એકાંકી અને ગુજરાતી એકાંકી/ગુજરાતીમાં એકાંકી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુલાબદાસ બ્રોકર
ગુજરાતીમાં એકાંકી

એક સ્વતંત્ર સ્વયંમપર્યાપ્ત કલાપ્રકાર તરીકે એકાંકીએ વીસમી સદીના પહેલાં દાયકામાં પશ્ચિમના દેશોમાં પ્રતિષ્ઠા મેળવી, અને બીજા દાયકાના અંત સુધીમાં તો એની સિદ્ધિથી સાહિત્યમાં એણે પોતાનું આગવું સ્થાન પણ પ્રાપ્ત કરી લીધું. એની એ પ્રતિષ્ઠા અને સિદ્ધિએ ગુજરાતમાં પણ નવાનવા રસિકોને આકર્ષ્યા, અને એની જ સીધી પ્રેરણા અને અસર નીચે એકાંકીનો એ નવો કલાપ્રકાર ગુજરાતમાં વીસમી સદીના ત્રીજા દાયકામાં જન્મ્યો, પ્રતિષ્ઠા પામ્યો અને ચોથા દાયકાના અંત સુધીમાં તો તેણે પણ પોતાની સિદ્ધિથી ગુજરાતી સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી લીધું. એમ તો સંસ્કૃતમાં પણ અમુક પ્રકારનાં એકાંકી નાટકો હતાં. પણ સ્વરૂપ, પ્રકાર અને સિદ્ધિની દૃષ્ટિએ એ એકાંકીઓ, અને આપણે અત્યારે જેને એકાંકી તરીકે ઓળખીએ છીએ એ નાટકો તદ્દન ભિન્ન જ હતાં. એકાંકીનો આ નવો નાટ્યપ્રકાર તો પશ્ચિમની અસરના સીધા પરિણામ રૂપે જ ગુજરાતમાં જન્મ્યો હતો. એ વાત તો ગુજરાતી ભાષામાં એકાંકી નાટકના સ્વરૂપને ઉતારવા પહેલવહેલો પ્રયત્ન કરનાર નાટ્યકાર બટુભાઈ ઉમરવાડિયા ઇ.સ.૧૯૨૫માં પ્રસિદ્ધ થયેલા તેમના - એકલા તેમના જ શા માટે, ગુજરાતી ભાષાના પણ - એકાંકી બનવા મથતાં લઘુ નાટકોના પ્રથમ સંગ્રહ ‘મત્સ્યગંધા’ અને ગાંગેય અને બીજાં નાટકો’ની પ્રસ્તાવનામાં સ્પષ્ટ કરે જ છે. એમાં તેઓ લખે છે : ‘... આ નાટકોનું સ્વરૂપ તો અંગ્રેજી વન-ઍક્ટ-પ્લે ઉપરથી છે.’ સ્વરૂપ સિવાયે તે અંગ્રેજી સાહિત્યની અસર તો ગુજરાતી સાહિત્ય ઉપર કેટલાયે કાળથી પથરાઈ ચૂકેલી હતી. જ ઓગણીસમી સદીના છેલ્લા દાયકાના સમર્થ સર્જકો ગોવર્ધનરામ, ન્હાનાલાલ અને કલાપીની ભાવનાસૃષ્ટિને એ અસરે કેટલી સબળ રીતે સ્પર્શ કર્યો હતો એ તો એમનાં એ કાળનાં સર્જનોમાં પણ સ્પષ્ટ દેખાઈ આવે છે; પણ આ અરસામાં, એટલે કે ૧૯૨૨માં, બટુભાઈ ઉમરવાડિયાએ ‘લોમહર્ષિણી’ નામનું, એકાંકીની અત્યંત નજીક આવી જતું, ગુજરાતી ભાષાનું પહેલવહેલું, લઘુ નાટક લખ્યું એ અરસામાં, અંગ્રેજી સાહિત્યની અસર