ઉમાશંકરનો વાગ્વૈભવ/૨. મહાપ્રસ્થાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. મહાપ્રસ્થાન

‘પ્રાચીના’માં ડિસેમ્બર, ૧૯૩૯થી ૧૬, ઑગસ્ટ, ૧૯૪૪ સુધીમાં લખાયેલી સાત રચનાઓ આપવામાં આવેલી. ‘મહાપ્રસ્થાન’ પણ ‘પ્રાચીના’નો જ બીજો ભાગ છે. એ પણ કથાવસ્તુની દૃષ્ટિએ ‘પ્રાચીના’ જ છે. એમ છતાં એ સંગ્રહ એમાં ગ્રંથસ્થ થયેલ એક કૃતિ ‘મહાપ્રસ્થાન’નું શીર્ષક લઈને આવે છે. એમાં ગુજરાતી કવિતાનું ને એમની કવિતાનું પણ એક મહાપ્રસ્થાન જોઈ શકાય  જેમ ‘પ્રાચીના’માં તેમ આ સંગ્રહમાં પણ સાત સંવાદકાવ્યો છે. આ કાવ્યો ૩, એપ્રિલ, ૧૯૪૬થી ૧, ફેબ્રુઆરી, ૧૯૬૫ સુધીમાં લખાયેલાં છે. ‘મહાપ્રસ્થાન’ એ રીતે બે દાયકાના પદ્યનાટ્યલક્ષી પુરુષાર્થનું ફળ છે. ‘મહાપ્રસ્થાન’માં ‘મહાપ્રસ્થાન’, ‘યુદ્ધિષ્ઠિર’ અને ‘અર્જુન–ઉર્વશી’ તેમ જ ‘કચ’ પણ મહાભારતના કથાવસ્તુ પર આધારિત છે. ‘નિમંત્રણ’નું વસ્તુ મહા-પરિનિબ્બાન સુતાન્ત’(૨.૯૬)ના વૃત્તાન્ત પર આધારિત છે, જ્યારે ‘મંથરા’ અને ‘ભરત’નું વસ્તુ રામાયણ પર આધારિત છે. ‘મહાપ્રસ્થાન’માં પહેલી વાર કવિએ રામાયણના વસ્તુ પર ક્લમ ચલાવી છે. અને ઉમાશંકરની હૃદ્ગત ભાવનાને પ્રગટ કરનાર પાત્રોમાં કૃષ્ણ, યુદ્ધિષ્ઠિરની સાથે રામ પણ સમાવેશ પામે છે. ‘મહાપ્રસ્થાન’માં પણ કવિનો ચિંતા ને ચિંતનનો વિષય તો ધર્મ જ રહે છે. ઉશનસ્નો આ સંદર્ભમાં અભિપ્રાય આપણે નોંધ્યો જ છે.૨૬૬ ઉશનસ્ લખે છે  “માત્ર વિભાવનામાં પણ ‘પ્રાચીના’માં ધર્મસ્થાપક શ્રીકૃષ્ણ અને જેનું બીજું નામ જ ધર્મ છે એવા ધર્માત્મા યુધિષ્ઠિર અને ‘મહાપ્રસ્થાન’માં રામાયણી કૃતિઓમાં ધર્મગોપ્તા મહાત્મા રામ જ એમની સમગ્ર શક્તિને આહ્વાન દઈ રહ્યા છે.” ઉમાશંકરે ૧૯૫૪માં ‘યુધિષ્ઠિર’ને પોતાની સૌથી પ્રિય કૃતિ ગણાવી હતી અને એ વખતે એમણે એ પણ સ્પષ્ટતા કરેલી કે ‘ભવિષ્યમાં ક્યારેક મારે હાથે કશુંક સારું રચાઈ આવે તો એ સાથે કદાચ એનો કાંઈક સંબંધ હશે.’ અર્થાત્ એક સર્જક તરીકેના પોતાના સંભવિત વિકાસ સાથે ‘યુધિષ્ઠિર’ કૃતિનો મૂલગત સંબંધ હોવાની માન્યતા તેમણે દર્શાવેલી.૨૬૭ ઉમાશંકરનો આદર્શ છે સંવાદ (‘હાર્મની’). એ સંવાદ કેવળ કલ્પનાનો નહિ વિચારધર્મ તેમ આચારધર્મનો પણ વિષય છે. સંવાદ વાસ્તવ ને ભાવના વચ્ચે કવનમાં ને જીવનમાંયે જરૂરી. આ સંવાદ-સાધનામાં વિવેકધર્મ–ધર્મવિવેક તો અનિવાર્ય હોય જ. ને તેથી એમની પસંદગી એવાં પાત્રો તરફ – એવી ઘટનાઓ તરફ વળી, જેમાંથી વિવેકધર્મનો – ધર્મવિવેકનો સનાતન અર્થ નિષ્પન્ન થતો હોય. કવિની સંવાદસાધના માનવજીવનના સનાતન અંશોની ખોજ વિના તો આગળ જ વધી ન શકે ને એવી ખોજ માટે સહેજેય વ્યાપક ને ગહન જીવનક્ષેત્ર – જીવનફલક અનુકૂળ થઈ પડે. કવિની સંવાદતત્ત્વની – સનાતન અંશોની મૃગયા જ એમને આપણા પ્રાચીન તપોવનમાં – કુરુક્ષેત્ર – ધર્મક્ષેત્રમાં લઈ ગઈ. એમની સંવાદસાધના આ રીતે દેશ અને કાળના પરિમાણમાં વિસ્તરી – લંબાઈ અને એના પરિપાકરૂપે ‘પ્રાચીના’નો તો તે પછી ‘મહાપ્રસ્થાન’નો અવતાર શક્ય બન્યો. કેવળ પદ્યનાટકની ખોજ માટે થઈને ‘પ્રાચીના’ – ‘મહાપ્રસ્થાન’નો કવિતાવ્યાપાર ચાલ્યો છે એમ કહેવું તે અર્ધોક્તિ-ન્યૂનોક્તિ છે, અધૂરું વિધાન છે. કવિએ ઘણું આઘેનું અને ઘણું ઊંડું આ કૃતિઓમાં તો તાક્યું છે એમ એમનાં વાક્સિદ્ધિ ને જીવનદર્શનને ખ્યાલમાં રાખતાં કહેવું પડે. કવિએ શબ્દ ને અર્થના, ભાવ ને છંદોલયના, વસ્તુ ને રીતિના, વર્ણન ને દર્શનના, સંયમ ને મુક્તિના, વાસ્તવ ને આદર્શના – એ રીતે અનેકાનેક સ્તરોના સંવાદ માટેની જિકર કોઈ ને કોઈ રીતે એમની કાવ્યસાધનામાં પ્રગટ કરી જ છે. આ કાવ્યકૃતિઓ માટેનું જયંતિ દલાલનું વિધાન – ‘છંદની ખોજ છે અને નાટકને તો એમાં નિમિત્ત બનાવ્યું છે’ – સર્વથા યોગ્ય નથી; કેમ કે, છંદની ખોજમાંયે કવિનો ઊંડો રસ તો સંવાદની ખોજનો જ છે. એ જ ખોજ આ પદ્ય તરફ ઉમાશંકરને પ્રેરી ગઈ નથી  દિગીશ મહેતાએ ‘વિશ્વમાનવ’ને ઉપક્રમે યોજાયેલા પદ્યનાટક વિષેના પરિસંવાદમાં ‘પદ્યનાટકની વિભાવના’ વિશે બોલતાં એક માર્મિક વાત કરેલી  ‘નાટકકાર પદ્યનો આશરો લે છે, કેમ કે તેને વિશ્વમાં કોઈક અન્વય શોધવો છે; અને વાક્યના અન્વય (Syntax) દ્વારા જ તે વિશ્વમાં અન્વય જોઈ શકશે...’૨૬૮ ઉમાશંકરના પદ્યનાટકના પુરુષાર્થમાં અજાણતાંય આવી કોઈ અન્વય-અપેક્ષા ‘સંવાદની ખોજ’ અંગેની રહી હોય એવો સંભવ છે. એ અન્વય-અપેક્ષા અધૂરી હોય તો એટલી કવિની સાધનાની મર્યાદા. પણ આ કવિનો રસ્તો – એમની દિશા તો આ અન્વય-ખોજમાં જ હોય એવો તર્ક સલામતીથી કરી શકાય તેમ છે. ઉમાશંકરે ‘પ્રાચીના’થી ‘મહાપ્રસ્થાન’ સુધીમાં, દર્શનની વાત ન કરીએ તો, પદ્યનાટકનાં છંદ – ભાષા પરત્વે ઠીક ઠીક પ્રગતિ સાધી હોવાની પ્રતીતિ થાય છે. આ ‘મહાપ્રસ્થાન’માંની કૃતિઓ પણ પદ્યનાટક હોવાનું ખુદ કવિ પણ બેધડક રીતે કહી શકતા નથી. દલાલે ઉમાશંકરને પૂછેલું  “ઉમાશંકર, તમે ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’ને નાટક ન કહેતાં કાવ્ય કેમ કહ્યાં ” પહેલો જવાબ તો સર્વાંશે ઉમાશંકરીય હતો  ‘નથી માટે.’ આ ઉત્તરનું શ્રી દલાલ વિવરણ કરતાં લખે છે  ‘મારે કહેવાનું હતું કે નાટક ન કહીને, લખનારે પોતાની અપેક્ષાઓ અને નાટકનાં અભિપ્રેત મુખ્ય અંગોની નાટકમાં આવશ્યકતા વિશેનો આગ્રહ સ્પષ્ટ કરી બતાવ્યો છે.૨૬૯ ઉમાશંકરે પોતે પણ ‘પ્રશ્નોત્તરી’(કવિનો શબ્દ, પૃ.૨૫૬)માં પદ્યનાટક વિશેની પોતાની અપેક્ષા અભિવ્યક્ત કરતાં કહ્યું છે  ‘પદ્યનાટકનો આધાર તો છે તેને અંગેની કોઈ વિશિષ્ટ સંકુલ અનુભૂતિ ઉપર જે અનેક દૃશ્યોમાં, અનેક પરિસ્થિતિઓ દ્વારા પાત્રોના સંવેગોની પરસ્પરની અથડામણોમાંથી નીપજતા સંતર્પક સમન્વયરૂપે, એક બૃહદ કલાઆકારરૂપે પ્રગટી રહે.’ વળી તેમણે ‘પ્રાચીના’ – ‘મહાપ્રસ્થાન’ સંદર્ભે વાત કરતાં ‘એકાંકી સિવાયની સળંગ પદ્યનાટક રચના આપવાનો આ બે પુસ્તકોમાં ઉપક્રમ નથી’ એમ કહી આ રચનાઓને કેવળ કાવ્ય તરીકે જોવાય – મૂલવાય એ એમને અભિષ્ટ નથી એમ પણ સૂચવી દીધું છે. ‘મહાપ્રસ્થાન’ના પૂંઠા પર “ ‘મહાપ્રસ્થાન’ એ ‘પ્રાચીના’નો સગોત્ર કાવ્યસંપુટ છે.” – એમ લખવામાં આવ્યું છે, પરંતુ એને કેવળ કાવ્યસંપુટ તરીકે જોવો એવો અર્થ તો એ આખી કંડિકા જોતાં લેવાય એમ નથી. એમાં તુરત જ ‘પ્રાચીના’ સાથેની એની સગોત્રતા જણાવ્યા પછી લખવામાં આવ્યું છે  “ગુજરાતીમાં પદ્યનાટક અવતારવાની શક્યતાઓ ખેડવાની દિશામાં આ બંને કાવ્યસપ્તકો દ્વારા કર્તાના પ્રયત્નો ચાલુ રહ્યા છે. છંદ બોલચાલની ભાષાભંગીઓ ઝીલી શકે અને જરૂર પડ્યે પંખાળા ઘોડાની પેઠે કલ્પનોડ્ડયનની તકને પણ પહોંચી વળે તે રીતે એને યોજવાની દિશામાં – રંગભૂમિ માટેનું પદ્ય વિકસાવવાની દિશામાં લેખકના પ્રયોગો ‘મહાપ્રસ્થાન’માં આગળ ડગલું ભરે છે... નાટ્ય-કવિતાના પ્રયોગો તરીકે આ રચનાઓમાં શબ્દલય, ભાવલય, સમગ્ર સંદર્ભ કેવો કલાઆકાર પામે છે, એ કાવ્યરસિકો જોશે જ.” ‘મહાપ્રસ્થાન’ની કૃતિઓને, આ કથનાનુસાર, ‘નાટ્ય-કવિતાના પ્રયોગો’ તરીકે અવલોકવી ઘટે. નાટ્યકવિતા ઉમાશંકરના સર્જક-વ્યક્તિત્વ માટેની એક અનિવાર્યતા છે. ‘હું બોલ્યો’ એમ કહેવું હોય – એ જ પ્રસ્તુત હોય ત્યાં ‘બોલાયેલું’ એમ લખવામાં એમને અનુકૂળતા દેખાય છે  ‘હું’ને ગાળવા–ટાળવાના એક ઉપાય તરીકે પણ નાટ્યવિધાનની પ્રક્રિયામાં એમનાથી ઢળાયું હોય. ‘હું’ને ટકવા–બચવા માટેય પાત્રોનું ઓઠું – વસ્તુગત સંવિધાનનો પ્રપંચ કદાચ માફક આવે અને હુંની – મનુષ્યની પ્રતિષ્ઠા – અસ્મિતાના લાભમાં સહેજેય – અસંપ્રજ્ઞાતભાવે પણ આ નાટ્યસ્વરૂપનો આશ્રય અન્ય કાવ્યપ્રકારોને મુકાબલે કવિને વધુ કામયાબ – વધુ રુચિ-અનુકૂળ જણાયો હોય. ગમે તેમ, પણ ઉમાશંકરના સર્જક-વ્યક્તિત્વને જેમ સૉનેટ, જેમ એકાંકી, તેમ આ પદ્યનાટ્યગત માળખામાં વિહરવાનું – એમાં સાહસિક ઉપક્રમો યોજવાનું વધુ ગમ્યું છે. એમની આત્મલક્ષી સર્જક-પ્રકૃતિને વસ્તુલક્ષી, દૃઢઆકૃતિનિષ્ઠ વાક્સંરચનાઓમાં સતત અને પ્રમાણમાં વધારે રસ પડ્યો જણાય છે. સ્વચ્છંદ માટેની જિકર ને સંયમ માટેનો આદર – આ બંને તત્ત્વોએ પદ્યનાટ્યની ખોજમાં – પદ્યનાટ્યના માધ્યમની ખોજમાં દૂરગામી અસર કરી જણાય છે.S આ કવિએ જીવનમાં તેમ કળામાં સંવાદની ખોજના અનુષંગે, ધર્મ-સંયમનાં અને સૌષ્ઠવ-સમન્વયનાં પરિબળોનો સ્વાભાવિક જ મહત્તા સમર્પી જણાય છે ને તેથી કવિનાં સર્જનાત્મક વલણો પરંપરાનાં સત્યનિષ્ઠ અર્થઘટનોમાં અને પરંપરાના સત્યપૂત અભિનવ અભિવ્યક્તિ-પ્રયોગોમાંથી સનાતનતાનાં – અનંતતાનાં સંદર્ભ-પરિમાણોને ઉપસાવવામાં પ્રગટ થાય છે. ‘મહાપ્રસ્થાન’માં કવિએ સત્યનું દર્શન કરવા–કરાવવા માટે પ્રાચીન પરંપરામાંથી – અનંત જીવનમાંથી જે ક્ષણો પસંદ કરી છે તેમાં જ અમૃતતત્ત્વોનો, સંજીવનીનો કોઈ અંશ સ્ફુરતો જોવા મળે છે. કવિની વાણી જેટલી એકાગ્રતાથી એ અંશને પ્રત્યક્ષ કરવા મથે છે એટલું એ કાવ્ય સફળતા પામે છે. એ રીતે જોઈએ તો આ કૃતિઓ આત્માની અમૃત-કલાનો ભાષામાં યત્કિંચિત્ સાક્ષાત્કાર કરવા-કરાવવાના પ્રામાણિક પ્રયાસો છે. કેવળ સ્વરૂપ નહિ, વસ્તુતત્ત્વ પણ અહીં મહત્ત્વનું બની રહે છે. આ કાવ્યોનું હવે ક્રમશ: વસ્તુ-સ્વરૂપ તપાસવાનો ઉપક્રમ આપણો રહેશે. ૧. ‘મહાપ્રસ્થાન’ ‘મહાપ્રસ્થાન’નો વિષય કવિએ મહાભારતના મહાપ્રસ્થાનિક પર્વના બીજા તેમ જ ત્રીજા અધ્યાયમાંથી લીધો છે. કવિએ મહાભારતનો ઘટનાક્રમ સ્વીકાર્યો છે; પરંતુ એને પોતાની કલાના પ્રભાવે કરીને ત્રીજું–ચોથું પરિમાણ સમર્પ્યું છે. મૂળ ઘટનામાં પાત્રોમાં ઘનત્વ–ગહરાઈ ઓછાં લાગે; અહીં એ સારી રીતે આવી શક્યાં છે. પાત્રભેદની રેખાઓ સબળ રીતે, અર્થપૂર્ણ રીતે અહીં ઊપસી શકી છે. મૂળમાં હિમાલય ઉલ્લંઘ્યા પછી, મેરુદર્શન થાય છે ને કાવ્યગત ઘટનાઓ પછી ઘટે છે. અહીં કવિના હિમાદ્રિદર્શને ‘હિમાલય’ જ અભિપ્રેત છે. લૌકિક માન્યતા પણ પાંડવોના હિમાલયગમનની છે. વળી મૂળમાં ઇન્દ્ર યુધિષ્ઠિર પ્રત્યક્ષ થઈ તેમને રથારૂઢ થવા વિનંતી કરે છે. આ કાવ્યમાં કવિ મૂળનો એ સ્થૂલાંશ ઓછો કરે છે. ઇન્દ્ર કે ધર્મ (‘તેને તરછોડવાનું ક્હેનાર હો ભલે ઇન્દ્ર હો વા સ્વયં ધર્મ’ એમ યુધિષ્ઠિર કહે છે; પાછળથી યમદેવનો ‘ઇન્દ્ર-રથ’નો નિર્દેશ શ્વાનને તરછોડવાનું કહેનાર અવાજ ઇન્દ્રનો હોવાની માન્યતા પ્રતિ આપણને પ્રેરે છે.) યુધિષ્ઠિરની પ્રત્યક્ષ થતા નથી. યુધિષ્ઠિરની પ્રત્યક્ષ થાય છે યમદેવ. યમ જ શ્વાનનું રૂપ લઈ યુધિષ્ઠિરની પૂંઠે આવેલ એવી અહીં રજૂઆત છે, મૂળમાં તો `धर्मस्वरूपी भगवान्' શ્વાનરૂપે આવેલ હોય છે. વળી મૂળમાં ઇન્દ્ર-યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ અહીંના સંવાદથી કંઈક લાંબો ચાલે છે. વસ્તુગ્રથનની દૃષ્ટિએ, વસ્તુને બહલાવવાની દૃષ્ટિએ, મૂળના ‘મહાપ્રસ્થાન’થી આ ‘મહાપ્રસ્થાન’ વધુ સુશ્લિષ્ટ, રસિક અને મર્મવેધક બની શક્યું છે. ઉમાશંકરની વ્યાસના હાર્દને પામવાની ઊડી સહૃદયતા અર્થાત્ ભાવયિત્રી પ્રતિભાની ઉન્મેષપ્રભા તેમ કારયિત્રી પ્રતિભાની દીપ્તિકલા અહીં સમવાયસંબંધે ઉત્કૃષ્ટ પરિણામ લાવી શકી છે. કાવ્યનો આરંભ થાય છે કાવ્યના ધીરોદાત્ત નાયક યુધિષ્ઠિરની ઉક્તિથી. યુધિષ્ઠિર હિમાદ્રિદૃશ્યનો નિર્દેશ કરી સ્થળ-કાલ, દૃશ્યસંનિવેશનું સૂચન તો કરી લે છે, તે સાથે એ સ્થળકાળ સાથેના પોતાના રહસ્યપૂર્ણ આંતર સંબંધનું સૂચન પણ કરે છે. વળી યુધિષ્ઠિર હિમાદ્રિથીયે ચારિત્ર્યલક્ષ્મી વડે ઉચ્ચતર ને શુભ્રતર એવા પુરુષોત્તમ, પ્રબુદ્ધ, મહામનીષી એવા કૃષ્ણના અભાવનો નિર્દેશ કરી, આરંભે જ કૃષ્ણસ્મરણથી વાતાવરણમાં કૃષ્ણના મહિમાને સંચારિત કરી દે છે. હિમાદ્રિ પાસે પહોંચ્યા પણ હિમાદ્રિનાયે હિમાદ્રિ જેવા કૃષ્ણ ગયા  કૃષ્ણ એક અર્થમાં ગયા અને એ ખોટ જ એવી મહાન છે કે તેથી હવે જે કંઈ જવાનું એ તો કદાચ એને મુકાબલે ઓછું ઉદ્વેગકર હશે. કૃષ્ણ જ્યારે નથી, જ્યારે કેવળ અંતર્યામીરૂપે જ છે ત્યારે જ એમની વ્યાપકતા, એમની હસ્તી વધુ ઉત્કટ રીતે અનુભવાય છે  ‘ક્યાં છે કૃષ્ણ ’ના યુધિષ્ઠિરના ઉદ્ગારનો અન્ય સૌ પાત્રો પડઘો પાડી રહે છે. યુધિષ્ઠિરના પ્રશ્નમાં સૌનો પ્રશ્ન રહેલો છે. કૃષ્ણ નથી. અર્જુન તો કહે છે  ‘કૃષ્ણલૂખું જીવન જે એ જ મૃત્યુ.’ આ અર્જુનવિધાનના સંદર્ભમાં સહદેવ-ઉચ્ચરિત ‘મૃત્યુયાત્રી’ શબ્દ વિશિષ્ટ અર્થસંપત્તિ ધારણ કરે છે. આરંભની છ પંક્તિઓમાં છયે પાત્રો દ્વારા ‘કૃષ્ણ’ના છ વાર (આ સંખ્યા પણ સૂચક છે, કૃષ્ણપ્રીતિની.) પડઘા પડી રહે છે  કૃષ્ણવિહોણા જીવનમાં હવે આ પાંડવોને – દ્રૌપદીને રસ રહ્યો નથી. યુધિષ્ઠિર કુરુક્ષેત્રમાં સ્થિર રહી શક્યા, આ કૃષ્ણવિહોણા મૃત્યુક્ષેત્રમાં કેમ સ્થિર રહે છે તે જોવાનું રહે છે. આ કાવ્ય એ રીતે યુધિષ્ઠિરની યુધિ-સ્થિરતાના સાક્ષાત્કારનું કાવ્ય બની રહે છે. કુરુક્ષેત્ર પર ચાલ્યું એનાથી ક્યાંયે ભીષણ યુદ્ધ તો કદાચ હવે છે. મૃત્યુની દિશામાં મહાપ્રસ્થાન ને તે કૃષ્ણના મહાપ્રસ્થાન પછી  મૃત્યુની દિશામાંયે અંતર્યામી કૃષ્ણનું સારથિત્વ વિશિષ્ટ અર્થમાં ખરું જ. યુધિષ્ઠિર સાથે ચારેય બંધુઓ અને દ્રૌપદી ચાલે છે. મૃત્યુશીળી હિમશય્યા તો એમની પ્રતીક્ષા કરે જ છે. કોઈ અવરોધ એમની મૃત્યુ-ગતિને નથી. કેવળ શૂન્યતા  સંઘર્ષનો નિ:શેષ અભાવ, ને એમાં જ સ્વ-સ્થ રહેવાનું વધારેમાં વધારે કઠિન બની રહે છે. યુધિષ્ઠિર આગળ ધપે છે. દ્રૌપદીનું પતન થાય છે. બળવાન ભીમ એને ‘થાકી ગઈ કે’ પૂછીને ઊંચકવા કરે છે પણ ‘નથી અરે ઊંચલાતી’ એમ કહે છે  યુધિષ્ઠિર તુરત કહે છે  “ભીમ, લાક્ષાગૃહે થકી જનેતા સમેત ચાર
બંધુને ઉપાડી દોડ્યો ભોંયરે તું એકેશ્વાસે,
હતો એયે સમય, આ સમય છે જુદો, ભાર
સ્વ-કર્મનો ઉઠાવીને ચાલી શકે એ જ આજે
ઘણું તારે માટે.” (સમગ્ર કવિતા, પૃ.૫૮૧) યુધિષ્ઠિરની વાણી આ દારુણ ક્ષણોમાંયે ધર્મના લક્ષ્યને નોંધીને જ ચાલે છે. વિધિની વક્રગતિનો ખ્યાલ આપતા જઈ, ધર્મના ગુહાનિહિત અંતરતમ – નિગૂઢ રહસ્યને પ્રગટ કરવાની એકેએક તકને સતત જાગૃતિથી ઝડપી લે છે. જે કંઈ બને છે તેનું યુધિષ્ઠિરના ધર્મના કાંટામાં તુરત તોલન થઈ જાય છે, ‘અનંતતાનાં માપે’ મપાઈને બધાંનાં સત્ત્વની હવે અંતિમ કસોટી થાય છે. એ કસોટી લેનાર તો યુધિષ્ઠિર પણ નથી, એય તો ધર્મનો કાંટો ધારણ કરનાર દાંડી માત્ર છે. દાંડી પકડનાર નિયતિ અદીઠ છે. કસોટીનાં પરિણામ કહેનાર યુધિષ્ઠિર પોતે કસોટી દેનાર પણ છે જ ને એ સ્તો ખૂબી છે આ મહાપ્રસ્થાનના સમયની. યુધિષ્ઠિર દ્રૌપદી પડે છે ત્યારે ‘યાત્રા છે શેષ...’ એમ કહે છે ખરા, પરંતુ દ્રૌપદી સમજી ગઈ છે કે હવે પોતા માટે તો વિદાયની આ અંતિમ ઘડી છે. દ્રૌપદીનું એટલું સૌભાગ્ય કે પાંચેય પતિઓની આંખોની અમીછાયા નીચે એને યાત્રા પૂરી કરવાની થઈ. તે છેલ્લી વેળા પોતાની અગ્નિજિહ્વાએ કોઈને આઘાત લાગ્યો હોય તો તેની ક્ષમા માગે છે; તેમાંય ધર્મરાજની તો ખાસ. પાંચાલી વિરમે છે ત્યારે સહદેવ તુરત કહે છે  ‘પાંચ આંગળીઓ જેવા
 હતા પાંચેય પાંડવ;
વળી જે મુક્કી તે કિંતુ
 દ્રૌપદીના પ્રભાવથી.’ (સમગ્ર કવિતા, પૃ.૫૮૨) સહદેવની આ ઉક્તિ દ્રૌપદીને માટેની સાચી અંજલિ બની રહે છે. ઉમાશંકરે ‘મહાભારતમાં માનવતા’ લેખમાં આ શ્લોકનો હવાલો આપી કહ્યું છે કે ‘મારે જો મહાભારતમાં એકાદ શ્લોક ઘુસાડવાનો હોય તો કાંઈક આવી મતલબનો શ્લોક વૈવાહિક પર્વમાં મૂકી દઉં.’૨૭૦ યુધિષ્ઠિર પણ સહદેવની જેમ દ્રૌપદીને સમુચિત વાણીમાં ન્યાય આપતાં કહે છે  ‘હવે અમે અગ્નિહીન સમિધ-શા જગયજ્ઞે.’ (સમગ્ર કવિતા, પૃ.૫૮૨) અર્જુન હૃદયભેદક રીતે ચિત્કારી ઊઠે છે  ‘કૃષ્ણે તજ્યા, તજ્યા હવે, કૃષ્ણા, તેંયે ’ (સમગ્ર કવિતા, પૃ.૫૮૨) ને આમ કહેનાર અર્જુનના બળપરાક્રમમાં – સાહસકર્મમાં કૃષ્ણ-કૃષ્ણાનાં પ્રેરણા, માર્ગદર્શન, પ્રોત્સાહન આદિનું તુરત સ્મરણ થાય. કૃષ્ણ ગયા, કૃષ્ણા ગઈ. અર્જુનનું તો અર્જુનત્વ જ જાણે સરી ગયું  દ્રૌપદીની સ્નેહાર્દ્રતા પણ અહીં ખાસ ઉલ્લેખ પામી છે. યુધિષ્ઠિર દ્રૌપદી પ્રત્યેનાં પોતાનાં કર્મોનો ન્યાય તોલે છે  દ્રૌપદીના કોડ પોતે કઈ રીતે છૂંદ્યા તે બતાવે છે. દ્રૌપદી એ બધું ભૂલી જવા યુધિષ્ઠિરને કહે છે. કર્ણના અન્યાયનો ખ્યાલ જીવનની અંતિમ વેળાએ પણ તેના ચિત્તમાંથી ખસ્યો નથી. યુધિષ્ઠિર જાણે ધર્માસને – ન્યાયાસને આરૂઢ હોય તેમ ચુકાદાઓ આપતા જાય છે; પોતાની માતાનોય દોષ કાઢતાં ખમચાતા નથી. આ સામે દ્રૌપદી ‘બસ કરો’ એમ યુધિષ્ઠિરને દોષદર્શન કરતાં અટકાવી કહે છે  ‘માતા તણો વિષમ જે ધર્મ, મને | ગમ ના કશીય તેની.’ (સમગ્ર કવિતા, ૫૮૨) તે પોતાનું (એક નારીનું હોઈ શકે એવું) મહાન દુર્ભાગ્ય બતાવી રહે છે  ‘નથી માતા.’ જીવનભર માત્ર ‘પત્ની’ તરીકે જ જીવવાનું થયું – પાંચેયની અનુગામિની તરીકે તે જીવી. યુધિષ્ઠિર એની બધાનાંથી વહેલાં થયેલી વિદાય નોંધે છે. અર્જુનાદિ ‘કૃષ્ણા’ કહીને રહી જાય છે. ત્યાં યુધિષ્ઠિર જાણે ‘કૃષ્ણા’ના પ્રતિઘોષરૂપે ‘તૃષ્ણા’ સાંભળે છે. યુધિષ્ઠિર દ્રૌપદીનો સૂક્ષ્મતમ – અંતરતમ પરિચય આપે છે. એ પરિચય સૂક્ષ્મતમ હોવાથી જ અપૂર્વ છે. તેઓ કહે છે  ‘સંસારની | તૃષાનું તીવ્ર સ્વરૂપ હતી એ નારી...’ (સમગ્ર કવિતા, પૃ.૫૮૩) દ્રૌપદીએ આ પૂર્વે ‘હું સદાભૂખી અગ્નિજ્વાલા ઊર્ધ્વશિખ’ એમ પોતાનો પરિચય આપ્યો જ હતો. ભીમ દ્રૌપદીની આયુર્જ્યોત સૌપ્રથમ શા માટે બુઝાઈ ગઈ તે જાણવા ઇચ્છે છે. યુધિષ્ઠિર ત્યારે જીરવવું કપરું એવું સત્ય પાંચાલી વિશેનું ભીમને જણાવે છે. એ સત્ય હતું આ  ‘પાંચેમાં અર્જુન પ્રતિ હતો પક્ષપાત તેનો.’ (સમગ્ર કવિતા, પૃ. ૫૮૩) પણ જે અર્જુન પ્રત્યે પક્ષપાત હતો તે અર્જુનને યુધિષ્ઠિરના નિમિત્તે જ વનવાસે જવું પડ્યું  ‘મત્સ્યવેધ જેહ | કરનારો તેને અરે દ્રૌપદીવિયોગ ’ જે અર્જુન પ્રત્યે અંદરથી પક્ષપાત, તે સુભદ્રાને લાવ્યો. દ્રૌપદીનાં અપમાનો ‘સમારનાર’ (શબ્દ કેટલા અન્વર્થક છે ) ભીમ તે પણ પહેલો હિડિમ્બાનો, પછી જ દ્રૌપદીનો. કર્ણે તો ભરી સભામાં કહેલું  ‘પાંચ | પતિએ તું અનાથા છે, પાંચાલી.’ (સમગ્ર કવિતા, પૃ.૫૮૩) ખરી કસોટીવેળાએ, અહીં અર્જુન કહે છે તેમ, દ્રૌપદીને સહાયભૂત થયા દ્વારકાવાસી કૃષ્ણ  દ્રૌપદીનું આવું વિધિની વક્રતાઓને ભોગ બનેલું જીવન જોતાં અર્જુનને થાય છે  ‘કેવું છે અકળ અરે | માનવજીવન, કેવાં અકળ છે પુરુષ ને નારી ’ (સમગ્ર કવિતા, પૃ.૫૮૩-૪) યુધિષ્ઠિરને પણ થાય છે  ‘ભારતે જોઈ | નારી તો ગાંધારી, નારી દ્રૌપદી; – ને બંનેયનાં | જીવન કેવાં વિક્ષિપ્ત, વિષમ, વિશીર્ણ, અરે | ક્યારેક તો નિ:સાર શાં ભાસે.’ (સમગ્ર કવિતા, પૃ. ૫૮૪) એ જ યુધિષ્ઠિર પાછા કહે છે  ‘અગાધકરુણ મહાનારીનું જીવન ખરે.’ (સમગ્ર કવિતા, ૫૮૪) તેઓ ભીમને જ એક મર્મવેધક પ્રશ્ન કરે છે  ‘પંચપતિમાંથી કોઈ એકના ઢળ્યા પછી તે | મૃત્યુ પામી હોત એ તું વિચાર સાંખી શકે કે  (સમગ્ર કવિતા, પૃ. ૫૮૪) ભીમની પાસે એનો ઉત્તર નથી. દ્રૌપદીના પડ્યા પછી મૂળ મહાભારતના ક્રમાનુસાર સહદેવ પડે છે. સહદેવના પડવા સાથે જ યુધિષ્ઠિરના ચિત્તમાંથી ‘માદ્રેય ’નો ઉદ્ગાર નીકળી પડે છે ને ‘કૌન્તેય’ તરીકે પોતાને પહેલાં પડવાની તક મળે એમ વાંછે છે. સહદેવ પડતાં પડતાં કહે છે કે ‘પાંચાલી પછી હું જ જાઉં એ બરોબર છે, કેમ કે એની વિમાનના સ્પષ્ટ રીતે જોઈ શકવા છતાં હું મૂક રહેતો હતો, મારાથી એ વિમાનના સામે કશું જ થતું નહોતું. જીવનભર જો એને સાથ ન આપી શકાયો તો છેવટે અંતે તો સાથ આપું ’ જીવનભર મૌનનું તાળું સહીને મૃત્યુવત્ સ્થિતિનો અનુભવ કર્યો હતો એનો પણ છેલ્લે છેલ્લે તે નિર્દેશ કરી લે છે. એને માટે હવે આવેલ મૃત્યુ તો જરાય વિક્ષેપકર રહેવાનું નથી. સહદેવ બધાંની અંતિમ વિદાય લઈ લે છે ત્યાર બાદ ભીમ યુધિષ્ઠિરને સહદેવના પતન વિશે પૂછે છે. ભીમ ‘મહાપ્રસ્થાન’ કૃતિમાં સાદ્યંત એક જિજ્ઞાસુ – પૃચ્છક તરીકે પ્રશ્નો કરતો રહે છે અને યુધિષ્ઠિર જાણે કે સર્વજ્ઞની રીતે એના મનનું સમાધાન કરે છે. એ રીતિ એકવિધતા પણ લાવે છે, તેમ છતાં આ મૂળ કથાનિરૂપણની રીતિ હોઈ, ઉમાશંકરે એ જ રીતિનું અનુસરણ કર્યું છે. યુધિષ્ઠિર કેવળ ધર્મબુદ્ધિથી, નિષ્ઠુરતા લાગે એવી નિર્મમતાથી વેધક સત્યો ઉચ્ચારે છે. ભીમને માટે, અને જે બીજા હજુ જીવતા રહીને આ સાંભળે છે તેમને માટે તો આ સત્યો આઘાતપ્રેરક છે ને છતાં પોતાનાં સ્વજનો વિશેનું નૂતન અભિજ્ઞાન દેનારાં પણ છે. એ સત્યોમાંથી વસ્તુત: ભીમ આદિને આત્મસાક્ષાત્કારસદૃશ જ અનુભવ થાય છે. દેખીતા અમુક રૂપના માનવીય સંબંધોને તળિયે કેવાં કેવાં રહસ્યો – કેવા કેવા નિયતિના મર્મવેધક આવિષ્કારો રહેલા હોય છે તેનું દર્શન કરી તેઓ કોઈ નવા જ પરિપ્રેક્ષ્ય-બિન્દુએ – અંતિમ વિદાયની ક્ષણે જઈ પહોંચે છે. આ એક વિશિષ્ટ અનુભૂતિ છે. ભીમ યુધિષ્ઠિરને સહદેવ બાબત પૂછે છે ત્યારે યુધિષ્ઠિર સહદેવના ‘પોતે મોટો જાણ છે’ એ વાતના અભિમાનનો નિર્દેશ કરે છે. અભિમાને એને આમ પછાડ્યો. યુધિષ્ઠિરની દૃષ્ટિએ તો ‘શાણપણ’ વિનાનું એનું ‘જાણપણ’ (નવો શબ્દ ) ખુદ એના માટે જ શાપરૂપ હતું. સહસા આગંતુક ઉપાધિઓમાંથી માર્ગ કાઢી શકે એવું કૃષ્ણ-કૌશલ્ય એનામાં નહોતું જ ને તેથી જ વધુ જાણીને વધુ ગૂંચવાવું પડે એવી એની સ્થિતિ હતી. એ પછી નકુલ પડ્યો. કેમ જાણે જોડિયા ભાઈ સહદેવથી પોતે જરાય છેટું પાડવા ન માગતો હોય ને  નકુલે પડતાં પડતાં કહ્યું  ‘હું જાણું છું સહદેવ જેટલોય હું ખપનો નહોતો. ભારતના મહાયુદ્ધે મારું એવું અર્પણ પણ નથી, પરંતુ માનવકુલમાં કેમ જીવવું, વર્તવું, રહેવું એનો કંઈક પ્રત્યક્ષ પદાર્થપાઠ મેંય આપ્યો છે ખરો ’ નકુલ આમ તો સૌન્દર્યનો ઉપાસક હતો તેને આમ પોતાની અનિચ્છાએ અસુભગ પ્રકારે મરવું પડ્યું એ જ વિધિની વિચિત્રતા  યુધિષ્ઠિરના મતાનુસાર દેહરૂપગર્વ જ નકુલને માટે નડતર થયો. ચિત્તના ને કર્મના ખમીરની ઊણપને કારણે નકુલ પાસે જે કંઈ કલાદૃષ્ટિ, રસરુચિ, સૌન્દર્ય-અભિનિવેશ વગેરે હતાં તે વરવાં બની રહ્યાં. જે સૌન્દર્યનો મર્મ કૃષ્ણ દ્વૈપાયન કે કૃષ્ણમાંથી પ્રગટતો હતો તે નકુલમાંથી ન પ્રગટ થઈ શક્યો, ને એ જ નકુલની કરુણતા. તેણે બાહ્ય સૌન્દર્યની ઉપાસના કરતાં અંત:સૌન્દર્યની અવહેલના કરી. નકુલ પછી કૌન્તેય અર્જુનનું પતન થયું. અર્જુન પડતાં પડતાં પોતાનો જાણે યથાર્થ પરિચય આપી દેવાનો પ્રયાસ કરે છે. તે કહે છે  ‘હતો કૃષ્ણનું કરણ. ઉદ્યત બાહુ હું હતો | દિવ્યતાનો.’ (સ. ક., પૃ. ૫૮૭) કૃષ્ણથી જ પોતે વીર હતો અને છતાં તેણે પોતાના વીરત્વનીયે વિડંબનાના પ્રસંગો જીવનમાં એકાધિક સહ્યા હતા. અર્જુન જતાં ભીમ વિશેષભાવે શૂન્યતાનો અનુભવ કરે છે અને તે ધર્મરાજની પૂંઠે આવતા શ્વાનની હાંફની શ્રાવ્યતાનો નિર્દેશ કરી સૂચવે છે. ભીમ યુધિષ્ઠિરને અર્જુનના પતનનું રહસ્ય પૂછે છે. યુધિષ્ઠિર એના પતરાજીપણાનો ઉલ્લેખ કરે છે. અર્જુનને પોતાની ધનુર્વિદ્યાનો ફાંકો હતો તેથી તે ‘ખોટા શૂરમાની મહીં ખપ્યો’ – એમ યુધિષ્ઠિર કહે છે. યુધિષ્ઠિરના આ કથને ભીમ જરા અકળાય છે, ત્યારે યુધિષ્ઠિર નિષ્કંપપણે જણાવે છે  “... તું આટલો વિહ્વળ શાને
થાય વૃથા  નહિ અહીં રણક્ષેત્ર તણી રુદ્ર
શૌર્યભર્યાં કાર્ય તણી ડમરીઓ, અહીં તો છે
શાન્ત સ્વચ્છ અવિકંપ ભારતની ઉર-ગુહા.
