ઋણાનુબંધ/૩. એગ્નેસમાંથી મધર ટેરેસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. એગ્નેસમાંથી મધર ટેરેસા


મારાં સદ્ભાગ્યે મધર ટેરેસાને રૂબરૂ મળવાનું બે વાર થયેલું. આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ફિલાડેલ્ફિયામાં એક્યુમેનિકલ કૉન્ફરન્સમાં એ આવેલાં. કેથલિક સંપ્રદાયમાં એક ઉમદા રિવાજ છે, જેમાં ધર્મગુરુઓ ગૃહસ્થીઓના પગ ધૂએ. આ રિવાજનો હેતુ એ છે કે ધર્મગુરુઓ ક્યારેય ભૂલી ન જાય કે તેઓ જે કાંઈ કરે છે તે હંમેશાં ગૃહસ્થીઓ—જે આ સમાજનાં સુખદુઃખોનો ભાર ઉપાડે છે—ની સેવા કરવા, એમનું કલ્યાણ કરવા, અને એમના હિત માટે છે. ધર્મગુરુઓ ધર્મની આંટીઘૂંટીમાં, ક્રિયાકાંડમાં અને રીતરિવાજોમાં એવા ગૂંચવાઈ જાય છે કે જનકલ્યાણના આદર્શને ક્યારેક ભૂલી જાય છે. સામાન્ય જનોના અવારનવાર પગ ધોવામાં એ આદર્શોની યાદ અપાવાય છે. સાથે સાથે જનસેવા એ જ પ્રભુસેવા છે અને એ જ સાચું ધર્મકાર્ય છે, એ પણ યાદ અપાવાય છે. આમ, ફિલાડેલ્ફિયામાં અસંખ્ય ધર્મગુરુઓને સામાન્યજનોના પગ ધોતા જોવાનો અને મારા પગ ધોવડાવવાનો એ અનોખો અનુભવ હતો.

ભૂરી કોરવાળા સાલ્લાથી વીંટળાયેલું મધરનું નાજુક કદ. એમની સામે હું ઊભી હતી ત્યારે મારા ખભા સુધી માંડ માંડ પહોંચે. નાના સફેદ હાથ. ઝીણી આંગળીઓ. આખીય દુનિયાના દુભાયેલા માણસોની ચીસોએ જાણે ઘસરકા કરી કરી પડેલી કરચલીઓથી ભરેલો ચહેરો. અસંખ્ય અમેરિકનોની વચ્ચે એક ભારતીય સ્ત્રીને જોઈ એમની આંખો નાચી ઊઠી.

“શું કરે છે તું? બંગાળી સમજે છે ને?”

મેં ચરણસ્પર્શ કર્યા અને પછી અમે હેતથી ભેટ્યાં. આજે પણ એમની આંખો મારી સામે તરવરે છે. અપાર કરુણા અને અગાધ પ્રેમથી છલકતી એમની આંખો મને સદાય યાદ રહેશે.

એ પછી મળવાનું થયું ફિલાડેલ્ફિયા પાસે નોરિસટાઉનમાં “મિશનરીઝ ઑફ ચેરિટી”નું સેવાકેન્દ્ર એમણે ખોલ્યું ત્યારે. અનેક લોકોથી વીંટળાયેલા હોવા છતાં એમની ભાવનીતરતી આંખો સાથે મારી પૃચ્છા અને ભેટવાનું.