ભાવનાસૃષ્ટિ ઉપરાંત ગુજરાતી ભાષાની કથનરીતિ ઉપર પણ ફેલાઈ ચૂકી હતી. ઓગણીસમી સદીની ભારેખમ, પાંડિત્યપ્રચુર અને દીર્ઘસૂત્રી કથનરીતિને વાસમી સદીની અંગ્રેજી લેખકોએ ફગાવી દીધી હતી, અને એની જગ્યાએ રમતી, રસળતી, ચબરાકીભરી, આકર્ષક, કથનરીતિ તે લોકોએ અપનાવી હતી અને બર્નડે શૉ કે એચ. જી. વેલ્ઝ જેવા લેખકોના હાથ નીચે એ રીતિ અદ્ભુત કાર્યસાધક પણ બની ગઈ હતી. એટલે વીસમી સદીના બીજા દાયકાના ગુજરાતી ગદ્યકારકો અંગ્રેજી ગદ્યની નવી આકર્ષક કથનરીતિ પોતાનાં લખાણોમાં અજમાવવા લલચાય એ સ્વાભઆવિક હતું. પરિણામે ૧૯૧૫-૨૦ સુધીમાં તો ગુજરાતી ગદ્યની ભાષા પણ તેજદાર, વેગીલી, આવેશમય, ચબરાકિયાપણાનાં તત્ત્વોવાળી અને પહેલા હતી તે કરતા ઘણી બધી વધારે સ્થિતિસ્થાપક બની ગઈ હતી. કનૈયાલાલ મુનશીની નવલકથાઓએ ગુજરાતી ભાષામાં પ્રચ્છન્ન રીતે સમાઈ રહેલાં આ બધાં તત્ત્વોને, પોતાની રૂપકડા આકારવાળી સૃષ્ટિ દ્વારા કદાચ પહેલી જ વાર બહાર આણ્યાં હતાં, અને એથી જેને ‘અદ્યતન’ કહી શકાય એવાં નાટકો લખવા માટેની ભૂમિકા, યોગ્ય રીતે, આ કાળ દરમિયાન સર્જાઈ ચૂકી હતી. અને એ ‘અદ્યતનતા’ માત્ર સ્વરૂપ અને કથનરીતિમાં જ સીમિત ન થઈ જાય, પણ વિચારોની - ક્રાંતિકારક લાગે એવા, આઘાત પમાડે એવા વિચારોની - ભૂમિકાની પણ પ્રવેશ પામે એ માટેનો સંયોગ પણ એ કાળ દરમિયાન રચાઈ ચૂક્યો હતો. મુનશી એ સમયના જુવાન સાહિત્યકારોના આરાધ્ય પુરુષ હતા અને ‘પ્રણાલિકાભંગ’ એમનો માનીતો વ્યવસાય હતો. એ સમયમાં ગુજરાતમાં ખૂબ જ પ્રચાર પામેલા ઇબ્સન અને શૉનાં નાટકો પણ, એમની રીતે, પ્રણાલિકાભંજક જ હતાં, અને જુવાન હૈયાં ઉપર તેમનાં વિચાર અને પ્રતિભાની અસર નિરંતર પથરાયેલી રહેતી. એ બન્ને ઉપરાંત એ વખતનો અત્યંત માનીતો ત્રીજો પરદેશી નાટ્યકાર ઓસ્કર વાઇલ્ડ તો તેનાં નાટકોનાં આલેખનમાં માત્ર પ્રણાલિકાભંગથી નહોતો અટકતો, નફટાઈ પણ આદરતો. અને એની એ નફટાઈ પાછી ધૃણા ઉત્પન્ન કરવાને બદલે તેના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરાવતી. એટલે વિચારોની, અને તેના નિરૂપણની પણ, એક નવી જ ભૂમિકા એ વખતે નાટ્યલેખન શરૂ કરવા ઇચ્છતા જુવાન લેખક માટે લગભગ તૈયાર જ હતી. એ લેખક પણ હવે બદલાઈ ગયેલી સામાજિક