કાલનાં ન માપ અહીં, માપ છે અનંતતાનાં.
એ માપે સૌ માપવાની આવી વેળ.” (સમગ્ર કવિતા, પૃ. ૫૮૮) ‘મહાપ્રસ્થાન’ની પળ ‘આવી વેળ’ નથી શું  યુધિષ્ઠિરનું હૃદય જ ‘શાન્ત સ્વચ્છ અવિકંપ ભારતની ઉરગુહા’ છે. યુધિષ્ઠિર અહીં સ્વજન કરતાંયે ‘ધર્મરાજ’ તરીકે સ્વજનોના કર્માકર્મ-વિકર્મનો હિસાબ કરતા લાગે છે. એમની આંખ ચિત્રગુપ્તનો ચોપડો વાંચતી ન હોય જાણે  મમત્વના નહિ પણ વ્યાપક ધર્મનિષ્ઠ સમત્વના ધોરણે અહીં વ્યક્તિનું માપ નીકળે છે. અહીં સત્યના ગજે માનવવ્યક્તિઓનાં માપ નીકળે છે અને માનવનું અલ્પાત્માપણું કેવું ને ક્યાં, કેટલું ને કેમ તેના અંદાજ પણ નીકળે છે. આ પ્રસંગમાં જાણે ખ્રિસ્તીઓ જેને ‘કન્ફેશન’ કહે છે તેનું અને મુસલમાનો જેને ‘કયામત’ કહે છે તેનું તત્ત્વ – અથવા તેના જેવું કંઈક આમાં જોઈ શકાય  આ ‘મહાપ્રસ્થાન’ની ક્ષણ અનેક પરિમાણોએ અસાધારણ ક્ષણ છે. આ ક્ષણે ઉચ્ચારાતી યુધિષ્ઠિરવાણી મહાભારતનાં પાત્રો–ઘટનાઓને કોઈ નવા જ પરિપ્રેક્ષ્યમાં જોવા-અનુભવવાની તક આપે છે. હિમાદ્રિની ઉન્નતતાએ તેના પર ચઢનાર યુધિષ્ઠિરની દર્શન-ક્ષિતિજો પણ વિશાળ કીધી જણાય છે. યુધિષ્ઠિર ‘ધર્મપ્રાણ’ કૃષ્ણે ‘ધર્મરાજ’ એવા પોતાને છોડી શા માટે ધર્મચાલના અર્થે ‘મધ્યમાધિકારી’ અર્જુનને પસંદ કર્યો તેની ચર્ચા કરે છે. તેઓ કહે છે  “કૃષ્ણ હતા ધર્મપ્રાણ, ધર્મ
અર્થે ક્ષણેક્ષણ અર્પનારા હતા. ધર્મરાજ
કહી જેને ચઢાવ્યો’તો સિંહાસને તમે સૌએ,
તેને કૃષ્ણે કર્યો નહિ પસંદ સ્વકાર્ય માટે.
ધર્મના મૂલ્યને સ્થાપ્યું સિંહાસને, તદર્થે હું
પાત્ર હતો કદાચિત્. રે ધર્મ-ચાલના અર્થેની
કાર્યઝંઝા, જુદી જ છે વાત એ તો. સુવર્ણ જે
શુદ્ધ તેના અલંકાર ઘડી નથી શકાતા, જો
ભેળ જરી હોય તો તે શક્ય બને. અથવા તો
માનવીમાત્રને દેવા સધિયારો દિવ્યશક્તિ
અસામાન્ય છોડી કરે પસંદ સામાન્ય વ્યક્તિ.
મધ્યમાધિકારી હતો અર્જુન, એ ન મર્યાદા
કિન્તુ શક્તિ બની એની.” (સમગ્ર કવિતા, પૃ. ૫૮૯) યુધિષ્ઠિર ‘વીરગાથા કિરીટીની કરુણામિશ્રિત પૂરી’ કઈ રીતે હતી તે દર્શાવે છે. ધર્માભિમુખતાએ કૃષ્ણપ્રેમનો અધિકારી બનેલો અર્જુન – તેણે વિરાટનગરમાં વ્યંઢળ થવું પડ્યું, મહાભારત યુદ્ધના છેવટનું પરિણામદાયક યુદ્ધ જિતાયું ભીમ દ્વારા દુર્યોધનહત્યાએ. દ્રૌપદીની માનરક્ષામાં ભીમ જેટલો તે ન દીપી શક્યો. એના પુત્ર અભિમન્યુની હત્યા કેટલી દારુણ હતી  ને બાલઘાતક જયદ્રથના વધમાંયે કૃષ્ણચમત્કારે માંડ બચ્યો  આમ યુધિષ્ઠિરે ધર્મની નિર્મમ ગતિથી અર્જુનના જીવનમાં કેવાં કેવાં વેદનાનાં સત્યો રહેલાં છે તેનું દર્શન કરાવ્યું. દરમિયાન ભીમનો અંતકાળ આવી લાગે છે. ભીમ યુધિષ્ઠિરનો હાથ ઝાલવા માગે છે, ત્યારે યુધિષ્ઠિર કહે છે  ‘ભીમ, | ધર્મ ઝાલનાર છે હવે તો હાથ આપણા સૌ | તણો.’ (સ. ક., પૃ. ૫૯૦) ભીમ પડતાં પડતાં પોતાના વિશેય યુધિષ્ઠિરને પૃચ્છા કરી લે છે. યુધિષ્ઠિર તેના ખાઉધરાપણાનો દોષ બતાવે છે. ધૃતરાષ્ટ્રને કઠોર વેણ કહેલાં તેની યુધિષ્ઠિર ભીમને યાદ આપે છે ત્યારે ભીમ કહે છે  ‘ન હું જાણું
ધર્મ તણી ઝીણી વાતો, કૃષ્ણની કળા પ્રમાણું
પૂરી નવ, ધર્મ એક  કુટુંબને સંરક્ષવું.
કળા એક  વિદ્વેષીને ડારવો – વિદારવો ને
એમાં જાત ઘસી દેવી. સ્થૂલતા જે દૂષણ તે
ભૂષણ બની મારે તો.’ (સમગ્ર કવિતા, પૃ. ૫૯૦) S કચ ‘સંજીવની’ શબ્દ વાપરે છે, ‘મહાસંજીવની’ નહીં તે પણ આ સંદર્ભે ધ્યાનાર્હ છે. – ચં૰ + ભોળાભાઈ ‘સૉલિલૉકવી’ના પર્યાય તરીકે ‘એકોકિત’ શબ્દ વાપરે છે તે બરોબર નથી. (જુઓ, ‘અધુના’, પૃ. ૨૩.) ત્યારે યુધિષ્ઠિર મરણાસન્ન ભીમને પણ કઠોર સત્ય તો કહે જ છે  ‘વીર | કિન્તુ રક્ત દુ:શાસન તણું ઉષ્ણ પીનારામાં | પ્રકૃતિની પશુતાનો અંશ હશે કેટલો તો | સબળ ’ (સમગ્ર કવિતા, પૃ. ૫૯૦) અને પછી કહે છે  ‘ભાગ્ય વિશે તારા | રહી મહાવિજયોની સ્થૂલતાની કદ્રૂપતા.’ ને આવું કઠોર સત્ય કહેનાર યુધિષ્ઠિરનો સ્નેહભાવ – સમભાવ પણ ઓછો નથી તે તો ‘તારા આયુષ્યની જેહ | કરુણતા તે મારીય છે જ તો’ એવી ભીમ પ્રત્યેની સમભાવ-ઉક્તિથી સમજાય જ છે. આ યુધિષ્ઠિરને પત્ની ને ચાર બંધુઓથી વિખૂટા થવું પડ્યું એ જ એમની કરુણતા. તેઓ તો હિમાદ્રિને જ ‘મૃત્યુશય્યા’ બતાવવા કહે છે; પરંતુ યુધિષ્ઠિર જેવા ધર્મના મહાન પ્રતિપાલક માટે તો સદેહે સ્વર્ગનો અધિકાર નિર્માયેલો હતો. સ્વર્ગભૂમિમાં પ્રવેશવા ઇન્દ્રરથારૂઢ થવા તેમને નિમંત્રણ મળે છે; પરંતુ સ્વર્ગના ખ્યાલે યુધિષ્ઠિરની ધર્મબુદ્ધિની સમતા જોખમાતી નથી, એમની ધર્મજાગૃતિ જરાય ચલિત થતી નથી ને તેથી જ પૂંઠે આવતા શ્વાનને પણ સ્વર્ગાધિકાર અપાવવા તેઓ સંકલ્પવાન બને છે. તેઓ એ શ્વાનની સ્નેહમૈત્રી છોડવા જરાય તૈયાર નથી. શ્વાન સાથેનો પોતાનો સંબંધ માનવપશુ વચ્ચેની અયુત વર્ષોથી વિકસતી મૈત્રીના પ્રતીકરૂપ એમને લાગે છે. તેઓ શ્વાન સિવાય સ્વયં ધર્મનો આદેશ હોય તોપણ સ્વર્ગપ્રવેશ ઇચ્છતા નથી. યુધિષ્ઠિર આ ક્ષણે હૃદયધર્મની – સનાતન એવા સત્યધર્મની પ્રતિષ્ઠા કરે છે. રવીન્દ્રનાથના શબ્દો વાપરીને કહીએ તો ‘ક્ષુદ્રધર્મ’ને સ્થાને યુધિષ્ઠિર અહીં ‘નિત્યધર્મ’ની પ્રતિષ્ઠા કરે છે. ‘મહાપ્રસ્થાન’માં યુધિષ્ઠિરની કોઈ મહાન – જ્વલંત ક્રિયા હોય તો તે આ છે, અને યુધિષ્ઠિરની યુધિ-સ્થિરતા ધર્મની કસોટીએ પણ સંસિદ્ધ ઠરે છે. યુધિષ્ઠિરની જ કસોટી કરવા તેમના જ પગલે આવેલો યમદેવ (કે ધર્મ ) જાણે યુધિષ્ઠિરે કરીને જ સ્વર્ગ માટેનો નૂતનાધિકાર પામે છે  છેવટે તો ધર્મની ગતિને હૃદયધર્મનું – નિત્યધર્મનું પાલન કરનાર મનુષ્યોનાં પગલાંમાંથી જ પામવાની રહે છે. યુધિષ્ઠિર-નિરપેક્ષ ધર્મનો કોઈ વાસ્તવિક અર્થ ખરો  જીવનમાં – સંઘર્ષમાં – સત્યાદિના આચારવિચાર-વચનમાં પ્રગટ જ ન જઈ શકે એવો જીવનનિરપેક્ષ – માનવ્યનિરપેક્ષ ધર્મ નિરર્થક છે. સ્વર્ગીયતા તો નિત્યધર્મના પાલને સિદ્ધ થતી કૃતાર્થતાની અનુભવદશામાં છે, ને તે અહીં યુધિષ્ઠિર પામી રહે છે. યુધિષ્ઠિરને સ્વર્ગ પામવાપણું રહેલું નથી. યુધિષ્ઠિર પ્રત્યેક પદે સ્વર્ગીયતાને જ ધર્મપાલનના આનંદ દ્વારા પ્રત્યક્ષ કરી રહ્યા હતા. યુધિષ્ઠિરની યુધિ-સ્થિરતા કુરુક્ષેત્રમાં જરૂર પ્રગટ થયેલી, એથી બલવત્તર રીતે પ્રગટ થઈ છે ‘મહાપ્રસ્થાન’માં. આખું કાવ્ય આ રીતે સત્ય-ધર્મનાં સૂક્ષ્મ સંચલનોને યુધિષ્ઠિર-ભીમ-સંવાદ દ્વારા પ્રત્યક્ષ કરાવતું આગળ વધે છે. આ કાવ્ય સમગ્ર મહાભારતના નિષ્કર્ષરૂપ લાગે છે. ઉમાશંકરે મૂળનું માળખું ને મૂળના મુદ્દાઓ સાચવી એમાં ઝીણી નકશી કરી છે; એટલું જ નહિ, જે પાત્રો માત્ર આછી રૂપરેખા જેવાં હતાં તેમાં વ્યાસનેય કદાચ ગમી જાય એવા સમુચિત રંગો પૂરી, અનેક સંકુલ ઝીણી વીગતોથી એમને ખચી, સારી રીતે – જીવનમહિમાએ વધુ આકર્ષક લાગે એ રીતે ઉઘાડી આપ્યાં છે – ઉપસાવી આપ્યાં છે. એક અર્થમાં તો મૂળનું માળખું લઈ એમાં ઉમાશંકરની કવિચેતનાએ પ્રાણ ફૂંક્યો છે. અને એ રીતે ઠીક ઠીક રસાવહ રૂપ આ કૃતિનું કરી દીધું છે, એમ પણ કહી શકાય. ઉમાશંકરના કવિકર્મનો ખ્યાલ નીચેના શ્લોકોના વસ્તુને અર્જુન-વિષયક વસ્તુ સાથે સરખાવી જોતાં તુરત જ આવશે. અર્જુન-સંદર્ભે મહાભારતકારનું જે કંઈ વક્તવ્ય છે તે કેવળ સત્તરથી બાવીસ શ્લોકમાં સમાવિષ્ટ છે. આ રહ્યા એ શ્લોકો  तांस्तु प्रपतितान् दृष्ट्वा पाण्डवः श्वेतवाहन: ।
पपात शोकसंपप्तस्ततोऽनु परवीरहा ।। ૧૮ ।।
तस्मिंस्तु पुरुषव्याध्रे पतिते शक्रतेवासि ।
म्रियमाणे दुराधर्षे भीमो राष्ट्रनमव्रवीत् ।। ૧૯ ।।
अनृतं न स्मराम्यस्य स्वैरेष्वपि महात्मनः ।
अथ कस्य विकारोऽयं येनायं पतितो भुवि ।। ૨૦ ।। युधिष्ठिर उवाचः एकाह्ना निर्दहेयं वै शत्रूनित्यजुनोऽग्रवीत् ।
न य तत्कृतवानेष शूरमानी ततोऽपतत् ।। ૨૧ ।।
अवमेन धनुर्ग्राहानेष सर्वांश्च फल्गुनः ।
यथा भोक्तं तथा भैव कर्तव्यं भूतिमि छता ।। ૨૨ ।। આ વસ્તુની સાથે ‘મહાપ્રસ્થાન’માંની અર્જુન-સંદર્ભેની પંક્તિઓ ૧૬૦થી ૨૪૩ સુધીની (પૃ. ૧૮–૨૧) જુઓ. ઉમાશંકરનું કવિકર્મ કેટલી સમર્થ રીતે પ્રગટ થયું છે તે જોઈ શકાશે. ઉમાશંકર એકસાથે, અગાઉ આપણે જોયું છે તેમ, અનેક લેખાં લઈને મનમાં ચાલે છે, એટલે જેમ કેટલીક વાર એમના સર્જનમાં વિચારપ્રાધાન્ય, ચિંતનભાર યા કંઈક ટાઢાપણું આવી જાય છે તેમ કેટલીક વાર એ જ કારણે સંકુલતા, અત્યધિક પરિમાણત્વ ને તેથી રસપૂર્ણ ગહનતા-ઘનતાએ કાવ્યમાં પ્રવેશતી હોય છે. ઉમાશંકરની સર્જન-ચિંતન પ્રકૃતિને પ્રગટ થવામાં કૃષ્ણ, યુધિષ્ઠિર, રામનું પાત્રમાધ્યમ ખૂબ અનુકૂળ આવે છે. ઉમાશંકરના યુધિષ્ઠિર મહાભારતના યુધિષ્ઠિર નથી, તો તે સ્વીકારી લઈએ; પરંતુ ઉમાશંકરના યુધિષ્ઠિર યુધિષ્ઠિર જ નથી, બલકે, ઉમાશંકર જ છે એમ કહેવામાં આવે તો તે બરોબર નથી. તેથી જ કદાચ વિવેક જાળવીને સુન્દરમે કહ્યું છે  ‘આ કાવ્યોમાં આવતાં કૃષ્ણ અને કર્ણ, યુધિષ્ઠિર, દ્રૌપદી, અર્જુન, ભીમ, ગાંધારી, ઉર્વશી, રામ, ભરત, કૈકેયી, મંથરા, બુદ્ધ આદિ કેવાં છે, તો તેનો જવાબ સહેલાઈથી આપી શકાય તેવો છે. તે સૌ ઉમાશંકરનાં છે.’૨૭૧ આમ કહેતાં સુન્દરમે એ પાત્રોની જો મર્યાદા તો સાથે વિશેષતાયે પ્રમાણિત કરી છે એમ સમજવું રહ્યું. S અહીં ‘વધ’ શબ્દ બરોબર નથી; ‘ઘાત’ જેવો શબ્દ જોઈએ. હરીન્દ્ર દવે ભીમની યુધિષ્ઠિર પ્રત્યેની, ‘ધર્મરાજ, ભાઈ, ઝાલો હાથ, આ હું પડ્યો...’ એ ઉક્તિમાં દીનતા જુએ છે.૨૭૨ આવી જરૂર છે ખરી  જે ભીમ ૨૪૩ પંક્તિઓ સુધીમાં યુધિષ્ઠિર સાથે સંવાદમાં ચાલ્યો તે ભીમ વિનમ્ર જરૂર છે, દીન નથી. વળી ‘હાથ ઝાલવાની’ વાત નિ:સહાયતાની જ નિર્દેશક છે એમ માની લેવું અનિવાર્ય છે ખરું  વસ્તુત: અહીં ધર્મ જ સૌનો હાથ ઝાલનારા છે એના સંકેત પૂરતું જ આવી પંક્તિ આવે છે. મૂળમાં ભીમ `भो भो राकातवेक्षस्व पतितोऽहंप्रियस्तव।' – એમ કહે છે. આ ઉક્તિમાંય ભીમ પોતે પડ્યો એ યુધિષ્ઠિરને જોવાનું કહે છે. તે કારણને લઈને કોઈ ભીમમાં દીનતા જોવા ન પ્રેરાય એમ નથી  વળી અનુષ્ટુપની અર્ધપંક્તિમાં `पतितोऽहंप्रियस्तव' કહ્યું તેમાં ગૌરવ જ જોવું એ પણ અનિવાર્ય નથી. આ પંક્તિના `प्रिय'ના ભાવને ઉમાશંકરે ‘ભાઈ’ના સંબોધનમાં, `पतितोऽहं'ની સ્થિતિને ‘આ હું પડ્યો’ ઉક્તિમાં અને `अवेक्षस्व'ના મર્મને ‘ઝાલો હાથ’ ઉક્તિમાં સાચવી લીધાં જણાય છે. એ ‘હાથ ઝાલવા’વાળી વાતમાં ગૌરવનિષ્ઠ અર્થ લેવો એ જ અનુકૂળ છે. અતિશયોક્તિ વિના કહી શકાય કે ઉમાશંકરે ‘મહાપ્રસ્થાન’માં શક્ય તેટલા વ્યાસાવિષ્ટ થવાનો પ્રયત્ન કર્યો છે, ને છતાં વ્યાસાવિષ્ટ થનાર બીજી રીતે ન રચના કરે એમ કહેવાનું આપણું તાત્પર્ય નથી. વળી હરીન્દ્ર દવેએ એક મિત્રનો મુદ્દો યાદ કરી પ્રશ્ન કર્યો છે  “... આ બધાંમાં ભીમ વધારે પુણ્યશાળી (એ સૌથી છેલ્લે પડે છે એ જોતાં) એવો ‘મહાભારત’ના યુધિષ્ઠિરે આપેલો ચુકાદો આપણા કવિએ કેમ નમ્રભાવે સ્વીકારી લીધો છે ”૨૭૩ પ્રશ્ન રસિક છે, પણ એની સામે પ્રશ્ન જ મૂકવો પડે  મહાભારતના યુધિષ્ઠિરે ભીમ બાબત આપેલો ચુકાદો સ્વીકારવામાં અનુચિતતા થઈ છે એવું કાવ્યમાંથી જડે છે ખરું  ‘મૃત્યુના ક્રમને પુણ્યના સંચય સાથે સમતોલ કરવા કરતાં કોઈક વિશિષ્ટ સંઘર્ષને નિરૂપવાનો અવકાશ હતો’ – જે ઉમાશંકરે ઉપયોગમાં ન લીધો એવી એમની લાગણી સમજી શકાય એમ છે, પણ તે લાગણીને નાટ્યરૂપના ખ્યાલથી પેલા પ્રશ્ન સાથે ગૂંચવવી જરૂરી નથી. ઉમાશંકરે ભીમ-યુધિષ્ઠિરના સંવાદમાં દરેક પાત્ર પોતાનો પક્ષ પણ પડતાં પડતાં રજૂ કરે એવો ઉમેરો કરતું જાય છે એ એમનું નિરીક્ષણ મહત્ત્વનું છે ને તે નિરીક્ષણ છતાં આ વસ્તુનું (યથાપેક્ષ) નાટ્યરૂપાંતર નહિ થયાની તેમની વાત પણ સાચી છે. વળી પૃ. ૧૧થી ૧૫ સુધી અર્જુન અને દ્રૌપદી બંનેનો જીવંત અવાજ સાંભળી શકાય છે, પણ પછીથી યુધિષ્ઠિર અને ભીમ સિવાયનાં પાત્રોની ઉક્તિ ઔપચારિક બની જતી હોવાનો તેમનો અભિપ્રાય પણ સાચો છે. હીરાબહેને ‘મહાપ્રસ્થાન’ને નાટકની રીતે તપાસવાનો ઉપક્રમ ‘ચતુષ્પરિમાણ’ (કાવ્યભાવન, ૧૯૬૮, પૃ. ૧૯૮–૨૧૦) નામના લેખમાં અપનાવ્યો છે. તેઓ જે બિન્દુએ વસ્તુ આરંભાય છે, તે નાટકના અંતે કશાંક પરિવર્તો સાધે છે એમ જણાવે છે. દૃશ્ય બદલાય છે. પૃથ્વીલોકથી આરંભાયેલી યાત્રા સ્વર્ગ દ્વારે પહોંચે છે. યુધિષ્ઠિર ને શ્વાન સિવાયનાં પાંચ પાત્રોના ભવ્ય જીવનનાટકનો અંત આવે છે. તેઓ આ કથાને કરુણ તેમ જ શાંત કહે છે. અહીં વિષાદઘેરી કરુણતાને ભવ્ય શાંતતામાં પરિણમતી તેઓ જુએ છે.૨૭૪ વળી તેઓ ‘વર્તમાનના એક જ બિન્દુએથી ભૂત અને ભાવિનું સંધાન મળે, એવો વ્યાપક કાલફલક’ કૃતિએ અપનાવ્યાનું નોંધે છે. એમનાં આવાં નિરીક્ષણો બેશક રસપ્રદ છે, છતાં એક નાટ્યકૃતિ તરીકે રંગભૂમિ પર તેને ટકાવવી તો મુશ્કેલ જ છે. તેઓ પણ ‘સંઘર્ષતત્ત્વની કમીનાને કારણે પદ્યનાટક તરીકેની તેની જોઈએ તેટલી ધાર નીકળતી નથી.’ એમ કહે જ છે; પણ તે પછી જે વિધાન કરે છે તે તપાસવા જેવું છે. તેઓ કહે છે  ‘આ સંઘર્ષતત્ત્વની ઊણપનું સાટું – ખંગ વાળી આપે છે કૃતિમાં ઠેર ઠેર આવતી વક્રતાઓ (‘આય્રની’)”૨૭૫ હીરાબહેનની આ કૃતિમાં ૨૯થી ૩૦ જેટલી વક્રતાઓ હોવાની વાત મહત્ત્વની છે. એથી કૃતિમાં નિયતિવિધાનનો એક વિલક્ષણ અર્થ પણ સ્ફુરે છે. આ વક્રતાઓને કારણે કાવ્યની રસવત્તા વધીયે છે, તેમ છતાં સંઘર્ષતત્ત્વનું સાટું સંઘર્ષતત્ત્વ વિના બીજી કઈ રીતે વળે એ પ્રશ્ન છે. સંઘર્ષનું સ્થાન વક્રતા તો ન જ લઈ શકે. પાત્રનું પોતાનું સત્ય, ભીમ દ્વારા પ્રગટ થતું લૌકિક વ્યાવહારિક સત્ય, યુધિષ્ઠિર દ્વારા પ્રકટતું નિર્ભેળ – પૂર્ણ સત્ય અને આ સર્વ સત્યોમાં અનુસ્યૂત, સર્વને આવરીને રહેલું એવું નિયતિગત પરમ સત્ય – આ ચતુર્વિધ સત્યદૃષ્ટિએ પાત્ર-પ્રસંગ-ઘટનાનું અહીં સંકુલ પરિમાણોવાળું રૂપ સર્જાય છે. હીરાબહેનનું ચતુષ્પરિમાણવિષયક નિરીક્ષણ આ પાત્રોનું યથાતથ સત્ત્વ–સત્ય પામવામાં ખૂબ ઉપયોગી થાય એવું છે.S ઉમાશંકરે હિમાદ્રિનો અહીં કૃષ્ણ-યુધિષ્ઠિર પાત્રનિર્માણ-સંદર્ભે સરસ ઉપયોગ કર્યો છે. હીરાબહેન અંતભાગના હિમાદ્રિ સંદર્ભ વિષે લખે છે  “અંતભાગે એ જ હિમાદ્રિને પડછે સત્યમૂર્તિ યુધિષ્ઠિરની શીલભવ્યતા કેવી મઝાની ઊપસી આવે છે  હિમાદ્રિના ફલક પર આલેખેલી યુધિષ્ઠિરની છબીને મહાભારતની આ કરુણશાંત ઘટનાને હિમાદ્રિનું ને નિજનું બંનેનું ગૌરવ મળે છે.”૨૭૬ ઉશનસને મહાપ્રસ્થાનની ક્ષણ નાટ્યક્ષમ સંઘર્ષની લાગતી નથી. તેઓ તો ‘ઉમાશંકર આ પદ્યરૂપકોમાં ક્ષણ પસંદ કરે છે... પણ સિંહાવલોકનક્ષમ પરિણામતટે જીવનચિંતન કરી શકાય તેવી ચિંતનમનનની ક્ષણ હોય છે.’ – એવું વ્યાપક વિધાન કરે છે. ‘મંથરા’ કે ‘ભરત’ને આ વિધાન આ જ સ્વરૂપમાં લાગું પાડવું મુશ્કેલ છે. ‘મહાપ્રસ્થાન’માં સિંહાવલોકનની એક ક્રિયા નોંધપાત્ર રીતે ઊપસી આવી છે ખરી. આમ છતાં કૃતિના અંતભાગમાં યુધિષ્ઠિરની ક્રિયાગતિ સ્પષ્ટ છે. આ કૃતિની પરાકોટિ એના અંતભાગમાં છે. ત્યાં જ નાટ્યાત્મકતા વધુ સ્પષ્ટતાએ પ્રતીત થાય છે. તેઓ ‘મહાપ્રસ્થાન’માં કેટલીક ઉત્તમ અંજલિઓ (દા. ત., સહદેવની દ્રૌપદીને) અપાઈ હોવાનું કહે છે. ભોળાભાઈ પટેલ ‘ ‘મહાપ્રસ્થાન’ અને ‘યુધિષ્ઠિર’ તો દ્વિઅંકી નાટકના બે અલગ અલગ અંક માત્ર હોય તેમ લાગે છે’ એમ કહે છે.૨૭૭ ને તેઓ ‘મહાપ્રસ્થાન’ – ‘યુધિષ્ઠિર’, ‘મંથરા’ – ‘ભરત’, ‘કચ’ – ‘અર્જુન-ઉર્વશી’ જેવાં જોડકાંનો પણ નિર્દેશ કરે છે. આ સામે ઉમાશંકરે જ ‘પ્રશ્નોત્તરી’માં જે સ્પષ્ટતા કરી છે તે યાદ રાખવી ઘટે.  “૧૯મા દિવસનું પ્રભાત’ અને ‘ગાંધારી’, ‘મહાપ્રસ્થાન’ અને ‘યુધિષ્ઠિર’, ‘મંથરા’ અને ‘ભરત’, – એ જોડકાંઓ એક એકમ જેવાં થતાં દેખાય, પણ તે તે બંને કૃતિઓ મળીને એક અર્થ તરફ ધસતી હોય એ રીતે એ કલ્પાઈ નથી. દરેક રચના કાવ્યાર્થદૃષ્ટિએ સ્વતંત્ર, સ્વાયત્ત, ઘટક છે.”૨૭૮ ‘મહાપ્રસ્થાન’માં કવિએ સોળ-અક્ષરી (ઉમાશંકર ‘સોળવર્ણી’ શબ્દ વાપરે છે.) વનવેલીનો પ્રયોગ કર્યો છે. આ મૂળ તો કવિત જ છે. મૌલિક કૃતિને અર્થે વનવેલીને પહેલીવહેલી વાર ઉમાશંકરે જ યોજ્યો હોવાનો હીરાબહેનનો મત છે. ઉમાશંકરે વનવેલીને નોંધપાત્ર કુશળતાથી વાપર્યો છે. વચ્ચે સહદેવની એક સુંદર અનુષ્ટુપ-ઉક્તિ આવે છે. તે સિવાય તેમણે સળંગ વનવેલીને જ ચલાવ્યો છે. ઉમાશંકરે બોલચાલની લઢણો, ઉક્તિમાં જે સ્વરભારનું તત્ત્વ છે તે, કાકુ ઇત્યાદિનો લાભ લેવા સારો પ્રયાસ કર્યો છે. એમનું આ પદ્ય ‘પ્રાચીના’ના પદ્યને મુકાબલે વધુ નમનીય, વધુ સ્ફૂર્તિલું તેમ જ વધુ પારદર્શક, વધુ પાત્રૌચિત્ય દાખવતું છે. આમ છતાં આ પદ્યમાંયે ‘તણું’ – ‘તવ’ના અંશો હજુયે ટકેલા – ચોંટેલા દેખાય છે. ઉમાશંકર જેવા ઉત્કૃષ્ટ શબ્દપ્રભુત્વ ધરાવતા સર્જકને માટે અહીં જે પદ્ય છે તે હજુ વધુ સાફ –પારદર્શક કરવાનું મુશ્કેલ નથી. ‘પ્રાચીના’ગત સંસ્કૃતમયતાનો ભાર અહીંની ભાષામાં ઠીક ઠીક ઘટ્યો છે. સ્વાભાવિક બોલચાલના લહેકા-લહેજાઓને – લઢણોને પદ્યના પદવિન્યાસમાં યથાશક્ય સમાવવાના ને એ રીતે પદ્ય-વસ્તુ સ્પર્શક્ષમ – વાસ્તવનિષ્ઠ બનાવવાના કવિના પ્રયાસો પણ જોવા મળે છે. નીચેની કેટલીક ઉક્તિ-લઢણો જુઓ 

૧. ભાર
 સ્વકર્મનો ઉઠાવીને ચાલી શકે એ જ આજે
 ઘણું તારે માટે.