મધરની આ ખૂબી હતી. મધર જ્યારે જ્યારે જેની સાથે વાત કરતાં હોય ત્યારે એમની ચેતના અને અનુભૂતિનું કેન્દ્ર સામેની વ્યક્તિ જ હોય. આપણી સાથે વાત કરતાં હોય ત્યારે એમનું બધું ધ્યાન આપણામાં હોય. બીજી વાર જ્યારે મળવાનું થયું ત્યારે જોયું કે એ જેમની જેમની સાથે વાત કરતાં હતાં ત્યારે આખીય દુનિયાને ભૂલીને એ વ્યક્તિઓ સાથે જ જાણે કે ઘરોબો હતો. આ કારણે જ બધા દુખિયાઓને થયું કે મધરની મમતા અને આત્મીયતાના એ અધિકારી હતા. આ મમતા અને આત્મીયતા એ એમના માનવજાત માટેનાં અપાર પ્રેમ અને અગાધ કરુણાનું જ પરિણામ હતું. આ પ્રેમ અને કરુણાને કોઈ ભેદભાવ નહોતા. એથી જ તો કલકત્તાના મરવા પડેલા રક્તપિત્તિયાઓ હોય કે કેન્યાના એઇડ્સમાં ગળી ગયેલા હાડપિંજર સમા રોગીઓ હોય — એ બધાં જ એમના પ્રેમના અધિકારી હતાં. એમને કોઈ છોછ નહોતી. જે કોઈ મદદ કરવા તૈયાર હોય એ બધાંની મદદ લેવા એ તૈયાર હતાં. દુનિયાના ધનાઢ્યો, રાજવીઓ, ઉદ્યોગપતિઓ, અને સરમુખત્યારોના સાથ અને સહકાર મધરને માન્ય હતા. કારણ, એમની ઝંખના હતી કે દુખિયાઓનાં દુઃખ ઓછાં કરવાં અને એમને શાતા આપવી. દુનિયાભરના ત્યજાયેલા અને તિરસ્કૃત માણસોને સહાય કરવાનો એમણે મહાયજ્ઞ આદર્યો હતો.

સામાન્ય માણસ પોતાના જીવનમાં કેવું મહાન પરિવર્તન લાવી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ મધર ટેરેસાનું જીવન અને મૃત્યુ આપે છે. આજે આખુંય જગત એમને શોકાંજલિ આપે છે. ભારત સરકારે એમને સ્ટેટ ફ્યુનરલ આપ્યું. નોબેલ પ્રાઇઝથી માંડીને અનેક ઇનામો અને ઇલકાબો એમને અપાયાં છે. હવે તેમને સંત કહેવડાવવા વેટિકનમાં હિલચાલ થઈ રહી છે. એમને વિશે પુસ્તકો તો અનેક લખાયાં છે. પણ ખંધા પ્રકાશકોને લાખો પુસ્તકો વેચવાની આ તક જતી નથી કરવી. એટલે બીજાં અનેક પુસ્તકો છપાઈ રહ્યાં છે. સન ૧૯૭૧માં બ્રિટિશ વિવેચક અને પત્રકાર માલકમ મગરીજે મધરનાં જીવન અને કાર્ય પર અેક પુસ્તક લખેલું: “સમથિંગ બ્યૂટિફુલ ફૉર ગૉડઃ મધર ટેરેસા ઑફ કૈલકોટા.” તે પરથી બીબીસીએ દસ્તાવેજી ફિલ્મ ઉતારી. કલકત્તાના એક ખૂણામાં મરવા પડેલા રક્તપિત્તિયા અને રસ્તે રઝળતા અનેક દુઃખી માણસોની સંભાળ લેતી એક કેથલિક સાધ્વી સિસ્ટર ટેરેસા રાતોરાત મધર ટેરેસા બની ગઈ.

માણસના જીવનમાં અકસ્માતો કેવા મોટા ભાગ ભજવે છે એની સાબિતી પણ મધર ટેરેસાના જીવનમાં ખૂબ જોવા મળે છે. નહીં તો યુરોપના એક અજાણ્યા ખૂણા જેવા આલ્બેનિયામાં જન્મેલી છોકરી જેને ઓપેરામાં સોપ્રેનો (મુખ્ય ગાયિકા) થવાનું સ્વપ્ન હતું તે કલકત્તામાં ત્યક્ત અને તિરસ્કૃત લોકોની સેવા કરવામાં ક્યાંથી લાગી જાય? અને ધારો કે માલકમ મગરીજે એના વિશે બીબીસીની ડોક્યુમેન્ટરી ન ઉતારી હોત તો શું ખરેખર એ વિશ્વવિખ્યાત મધર બની શકી હોત? આવા સવાલોના કોઈ જવાબ નથી હોતા. પરંતુ જીવન કેવા કેવા વળાંક લે છે, અને સામાન્ય વ્યક્તિમાં પણ કેવી મહાનતા રહેલી હોય છે તેની ખાતરી કરાવે છે.

