એકતારો/કાંતનારાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કાંતનારાં


વીસ ને સાઠ વર્ષોનાં અતર પૂરાયલાં હતાં,
અર્ધરાત્રિ તણે ગોદે બેઠી મા વળી પોતરી.

કયા દેહો, કયા ઓળા, કળાવું જરી દોહ્યલું
બત્તીના દૂબળા તેજે દેખાયે ચાર આકૃતિ.

ખાંસી ખાતી, થતી તાતી, ખીજાતી તહીં યૌવના;
રેંટીઓ ફેરવી ઊંચો, વદે વેણ વિનયહીણાં.

આજ આ કોકડું થાય પૂરૂં નહિ,
દેહની પૂણીઓ પૂણીઓ થઈ ગઈ.
સાપની જીભ સમ ત્રાક આ તાંતણો
ભક્ષતી જાય છે: શાપ કો' પાપનો. ૧.

કઈ મૂઈ નભાઈની કોકડે નજરૂં પડી!
અહીં કાંતું, તહીં કોને રેંટીએ શગ જઈ ચડી!

દીકરી ડાહી! આવી અધીરી ન થા!
રોટલી કાજ કરવાં રહ્યાં કાંતણાં;
કોકડે ઉતરશે આાંખના તાંતણા,
તોય કાંત્યા કરો! પાપ છે આપણાં. ૨.


  • મૂળ એક આર્યરીશ ગીત પરથી ઉતારેલ આ કથાગીતમાં યુવાન પૌત્રી અને વૃદ્ધ દાદી વચ્ચેનો જે સંવાદ છે, તે નવીન અને પુરાતન માનસ વચ્ચેની સરખામણી સમાન છે.


પ્રભુ યે કાંતતો બેઠો જીવન–મૃત્યુની પૂણીઓ
ઉતારે આત્મની ત્રાકે મહાપ્રેમની કોકડી.

રામને રેંટિયે રૂપાળા ત્રાગડા
અદીઠા ઊતરે : આપણે આંધળાં!
કનકને દીકરી! ધૂળનાં ઢાંકણાં :
રતિ ભર રતનને પડળ ખાંડી તણાં! ૩.

તારી મા! ડાહી વાતોમાં મને શાતા નથી નથી;
કળે છાતી, બળે આંખો, અંગે અંગ પડે તૂટી.

રામની વાત કરવી ગમે મા તને,
દેહ કંતાય મુજ તાંતણે તાંતણે,
શું પડી આપણી ત્રિલોકીનાથને!
રામને રોઉં? કે મુઠીમર ભાતને? ૪.

નકી આ પૂણીના રૂની ગોઝારી ધરતી હશે;
નકી એનાં પડો વચ્ચે ચૂડેલો રમતી હશે.

કોઈ ખેડુ તણાં કનકમય ખેતરાં,
જાર ને બાજરીથી છલોછલ ભર્યાં:
પોંક ને પોપટા ખાઈ પી છોકરાં
રમન્તાં હશે–ત્યાં કટક તૂટી પડ્યાં! ૫.

ઊભાં ધાન હશે રોળ્યાં, ડોલ્યાં નીર નવાણનાં,
મીંઢળબંધ વધેરીને બંબોળી ધરતી હશે.

સીમ હરિયાળીમાં તોપના ગલોલા
વરસિયા હશે ત્યાં મોતના મેહુલા
ધેનુનાં ધણ અને વ્યોમનાં વાદળાં
સીંચતાં હતાં જ્યાં અમીનાં દૂધલાં. ૬.

વરાળો ત્યાં વિજોગણની, હાય માવડી બ્હેનની,
વવાએલી હશે હો મા! ધેનુઓ ભાંભરી હશે.

એ બધા સામટા ખારથી ખદખદી
રહેલી ધરામાં વાવિયાં હશે બી;
તેની પેદાશમાંથી વણેલી પૂણી
આજ આવી પડી અહીં કો વાંઝણી. ૭.

કપાળે ફેરવી હાથ, લૂછી આાંખ રતાંધળી,
માથાની ટાલ પંપાળી, બોલે ડોસલી બોખલી.

ખરૂં છે દીકરી! ખેતરે ખેતરે
મચ્યા'તા કેર, ચારે ને ચોતરે,
રણથળો થયાં’તાં ગાયને ગોચરે,
ચિતાઓ ત્યાં બધે, ઓ હજુયે બળે.

ચિતા એ સૌ નિહાળું છું, નથી આંખ રહી છતાં:
ભૂલી જાવા મથું તે સૌ ભુલાયાં જ નથી થતાં.

અભૂલ્યું ભૂલવા ભજું છું નાથને,
ટેકવું રેંટીએ ધ્રૂજતા હાથને;

કારમાં સોણલાંથી ભરી રાતને
જાગતાં કાઢવી: ઊંઘવું શે બને! ૯.