 ૨. કૃષ્ણે તજ્યા, તજ્યા હવે, કૃષ્ણા તેંયે 
 ૩. માતા તણો વિષમ જે ધર્મ, મને
 ગમ ના કશીય તેની. નથી માતા, છું હું માત્ર
 પત્ની.
 ૪. આશ્ચર્ય તો એ જ વાતનું કે પંચ પતિ છતાં
 માનિનીનું મન પૂરું કદાચ ના સચવાયું.
 ૫. અરે,
 બીજી એ ન્હોતી, હતી એ કેટલામી, જાણતી ના.
 અને ગયો વનવાસે અર્જુન તે હું-નિમિત્તે 
 ૬. મત્સ્યવેધ જેહ
 કરનારો તેને અરે દ્રૌપદીવિયોગ, આ હું
 જેનું કૈં ન પરાક્રમ તે સુખે પાંચાલી સાથે
 વસું તે અર્થે 
 ૭. માદ્રેય  ના, ના, મને લો
 કૌન્તેયને પહેલો.
 ૮. જીવતેજીવત મારે એ જ તો હા સ્વયં મૃત્યુ.
 ૯. પોતે મોટો જાણ છે – એ અભિમાન હતું એને.
 ૧૦. જાણપણ હતું એને; શાણપણ રૂડું એથી,
 જે સહસા આગંતુક ઉપાધિઓમાંથી માર્ગ
 કોરી કાઢે, કૃષ્ણ જેમ. શાણપણ વિનાનું જે
 જાણપણ, શાપ એ તો. — આવી તો બીજી અનેક ઉક્તિલઢણો અહીં રજૂ કરી શકાય. ઉમાશંકરે વનવેલી સારી એવી સફળતાથી અહીં પ્રયોજ્યો છે. આમ છતાં નાટક તરીકે, રંગભૂમિની દૃષ્ટિએ સંવાદમાં હજુ વધુ સ્વાભાવિકતા આવવી જોઈએ. છેવટે તો પદ્ય-ભાષાનો પ્રશ્ન આ જો પદ્યનાટ્યલક્ષી પ્રયાસો છે તો તેમાં કેવળ કાવ્યદૃષ્ટિએ તો ન જ તપાસાય. આમેય પદ્યનાટ્યલક્ષી સર્જનપ્રયાસમાં કાવ્યને અલગ પાડીને જોવાની ચેષ્ટા બેહૂદી (‘ઍબ્સર્ડ’) જ ગણાય. ઉમાશંકરે ઠેઠ સંવત ૧૯૯૦માં ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’ (‘પ્રસ્થાન’, માગશર, સં. ૧૯૯૦, પૃ. ૧૭, અં.  ૨, પૃ. ૧૦૭–૧૨૪)માં વનવેલીમાં નાટ્યાનુવાદ કરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો. એ રીતે એમનો આ પ્રયત્ન કેશવ હર્ષદ ધ્રુવ જેવાના ‘જુલિયસ સીઝર’ના એકાદ અંશના અનુવાદ તથા ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટકના બીજા અંકના બીજા પ્રવેશના 
રા. વિ. પાઠકે સં. ૧૯૮૨માં કરેલા અનુવાદ ‘બાગમાં મિલન’ પછીનો મહત્ત્વનો પ્રયાસ અવશ્ય લેખાય. એ આશ્ચર્યની વાત છે કે ઉમાશંકરે જે વનવેલી પેલા ‘ઇફિજિનિયા’માં યોજી જોયો તેનો ‘પ્રાચીના’નાં કાવ્યોમાં વિનિયોગ નહિ કર્યો. કદાચ વૈદિક છંદો – સંસ્કૃત છંદો નાટ્ય-પદ્યમાં ચકાસી જોવાનો એમનો ખ્યાલ હોય અને એવી ચકાસણીમાં મિશ્રોપજાતિ-ત્રિષ્ટુભજગતી કુલના છંદો કે અનુષ્ટુપ જેવા છંદોએ એમને નિરાશ કર્યા હોય એમ માનવાને કારણ નથી.S આમ છતાં નાટ્યપદ્યમાં એકાગ્ર થયેલી પ્રતિભાને વનવેલીમાં વધુ રસ પડ્યો જણાય છે અને ‘પ્રાચીના’ પછીના નાટ્યપદ્યના પ્રયાસોમાં એમનો વનવેલીમાં રસ વધ્યો જણાય છે. ‘પ્રાચીના’માં ઉમાશંકરે સાતમાંથી પાંચ કાવ્યો+માં (‘કર્ણ-કૃષ્ણ’, ‘૧૯મા દિવસનું પ્રભાત’, ‘ગાંધારી’, ‘બાલ રાહુલ’ અને ‘આશંકા’માં) મિશ્રોપજાતિ – ત્રિષ્ટુભ – જગતી કુલના છંદોનો મુખ્યત્વે વિનિયોગ કરી જોયો, માત્ર ‘રતિ–મદન’ અને ‘કુબ્જામાં’ તેમને અનુષ્ટુપને કાવ્યનું મુખ્ય માધ્યમ બનાવ્યો. ‘મહાપ્રસ્થાન’માં ઉમાશંકરે સાતમાંથી પાંચ કાવ્યોમાં (‘મહાપ્રસ્થાન’, ‘યુધિષ્ઠિર’, ‘અર્જુન–ઉર્વશી’, ‘મંથરા’ અને ‘ભરત’માં) વનવેલી (‘અર્જુન–ઉર્વશી’માં દ્વાદશાક્ષરી ને તે સિવાયનાં ચારમાં ષોડશાક્ષરી)નો વિનિયોગ કરી જોયો; માત્ર બે જ કાવ્યોમાં, અનુક્રમે ‘કચ’માં મુખ્યત્વે શિખરિણી અને ‘નિમંત્રણ’માં પૃથ્વી વાપરી જોયો છે. આમ કવિની પદ્યપ્રયોગની દિશા ને તે સાથે ભાષાકીય વિનિયોગની રીતિ નોંધપાત્ર વળાંક ‘મહાપ્રસ્થાન’માં લે છે. કવિએ ‘અર્જુન–ઉર્વશી’માં દ્વાદશાક્ષરી વનવેલી વાપરી જોયા પછી અનુક્રમે ‘યુધિષ્ઠિર’ અને ‘મહાપ્રસ્થાન’માં ષોડશાક્ષરી વનવેલી વાપર્યો છે ને ‘મહાપ્રસ્થાન’માંના પ્રયોગ પછી વનવેલીની સિદ્ધિમાં ઉમાશંકર વિધેયાત્મક રીતે કેટલાંક ડગલાં આગળ ગયાની પ્રતીતિ થાય છે. વનવેલીમાં એમની પદક્રમલીલા સ્પષ્ટતયા ઉત્ક્રાન્તિદ્યોતક જણાશે. ‘મંથરા’ ને ‘ભરત’ પણ આ વસ્તુસ્થિતિનું સમર્થન કરે છે. ઉમાશંકરે ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’માં જે પદ્યમાધ્યમ – જે ભાષા વાપરી છે તેમાં પારદર્શકતા – ગદ્યસંનિકટતા નોંધપાત્ર રીતે વધારે છે. એ નાટ્યખંડમાં પદ્યમાં જે બોલચાલની ભાષાનું સારા એવા પ્રમાણમાં સ્વાભાવિક લાગે એવું પોત છે એ પોત ‘પ્રાચીના’માં અને ત્યારબાદ ‘મહાપ્રસ્થાન’માં વનવેલી યોજતાં બદલાયું છે. એમાં કાંઈક સંસ્કૃતમયતાની દીપ્તિ – ભદ્રતાભિનિવેશ પ્રવેશતો જણાય છે. આ એક ખૂબ રસિક ઘટના છે. એમના પદ્યનાટ્યના માધ્યમની ટીકા કરનારે તે ખાસ લક્ષમાં લેવી જોઈએ. કવિએ ‘મહાપ્રસ્થાન’માં અનેક સુંદર અલંકારો યોજ્યા છે. કવિનું અલંકારકર્મ તેમ જ ભાષાકર્મ ઠીક ઠીક ઊંચી કક્ષાનું – ક્યારેક તો મહાકવિના બરનું – દેખાય છે. દ્રૌપદી-વિષયક સહદેવ અને યુધિષ્ઠિરની આલંકારિક ઉક્તિઓ આની પ્રતીતિ કરાવશે. દ્રૌપદી સંબંધે ઉપમા-રૂપકાદિ પ્રયોજાયાં છે. (આ પૂર્વે એના નિર્દેશ આપેલા જ છે.) તેનું ઔચિત્ય ઊડીને આંખે વળગે એવું છે. ઉમાશંકરનાં આ બધાં કાવ્યોમાં એક સર્વોત્તમ ગુણ તે ઔચિત્યનો માલૂમ પડે છે. રસૌચિત્ય એ ઉમાશંકરની પ્રતિજ્ઞા ને શક્તિસિદ્ધિ ઉભય છે. આ ‘મહાપ્રસ્થાન’માં તે સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થાય છે. એકંદરે ‘મહાપ્રસ્થાન’માં યુધિષ્ઠિરના હૃદયમાં સ્ફુરતા ધર્માર્થને દૃશ્યાત્મક કાવ્યમાં ઢાળવાનો કવિનો પુરુષાર્થ પ્રશસ્ય છે અને એમાં એમની સિદ્ધિ ગણનાપાત્ર કક્ષા હાંસલ કરી શકી છે એમ નિશ્ચિતપણે કહેવું જોઈએ. અંતભાગમાં તો કવિએ અવાજથી કામ લઈ કૃતિનો દૃશ્ય-શ્રાવ્ય પ્રભાવ સઘન રીતે અનુભવવાની સારી તક લીધી જણાય છે. દૃશ્ય-રંગભૂમિ કરતાંયે શ્રાવ્ય-રંગભૂમિ પર આ કૃતિની રજૂઆત વધુ સફળ થાય એમ લાગે છે. આ કૃતિ ગુજરાતી નાટ્યકવિતાના – પદ્યનાટ્યના ઇતિહાસમાં ઉમાશંકરને સુપ્રતિષ્ઠિત કરી રહે છે – સફળ પદ્યનાટ્યકાર તરીકે નહીં, પણ એ દિશામાં પુરુષાર્થરત સંનિષ્ઠ નાટ્યપ્રયોગકાર તરીકે. ૨. યુધિષ્ઠિર ‘યુધિષ્ઠિર’ લખાયું ૨૬–૨૭ એપ્રિલ, ૧૯૪૬માં. આ કૃતિનું વસ્તુ મહાભારતમાંના ‘સ્વર્ગારોહણ પર્વ’ના અધ્યાય ૧, ૨ અને ૩માંથી લેવામાં આવ્યું છે. ઉમાશંકરે મૂળ વસ્તુનો વિનિયોગ કરતાં જે અહીં એમને રસક્ષતિકર જણાયું તેમાં ઘટિત સુધારાવધારા કરવાની છૂટ કવિદાવે લીધી છે. મૂળમાં યુધિષ્ઠિર દુર્યોધનને વિશે કંઈક વધુ ઉગ્રતાથી કઠોર વચનો ઉદ્ગારે છે. ઉમાશંકરે ઉચિત રીતે એ કઠોર વચનોની માત્રામાં ઘટાડો કર્યો છે અને એમ કરી યુધિષ્ઠિરની ઉદાત્તતા સાચવવા પ્રયત્ન કર્યો છે, તે સાથે કઠોર વચન દુર્યોધન પ્રત્યે જરાયે ન ઉચ્ચારે એ હદે, કદાચ દિવ્ય જ લાગે એવી કક્ષાએ યુધિષ્ઠિરને પહોંચાડ્યા નથી. ઉમાશંકરની પાસે નરોત્તમતા – પુરુષોત્તમતાનો એક રમણીય આદર્શ હોય એમ જણાય છે અને એ આદર્શ એમને ઘટિત રીતે કૃષ્ણ, યુધિષ્ઠિર, રામ, બુદ્ધ જેવાં પાત્રો દ્વારા જિવાતો બતાવવાનો કલાત્મક ઉપક્રમ કાવ્યોમાં દાખવ્યો છે. S અહીં કવિશ્રી ઉમાશંકરે ઉપયોગમાં લીધેલ ટી. આર. કૃષ્ણાચાર્ય સંપાદિત શ્રીમદ્વાલ્મીકિ રામાયણ – વૉ. ૧, ૧૯૨૯ની બીજી આવૃત્તિનો આધાર લીધો છે. – ચં૰ ‘યુધિષ્ઠિર’નો આરંભ યુધિષ્ઠિરની ઉક્તિથી થાય છે. યુધિષ્ઠિર પોતાનાં બંધુજનોને જોવા માગે છે. હજુ બંધુસ્નેહનો તાંતણો સ્વર્ગાધિકાર પામ્યા પછીયે માનવ યુધિષ્ઠિરને વળગીને રહ્યો જણાય છે. યુધિષ્ઠિર નારદને પૂછે છે  ‘બતાવશો ઋષિવર, ક્યાં છે મારાં બંધુજનો ’ યુધિષ્ઠિર બંધુજનો વિના પોતે ‘ક્ષણમાત્ર’ જીવી નહિ શકે એમ કહે છે. આ કહેતા યુધિષ્ઠિર આ ક્ષણે ‘મહાપ્રસ્થાન’ના યુધિષ્ઠિરથી કંઈક જુદા નથી લાગતા  દ્રૌપદી, સહદેવ આદિ સ્વજનો એક પછી એક પડતાં હતાં ત્યારે જે નિર્મમતા – સ્વસ્થતા યુધિષ્ઠિરે દાખવેલી એ મહાપ્રસ્થાન પછી, સ્વર્ગાધિકાર પામ્યા પછી હવે ક્યાં ગઈ એમ પલવાર આરંભે આપણને પ્રશ્ન થાય. યુધિષ્ઠિરને સ્વર્ગની કોઈ લાલસા નથી ને એ તો ‘મહાપ્રસ્થાન’ના અંતમાં તેમ આ ‘યુધિષ્ઠિર’ કાવ્યના આરંભમાં પણ જણાય છે. તેઓ તો સ્પષ્ટ કહે છે  ‘મારે તો તે સ્વર્ગ, જ્યાં સૌ બંધુજનો વસે મારાં.’ (સમગ્ર કવિતા, પૃ. ૫૯૩) યુધિષ્ઠિરની આરંભની ઉક્તિઓનો આધાર ‘મહાપ્રસ્થાનિક પર્વ’ના અંતના શ્લોકો છે. ‘મહાપ્રસ્થાનિક પર્વ’માં યુધિષ્ઠિર નારદને નહિ, પરંતુ ઇન્દ્રને આવી મતલબનાં વચન કહે છે; દા. ત., યુધિષ્ઠિરનાં મૂળનાં આ વચન જુઓ  तेर्विना नोत्सहे वस्तुमिह दैत्यनिवार्हण ।
गंतुमिच्छामि तत्राहं यत्र मे भ्रातरो गता: ।। ૩૫ ।। આ મૂળનાં વચનોનું સ્થાન ઉમાશંકર વિરચિત વાણી અહીં આવી રીતે લે છે  ‘નારદ, આ મારે મન સ્વર્ગ નથી.
મારે તો તે સ્વર્ગ, જ્યાં સૌ બંધુજનો વસે મારાં.’ (સમગ્ર કવિતા, પૃ. ૫૯૩) ઉમાશંકર મૂળનો લાભ લઈ કેવી નિપુણતાથી, રસપ્રદ રીતે મૂળનો ભાવ અનુભવાવે છે તે આવાં સ્થળોએ જોઈ શકાય છે. ધીરોદાત્ત યુધિષ્ઠિરની આ પ્રાથમિક ઉકિતમાં જે અધીરાઈ વ્યક્ત થાય છે તે યુધિષ્ઠિરતાની વિરોધી છે ને કદાચ તેથી જ ‘ધૈર્યમૂર્તિ, ધીર ધરો’ એમ યુધિષ્ઠિરને ઉદ્દેશીને નારદે પહેલપ્રથમ કહેવું પડે છે. સુવર્ણ-સિંહાસને બેઠેલા જે ‘રાજન્’ (જેમનું ‘દુર્યોધન’ નામ ઉમાશંકર કુશળતાથી પાછળથી કહે છે.) ‘તેય તો છે બંધુજન’ એમ કહી કદાચ બંધુતાના ખરા આદર્શની અભિમુખ યુધિષ્ઠિરને કરવા નારદ મથે છે. યુધિષ્ઠિર સ્વર્ગમાં દુર્યોધનને જોઈ છળી પડે છે. તેઓ નારદને આ સ્થળ સ્વર્ગ હોવા વિષે શંકાશીલ થઈ પ્રશ્ન કરે છે ને નારદ પણ સમતાથી ‘નથી સ્વપ્ન. સત્ય છે આ સ્વર્ગ.’ – એમ નિશ્ચિયાત્મક રીતે કહે છે. અહીં યુધિષ્ઠિરની ધીરોદાત્તતાની સામે નારદની ધીરોદાત્તતા જાણે તોલાય છે. ઋષિત્વની મનુષ્યત્વથી જે અધિકતા તે સ્વાભાવિક ક્રમે અહીં જોવા મળે છે. ‘ધૈર્યમૂર્તિ’ યુધિષ્ઠિરમાં હજુ વૈરનો અલ્પાલ્પ અંશ રહી ગયો છે ને તેથી જ ‘કૌરવકુલાંગારે’ જેવો શબ્દ દુર્યોધન માટે તેઓ વાપરી બેસે છે. તેઓ જે સ્વર્ગમાં દુર્યોધન હોય એવા સ્વર્ગથી જાણે આભડછેટ અનુભવે છે અને પ્રાર્થકભાવે પોતે જેમને તરછોડ્યાં એ ભાંડુઓ સાથે નિવસવાની ઇચ્છા વ્યક્ત કરે છે. નારદ ‘ધર્મરાજ’ તરીકે યુધિષ્ઠિરને સંબોધી તેમની માર્મિક ટીકાયે કરે છે, કહે છે  ‘સ્વર્ગમાંયે પૂર્વવૈર સંભારો છો 
વૈરમાત્ર મરણાન્ત.’ (સમગ્ર કવિતા, પૃ. ૫૯૩) મૂળમાં તો નારદ માત્ર ‘स्वर्गोऽयं नेह वैराणि भवन्ति मनुवाधिप।’ – એટલું કહે છે. અહીં ઉચિત રીતે ‘મનુજાધિપ’નું સ્થાન ‘ધર્મરાજ’ સંબોધન લે છે અને ‘વૈરમાત્ર મરણાન્ત’ જેવી સુંદર સૂત્રોક્તિ પણ ઉમાશંકર ઉમેરે છે. આવાં દૃષ્ટાંતોયે કદાચ ઉશનસ્ને એમના પદ્યમાં અવતરણક્ષમતા (‘ક્વોટેબિલિટી’)નો ગુણ જોવા પ્રેર્યા હશે.૨૭૯ નારદ યુધિષ્ઠિરને ‘છો કારુણ્યનિધિ’ એમ એમના મૂળભૂત શીલ વિશે સભાન કરી સુયોધન સાથે હૃદયઉલ્લાસે હસવા–બોલવાની હિમાયત કરે છે. તેઓ એક આછી ટકોર પણ કરે છે  ‘મારે અભિસારવિધિ તમને શું બોધવાનો ’ આ પ્રસંગે યુધિષ્ઠિર દુર્યોધનપ્રમુખ કૌરવોથી અપમાનોનું સ્મરણ કરી એમની સાથે હસવા–બોલવા પોતાનું મન માનતું નથી તેનો નિર્દેશ કરે છે. આ યુધિષ્ઠિર મહાભારતના યુધિષ્ઠિરનો જ આમ તો નૂતનાવતાર છે, મહાભારતના યુધિષ્ઠિર સો વસા તો રહેતા નથી જ. નારદને તો આ ધર્મરાજને જ સ્વર્ગનાં મૂલ્યો વિશે કહેવું પડે છે  તેઓ કહે છે  “સ્વર્ગમાં ન કોઈ અહીં પોતાનું–પરાયું, સર્વ
પુણ્યનાં સંતાન, મન સાંકડું ન રાખ્યું ઘટે.
અને સુયોધન તેય બંધુ...” (સમગ્ર કવિતા, પૃ. ૫૯૪) યુધિષ્ઠિરનો ધર્મપ્રમાદ આ બિન્દુએથી જાણે ઓસરવા માંડે છે. યુધિષ્ઠિર કંઈક સ્વસ્થ થઈ જ્યાં સ્નેહીઓ હોય ત્યાં પહોંચી જવા માગે છે. નારદ આ પળે યુધિષ્ઠિરને ફરીથી કર્મફળ–પુણ્યફળ વિશે સભાન કરે છે. તેઓ યુધિષ્ઠિરને જ પૂછે છે  ‘સર્વને છે સહેવાનાં હાથનાં કર્યાં. કાં ભૂલો ન્યાયનો કઠોર માર્ગ ’ યુધિષ્ઠિર આ ક્ષણે સમત્વમૂલક ધર્માનુચરણ અને મમત્વમૂલક સ્નેહાચરણનો પ્રશ્ન ઉઠાવે છે. સમત્વ સાથે મમત્વ રહી ન શકે  ધર્મ આચરતાં બાંધવો પ્રત્યેના સ્નેહાચરણમાં શું વિક્ષેપ થવો અનિવાર્ય છે  યુધિષ્ઠિર તો નરકમાં બંધુજનો હોય તો ત્યાં પણ પહોંચી જવા ઉત્સાહી છે. એમને સ્વર્ગનો રાગ નથી, નરકનો ત્રાસ નથી. નારદ ધર્મસ્નેહી યુધિષ્ઠિરના વર્તમાન વલણ પાછળનો સ્નેહધર્મનો મર્મ પામી લે છે ને તેથી જ ઇન્દ્રની રજા હોય તો તમે જરૂર બંધુજનો પાસે જઈ શકશો એમ સૂચવે છે. દરમિયાન ઇન્દ્ર આવીને ‘સુજ્ઞ’ યુધિષ્ઠિરનું સ્વાગત કરતાં કહે છે  ‘ધર્મરાજ, પુણ્ય આજ પગલાં તમારાં થયે સ્વર્ગ બન્યું સ્વર્ગ સાચું.’ આમ સ્વર્ગાધિપ ઇન્દ્ર યુધિષ્ઠિરના સ્વર્ગપ્રવેશને વધાવી લે છે ત્યારેય યુધિષ્ઠિર સ્વર્ગ પ્રત્યે ઉન્મના છે, તેમનું ચિત્ત તો ભ્રાતૃમંડળમાં જઈને સમાઈ જવા અધીર – ઉત્સુક છે. નારદ એમની એ મનોદશાનું ઇન્દ્રને સૂચન કરે છે ત્યારે ઇન્દ્ર ધર્મરાજને પૂછે છે કે ‘શું સ્વર્ગવાસીઓ તમને ભ્રાતૃસમ જણાતા નથી  સ્વર્ગનાં પુણ્ય ઊણાં લાગે છે ’ યુધિષ્ઠિર બાંધવવિયોગ થયો તેથી પોતાનાં જ પુણ્ય ઓછાં હોવાનું જવાબમાં કહે છે. ઇન્દ્ર યુધિષ્ઠિરને ધીરજ આપી તે બંધુજનો ક્રમશ: પુણ્યવિપાકે સ્વર્ગમાં આવશે તેમ કહે છે, પરંતુ આ યુધિષ્ઠિરને આજે લેશ પણ વિરહ-અંતરાય મંજૂર નથી અને સામે ચાલીને નરકમાં હોય તો ત્યાં જઈને પણ બંધુજનોનાં દર્શન કરવાની ઇન્દ્ર પાસે અનુજ્ઞા માંગે છે. ઇન્દ્ર વિનયપૂર્વક અનુજ્ઞા આપી દેવદૂતને યુધિષ્ઠિરના માર્ગદર્શક તરીકે મોકલે છે. યુધિષ્ઠિર પોતાનાં બંધુજનોને નરકયાતના સહેવી પડી તેમાં જાણે પોતે ગુનેગાર હોય એવો ભાવ (અપરાધભાવ – ‘સેન્સ ઑફ ગિલ્ટ’) અનુભવે છે. તેમણે થાય છે  “ક્ષુલ્લક સિંહાસનાર્થ ભારત ઉદ્ધ્વસ્ત થવા
દીધો, રાજ્યલોભ મારો આજ તે નડે છે ” (“સમગ્ર કવિતા”, પૃ. ૫૯૬) યુધિષ્ઠિરને એમ પણ થાય છે  “કોને દઉં દોષ  હું જ મહાપ્રસ્થાને અનુજ
માર્ગમાં ઢળેલ મૂકી, સ્વર્ગ પ્રતિ ધપી રહ્યો.
એ એકાકી સ્વાર્થીપણાની જ શિક્ષા આવી મળી
કે બંધુથી વિછોયો હું ભમ્યાં કરું સ્વર્ગમાંયે
જાણે ઘોર અરણ્યે કે રણે.” (સમગ્ર કવિતા, પૃ. ૫૯૬) યુધિષ્ઠિર પોતે પણ પોતાનો કર્મવિપાક ભોગવે છે. યુધિષ્ઠિરની મનોયાતના એમના `अश्वत्थामा हत:' – એ સંદિગ્ધ વાણીના ફલ-સ્વરૂપ છે. યુધિષ્ઠિર પોતે જ પોતાના એ કર્મથી બંધાયેલા – એની વિષમતાનો થોડો સમય અનુભવ કરી લે છે. દેવદૂત યુધિષ્ઠિરને નરકને દ્વારે પહોંચાડે છે. યુધિષ્ઠિર નરકનું જુગુપ્સાપ્રેરક ભીષણ દૃશ્ય જુએ છે. દેવદૂત ધર્મરાજને હવે આગળ જવાની ના કહે છે, પરંતુ યુધિષ્ઠિર તો ‘પગ છે તો માર્ગ તો અનંત છે’ કહી આગળ પ્રયાણ કરવા પગ ઉપાડે છે ને ત્યાં જ નારકી યાતના સહેતાં બંધુજનોના ‘જશો નહિ ...’ ‘જશો નહિ ...’ના અવાજો આવે છે. યુધિષ્ઠિર આ અવાજો વિશે કુતૂહલ દાખવે છે. દેવદૂત ઇન્દ્ર-આજ્ઞા અનુસાર યુધિષ્ઠિરને પાછા વળવા વીનવે છે, પરંતુ યુધિષ્ઠિર પેલા નારકી યાતનામાં સબડતાં જનોને પોતાની ઉપસ્થિતિથી આશ્વાસન મળે છે તે જોઈ ઊભા છે ત્યાંથી ખસવાની ના કહી, દેવદૂતને પાછો કાઢે છે. યુધિષ્ઠિર તો ‘સાર્થક્ય કૈં દેહધારણાનું. જો સંતાપ શમે બે’ક પણ જીવોનો ’ – એવો સદ્ભાવ અનુભવે છે. યુધિષ્ઠિર પેલા અવાજોને અનુલક્ષી ‘કોણ છો’ એમ પ્રશ્ન કરે છે અને ઉત્તરમાં એ બધાંમાં ભીમ, અર્જુન, દ્રૌપદી, કર્ણ, સહદેવ, નકુલ, ધૃષ્ટદ્યુમ્ન, અભિમન્યુ આદિ હોવાનું જાણવા મળે છે. કર્ણ અહીં પાંડવ-પક્ષ સાથે છે તે ખાસ ધ્યાનપાત્ર છે. આ યાતનાગ્રસ્ત જીવોને ધર્મરાજાની ઉપસ્થિતિથી સાંત્વન મળે છે તો બીજી બાજુથી ભારે વેદના પણ થાય છે. તેમનામાંથી એક અવાજ જણાવે છે  ‘પરંતુ હે | ધર્મરાજ, તમનેય આવે સ્થળે આવવાનું | જોઈને નિર્માણ, જીવ તપ્ત વેળુ માંહી જાણે | ભૂંજાઈ જતો ’ (સમગ્ર કવિતા, પૃ. ૫૯૮) એ પ્રતિનિધિ-અવાજ એમ પણ કહે છે કે “અમારામાંથી એક જણ તો આ નરકયાતનામાંથી ઊગરેલ છે એનો આનંદ અમને થાત એ પણ હવે તમને નરકદર્શનનું દુ:ખ સહેવું પડ્યું તે પછી ચાલ્યો ગયો.” કેવી દુર્ભગતા આ  યુધિષ્ઠિર તો ‘નિર્માણ આ ધન્ય; આવી પાપની હો પરિણતિ ’ (સ. ક., પૃ. ૫૯૯) કહી આ પરિસ્થિતિનો ઉદારતાથી – ઉદાત્તતાથી સ્વીકાર કરી લે છે. તેમણે તો ગમે તે રીતે પણ બંધુજનો વચ્ચે આવવાનું મળ્યું એનો જ આનંદ છે. તેઓ સદાની અગ્નિજ્વાલા સમી યાજ્ઞસેની પાંચાલીના સાંનિધ્યે પરમ શૈત્ય અનુભવતા હોવાનું જણાવે છે. (અગ્નિજ્વાળાથી શૈત્ય ) ને આવો અનુભવ થતાં થયો ને ત્યાં જ એ નારકી દૃશ્ય વિલુપ્ત થાય છે. યુધિષ્ઠિર એથી વળી ઔર આઘાત પામે છે. પોતે જ આત્મદર્શન – આત્મમંથન કરતાં સઘન ભાવચિંતનમાં સરે છે  આ વખતે એમની વાણી સમુચિત ગૌરવચ્છટા ધારણ કરે છે. તેઓ સ્વગત કહે છે  “ધર્મરાજ, રાજધર્મમાં ન ધર્મ સામું જોયું,
ફળ તેનું ભોગવી લે  ભટકે છે છિન્ન અભ્ર
સમો  ન તે બંધુજનો જોવા તને મળે. શું તે
સ્વજનો તણા સંગાથનીય પાત્રતા ન રહી 
ગણ્યો પરકીય બંધુ દુર્યોધન તેં, થઈને
ધર્મપ્રિય, નહિ તને મુખ જોવું ગમ્યું તેનું
– બંધુનું, તો મુખો કેવાં બંધુજનોનાંય હવે
જોવાની અપેક્ષા કરે  તરછોડ્યો સુયોધન, અને પામ્યો નહિ પાંડુપુત્રો; હું ઉભયભ્રષ્ટ.
હવે પાછો સ્વર્ગમાર્ગ સ્વીકારીને પંડે ભૂંસું
પગલાં મારાં, ન એ તો બને; હું વધીશ આગે
પાંડુપુત્રો શોધતો ને સુયોધનનામ હૈયે
પ્રેમથી રટીશ. ને હું થઈશ ઉભયસિદ્ધ.” (સમગ્ર કવિતા, પૃ. ૬૦૦) આ ક્ષણે યુધિષ્ઠિરનો જાણે નવજન્મ થાય છે  હૃદયવૃત્તિનાં તુમુલ યુદ્ધમાં પીછેહઠ કરતા, પડતા જણાતા યુધિષ્ઠિર ફરી એક વાર યુધિ-સ્થિર બને છે, પરમ સંકલ્પબળે ધર્મગોપ્તારૂપે પાછા પ્રગટ થઈ રહે છે. જે કર્મ, દ્રૌપદી, સહદેવ, ભીમ, અર્જુન આદિ સ્નેહીજનોને નરકમાં જોયાં હતાં તેઓ હવે સ્વર્ગસુખના અધિકારી તરીકે પ્રત્યક્ષ થાય છે. સર્વ યુધિષ્ઠિરને પ્રણિપાત કરે છે. યુધિષ્ઠિર પિતા યમ, નારદ, કર્ણ ને ઇન્દ્રને વંદના કરે છે. નારદ કહે છે  “યુધિષ્ઠિર સ્વર્ગ તમે છોડ્યું, પણ પૂંઠે પૂંઠે
શોધતું સ્વર્ગ જ આવ્યું, જુઓ તો, તમોને અહીં.” (સમગ્ર કવિતા, પૃ. ૬૦૧) યુધિષ્ઠિર ત્યારે નારદને પૂછે છે કે ઘડી પૂર્વે પ્રચંડ જડબાંમાં જીવસૃષ્ટિ દળાતી હતી ને એટલામાં આ બીજી લીલા શેની  યુધિષ્ઠિરને સત્ય પણ સ્વપ્નવત્ ભાસે છે  કેટલીક વાર કહેવાય છે ને ‘દ્રુથ ઇઝ મૉર સ્ટ્રેન્જર ધૅન ધ ફિક્શન.’ – કંઈક આવું જ અહીં બને છે. યમ યુધિષ્ઠિરને સમગ્ર ઘટનાનો ખુલાસો કરે છે અને અર્ધઘડી અશમ્ય-શો જે ચિત્તજ્વર અનુભવવો પડ્યો, નરકના સીમાડાઓ જોવા પડ્યા તેનો રહસ્યસ્ફોટ કરે છે ને એમ કરતાં ‘રાજધર્મ અનુસરી નરકથી મુક્ત ન કો ’ – એવું કંઈક વિવાદાસ્પદેય જણાય તેવું સામાન્ય વિધાન કરે છે. યુધિષ્ઠિર જે સુયોધનની સાથે સ્વર્ગમાંય રહેવા તૈયાર નહોતા એ સુયોધન વિના સ્વર્ગમાં રહેવાનું પણ વિષમ હોવાનું અનુભવે છે ને નારદ એની મધુર ટીકાયે કરે છે. યુધિષ્ઠિર કહે છે  “ત્યારે નિજ-પર તણી ગણનામાં ખાતો હતો
ગોથાં હું. પરંતુ હવે, ઋષિવર, નરક છે
એ જ વાત પૂરતી છે સ્વાદ મારો સદા માટે
સ્વર્ગનો ઉડાડી દેવા.
