ઋણાનુબંધ/ખૂટતી કડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખૂટતી કડી


કલ્પનાએ નીતિનભાઈ સાથે સાન્તાક્રુઝમાં ફોન પર વાત કરી ત્યારે બીજી વાતોમાં એમણે એમ પણ કહેલું કે એમની નીચે રહેતા લીલાબહેન સાન્તાક્રુઝમાં પડી ગયા હતા અને તબિયત બહુ ખરાબ થઈ જવાથી લીલાબહેનની દીકરી કોકિલા આવીને એમને પાછી અમેરિકા લઈ ગઈ છે.

કલ્પના ફિલાડેલ્ફીઆ રહે. મુંબઈ જાય ત્યારે એના મિત્ર નીતિનભાઈ અને શારદાબહેનને મળવા સાન્તાક્રુઝ અચૂક જાય. લીલાબહેન અને લાલજીભાઈ એમની નીચે રહે. કલ્પના એમને પણ મળે. લાલજીભાઈ ગુજરી ગયા પછી કોકિલા લીલાબહેનને એને ઘેર ન્યૂ હેવન, કનેટીકટ લઈ આવી. આ વાતને પચ્ચીસ જેટલાં વરસ થઈ ગયાં. દરમિયાન, વરસે બે વરસે લીલાબહેન મુંબઈ જાય અને એમના સાન્તાક્રુઝના ફ્લેટમાં રહે. સગાંવહાલાં અને મિત્રોને મળીને પાછાં આવે.

લીલાબહેન એમના જમાનાના લેખિકા હતાં. બે વારતાસંગ્રહો પણ પ્રસિદ્ધ કરેલા. કલ્પનાને પણ સાહિત્યમાં રસ એટલે બન્ને પુસ્તકો એમણે કલ્પનાને આપેલા.

પચ્ચીસ વરસ દરમિયાન એકાદ બે વાર લીલાબહેનને મળવાનું થયેલું. પણ એમના સમાચાર અવારનવાર મળતા રહે.

ઓક્ટોબર ૨૦૦૮માં કલ્પનાને યેલ યુનિવર્સિટી તરફથી સાઉથ એશિયન કોન્ફરન્સમાં ભાગ લેવાનું નિમંત્રણ મળ્યું. ઓક્ટોબર મહિનો એટલે અમેરિકાના ઉત્તરપૂર્વ પ્રાન્તોમાં પાનખર સોળે કળાએ ખીલી ઊઠી હોય. ગાઢી વનરાજિ. વૃક્ષોના પાંદડાં ખરી જતાં પહેલાં પીળાં, રાતાં, કેસરી, અને ભૂખરા રંગો ધારણ કરે. દૂરથી લાગે કે વનમાં જાણે દવ લાગ્યો છે. પાનખરમાં વૃક્ષોની આવી જાહોજલાલી હોઈ શકે એ તો જેણે માણી હોય એને જ ખ્યાલ આવે. લોકો દેશ પરદેશથી જોવા આવે.

કલ્પનાએ નિમંત્રણ સ્વીકાર્યું. એને થયું કે કોન્ફરન્સમાં ભાગ લેવાશે, પાનખર માણવા મળશે, અને શક્ય હશે તો લીલાબહેનને પણ મળાશે.

કલ્પનાએ કોકિલાને ફોન કરીને એ મળવા આવી શકે કે કેમ એ પૂછ્યું.

‘બા ઘેર જ છે. ગમે ત્યારે આવોને. બાને ખૂબ ગમશે. હું કામ પરથી પાંચ વાગ્યે આવીશ. નર્સ હશે.’ કોકિલાએ કહ્યું.

કલ્પના કોન્ફરન્સ પતાવી લીલાબહેનને મળવા ગઈ. બપોરના ત્રણેક વાગ્યા હશે.

કલ્પનાએ બેલ મારી. નર્સે બારણું ખોલ્યું.

‘આઈ એમ કલ્પના. આઈ હેવ કમ ટુ સી લીલાબહેન.’

‘કમ ઈન. બા ઇઝ અપસ્ટેર્સ.’

કલ્પના એની પાછળ પાછળ ઉપર ગઈ.

કલ્પનાએ અનુમાન કર્યું કે લીલાબહેન ખાટલા પર સૂતાં છે. રજાઈના આકાર પરથી લાગે કે રજાઈ જ આડીઅવળી પડી છે ને એની નીચે કોઈ નથી.

નર્સે ઈશારાથી કલ્પનાને સામેના ખાટલા પર બેસવા કહ્યું.

થોડી વાર પછી લીલાબહેન જાગ્યા.

‘નર્સ..’ લીલાબહેને બૂમ પાડી.