પરિસ્થિતિને અંગે, અને મોટાં શહેરોમાં વધારે પ્રચાર પામેલી કેળવણી અને રાજકીય અને સામાજિક જીવનના તંત્ર દ્વારા પ્રાપ્ત થતી મળવાહળવાની તકોને અંગે, સ્ત્રીપુરુષના સંબંધ વિશે પહેલાં કરતાં ઘણી વધારે છૂટથી વિચારી શકતો, અને એ વિચારોને, પોતાને કરતાં ઘણી વધારે છૂટથી વિચારી શકતો, અને એ વિચારોને, પોતાને કશુંયે નુકશાન પહોંચાડ્યા સિવાય, વાણીમાં ઉતારી પણ શકતો. વળી એકાંકીના નવીન કલાપ્રકાર દ્વારા અભિવ્યક્તિનું એક નવીન સાધન પણ તેને હાથવગું બન્યું હતું, એટલે એનાં એ પહેલાં લખાણોમાં આ બધી નવીન પરિસ્થિતિએ જન્માવેલાં બળોનો પડઘો ઝિલાય એ સ્વાભાવિક જ હતું. બટુભાઈ ઉમરવાડિયાનાં અને યશવંત પંડ્યાનાં એકાંકીઓમાં દૃષ્ટિ અને સૃષ્ટિ પરત્વે એ સ્વાભાવિક પરિણામ સ્પષ્ટ સ્વરૂપે દેખાઈ આવે છે. ગુજરાતી એકાંકીના આ પ્રથમ જન્મદાતાઓ બટુભાઈએ ૧૯૨૨માં પહેલું નાટક લખ્યું, યશવંત પંડ્યાએ ૧૯૨૩-૨૪ આસપાસ-ભાવના, વૃત્તિ, સંસ્કાર અને સ્વભાવે કંઈક કંઈક મળતા આવતા હોવા છતાં, અને પરિબળોની એકસરખી અસર સ્પષ્ટ સ્વરૂપે ઝીલતા હોવા છતાં, તેમની પછીથી આવનારાં ગુજરાતી એકાંકીઓને જુદીજુદી દિશામાં વિકસવાને માટે જાણે દિશાસૂચન કરતા હોય તે જાતની કૃતિઓ લખી ગયા છે. બટુભાઈની દૃષ્ટિ ગંભીર સાહિત્યકારની છે. તેમણે જીવન વિશે કંઈક વિચાર્યું છે, અને નાટકોની રચના દ્વારા તેમના એ ચિંતનને તેઓ સ્પષ્ટ અને ઊર્મિથી સમન્વિત થયેલો આકાર આપવા મથી રહે છે. પણ તેમને ઘણીબધી મુશ્કેલીઓ નડે છે. નાટકનો આ પ્રકાર નવો છે એટલે નવા પ્રકારમાં પહેલ કરનાર સર્જકની સ્વાભાવિક મુશ્કેલી તો તેમને નડે જ, પણ એ ઉપરાંત, એ સ્વરૂપની સાહિત્યિક ગુંજાશ તેમણે બરોબર જોઈ હોય તોયે, નાટક એ માત્ર વાંચવાની નહીં, જોવા-ભજવવાની પણ વસ્તુ છે તે તેઓ બરાબર જોઈ શક્યા લાગતા નથી. જોયું હોય તોયે, તખ્તાને અનુકૂળ થઈ રહે એવું એક્કે નાટક તેઓ ઉતારી શક્યા નથી. બટુભાઈનાં પાંચપાંચ સાતસાત દૃશ્યોમાં વહેંચાઈ જતાં, અને એ દૃશ્યો પણ નાટકની આંતરિક જરૂરિયાતમાંથી નહીં, પણ નાટ્યકારની સગવડ ખાતર જ ઊભાં કરેલાં જેમાં દેખાઈ આવતાં એવાં નાટકો, એકાંકીના સ્વરૂપનાં લક્ષણો ધરાવતાં હોવા છતાં, એકાંકીની લક્ષ્યસાધક