. . . . . . . . . . . . 
આપણે વસવું સ્વર્ગે, અને ડસે અન્યને તો
યાતનાભુજંગ વિષવિષમ પ્રતિનિમેષ ” (સમગ્ર કવિતા, પૃ. ૬૦૨) યમ ‘વત્સ’, ‘ધર્મવત્સલ’ યુધિષ્ઠિરની પ્રશંસા કરતાં કહે છે  ‘ન્યાયમાર્ગે વિશ્વ ચાલે સ્વસ્થગતિ, નિશ્ચય તે | તમ જેવાના જ ધર્મબળે.’ યુધિષ્ઠિરની ત્રણ વાર કસોટી થઈ  ૧. યક્ષપ્રશ્નવેળા, ૨. શ્વાનના સ્વર્ગપ્રવેશવેળા અને ૩. સ્વર્ગમાં બંધુજન વિના નિવાસ સ્વીકારવા વેળા. ત્રણેય વાર યુધિષ્ઠિરે ‘વિશુદ્ધિદીપ્ત’ સ્વભાવ ન તજ્યો એવો યમનો અનુભવ જોવા મળે છે. નારદ તેથી છેલ્લે આખા કાવ્યનો મર્મ – યુધિ-સ્થિરતાનો મર્મ ઉપસાવતી ઉક્તિઓ રજૂ કરે છે. તેઓ કહે છે  “યુદ્ધો રણાંગણો પરે ખેલાય છે તેમાં સ્થિર
શરવર્ષા વચ્ચે રહેવું સુકર છે, વીર, કિંતુ
હૃદયવૃત્તિનાં મહા તુમુલ તાંડવો મધ્ય
ધીર સ્થિર ટકી રહેવું ક્ષુરધારા-પથે નથી
સુકર તે. હૃદયનાં વિકટ યુદ્ધે સુધીર
સ્થિરતા ધરો છે તેથી છો સાચે જ યુધિષ્ઠિર.” (સમગ્ર કવિતા, પૃ. ૬૦૩) નારદની આ ઉક્તિઓથી કાવ્યનું વ્યંજનામાધુર્ય જોખમાતું જણાય. કાવ્યનો અંત નારદની ઉક્તિથી જે રીતે આવ્યો તેથી બીજી રીતે આવ્યો હોત તો તે ઇષ્ટ થાત. આ કાવ્યમાં કવિએ મહાભારતના ઘટનાક્રમનું ઠીક ઠીક અનુસરણ કર્યું જ છે, પરંતુ એવા અનુસરણથી કૃતિની નાટ્ય તરીકેની શક્યતાઓ ન વિસ્તરી શકી એમ ચુસ્તપણે કહી દેવું ઠીક નથી. યુધિષ્ઠિરને નરકની હસ્તી છે એટલું જાણવા માત્રથી સ્વર્ગ બેસ્વાદ બની જાય છે. આ બિન્દુ કવિએ વધુ બહેલાવ્યું હોત તો ઠીક થાત એમ આપણે હરીન્દ્ર દવેને અનુસરીને કહેવું રહ્યું. જોકે હરીન્દ્ર ‘મહાપ્રસ્થાન’માં દેખાતો વનવેલીનો પ્રવાહ અહીં સ્વાભાવિક નહિ રહેતો હોવાની ફરિયાદ કરે છે એમાં તો વૈયક્તિક રુચિ-અભિપ્રાય જ કામ કરી ગયો જણાય છે. ઊલટું, યુધિષ્ઠિરના મનોમંથનમાં એ વનવેલી ઠીક ઠીક ઊંચકાયો જણાય છે. કવિનું અવધાન યુધિષ્ઠિરના મનોગત સંચારો તરફ વિશેષ હોઈ, રંગભૂમિ પર જેટલું ને જેવું ધ્યાન અપાવું જોઈએ તેટલું ને તેવું તેઓ આપી શકતા નથી; ને પરિણામે આ કૃતિનો નાટ્યપિંડ બંધાતો રહી ગયાની લાગણી થાય છે. આ કૃતિમાં બીભત્સતા–ભીષણતાનું પ્રત્યક્ષીકરણ ઠીક થયું છે. કેટલીક ક્રિયા પણ છે, યુધિષ્ઠિરનું યત્કિંચિત્ માનસ-પરિવર્તન પણ દેખાય છે, પરંતુ એ પરિવર્તન ત્રાજવાના આંદોલનની રીતિનું છે. મૂળભૂત સ્વસ્થતા તો કદાચ ઊંડે ઊંડે ટકી જ છે ને તેથી જ પરિવર્તન ઝડપી છતાં સ્વભાવસિદ્ધ લાગે છે. ભોળાભાઈ ‘મહાપ્રસ્થાન’ પછી એના અનુસંધાનમાં ‘યુધિષ્ઠિર’ કૃતિને ‘નાટિકા’ તરીકે આગળ ચાલતી જુએ છે  મહાભારતની ઘટનાપૂરતું એવું સાતત્ય છે, પણ અહીં એ બંને ઘટનાઓ અલગ રીતે જ કલ્પાઈ છે ને એ રીતે જ કવિચિત્તે એ ઘટનાઓ પર કામ કર્યું છે. વળી ‘યુધિષ્ઠિર’ તો સમયદૃષ્ટિએ ‘મહાપ્રસ્થાન’ પૂર્વે, લગભગ ૧૮ વર્ષ અગાઉ રચાયેલી. કવિએ કોઈ રીતે પાછળથી લખેલ ‘મહાપ્રસ્થાન’નું તેની સાથે અનુસંધાન કરવા પ્રયત્ન કર્યો નથી. વળી બંને કૃતિઓમાં પ્રગટતી યુધિષ્ઠિરની માનસસ્થિતિયે બેને સાંકળવામાં સર્વથા અનુકૂળ જણાતી નથી. તેથી ‘મહાપ્રસ્થાન’ના અનુસંધાનમાં ‘યુધિષ્ઠિર’નો વિચાર કરવો બિનજરૂરી છે. ભોળાભાઈ ‘નરકદર્શન > આત્મશોધન > સ્વર્ગ.’ – એવો એક ક્રમ આ કૃતિની બાબતમાં સાદર કરે છે અને ‘ત્રણે પર્વની આ એક દૃશ્ય દ્વારા જ ‘ડિવાઇન કૉમેડી’ રચાય છે.’ એવું જે વિધાન કરે છે તે રસપ્રદ છે. દાન્તેએ તેના મહાકાવ્ય ‘ધ ડિવાઇન કૉમેડી’માં Hell, Purgatory અને Paradise – એમ ત્રણ તબક્કા આપ્યા છે. એ ત્રિવિધ તબક્કામાંથી પસાર થઈને, કસાઈને યુધિષ્ઠિરનું સત્ત્વ શુદ્ધ કુંદનરૂપે ઝબકી રહે છે. સંભવ છે કે યુધિષ્ઠિરના આ નરકદર્શનની ઘટનાને કાવ્યવિષય તરીકે અજમાવવામાં દાન્તેની ‘ધ ડિવાઇન કૉમેડી’ની પ્રેરણાનો સૂક્ષ્મ રીતનો ફાળો હોય. યુધિષ્ઠિરમાં નાટ્યરીતિનાં કેટલાંક તત્ત્વો સ્પષ્ટ જણાય છે. પાત્રપ્રવેશ, પાત્રનિષ્ક્રમણ, અવાજો દ્વારા નાટકી દૃશ્યનું રંગભૂમિ પર પ્રત્યક્ષીકરણ; યુધિષ્ઠિરની માનસિક ક્રિયાનું ઉચ્ચાવચ રીતે – સંઘર્ષાત્મક રીતે સંવાદો દ્વારા થતું પ્રત્યક્ષીકરણ, ભાષા-લય દ્વારા અવારનવાર સધાતું અભિવ્યક્તિનું તૈક્ષ્ણ્ય. આ બધું એકંદરે યુધિષ્ઠિરની દૃશ્ય-શ્રાવ્ય અસરને સઘન બનાવનાર છે. ૩. અર્જુન–ઉર્વશી આ કાવ્યનો સર્જનદિનાંક છે ૩, એપ્રિલ, ૧૯૪૬. કવિએ ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’માં સોળવર્ણી વનવેલી વાપર્યા પછી ‘પ્રાચીના’ના ગણમેળવૃત્તોના પ્રયોગોમાં ગૂંથાયા. વળી પાછા તે સંખ્યામેળ વૃત્ત તરફ પાછા ફરે છે ને તેવે વખતે પ્રથમ પ્રયોગ બારવર્ણી વનવેલીનો કરે છે. આમેય પ્રાચીનામાં ૧૧-૧૨ વર્ણોવાળા ત્રિષ્ટુભ-જગતી છંદકુલના પ્રયોગો બહોળા પ્રમાણમાં એમણે કર્યા હતા, તે પછી એમની સર્જકતા ૧૨ વર્ણવાળા સંખ્યામેળ વૃત્તમાં કામ કરવા એકાગ્ર થઈ અને ‘અર્જુન–ઉર્વશી’માં એ વૃત્તે વિશિષ્ટ છટા બતાવી. આ અર્જુન–ઉર્વશીનું વસ્તુ મહાભારતના ‘આરણ્યક પર્વ’માંના ૪૫મા અને ૪૬મા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. આ વસ્તુને વિષ્ણુ એસ. સુકથનકર પ્રક્ષિપ્ત માનતા જણાય છે.T ઉમાશંકર આ વસ્તુને સમુચિત ફેરફારો કરી વધુ સઘન રીતે અહીં રજૂ કરે છે. તપ કરવા ગયેલા અર્જુનને કિરાતવેશી શિવની સાથે લડવાનું થાય છે. એ લડાઈ પછી પ્રસન્ન થયેલ શિવ તેને પાશુપતાસ્ત્ર આપે છે. એ પછી અર્જુન ઇન્દ્રની ઇચ્છાથી સ્વર્ગમાં પાંચ વરસ રહે છે. ઇન્દ્ર અર્જુનનું બહુમાન કરી તેને પોતાની સાથે અર્ધાસને બેસાડે છે. તે ઉર્વશી આદિ અપ્સરાઓનું નૃત્ય બતાવે છે. ઉર્વશીના નૃત્ય દરમિયાન અર્જુને એની તરફ અભિલાષપૂર્વક જોયાનું ઇન્દ્રને સમજાય છે ને તેથી ઇન્દ્ર ઉર્વશીને અર્જુનનું મન પ્રસન્ન કરવા ગાંધર્વવિદ્યાગુરુ ચિત્રસેન દ્વારા આદેશ કરે છે. ચિત્રસેન ઉર્વશીને મળી તેને અર્જુનનું મન સંપાદન કરવાનું કામ સોંપે છે, અને ત્યાર પછી ઉર્વશી પંડે જ ચંદ્રોદય થતાં એકલી અર્જુનગૃહે જઈ પોતાની કામૈષણાની તેને વાત કરે છે પણ અર્જુન તો તેને ગુરુપત્નીસદૃશ, માતૃસદૃશ લેખી તેની કામ-અભિલાષાને ઠુકરાવે છે ને પરિણામે ખંડિતા નાયિકાની રીતે ઉર્વશી કુપિત થઈને અર્જુનને શાપ આપે છે. આ શાપની વાતની અર્જુન દ્વારા ચિત્રસેનને અને ચિત્રસેન દ્વારા ઇન્દ્રને ખબર પડે છે અને ઇન્દ્ર અર્જુનને એકાંતમાં આ શાપ વનવાસના તેરમા વર્ષે ગુપ્તવાસમાં કઈ રીતે આશીર્વાદરૂપ થશે તે સમજાવે છે. ઉમાશંકરે આ વસ્તુમાં કેટલાક સુંદર સુધારા-ઉમેરા કરી મૂળની કથાને, મૂળનાં ઉર્વશી આદિ પાત્રોને વધુ સુંદર ને આકર્ષક બનાવ્યાં છે. અહીં કવિએ ઉર્વશીઘેલા મયૂરકનું પાત્ર મૂક્યું છે. ગાંધર્વવિદ્યાગુરુ ચિત્રસેન જ મયૂરકના વેશમાં અર્જુનના આવાસ સુધી ઉર્વશીને મૂકવા જાય એવી યોજના કરી છે, જે રસોચિત હોઈ આકર્ષક ને કાવ્યદૃષ્ટિએ ચમત્કારપૂર્ણ લાગે છે. ઉર્વશી પોતાના આવાસેથી નીકળી છે ત્યારે તેની પાછળ ઘેલો બનેલો મયૂરક (એક દેવ) સ્વાભાવિક રીતે જ તેનો પીછો કરતો તેની સ્નેહાવિષ્ટ અવસ્થાનાં સુંદર સૂચનો કરતો જોડે થઈ જાય છે. કાવ્યનો આરંભ મયૂરકની ઉક્તિથી થાય છે. મયૂરક ઉર્વશીને પોતાના પ્રાસાદે નિમંત્રણ દેવા જેટલો આગળ વધે છે ને ઉર્વશી તો પોતાની પાછળ ઘેલા પેલા મયૂરકને ઓળખતીયે નથી  એ તો પૂછે છે  ‘કોણ છે રે ’ મયૂરક  ‘એ તો હું...’ એમ કહે છે પણ એના પ્રતિભાવરૂપે તો ઉર્વશી તરફથી ‘અર્જુન ’ એમ જ પૃચ્છા થાય છે. ઉર્વશીને આરંભથી જ કવિએ અર્જુનમય સ્થિતિમાં – ઉત્કટ સ્નેહસ્થિતિમાં વર્તતી – બોલતી બતાવી છે. મયૂરકને આ હરીફ પ્રેમી ‘અર્જુન’ માનવનો પ્રશ્ન નહિ જ રુચ્યો હોય ને તેથી માનવથીયે અતિરિક્ત પોતાનું જે દેવત્વ, તેનો નિર્દેશ કરી ‘મયૂરક’ તરીકેની પોતાની પિછાણ આપે છે. ઉર્વશી તો અર્જુન-માનવઘેલી છે ને તેથી એની રીતે પોતાનો ભાવ વ્યક્ત કરતાં બિચારા મયૂરકને સંભળાવે છે  “માનવ તું હોત તો આવત દોડી,
આજે જેમ આવી છું આવાસ છોડી.” (સમગ્ર કવિતા, પૃ. ૬૦૪) ને પછી જાણે દેવત્વને માથે માનવત્વ સ્થાપવા ન માગતી હોય તેમ તે કહે છે  “માનવને દેવ થવું દીસે સહેલ.
દેવને માનવ થવું તે ન ખેલ.” (સમગ્ર કવિતા, ૬૦૪) મયૂરક પણ કાંઈ ઉર્વશી સાથેના સંવાદમાં પાછો પડે એમ તો નથી. માનવની વાત કરતી ઉર્વશીને તે ‘માનવપ્રેયસી’ કહી સંબોધે છે ને પુરુરવાS–પ્રેમની યાદ આપી, ‘માનવમાં મન છે તો સ્વર્ગે શાને વસો ’ એમ ઉપાલંભ પણ આપે છે. તેના રાત્રિસંચારે, રૂપપ્રભાવે આખુંયે સ્વર્ગ રૂપ-દોલા પર હીંચી રહ્યાનું જણાવે છે. બિચારા દેવને રિબાવવાની આ મનસ્વિની ઉર્વશીની ટેવને તે ટપારે છે. ઉર્વશીની વિહારપ્રિયતા – વિલાસપ્રિયતા કવિ રસિક રીતે ઉપસાવે છે. મયૂરક ‘ઉન્માદમદિરા’ એવી ઉર્વશીના અભિસરણનું આલંકારિક રીતે ચિત્ર આપી, તેના રૂપગૌરવને પ્રશંસી, દીનમુખે પોતાને પ્રાસાદ પધારવા વિનંતી કરે છે, પણ ઉર્વશી તો મયૂરકના દીર્ઘ સંભાષણના ઉત્તરમાં આટલું જ પૂછે છે  ‘અર્જુનઆવાસ સામો પેલો તે ને  | પહોંચાડી મને ત્યાં સુધી તું જશે ને ’ (સમગ્ર કવિતા, પૃ. ૬૦૫) મયૂરકને આવ કે આવકારોય નહીં  મયૂરક આ સ્વર્ગીય રૂપના પ્રભાવ સામે માનવહૃદય નહિ ટકે શકે એમ કહે છે અને એમ કહેતાં એના દેહલાવણ્યનું અલંકારમંડિત બયાન કરે છે  “વસંતલાવણ્યભરી કરવેલ,
કટિભંગે અંગશોભા શી લચેલ 
મદીલ લોચને અંજન જાદૂઈ;
કેશપાશે સોહે શ્વેત પુષ્પ જૂઈ;
કપોલે ને ભાલે તેજના ઝગારા,
અધરે ઊછળે મત્ત સુધાધારા.” (સમગ્ર કવિતા, પૃ. ૬૦૬) ને વિધિવક્રતા એવી કે મયૂરકનું આવું રસાલંકારયુક્ત બયાન જ ઉર્વશીની અર્જુનપ્રીતિનું ઉદ્દીપક બની રહે છે  ઉર્વશી તો આ બયાન સાંભળી મયૂરકને આટલું જ પૂછે છે  ‘તો તો તે પ્રસન્ન થશે ને અર્જુન ’ પ્રેમઘેલા – રૂપદીવાના મયૂરકની તો ઉર્વશીને આવા પ્રશ્નના ઉત્તરમાં હોંકારો સાંભળવા પૂરતી જ આવશ્યકતા છે  મયૂરક તો ઉર્વશીની અર્જુનમનસ્ક સ્થિતિથી સોંસરો વીંધાય છે. કેવાં રમણીય સ્નેહસ્વપ્નો એનાં નંદવાય છે. એક રમ્ય કલ્પિત ઘટના જે એને ઉર્વશી સાથેના સંવાદરૂપે કલ્પેલી તે નાટ્યાત્મક રીતે ઉર્વશી આગળ જ વર્ણવી પોતાની પ્રણયભંગ મનોદશાનો સચોટ ખ્યાલ આપે છે. ઉર્વશી ત્યારે એ ‘ગાંડા’ મયૂરકને ‘કાલે જ આવીશ’ એમ છેવટે કહીને ધીરજ આપે છે. મયૂરક આમ છતાં એક પ્રયત્ન ઉર્વશીને સમજાવવાનો કરી જુએ છે. દરમિયાન બંને અર્જુનના નિવાસ સુધી આવી લાગ્યાં છે. મયૂરક ‘પ્રીતિ-દાને સદા-ઉદાર’ ઉર્વશીને કહે છે  ‘સ્નેહ-અસ્વીકાર સમું ન કો પાપ અગાધ અપાર.’ ને આ મયૂરકે ઉર્વશીને કહ્યું એવું જ અર્જુનને કહેવાનો વારો આ રૂપગર્વિતા ઉર્વશીનોય આવવાનો છે  મયૂરકની ઉપેક્ષા કરતી ઉર્વશીની અર્જુન ઉપેક્ષા કરવાનો છે ને એમ એક કાવ્યન્યાય પણ થવાનો છે  ઉમાશંકરની ખૂબી આ મયૂરક-ઉર્વશીના સંવાદમાં જે વસ્તુવક્રતા પ્રગટ કરી બતાવી છે એમાં છે. ઉર્વશીને મયૂરકની તમા નથી, ને મયૂરક જ્યારે પૃથાપુત્ર અર્જુનને આવતો નિહાળે છે ત્યારે ઉર્વશીની વિદાય લે છે, જે ઉર્વશી ‘સુખેથી’ આપે છે. તે પછી પૃથાપુત્રની પ્રત્યક્ષ થતાં ઉર્વશીના હૃદયમાં જે હલચલ મચે છે તેનું સુંદર રીતે નાટ્યાત્મક નિરૂપણ અહીં પદ્યવાણીમાં થયું છે. ઉર્વશી કહે છે  “સમજશે  શેં રે ક્હેવાશે મુખેથી 
જાઉં કે ન જાઉં ... મયૂરક સખે,
ઊભો રહે આવું છું, રિસાતો રખે.
ગયોયે  તો તારી જીભ દેતો જશે 
ગયો જ ... આ જીવ પૂરતો ન થશે,
પ્રીતિથી પ્રપૂર્ણ, ભલે શબ્દહીન 
એમાં તર્યાં જશે, જલે જ્યમ મીન,
આંખો બે એ મહાવીર કિરીટીની
હેરતી’તી તે દી જેહ સ્નેહભીની.
દ્વારે ન કો દીસે  અયે વ્યોમશશી,
નિવેદિત કરો અપ્સરા ઉર્વશી
અર્જુનને...” (સમગ્ર કવિતા, પૃ. ૬૦૭–૮) ઉમાશંકરે આવા રસબિન્દુને ખીલવવામાં પોતાનું ઊંચી પ્રતિના કલાકારનું જ પોત પ્રકાશિત કર્યું છે. અર્જુન જ ઉર્વશીની મૂંઝવણ દૂર કરતો પ્રવેશતાંવેંત જ ‘દેવી, અર્જુન તે શિશુ | તમારો પ્રણમે પદે ઉરોર્મિ-શું’ – એમ કહી દે છે. પરંતુ ‘શું બોલવું ’ એની સમજ જેને પડતી નથી એ ઉર્વશીની તો મૂંઝવણ આથી ટળે છે કે વધે છે  અર્જુને ઉક્તિના આરંભે ‘શિશુ તમારો’ કહીને ઉર્વશીના મનોરથનો મહેલ ધરાશાયી કરી દીધો  ને વળી પાછું એમાં બાકી હોય તેમ ‘જનની ઉર્વશી’નું સંબોધન કરીને, જાણે પોતાનું વત્સપણું ઘૂંટીને વધારે ગાઢ રીતે બતાવી દીધું  એક બાજુ અત્યાર સુધીની ઉર્વશીની અર્જુન માટેની પ્રણયઘેલછા ને એની સાથે ‘અર્જુન તે શિશુ તમારો’ એ ઉક્તિ  કવિની અહીં, આ પરિસ્થિતિના નિર્માણમાં નાટ્યકળા સહેજેય પ્રગટ થઈ રહે છે. ઉર્વશીનો આ પછીનો ભાવ પણ કેવો કુશળતાથી પ્રગટે છે. ઉર્વશી કહે છે  “મુખ જોવા નથી માગતી હું આનું,
શશી, જા છુપાઈ  કેમ કરી માનું 
અનિલ, તું એની કનેથી ના’વીશ.
વ્યોમ, એની–મારી વચ્ચે ફેલાઈશ 
અહો ઉપહાસ ...” (સમગ્ર કવિતા, પૃ. ૬૦૮) છંદ આ ઉક્તિમાં જાણે વિશિષ્ટ છટા પ્રગટ કરે છે. અર્જુન ઉર્વશીની ‘આજ્ઞા’ વાંછે છે, ઉર્વશી અર્જુનનો આજ્ઞા કરવાનો અધિકાર આજ માનીને આવી છે  ઉર્વશી દરમિયાન પોતાની જાત પર કાબૂ લઈ લેતી જણાય છે. કંઈક ધૃષ્ટતાથી તે અર્જુનને ‘રજનીપ્રસાદ’ પામીને જવા કહે છે. અર્જુન તો ઉર્વશીને ‘પુરુવંશની જનની’-રૂપે જ જોતો હોય છે. ઉર્વશીએ આ ધારેલું નહીં ને તેથી ‘પરંતપ, તારો હોલાયો પ્રતાપ ’ (અહીં ‘પરંતપ’ અને ‘પ્રતાપ’ શબ્દોની પસંદગીનુંયે કલામૂલ્ય રસજ્ઞો જોશે જ.) એમ પ્રશ્ન કરે છે. પોતાને આની આગળ મોકલવા માટે દેવેશ ઇન્દ્રનીયે ટીકા કરે છે. ત્યારબાદ ઉપાલંભ દેવા પૂરતું જ ઇન્દ્રસભામાં અર્જુન જે રીતે પોતાને નીરખતો હતો તેનું વર્ણન કરે છે ને એમ કરતાં અર્જુનને કહે છે  ‘ગ્રામ્ય મટ્યો ન પૃથ્વીનો.’ અર્જુનને સમજવામાં કેવળ ઇન્દ્રે નહિ, આ ઉર્વશીએ પણ થાપ ખાધી, નહીંતર પોતાના પૂર્વજ પુરુરવા કઈ રીતે આ ઉર્વશીથી આકર્ષાયા એ જોવાનું કુતૂહલ અનુભવતી અર્જુનની આંખમાં કામવિકાર છે એમ તે સમજત  જેમ જેમ અર્જુન પોતાનો ઉર્વશી માટેનો પાવિત્ર્યભાવ, પૂજ્યભાવ અભિવ્યક્ત કરતો જાય છે તેમ તેમ ઉર્વશી વધુ ને વધુ માનખંડન પામતી મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ અનિવાર્યતાથી પ્રેરાઈને ધૃષ્ટતાનો આશ્રય લઈ ‘પાર્થ, પામી મને આજે થા તું ચરિતાર્થ’ જેવાં વચનોય ભાખી દે છે, ને જ્યારે અર્જુન ઉર્વશીને ‘ગુરુજન’ તરીકે સંબોધી માથે હાથ મૂકવા વીનવે છે ત્યારે ઉર્વશી ભાવોત્ક્ટતાથી જાણે પોતાને જ પીંખતી કહે છે  “સ્નેહયાચિની છટ્  રાંકડી ઉર્વશી 
કૃપણમાનવમાનદંશે ડસી 
જા પાછી ...
 હા, જાઉં. પણ જતાં જતાં...” (સમગ્ર કવિતા, પૃ. ૬૧૨) ઉર્વશીની આ મન:સ્થિતિનો ચિતાર સાચે જ આકર્ષક છે. રંગભૂમિક્ષમતાની દૃષ્ટિએ આ કૃતિમાં ઠીક ઠીક વિત્ત જણાય છે. પાત્રો વચ્ચેના સંઘર્ષમૂલક સંવાદની સિદ્ધિ અહીં ધ્યાનપાત્ર છે ને છતાં આ કાવ્યને નાટ્યગુણે કેમ ગુજરાતી વિવેચકોએ લગભગ ઉપેક્ષ્યું તે એક પ્રશ્ન છે. અર્જુન તો અપાર ધીરજથી વિકારવંટોળ ડહોળતી ઉર્વશી સામે – અસ્વસ્થ રૂપની જ્વાળા સામે સ્વસ્થ શાંત નિર્મળ સરોવર-શો અડીખમ રહીને ટક્કર લે છે. ઉર્વશી ‘જતાં જતાં...’ એમ બોલવાનું ચાલુ રાખે છે ત્યારે આ અર્જુન ‘વત્સમસ્તકે તે હાથ...’ એ જ એની અપેક્ષા ઊંડા ને અડગ પૂજ્યભાવથી વ્યક્ત કરતો ઊભો રહે છે. ઉર્વશી એના ઉત્તરમાં તુરત કહે છે  ‘હૈયું છતાં, | હાથ બતાવવા કેમ ચાલે હામ ’ ને સાથે ‘સર્વ-હારી’ એવી તે કહે છે  “નથી નર, વીર, માત્ર છું હું નારી.
નારીત્વનો મારા, વ્હોર્યો છે તેં કોપ,
પુરુષત્વ તારું તો, હજો અલોપ ” (સમગ્ર કવિતા, પૃ. ૬૧૨) વીર રહ્યો એની અર્જુનને આ શિક્ષા  ને છતાંય અર્જુનની ‘ઉર્વશી’ માટેની વૃત્તિ કે વાણી જરાયે ગૌરવભ્રષ્ટ નહીં  શાપ આપીને ઉર્વશી સંચરી ને ત્યાં જ ઇન્દ્રને પ્રવેશતા બતાવી કવિએ ભાવોચિત, નાટ્યોચિત વસ્તુસંદર્ભ આપ્યો છે. ભોળાભાઈ અર્જુનની ઉક્તિ પછીથી ઇન્દ્રનો થતો પ્રવેશ નાટિકાના અંતને શિથિલ બનાવે છે એમ કહે છે.૨૮૦ ઇન્દ્રના પ્રવેશે તત્કાલ તો એથી ઊલટી જ લાગણી થાય છે. એટલું ખરું કે છેલ્લે ‘શાપ પોસાશે, પણ પોસાશે ના પાપ.’ – જેવી ઉક્તિઓમાં અહીં છે તેથી કંઈક વિશિષ્ટ એવું જો ઉમાશંકર લાવી શક્યા હોત તો વધુ આકર્ષક થાત. છે એ પણ અંતને ટકાવવામાં તો પૂરતું કામયાબ છે. ઇન્દ્ર અર્જુનને એના નિવાસદ્વારે જ રોષરક્ત ઉર્વશી મળ્યાની વાત કહે છે ને અર્જુન તો ઉત્તરમાં માત્ર આટલું જ કહે છે, ને તેય ઉર્વશી માટેની પૂરી માનઅદબ સાથે  – “જોઈને અબૂઝ મને નિરાસક્ત...
શું કહું  છો બંને ગુરુજન....” (સમગ્ર કવિતા, પૃ. ૬૧૩) ને અર્જુનને કવિ વિગત દુર્ઘટના કહેવાના ભારમાંથી બચાવી તેની ઉદાત્તતાને જ વધુ તો ઉપસાવે છે. ઇન્દ્ર પોતે બધી ઘટનાથી પોતે જ્ઞાત હોવાનું જણાવતાં કહે છે  “...પ્રમાણું મત્તકાશિની તે મોહી તુંમાં ઘણું.
