમાં છેલ્લે ઉમાશંકરના જીવન-કવનની તવારીખ, એમના ગ્રંથોની યાદી તથા એમના વિશે અન્ય દ્વારા થયેલા સ્વાધ્યાયોની સંદર્ભસામગ્રી મળી રહેશે. ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠે મારા આ કાર્યના પ્રકાશનની જવાબદારી ઉપાડી લીધી તે બદલ ગુજરાતી સાહિત્ય પરિષદનો, અને રઘુવીરભાઈએ આ ગ્રંથના આવરણ ઉપર જે સુંદર લખાણ કરી આપ્યું તે બદલ તેમનો હું આભારી છું. આ ગ્રંથના લેખન-પ્રકાશન સુધીના વિવિધ તબક્કાઓમાં જેમની જેમની મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ મળી છે તે સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી વિરમું છું. રથયાત્રા, તા. ૪-૭-૨૦૦૮ ૯-બી, પૂર્ણેશ્વર ફ્લૅટ્સ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ – ૩૮૦૦૧૫ ચંદ્રકાન્ત શેઠ