ઋતુગીતો/સકજ સાંજણ સંભરે
[આ મરસિયામાં ભાષાની વિશેષ જુનવટભરી વાણી છે. આમાં ડિંગળી ભાષા સિવાયની બીજી કશી છાંટ નહીં દેખાય. તેમ જ એમાં શબ્દડંબર આણવાનો ખાસ પ્રયત્ન પણ નથી. ગઢવી વીણા નેણા મેહડુએ પાળિયાદ ગામના કોઈ મૂએલા કાઠી દરબારના સ્મરણમાં સંવત 1976માં રચેલા છે. મને એ ગઢવીશ્રી ઠારણભાઈ મધુભાઈ વળાવાળા (મૂળ પાટણાવાળા)ના ચોપડામાંથી પ્રાપ્ત થયા છે. આમાં કવિ માહ માસથી ઉપાડે છે.] [છંદ સારસી]
માહ માહ મહિને લગન પ્રઠજેં, મઁગળ ગાવે મેહળં, જણ મળે પરજણ તણી જીમણ, બણે2 બ્રેહળે બ્રેહળં; ગડ ઢોલ ગામોગામ ગહમહ, કોડ વીવા જગ કરે, જગ તેણ ઉન્નડ રતેં જીવો સકજ સાંગણ સંભરે.
[માહ મહિને લગ્ન મોકલાય છે. મંગળગીતો ગાય છે. ત્રણેય પરજના કાઠી લોકો જમણમાં મળે છે. ગામડે ગામડે ઢોલ ધડૂસે છે. દુનિયા હોંશે હોંશે વિવાહ કરે છે. તે ઋતુમાં મને જગત પર, ઉન્નડ, જીવો તથા સાંગણ ત્રણ સુકૃત કરનાર પુરુષો સાંભરે છે.]
ફાગણ ગાય જે ફાગણ ફાગ ગાણાં, ખરે કેશુય ખખ્ખરં3, ગલઆલતેં4 લેરમેં ગઢપત, સજે હોળીય સખ્ખરં; વ્રણ5 સહી6 હાટે કરે વોરત, સૂખડાં ઊંચાં સરે, જગ તેણ ઉન્નડ રતે જીવો સકજ સાંગણ સંભરે.
[ફાગણ માસનાં ફાગ-ગીતો ગવાય છે. ખાખરાના ઝાડ પરથી કેસૂડાં (ફૂલ) ખરે છે. ગઢપતિઓ લહેરથી ગલાલ વતી હોળી રમે છે. સર્વે વર્ણોનાં લોક દુકાનેથી ઊંચી મીઠાઈઓ ખરીદે છે. એ ઋતુમાં…]
ચૈત્ર કરમાવ ચૈતર પાન કહીએં, ઝરે તરપેં ઝંખરં, મખ7 મેહ નેહી થિયે મૂંગા, ભોમ વરગહ ભંખરં; નશ8 દીહ દિસે આભ નરમળ, નહિ વાદળ નીસરે, જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે. [ચૈત્રમાં તરુઓ પરથી કરમાયેલાં પાન ખરી જાય છે. નિશદિન આકાશ નિર્મળ દીસે છે. વાદળાં નીસરતાં નથી. એ ઋતુમાં…]
વૈશાખ વૈશાખ નૌતમ પાન વરખે લગે તેખાં લૂઝળાં, ચડ કોવ પણ વન પ્રબો સાંહે વરણ સૂકે સરવળાં! તાપીએ અગની પાંચ તપશી, ધૂપ જોર સરવ ધરે, જગ તેણે ઉન્નડ રતે જીવો સકજ સાંગણ સંભરે.
[વૈશાખે વૃક્ષ પર નવલાં પાંદડાં લાગે છે. લૂ ઝરે છે તે અકારી (તીખી) લાગે છે… સરોવરો સુકાય છે. તપસ્વીઓ પાંચ જાતની ધૂણી તાપીને તપ કરે છે. તાપ અતિ જોર કરે છે.]