માની નહિ, એના મયૂરક તણું
લઈ રૂપ પૂંઠે પૂંઠે ચાલી એને
મનાવી’તી સારે માર્ગે ચિત્રસેને.” મૂળમાં આવો કોઈ સંદર્ભ નથી. ઇન્દ્રે તો અર્જુનનું ઉર્વશી માટેનું આકર્ષણ જાણીને ચિત્રસેન દ્વારા ઉર્વશીને તેનું મન પ્રસન્ન કરવાને મોકલવા ચાહ્યું. આ પ્રસન્નતાનો અર્થ શું કરવો  ચિત્રસેને મયૂરક-વેશે જો અર્જુનને પ્રેમ નહીં કરવાનું સમજાવ્યું તો તેમાં શું ઇન્દ્રની પ્રેરણા સમજવી  ઉર્વશી અર્જુનનો મોહ છોડવાનું ન માની એમાં એ ઇન્દ્રના જ પ્રયોજનને વશ વર્તી નથી  ઇન્દ્રની આ ઉક્તિ કંઈક સંદિગ્ધતાવાળી જણાય છે. ઇન્દ્ર ઉચિત રીતે અર્જુનની આ નરવીરતાથી પૃથા અને ધર્મરાજનું ગૌરવ થયાનું નિર્દેશે છે. અર્જુને હજુયે ઉર્વશી ત્રૂઠે – એનો આનંદ માણે છે – ‘અહો તુષ્ટિ એવી ’ પણ એ તુષ્ટિ તો વાત્સલ્ય પામ્યાની જ હોય. ઇન્દ્ર શાપ મળ્યાનો નિર્દેશ કરી, એ શાપ ભાવિના સંદર્ભમાં તો વરદાનરૂપ જ થવાનો છે એમ કહી અર્જુનને અભિનંદે છે. ઇન્દ્ર જ કહે છે  ‘શાપ પોસાશે, પણ પોસાશે ન પાપ.’ આ ઉક્તિ સુંદર છે, પણ આ ઉક્તિ ઇન્દ્રના સ્થાને અર્જુનના મુખમાં હોત તો  રસદૃષ્ટિએ એ વધુ ઇષ્ટ ન થાત  ઇન્દ્ર અર્જુનને ‘વિજયી’ થવાની શુભેચ્છા પાઠવવા સાથે શંભુને હંફાવનાર મન્મથનો પરાજય કર્યાથી લોકોમાં તારી ‘વિજય’ તરીકે નામના હો એમ પણ આશિષ આપે છે. શંભુને હંફાવ્યા, પાશુપતાસ્ત્ર મેળવ્યું એ સિદ્ધિ તો ઠીક, એથીયે અદકેરી સિદ્ધિ તો આ મન્મથવિજયની છે. ઉમાશંકરે આ કાવ્યમાં જે ક્ષણ પસંદ કરી છે તે નાટ્યદૃષ્ટિએ ઘણી સંકુલતાવાળી છે. અનેક પરિમાણોએ આ ઘટનાનું રહસ્ય જોઈ શકાય. સ્નેહસંબંધની અહીં એક અનન્ય ઘટના નિરૂપાઈ છે. આ ઘટનામાં ઉર્વશીએ, આમ જોઈએ તો, અજાણતાં અર્જુનનું હિત જ કર્યું છે, અર્જુન ઉર્વશીનો ‘રજનીપ્રસાદ’ છોડીને કશું ખોતો નથી, બલકે ઘણું પામવા જેવું પામે છે. વિશ્વજેતા અર્જુન બને છે પણ કામજેતા થઈને; પુણ્યચેતા અર્જુન બને છે, પણ અભિશાપ વેઠવાનું ઉદારતાથી સ્વીકારી લઈને. શાપની શિક્ષા એને અકારી નથી, પાપની દીક્ષા અકારી છે. અર્જુને પોતાને જ નહિ ઉર્વશીનેય બોધપાઠ આપ્યો છે, – ઉર્વશીને નારીત્વનો બોધપાઠ. ઉર્વશીનેય કામ-રૂપની મર્યાદાનું ભાન કરાવી, એને આઘાત આપી, એને શીલ-સ્નેહની અનોખી માનમર્યાદા અને તેના માનમરતબાનો સાક્ષાત્કાર પણ કરાવ્યો છે ને ઉર્વશીયે અર્જુનને શાપ આપતાં પોતે મૂળભૂત રીતે તેનું કશુંયે અહિત કરી શકી હોય એમ જણાતું નથી, ઊલટું, તેનું તો ઉર્વશીથી, દીર્ઘદૃષ્ટિએ જોતાં તો, હિત સધાઈને જ રહે છે. ધર્મનિષ્ઠ પૌરુષને કેવી નિયતિદીધી યંત્રણાઓમાંથી પાર ઊતરવું પડે છે તેનું અહીં તાદૃશ ભાન થાય છે ને આવું ભાન સ્નેહતત્ત્વ, નારીત્વ, પૌરુષ, વીરત્વ, દેવત્વ આદિ વિશેના આપણા ચિત્તના જે ખ્યાલો છે તેનો પરિપોષ કરીને વધુ વિકાસ સાધી આપે છે. ‘સાહિત્ય દૃષ્ટિ આપે છે’ એવા કાકાસાહેબના અભિપ્રાયની યત્કિંચિત્ સાર્થકતા ઉમાશંકરના આવા જીવનમર્મદ્યોતક કાવ્ય-પ્રયોગોથી પમાય છે. કવિએ આ કાવ્યમાં પ્રયોજેલ દ્વાદશાક્ષરી વનવેલીની વિલક્ષણ ગતિચ્છટા છે. અભિસારિકા ઉર્વશીની સાથે એના પગલેપગલાને દાબતા, એ રીતે પીછો કરતા મયૂરકની ગતિ સાથે સંવાદની – છંદની લયગતિ મેળ સાધતી જણાય છે. કવિએ આ કાવ્યમાં પ્રાસરચના દ્વારા પદ્યગતિને અપૂર્વ તિર્યક્તા ને લલિતતા બક્ષી છે. ક્યાંક ‘દેવી, અર્જુન તે શિશુ | તમારો પ્રણમે પદે ઉરોર્મિ-શું.’ જેવામાં અંત્યપ્રાસની મેળવણીમાં જો નિપુણતા તો સાથે જ આયાસનીયે યુગપત્ પ્રતીતિ થઈ રહે છે. ‘ઉરોર્મિ-શું’નું વજન કર્ણને અનુકૂળ આવતું નથી. આમ છતાં એકંદરે પ્રાસના બંધને ઉર્વશીની વાગ્રચનાને સૌષ્ઠવ-લાલિત્યનિષ્ઠ ભંગિમા અર્પેલી જણાય છે. ઉમાશંકરનો અહીં મેળવ્યા છે એવા પ્રાસોમાં ‘મોહ’ (‘પ્રાસમોહ’) પ્રગટ થાય છે એમ કહેવું યથાર્થ નથી. વસ્તુત: પદ્યનાટ્યના માધ્યમની ખોજના એક અનિવાર્ય તરીકારૂપે એમના પ્રાસરચનાના પ્રયોગોને જોવા–મૂલવવા જોઈએ. ‘મઘવાનું હતું વચન અમોઘ, તેથી અદકેરો મુજ રાગ-ઓઘ’ – જેવી પંક્તિઓમાં પ્રાસથી સધાતી પંક્તિના પદવિન્યાસની શ્લિષ્ટતા–ચુસ્તતા ને સચોટતા નજર બહાર ન જવી જોઈએ. પ્રાસ દ્વારા ઉમાશંકર પદ્યરૂપ પામવા કરતી વાણીની આંતરિક સંગીતમયતાને – એના લયનિષ્ઠ આત્મસંચારને અર્થોચ્ચારણની ભૂમિકાએ પ્રત્યક્ષ કરવા મથતા જણાય છે. એમની આ મથામણનું મૂલ્ય ઓછું અંકાય એમ નથી. આ કાવ્યમાં ઉર્વશીના પ્રણયાભિગમમાં કવિએ મનોવૈજ્ઞાનિક ભૂમિકાનો ભાવનિરૂપણની કક્ષાએ ઠીક ઠીક ખ્યાલ રાખ્યો છે ને તેથી આ કાવ્ય મૂળ વસ્તુની તુલનાએ તો સારું એવું કાયાકલ્પ પામ્યું છે ને રસાવહ પણ ઘણું થયું છે. ૪. કચ આ કાવ્યનું વસ્તુ મહાભારતાદિમાં જોવા મળે છે. મહાભારતના આદિપર્વમાંના સંભવપર્વમાં અધ્યાય ૭૧ અને ૭૨માં જે વસ્તુ છે તેનો ઉમાશંકરે પોતાની રીતે વિનિયોગ કર્યો જણાય છે. આ કાવ્યમાં કવિએ દેવગુરુ બૃહસ્પતિના જયેષ્ઠ પુત્ર કચને અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસેથી, દેવયાનીના પ્રેમને બળે સંજીવની વિદ્યા પામીને સ્વર્ગ તરફ સંચરતો બતાવ્યો છે. આ કચ જો સંજીવની વિદ્યા પામેલો છે તો ગુરુ શુક્રાચાર્યની કન્યા દેવયાનીનો અભિશાપ પણ પામેલો છે. આપણે અહીં અભિશપ્ત કચનું જ દર્શન કરીએ છીએ. આ કચ સ્વર્ગ પ્રતિ સંચરતાં માર્ગમાં સંજીવની આદિ અનેક બાબતો વિશે વિચાર કરતો જાય છે. કાવ્યારંભે કચ પોતે પોતાને જ પૂછે છે  ‘મળી સંજીવની વિદ્યા, નિવેદિત કરું જઈ
દેવોને સદ્ય, રે કિન્તુ સંજીવની કઈ  – કઈ ’ (સમગ્ર કવિતા, બી.આ., પૃ. ૬૧૪) આખા કાવ્યમાં જે અંતર્ગત છે તે આ સંજીવનીનું રહસ્ય. કચ શુક્રાચાર્યના મંત્રબળે સજીવન થયો કે દેવયાનીના પ્રીતિબળે  સંજીવનની શક્તિ દેવયાનીની પ્રીતિમાં કે શુક્રાચાર્યની વિદ્યામાં  કચની અહીં પ્રગટ થયેલી સમગ્ર જીવનઘટનામાં વળી વળીને પેલી પ્રીતિનું અમૃતરહસ્ય – સંજીવનીબળ જ છતું થતું રહે છે. કચ જાણે એ જ સંજીવનીબળે નવો અવતાર પામી સ્વર્ગમાં સંચરે છે. દેવયાનીનો શાપ તો વેદનાના આઘાતરૂપ છે. દેવયાનીના શાપે બહુ બહુ તો સ્થૂલ રીતે કચની મરેલાંને જીવતાં કરવાની વિદ્યા જ માત્ર નિષ્ફળ કરી છે ને તેય મર્યાદિત અર્થમાં, પણ દેવયાનીને આ શાપને પરિણામે જીવનભર વધુ સહેવાનું આવ્યું છે. પ્રીતિરૂપ જીવનના નિગૂઢ રસાયણનું, એની સંકુલ ક્રિયાગતિનું કચના વૃત્તાંતમાં જે રસપ્રદ રૂપ છે તેને જ કવિએ લક્ષ્ય કરી, એમની સૂક્ષ્મ રસવિવેકબુદ્ધિનો સાક્ષાત્કાર આપણને કરાવ્યો છે. કચના ચિત્તમાં પ્રીતિરસાયણે આખો ભૂતકાળ તેજસ્વી સ્મરણોમાં પ્રગટી આવે છે. કચનું હોવાપણું, સંજીવની વિદ્યા સાથે સ્વર્ગ તરફ આજનું જવાપણું – તે પણ દેવયાનીની પ્રીતિને જ આભારી હતું અને તે કચ જેવો ઉત્કટ સ્નેહસંવેદન ધરાવતો તેજસ્વી યુવક કેમ વીસરી શકે  ત્રણ ત્રણ વાર ગુરુકન્યા દેવયાનીએ પોતાને જે રીતે પિતા દ્વારા જીવનદાન અપાવ્યું તેનું સ્મરણ કરતાં કૃતજ્ઞતાનો ઊંડો ભાવ અનુભવે છે. ત્રીજી વાર તો ગુરુ શુક્રાચાર્યના પેટમાંથી આ ‘પ્રતિપક્ષીસુતે’ ગુરુ પાસેથી સંજીવની વિદ્યા શીખી, જીવન પામી, બહાર આવી, ગુરુને પછી એ જ સંજીવની-વિદ્યાબળે સજીવન કરવાના હતા અને એવું જોખમ પણ દેવયાનીએ પ્રીતિશ્રદ્ધાથી ખેડ્યું. કચ દેવયાનીનું આ પ્રીતિ-ઋણ કેમ વિસ્મરે  તે કહે છે  ‘ખરી આયુર્દાત્રી મુજની – વળી સંજીવની તણી –
અરે એ તો પ્રીતિ સરલ ઋષિકન્યાહૃદયની.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૧૫) દેવયાની જ સ્વયં સંજીવની-રૂપે જાણે એના કોમળ ધર્મનિષ્ઠ હૃદયમાં સ્ફુરતી રહે છે. કચ દેવયાની સાથેના પોતાના સંબંધનો વિચાર કરે છે. ગુરુને ઘેર કચ અત્યંત સંયમપૂર્વક રહ્યો છે. તેણે દેવયાની સાથેના સંબંધમાં ક્યાંય વિનય છોડીને અતિચાર કર્યો નથી. એ ગુરુને ઘેર ગયો ત્યારે કેવો હતો  ‘વયે નાનો, ને ના પ્રણય પથની મારી કથની.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૦૩) પોતે ગુરુને ઘેર જ્યારે પહોંચ્યો ત્યારે પ્રીતિપથનો અતિથિ નહિ પણ વિદ્યાર્થી જ હતો. તે શુક્રાચાર્યની પર્ણકુટિએ પહોંચ્યો ત્યારે ગુરુની અનુપસ્થિતિમાં જે રીતે દેવયાનીએ તેનું મીઠું સ્વાગત કર્યું તે હજુયે ચિત્તમાં યથાવત્ તાજું રહેલું જણાય છે. કચ એ ચિત્ર આપતાં કહે છે  “કહી ‘બેસો’ નેત્રસ્મિતથી મલકી સ્વાગત મીઠું,
વળી તું વાતે, હા વદન સહસા ત્યાં શું જ દીઠું 
કહીંથી આછી શી નમણી લમણે લ્હેકી લહરી,
ઢળેલાં નેત્રેયે ઊતરી કહીંથી છાંય ગહરી,
વિષાદે જન્મોના વદન છવરાયું ક્ષણભર;
ઊડી એ આભા, ને વળી સહજ વાતે તું મુખર.
સ્વરૂપ પ્રીતિનું પ્રિય તવ કપોલે સ્ફુટ લહ્યું,
ન હોઉં જન્મોનો સહચર, – કહી એ સહુ રહ્યું.” (સમગ્ર કવિતા, પૃ. ૬૧૫) અહીં જે રીતે ‘વિદ્યાર્થી’ કચ એના પ્રથમ આગમન-પ્રસંગે દેવયાનીનું ચિત્ર જુએ છે તે જોતાં પ્રીતિપથના અતિથિ નહિ એવા કચનું પ્રથમ આતિથેય પ્રીતિના અભિજ્ઞાને જ થયું જણાય છે  કચ પ્રથમ દર્શને જ દેવયાનીમાં જે જોઈ શક્યો એ પ્રીતિપ્રેરણા વિના કદીયે શક્ય થાત ખરું  કચ આ પછી યાદ કરે છે – કુલપતિ શુક્રાચાર્યે પ્રથમ તો પોતે વિપક્ષીસુત હોવાથી પોતાને સ્વીકારવાનો ઇન્કાર કર્યો પણ પછી દેવયાનીના જ અનુનયે પોતાનો વિદ્યારત કુલના એક સભ્ય તરીકે સ્વીકાર શક્ય બન્યો તે ઘટનાને. કવિએ અહીં દેવયાની સાથેના કચના સ્નેહસંબંધને ઉપસાવવા જતાં શુક્રાચાર્યના પાત્રને જરાક હાનિ કરી છે. મૂળ મહાભારતમાં તો શુક્રાચાર્ય સત્યવાદી કચની `शिष्यं गृह्णातु मां भवान्। એવી વિનંતી, વિના આનાકાનીએ, ઉમળકાથી સ્વીકારતાં તુરત જ કહે છે  ``कच सुस्वागतं तेऽस्तु प्रतिगृह्‌णामि ते वचः ।
अर्चयिष्येऽहमर्च्यं त्वामर्चितोऽस्तु बृहस्पतिः ।। ૧૯ ।। કચનું આગમન અસુરોને તો ન જ રુચ્યું. તેમણે તો આ કચ ‘મહાવિદ્યા કેરા તસ્કર સમો’ જણાયો, પરંતુ દેવયાની એક એવી હતી જે એને સદા સ્મિતોત્ફુલ્લ અધરે વધાવી લેતી હતી. દેવયાનીના સ્નેહપ્રભાવની ઊંડી અસર આ વિદ્યાર્થી દેવતરુણ અનુભવતો નહોતો એમ પણ નથી. કચ એક વાર ધરામાં શિષ્યો સાથે નાહવા પડ્યો ત્યારે કોઈ દનુજ દ્વારા તેનો પગ ખેંચવામાં આવ્યો અને એ જ ટાણે દેવયાની દ્વારા એના નામનો ટહુકો થતાં એના લોહીમાં કશા એવા બળનો સંચાર થયો કે મગરથી પકડાયેલો હાથી જેમ કાંઠે ધસી જાય એમ તે પોતે ધસી ગયો. કચનું આ સ્મરણ મૂળ મહાભારતમાં નથી. આ ઉમાશંકરની કવિકલ્પનાનું જ હૃદ્ય ઉમેરણ છે. કચ દેવયાની પ્રત્યેના પોતાના અનિવાર્ય આકર્ષણનો રમણીય વીગતો દ્વારા ચિતાર આપે છે. મૂળમાં તો કચ દેવયાનીને `भगिनी धर्मतो मे त्वं' – એ રીતે ધર્મત: પૂજ્યા ગુરુપુત્રી તરીકે જ માનતો – જોતો હોય છે. કવિએ અહીં એના પાત્રમાં પ્રણયની રંગરેખાઓ પૂરી એને નૂતનાવતાર બક્ષ્યો છે. કચ ‘હતું એ તો કેવું અકિતવ ઉરોનું સુમિલન ’ (સ. ક., પૃ. ૬૧૬) એમ વીતી ગયેલાં મધુર અનુભવોના દિવસો – ક્ષણો સ્મરે છે. કચ પ્રણયની ઊંડી વેદનામાં વલોવાય છે. તેને થાય છે  ‘મળ્યાં ન્હોતે તું-હું, જિવતર થતે ઝેર નહિ આ.’ પણ આ ઉક્તિ આવેશની જ ગણવી રહી. વિયોગ-દુ:ખે ઝેર-શી લાગતી જિંદગાનીમાં જ વિયોગાનુભવે પ્રીતિના અમૃતત્વની આ અમૃત-સંતાનને સંપ્રાપ્તિ થાય છે. કચ ‘ફરીથી મુજનો એ સમય હો’ એમ ઝંખે છે. પ્રીતિ ન જ કરી હોય એવું ન થઈ શકે  ‘ઉદ્ગાર’ના કાન્તની રીતે જ ઉમાશંકરના કચ દ્વારા આ પંક્તિ સરી પડે છે  ‘તટસ્થાવસ્થામાં જગ પણ અકારું નહિ હતું.’ પરંતુ એ તટસ્થાવસ્થા ન બચી. પ્રીતિએ ઘણું ઘણું પરિવર્તન બંનેમાં કરી દીધું હતું. હવે તો નિરવધિ વિયોગે હૃદય કેમ ટકશે એ જ પ્રશ્ન હતો. પ્રીતિના પ્રબળ ઉન્માદક રસમાં અવશપણે તણાવાની આ અવસ્થા આવી ચૂકી હતી. આવી પરિસ્થિતિમાં ગુરુ પ્રવાસે સંચર્યા અને તે વખતની વિધુવિધુર શાંત રજનીએ દેવયાનીએ વીણામાં જે હૃદયસંગીત રેલાવ્યું, ‘વિરહ જનમોનો રસભર’ જે પ્રગટ કર્યો તેને છાત્રવાસે રહેલા આ કચની રાત્રિ પણ વેરણ કરી દીધી અને બીજી સવારે દેવયાનીએ તે વિશે માર્મિક રીતે પૃચ્છાય કરી. ઉમાશંકરે અહીં દેવયાનીના વીણાવાદનના પ્રસંગનો સુંદર ઉમેરો કરી, સર્જનપ્રતિભાનો ઉન્મેષ દાખવ્યો છે. કચ કહે છે  ‘સ્મરું દિવ્યા મૂર્તિ તપ વળી રસે સ્પંદિત થતી,
અને ક્યારે ક્યારે ખટકી ખટકી અંતર જતી.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૧૭) કચને હૃદયની ધ્રુવજ્યોતિ – અજરઅમર પ્રીતિજ્યોતિનો સાક્ષાત્કાર યત્કિંચિત્ પણ થઈ ચૂક્યો હતો. જ્યારે વિદ્યાપરીક્ષાવેળાએ ગુરુપ્રસાદે કચને કંઈક યશ મળ્યો ત્યારે ખિન્ન વદને દેવયાનીએ પૂછ્યું  ‘વિદ્યા, વળી હું, – પ્રિય કો બે મહીં વધુ ’ ને કચે ત્યારે ઉત્તર દીધો  ‘ન સોંપ્યો વિદ્યાએ તુજ કર મહીં હું ’ અને તે વખતે ‘મુખ-મધુ અહો તારું કર્ણે વિષ સમ...’ એટલું જ તે કહી શકી. તેણે અવળાં ભાવિનો ઓછાયો કંઈક વરતાયા કરતો હતો. એક વાર વર્ષાપૂરે વીફરેલી નદીમાંથી નૌકાઓની મદદથી બંને કાંઠે પાછાં વળ્યાં (આ પણ કવિનો મૌલિક ઉમેરો છે.) ત્યારે દેવયાનીએ કચને પૂછેલું  ‘મળે વિદ્યા તો તું તુરત મુજને શું તજી જશે ’ કચ પાસે જાણે કોઈ સરખો-સારો ઉત્તર નથી, માત્ર વેદના છે. તે કહે છે  ‘હશું જુદાં બંને હૃદય થકી ના, ખંડિત છતાં.’ કચ દેવયાનીનું ‘પ્રત્યાખ્યાન’ (= તિરસ્કાર) કરતો નથી. ભોળાભાઈ ‘અર્જુન–ઉર્વશી’માં તેમ આ કાવ્યમાં ‘નારીપ્રેમનું પ્રત્યાખ્યાન અને શાપ કેન્દ્રમાં’૨૮૧ હોવાનું વિધાન કરે છે. અહીં જે અર્થમાં દુષ્યંત શકુંતલાનું પ્રત્યાખ્યાન કરે છે તે અર્થમાં પ્રત્યાખ્યાન નથી. અર્જુનનો ઉર્વશી માટેનો સદ્ભાવ-પૂજ્યભાવ તો સાદ્યંત ઉજ્જ્વલ છે અને માતા તરીકે ઉર્વશી અર્જુનને કેવળ સ્વીકાર્ય જ નથી, આવકાર્ય પણ રહે છે. ઉર્વશીના નારીત્વનો અર્જુન પ્રશંસક છે, માત્ર તેનો પોતે પરિગ્રહીતા થઈ શકે એમ માનતો નથી. અહીં અર્જુન એક પરંપરાગત સામાજિક–નૈતિક મૂલ્ય લઈને ચાલે છે ને તેથી જ ઉર્વશીને શાપ આપી દેવા જેટલા આવેશમાં કદાચ એની પોતાની પણ અનિચ્છા ધકેલાઈ જાય છે. આ શાપમાં અર્જુન સાથે પોતાનેય કદાચ શિક્ષા છે. આ કાવ્યમાં કચના મનમાં તો દેવયાની દૃઢ આસન બાંધીને બેઠેલી જણાય છે. કચનો સ્મૃતિ-સંચાર એના દેવયાની સાથેના અભિસારરૂપ જ છે  અહીં તો દેવયાનીના ‘પ્રત્યાખ્યાન’નો પ્રશ્ન જ નથી. પ્રશ્ન દેવયાની સાથે રહેવાનું એ ગોઠવી શકતો નથી એનો છે. ઉમાશંકરે એ માટે બહુ નિપુણતાથી કારણકલાપ રચ્યો છે. દેવયાની ને કચ સાથે સાથે જતાં હોય છે ત્યારે દાનવોની પોતાની પૂંઠે ચાલતી ગૂજગોષ્ઠિ કચને કાને પડે છે. દાનવો કહે છે  ‘ભલે લૈ જાયે એ ગુરુની દુહિતા, કિંતુ અહીંની | ન વિદ્યા કેમેયે...’ વળી બીજી વાત આવે છે, ‘ગુરુ ન દુહિતા દૂર નિજની | શકે વેઠી, સ્વર્ગે નહિ જ નહિ ’ એ પછી વળી ત્રીજી વાત કાને અથડાય છે  ‘તો છો કચ રહે | અહીં ભૂલી સ્વર્ગ પ્રણયરસમાં...’ કચને માટે સાચે જ ધર્મસંકટ (‘ડાયલેમા’)ની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. દેવયાનીને સાથે લઈ સ્વર્ગમાં જવાય એવી સ્થિતિ નથી અને દેવયાની સાથે રહેવા માટે સ્વર્ગમાં જવાનું માંડી વાળે એવીયે સ્થિતિ નથી. એનું પોતાનું શુક્રાચાર્ય પાસે આવવું તો ઇન્દ્રે સોંપેલા સંજીવની-વિદ્યાપ્રાપ્તિના ધ્યેય(‘મિશન’)ને જ આભારી હતું. એ પ્રતિજ્ઞાબદ્ધ હતો અને તેની સંજીવની વિદ્યા દેવો પાસે લઈ ગયા વિના ને એ માટે થઈને દેવયાનીનો ત્યાગ કર્યા વિના એને બીજો માર્ગ નહોતો, વળી પોતે દેવ, દેવયાની માનવ – આ સંબંધનોયે પ્રશ્ન કચને નહિ, પરંતુ બીજા દેવોને તો હોય જ. ગમે તેમ પણ ઉમાશંકરે મૂળના શાપના સંદર્ભને અહીં, ટાળી, દેવયાનીના પાત્રને વધુ ઉદાત – તેજસ્વી – આકર્ષક બનાવ્યું છે અને એ જ રીતે કચના મુખમાંથી પણ મૂળનો પ્રતિશાપ કાઢી લઈ ઉમાશંકરે સ્નેહના આલોકમાં બંનેનાં ઉદાત્ત હૃદયોનો વિયોગનિષ્ઠ સંબંધ ઉપસાવી આપ્યો છે. કચ દેવયાનીને ઉદ્દેશીને જે કેટલીક ઉક્તિઓ કહે છે તે ધ્યાનપાત્ર છે. તે દેવયાનીને કહે છે  ‘પ્રિય, તું પરિપન્થી શું મુજની, | મને સોંપાયેલા કઠિન સુરકર્તવ્ય-પથની ’ (સમગ્ર કવિતા, પૃ. ૬૧૯) દેવયાની પરિપન્થી નથી ને માટે જ તો આવો પ્રશ્ન છે. વળી એ દેવયાનીને કહે છે  ‘મળી વિદ્યા તે તો પ્રણય તુજ પામ્યેથી મુજને.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૦) પછી કહે છે  “ઘડ્યું હૈયું તેણે વળી મહીં મૂક્યો શીદ રસ તો 
ખરે આ હૈયાની ઉપર અહ શો શાપ વસતો 
તિરસ્કારીને તે તવ હૃદયસંજીવનસુધા
સુરાર્થે વિદ્યા લૈ જવી જ મુજને ... દીર્ઘ વસુધા
તણે ખોળે ખોળી મનુજ, તુજ તું શ્રેય વરજે,
નહિ દેવો કાજે પ્રણય, વિચરે ધર્મવશ જે.” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૦) કદાચ કચને દેવોની આ ‘ધર્મવશ’-તા પરિહાસપાત્ર જણાઈ છે. મૂળમાં તો કચ `ऋषिपुत्रो न ते कश्चिज्जातु पाणिं ग्रहीष्यति' (૧, ૭૩, ૧૯) એમ પ્રતિ-શાપ દે છે. અહીં શાપની જ વાત અત્યંત રોચક સંદર્ભમાં રૂપાંતરિત થઈ આવે છે, કચ દેવોની કમનસીબી ‘નહિ દેવો કાજે પ્રણય’ કહીને સૂચિત કરે છે. કચ કંઈક પ્રીતિ-કર્તવ્યના દ્વંદ્વમાં રહેંસાય છે. પ્રીતિ-કર્તવ્યનું દ્વંદ્વ છે ખરું  પ્રીતિ જ કર્તવ્ય નહિ  દેવોને એમ લાગે છે ખરું  તેઓ તો કચ જ્યારે કહે છે કે ‘પ્રીતિના પાત્રે વિદ્યા લાવ્યો છું ભાસ્વતી’ ત્યારે જણાવી દે છે  ‘મહાસંજીવની વિદ્યા અર્પી, દેવત્વ દે નવું
અમોને, તું કયા લાવ્યો પાત્રમાં તે ન જાણવું.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૦) દેવોને પ્રીતિનું રસ-રહસ્ય સમજાયું લાગતું નથી. પ્રીતિએ કચને જે નૂતન ‘દેવત્વ’ આપ્યું છે તેની તો આ દેવોને ગમ પણ ક્યાંથી હોય  ‘પ્રેમથી જિંદગી કેરું સાર્થક્ય, જિંદગી મહીં
પ્રેમસાર્થક્યની કિંતુ રહી નિશ્ચિતતા કહીં ’ (સમગ્ર કવિતા, પૃ. ૬૦૮) – એમ કહેનાર કચે પ્રીતિનું અભિજ્ઞાન અને પ્રીતિનું મંથન પામીને જ દેવોનેય દુર્લભ એવો હૃદયસંજીવનીરસ પ્રાપ્ત કર્યો છે. એ પ્રીતિરસ આગળ શુક્રાચાર્ય પાસેથી મળેલ વિદ્યાનું તો શું લેખું  પેલા દેવોને તો એનું જ લેખું છે. તેમણે કચના હૃદયજીવનની તમા જ લાગતી નથી. કચ જે કંઈ પામી લાવ્યો છે તેમાં એને શું શું હોમવું પડ્યું છે તે જાણવાની દેવોને જરાય ઉત્સુકતા નથી. બિચારા મૃત્યુભીત દેવો  પ્રણયશૂન્ય કર્તવ્યધર્મમાં ફસાયેલા આ દેવો  આ દેવોથી એમનામાંનો જ એક, જે કચ, તે જુદો પડ્યો પ્રીતિસંજીવની-પાને. એ ‘મહાસંજીવની’ તો એની જ પાસે રહી. દેવોની એ ઝીલવા-જીરવવાની તાકાત કે પાત્રતા જ ક્યાં હતી  આકાશવાણી – અશરીરિણી વાણી (વિશ્વવ્યાપી વિભુચેતના) કચની મહાસંજીવનીનો મર્મ સૂચવતાં કહે છે  ‘મહાસંજીવની, વત્સ, તારું આ આવું આવવું.’ ફરી ફરી કચને જીવન દેનાર દેવયાનીને સદાને માટે છોડીને આવવામાં કચે કશું ગુમાવ્યું છે  કચ કહે છે  ‘મને જિવાડનારી ને મહાવિદ્યા અપાવતી
ખરી સંજીવની તો હું આવ્યો શું ખોઈ શાશ્વતી...’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૦) કદાચ કચે કશું ગુમાવ્યું નથી, પણ મેળવ્યું છે. ‘લો આ સંજીવનીS, દેવો, તમે સૌને જિવાડતી’ એમ કહી દેતા કચની વેદના-કટુતા સમજી શકાય એવી છે. કચ સ્વર્ગ તરફ આવવા એકલો નીકળ્યો, પણ આખે રસ્તે એકલો રહ્યો છે ખરો  એની વાણી સતત દેવયાની જાણે પોતાની સાથે હોય અને તેને કંઈક કહેતો હોય – એ રીતે પ્રયોજાઈ છે. દેવયાની સૂક્ષ્મ રૂપે, એના આંતરજીવનના અનિવાર્ય અંશ-રૂપે, અમૃત સ્મૃતિસ્વરૂપે સતત કચના ચિત્તમાં જીવંત જણાય છે. કવિએ દેવયાનીને કાવ્યની બહાર રાખી, કાવ્યના અંતરતમ રહસ્યરૂપે સાદ્યંત એને જ જાણે કાવ્યમાં સ્ફુરાવ્યા કરી છે. છેલ્લે દેવોની એક અને આકાશવાણીની એક, એમ બે ઉક્તિઓ (કુલ ૩ પંક્તિઓ) બાદ કરતાં, આખું કાવ્ય જે ક્ષર દેહે પોતાની સાથે નથી તે દેવયાનીને અનુલક્ષીને યોજાયેલી કચની દીર્ઘ ઉક્તિ(એકોક્તિ+-‘મૉનોલૉગ’)રૂપે ઊતરી આવ્યું છે. એક અર્થમાં આ સ્વગતોક્તિ+યે ખરી, અલબત્ત, એ દેવયાનીગત ઉક્તિ થઈને જ રહે છે. કચ પોતાની સાથે દેવયાની સમેત મર્ત્યલોકનું સારુંયે છાત્રજીવન – પ્રણયજીવન ચિત્તમાં લઈ જાય છે. એનો એ અમૃત-અનુભવ છે. કચ છેલ્લે છેલ્લે દેવોને સંબોધીને ચારેક પંક્તિઓ કહે છે. એટલે કાવ્યને અંતે સંવાદનું આંશિક રૂપ જણાય. આમ છતાં આખું કાવ્ય એક સુંદર એકોક્તિરૂપે – નાટ્યાત્મક એકોક્તિરૂપે પ્રગટ થાય છે. કવિએ ઊર્મિ, વિચાર, કલ્પનાનાં તત્ત્વો સુઘટિત રીતે અહીં યોજીને કચનું તો ખરું જ તે સાથે પરોક્ષ એવી દેવયાનીનું પાત્ર પણ ઉપસાવ્યું છે. પ્રણયનું મધુર સંવેદન અહીં રમણીય રીતે પ્રત્યક્ષ થાય છે. કાન્તે ‘દેવયાની’ કાવ્યમાં ‘ક્યાં છો  કચ  સખે ક્યાં છો  કેમ હું દેખતી નથી ’ એવો પુકાર પાડેલો. કાન્તેય એ દેવયાની માટે કચને સર્જેલો, પણ કદાચ એ દેવયાનીને પરિતોષે એવું પૂર્ણ સ્વરૂપ કચનું તો ઉમાશંકરની કવિપ્રતિભાએ જ અત્યાર સુધીમાં તો આપ્યું છે. કાન્તના ‘દેવયાની’ કાવ્ય પછી આંતરસૌંદર્યગુણે સમુજ્જ્વલ એવું આ બીજું કાવ્ય છે. આ કાવ્યને ખંડકાવ્યમાં મૂકી શકાય  – પ્રશ્ન છે. કવિએ આ કાવ્યમાં સ્મૃતિસાહસચર્યોનો ઘણો ઉપયોગ કર્યો છે. પશ્ચાદ્દર્શનનું જ આમ તો કાવ્ય છે અને છતાં એ ત્યાં અટકીને જ રહેલું નથી. આ કાવ્યમાં ‘શિખરિણી છંદમાં કવિતા પણ મ્હોરી ઊઠી છે’ (– હરીન્દ્ર દવે) એ વાત પણ સાચી છે. એમાં વિગતપ્રચુરતા ઓછી ને તીવ્રતા વધુ જરૂરી હતાં એમ લાગવું એ રુચિનો પ્રશ્ન છે. ‘પરંતુ રંગભૂમિના પદ્યની દૃષ્ટિએ આ કવિતાની ભાષાનો વિચાર થઈ શકે એમ છે જ નહીં.’ – એમ કહેવું એમાં સ્પષ્ટ રીતે આત્યંતિકતા છે. ‘શિખરિણી’ જેવા છંદમાં જે રીતે વાક્પ્રવાહ ચાલે છે તેમાં રંગભૂમિને મંજૂર ન હોય એવા પદવિન્યાસવાળી ઉક્તિઓ જરૂર આવી જાય છે. આમ છતાં એવાં અનેક સ્થળો છે જ્યાં પદ્ય સંવાદચ્છટાએ પોતાનું વિલક્ષણ પોત પ્રગટ કરે છે; દા. ત., ‘મળ્યાં ન્હોતે કેવું ’-થી શરૂ થતો એક પદ્યખંડક (વર્સપેરેગ્રાફ) જ તપાસો. કવિનો પદવિન્યાસ – ક્રિયાપદોની વરણી ને આયોજના, પ્રાસરચના ઇત્યાદિ વાસ્તવિક વાક્સંદર્ભ રચવામાં કેવાં ઉપયોગી થાય છે તેની તુરત જ પ્રતીતિ થશે. ભોળાભાઈ ‘આ કાવ્યની છેલ્લી પંક્તિ આખા કાવ્યને ધારણ કરી રાખે છે જાણે’૨૮૨ એમ ઉત્પ્રેક્ષા કરે છે એ જરૂરી નથી. એ પંક્તિ અગત્યની જરૂર છે, પણ એ પંક્તિ પૂર્વે ઘણી અગત્યની વાતો કહેવાઈ – સૂચવાઈ જાય છે. તેમણે આ કાવ્યના છંદ પરત્વે કરેલું નિરીક્ષણ સાચું છે. આ કાવ્યમાં ‘શિખરિણીની અભિનવ ભંગિ’ જોવા મળે છે. વળી તેમાંના પ્રાસ પાત્રમાનસના ‘ઊભરાતા આવેગને જાણે નિયમનમાં રાખવાનું’યે કામ કરે છે. અલબત્ત, તે ઉપરાંતનું કામ પણ પ્રાસનું અહીં છે જ. વળી ભોળાભાઈનું એક મહત્ત્વનું નિરીક્ષણ પણ અહીં તપાસી લઈએ. તેઓ કહે છે  “અર્જુન અને કચ બંને શાપ પામે છે, નારીના પ્રેમનું પ્રત્યાખ્યાન કરી; પણ બંનેમાં કેટલું અંતર છે  કચને તો પરસ્પરનો પ્રણય ઠુકરાવીને જવાનું છે, અર્જુન પ્રત્યે ઉર્વશીના પ્રેમનું સ્વરૂપ તો જાણીએ છીએ, પણ અર્જુનના ઉર્વશી પ્રત્યેના અનુરાગનો સવાલ નથી, અને તેથી શાપ પામવામાં અર્જુનની સ્થિતિ વધારે કરુણાભરી લાગે છે, જ્યારે પ્રીતિપાત્રને ન સ્વીકારી શકવામાં કચની.” અહીં આગળ સૂચવ્યું તેમ પ્રત્યાખ્યાનના અર્થ વિશે, કચને શાપ મળે છે કે કેમ તે વિશે આપણો મતભેદ છે. ભોળાભાઈ મહાભારતના મૂળ વસ્તુના ખ્યાલે કચને તપાસવા પ્રેરાયા છે ને તેથી તકલીફો થાય છે. અર્જુન કે કચની દેખાતી ‘કરુણાભરી’ સ્થિતિ વાસ્તવમાં તેમની ચારિત્ર્યવીરતાની જ દ્યોતક છે. એમાં વેદનાની સાથે આત્મવિજયનો ઉલ્લાસ પણ મિશ્રિત છે. એમાં જીવનરહસ્યે દર્શનોજ્જ્વલ એવી અનુભૂતિનો રસ પણ ભળેલો છે. કચમાં ભોળાભાઈ રોમૅન્ટિક ભાવધારા લઈને આવતી હૃદયકવિતાનું દર્શન કરે છે. વસ્તુત: તો આ શિષ્ટ કાવ્યધારાનાં જ રમણીય દર્શનો છે. એકંદરે ‘કચ’ ઉમાશંકરની એક સુરેખ – સઘન કાવ્યરચના તરીકે સહેજેય આકર્ષે છે. ૫. નિમંત્રણ આ કૃતિનું મૂળ ‘મહાપરિનિબ્બાન સુતાન્ત’ (૨.૯૬)ના વૃત્તાન્તમાં છે. લિચ્છવી ગણતંત્રની ગણિકા આમ્રપાલી તથાગત અને ભિક્ષુઓને ભોજન માટે નિમંત્રણ આપીને આવે છે. જ્યારે લિચ્છવી યુવકોને એની જાણ થાય છે ત્યારે તેઓ એ નિમંત્રણની તક પોતાને મળે એ માટે આમ્રપાલીને સમજાવવા અનેક રીતે યત્નો કરે છે. આમ્રપાલી તે કોઈ લોભલાલચને વશ થતી નથી. તે મક્કમ રહે છે. બુદ્ધને આપેલા નિમંત્રણનો પ્રસંગ જતો ન કરવામાં એનો આશય, ઉમાશંકર જણાવે છે તેમ, વર્તમાન અને ભવિષ્યને એ વસ્તુ પ્રતીત કરાવવાનો છે કે માણસ ગમે તેટલો પતિત હોય પણ ભગવાનને એને ત્યાં જવામાં બાધ નથી અને આ પરમ આશાભર્યું આશ્વાસક સત્ય સ્થાપવા, નહિ કે કોઈ અભિમાનથી, પોતે એ નિમંત્રણને વળગી રહેવા માગે છે. કવિએ આ બીજરૂપ કથાને દૃશ્યકાવ્ય – નાટ્યરૂપે અહીં પ્રત્યક્ષ કરવા ઠીક ઠીક જહેમત ઉઠાવી છે. તેમણે રથારૂઢ લિચ્છવીઓ અને રથારૂઢ આમ્રપાલી વચ્ચેના સંઘર્ષનું (રથઘર્ષણાદિનું) – વિવાદનું દૃશ્ય આપ્યું છે. યુવાનોની ઉક્તિઓ તેમની અધીરાઈ, તેમનો રથવેગ સૂચવનારી છે તો સામે પક્ષે આમ્રપાલીનો ઉત્સાહવેગ – રથવેગ પણ સૂચવી દે છે. લિચ્છવી યુવાનોનું માતેલાપણું – છાક પણ આમ્રપાલીના સારથિ સુદક્ષ સાથેના વિવાદમાં જોવા મળે છે. સુદક્ષ એક લિચ્છવી યુવાનને સંભાળીને રથ હાંકવા કહે છે તો તુરત પેલો બોલી ઊઠે છે  ‘બસ, ચૂપ કર  કોડીનો