મધરનું મૂળ નામ એગ્નેસ. એમનો જન્મ ઈ.સ. ૧૯૧૦માં મેસેડોનિયાની રાજધાની સ્કોપીઓમાં એક શ્રીમંત આલ્બેનિયન કુટુંબમાં થયો હતો. શ્રીમંત પિતાને ત્યાં જાતજાતના ને ભાતભાતના લોકો આવે અને અનેક રાજ્યસભાઓ ભરાય. આલ્બેનિયાને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે એનું જાહેરનામું એમને ઘરે થયું હતું. એ મિજલસમાં એગ્નેસ અને તેની બહેને દેશભક્તિનાં ગીતો ગાયાં હતાં. નાનપણથી ગાવાનો શોખ અને એમની સોપ્રેનો થવાની લગની. જાહોજલાલીમાં ઊછેર થયો હોવા છતાં એમને ગરીબોનું ખૂબ લાગતું. પરમાર્થ જાણે ગળથૂથીમાં મળ્યો હોય એમ ગરીબોમાં જઈ ભૂખ્યાંને ખવડાવે. ગરીબોની સેવા કરવાની વૃત્તિ પણ ખરી. બાર વર્ષની ઉંમરે નક્કી કર્યું કે સાધ્વી થવું છે. આયર્લેન્ડમાં એક મિશનરી સ્કૂલમાં એમણે શિક્ષણ લીધું. ત્યાં સેવાવૃત્તિ વધુ પ્રબળ બની. સન ૧૯૨૯માં ભારત જઈ એગ્નેસ હજી શ્રીમંત છોકરીઓને કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવતી. જીવનની ચાળીસી સુધી તો આવું ભણાવવાનું ચાલુ રાખ્યું. પણ પોતાનામાં જાગ્રત સેવાવૃત્તિને કશો જંપ ન મળ્યો. આખરે ભણાવવાનું છોડીને કલકત્તામાં રસ્તે રખડતા અને રઝળતા રક્તપિત્તિયાઓની સંભાળ લેવાનું કામ શરૂ કર્યું. સાવ મરવા પડેલાને મિશનમાં લઈ આવે. સારવાર કરે અને દુખિયા જીવોને એમના છેલ્લા દિવસોમાં શાંતિ આપે. સન ૧૯૫૦માં એમણે એકબે સાથીઓ સાથે “મિશનરીઝ ઑફ ચેરિટી”નો સંપ્રદાય શરૂ કર્યો. પોતાનું નામ એગ્નેસ બદલાવીને સોળમી સદીમાં થઈ ગયેલાં સાધ્વી સેઇન્ટ ટેરેસાનું નામ અપનાવ્યું.

આજે “મિશનરીઝ ઑફ ચેરિટી” એકબે સિસ્ટર્સની જગ્યાએ હજારોની સંખ્યામાં મિશનરી સિસ્ટર્સથી વિસ્તરી આખી દુનિયામાં ફૂલ્યોફાલ્યો છે. અને એક મહાન સેવાકાર્ય કરે છે.

મધરનું કામ ખરેખર સમાજસેવાનું કામ છે. અને જે માત્ર વ્યક્તિગત હતું એ આજે વિશ્વવ્યાપી બની ગયું છે. પરંતુ સિસ્ટર ટેરેસા અને પછીથી મધર ટેરેસાને એવી કોઈ મહત્ત્વાકાંક્ષા નહોતી કે એમને સમાજસેવા કરવી છે અથવા તો મિશનરીઝ ઑફ ચેરિટી આખી દુનિયામાં પ્રસરે. છેક છેલ્લા શ્વાસ સુધી એમનું કામ તો એમને માટે વ્યક્તિગત કાર્ય જ બની રહેલું. અને એમાં જ એમની વિશિષ્ટતા રહેલી છે. જે પ્રેમ અને મમતાથી એમણે દરેક દરેકની સેવા કરી કારણ કે એમને દરેકમાં ભગવાનનાં દર્શન થયાં. એમને સમાજસેવા નહીં પ્રભુસેવા કરવી હતી. જે એમણે દરેક દુઃખીની સેવા કરીને કરી.

