એકાંકી અને ગુજરાતી એકાંકી/એકાંકી : વેશ, ભાણ, ધ્વનિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એકાંકી, વેશ, ભાણ, ધ્વનિકા

એકાંકીના નામે આજે ઓળખાતા સાહિત્યપ્રકારમાં ચાર વિશિષ્ટ અને વજૂદભર્યું વિભિન્નત્વ ધરાવતાં પ્રયોજન અલગ તારવી શકાય એમ છે : (૧) એકાંકી (૨) વેશ (૩) ભાણ (૪) ધ્વનિકા આ ભેદ તારવ્યો છે તે રસની દૃષ્ટિએ નહીં ; માત્ર આયોજન અને તંત્રવિધાનની દૃષ્ટિએ જ આ વિભાજનની કલ્પના સરળ બની શકી છે. માત્ર રસની રીતે કે ભાવની નજરે પ્રકારભેદ ગોઠવવું કામ આજના જમાનાના વેગ અને આજના જમાનાની વૃત્તિ જોતાં, આ પ્રકારમાં નભી શકે એમ લાગતું નથી. એકાંકીના તંત્રને સમજવા જુદેજુદે સ્થાને એને થોડી વસ્તુ સાથે સરખાવ્યું છે. એ સરખામણીમાં પ્રથમ આવે છે, ફટાકડાની વાટ. દરેક અલગ ફટાકડાને પોતાની વાટ હોય છે. એ સર્વ ફટાકડાને લૂમના સ્વરૂપે સાંકળતી પણ એક વાટ હોય છે, જે હરેક અલગ ફટાકડાની વ્યક્તિગત વાટ સાથે સંકળાયેલી હોય છે. બીજા આપણી પાસે ફટાકડા ફોડાવે એવા બચપણમાં તો ફટાકડાને અલગઅલગ પાડવામાં આવે છે અને ચીપિયામાં પકડાવીને બાળક પાસે આપણે ફોડાવીએ છીએ. આત્મવિશ્વાસ વધે તેમ લૂમની લૂમ હાથમાં પકડીને ફોડવાનું સાહસ આપણે કરતા થઈએ છીએ. આમા સર્વ અલગઅલગ ફટાકડાને, ટેટાને, (કોક સૂરસૂરિયું થવા પણ સર્જાયું હશે) એ વાટ દ્વારા અગ્નિનો સંસ્પર્શ થાય છે. આ મૂળ વાટનું કામ તે એકાંકીતંત્ર : કાંડી ચાંપી કે તરત જ એમાંથી અંદર ભરેલા દારૂને કારણે તણખા ઝરવા માંડે છે. અ એ તણખા વેરાતા વેરાતા ટેટાની વાટને ઉજાળે છે. અને એ જાગેલી વાટ ટેટામાં ભરેલા દારૂ લગી પહોંચતા ટેટો ફાટે છે. આગળપાછળનું કશું પહેલાં હતું એવું રહેતું નથી અને ટેટો ફાટયા પછી એનું શું થયું એ જાણવાની જિજ્ઞાસા કે ધીરજ પણ કોક અતિશય રીતે વૈજ્ઞાનિક ખણખોદમાં રાચતા માનવી સિવાય, અન્ય કોઈન પાસે હોતી નથી. દારૂ તો વાટમાં અને ફટાકડામાં ભરેલો છે. વાસ્તવિક રીતે આ જ નાટ્યાત્મક મસાલો હર ઠેકાણે અને હર કતરામાં ભરેલો છે. માત્ર કાંડી ચાંપવાની જ વાર હોય છે. અને વાટ ચંપાય એટલે તણખા ઝરીને દારૂનો સ્ફોટ થાય એટલી ગરમી પેદા કરવામાં આવે છે. સુષુપ્ત દારૂને ઉન્માદે ચડાવી ગરમીને સ્ફોટના શિખરે પહોંચડવામાં આવે છે. આ છે એકાંકીનું તંત્ર. બીજી રીતે જોઈએ. બીજે એક