વિવાદ કરશે શું ચાકર અમો સહુ શ્રેષ્ઠિશું ...’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૧) ને પછીથી આમ્રપાલીને તે સારો ‘દક્ષ’ સારથિ રાખવા ભલામણ કરે છે  આમ્રપાલી તુરત જ ‘દક્ષ’ નહિ પણ ‘સુદક્ષ’ સારથિ રાખ્યો જ છે એમ – ‘સુદક્ષ મુજ એહ સારથિ’ – કહે છે. પોતાના રથને સામા રથથી ટક્કર લાગી ને છતાં પોતે ઊછળી પડી નહીં તેમાં સુદક્ષની રથ-કલાની સુદક્ષતા જ કારણભૂત હતી એમ તે જણાવે છે. આમ્રપાલી લિચ્છવી ગણતંત્રના કેટકેટલા યુવાનોને નામથી જાણે છે  ગણિકા ખરી ને  તથાગતની આશિષ પામવા ભાગ્યશાળી આ નગર પર તો કોઈ શત્રુયે આક્રમણ કરવાની હિંમત ન કરી શકે, આ પરિસ્થિતિમાં સમગ્ર પુરયૌવનપ્રવાહ આજ સામટો કઈ દિશામાં વહી રહ્યો છે તેની આમ્રપાલી પૃચ્છા કરે છે. પહેલો લિચ્છવી યુવાન ‘તથાગત અહીં પધાર્યા સુણી | જતા સહુય દર્શને.’ – એમ જણાવે છે ત્યારે આમ્રપાલી ટોળ કરતી કહે છે  “બહુ પ્રગાઢ ધર્મિષ્ઠતા દીસે કંઈ ખીલી ઊઠી, રથ ઉછાળીને માહરો,
કરી જ અહીં માર્ગ માંહી વધS એક નારી તણો
પહોંચત તમે દયાનિધિ તણાં શુચિ દર્શને ” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૨) બીજો યુવાન આમ્રપાલીની મજાકથી કંઈક ખિજાય છે. એના રથનો ઘોડો ભડકે છે. એનું રથચક્ર તૂટી જાય છે ને ત્યારે તે ‘તારા થયા કહીં શકુન ’ એમ તોછડાઈથી બોલે છે. પહેલો લિચ્છવી યુવાન તથાગતને નિમંત્રણ દેવાની વેળ ઝડપથી પસાર થતી હોવાનું જણાવે છે; રાત પડવામાં છે ને તથાગત પાસે વેળાસર પહોંચવું જરૂરી છે. એ કહે છે  ‘મહાનગર પાધરે પ્રભુ રહે શું ભિક્ષા વિના ’ આમ્રપાલી હવે એ અંગે ચિંતા નહિ કરવા સૂચવે છે. (આ અંગે એણે ઘણી વહેલી ચિંતા કરી જ હતી ને ) જેનો રથ તૂટી ગયો તે ભદ્રને પોતાના રથમાં બેસી જવા નિમંત્રણ દે છે ને સાથે સાથે બુદ્ધને પોતે નિમંત્રણ આપી આવી છે એ પણ જણાવે છે  ‘છે ક્યારનું | નિમંત્રણ દઈ દીધું, સરલ છે જ સ્વીકાર્યુંયે.’ (સ. ક., પૃ. ૬૨૩) ભદ્ર આમ્રપાલીની આ વિનયચેષ્ટાની પ્રશંસા કરતાં કહે છે  “અહો પ્રિય, સુલક્ષણે, અજબ આમ્રપાલી, સદા
કરે નગરકાર્ય તું અગમચેતીથી  નાક તું
અહો નગરનું ” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૩) ને પછી આમ્રપાલીની રજાનીયે જાણે જરૂર ન જોતો હોય એમ ધૃષ્ટતાથી ‘તથાગત પધારશે નગરશ્રેષ્ઠિને મંદિરે’ એમ સુભટોને કહી દે છે ને ત્યારે આમ્રપાલી દૃઢતાપૂર્વક તુરત જ કહે છે  ‘તથાગત પધારશે ગૃહ નિમંત્રણનારી તણે.’ ભદ્ર ત્યારે અભદ્ર વાત કરતાં જરાય ખચકાતો નથી  કહે છે – “ગૃહે તવ  તને વળી ગૃહ  વિશાળ વૈશાલીના
તું તો ગણસમગ્રની, નગરની તું, જે કૈં તવ
બધું નગરનું જ તે, નગરનું ઠર્યું કાલનું
નિમંત્રણ દીધેલ તેં. ન ગૃહિણી તું, સર્વપ્રિયે 
સખી, ન ગૃહિણી વિના ગૃહ.” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૩) આમ્રપાલી આ વાગ્બાણ સહીનેય નમ્રતાથી ને છતાં મક્કમતાથી કહે છે  ‘ન જાણું એ કાંઈ હું તથાગત પધારશે મુજ ગૃહે બસ્ એ જાણું હું.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૩) ચોથો લિચ્છવી યુવાન શેખર ત્યારે કહે છે કે ભગવાન તથાગત ‘એવી’નું નિમંત્રણ નહિ સ્વીકારે, ને તે ફરી જઈને નિમંત્રણ પાઠવવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે આમ્રપાલી કહે છે  “અવશ્ય જા શેખર  તને કંઈ ન ભાન કે પ્રભુ અને હુંમાં સામ્ય છે 
ન ભેદ ગણીએ અમે જરીય, વ્હેલું તે પ્હેલું ...” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૩) ને તે પેલા યુવાનોને રસ્તો બતાવે છે. શેખર, ભદ્રાદિ યુવાનો નિમંત્રણ પોતાને આપી દેવા ‘માનિની’ આમ્રપાલીને સમજાવે છે. પહેલો લિચ્છવી યુવાન તો રથમાંથી આમ્રપાલી ઊછળી પડી હોત તો કાશ ટળત એમ પણ કહે છે. આમ્રપાલી એના નિમંત્રણ-સંકલ્પમાં મક્કમ છે, કહે છે  ‘ભલે સુભટ સૌ કરો ટુક શરીર મારા તણા,
પરંતુ નહિ વંચના પ્રભુ તણી કરી કો શકો.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૩) આમ્રપાલીને પોતાની જાત પર શ્રદ્ધા તો છે જ, પણ કદાચ તેથીયે વધારે શ્રદ્ધા ભગવાન તથાગતમાં છે ને એ કારણે જ આમ કહી શકે છે  ‘સુભાગી મુજ ઘેર કાલ પ્રભુ કેરી ભિક્ષા હશે,
હશે જ અથવા બીજે સુભગ કોઈ ગ્રામે.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૪) શેખર આવી હઠ (સ્ત્રીહઠ જ ને ) છોડી દેવા કહે છે. શ્રેષ્ઠિઓ આમ્રપાલીને નિમંત્રણના બદલામાં મોં-માગ્યા દામ આપવા તૈયાર છે. બીજો (શ્રેષ્ઠી) તો સલાહ પણ દે છે  ‘આમ્રપાલી, રખે | મળ્યું રમતમાં ખુએ મમતમાં ’ શ્રેષ્ઠિઓ અનેક લક્ષ કાર્ષાપણનું મૂલ્ય આપવા તૈયાર છે પણ આમ્રપાલીને મન એ બધું તૃણવત્ – તુચ્છ છે. આમ્રપાલી કહે છે  “તૃણ સમું જગત્ જેહના શુચિ ચરણની સમક્ષ, બસ એમની અર્ચના
ગુમાવું કટકા લઈ કનકના મૂઠી એક-બે ” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૪) ને શેખર ત્યારે આમ્રપાલીની કૃતઘ્નતા બતાવવા મથતો જણાય છે. એક અનાથ રઝળતી બાળકી, આંબાની રખેવાળ, તે જે લિચ્છવીઓના અનુગ્રહે પુરને ઉરે રસમાલિકા થઈને ઝૂલી શકી તે જ લિચ્છવીઓને માટે ‘મહાસર્પિણી’ રૂપ થઈ બેઠી. આમ્રપાલી આ બધાં વચનો સહી લેવા તૈયાર છે, કજિયાના કાળા મોંથી બને તેટલી પોતાને રક્ષતી ચાલે છે, પણ બુદ્ધ માટેનું નિમંત્રણ તો પોતાની પાસેથી નહિ જવા દેવા કૃતનિશ્ચિય છે. અર્હંતની ચરણધૂલિ-પ્રતાપે ફરીથી પેલી આમ્રપાલિકાની નિર્દોષતા પોતાના કલંકિત જીવનમાં સ્ફુરી રહેવા વિશે પોતે શ્રદ્ધાવાન છે. ભદ્ર આમ્રપાલીને ગણિકાજીવનમાંથી મુક્ત કરવાનો પ્રસ્તાવ રજૂ કરી બુદ્ધ માટેનું નિમંત્રણ બદલામાં શ્રેષ્ઠિઓને સોંપી દેવાનું કહે છે. પલવાર તો આ પ્રસ્તાવથી બધા સ્તબ્ધ બની ઊભા રહે છે, પણ પછી એક-અવાજે આમ્રપાલીને ગણિકાજીવનમાંથી મુક્તિ આપવા સંમતિ દાખવે છે. ભદ્ર આમ્રપાલીને સુખી દાંપત્યજીવનનું સ્વપ્ન સિદ્ધ કરવાની આ તક ઝડપી લેવા વિનંતી કરે છે ને ત્યારે પણ આમ્રપાલી મર્મસ્પર્શી વાત કરે છે  “હવે મળતી મુક્તિ  મુક્ત છું જ, બદ્ધ છો સૌ તમે
સુ શી લ  ગણ-ના જરીક બસ એક પ્રસ્તાવથી
થઈ શું પતિતા જતી ક્ષણ મહીં જ આર્યા, અહો 
તમે શું સમજો, શું ચીજ અહ શીલ નારી તણું 
હુંયે ન સમજું, હવે ન સમજીશ, વા આ ભવે.” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૬) આમ્રપાલી જે પરિસ્થિતિમાં પોતાને ગૃહિણી થવાને બદલે પુરવધૂ – ગણવધૂ – ગણિકા થવાનું થયું તેનું વેદનાસિક્ત વાણીમાં બયાન આપે છે. એમ કરતાં જરાક વક્ર (sarcastic) – તીખી પણ બને છે. કહે છે  “અતૂટ રહ્યું લિચ્છવીગણનું સ્વાસ્થ્ય, વિદ્વેષથી
મહીં મહીં ન ફૂટ કૈં પડી, બચી ગયો હા ગણ 
ગણ્યું ન તહીં, – શીલ કો તરુણી કેરું રોળાયું છો ” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૭) આમ્રપાલી આ અનુભવને એક સ્ત્રી થઈને તો કેમ ભૂલી શકે  એક કૂટ સમસ્યા, ગંભીર ફરિયાદ એના આ ઉદ્ગારોમાં છે. નગરજનો એક કોડીલી કન્યાને નગરવધૂ બનાવી શક્યા, ને આમ્રપાલી નગરવધૂ બની પણ, પરંતુ હવે આમ્રપાલીને નગરજનો બુદ્ધની યજમાન થતી અટકાવી શકતા નથી, આમ્રપાલી પણ હવે એમ અટકવા તૈયાર નથી. આમ્રપાલીનો સૂક્ષ્મ વિકાસ – એનું આધ્યાત્મિક ઉન્નયન આમાં જોઈ શકાય છે. એક વૃદ્ધ ગઈ ગુજરી ભૂલી ભૂલ્યા ત્યાંથી ફરી ગણો એ ન્યાયે જે કંઈ શેષ બાજી હાથમાં રહી છે તેને સુધારી લેવાનું જણાવે છે. આમ્રપાલી તો હજુ પેલી કરુણકથાનો દોર ઝાલીને આગળ ચલાવે છે. તે પોતાનો પ્રિયતમ પદ્મ પોતાની પ્રિયતમાનું સ્વમાન હરતા ગણતા ઠરાવનો વિરોધ કરવાને બદલે પોતાના જીવનને વહાલું કરીને શાંત રહ્યો. આમ્રપાલીના પોતાને માટે થઈ મરણને વરતા પદ્મ પાછળ મરવાના જે કોડ સંભવિત હતા તેય પદ્મની કાયરતાને કારણે વણપૂર્યા રહ્યા. આમ્રપાલી આજે પદ્મને બદલે પોતાના રૂપનો, પોતાનો દોષ કાઢે છે. પોતે આમ્રની પાલિકા તરીકે નિરર્થક હતી, રૂપજીવિની થઈ સાર્થક બની  તે ફરીથી કહે છે  ‘કુમારીના સકળ કોડ રગદોળીને
અડોલ નિરમ્યું તમે ગણનું સ્વાસ્થ્યમંડાણ આ.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૭) આમ્રપાલીની વાત સાંભળીને પેલો વૃદ્ધ પૂછે છે  ‘હવે લઈશ વેર તું બધુંય તુજ સંભારીને ’ વળી કહે છે  ‘અમે દઈ દીધું તને બધું જ દેવું જે શક્ય કૈં.
નિમંત્રણનું મૂલ્ય લૈ નગરલક્ષ્મી-શી શોભ તું.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૮) ને ત્યારે આમ્રપાલી તીક્ષ્ણતાથી કહે છે  ‘તમે લઈ લીધું જ જે, દઈ શકો શું પાછું કદી ’ અને પછી સ્પષ્ટ રીતે જણાવે છે કે તમારી પાસે એવું કશું નથી જેના બદલામાં તમે મારું તથાગત માટેનું નિમંત્રણ ખરીદી શકો. પેલા વૃદ્ધે જોયું કે આમ્રપાલી આગળ આમ દાળ નહિ ગળે, એટલે તેણે વિનીત વલણ ધારણ કરી નિમંત્રણની સાથે સાથે ક્ષમા પણ પ્રાર્થી. ત્યારે આમ્રપાલી ‘ક્ષમા તથાગત તણી જ પ્રાર્થવી ઘટે’ એમ જણાવે છે. એ ક્ષમાવારિધિનાં કરુણાળુ નેત્ર જ આપણાં દુરિત ધોઈ રહેશે એમ શ્રદ્ધાપૂર્વક તે જણાવે છે ને છેવટે પોતાના વલણનો પોતે ઘટસ્ફોટ કરી દેતાં જણાવે છે  “સુભટ હે, સુણો શ્રેષ્ઠિ હે, નિમંત્રણ ન સોંપું, ઓછું મન એનું આણો રખે 
ન કે હું ઉપકાર સર્વ ગઈ છું ભૂલી રાજ્યના,
ન કે ગણું છું મુક્તિમૂલ્ય અતિતુચ્છ હું, પદ્મને
ન કે હજી ન ચાહું હું હૃદયથી, ન કે સ્ત્રીહઠે
ભરાઈ અનુકૂળ ના થઈ હું પૂજ્ય વૃદ્ધોયને,
ન વા હું તમને દઈ દઉં નિમંત્રણ સ્થાપવા
અહમ્ મુજ તમો સહુ ઉપર, કિંતુ રે આજ આ
કરું ન અધિકાર મુજ જતો, ઉરે એટલી
મને ઊલટ કે ન માત્ર અહીં વર્તમાને જ – હા 
ભવિષ્ય મહીંયે પરંતુ – સહુને થશે જ્ઞાત આ
પ્રસંગ થકી કે ભલે મનુજ હો ગમે તેટલો
પડેલ, કરુણાની છાલક પ્રભુની પ્હોંચી જશે.
અને ભીંજવશે જ એ પતિતને અને તારશે.” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૮) આમ્રપાલી જે રહસ્યસ્ફોટ કરે છે તે પછી આપણા માટે ભાગ્યે જ કશું ઉમેરવાનું બાકી રહે છે. આમ્રપાલીએ પોતે સ્વમુખે આ રહસ્યોદ્ઘાટન કર્યું, તેથી કાવ્યને કેટલો લાભ થાય છે એ સવાલ છે. વળી આમ્રપાલી જે મૂલ્ય-પ્રતિષ્ઠા ઇચ્છે છે તે તો તથાગતે તેનું નિમંત્રણ સ્વીકાર્યું તેથી જ થઈ જતી નથી  હવે એ પોતે જ સામે ચાલીને પૌરજનોને એ નિમંત્રણ સોંપી દે એથી તત્ત્વત: શું ફેર પડે  આ પ્રશ્નોય આ કાવ્યના રહસ્ય સાથે છે જ. કાવ્યના આરંભમાં જેટલો કલાપ્રભાવ વરતાય છે તેટલો અંતમાં વરતાતો નથી. કવિ આમ્રપાલીના મનની ને માનની વાત પ્રગટ કરવા બીજીત્રીજી જુક્તિ વાપરી શક્યા હોત તો ઠીક થાત આમ છતાં આમ્રપાલીની આ અંતિમ ઉક્તિમાં પદ્યચ્છટા, વાક્છટા ખાસ ધ્યાનપાત્ર છે. વાગ્મિતાનો લાભેય કવિએ અહીં લીધો જણાય. આમ્રપાલીની ભાવોત્કટતા ને આ પ્રસંગની એને મન ઉદાત્તતા એટલી છે કે એનો ઉક્તિપ્રભાવ આવી ઉન્નત વાક્સપાટીએ પહોંચીને રહે છે. આ કાવ્ય રંગભૂમિ પર અભિનયક્ષમ કેમ થાય એવો પ્રશ્ન રથદૃશ્યે થાય પણ એમાં ભાસના ‘કર્ણભાર’ની કળા સહેજેય કામ આવી શકે. રથગતિના અભિનયથી એ દૃશ્યની તખ્તાલાયકીનો પ્રશ્ન હલ કરી શકાય. આમ છતાં હજુ પદ્યનાટક થવા માટે સંવાદમાં જે બળ, લવચીકતા પ્રગટ થવાં જોઈએ એ સર્વત્ર દેખાતાં નથી. પદ્ય હજુ પાત્રની ઉક્તિમાં પૂરેપૂરું અંતર્હિત થઈ શકતું નથી. વળી પાછળના ભાગમાં થોડી ઉતાવળેય જણાય છે. બધાં પાત્રોને નાટ્યદૃષ્ટિએ પૂરતું કામ સોંપવાનુંયે થઈ શક્યું નથી એમ પણ જણાય છે. ભોળાભાઈ યોગ્ય રીતે કહે છે કે “ ‘નિમંત્રણ’નો આરંભ પ્રબળ કાર્યવેગ લઈને આવે છે, પણ છેક ધીરે ધીરે તે માત્ર સંવાદ-વિવાદમાં પથરાઈ જાય છે; છેક પર્યન્ત એ વેગનું નિર્વહણ થતું નથી.”૨૮૩ “વળી ‘પ્રાચીના’ના કર્ણની જેમ આમ્રપાલી પણ પોતાના જેવાં દુભાયેલાં માટે આશ્વાસક મૂલ્ય સ્થાપી જવા મથે છે.”૨૮૪ – એ તેમનું તુલનાત્મક દૃષ્ટિએ કરેલું વિધાન પણ ખ્યાલમાં રાખવા જેવું છે. આમ્રપાલીમાં ઉમાશંકરે મૂલ્યો ફૂંક્યાં હોય એવી સ્થિતિ અંતભાગે જતાં તો બની આવે છે  આ આમ્રપાલીનાં “કટુ ઉચ્ચારણોમાં તથાગતે જેનું નિમંત્રણ સ્વીકાર્યું હોય એવી નારીનો વિકાસ પરખાતો નથી.” એવું જે વિધાન કરવામાં આવ્યું છે તે બરોબર લાગતું નથી. કટુતા છે તે તો વેદનામાંથી જન્મેલી છે, તિરસ્કારમાંથી નહિ. એની સામેના લોકો કોણ છે તેનો અંતરતમ પરિચય આમ્રપાલીને છે ને તેથી આમ્રપાલી ‘તારા થયા કહીં શકુન’ કહેનાર ભદ્રને ‘રથ, ભદ્ર, તૂટ્યો તવ ભલે, તું રથ બેસ આવી પડખે અહીં માહરે.’ – એમ સમભાવપૂર્વક આમંત્રણ પણ પાઠવી શકે છે. કટુતામાં એના વ્યક્તિત્વની મર્યાદા જોવા કરતાં એના વ્યક્તિજીવનની વેદના જોવી એ જ બરોબર છે. એનો આત્મવિકાસ ખરેખર ન થયો હોત તો લાખો કાર્ષાપણ તો ઠીક, પણ ગણિકા-જીવનમાંની મુક્તિને તો તુરત વધાવી લેવા તે લલચાત, પણ એમ તે કરતી નથી. હરીન્દ્ર દવે એક વ્યાપક વિધાન આવું કરે છે  “ ‘નિમંત્રણ’ સુધીની કૃતિઓમાં એક ‘કચ’ને બાદ કરતાં સર્વત્ર ઘટનાના સમગ્ર નિરૂપણનો આગ્રહ જ પદ્યનાટકની નિર્મિતિમાં વિક્ષેપકારક બને છે. ‘કચ’માં જો નાટ્યાત્મક ક્ષણ માટેની કવિની શોધ ફળી છે, તો છંદ અને એકોક્તિનું રૂપ એમને ‘રંગભૂમિ’ માટેના પદ્યની દિશામાં આગળ વધતા રોકે છે.”૨૮૫ હરીન્દ્ર દવેનું આ વિધાન ચિંત્ય કોટિનું છે ને તેની ચર્ચાપૂર્વે વધુ ખુલાસાની, સ્પષ્ટતાની અપેક્ષા રહે જ છે. ‘ઘટનાના સમગ્ર નિરૂપણ’નો એમનો ખ્યાલ વધુ સ્પષ્ટતા માગી લે છે. બૌદ્ધસાહિત્યને આધારે ‘પ્રાચીના’માં ‘બાલ રાહુલ’ ને ‘આશંકા’ લખાયાં તો આ એમનું ત્રીજું એવું કાવ્ય છે. કવિની માનવમૂલ્યો માટેની, સમષ્ટિહિત માટેની ચિંતા અહીં પણ ડોકાય છે અને તે આમ્રપાલીના પાત્રવિધાનમાં સક્રિયપણે કામ કરી ગઈ છે, આમ છતાં નાટ્યવિધાનમાં કંઈક નબળાઈ આમાં હજુ લાગે છે ને તેથી ‘નિમંત્રણ’ની ચોટ અંતે જેટલી સઘન અને તીક્ષ્ણ હોવી ઘટે તેટલી નથી. ૬. મંથરા આગળ જણાવ્યું છે તેમ, ‘મંથરા’ અને ‘ભરત’ કાવ્યમાં કવિ પહેલી વાર રામાયણનું વસ્તુ લઈને ઉપસ્થિત થાય છે. બંને કાવ્યો અનુક્રમે ૧૯૬૪ ને ૧૯૬૫ની સાલમાં રચાયાં છે. ‘મહાપ્રસ્થાન’માં સાત કાવ્યોમાંથી ‘અર્જુન–ઉર્વશી’, ‘યુધિષ્ઠિર’, ‘કચ’ અને ‘નિમંત્રણ’ કવિએ ૧૯૫૧ પૂર્વે રચ્યાં. તે પછી દાયકા ઉપરાંતનો (એક તપ = બાર વર્ષ ઉપરાંતનો, ૧૯૫૧થી ૧૯૬૪) જાણે કે પોરો ખાધો જણાય છે. ૧૯૬૪–૬૫ દરમિયાન ‘મહાપ્રસ્થાન’, ‘મંથરા’ ને ‘ભરત’ પ્રમાણમાં બહુ ટૂંકા સમયના આંતરે રચાઈ જાય છે. ‘મંથરા’ કાવ્ય વાલ્મીકિ રામાયણના ‘અયોધ્યાકાંડ’માંના સર્ગ ૭, ૮, ૯ અને ૧૦ના ઘટનાવસ્તુ પર આધારિત છે.S રામના રાજ્યાભિષેકની જાણ થતાં મંથરા ઝાળ થઈ ઊઠે છે અને કૈકેયીને રામની વિરુદ્ધ ઉશ્કેરવા પ્રયત્ન કરે છે. શરૂઆતમાં તો કૈકેયી મંથરાની દ્વેષભરી વાતનો પ્રતિકાર કરી, રામની પ્રશંસા કરે છે, પરંતુ છેવટે ‘વાક્યવિશારદા’ મંથરાની વાતમાં ફસાય છે અને તેની ચઢવણી અનુસાર રામને વનવાસ ને ભરતને ગાદી અપાવવા કટિબદ્ધ થાય છે. આ વસ્તુને ઉમાશંકરે અહીં સુંદર રીતે – નાટ્યાત્મક રીતે રજૂ કર્યું છે. અનેક ઝીણી–મોટી રેખાઓ દ્વારા મૂલના ઘટનાચિત્રને રસિક રીતે – સજીવ રીતે તાદૃશ કર્યું છે. કાવ્યનો આરંભ થાય છે સંધ્યાકાળથી – આથમતા સૂર્યથી  મૂળ કથાવસ્તુ સાથે, આ કાવ્યના અંતે સૂચિત દારુણ ઘટના સાથે તેનો સંબંધ છે. સૂર્યવંશી રામ પણ ઊગતાં જ આથમવાના છે. આપણે મંથરાની આંખમાંથી સૂર્યાસ્તને પામવાનો છે. મંથરાને સૂર્યવંશી રામ જેટલો સૂર્ય પણ અકારો છે; અંધકાર સાથે એનું જાણે બનતર છે. મૂળમાં તો મંથરા કૈલાસશિખરાકાર પ્રાસાદની અગાશીએ ચઢી હતી અને રાજ્યાભિષેકની પૂર્વતૈયારી રૂપે જે ઝાકઝમાળ હતી તે બધી જોઈ, નજીક રહેલી શ્વેતવસ્ત્રધારિણી રામચંદ્રની ધાત્રીને આ ઉત્સવતૈયારીનું પ્રયોજન પૂછે છે ને ત્યારે તે રામના રાજ્યાભિષેક વિશે જાણે છે. અહીં તો મંથરા રામના રાજ્યાભિષેકની અભિજ્ઞાત હોય એ રીતે રજૂ થાય છે. તેની પ્રથમ (કાવ્યનીયે પ્રથમ) ઉક્તિ આ છે  ‘હસી લે ઘડીક, સૂર્ય છેલ્લા સ્મિતરશ્મિ સુધી.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૯) આપણને ભય છે કંઈક અનિષ્ટ થવાનો – કશુંક અંધકારમય બને એનો. ને એ ભય મંથરાના મલિન સંકલ્પે ચિત્તમાં દૃઢમૂલ બને છે. તે સૂર્યને કહે છે  ‘કાલે કાળોમેંશ જો તું ઊગે ના તો કહેજે મને...’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૯) કવિએ પ્રથમ ચાર પંક્તિઓમાં જ આવનાર અનિષ્ટ ભાવિના શ્યામ ઓળાની ઝાંખી કરાવી છે. જેમ ‘કર્ણકૃષ્ણ’માં તેમ અહીં પણ કવિએ સૂર્યનો મૌલિક રીતે સુંદર ઉપયોગ કરી બતાવ્યો છે. મંથરાની આરંભની ઉક્તિ આખા કાવ્યનો સંચ ખોલી દે છે. પ્રદોષવેળા છતાં કૈકેયી સૌભાગ્યગર્વે રાજાને પ્રતીક્ષતી સૂતી છે. મંથરાને મન એની કૈકેયી રાણી સરલ છે. દુષ્ટ રાજાએ ભરતને મોસાળે મોકલી જે શાઠ્ય આચર્યું છે તેય તે જાણવાની દરકાર કરતી નથી. કૈકેયી વૃદ્ધ રાજાની ‘તરુણી ભાર્યા’ છે ને તેથી રાજા કૈકેયીને અપ્રિય એવું કશુંયે નહિ કરે એ વિશે મંથરા નિ:શંક છે; ને તેથી જ કૈકેયીને રામનો રાજ્યાભિષેક અનિષ્ટરૂપ – અપ્રિય લાગવો જોઈએ એ મહત્ત્વની વાત છે. ને મંથરાનો હવે પછીનો પ્રયત્ન કૈકેયીના ચિત્તમાં રામના રાજ્યાભિષેકની અનિચ્છનીયતા ઠસાવવાનો રહેવાનો છે. કુબ્જ મંથરાની કુબ્જતા એના પ્રથમ ઉક્તિખંડમાં જ પ્રગટ થઈ રહે છે. એ સ્પષ્ટ રીતે કહે છે  “અરે મારી સરલ તે માનિતી રાણી કૈકેયી
સૂતી છે પ્રદોષવેળાએ જે સૌભાગ્યગર્વે
નૃપતિને પ્રતીક્ષતી, અજાણ કે શાઠ્ય કેવું
આચરી રહ્યો છે દુષ્ટ રાજા એની પૂંઠ પરે,
ભરતને માતુલને ઘેર જવા દઈ, અહીં
રામને યુવરાજપદે સ્થાપીને... એ નહીં બને.
નહીં બને, મંથરાના છતાં કૈકેયી તરુણી
ભાર્યા વૃદ્ધ રાજા તણી માનહીણી જરીય તે
નહીં બને...” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૯) મંથરા અયોધ્યાને પણ સંબોધીને કહે છે (મૂળમાં આ નથી)  ‘અયોધ્યા  આ દીપભૂષણો સજીને
કૈકેયીની હાંસી આમ કરવી ન છાજે તને...’ (સમગ્ર કવિતા, પૃ. ૬૨૯) મંથરા એટલામાં દીવો લઈને આવતી ધાત્રીને જુએ છે. એ ધાત્રીને રાજા દશરથ આવવાના છે તેની પૂર્વતૈયારીરૂપે દીપ પેટાવવા કહે છે. ધાત્રી રામના રાજ્યાભિષેકની વાતે ખૂબ પ્રસન્ન છે. એનું મુખ અયોધ્યાના આનંદની છાલકથી મલકાતું હોય છે. મંથરા માટે તે અસહ્ય બની જાય છે. તે તેનું મુખ દ્વાર આડે છુપાવી દેવા કહે છે  પણ ત્યાં જ એક વિલક્ષણ અનુભવ મંથરાને થતો આપણા કવિ મૌલિક રીતે બતાવે છે. મંથરા કહે છે  “...અરે, કિંતુ કોણ તું આ દીપશિખા સમું મુખ
ઝળાંઝળાં ધારનારી બાળકી ખેંચી રહી આ
અપંગને મને હર્મ્યવાતાયન પ્રતિ વેગે ” (સમગ્ર કવિતા, પૃ. ૬૨૯) મંથરા ધાત્રીને આ બાળકી કેમ આવી તેની તપાસ કરવા કહે છે; પણ મંથરાએ જ ધાત્રીને તો ધુતકારીને કાઢી મૂકી હોય છે. બાલિકા જ આ વાત તેને કરતાં વધુમાં જણાવે છે  ‘તેજોદાત્રી તણી તને અસૂયા ન જેવીતેવી.’ (સમગ્ર કવિતા, પૃ. ૬૩૦) મંથરાને માટે આ નવો જ અનુભવ હતો. તે આ બાલિકાને ઓળખી શકતી નથી. બાલિકા પૂછે છે  ‘હું તો છું ઋજુલા, મને ઓળખી ના ’ અને પછી કહે છે  ‘સુભગે  માનીશ તું  હું છું તું જ.’ મંથરાનો જ આ સદંશ ઋજુલારૂપે પ્રગટ થાય છે. પોતાની જ અંદરના સદંશને ઓળખવાની મંથરાએ કાળજી નથી લીધી એ કેવું  જ્યારે મંથરા ‘નાનકડી આવડી હું ’ એમ ઋજુલાને જોઈ આશ્ચર્ય વ્યક્ત કરે છે ત્યારે ઋજુલા જ કહે છે  ‘હા. તેં મને વધવા જ દીધી છે ક્યાં ’ ઋજુલા અયોધ્યાના ઉત્સવદીપોનો આનંદ લેવા મંથરાને આગ્રહ કરે છે, પણ મંથરાને તો આ દીપદર્શન આંખમાં કણાની જેમ ખૂંચે છે. એ તો આ બધા દીપો એક ફૂંકે હોલવાઈ જાય એવા પ્રચંડ ઘોર કાળવાયુની ઝંખના કરે છે. ઋજુલા આવા અઘટિત વિચારો – ઉદ્ગારો બદલ તેને ઉપાલંભ દે છે ને ત્યારે તે કહે છે  ‘આજ રાતે  આ ઉત્સવ-દીપમાંથી હોળી મહા પેટાવીશ | ત્યારે જ હું જંપવાની.’ (સ. ક., પૃ. ૬૩૦) ઋજુલા તેની આ મનોદશાની ટીકા કરે છે તો વધુ છંછેડાઈને કહે છે  “છું દુરિત હું અસીમ, અગાધ, અપરિમેય,
આખાય બ્રહ્માંડનો બૂકડો હું કરી દઉં...