ચોટ ભાગ્યે જ આણી શકે છે એ એમની પહેલી મુશ્કેલી. પણ એથીયે વિશેષ મોટી મુશ્કેલી તો જે ચિંતનને તેઓ સ્પષ્ટ આકાર આપવા મથી રહે છે, એ ચિંતન વિશે જ જેવો જોઈએ એવો સ્પષ્ટ ખ્યાલ તેમના મનમાં કદાચ નયે હોય એવો ભાવ વાચકનાં મનમાં પેદા થાય છે, એ છે. તેમણે કશુંક જોયું છે; એ સરસ છે, ભાવકના ચિત્તમાં સંક્રાન્ત કરવા જેવું પણ છે, અને વિચારની અને ભાવનાની અનેક મોહક શક્યતાઓ ધરાવનારું છે. વળી એની સંક્રાન્તિ કરવા માટેનાં અનેક મોહક સાધનો બટુભાઈ પાસે તૈયાર છે - સુંદર સંવાદકળા, તરવરતી રમતિયાળ ભાષા, આઘાત પમાડે તેવું કહી નાખવાની હિંમત, અને કલ્પનાશીલતા, પણ સંક્રાંત થનાર એ ચીજ, જેને લેખક માને છે કે પોતે સ્પષ્ટપણે જોઈ શક્યા છે, એ પોતે જ ધૂંધળીધૂંધળી, ઝાંખીઝાંખી, તેમને દેખાતી હોય, અને છતાં એને સંક્રાંત કરવા તેઓ મથી રહ્યા હોય તેમ લાગ્યા વગર રહેતું નથી. પણ છતાંયે એકાંકી એ બે ઘડીની રમત કરવાનું રમકડું માત્ર નહીં, પણ ગંભીર આવેગોને અને વિચારોને અભિવ્યક્તિ આપવાનું સબળ સાધન બની શકે છે એ વસ્તુ તો તેમણે તેમના પ્રયત્નોથી સિદ્ધ કરી આપી જ. અને અમુક અંશે કાચા એવા પ્રયત્નો દ્વારા પણ સચોટ રીતે બતાવી આપ્યું કે સાહિત્યનો આ નવો પ્રકાર આપણી ભાષામાં પણ સુંદર રીતે ખેડાઈ શકવાની બધીયે શક્યતા ધરાવે છે, એ તેમનું પ્રદાન જેવું તેવું નથી. વિષય અને વિચારની બાબતમાં, આમ, બટુભાઈએ એકાંકીની અનેક શક્યતાઓ તરફ આંગળી ચીંધ્યાનું પુણ્યકાર્ય કર્યું, તો સ્વરૂપની દૃષ્ટિએ સુબદ્ધ અને સુઘટિત એવું ગુજરાતી ભાષાનું પહેલું એકાંકી, ‘ઝાંઝવા’ નામનું, યશવંત પંડ્યાએ ૧૯૨૭માં પ્રગટ કર્યું. તેમાં નાટ્યોચિત પ્રયોજન વિનાનું, બટુભાઈનાં નાટકોમાં આવતું હતું તેવું, દૃશ્ય બાહુલ્ય નહોતું, પણ એ પછીનાં ઘણાંયે સમર્થ એકાંકીઓમાં જોવા મળતું, એક અંક-એક દૃશ્યવાળું રચનાચાતુર્ય હતું. ઉપરાંત સંવાદોમાં, પ્રસંગોની ગૂંથણીમાં અને નાટકને અંતે અનુભવાતી ચોટમાં કાર્યસાધકતા અનુભવાતી હોવાથી એ નાટક બટુભાઈનાં નાટકોની જેમ શિથિલશિથિલ અને વેરાઈ વેરાઈ જતું પણ નહોતું લાગતું; પણ પાછળથી આવનારાં નાટકોને, સ્વરૂપની દૃષ્ટિએ, સાચી દિશાનું સૂચન કરનાર બની જતું હતું. ‘ઝાંઝવાં’ સિવાયનાં બીજાં નાટકોમાં પણ યશવંત પંડ્યાની સ્વરૂપ વિશેની આ ઝીણી સૂઝ દૃષ્ટિગોચર થાય જ છે - એ સૂઝ માટે કદાચ, તેઓ લખતા ત્યારે જ સાથેસાથે કૉલેજોમાં નાટકો તેમનાં અને બીજાઓનાં, ભજવતાં. એનો અનુભવ પણ કારણભૂત બન્યો હોય અને એ રીતે એકાંકીના ઘાટ પામતા જતા સ્વરૂપના ઇતિહાસમાં એમનું પ્રદાન પણ ઓછું મહત્ત્વનું નથી. પણ ઘાટ ઉપરનું પ્રભુત્વ એ જો યશવંત પંડ્યાના નાટકોનો બળવાન અંશ હતો, તો વિષય અને વિચારની કદાચ છીછરાપણાની પણ હદ સુધી ચાલી જતી અગંભીરતા, એ તેમનો નિર્બળ અંશ ગણી શકાય. બટુભાઈની માફક તેમણે પણ ધર્મ અને પુરાણનાં મહાન પાત્રોને, પ્રસંગોને અને ભાવનાઓને નવી રીતે સ્પર્શ કરવાનો અને સમજાવવાનો પ્રયત્ન ‘મદનમંદિર’ વગેરે નાટકોમાં કર્યો છે, પણ બટુભાઈને જ્યાં દૃષ્ટિના ધૂંધળાપણાને અંગે સફળતા નથી મળતી ત્યાં પણ ઊંડું તાગવાનો તેમનો સબળ પ્રયત્ન તો દેખાય છે જ, જ્યારે યશવંત પંડ્યા જે જુએ છે તે સ્પષ્ટ જોઈ શકે છે, અને એ રીતે એને નિરૂપી પણ શકે છે, પણ વાચકને લાગ્યા વગર રહેતું નથી કે તેમને ઊંડાણ દેખાતું નથી, સપાટી જ દેખાય છે. પરિણામે એ જાતના પ્રયત્નો આઘાત આપીને અટકી જાય છે, દૃષ્ટિ આપતા નથી. અને એ આઘાત આપવામાં પણ તેમની દૃષ્ટિ વાચકને નવી રીતે વિચાર કરતો કરી મૂકવાની હોવા કરતાં, ‘જોયું ને, કેવા ચગાવ્યા?’ એવું કહી ખડખડ હસી, પોતાની ચાલાકી બતાવવાની હોય એવું જ વિશેષ લાગ્યા કરે છે. કદાચ, તેમની કાચી ઉંમર પણ એ માટે કારણભૂત હોય તો નવાઈ નહીં, કેમકે તેમનો જન્મ ૧૯૦૬માં થયેલો અને ૧૯૨૩માં તો તેમણે નાટકો લખવાં શરૂ કરી દીધેલાં. તેમની લખાવટની માંડણીમાં શૉની અસર સ્પષ્ટ સ્વરૂપે દેખા દે છે - શૉની જેમ લાંબીલાંબી અને ચબરાકીભરી પ્રસ્તાવના લખવાના તેમના પ્રયત્ન એના પુરાવારૂપ છે - પણ નિરૂપણમાં વાઇલ્ડની શેખીભરી પતરાજીમાં જ તેઓ ઘણી વાર અટવાઈ જતા લાગે છે. સામે પક્ષે બટુભાઈમાં પણ પતરાજી વાઇલ્ડની દેખાતી હોવા છતાં, વિષયને ઊંડેથી તાગવાની, અને હેતુગર્ભ કે ચિંતનગર્ભ કશુંક તત્ત્વ પ્રગટ કરવાની તમન્ના તો શૉ કે ઈબ્સનના અનુયાયીની જ દેખાય છે. શક્તિની ઓછપને અંગે એટલી સફળતા એમને નથી મળતી એ જુદી વાત છે. પરંતુ યશવંત પંડ્યા પણ જ્યાં આવી હેતુવિહીન હળવાશ બાજુએ મૂકી દે છે અને હૃદયની ભાષામાં વાત કરે છે - તેમનાં બાળનાટકોમાં કરે છે તેમ - ત્યાં પરિણામ અત્યંત હૃદ્ય આવે છે. ગુજરાતી ભાષામાં બાળનાટકો બહુ જ ઓછાં લખાયાં છે, પણ જે લખાયાં છે તેમાંયે યશવંત પંડ્યાનાં ‘ત્રિવેણી’ અને ‘ઘરદીવડી’નાં નાટકો સહેજે માનભર્યું સ્થાન મેળવી લે તેવાં છે. તે નાટકોમાં બુદ્ધિનાં ઊંડાણ કે મસ્તીની હળવાશની જરૂર રહેતી નથી, હૃદયના ભાવની જ જરૂર રહે છે, અને કશાયની કિંમત પોતાના મનમાં ઝાઝી ન વસી હોય એવો ભ્રમ એમનાં અન્ય નાટકોમાં ઊભો કરનાર આ લેખક હૃદયે કેટલો ભાવભીનો હતો તેનું દર્શન એ નાટકોમાં થતાં વાચકનું હૃદય ધન્ય ભાવે ભરાઈ જાય છે. બટુભાઈ ઉમરવાડિયા અને યશવંત પંડ્યાની સાથેસાથ જ ઘડાતા જતા એકાંકીના સાહિત્યની શરૂઆતના કાળમાં, પોતાનું માન પ્રેરે એવું અર્પણ કરનાર ત્રીજા નાટ્યકાર તે પ્રાણજીવન પાઠક. તેમનાં ત્રણેક નાટકો ૧૯૨૫માં ‘પ્રસ્થાન’ માસિક્માં પ્રગટ થયેલાં. એ ત્રણ ત્રણ ચારચાર દૃશ્યોમાં વહેંચાયેલાં હતાં, છતાં તેમના સાહિત્યિક ગુણોથી તેમણે સારું એવું ધ્યાન ખેંચેલું. પણ તેઓ પછી નાટકો લખતા જ બંધ થઈ ગયા અને જે લખ્યું તે પણ કદી ગ્રંથસ્થ થયું નહીં.( અનુપમ, ગૌરી અને બીજાં એકાંકીઓ’ એ નામથી ઇ.સ.૧૯૭૯માં એમનો સંગ્રહ પ્રગટ થયો છે - સંપાદક.) એટલે તેમના નામોલ્લેખ માત્રથી સંતોષ માનવો પડે છે. આમ બટુભાઈ ઉમરવાડિયા, યશવંત પંડ્યા અને પ્રાણજીવન પાઠકની ત્રિપુટીએ ગુજરાતી સાહિત્યમાં એકાંકીની સચોટ જડ નાખી દીધી, અને ૧૯૨૭-૨૮ સુધીમાં તો કલાના એ નવા સ્વરૂપને માનભર્યા સ્થાનનું અધિકારી બનાવી દીધું. પણ એને સિદ્ધિના શિખરે તો ૧૯૩૨ દરમિયાન અને તેની પછી લખાયેલાં ઉમાશંકર જોશી અને જયંતિ દલાલનાં એકાંકીઓએ પહોંચાડ્યું. આગલા લેખકોનાં એકાંકીઓમાં બુદ્ધિનો ચમકાર હતો, કલ્પનાનો વિહાર હતો, છટાદાર શૈલી અને ભભકભરી ભાષા હતી, પણ ગુજરાતના જિવાતા જીવનનો ધબકાર તેમાં નહોતો. તેમની પછી લખાયેલા કૃષ્ણલાલ શ્રીધરાણીના શોખપર્યવસાયી એકાંકી ‘વડલો’માં કવિતાનો પારસસ્પર્શ હતો, અને ‘પીળાં પલાશ’નાં તેમનાં બાળનાટકોમાં યશવંત પંડ્યાનાં બાળનાટકોથી જુદી જ જાતની છતાંયે એટલી જ હૃદયસ્પર્શિતા