સ્થળે એકાંકીના તંત્રને vertical drilling – સીધેસીધા શાર પાડવાની ક્રિયા સાથે સરખાવ્યું છે. જૂના વારામાં અને આજે કૂવો ખોદાય છે એમાં માત્ર યંત્રસાધનસામગ્રીમાં જ ફેરફાર થયો છે એમ નથી. પદ્ધતિમાં અને કાર્યમાં ઉપયોગીતા ક્ષેત્રના વિસ્તારમાં પણ ફેરફાર થયા છે. જૂના વારામાં તો પહોળો ખાડો કરીને પગથિયાં બનાવીને નીચે લાકડાનું ચક્કર ઉતારવાની વાત આવતી. આજે જેમ બને એમ ઓછો વિસ્તાર, જરૂર જેટલો જ ઊંડો, યંત્રસામગ્રીની સહાયથી ખોદાય, એ પદ્ધતિ અજમાવાય છે. એકાંકીતંત્ર એ આવું સીધા સાંકડા, જરૂર હોય એટલા ઊંડા, શાર જેવું છે. યાંત્રિક સહાયથી શાર પડે છે, માટી પણ યાંત્રિક સહાયથી બહાર ઠલવાય છે અને જરૂર હોય એટલું જ ઊંડું ખોદાય છે. ત્રીજી રીતે આ જ વાતને જોઈએ. શસ્ત્રવિદ્યામાં આજના જમાનાએ અદ્ભુત પ્રગતિ કરી છે. આંતરિક કરામત અને કુશળતા ઉપરાંત એમાં બાહ્ય સુંદરતા અથવા તો, એ રીતે કહેવું ઠીક ન લાગે તો, બાહ્ય કદરૂપતામાં ઓછામાં ઓછો ઉમેરો થાય, એ રીતે, વાઢ મૂકવામાં આવે છે. આજે આપણે જૂની અને નવી બન્ને પદ્ધતિએ મુકાયેલા વાઢ જોઈ શકીએ છીએ. જૂની પદ્ધતિ મુજબનો વાઢ લાંબો પહોળો અને ઊંડો હશે. અંદર અને બહાર કદાચ સરખો વાઢ હશે. નવી પદ્ધતિ મુજબનો વાઢ ઉપરથી બને એટલો નાનો, ટૂંકો અને જેમ અંદર ઊતરતો જાય એમ જરૂરી વિકાસ પામતો જાય એવો હશે. એટલું જોવાનું જરૂરી હોય, જેટલું સુધારવા, કાઢવા, બદલવા માટે જરૂરી હોય એટલું સુધારવા, કાઢવા કે બદલવા માટે મોકળું ક્ષેત્ર મળી રહે એટલો જ ઊંડો અને પહોળો એ કાપ હશે. બારી મૂકવી હોય તો બારણા જેટલું ખોદવાનો કશો અર્થ નથી, એ વિચારણા આજે નજર સામે રહે છે. એ જ ખ્યાલ શસ્ત્રવિદ્યામાં છે. અને આપણે કહી શકીએ કે એ જ ખ્યાલ એકાંકીના તંત્રવિધાનમાં પણ છે, એટલે કે હોવો જોઈએ. આ બધું સમગ્ર રીતે આટલું જ કહેવા માગે છે : ભૂમિતિમાં જેમ સીધી લીટીની વ્યાખ્યા ગમે તે બે બિંદુ વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતર તરીકે આપવામાં આવી છે એમ, એકાંકીના તંત્રવિધાનમાં કાર્ય (અને એકાંકીમાં આ વાત વસ્તુવિકાસથી અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિએ વિભિન્ન ગણી શકાય એમ છે) પણ મૂળબિંદુ અને સ્ફોટબિંદુ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર છે. કશાય પ્રકારના શણગારનો એને અપરિગ્રહ છે. Straight as a crow flies કાગડો સીધો ઊડે છે એમ, એવી ઉક્તિમાં straight – સીધાની સાથે unadorned – લટકા વિના એટલો શબ્દ મૂકીએ તો એકાંકીમાંના કાર્યનો ખ્યાલ આવી શકે. પણ જેટલું અંતર ટૂંકું છે એટલો જ એનો વેગ જલદ છે. અહીં કાર્ય અને વેગ એ બન્નેનો નિર્દેશ કર્યો છે એટલે એકાંકીમાં કાર્ય નથી હોતું એવી ફરિયાદ કરવામાં આવે છે એનો જવાબ આપવાનું પણ પ્રાપ્ત થાય છે. એકાંકીમાં કાર્ય – action એટલે શું? ખુરશીના હાથા આમળવા તે? કાગળનાં કે સાચાં ફૂલ ચૂંટવાં તે? આ છેડાથી પેલા છેડા લગી ધસમસતા જવું એ? આ તો કાર્યનો અત્યંત સ્થૂલ ખ્યાલ કહેવાય. એના કશા અંશને એકાંકીમાં સ્થાન નથી એમ નહીં કહી શકાય. પણ એકાંકીનું સાચું કાર્ય ભજવાય છે પ્રેક્ષક (અને વાચક)ના ચિત્તમાં. જે પ્રભાવ ઊપજે, ઊપસે, વિકસે, ત્યાં એ ઊપજાવવા, ઉપસાવવા, જેટલું જરૂરી હોય એટલું જ ભજવી શકાય (અને લખી શકાય.) એથી તલમાત્ર વિશેષ વાત અવિવેકી હોવાથી, બોલ્યું બહાર પ્યા જેવું થાય. ટેટો ફૂટે છે ત્યારે આપણે વાટને તણખા વેરતી ઝપઝપ, શક્ય એટલા વિશિષ્ટ વેગે, સખા-સખીને મળવા થોભ્યા વિના, દોડતી જોઈએ છીએ, અને મનમાં જ કાંક કશે એક જાતનો પ્રતિભાવ ઊપજતો જાય છે. અને એ જ ઉદાહરણને આગળ લંબાવીએ તો ધસમસતા વેગે તણખા વેરતી બળતી વાટ ટેટાના અંતર પ્રદેશમાં પહોંચે છે અને ધૂમધડાકાનો કે ફૂસ અવાજ થાય છે. તંત્રવિધાન અને કાર્યવેગ વિશે તથા પ્રતિભાવ જન્માવવાના એકાંકી (આ તો કોઈપણ આવિષ્કૃતિમાં આવશ્યક છે જ પણ એકાંકીમાં સવિશેષ રીતે પ્રબળ હોવું જોઈએ) ના એકાંકી અને એકાંગી ગુણધર્મ વિશે આટલું લખ્યા પછી આપણે જે પ્રકારભેદ પાડ્યા છે તે જોઈએ. જે મૂળ ભેદ એકાંકી અને વેશ વચ્ચે છે એને વધુ સ્પષ્ટ બનાવવો જરૂરી છે. એકાંકીમાં કાર્યવેગ કઈ રીતે સધાય છે? એકાંકીમાં મૂળબિંદુની રજૂઆત પછી સંવાદ દ્વારા એક પ્રકારનું ઉર્ધ્વારોહણ સાધવામાં આવે છે. સાગરના તરંગ, જેમ પહેલાં સપાટી પર જ આળોટતા ચાલે અને પછી કોઈ અટલ નિયમ મુજબ છલાંગ મારી કૂદે અને બીજા કોક તરંગને આંબવાનો યત્ન કરે, એવી આ એકાંકીના નિર્વહણની ગતિ છે. સાધન તો શબ્દ અને સંવાદ જ છે. આ ઊર્ધ્વારોહણ – rising crescendo (પણ તે માત્ર અવાજની માત્રામાં નહીં, પાત્ર અને પ્રસંગને ઉપાસવવામાંય