હસ તું.” (સમગ્ર કવિતા, પૃ. ૬૩૧) ને ત્યારે ઋજુલા કહે છે  ‘ના હસું તો શું કરું, કહે  ખૂંધ તારી | આ, તેને તો સીધી કરી બતાવ, જો શક્તિમતી | છે તું મહા.’ ને મંથરા ત્યારે અનિષ્ટ પ્રકૃતિએ કહે છે  ‘વિશ્વ આખું વક્ર ખૂંધું કરી દઉં | ના મને વિડંબી શકે કોઈ જ તું-જેમ પછી.’ કદાચ મંથરાના અનિષ્ટનું મૂળ એના કુબ્જત્વમાં છુપાયેલું છે, (તે રીતે એ કૃતિને એક મનોવૈજ્ઞાનિક તથ્યની મજબૂત ભૂમિકા પણ આપવામાં આવી છે એમ કહી શકાય.) ઋજુલા અનિષ્ટ કરવા માટે ઉત્સાહી થયેલી મંથરાની જાણે ઊલટતપાસ લે છે. શા માટે મંથરા અનિષ્ટ કાર્ય કરવા તૈયાર છે  કૌસલ્યાએ તો પોતાને દૂભવ્યાનું તે ઇન્કારે છે. રામે પોતાને દૂભવી છે એમ તે ઋજુલાને જણાવે છે. આ ઋજુલા બાળકી વિના બીજું કોઈ હોત તો સંભવ છે કે મંથરાએ આ ભેદ ન ખોલ્યો હોત. ઋજુલા ‘કદી કોઈનીય વિમાનના કરે રામ ’ એવો પ્રશ્ન કરે છે; પરંતુ ‘રામ’નું નામ જ મંથરાને ઉશ્કેરવા માટે પૂરતું થઈ પડે છે, ઋજુલા તો કહે છે  ‘ચંદ્ર સમું નામ રામચંદ્ર...’ને ત્યારે મંથરા કહે છે  “એ જ તો પીડા છે. રામ બસ રામ સારું ગામ રામ રટ્યાં કરે
એ જ મારે માટે મોટું કારણ છે અણગમા
તણું.” (સમગ્ર કવિતા, પૃ. ૬૩૧) ને આમ કહેતી વખતે મંથરાને ‘કેવી રટી રહી નામ એ જ મીઠું’ – એવી ઋજુલા ટકોર પણ કરે છે. મંથરા એ ‘રામ’ નામને કરાલ દંષ્ટ્રા વચાળે ભચડી દેવા માગે છે ને ત્યાં જ દીપક હોલવવા જેવો થઈ થથરી ઊઠે છે. ઋજુલા અદૃશ્ય થઈ જાય છે, ને કાલરાત્રિની જાણે કાળમીંઢ પથ્થરની કંડારેલી અઘોર આકૃતિ પ્રત્યક્ષ થાય છે. કાલરાત્રિ કહે છે  ‘મંથરા, હું કાલરાત્રિ, જે થવાની મહાકાંક્ષા પ્રજ્વલતી
રૂંવે રૂંવે તારે, છું હું મંથરા તારું જ રૂપ.” (સમગ્ર કવિતા, પૃ. ૬૩૨) મંથરા આનેય ઓળખતી નથી  પોતાની અંદરનાં સદસદ તત્ત્વોની યોગ્ય પિછાણ એને નથી અને એ પણ એક પ્રકારની એની કુબ્જતા – કુંઠિતતા છે. ઋજુલા જેટલી જ કાલરાત્રિથી પણ તે અજાણ છે. આ કાલરાત્રિને મંથરા કહે છે  “નરી મારો સ્વાર્થ છું જોનારી નારી. 
રાણી મારીની જે અધોગતિ તે મારી જ, તેને 
ખાળવા હું મથનારી સંસારી છું જીવ. આવ, 
મંગલનો પ્રસવ ન થવા પામે પ્રાત:કાલે 
એ છે આપણે જોવાનું; આવ, ભાવિ-ઉદરમાં 
રહ્યો ગર્ભ સળવળી, દૂષિત તે કરી દેવો 
આપણું કર્તવ્ય એ જ. કૈકેયીને માનભંગ 
બનીને આ અયોધ્યામાં જીવવાવારો ન આવે. 
બસ એ જ લક્ષ્ય એક.” (સમગ્ર કવિતા, પૃ. ૬૩૨–૩૩) મંથરાનો રામ પરનો રોષ – રામ પરની ચીડ બરોબર આ સંવાદમાં પ્રગટ થાય છે. વૃદ્ધ રાજાએ વિશ્વામિત્રને રામ આપવાનો ઇનકાર કર્યો ત્યારથી તેના ચિત્તમાં રોષ છે અને રામને અરણ્યોમાં રઝળતો કરી દેવાની એની નેમ છે. કાલરાત્રિ એવા વનવાસ દરમિયાન રામ સ્વપરાક્રમે કીર્તિ રળે એવી સંભાવના મંથરા સમક્ષ મૂકે છે, પણ એ પરિસ્થિતિને અટકાવવાની મંથરાની શક્તિ નથી. ‘દુરિત આચરનારે દુરિતમાંથી શુભ પ્રસવે તો નભાવી લેવું પડે.’ – એવું વિધાન કાલરાત્રિ રામના વનવાસ પછીના સંભવિત પરાક્રમ–યશના સંદર્ભે કરે છે. જોકે દેખીતી રીતે આ વિધાન યોગ્ય છતાં તાત્ત્વિક રીતે ઊંડી તપાસ માગી લેનારું છે. સત-શુભનો નાશ નથી, તિરોધાન કદાચ હોય. એ સતને દુરિત એવું તો ઢાંકી દે છે કે સત જાણે નથી એમ જણાય ને તેથી પ્રસંગોપાત્ત, એ તિરોહિત સતનો વિકાસ પ્રત્યક્ષ થાય ત્યારે જાણે દુરિતમાંથી એ થયાની ભ્રાંતિ થાય ખરી; બાકી નિર્ભેળ દુરિતમાંથી શુભની પ્રસૂતિ તાત્ત્વિક રીતે સ્વીકારી શકાય નહીં. રામને વનવાસમાં મોકલવાના મંથરાના સંકલ્પથી કાલરાત્રિને તો લાભ જ છે ને તેથી તે કહે છે  ‘વરવી આકૃતિ મારી | તણો સુવિરૂપતર ભાગ બની સોહી ર્હેશે | વિશ્વ આખું ખૂંધ કો વિરાટ સમું...’ (સમગ્ર કવિતા, પૃ. ૬૩૩–૩૪) મંથરા કાલરાત્રિનો સહકાર માગે છે. મંથરાને કૈકેયીના રોષકોષનું ઢાંકણ ખોલી દેવું છે. કાલરાત્રિ એની આવી વૃત્તિનો નિર્દેશ કરે જ છે  ‘જ્વાલામુખીનું ઢાંકણ ખોલવામાં મજા તને.’ મંથરા ચીત્કાર દ્વારા કૈકેયીને જગાડવા કાલરાત્રિને આદેશ આપે છે. કાલરાત્રિ ચીસ નાખે છે  ‘ક – ક – ક – કૈકેયી – ઈ – ઈ...’ ને આ કાલરાત્રિનો અવાજ મંથરાના અવાજ-રૂપે કૈકેયી સાંભળે છે. ઋજુલા તો મંથરાના દુરાશયોને હચમચાવીને સરી ગઈ, કાલરાત્રિ મંથરાના દુરાશયોમાં પોતાનો સૂર પુરાવીને સરી જાય છે. આટલે સુધીનું વસ્તુ મૂળ રામાયણ-વસ્તુના માત્ર બાર શ્લોકોનો ઉપયોગ કરે છે. કવિની પ્રતિભા મૂળ વસ્તુમાં અનેક સૂક્ષ્મ છતાં મહત્ત્વના ફેરફારો કરી, નૂતન ભાવસંદર્ભ રચી આપી, મૂલનાં સત્ય-મૂલ્યોને વધુ ઉત્કૃષ્ટ રીતે વ્યંજિત કરવાનો ઉપક્રમ રચી દે છે. કાલરાત્રિના અવાજમાં કૈકેયી દ્વારા મંથરાના અવાજનું સાંભળવું – તે આમ તો સ્વાભાવિક ને છતાં એક રમણીય નાટ્યયુક્તિ છે. મંથરા હજુ કાલરાત્રિને જોતી ખડી છે, દરમિયાન તેના ચીત્કારે જાગેલી કૈકેયી, ‘શું બોલી તું ’ એમ પ્રશ્ન કરે છે ત્યારે એના સંદર્ભમાં મંથરા દ્વારા ‘જોઉં છું હું કાલરાત્રિ...’ એમ બોલાતાં, એ અંગે વધુ પૃચ્છા કરે છે  ‘કાલરાત્રિ કેવી  શાની  કોની ’ આ દરમિયાન મંથરા પોતાની જાતને સંભાળી લે છે. તે તુરત કહે છે કે જો તું નહીં સમજે તો કાલરાત્રી ભરતની છે ને અગર જો તું સમજે તો તે રામની છે. મંથરા ‘વાક્યવિશારદા’ હોઈ અત્યંત ચતુરાઈથી ક્રમશ: પોતાનું મનોદ્વાર ખોલતી કૈકેયી પાસે એનુંયે મનોદ્વાર ખોલાવતી જાય છે. કૈકેયી મંથરાની સદાની વક્રતાની ટીકા કરે છે ત્યારે લાગલી જ મંથરા કૈકેયીની ભાગ્યવક્રતા સુધી પહોંચી જાય છે. તે રામના યૌવરાજ્ય-અભિષેકની વાત કરે છે. આ વાતથી તો કૈકેયી દુ:ખી થવાને બદલે ખૂબ રાજી થાય છે. પોતાના ગળામાંનો નવસર હાર આ વધાઈમાં મંથરાને દઈ તેને હસવા કહે છે. તે તો કહે છે  ‘હાશ, મારો રામ યુવરાજ થશે.’ મંથરા કૈકેયીના ભોળપણની ટીકા કરે છે. તે તારે નહીં પણ કૌસલ્યાને સુવર્ણાભરણો આપવાનો પ્રસંગ છે – એમ પણ જણાવે છે ને ત્યારે કૈકેયી શ્રદ્ધાપૂર્વક કહે છે  “નથી કેમ મારે, અરે વક્રમતિ  ધર્મજ્ઞ તે સત્યાચાર, વિનમ્ર, શુચિ, રુચિર
રામ કૌસલ્યા તણો જ નથી, છે એ મારોય તે
એટલો જ. ભરત ને રામમાં ન ભેદ કશો
મારે મન.” (સમગ્ર કવિતા, પૃ. ૬૩૬) મૂળ રામાયણમાંય આ સંદર્ભ છે. કૈકેયી આઠમા સર્ગમાં રામના ગુણોની પ્રશંસા કરતાં કહે છે  धर्मज्ञो गुरुभिर्दान्तः कृतज्ञः सत्यवाक्छुचि: ।
रामो राज्ञः सुतो ज्येष्ठो यौवराज्यमतोऽर्हति ।। ૧૪ ।। વળી સાતમા સર્ગમાં કૈકેયી કહે છે  `रामे वा भरते विशेषं नोपलक्षये।' ને મંથરાને તો કૈકેયીનું આ વલણ જ ‘મહાશૂળ’ બની રહે છે. મંથરા ભેદાદિ પ્રયોગને અહીં સચોટ રીતે અજમાવતી જોવા મળે છે. ‘ભેદભાવની બુદ્ધિ તારામાં નહિ તો કૌસલ્યામાં હશે’ એમ મંથરા દલીલ કરે છે ત્યારે કૈકેયી કદાચ એમ હોય તોયે ‘રામ મારો તે તો રામ સદા રહેવાનો’ એમ શ્રદ્ધાપૂર્વક જણાવે છે. મંથરા હવે રાજ્યનીતિશાસ્ત્રની સરણીએ દલીલો ચલાવે છે. ભરત તો રામનો સહજશત્રુ  – એ વાત ઉપસાવે છે ને ત્યારે કૈકેયી આરંભે તો ‘રાજનીતિ| અયોધ્યાના રાજગૃહે દાસીઓએ ભાખવાની | આવી ગઈ વેળા ’ – એમ ટીકાય કરે છે ને મંથરાય ત્યારે ‘જ્ઞાતિદાસી’ હોઈ છૂટથી બોલી શકતી હોવાથી કૈકેયીને માટે કૌસલ્યાની ને રામનીયે કિંકરી બનવાની સંભાવના વ્યક્ત કરે છે. કૈકેયી હજુ રામના સદ્ગુણોથી પ્રભાવિત છે. તે મંથરાને ઉદારચિત્તે રામના અભિષેકને વધાવી લેવાની શીખ દે છે. મંથરા હવે બીજો મોરચો ખોલે છે. એ ભરતના હિતની વાત હવે લાવે છે. તે કહે છે  ‘હુંય તે કૈં જાણું, રાજ્યે જયેષ્ઠ જ જે હોય તેને | યુવરાજ સ્થાપ્યો ઘટે. ભરતનું કિન્તુ...’ ને તેના ઉત્તરમાં કૈકેયી કહે છે  ‘તારું | કિંતુ ન ટળ્યું  તું બસ કિંતુ કિંતુ રટ્યાં કર, | કિંતુડી ’ (સમગ્ર કવિતા, પૃ. ૬૩૭) ઉમાશંકરની શબ્દપ્રભુતા – સંવાદપ્રભુતા ‘કિંતુડી’ના પ્રયોગમાં પ્રગટ થાય છે. અપૂર્વ પ્રયોગ છે એ. મંથરા ભરત રામનો સહજરિપુ હોઈ દેશાન્તરે કે લોકોન્તરેય રામ તેને મોકલે એવી શંકા કૈકેયીના દિલમાં જગાડે છે, ને આમાં મંથરા સફળ થાય છે. આ તબક્કે સંવાદ પણ કવિએ ખૂબ કુશળતાથી મનોવૈજ્ઞાનિક ભૂમિકાએ ચલાવ્યો છે. યૌવરાજ્ય-પદે ભરત કૈકેયીના ચિત્તમાં મંથરા દ્વારા બરોબર ગોઠવાય છે. ને કૈકેયી બોલી ઊઠે છે  “મંથરા, ન જાણીશ તું, મંદભાગણી બિચારી
અસહાય શક્તિહીન, મને. રાખઢાંક્યો ફૂંકે
સ્ફુલિંગ જે તેની સામે વિશ્વગ્રાસિની જ્વાલા છું,
પદસ્પર્શે છંછેડે જે તેને કાજ વિષ-ઓઘ
ફુત્કારતી ફણા માંડી મરડાતી સર્પિણી છું.
સિંહણ શું સહી લે કે, મંથરા, શિશુનો થતો
અભિભવ ... અરે, અરે, મંથરા, આ અયોધ્યા કે ” (સમગ્ર કવિતા, પૃ. ૬૩૮) કૈકેયી જાણે મંથરાવિષ્ટ થઈ છે. કવિએ એની ઉક્તિમાં વાક્છટાનો ઠીક અનુભવ કરાવ્યો છે, પરંતુ રસદૃષ્ટિએ આ વાક્છટામાં ઉત્કટતાની માત્રા થોડી ઓછી હોત તો ઠીક ન થાત  કૈકેયીના માનસપરિવર્તનની વિનીત રીતની રજૂઆત વધુ ઠીક ન થાત  કવિએ અહીં વનવેલીના લયનો પણ વાણીમાં ઓજસ પ્રગટ કરવામાં લાભ લીધો જણાય છે. કૈકેયી  ‘રામ વનવાસ | જશે, ભરત થશે યુવરાજ’ – એવા નિશ્ચય પર આવી રહે છે ને મંથરા કહે છે  ‘વાહ મારી | રાણી, જાણતી હતી હું કે પાણીમાં બેસી જાય | એમાંની નથી તું.’ સુન્દરમે આ ઉદ્ગારો ટાંકી લખ્યું છે  ‘મંથરાના આ ઉદ્ગારોમાં પદ્ય પૂરું પારદર્શી છે પણ એમાંનું કાવ્ય હાથમાંથી સરકી જતું લાગે છે.’ તેઓ પછી આ સંદર્ભે લખે છે  “એલિયટે જેને નાટકમાં ‘ઇડિયમ’નો પ્રશ્ન કહ્યો છે તે અહીં ઊભો થાય છે. ‘પાણીમાં બેસી જવું’ એ ભાષાભંગિ એક ક્રિયાનું સમર્થ રીતે દ્યોતન કરે છે, પણ પદ્યમાં તે કઈ હવા ઊભી કરે છે. કાવ્યને પણ તે પાણીમાં બેસાડી દેતું નથી ’ ” (સમિધ–૨, પૃ. ૧૯) સુન્દરમ્નો પ્રશ્ન ચિંત્ય છે. મંથરાની વાણીમાં ‘પાણીમાં બેસી જાય’ એ રૂઢિપ્રયોગ પૂરેપૂરો સમરસ થયાની પ્રતીતિ થતી નથી. જોકે કેટલીક વાર અમુક શબ્દપ્રયોગ કે વાક્યપ્રયોગને નાટ્યસંદર્ભમાં ઉતરડી – અલગ કરીને જોતાં એમાં નર્યું અકાવ્ય કે નરી શુષ્કતા દેખાય, પણ જે તે કલાસંદર્ભે જ સમગ્રના પરિપ્રેક્ષ્યમાં એનું જે કંઈ વિત્ત-બળ હોય તે અનુભવવું રહ્યું ને સંભવ છે કે એવે વખતે અન્યથા ખૂંચતો શબ્દપ્રયોગ – વાક્યપ્રયોગ આસ્વાદ્ય બની રહે; દા. ત., ‘તારું કિંતુ ન ટળ્યું ’ આ કૈકેયી-ઉક્તિનું બળ ને ‘કિંતુડી’ શબ્દપ્રયોગનું વૈશિષ્ટ્ય મંથરા-કૈકેયીના સંવાદસંદર્ભે જ સાચી રીતે પામી – માણી શકાય. કૈકેયી રામને વનવાસ મોકલવા ને ભરતને યુવરાજપદે સ્થાપવા સંકલ્પબદ્ધ થઈ તે પછી મંથરાને એ સંકલ્પ કેમ સિદ્ધ કરવો તેનો ઉપાય પૂછે છે. મંથરા કૈકેયીને દશરથ પાસે ભૂતકાળનાં બે જે વરદાન લેણાં છે તેની યાદ આપે છે! કૈકેયીને ‘રાજા માનશે કે નહિ’ એની શંકા જાય છે. કૈકેયી દુરિત આચરતાં જાણે આત્મવિશ્વાસ ખોઈ બેઠી છે  મંથરા તેનામાં આત્મવિશ્વાસ પ્રેરે છે. વૃદ્ધ પતિ તરુણી ભાર્યાનું માનશે જ એ વિશે મંથરા તો નિ:શંક છે. મંથરા કૈકેયીને ઝટપટ પેલાં બે વરદાન માગી લેવા તૈયાર થવા કહે છે. કૈકેયીમાં હજુ ભય-શંકાપ્રેરિત ‘પણ’ બચ્યું છે. ‘કિંતુડી’ મંથરા એ ‘પણ’નો પણ કુશળતાથી નિકાલ કરી આપે છે! ચૌદ વર્ષના વનવાસ પછી કદાચ ને રામ પાછા ફરે તો ત્યારે એ રામ ‘અ-રામ’ હશે. કૈકેયીને આ વાત કહેતાં મંથરા ‘રાજમાતા’નું સંબોધન કરે છે. કૈકેયીને માટે આ એક નવો જ અનુભવ છે. મંથરા કૈકેયીને તેના સદ્ભાગ્યની ખાતરી આપે છે. કૈકેયીને હવે ‘વક્રમતિ’ મંથરા ‘સદા હિતૈષિણી’-રૂપે દેખાય છે. લગભગ ખુશામતની રીતે કૈકેયી મંથરાની પ્રશંસા કરતાં ‘ખૂંધ તારી શોભે કેવી, બુદ્ધિભાર-લચી જાણે નારી-લતા.’ – એમ કહે છે, અને પોતે ‘રાજમાતા’ ખરેખર થશે ત્યારે તો ‘ખૂંધ તારી ચંદનના લેપ વડે લેપીશ હું સ્વહસ્તે’ – એમ પણ જણાવે છે. મૂળમાં મંથરાની રૂપપ્રશંસામાં `स्थगु'નો નિર્દેશ આવે છે અને કૈકેયી કહે છે કે `लब्धार्थी व प्रतीता च लेपयिष्यामि ते स्थगुः।।' કવિએ મૂળનો સંદર્ભ અહીં જાળવી રાખ્યો છે. પણ તે ઠીક લાગતો નથી. ખૂંધથી તો એ વિડંબના પામી હોઈ વિશ્વ આખું વક્ર – ખૂંધું કરી દેવાની વાત કરે છે, એટલે એ ખૂંધની યાદ મંથરાને માટે તો ઉદ્વેગકર જ હોઈ શકે. એ પરિસ્થિતિમાં કૈકેયી ખૂંધને ચંદનચર્ચન કરવાની વાત કરે તો તે રસદૃષ્ટિએ નિર્વિઘ્ન જણાતી નથી. (વક્ર હવે કૈકેયીને સુંદર લાગવા માંડ્યું તે બતાવવાય આ કીમિયો પૂરો રસાવહ નથી.) મૂળનો અગ્નિશિખા-વિષયક અલંકાર અહીં વધુ ઉત્કટતાથી પ્રયોજીને મંથરા કૈકેયીને ક્રોધાગારે જઈને બરોબર ભભૂકી ઊઠવાની શીખ આપે છે. કૈકેયી પુત્ર ભરત માટે થઈને જે કષ્ટ ઉઠાવવું પડે તે ઉઠાવવા સજ્જ થાય છે ને ક્રોધાગારે મંથરાની શુભેચ્છા (?) પામી સંચરે છે. મંથરાએ કરવાનું કર્યું. કૈકેયી ક્રોધાગારમાં શાંત રીતે ભભૂકતી રહે છે. મંથરા દશરથને કોઈ પણ પળે જવાબ દેવા સજ્જ ખડી છે. દરમિયાન એના ચિત્તમાં કૈકેયીના વિચારો આવે છે. મંથરા સ્વગત કહે છે  ‘મંથરા, તું નિશ્ચિંત ર્હે, રૂપ તારું વખાણ્યું જે | એણે તે જ દાખવે છે પૂતળીઓ આંખ તણી | અવળી થઈ જ ચૂકી, વક્ર તે સુંદર એને | ભાસવા લાગ્યું છે.’ આવા આવા વિચાર આવે છે ત્યાં દશરથનો દૂર અવાજ આવે છે  ‘કૈકેયી  ક્યાં છો કૈકેયી ’ મંથરા એનો ઘટિત ઉત્તર આપે છે. કૈકેયી ‘ક્રોધાગારે કુ પિ તા’ હોવાનું જણાવે છે ને કદાચ રાજાના મનમાં ફાળ પડે છે. દૂરથી જ પૂછે છે  ‘શું  કુ પિ તા કૈકેયી પ્રિયા ’ અને મંથરા ભારપૂર્વક કહે છે  ‘કુ પિ તા રાજા કુ પિ તા...’ને તે આવતી કાલની અયોધ્યાની વિધવા-શી સ્થિતિનું અનુમાન કરે છે. રામનાય દર્શને કૈકેયીનું હૈયું નહિ પલટાય એવું કહી મંથરા એના મંથરાપણાનો વિજય નિર્દેશે છે  પરંતુ મંથરાપણું વિજયી થયું છે ખરું  ખાટલે મોટી ખોડ તો એ કે જેને માટે આ બધા ઉધામા છે તે ભરતનું મન જે વરતવાનું તે ન આ કુટિલમતિ મંથરાને સૂઝ્યું, ન કૈકેયીને  સામે દશરથાદિનેય એ દિશામાં દિમાગ દોડાવવું નથી સૂઝ્યું ને  વળી રામ ચૌદ વરસે પાછા ફરશે તો ‘અ-રામ’ થઈ ગયા હશે એ મંથરાની સમજ પણ કેવી  મંથરા – એનામાંનું દુરિત તત્ત્વ સતનો ક્યાસ કાઢવામાં ઘોર રીતે નિષ્ફળ જાય છે. એ પોતાના જ દાવ પર મુસ્તાક હોય છે ને તેથી સામાના સત્ત્વબળની જાણ્યે-અજાણ્યે એનાથી ઉપેક્ષા થાય છે ને પરિણામે દુરિતની ઉપલબ્ધિ કેવળ કરુણ પરાજયની જ છેવટે તો હોય છે. આ કાવ્યમાં ઉમાશંકરે મંથરા દ્વારા કૈકેયીના માનસ-પરિવર્તનનો ઉપક્રમ પ્રત્યક્ષ કરવાનો સબળ પ્રયત્ન કર્યો છે. દશરથને છેલ્લે કેવળ અવાજથી બે જ લઘુ ઉક્તિ પૂરતો પ્રવેશ અપાવી ઊંડી કલાસૂઝ બતાવી છે. વળી એકંદરે આખો સંવાદ તંગ બંધ સાથે ચાલે છે ને એમાંય ‘ઋજુલા તથા કાલરાત્રિની પાત્ર-કલ્પના રજૂઆતમાં વૈવિધ્ય ને રસિકતા લાવે છે. મંથરાનાં જ અંતર્ગત બે રૂપો સત – ઋજુલા ને અસત – કાલ રાત્રિ વચ્ચેનો સંવાદ મંથરાનું એક જુદું જ પાત્રપરિમાણ રચી આપે છે. મંથરા ઋજુલા તરીકે રામને જો ઓળખે છે તો કાલરાત્રિ તરીકે રામની હસ્તીયે સહી શકતી નથી. આ તણાવમાં મંથરાની એક મનુષ્ય તરીકે રિબામણી ઓછી તો ન જ હોય. મંથરાને પોતામાં દુરિતને ટકવા દેવાનું ને સક્રિય થવા દેવાનું મૂલ્ય પણ ઠીક ઠીક ચૂકવવું પડે છે. કવિએ ભાષા-લય દ્વારા ભાવ-ક્રિયાને પ્રત્યક્ષ કરવામાં પ્રમાણમાં વધુ એકાગ્રતા ને કલ્પકતા દાખવી છે, ને તેથી ‘મંથરા’ને કોઈ વિવેચક આ સંગ્રહનું ઉત્તમ પદ્ય-એકાંકી, પદ્યનાટક કહે તો તે સમજી શકાય એમ છે. સુન્દરમ્ ‘મંથરા’નો ‘પદ્યનાટકના ઘાટમાં ખાસ કાળજીપૂર્વક ઢાળેલી કૃતિ’ તરીકે નિર્દેશ કરે છે. તેમને મંથરાના ‘ડૂબ્યો  ગ્રસ્યો અંધકારે ... દુષ્ટ રાજા એની પૂંઠ પરે,’ જેવી મંથરાની ઉક્તિમાં કાવ્ય ભારોભાર દેખાય છે પરંતુ પારદર્શિતા – ‘ટ્રાન્સપેરન્સી’ દેખાતી નથી.૨૮૬ પદ્યમાંથી હજુ કેટલુંક ભારણ ઓછું થઈ શકે એ શક્યતા નકારવા જેવી નથી. આમ છતાં “ ‘મહાપ્રસ્થાન’માં ઉમાશંકરની રંગભૂમિના પદ્ય તરફ ગતિ કરવાની સભાન અને અભાન સાધનાનું ફળ આપણને ‘મંથરા’માં સાંપડે છે”૨૮૭ એવા હરીન્દ્રના વિધાનને આપણે અનુમોદન આપવું રહ્યું. રંગભૂમિનું પદ્ય વિકસાવવાની દિશામાં એક નક્કર સોપાન ચડી શકાયાની આપણી પણ પ્રતીતિ છે. ઉમાશંકરની નાટ્યસંવિધાનની કળા અહીં ખીલી ઊઠી હોવાની એમની વાત પણ કેટલીક રીતે સાચી છે. કૈકેયી કોપભવનમાં જાય છે ત્યાં દૃશ્યનો પડદો પાડવા જેવું લાગે, પણ આ ‘નાટક’ ત્યાં અટકતું નથી. કોપભવન તરફ જતા દશરથનાં ભારે પગલાંના વિલીન થતા ધ્વનિ વચ્ચે, મંથરાની વિજયપ્રતીતિના ઉદ્ગારો સાથે સમાપ્ત થતી આ રચના ઉચિત રીતે ‘ઉમાશંકરની પ્રયોગચતુર્દશીનું નવનીત’ લેખાઈ છે. ઋજુલા–મંથરાના સંવાદથી કાલરાત્રિ–મંથરાનો સંવાદ ઓછો નાટ્યાત્મક છે કે કેમ એવા ખંડદર્શને જોખમી જે પ્રશ્નો, એમાં આપણે નહિ પડીએ. ‘મંથરા’માં ભોળાભાઈ ઉચિત રીતે ‘આખા નાટકમાં રામ વ્યાપ્ત હોવાની’ વાત નોંધે છે.૨૮૮ મંથરાનો સમગ્ર પ્રયાસ આ ‘રામ’ને આભારી છે. રામ રંગભૂમિ પર નહિ આવીને વધુમાં વધુ પ્રભાવક – આકર્ષક આ કાવ્યબળે બની રહે છે. આ ‘મંથરા’ જોતાં ધીરુબહેન પટેલ ‘થ્રી ફેઇસિઝ ઑવ ઈવ’નું સ્મરણ કરે છે. વાલ્મીકિ જેવા મહાકવિનું પાત્ર બીજી ભાષામાં અને બીજા સાહિત્યસ્વરૂપમાં લઈ જવા છતાં પોતાની મૂળ આકૃતિને કેટલી જીવપૂર્વક વળગી રહે છે તેના ઉદાહરણરૂપે ‘મંથરા’ને તેઓ જુએ છે, ને મૂળ કૃતિ સાથેનાં સામ્યો દર્શાવે છે; પરંતુ બહેનને એ પૂછી શકાય કે સર્જક જ ક્યારેક જીદપૂર્વક મૂળના પાત્રને વળગી રહે એમ ન બને  એકંદરે જોતાં ‘મંથરા’માં કવિકર્મ પ્રમાણમાં સારી રીતે સફળ થયું છે; જો કે ‘મંથરા’ની સર્વોચ્ચતા આપણે સ્વીકારી લીધી છે. છતાં, એવી સર્વોચ્ચતા કેટલીક વાર તો કેવળ આ કે તે રુચિગત અભિપ્રાયનો જ સંકેત બની રહે છે. જ્યાં સુધી રંગભૂમિ પ્રત્યક્ષ પ્રયોગથી આ નાટકનું મૂલ્ય આંકી ન આપે ત્યાં સુધી નાટ્યદૃષ્ટિએ ઉચ્ચાવચતાના અભિપ્રાયોમાં પ્રમાણમાં વધારે યદૃચ્છા-વ્યાપાર જોર કરી જાય એમ બને. ૭. ભરત આમાં ભારતીય કવિઓનો ખૂબ પ્રિય એવો રામ-ભરતમિલાપ વિષય ઉમાશંકરે લીધો છે. આ કૃતિ રામાયણમાંના અયોધ્યાકાંડના સર્ગ ૯૫થી ૧૧૩ સુધીના વસ્તુસંદર્ભને આવરી લે છે. કવિએ નજર સામે રામ-ભરતના ધર્મનિષ્ઠ સ્નેહસંબંધને રાખ્યો છે. એટલે આ સર્ગોમાં રાજનીતિ આદિના જે ભાગ છે તે બધાનો કવિએ કુશળતાથી પરિહાર કર્યો છે. કાવ્યનો આરંભ રામની ઉક્તિથી થાય છે. રામ સીતાની સાથે મંદાકિનીના સંદર્ભે વાત કરે છે. ‘સરયૂને વિસરાવતી’ આ મંદાકિનીની વાત પરથી સપ્તતલ પ્રાસાદ-શા ચિત્રકૂટ પર અને તેના પરથી ‘અરણ્યાની અયોધ્યા’ની વાત પર આવી જાય છે. રામના દિલમાંથી અયોધ્યા ગયું નથી અને વનમાં આવ્યા તો અયોધ્યાને પણ જાણે સાથે લઈને આવ્યા  સીતા આ વાતનો નિર્દેશ કરે છે. રામ નિખાલસ રીતે કહે છે  “ખરું કહું  અયોધ્યાથી છૂટવું અસંભવ છે. અયોધ્યા છોડી તે, દેવી,
અયોધ્યાનાં મૂલ્યો કાજે.” (સમગ્ર કવિતા, પૃ. ૬૪૩) રામ અરણ્યનિવાસ દરમિયાન પણ રઘુકુળના આદર્શોનો પરિમલ અરણ્યમાં ફેલાવવાનું કર્તવ્ય યુવરાજરૂપે નહિ પણ ‘માત્ર પુરજનરૂપે’ કરતા રહેવાના છે. રામ આ અર્થમાં સીતાને કહે છે  ‘વનમાં વસાવી રહ્યાં આપણે અયોધ્યા.’ અયોધ્યાનું સૂક્ષ્મ સાચું રૂપ રામની સાથે જ છે. સીતા તેથી જ કહે છે  “તમે વનમાં વિસ્તારી રહ્યા પદે પદે અયોધ્યા, હે
નવતર ચક્રવર્તી, તપસ્વી સમ્રાટ, મારા
– લોક સમસ્તના – રામ  રામ ત્યાં જ અયોધ્યા.” (સમગ્ર કવિતા, પૃ. ૬૪૪) દરમિયાન સીતા સિંહ, હસ્તી, રીંછ, શૃગાલ આદિ પશુઓમાં જે સંરંભ મચી ગયો છે તેના તરફ રામનું ધ્યાન ખેંચે છે. રામ લક્ષ્મણને આ સંરંભ શાથી છે – શાનો આ કોલાહલ છે તેની તપાસ કરવા કહે છે. લક્ષ્મણ દૂર વ્યોમે ધૂળની ડમરીઓ ચઢતી જુએ છે. તે શાલવૃક્ષે ચઢીને કોઈ સેનાને આવતી નિહાળે છે. લક્ષ્મણ પ્રતિકાર માટે રામને સજ્જ થઈ જવાનું સૂચન કરે છે, પણ રામનું ધૈર્ય ઘણું છે. રામ લક્ષ્મણને એ સેના કોની છે, કેવી છે તે જોવાનું કહે છે. લક્ષ્મણ ‘કૈકેયીપુત્ર ભરત’ હોવાનું કહી, અયોધ્યાની સેના હોવાનું જણાવે છે. ઉતાવળિયો લક્ષ્મણ તો ‘સૈન્યબળ દાખવવા ભરત આપણી પૂંઠે આવી લાગ્યો.’ હોવાનું માની બેસે છે. રામ-લક્ષ્મણને ‘અરે  | બોલે છે, લક્ષ્મણ શું તું ’ એમ કહીને ઉપાલંભ આપે છે. લક્ષ્મણને માટે તો રાજ્યધર્મ, પુત્રધર્મ, ભ્રાતૃધર્મ પ્રતિષ્ઠિત કરીને વને આવેલા તાપસ રામને આતતાયી ભરત કનડવા આવે એ વિચાર જ અસહ્ય છે. લક્ષ્મણ પોતા પ્રત્યેના સ્નેહમાં તણાઈને ઉતાવળમાં ભરતને જે અન્યાય કરી બેસે છે તેનો રામને ખ્યાલ આવી ગયો હોય છે ને તેથી જ ‘તાપસ બનીને બન્યો જ્ઞાની તું, સૌમિત્ર ’ – એમ મીઠી રીતે ઉપાલંભ પણ દે છે. લક્ષ્મણ તો ‘જ્ઞાન મને એક જ છે વાતનું – શુશ્રૂષા કરું | રામની સીતાની.’ – એમ કહી રામનો વાળ વાંકો કરવા આવનાર કૈકેયીસુત હોય તો તેનેય પોતે હવે સહી નહીં લે એ સ્પષ્ટ રીતે કહે છે. અયોધ્યામાં તો સંયમ રાખેલો પણ હવે તો એ ભરત રામનો વાળ વાંકો કરવાની કલ્પના પણ કરતો હશે તો પોતે તેને મૃત્યુદંડ દીધા વિના નહિ રહે – એવું બધું પણ બોલી જાય છે. રામ તેના બહુ બોલવાની ટીકા કરતાં કહે છે  “બહુ કાંઈ બોલી ગયો, લક્ષ્મણ, તું  વિચારવા થંભ્યો ના ક્ષણેય, વત્સ