‘નર્સ..’ લીલાબહેને ફરીથી બૂમ પાડી.

‘યસ, બા.’

‘વોટ ટાઈમ ઈઝ ઈટ?’

‘અરાઉન્ડ થ્રી.’ બપોરની ટીવી સિરીયલમાંથી નજર ખસેડી નર્સ બોલી.

‘આઈ વોન્ટ ટુ ગો પીપી.’

‘ઓકે.’ નર્સે કહ્યું.

નર્સ કમોડવાળી ખુરશી લાવી. કલ્પના ઊઠીને રૂમની બહાર ગઈ. ખાટલા પરથી ઊઠતાં ઊઠતાં લીલાબહેને જોયું કે કલ્પના સામેના ખાટલા પર બેઠી હતી. પાંચેક મિનિટ પછી કલ્પનાએ ડોકિયું કર્યું તો જોયું કે લીલાબહેન વાળ ઓળાવતાં હતાં. નર્સે એમની સાવ પાતળી ગૂંથેલી લટ છોડી. વાળમાંથી ગૂંચ કાઢી. નાની અંબોડી વાળી. લીલાબહેને આંગળી ચીંધી ચાંલ્લો માંગ્યો. જમણા હાથની આંગળી નાક પર મૂકી કપાળ સુધી લઈ ગયા અને બરાબર કપાળની વચ્ચે ચાંલ્લો ચોંટાડ્યો.

કલ્પના બારણા પાસે ઊભી હતી.

‘કોણ?’ લીલાબહેને પૂછયું.

‘કલ્પના. કલ્પના પારેખ. ફિલાડેલ્ફીઆથી આવી છું.’

‘કલ્પના, અંદર આવ. ખાટલા પર બેસ. આમ બારણા પાસે શું ઊભી છે?’

કલ્પના એમની સામેના ખાટલા પર બેઠી.

‘તું મુંબઈથી આવી?’

‘ના, હું ફિલાડેલ્ફીઆ રહું છું. યાદ છે તમે એક વાર કોકિલા સાથે મારે ઘેર આવેલા?’

‘એમ? મને કેમ યાદ નથી?’ લીલાબહેને કહ્યું.

‘બા, બહુ વરસ થયાં ને? અમેય કેટલું ભૂલી જઈએ છીએ.’ કલ્પનાને પણ લીલાબહેન માટે બાનું સંબોધન વધુ ગમ્યું.

‘નર્સ..’ લીલાબહેને બૂમ પાડી.

‘નર્સ..’ લીલાબહેને ફરીથી બૂમ પાડી.

‘યસ, બા.’

‘વોટ ટાઈમ ઈઝ ઈટ?’

‘થ્રી ટવેન્ટી.’ નર્સે કહ્યું.

‘ઈટ ઈઝ થ્રી ટવેન્ટી એન્ડ નો લન્ચ?’

‘બા, યુ હેડ લન્ચ.’

‘કલ્પના, મેં લન્ચ ખાધું હોય તો મને યાદ ન રહે? આ નર્સ આખો દિવસ ટીવી જ જોયા કરે છે ને મ્યુઝિક પર નાચ્યા કરે છે. શી થીન્કસ શી ઈઝ અ ગૂડ ડાન્સર.’

‘નર્સ, યુ આર નોટ અ ગૂડ ડાન્સર.’

‘ઓકે. બા..’

‘ડોન્ટ વોચ ટીવી. ગેટ મી લન્ચ.’

‘ઓકે, બા.’

‘કલ્પના, યાદ છે આપણે ત્યાં ઉમાશંકર અને મનસુખલાલ ઝવેરી આવતા’તા?’

‘હા, હું એમને તમારે ત્યાં જ મળી છું.’

‘એક વાર સુંદરમની ટ્રેઈન મોડી થયેલી તે છેક રાતે બાર વાગ્યે અમારે ત્યાં આવ્યા. મેં એમને ગરમ ગરમ ભાખરી શાક જમાડયા.’

‘હં.’

‘નર્સ, વ્હેર આર યુ? વોટ અબાઉટ માઈ શાવર? માઈ લન્ચ?’

‘બા, યુ હેડ શાવર એન્ડ યુ હેડ લન્ચ.’

‘આ નર્સ સાવ નકામી છે. એના કરતાં તો મારું અંગ્રેજી સારું છે. સાવ ડોબી છે ડોબી.’ લીલાબહેન બોલ્યા.

‘બા, એ નાની છે. વળી અમેરિકાની નથી લાગતી.’ કલ્પનાએ કહ્યું.

‘નર્સ, વ્હેર આર યુ ફ્રોમ?’ કલ્પનાએ પૂછયું.

‘ડોમિનિકન રિપબ્લિક.’

‘બા, એ અહીંની નથી એટલે સારું અંગ્રેજી નથી આવડતું.’

‘કલ્પના, મારી ઉંમર કેટલી છે ખબર છે?’

‘આશરે..’

‘અરે, પૂરાં બાણું થયાં. જો, ટેબલ પર મારો ફોટો છે.’

ટેબલ પર લીલાબહેનનો ભર યુવાનીનો ફોટો હતો. સુંદર નમણો ચહેરો. ભાવ નીતરતી આંખો. સરસ ઓેળેલા વાળ.

‘ઉમાશંકર આવ્યા ત્યારે લાલજીએ પાડેલો. ક્યાં છે ઉમાશંકર હમણાં? હજી અમદાવાદના બંગલામાં જ રહે છે? ‘સેતુ’ એમના બંગલાનું નામ, નહીં?’

‘હા, બંગલાનું નામ તો ‘સેતુ’ જ પણ ઉમાશંકર તો ગુજરી ગયા છે. ખાસ્સો વખત થયો.’

‘તો મને કેમ ખબર નથી? કોકિલાએ કેમ કહ્યું નહીં? એક વાર સાન્તાક્રુઝના ઘરે આવેલા ત્યારે એમણે એમનો ગંગોત્રી મને ભેટ આપેલો. મને કહે કે..’

‘શું?’

‘કલ્પના, મારું નામ શું?’

‘લીલાબહેન.’

‘હા, લીલા. જોને, મારું જ નામ ભૂલી જાઉં છું. એમણે કહેલું કે ‘લે, લીલા આ ગંગોત્રી તારે માટે.’ હસ્તાક્ષર કરીને આપેલો. હું તો ખુશ ખુશ. તેં વાંચ્યો છે?’

‘હા, પણ બધાં કાવ્યો યાદ નથી.’ કલ્પના બોલી.

‘એની અર્પણપંક્તિ યાદ છે?’

‘ના.’

‘કંઈ ‘પ્રવાસી, પ્રવાસી’ જેવું હતું.’

‘તમારી પાસે પુસ્તક હોય તો જોઈ આપું.’ કલ્પના બોલી.

‘નર્સ.’

‘યસ, બા?’

‘નો શાવર, નો લન્ચ? કલ્પના, આ ડોબીને સમજાવને કે હું સવારની ભૂખી છું.’

‘બા, ચ્હા-નાસ્તો લેશો?’ કલ્પનાએ પૂછયું

‘અરે, પહેલાં લન્ચનું તો કરો. કોકિલા ક્યાં છે?’

આવતી જ હશે.

‘તું કાકાસાહેબને મળી છે?’

‘ના, દૂરથી જોયા છે.’

‘અને મેઘાણીને? અમે તો એમને મુંબઈના કોન્વોકેશન હોલમાં સાંભળવા જઈએ. શું બુલંદ એમનો અવાજ! કવિતા બોલે ત્યારે અમારી આંખમાંથી તો ટપટપ આંસુ પડે.’

‘બા, તમને કેટલું બધું યાદ છે અને તેય અમેરિકામાં!’

‘મને બાણું થયાં. નર્સ, આઇ વોન્ટ ટુ ગો પીપી.’

‘બા, યુ જસ્ટ ડિડ.’ નર્સ બોલી.

‘કલ્પના, ‘પ્રવાસી’ પછીના કયા શબ્દો?’

‘મને ચોક્કસ યાદ નથી.’ કલ્પના શરમની મારી બોલી.

‘વિલેપાર્લામાં સપ્તર્ષિ હતા.’

‘સપ્તર્ષિ?’

‘જો, હું ગણાવું. અમૃતલાલ યાજ્ઞિક, ગુલાબદાસ બ્રોકર, મનસુખલાલ ઝવેરી,

સુંદરજી બેટાઈ, રામપ્રસાદ બક્ષી, હરિવલ્લભ ભાયાણી, અને કરસનદાસ માણેક.

વિલેપાર્લામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું ત્યારે હું બધાંને મળેલી. કલ્પના, મારા જમાઈનું નામ શું?’

‘બા, સપ્તર્ષિ યાદ છે ને તમારા જમાઈનું નામ જ ભૂલી ગયા?’

‘અરે, મારું નામ જ ભૂલી જાઉં છું. જોજે, તું પણ એક દિવસ..’

‘તમારા જમાઈ ગૌરાંગ.’

‘એ ક્યારે આવશે?’

‘સાંજે.’

‘અત્યારે કેટલા વાગ્યા?’

‘ચાર.’

‘હું ક્યાં છું?’

