ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/ટૂંકી વાર્તા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઉપસંહાર: ટૂંકી વાર્તા

ગુજરાતી ટૂંકી વાર્તાના વિકાસમાં ધૂમકેતુ, રામનારાયણ પાઠક (‘દ્વિરેફ’), સુન્દરમ્ વગેરે સાથે ઉમાશંકરનુંયે ગૌરવભર્યું સ્થાન છે. મનોવૈજ્ઞાનિક અભિગમવાળી વાર્તાઓ આપવા તરફનો એમનો ઝોક છે. આપણે ત્યાં ઘટનાલોપની વાત જોરશોરથી ચાલી તે પૂર્વે ઠીક ઠીક સમય અગાઉ ઉમાશંકરે એમની વાર્તાઓમાં ઘટનાને મુકાબલે ભાવપરિસ્થિતિને પ્રાધાન્ય આપવાનું આરંભી દીધું હતું. ઉમાશંકરે જે પ્રકારનાં વસ્તુ (‘થીમ’) જે રીતે વાર્તાઓમાં અજમાવ્યાં તે એમની સમૃદ્ધ વાર્તાકળાનાં દ્યોતક છે. જેમ એકાંકીઓમાં તેમ વાર્તાઓમાં પણ ગામડું અને શહેર નિરૂપણ પામે છે. ‘મળેલા જીવ’માં આવતો ચગડોળ પણ ‘શ્રાવણી મેળા’થી ફરતો થઈ ગયેલો જણાય છે. ઉમાશંકર ગ્રામજીવન – આદિવાસીજીવન તેમ જ નગર-જીવનના વસ્તુસંદર્ભો લેતાંય મહત્ત્વ તો આપે છે માનવમનનાં સૂક્ષ્મસંકુલ સંચલનોને. ઘટનાનિષ્ઠ વાર્તાઓથી માંડીને આંતરચેતનાપ્રવાહનિષ્ઠ વાર્તાઓ સુધીનાં વિવિધ વાર્તારૂપોમાં માનવમનના જ ગૂઢાનિગઢ સંચારોને ઉપસાવવાનો ઉપક્રમ તેઓ રચતા હોય છે. એ માટે યથાવશ્યક પ્રતીકયોજના, કથનરીતિ વગેરેય તેઓ અપનાવતા હોય છે. ઉમાશંકરે જેમ એકાંકી કેટલોક સમય ખૂબ ઝડપથી લખ્યાં, તેના બે સંગ્રહો આપ્યા અને પછી એમાં વિસામો પસંદ કર્યો તેમ ટૂંકી વાર્તાક્ષેત્રેય એમણે કર્યું છે ! એમની આ ‘વિસામો’ સર્જનપ્રતિભાને ઉપકારક એવો વિસામો જણાય છે ! અન્યથા એમની સર્જનપ્રતિભાના કવિતા જેવા પ્રકારોમાં તો અવિરામ સંચાર–સ્ફુરણો આયુષ્યના અંત સુધી ચાલુ રહ્યાનું આપણે જાણીએ છીએ.