ભરતે અપ્રિય કદી આચર્યું વા ઉચ્ચાર્યુંય,
પ્રત્યક્ષ તો ઠીક પણ મનમાંય તે કશુંય.” (સમગ્ર કવિતા, પૃ. ૬૪૫) ને પોતે લક્ષ્મણને પાણીથીયે પાતળો કરવાના આશયે જ કદાચ કઠોર થઈને કહે છે કે ‘જોઈએ જો તને રાજ્ય, | વત્સલ વિનીત સુજ્ઞવર તે ભરતને હું | યાચના કરીશ સ્વયં રાજ્ય તને અર્પવાને.’ રામ લક્ષ્મણ સંબંધે આવી વાત જે કરે છે એમાં સર્વથા ઔચિત્ય લાગતું નથી. મૂળમાં આવો સંદર્ભ જરૂર છે, પણ એ સંદર્ભમાં યથોચિત ફેરફાર કરવાનું તો કવિના હાથમાં હતું જ. લક્ષ્મણ રામની કઠોર વાણીને પણ ઉદારભાવે – સ્નેહભાવે સહી લે છે. દરમિયાન એક તાપસ અતિથિ ભાગ્યો આવે છે. તે આવનાર ભરત હોવાનું રામને નિશ્ચિતપણે જણાવે છે ને ત્યાં જ ભરત આવી પહોંચે છે. રામ તેને જોતાં જ નોંધે છે  ‘કૈકેયી માતાની મુખશ્રીની રેખા મ્હોરી રહી
કેવી સુકુમાર, જરી કરમાઈ છે તથાપિ...’ (સમગ્ર કવિતા, પૃ. ૬૪૬) રામના ચિત્તમાં હજુયે કૈકેયી માટે આદરબુદ્ધિ હોવાનું આ ઉક્તિ સૂચવે છે. ભરત આવતાંવેંત ‘કહો | ગ્રહશો ને પ્રણામ તે કૈકેયીના કુજાત આ | પુત્ર તણા ’ એમ કહે છે. રામ તુરત જ ‘પિતા દશરથ તણો પુત્ર કેમ | કરી હોય ક્હે કુજાત ’ એમ કહીને માતાની શબ્દમાં કે વિચારમાંયે નિર્ભર્ત્સના નહિ કરવાનું ભરતને જણાવે છે. ભરત સૌનું કુશલ પૂછે છે. દરમિયાન રામનું ભરતના તાપસવેશ પર ધ્યાન જાય છે. રામ સદ્યવેદી, કુશાગ્રબુદ્ધિ હોઈ એમના ચિત્તમાં કોઈ અમંગળની શંકા જાગે છે. રામ સત્યપ્રતિષ્ઠ ભરતને કોઈ પદભ્રષ્ટ તો ન કરી શકે એ વિશે નિ:શંક છે, પણ પિતાની સ્વસ્થતા અંગે તેઓ સચિંત બને છે. દરમિયાન ભરતની આંખમાંથી આંસુ ટપકી પડે છે. આ વખતે જ માતાઓ, ઋષિઓ, મહાજન આદિ પ્રવેશે છે. રામની નજર માતાઓના વેશ પર જાય છે ને તેઓ પૂછે છે  ‘પિતાને પ્રણમવાનું  સૌભાગ્ય હું ખોઈ તો બેઠો નથી ને?’ ભરત પિતાના સ્વર્ગવાસની માહિતી આપે છે ને તે વખતે કહે છે  ‘ચાર પુત્રેયે તે | અવસાનકાળે નહિ એકે શુશ્રૂષામાં પાસે...’ (સમગ્ર કવિતા, પૃ. ૬૪૭) રામને આ સમાચારે ભારે આઘાત થાય છે. પણ તે ધૈર્યવાન હોઈ આઘાતને બળપૂર્વક વેઠીને સ્વસ્થતા ટકાવી રાખે છે. મૂળમાં તો રામની સ્થિતિ `पुष्पिताग्रो यथा द्रुमो वने परशुना कृत्तः' (પુષ્પિત વૃક્ષ વનમાં પરશુથી જે રીતે કપાયેલું હોય) તેવી થાય છે. દશરથ રાજાના અવસાનના સમાચારે લક્ષ્મણ, સીતા આદિ પણ શોકાક્રંદ કરે છે. વસિષ્ઠ તેમને સૌને ધૈર્ય-આશ્વાસન આપવા મથે છે. (ઋષિઓનું આ પણ એક કાર્ય છે ને ) રામ પિતાને જલાંજલિ આપવા ઇચ્છે છે. દરમિયાન સૌ અતિથિઓનો સત્કાર કરવા વનફલમૂલાદિ લાવવાનું કહે છે, પરંતુ એ કહે ને આવે તે પૂર્વે તો ‘ગૃહિણી’ સીતાની આજ્ઞાએ બધું આવીને તૈયાર પડ્યું છે. રામ સવિનય સૌની રજા લઈ પિતાને પિંડદાન દેવા જાય છે. રામના નિષ્ક્રમણ પછી વસિષ્ઠ પૂછે છે  “અયોધ્યાવાસીઓ, કહો, રામ વધુ શોભે છે ક્યાં –
અયોધ્યામાં કે આ અહીં અરણ્યમાં  આ નેત્રોથી
જોઈ નથી તપસ્યા મેં કઠોર છતાં મૃદુલ
આવી, ઉગ્ર તથાપિ જે સૌકુમાર્ય-શ્રી-સભર.” (સમગ્ર કવિતા, પૃ. ૬૪૮) વસિષ્ઠના સૂરમાં સૂર પુરાવતાં ભરદ્વાજ પણ રામની શક્ય સંસિદ્ધિઓ વિશેનો પોતાનો ઉદાત્ત અભિપ્રાય આપે છે. વસિષ્ઠ ઐતિહાસિક કાલાનુક્રમમાં જે રાજાઓ થયા તેમાં રામનું તે બધાથી સર્વોપરીપણું સૂચવે છે. ભરદ્વાજ કૌસલ્યાનીયે પ્રશંસા કરે છે ને ત્યારે ભરત પોતાની માતાને યાદ કરી તેના અવિચારી કૃત્યે જે ‘દુર્ભાગ્ય બેવડું’ પ્રવર્તાવ્યું તેનો નિર્દેશ કરે છે. દરમિયાન રામ પાછા આવી જાય છે ને ભરતને સાંત્વન દે છે. રામના નિષ્ક્રમણનો લાભ લઈ કવિએ કુશળતાથી ઋષિઓ દ્વારા જ રામના ચારિત્ર્યગુણ-સંકીર્તનની તક (જે રામની હાજરીમાં તો મળી જ ન શકત.) ઉત્કૃષ્ટ રીતે વાપરી છે. રામને એક ખટકો મનમાં છે કે દશરથ એકેય પુત્રની – ભરતની પણ – હાજરી સુધી ટક્યા નહિ. દશરથે અંતકાળે ‘રામ’ ‘રામ’ રટતાં દેહ છોડ્યો તેનો ભરતે નિર્દેશ કર્યો. વળી સ્વજનોનો બધો સાથ રામનું જ રટણ કરતો રહ્યો હોવાનું પણ તેણે જણાવ્યું અને ‘ભૂલ મુજ જનેતાની | સુધારી લઈ પધારો પાછા...’ એમ વિનવણી કરી. રામ ભરતને સ્વમાતા કૈકેયીની ભૂલ કાઢવા માટે ઠપકો આપે છે. ભરત કૈકેયીને આમ છતાં ‘અશુભમૂર્તિ’ કહ્યા વિના જંપતો નથી, ત્યારે રામ કૈકેયીના ભૂતકાળના દશરથ માટેના પ્રશંસનીય કાર્યનો નિર્દેશ કરી, તેની વરદાન-માગણીમાં કશું અઘટિત નહિ હોવાનું સૂચવે છે. રામને શ્રદ્ધા છે કે જેમ દશરથ કૃત-પ્રતિજ્ઞ થઈને ધન્ય થયા તેમ ભરત પણ પ્રશંસનીય કૌસલ-શાસન દ્વારા ધન્યતર થશે જ. રામ કૈકેયી પ્રત્યે પણ અપાર સહાનુભૂતિ દાખવતાં દશરથને હાથે ભરત યુવરાજપદ નહીં પામ્યો તેનું અને દશરથ રાજાના નિધનથી કૈકેયી આદિનું સૌભાગ્યખંડન થયું તેનું દુ:ખ વ્યક્ત કરે છે. ભરત રામની ‘યુવરાજ-પદ’ની વાતે દુભાય છે. દશરથરાજા કૈકેયીપુત્રને રાજ્ય દેવા લગ્નવેળાએ બંધાયા હતા તેનો, તથા કૈકેયીના વરદાન-દ્વયનો સંદર્ભ આપી, રાજગાદીએ પોતે બેસે એમાં શ્રેય તો નથી જ પણ પોતાનું પ્રેય પણ નથી એ જણાવી, ગુરુજનો પ્રતિ પોતાની માતાનો વરદાનવાળો પ્રસ્તાવ પોતાને કઈ રીતે બાંધી શકે તેવી ભરત પૃચ્છા કરે છે. વસિષ્ઠ ન સમજાય એ રીતે કૈકેયી તરફ ઉત્તરવાંછુ ભરતને વાળે છે. કૈકેયી માત્ર આટલું જ કહે છે  ‘હું શું કહું, જ્યાં રામ સ્વયં ધર્મગોપ્તા | ઉપસ્થિત છે સમક્ષ ’ રામે વનમાં આવ્યા બાદ, પહેલી વાર અત્યારે જ ભરત દ્વારા લગ્નવેળાએ દશરથ રાજાએ કન્યાશુલ્ક તરીકે કૈકેયીના પુત્રને રાજગાદી આપવાની બાંહેધરી આપેલી તે જાણ્યું ને તેથી તેઓ કહે છે કે ‘જો મને પહેલેથી જ આ વાતની ખબર હોત તો મધ્યમામ્બા કૈકેયીને વરદાનદ્વયનો આશ્રય જ લેવો પડ્યો ન હોત.’ મૂળમાં તો રામ જ આ કન્યાશુલ્ક – રાજ્યશુલ્કની વાત ભરતને કરે છે ને ત્યારે રાજ્યશુલ્કની વાત જાણવા છતાં રામે યુવરાજપદે પોતાના અભિષેક અંગેના દશરથના પ્રસ્તાવને કેમ અનુમોદન આપ્યું એવો પ્રશ્ન થાય. કવિએ ચતુરાઈથી અહીં એ રામપાત્રગત વિસંગતિને ટાળી દીધી છે. લક્ષ્મણ ત્યારે કંઈક વક્રતાથી વચમાં એકાદ વાક્ય કહેવા જાય છે. રામ તેને અટકાવે છે. કૈકેયીએ પોતે મોહવશ થઈ વરદાનદ્વયનો કેમ આશ્રય લીધો તેનો ખુલાસો કર્યો ને તે સાથે પ્રાયશ્ચિત્ત-ભાવે કહે છે  “ને હો કૈં એમાં અઘટિત રામ તે શકે છે બધું
સુધારી, દઈ આદેશ ધર્મનો, હું ચઢાવીશ
મસ્તકે તે...” (સમગ્ર કવિતા, પૃ. ૬૫૨) રામે કૈકેયીને વધુ બોલતી અટકાવી એમાં એમના વિનયવિવેકની – એમની ઉદાત્તતાની પ્રતીતિ થાય છે. ભરતની રાજ્યશુલ્કવાળી વાત હવે ભરતની ઇચ્છાવિરુદ્ધ એને યુવરાજપદે સ્થાપવા માટેના એક સબળ પ્રમાણરૂપ બની રહે છે  ભરત ત્યારે કહે છે કે ગમે તે રીતે જો રાજ્ય હવે મારું જ થયું હોય તો એ રાજ્ય હું રામના ચરણોમાં ધરી દઉં છું. પુરજનો ત્યારે કહે છે  “ધન્ય, ધન્ય, ભરત હે  અમે તે રડીએ અંત કરુણ અયોધ્યાધિપ
તણો કે આનંદીએ આ સંતતિ ઉદાત્ત જોઈ
ધન્ય એ નૃપતિ તણી ” (સમગ્ર કવિતા, પૃ. ૬૫૨) રામ પિતા આગળ પોતે વચનબદ્ધ હોવાની વાત આગળ કરી પોતાના ચૌદ વર્ષના વનવાસની આવશ્યકતા ભરતને સમજાવે છે. ઋષિઓ પણ આ બંને ભાઈઓના ધર્મસ્નેહ ને સ્નેહધર્મ પ્રત્યેના ઉચ્ચ પ્રતિપાલનની પ્રશંસા કરે છે. રામ ભરતને અયોધ્યા જઈ રાજ્યાશાસન કરવા કહે છે. ભરત રામની સાથે વનવાસ ભોગવવા ઇચ્છુક છે. રામ કહે છે  ‘ન એ ધર્મ્ય તારે.’ ભરત તો આડો થાય છે. એ કોઈ રીતે રામને અયોધ્યા લઈ જવા માગે છે ને ત્યારે રામ વડીલજનોને આ પરિસ્થિતિમાંથી છૂટવાનો ઉપાય પૂછે છે. જોકે પોતે પ્રતિજ્ઞાભંગ કરી અયોધ્યા પાછા ફરવાના માર્ગને ‘અનાર્ય’ જ ગણે છે ને સ્પષ્ટ રીતે કહે છે  ‘સેતુ સત્યનો હું નહીં ભેદું.’ ભરત સ્મૃતિકારો, ઋષિઓ પાસેથી કોઈ તોડની અપેક્ષા રાખે છે. પુરજનોને રામનું વલણ સૂક્ષ્મ રીતે પુરસ્કારવા જેવું જણાય છે. ઋષિઓ પણ કહે છે  ‘અમે ઇચ્છીએ કે રામ પિતૃઋણ ચૂકવે છો...’ ધર્મિષ્ઠ ભરત માટે હવે અયોધ્યા એકલા પાછા ફરી રાજ્યશાસન સ્વીકારવા સિવાય કોઈ માર્ગ રહ્યો નહીં. તે રામના ચરણોમાં માથું ઝુકાવી દે છે. રામ તેની ‘સહજ વૈનયિકી બુદ્ધિ’ની પ્રશંસા કરે છે. ભરત રામને બે હેમભૂષિત પાદુકાઓ અર્પી તેમને ચરણતલે પાવન કરી દેવા વીનવે છે. રામ ભરતની પ્રસન્નતા ખાતર એ પાદુકાઓ પહેરીને ભરતને પાછી સોંપે છે. ભરત ત્યારે કહે છે  “એ બંને શિર ધરી જાઉં છું હું; અયોધ્યાના પાધરમાં નન્દિગ્રામે પધરાવી
તાપસ બની પૂજીશ, પાદુકાનો પ્રતિનિધિ
બની રાજ્યની ચાલના સંભાળીશ, રામરાજ્ય
કેવું હોય તેનો કૈંક દૈશ પૂર્વપરિચય
યથાશક્્ય.” (સમગ્ર કવિતા, પૃ. ૬૫૪) રામ ‘ધન્ય મારો ભરત તું ભાઈ...’ એટલું જ કહી શકે છે. ભરત ચૌદ વર્ષ પર એક દિવસ પણ વધુ નહિ કરવા રામને તાકીદ કરે છે. ‘જો એવો વિલંબ થશે તો મને તમે દેખવા જ નહિ પામો’ એમ જણાવે છે. રામ પણ તેને ચૌદ વર્ષના વનવાસ બાદ તુરત જ તેની પાસેથી રાજ્યધુરા ગ્રહણ કરી લેવાની બાંહેધરી આપે છે. ભરત જતાં જતાં કહે છે  ‘સ્વધર્મ જે દાખવ્યો તમે, તે શિરે
વહીશ આ પાદુકાના પ્રતાપે... હો મુખે અને હૈયે હવે રોમ..... (સમગ્ર કવિતા, પૃ. ૬૫૫) ભરતાદિ સૌ વિદાય લે છે. રામ માતાઓને વંદતા, એમને વિદાય આપતાં જાણે ભાંગી પડે છે. લક્ષ્મણ એની વાત કરે છે. (નાટ્યપદ્યમાં આ વાત બિનજરૂરી નથી ) રામ સૌની આશિષ માગે છે. રામ પોતાનું નેત્રજલે મંડિત મુખારવિંદ છુપાવવા કુટિરમાં ચાલ્યા ગયાનું સીતા જણાવે છે. લક્ષ્મણ કહે છે: ‘રામ આમ ન કરત તો માતાઓ વિદાય લઈને અહીંથી ખસત પણ નહીં’ લક્ષ્મણ, સીતા પણ માતાઓને વંદે છે. બધાં જાય છે. લક્ષ્મણ બધાંના ગયા કેડે કહે છે  ‘જાણે રામકૃપા તણો ઓઘ અયોધ્યાની પ્રતિ | વહી રહ્યો ઉત્તરંગ ગર્જંત...’ (સમગ્ર કવિતા, પૃ. ૬૫૬) રામ હવે આ અયોધ્યાનો ઉંબર છોડી દંડકારણ્ય પ્રતિ પ્રસ્થાન કરવા માગે છે. રામે તો માતાઓની આ મહાપ્રયાણ અર્થે અનુજ્ઞા પણ મેળવી લીધી હતી  સીતા એનો નિર્દેશ કરે છે, અને લક્ષ્મણની પાછળ બંને દંડકારણ્ય પ્રતિ નૂતન પ્રયાણ આરંભે છે. રામ એ પ્રયાણારંભે જ કહે છે  “ચાલો માર્ગ, આપણો અયોધ્યા તણો તે તો વનોમાં થઈને –
વનોમાં જે અનુભૂતિઓ થશે તેમાં થઈને –
કિંતુ પદે પદે હશે પ્રકાશ ત્યાં ભરતની
નિરંતર સ્નેહમયી તપસ્યાનો...” (સમગ્ર કવિતા, પૃ. ૬૫૬) આ કૃતિમાં ઉદાત્ત બંધુભાવનું રમણીય ચિત્ર મળે છે. અંતમાં થોડો પ્રસ્તાવ (નાટ્યદૃષ્ટિએ સ્તો) જણાય, પરંતુ એકંદરે આ કાવ્ય સુગઠિત રીતે ધર્મનિષ્ઠ બંધુપ્રેમનું સત્ય આપણી સમક્ષ રજૂ કરે છે. મૂળ રામાયણના વસ્તુ સાથે આ કાવ્યનું વસ્તુ સરખાવતાં, સ્વરૂપાંતરે કેવો કાવ્યનિરૂપણભેદ જોવા મળે છે તે સ્પષ્ટ થાય છે. મૂળની મજા, મૂળની રોનક જુદી જ છે. કવિએ ઘણા સુંદર વર્ણનભાગો, અલંકારો, જ્ઞાનતત્ત્વની વાતો બધું ગાળી દઈને ‘પદ્ય-એકાંકી’ના બરનું સુશ્લિષ્ટ વસ્તુ સિદ્ધ કરવામાં મૌલિકતા સારા પ્રમાણમાં દાખવી છે. અલબત્ત, કવિ આમ તો વાલ્મીકિના પગલામાં પગલું મૂકતા જ ચાલે છે, પણ એમાંયે કવિ ઉમાશંકરની પોતાની જ આ ગતિ છે એની પ્રતીતિ તો સ્પષ્ટતયા મળી જ રહે છે. ‘મંથરા’ના અનુસંધાનમાં ‘ભરત’ કૃતિને જોવાનો ઉપક્રમ કેટલાક વિવેચકોએ લીધો છે ને એવો ઉપક્રમ લેતાં સ્વાભાવિક રીતે જ ‘મંથરા’ અને ‘ભરત’ની તુલના કરવાનું બની આવે છે. ‘મંથરા’માં વસ્તુગુંફનમાં ચુસ્તતા ને એકાગ્રતાની, રંગભૂમિ-દૃષ્ટિએ પાત્રોની કરકસરની જેવી છાપ ઊઠે છે તેવી ‘ભરત’માં ઊઠતી નથી. ‘ભરત’, હરીન્દ્ર દવે કહે છે તેમ, ‘નિરૂપણની ભૂમિકાએ રહે છે – અલબત્ત, આંશિક રીતે.’ ઉમાશંકરના આ ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ના પદ્યનાટ્યલક્ષી પ્રયોગો અનેક દૃષ્ટિએ મહત્ત્વના છે. આ વાત સાચી છે કે આ પ્રયોગોએ સર્વથા પરિતોષ આપનાર કોઈ પદ્યનાટ્યરૂપ સિદ્ધ કર્યું નથી, પણ એ ગુજરાતીમાં – ગુજરાતી છંદોરચના ને ભાષામાં નિ:શંક સિદ્ધ થઈ શકે એમ છે એટલું તો આ પ્રયોગો અસંદિગ્ધ રીતે બતાવી આપે છે. સુન્દરમ્ માર્મિક રીતે કહે છે કે ‘સૌથી પ્રથમ તો આ કાવ્યો છંદોનું અનન્ય ગૌરવ સ્થાપિત કરે છે. એક રીતે કહો તો ઉમાશંકર જાણે છંદોની જ આરાધના કરે છે.’ અહીં જે ભારવાચક ‘જ’ છે એની સાથે સંમત થવું મુશ્કેલ છે. ઉમાશંકરના પદ્યમાધ્યમમાં – શબ્દમાધ્યમમાં ઉત્કટ રસ છે એની ના નહિ, પણ એમણે વસ્તુરહસ્યમાં – ભાવદર્શન – જીવનદર્શનમાં પણ ભારે રસ છે અને તેથી કેટલીક વાર તો એ દર્શને જ એમણે કાવ્યના અંતમાં બિનજરૂરી કે વધારાની, રહસ્યસ્ફોટ કરનારી ને વ્યંજનાહસ કરતી લાગતી પંક્તિઓ લખવા પ્રેર્યા છે. સુન્દરમ્નું આ કાવ્યો વિશેનું બીજું નિરીક્ષણ પણ મહત્ત્વનું છે. તેઓ લખે છે કે ‘મહાભારતનાં, રામાયણનાં મહાપાત્રોને અને લાક્ષણિક મહાઘટનાઓને એમણે અજમાયેશ માટે હાથ લીધી છે. અને આટલી સભરતાથી અને સતત અનુસંધાનથી આ વિષયનું અનુશીલન કરનાર, ન્હાનાલાલ પછી આપણા બીજા કવિ ઉમાશંકર છે.’ ઉમાશંકરમાં કેટલુંક ગોવર્ધનરામ જેવું છે એમ પણ કહેવું પડે ને તે તેમની વિધેયાત્મક લાક્ષણિકતાઓ દર્શાવવા માટે જ. તેમણે શબ્દનું જીવનદૃષ્ટિએ મૂલ્ય કર્યું છે ને તેથી એ શબ્દ ગંભીર રીતે જીવનદર્શન – ધર્મદર્શનનો અભિવ્યંજક બનીને ઉપસ્થિત થાય છે. ‘પ્રાચીના’ – ‘મહાપ્રસ્થાન’માં આપણી સાંસ્કૃતિક બુનિયાદમાં પડેલાં મૂલ્યોને એમણે ઉપર ઉઠાવ્યાં છે, શક્ય તેટલી રમણીય રીતે એ તરફ આપણું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો છે. ભૂપેન્દ્ર ઉપાધ્યાયે યોગ્ય રીતે ‘અર્થઘટનની સર્જકતા અને મૂલ્યનિરૂપણના ઉત્સાહ’ ને ‘મહાપ્રસ્થાન’ની કૃતિઓનું એક આકર્ષણ લેખ્યું છે.૨૮૯ કાન્તે ખંડકાવ્ય જેવા એક અપૂર્વ માધ્યમ દ્વારા – ‘વસંતવિજય’, ‘અતિજ્ઞાન’, ‘દેવયાની’ વગેરે દ્વારા માનવસત્યોનું આંતરદર્શન કરાવવાનો ઉપક્રમ રચ્યો હતો, આ કવિએ પણ એવા જ પ્રયોજનથી આ ‘સંવાદકાવ્યો’ – પદ્યનાટ્યલક્ષી પ્રયોગો દ્વારા પોતાની રીતે, ગુજરાતીમાં તો અપૂર્વ જ એવો રસિક ઉપક્રમ રચી આપ્યો છે. ઉમાશંકરે આ કાવ્યોમાં એમની અનેકવિધ શક્તિઓનો સાથેલાગો પરિચય આપ્યો છે. એમાંય જેમ એમની છંદોરચનાનો તેમ પ્રાસરચનાનો પણ નિર્દેશ કરી શકાય. સુન્દરમ્ કહે છે  “અત્યારના કવિઓમાં સૌથી વધુ ગમી જાય તેવા પ્રાસ ઉમાશંકરના છે.” આ પ્રાસની વાત કરતાં તેઓ ઉચિત રીતે રવીન્દ્રનાથને યાદ કરે છે. રવીન્દ્રનાથ અને ઉમાશંકરમાં આ કાવ્યો પૂરતું ઠીક ઠીક સામ્ય જણાય છે. ‘કર્ણ-કૃષ્ણ’ વાંચીએ ત્યારે રવીન્દ્રનાથનો ‘કર્ણ-કુંતીસંવાદ’ યાદ આવે, ‘અર્જુન-ઉર્વશી’ વાંચીએ ત્યારે રવીન્દ્રનાથનો ‘ચિત્રાંગદા’ પ્રયોગ યાદ આવે. બંનેય કવિઓના જીવનદર્શન અને કાવ્યનિરૂપણના અભિગમમાં મળતાપણું છે. આમ છતાં ઉમાશંકરને ‘રવીન્દ્રનાથના શિષ્ય’ કહેવાથી અથવા રવીન્દ્રનાથની છાયામાં એમના આ પ્રયોગો ચાલ્યા એમ કહેવાથી ભાગ્યે જ કોઈ ઇષ્ટ અર્થ સરે. ઉમાશંકરના આ પ્રયોગો ગુજરાતની કાવ્યસર્જકતા માટે એક રોમાંચક ભાવિનો પંથ ચીંધે છે. `काव्येषु नाट्यम्' એવું નાટ્ય લખવું એ જ એક મહાન કવિકર્મ-કવિત્વની પરિસીમારૂપ કર્મ છે, ને એમાંય તે પાછું પદ્ય યોજવું  એલિયટ જેવા આધુનિકોને આ ટૅક્નૉલૉજિકલ યુગમાં આ માધ્યમનું આકર્ષણ થયું એ વિચારવા જેવી બાબત છે. એલિયટે આ સંદર્ભે એક મહત્ત્વની વાત તેના લેખમાં કરી છે. તે કહે છે  ‘if we want to get at the permanent and universal we tend to express ourselves in verse.’ કદાચ આ પદ્યનાટક માનવમનના સનાતન ભાવોની – વૈશ્વિક સંચલનોની અભિવ્યક્તિ માટેનું સર્વોત્તમ માધ્યમ છે. એલિયટ તો ગદ્યનાટકને ‘merely a slight by-product of verse drama’ એમ પણ કહે છે.૨૯૦ એલિયટ એ પણ જણાવે છે કે શ્રેષ્ઠ નાટક કાવ્યનાટક હોય છે. (the greatest drama is poetic drama.) શેક્સપિયરની ઉત્કૃષ્ટ નાટ્યકળામાં એની ઉત્કૃષ્ટ કવિતાનો ફાળો છે જ, ને ઉત્કૃષ્ટ કવિતા – મહાન કવિતા મૂળભૂત રીતે કદાચ નાટ્યાત્મક હોય છે. એલિયટને પદ્યનાટકગત કૃત્રિમતાનો કે વાસ્તવિકતાનો પ્રશ્ન ઉપરછલ્લો પ્રશ્ન લાગે છે. પદ્યનાટકને – કાવ્યનાટકને માનવમનની મૂળભૂત લાગણીઓના આવિષ્કાર સાથે સીધો સંબંધ છે. તે પદ્યનાટકમાં એકાગ્રતા (concentration) વધુ ઇચ્છે છે; કેમ કે, એકાગ્રતાથી જ સઘનતા(integnsity)નો અનુભવ નાટકમાં શક્ય બને છે. એલિયટની આ વિચારધારાના સંદર્ભમાં તપાસતાં ઉમાશંકરની નાટ્યસિદ્ધિ પદ્યમાં ગણનાપાત્ર કક્ષા સુધી પહોંચી જણાશે. એમાં જ્યારે પાત્રનો અંતરાત્મા સાથેનો સંવાદ આવે છે ત્યારે એમની આ કૃતિઓના પદ્યમાં નાટ્યશ્રી ઠીક ઠીક ખીલી ઊઠતી જણાય છે. Marjorie Boulton-એ કરેલું એક સુંદર વિધાન આવા સંદર્ભે અહીં નોંધવા જેવું છે  ‘We might say, at the risk of seeming sentimental, that in poetic drama souls are conversing, with an intimate inner truth, and that in prose drama the normal outward, masks that most of us present to th world are, conversing; and since we know only one person’s inner life at all, our own, and that not accurately, we can grasp a prose drama more fully at first hearing than Lear or Othello, Medea or Antigone.’ માર્જોરીની આ વાત સમજવા જેવી છે. અલબત્ત, તેમની નજર સામે આ વાત કરતાં વિશ્વનાં મહાન નાટકો છે, ઉપરાંત તેઓ બધાં પદ્યનાટકોને આ વાત લાગુ ન પડે એ પણ જાણે છે. આમ છતાં આ વાત અમુક અંશે આપણા કવિના પદ્યનાટયલક્ષી પ્રયોગને પણ લાગુ પડી શકે. ઉમાશંકરના કેટલાક સંવાદ પ્રથમ પ્રયોગે કદાચ ન સમજાય એ વ્યવધાનની જયંતિ દલાલ વાત કરે છે, એમાં તો નાટ્યકારની મર્યાદા હોઈ શકે, તો પ્રેક્ષકનીયે મર્યાદાનો પ્રશ્ન વિચારવાનો અમુક તબક્કે જરૂરી બની શકે. ઉમાશંકરના આ નાટ્યલક્ષી પ્રયોગો અમુક પ્રકારનો – અમુક કક્ષાનો પ્રેક્ષકવર્ગ પણ માગી લે છે એ યાદ રાખવું જોઈએ. ઉમાશંકરે જે નાટ્યવસ્તુ પસંદ કર્યું એને માટે પદ્યમાધ્યમ જ વધુ માફક આવી શકે એટલું તો તેઓ પોતાના નાટ્યકવિત્વબળે પ્રતીત કરાવી શક્યા છે અને એ એમની સિદ્ધિ આપણે ગણવી જોઈએ. ગુજરાતી કવિતા જો ઉત્ક્રાન્તિના માર્ગે, માનવમનના નિગૂઢ સત્યોની અભિવ્યક્તિના માર્ગે પ્રયાણ કરવા ઇચ્છતી હશે તો ઉમાશંકરની રીતે નિષ્ફળતાની પરવા કર્યા વિના મહાન કવિતાના સાધનાપથે – મહાકવિઓના પગલે નાટ્ય જેવા સર્જકચેતનાના મોટા પડકારરૂપ ક્ષેત્રે પહોંચ્યે જ જયવારો છે. ઉમાશંકર કવિ છે, ગદ્યક્ષેત્રે નાટ્યકાર પણ છે, એ વિશે કોઈ વિવેચકના ચિત્તમાં દ્વિધા નથી. એ પદ્યનાટયકાર છે એમ કહેતાં જ તકલીફ થાય છે, ને ખૂબીની વાત એ છે કે પદ્યનાટ્ય વિશે ચર્ચા કરતી વેળાએ આ રંગભૂમિને પણ ધ્યાન રાખીને લખાયેલા પ્રયોગો ભજવાય એ માટેનો આગ્રહ સેવાતો નથી  ઉમાશંકરના આ પ્રયોગોની રંગભૂમિથી અભિજ્ઞ એવા વિવેચકોને – ખાસ કરીને આવાં પદ્યનાટકો રજૂ કરવાનું સાહસ નહિ કરનાર વિવેચકોને, જ્યારે તેમની તખ્તાલાયકી તપાસવા નીકળે છે ત્યારે કેટલોક નિરર્થક ગૂંચવાડો થવાનોયે સંભવ રહે છે. જયંતિ દલાલ જેવાની વાત જુદી છે. આપણે ઇચ્છીએ કે રંગભૂમિ જ આ દૃશ્યકાવ્યોની બધી રીતે (જોકે એમની જેમ બીજા પણ શ્રદ્ધેય નાટ્યવિદોએ આ કૃતિઓની રંગભૂમિક્ષમતા વિશે અનુભવપૂત અભિપ્રાયો આપવા જોઈએ.) ચિકિત્સા કરે અને એમની શક્તિ-મર્યાદાને યથાર્થ રીતે પ્રમાણિત કરે. અન્યથા, ઉમાશંકરની કવિતાનું જ નહિ, એમની સમગ્ર સર્જકતાનું રમણીય પ્રાક્ટ્ય આ ચતુર્દશી પદ્યપ્રયોગોમાં જોવા મળે જ છે. આપણી મહાકાવ્યપરંપરા, આપણી સંસ્કૃતિપરંપરા સાથે, પશ્ચિમની પદ્યનાટ્યકળાની પરંપરાનો સમન્વય સાધવાનો ગુજરાતીમાં તો આ અપૂર્વ અને મહત્ત્વાકાંક્ષી પુરુષાર્થ છે અને તેથી જે કંઈ સિદ્ધ થયું છે તે અભિનંદનીય છે.