‘ન્યૂ હેવનમાં કોકિલાને ત્યાં.’

‘તું કોણ?’

‘કલ્પના.’

‘કલ્પના કોણ?’

‘કલ્પના પારેખ. આપણે નીતિનભાઈને ત્યાં સાન્તાક્રુઝમાં મળેલા. તમે મારે ત્યાં ફિલાડેલ્ફીઆ પણ આવી ગયા છો.’

‘રામપ્રસાદ બક્ષી શું કરે છે? હજી સંસ્કૃત ભણાવે છે? ને પેલા સદાય હસતા હરિવલ્લભ ભાયાણી? ઉમાશંકરનું ‘સંસ્કૃતિ’ હજી જીવે છે? બિચારા ગાંઠનું ગોપીચંદન કરતા’તા. કોકિલા તો ‘સંસ્કૃતિ’ મંગાવતી જ નથી.’

‘બા, રામપ્રસાદ, ભાયાણીસાહેબ, અને ઉમાશંકર કોઈ હયાત નથી.’

‘મને કેમ ખબર નથી?’

‘તમે ભૂલી ગયા છો.’

‘તું કલ્પના કે કોકિલા?’

‘કલ્પના.’

‘મને યાદ આવ્યું.’

‘શું?’

‘પેલી અર્પણપંક્તિ. ‘પ્રવાસી, તેં જગવી સિંધુરટણા..’ પણ વચ્ચેના શબ્દો..’

‘બા, હું તમને જોઈ આપીશ.’

‘આપણાથી સીધું ઉમાશંકરને પૂછાય?’

‘બા, એ હવે નથી.’ કલ્પના બોલી.

‘નર્સ…’

‘યસ, બા?’

‘ડોન્ટ વોચ ટીવી. ડોન્ટ ડાન્સ. યુ આર નોટ અ ગૂડ ડાન્સર.’

‘ઓકે, બા.’

‘કલ્પના, પેલો ફોટો..’

‘લો..’

‘ઉમાશંકર આવ્યા ત્યારે લાલજીએ પાડેલો. જો, હું બાણુંની છું પણ એવી જ લાગું છું ને? મારા વાળ, વાળમાં ફૂલ, લાલચટ્ટક ચાંલ્લો, જામનગરની બાંધણી.’

‘બા, તમે હજી એટલાં જ રૂપાળાં છો.’

‘કલ્પના, કોકિલાને કહેને કે બપોર થઈ ગઈ. લન્ચ ક્યારે બનાવશે?’

‘તમને નાસ્તો આપું?’

‘ના, મારે સૂઈ જવું છે.’

‘બા, હું નીકળું. મારે હજી બોસ્ટન જવું છે.’

કલ્પનાએ કોકિલાને ફોન કરીને કહ્યું કે એ જાય છે. બોસ્ટનથી પાછાં ફરતાં કદાચ આવશે. એ નીચે ઊતરી. નર્સે દરવાજો બંધ કર્યો.

કલ્પનાએ ગાડી અનલોક કરી. પર્સ પેસેન્જર સીટ પર મૂકી. ડ્રાઈવર સીટ પર બેસી સીટબેલ્ટ બાંધ્યો. ગાડી સ્ટાર્ટ કરવા જતી હતી ત્યાં જ નર્સ દોડીને આવી.

‘બા વોન્ટસ યુ.’

કલ્પનાને થયું બાને કંઈ થઈ ગયું.

એ દોડીને ઉપર ગઈ.

બા પથારીમાં સૂતાં સૂતાં બારણા સામે જોતાં હતાં. એમણે કલ્પનાને જોઈ.

‘કલ્પના, યાદ આવી ગઈ.’

‘શું?’

અર્પણપંક્તિ. “અજાણ્યું વ્હૈ આવ્યું ગભરુ ઝરણું કો તવ પદે પ્રવાસી, તેં એને હૃદય જગવી સિંધુરટણા.”

કલ્પના વોઝ સ્પીચલેસ. એ બારણામાં જ સ્થિર થઈ ગઈ.

નીચે બારણું અનલોક થવાનો અવાજ આવ્યો. કોકિલા હળવે પગલે દાદર ચડી બાના રૂમમાં આવી.

‘આવ, આવ, કલ્પના. કોકિલાએ કહેલું કે તું આવવાની છે. કેમ, આટલી મોડી આવી? મેં તો આખી બપોર કોકિલા સાથે વાતો કરી. ભગવાન જાણે શુંનું શું બોલી ગઈ હોઈશ. તું ક્યાંથી આવી? મુંબઈથી? મેં લન્ચ નથી ખાધો. તું ખાઈશને મારી સાથે? નર્સ.. વ્હેર આર યુ? નર્સ..’