ખરો)નો નાટ્યાત્મક હેતુ માત્ર કશી ખેંચને તાદૃશ કરવા ઉપરાંત, નિરૂપિત સંજોગોમાં પાત્ર માટે, એ વર્તે છે એ સિવાયનો બીજો કશો જ માર્ગ નથી, એ તાર્કિક રીતે સિદ્ધ કરવાનો છે. એકાંકીનો અંત જો એકમાત્ર અંત કે ઉકેલ નહીં લાગે તો સાચા આર્થમાં એ એકાંકી નહીં બની શકે. ઊર્ધ્વારોહણ બીજી બધી આળપંપાળને, વળગણને બાજુએ મૂકી કે હડસેલી દઈને પ્રસંગના આ જ પહેલુને દૃષ્ટિસંમુખ ધરીને, પાત્રના વર્તનને એકમેવ સિદ્ધ કરવાનું કાર્ય સાધે છે. આ જ વાસ્તવમાં એકાંકીની વિશિષ્ટતા છે, એનું ગૌરવ છે. વેશમાં વસ્તુસ્થિતિ ઘણી રીતે જુદી છે. વેશમાં ચોટને તર્કસિદ્ધ, એકમેવ ઉકેલ, કે મોક્ષ, કે ગાંઠછોડ, તરીકે પુરવાર કરવાપણું હોતું જ નથી. મૂળબિંદુમાં જ એ વાત કહેવાઈ ગઈ હોય છે. પછી તો જેમ હિંદી સંગીતમાં અસ્થાઇ બંધાયા પછી અંતરા આવે અને આખી દુનિયાની અને અવકાશની સફર અવાજની પાંખે ચડીને કરી આવે, પણ છેવટે સમ પર આવવું જ પડે, એવું જ વેશમાં થાય છે. સાચી રીતે આવવાનું તો, કાવ્યગુણ ધરાવતું કે પછી કાવ્યાભાસી પુનરુચ્ચારણ કરીને, મૂળબિંદુમાં વ્યક્ત થયેલા ભાવના સમ પર હોય છે. વેશમાં આવી ગતિ છે, જેને કદાચ કોઈ ગતિ તરીકે ગણવાની ના પાડે તો ઝાઝો ઝઘડો થઈ શકે એમ નથી. આ રીતે જોઈએ તો વેશનું નિર્વહણ એક જ સપાટીએ મોટે ભાગે થાય છે. अ ब क ड 0 ................... 0 .................. 0 .................... 0... કવિ દલપતરામની શિખામણને અમલમાં મૂકતો આ નિશાળિયો તો નિશાળમાંથી નીસરીને સીધો ઘેર જ જાય છે. હા, કોક વાર એવું બને કે अ અને ब વચ્ચે કે ब અને क વચ્ચેની સફરમાં એ ઓછામાં ઓછા અંતરને જાળવાનો વિવેક કરવાને બદલે થોડી રઝળપાટ કરે. પણ अથી નીકળીને ब અને ब થી નીકળીને क તો એ આવવું જ પડે. અને આ રીતે જોઈએ તો વેશમાં પાત્ર કે પ્રસંગને ઊપસવા-ઉપસાવવાનું ક્ષેત્ર અને શક્તિ નહીંવત છે. વેશમાં કશું તર્કસિદ્ધ કરવાનો યત્ન થઈ શકે એવી ઝાઝી શક્યતા નથી. પાત્રનું ઘડાયેલું કાઠું જ આપણને જોવા મળે છે. પ્રસંગનો મિજાજ તો अ પહેલાં સ્થળકાળના દૂરત્વને જાળવીને જાહેર થયેલો છે. સ્થાનીય રંગરોગાન જરૂર જઈ શકે છે. પણ જ્યાં એકાંકીમાં નિરૂપણ નાટ્યાત્મક – dramatic પદ્ધતિને અનુકૂળ બને છે, ત્યાં વેશમાં નિરૂપણ (અને આ શબ્દ પણ આ જ અર્થમાં આ સ્થળે બીતાંબીતાં વાપરવો