મધરના ઘણા ટીકાકારોનું કહેવું છે કે મધરના કામથી સમાજનો કોઈ ઉદ્ધાર નથી થવાનો. એમને જો લોકસેવા કરવી હોય તો લોકોનાં દુઃખોનાં જે મૂળભૂત કારણો છે, જે અન્યાયી સમાજવ્યવસ્થા છે, તેને નાબૂદ કરવાં જોઈએ. આપણો ક્રૂર સમાજ દરરોજ હજારોની સંખ્યામાં લોકોને તરછોડીને રસ્તે રઝળતાં મૂકી દે છે. તો એક એકની સેવા કરવા કેમ અને ક્યારે પહોંચી વળાય?

આ બાબતમાં મધર જેવા સંતજનોનો જવાબ બહુ સીધોસાદો હોય છે. આપણી સામે કોઈ માણસ રિબાતું પડ્યું હોય ત્યારે એને સમાજસુધારાની કે પંચવર્ષીય યોજનાની જરૂર નથી હોતી. એને સારવાર ને સંભાળની જરૂર હોય છે. તરસ્યાને પાણીની અને ભૂખ્યાંને અન્નની જરૂર હોય છે. અમે એ કામ કરીએ છીએ એનો અર્થ એવો નથી કે બીજાં અનેક ભૂખ્યાંતરસ્યાં નથી. અને આ એકની સેવા કરવાથી બીજા અસંખ્યનાં દુઃખ ટળવાનાં નથી, પણ અમારી સામે જે એક માણસ પડ્યું છે એનું દુઃખ અમારાથી જોવાતું નથી. એટલે અમે એને ઊંચકીને ઘરે લાવીએ છીએ. સંતોની આ એક વિશિષ્ટતા છે. એમનો હિસાબ સીધો ને સાદો હોય છે. કોઈ લાંબી આડીઅવળી વાત નથી હોતી. ગાંધીજીએ જ્યારે પહેલા દલિત કુટુંબને લાવીને પોતાના આશ્રમમાં રાખ્યું ત્યારે એનાથી અસ્પૃશ્યતાનું નિવારણ થવાનું છે એવી વાત નહોતી કરી. એમણે તો એમ જ કહેલું કે એ વાત સાવ ખોટી ને અસ્વીકાર્ય છે કે ભગવાને ઘડેલું કોઈ માણસ અસ્પૃશ્ય હોય. બીજી વાત એ છે કે સંતોને જે વાત સાચી લાગે અને કરવા જેવી લાગે એ કરે જ. લોકો શું માનશે અથવા એ કરવાથી એમને શું ફાયદો કે હાનિ થશે એવા નફાતોટાના હિસાબ એ ક્યારેય માંડતા નથી. બીજા કોઈએ એમના જેવું કામ કરવું જોઈએ, એમને અનુસરવું જોઈએ, એવું પણ સંતોને નથી હોતું. એમને જે કામ કરવા જેવું લાગે તે કરવાનું એવા સીધા હિસાબે સંતોનાં કામ થાય છે. એમાંથી ભવિષ્યમાં ખ્યાતિ મળશે, નોબેલ પ્રાઇઝ મળશે, વાહ વાહ થશે એવી લાંબી ગણતરી નથી હોતી. માણસ તરીકે આપણી ફરજ છે, એવી સ્પષ્ટ સમજ હોય છે. આ સમજ એ સંતોની મૂડી છે.

આ મૂડીથી જ સિસ્ટર ટેરેસાએ કલકત્તામાં પોતાની નાનકડી હાટડી ખોલેલી જે આજે વિશ્વવ્યાપી ઉદ્યોગ થયો તે તો માત્ર જીવનનો મોટો અકસ્માત છે.