જેઠ વણ2 ગજ ફળો મણ જેટ વદીએં, પુહુવ3 મધુવન પાકિયે, જગ જાઈ વેલો કુસુમ જૂંખળ, ચંપ ડોલર છાકિયે; લગ રેણ4 હોઈજે5 દવશ6 લંબા, અંબ સાખા ઊતરે, જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
[જેઠ મહિને વન ફળે છે. મધુવનમાં પુષ્પો ખીલ્યાં છે. ચંપા ડોલર વગેરે ફૂલોની વેલડીઓ છવાય છે. રાત્રિ કરતાં દિવસ લાંબા થાય છે. આંબેથી સાખો ઊતરે છે. એ ઋતુમાં…]
આષાઢ અત ઘામ ખમિયો બીજ આષઢ, અંદ્ર ઘણ7 ચડ આવીએ, અંબ વેહડો8 હાલ દનિયા, ગણી મલહર9 ગાવીએ; દળ કળે ચાત્રક મોર દાદર, કોયલ સરવા સૂર કરે, જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
[અત્યંત બફારો ખમ્યા બાદ અષાઢની બીજે ઇન્દ્રનો ઘન ચડી આવ્યો છે. આંબા વેડાઈ ગયા છે. દુનિયા મલ્હાર રાગ થાય છે. ચાતક, મોર ને દેડકાં કિલ્લોલ કરે છે. કોયલ સરવા સાદે ગાય છે. એ ઋતુમાં…] શ્રાવણ અળ મચે શ્રાવણ કીચ અહેલાં, બગાં પાવશ બેસિયે, જળ વમળ રહેડુ2 નખે જળધર, પોહસ મંછે પેસીએ, રખ દેખ ગ્યાની વડી રચના, શંખ ધાતે સંચરે, જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
[શ્રાવણમાં પૃથ્વી પર વરસાદની હેલી વરસે છે. તેથી કાદવ મચે છે. બગલાં પાણી પર બેસે છે. વરસાદી વમળ જળની રેડીઓ (ઝડીઓ) નાખે છે… આવી મહાન રચના દેખીને જ્ઞાની ઋષિમુનિઓ શંખ બજાવતા ચાલે છે. એ ઋતુમાં…]
ભાદરવો પંચરૂપ ભાદ્રવ લાલ પીળા, સેત નીલં સામળા, પંગળા મેટા લેવ પુરવણ, બણે બાદળ ચોહવળા; સરવાણ ફૂટે નદે સરણે, નીર ઝરણે નીસરે, જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
[ભાદરવો માસ લાલ, પીળા, શ્વેત, લીલા, અને શ્યામ એવા પાંચ રંગો ધારણ કરે છે… વાદળાં ચાર થરાં જાડાં બને છે. નદીઓની અંદર સરવાણીઓ ફૂટે છે. ઝરણામાં પાણી રેલે છે. એ ઋતુમાં…]
આસો અન પકે શીમે, માસ આસો, પંક સર ખલ પોયણાં, દન નવે3 થપનાં કળશ દશરે, હદે ગોઠ્યાં હોયણાં, નિવેદ દેવા ચડે નવલા વડો પરબહ વાપરે, જગ તેણ ઉન્નડ રતે જીવો સકજ સાંગણ સંભરે.
[આસો માસમાં સીમોની અંદર અન્નના દાણા પાકે છે. સરોવરોના કાદવમાં પોયણાં પુષ્પો ખીલે છે. એ ‘નવા દિનો’માં દશેરાને રોજ કળશની સ્થાપના થાય છે. ગોઠ(મહેફિલો) ઊજવાય છે. લોકો ચાડથી (આગ્રહથી) દેવતાઓને નૈવેદ્ય ચડાવવા માટે આ માસનાં મોટાં પર્વોનો ઉપયોગ કરે છે. આ ઋતુમાં…]
કાર્તિક માસ હીં કાતક જરા4 મોટાં, અંગ પર ખશ આવિયે, કણ થિયે તાજો સહી કળજગ, પોત5 નૌતમ પાવિયે; ઘણ ખીર ગ્રહજેં ગલા ઘાટપ, સાજ રાજા સબ કરે, જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
[કાર્તિક માસમાં અંગ ઉપર બુઢાપો (ઠંડીને લીધે) આવે છે. બધી જાતના તાજા કણ આવે છે. વસ્ત્રો પણ નવાં પ્રાપ્ત થાય છે. પશુઓના દૂધમાં ગળપણ અને ઘાટપ (ઘટ્ટતા) આવે છે. સર્વે રાજાઓ સજ શોભા કરે છે. એ ઋતુમાં…]
માગશર સર માગ હોઈજે આગ સવળી, વકટ સ્ત્રીંઘણ વાપીએ, સગડિયાં કર લે લોક સાહેબ, તાપ ભાહુ તાપીએ; દળ લગે નડિયાં નીર દોરા, નકે નાયણ નીસરે, જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
પોષ રત હેમ પોષે ટાઢ રવીયેં, ગ્રંદ્ર વાનર ગાળજેં, માનથે2 જળ બળ અઘળ મેહેખી, વ્રંદ સક્કળ વાળજેં; વળ લગે ન્રધનાં3 નશા વશમી, ધેનઈ ઝાંખપ ધરે, જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
[પોષમાં હેમન્ત ઋતુ હોય છે. ટાઢ પડે છે. વાંદરાં પહાડોની ગાળીમાં ચાલ્યાં જાય છે… નિર્ધનોને નિશા વસમી લાગે છે. ધેનુઓ ઝાંખી (દૂબળી) પડી જાય છે. તે ઋતુમાં…]