પડે છે) કાવ્યાભાસી બને છે. અને નહીં તો એ પૂરું નાટકીય theatrical બનવાનું. પણ વેશ પોતે, જેને આપણે એકાંકી નાટ્યપ્રકાર લેખે ઓળખીએ છીએ એનો કશો હીન પ્રકાર છે એવું કોઈ ન માને. હરેક પ્રકારના વિચાર કે પ્રસંગને એકાંકીના ચોકઠામાં જકડી શકાય છે, વિકસાવી શકાય છે, એમ કહેવું એ તો જેનાથી કોઈપણ ન અંજાય એવી કોરી શેખી છે. એટલે કેટલીક વાતોને વેશ દ્વારા જ યોગ્ય અભિવ્યક્તિ મળી શકે એમ બની શકે. પણ એકાંકી નાટ્યપ્રકારના આવા પ્રકારભેદ પાડવાની શક્યતા છે અને આવશ્યકતા છે એટલું ખુલ્લા દિલે કહી શકાય એવો સમય આવ્યો છે. જે બીજા બે પ્રકારનો આગળ ઉલ્લેખ કર્યો છે તે ભાણ અને ધ્વનિકા. ધ્વનિકા એટલે રેડિયો-નાટક/રૂપક. એ પ્રકારના એકાંકીને કોઈ આ નામે કે બીજા નામે ઓળખાવે એવી સ્થિતિ તો લોકશાહી પરિસ્થિતિમાં રહેવાની. માત્ર શ્રવણ પર ભારબોજ મૂકવાને બદલે એના ધ્વનિનો અને એની ચોટનો ખ્યાલ રાખીને એને ‘ધ્વનિકા’ કહેવાનો મારો આગ્રહ હું ચાલુ રાખું છું. આમ તો એના સાવ નિરાળા તંત્રવિધાન વિશે વિચારણા કરીને કશું સર્વમાન્ય તારવાનો સમય પાક્યો છે એમ લાગતું હોવા છતાં, એ કામ ભવિષ્યના કોક પ્રસંગ માટે બાકી રાખવું યોગ્ય ગણાશે. જે બીજો પ્રકાર છે તે ભાણ. જૂની સંસ્કૃત પરંપરામાં ભાણનું વિશિષ્ટ સ્થાન છે. અભિનયક્ષમ પ્રકાર છે અને માત્ર પઠન કે શ્રવણ ઉપરાંત આંખે જોઈ શકાય એ રીતે પણ એનું આયોજન થઈ શકે એમ છે. મૂળમાં એમાં એક પ્રકારનું પરિવ્રાજકપણું છે. એને રાખી પણ શકાય, કાઢી પણ શકાય. ધ્વનિકા લેખે પણ એનો ઉપયોગ થઈ શકે. અભિનયક્ષમ પણ એને બનાવી શકાય. એને વેશ કરતાં એકાંકી તરફ વિશેષ ઢળતું બનાવ્યાથી એની ચોટપણ સવિશેષ બનાવી શકાય. એને માત્ર ધ્વનિકાના એક એકભાષી પ્રકાર લેખે ગણી કાઢવાનો યત્ન થશે તો અપાર શક્યતાને અન્યાય કરનારી વસ્તુ બનશે. જૂના ભાણને ન જાણે કેમ પણ માત્ર હળવા નહીં પણ હલકા પ્રકારના વિનોદપ્રમોદનું સાધન બને એવો પ્રકાર ગણવા-ગણાવવામાં આવ્યો છે. તાત્ત્વિક નજરે એમાં એક પાત્ર, માત્ર સ્વગતોક્તિ કરતાં જુદી રીતે વાત કરે એટલું જ આવશ્યક છે, વળગાડ છે. એ વળગાડને દૂર કરી શકાય અને પ્રકારને સારી રીતે પ્રયોજી શકાય. મરાઠીના ‘નાટ્યછટા’ કરતાં એ કશુંક વિશેષ છે. તા.૧૫-૧૦-૧૯૫૭ ‘ચોથો પ્રવેશ’ ૧૯૫૭ ‘કાયા લાકડાની, માયા લુગડાની’, ૧૯૬૩