'કાંતો ને કાં મરો ભૂખે! એ શું અંજામ આખરી!’
ધકેલી રેંટિયો કન્યા કમ્પતી થઈ ગઈ ખડી.

ભર્યા કોઠાર ને આપણે લાંઘવું!
નીપજાવી ઢગે ઢગ, પછી ભીખવું!
દેવલાં દૂધડ ન્હાય, તે દેખવું!
બાળ ભૂખ્યાં ઉપાડી મસાણે જવું! ૧૦.

'ઝીણું કાંતો! હજુ ઝીણું! આછી વર્ણવી છ ચૂંદડી’
કાંતનારીના છૈયાને ખાંપણની ય ખતા પડી!

રંગલીલા રમન્તી નગર-નારીઓ :
—રંગની, રૂપની, નૃત્યની ઝારીઓ-
ચગાવે ઘરમાં ચૂંદડી ગોરીઓ.
જીવવું હોય તો તાર ઝીણા દિયો! ૧૧.

અહીં કોઈ નથી બાકી પ્રભુ–સરજ્યાં માનવી,
નથી મુર્દાં, નથી માટી, અહીં સર્વ કરોળિયાં.

આપણાં જઠરથી ખેંચવો તાંતણો,
જીવનની લાળનાં રોજ વેજાં વણો!
માવડી, બેનડી, બેટડી, બુઢ્ઢીઓ!
માનવી કો' નહિ, સર્વ જન્તુગણો! ૧૨.

બધું એ તોળતો બેઠો પ્રભુ ન્યાય ઉતારશે.
પ્રભુની ત્રાજુડી સાચી: પ્રાર્થના પ્રભુની કરો!

પ્રાર્થના કરી છે દિવસ ને રાત મેં;
પાતકી પુણ્યશાળી સહુ કારણે,
રડી છું પ્રાર્થના નીંદમાં સોણલે,
રટી છે પ્રાર્થના ક્રંદને ગાયને. ૧૩.

હજુ યે પ્રાર્થું છું એને, હૈયું કિન્તુ તૂટી પડ્યું,
ગયું આશા તણું પંખી; પ્રાર્થના રહી મૃત્યુની.

હવે તો આવશે નોતરાં નાથનાં,
મોત મારું થશે આખરી પ્રાર્થના;
પીંજરું ભાંગીને પંખીડાં આાશનાં
ક્યાં ઊડ્યાં, કોણ પાસે કહું યાતના! ૧૪.

ધીર, ધીંગી, મૂંગી મૂંગી ઘાણીઓ ભયની ફરે,
ઓરાણી સૌ જવાંમર્દી, એરડીનાં બિયાં પરે.

ચીંચોડા બ્હીકના જો રહ્યા ગાંગરી,
પિલાતી લોક–મરદાઈની શેરડી,
વીરતાને લઈ ખોળલે ઓ ખડી
કબર, ખાંભી અને મસાણે દેરડી. ૧૫.

મ બોલો કાળ–બોલી આ, બેટા! ઠાકર સાંભળે;
ઘટે ઘટમાં વસ્યો વા'લો, વીંધાશે તુજ બોલડે.

હું ય સમજું છ મા! રૂડેરા શ્રીહરિ
કાળ–ડંકા તણી જુવે છે વાટડી.
અદલ ઈન્સાફની નૈ ચૂક એ ઘડી.
જાણવા છતાં ઝંખાય ઉર-દીવડી. ૧૬.

જન્તુ શા પેટ ઘાસંતા નર જયાં ચગદાઈ મરે,
સડીને જ્યાં મરે નારી, ત્યાં શ્રદ્ધા શી પ્રભુ તણી!

તોય ભગવાનને પ્રાર્થવા તું કહે?
ભલે તો પ્રાર્થના સૂણો ભવનાથ હે!
માણસાઈ તણાં નીર ફરી આપ હે!
ભવ્ય ભયહીનતા દે ફરી બાપ હે! ૧૭.

ઉચ્ચ શિરે ઊભા રહિયે પિતા આપની સન્મુખે,
એહવાં નિર્મળાં તેજે આંખડીઓ અમ આાંજજે.

પ્રાર્થના આટલી બાપ! વરદાન દે
ભિક્ષુકોને? નહિ: વીરતાવાનને,
આવતી કાલનો ધ્વજ ઉંચકનારને
આજ ધવરાવતી વીરસૂ નારને. ૧૮.

નહિ તો ત્યાં સુધી–“હાં, હાં, પ્રાર્થના! કર પ્રાર્થના!
જો બેટા, લેરખી આવે સંદેશા લઈ ભાણના!”