હતી, પણ જીવનની વાસ્તવિકતાનાં ઊંડાણોને સ્પર્શ કરનારાં, અને જીવનના મર્મને તેની બધીયે કરુણતા કે પોકળતા સહિત છતો કરનારાં એ નાટકો, સ્વાભાવિક રીતે જ, નહોતાં. પણ ઉમાશંકર જોશીનાં નાટકોની આખી દુનિયા જ જુદી હતી. બટુભાઈએ નાટકોનું લેખન શરૂ કર્યું ત્યારથી એટલે કે ૧૯૨૨થી, ઉમાશંકરે નાટ્યલેખન શરૂ કર્યું ત્યાં સુધીમાં, એટલે કે ૧૯૩૨ સુધીમાં, ગાળો તો માત્ર દસ વર્ષનો જ પસાર થયો હતો, પણ ભાવના, દૃષ્ટિ અને વિચારોની દુનિયામાં તો એ દસ વર્ષ દરમિયાન જાણે આખો એક યુગ પલટાઈ ગયો હતો. ૧૯૨૧-૨૨માં પછાડ ખાઈને મરી ગયેલી લાગતી મહાત્મા ગાંધીની માનવતાવાદી સત્યાગ્રહની ચળવળ ૧૯૩૦-૩૨માં જાણે પુનર્જીવન પામીને નવા જોમથી બેઠી થઈ ગઈ હતી, અને ગુજરાતના ભાવનાભર્યા નવજુવાન સાહિત્ય-રસિકોને તેણે આકર્ષી લીધા હતા. રશિયાની સમાનતાવાદી ક્રાંતિએ પણ આ વર્ષો દરમિયાન પોતાની સફળતા સિદ્ધ કરી દીધી હતી અને જુવાન હૈયાંને તેનું આકર્ષણ ઓછું નહોતું. વળી પરદેશથી મોટા પ્રમાણમાં આયાત થતું અને અહીં હોંશેહોંશે અભ્યાસપૂર્વક વંચાતું વાસ્તવવાદી સાહિત્ય નવા લેખકને પોતાના સર્જાનારા સાહિત્યમાં પણ વાસ્તવનું આલેખન કરવાને પ્રેર્યા વિના રહે તેમ નહોતું. અને તે ઉપરાંત એ નવા લેખકને વાસ્તવનો - ક્રૂર અને દયાહીન તેટલા જ કરુણા અને સમભાવ - પ્રેરક વાસ્તવનો - જાતઅનુભવ હતો, અને એ અનુભવને સાહિત્યમાં કલાસ્વરૂપે શી રીતે ઉતારાય તેનો તેના વાચન, મનન અને કુદરતી કલાબક્ષિસ દ્વારા પુષ્ટ થયેલા સંવેદનતંત્રને સ્પષ્ટ ખ્યાલ પણ હતો. એટલે હવે પહેલાંનાં જેવાં નાટકોનો - ભાવના કે ચિન્તનની અભિવ્યક્તિ માટે બૌદ્ધિક કે કાલ્પનિક મથામણ કરતાં બટુભાઈનાં જેવાં નાટકોનો કે સપાટી ઉપરના સત્યની હાસ્યાત્મક અભિવ્યક્તિ શોધતાં પંડ્યાનાં જેવાં નાટકોનો ખપ નહોતો રહ્યો. તેને તો વાસ્તવિકતા ઉતારવી હતી પોતાનાં લખાણોમાં, કેમકે એ કરુણ અને ક્રૂર વાસ્તવિકતા તેના માત્ર “દોષદેખા અનિષ્ટચિંતક” ભેજાની પેદાશ નહોતી, પણ જીવનની નક્કર હકીકત હતી. ૧૯૩૨ની સાલમાં વીસાપુરની જેલમાં પડ્યાંપડ્યાં લખાયેલાં અને ૧૯૩૬માં ‘સાપના ભારા’ નામના સંગ્રહ રૂપે પ્રસિદ્ધ પામતાં ઉમાશંકર જોશીનાં એકાંકીઓમાં જીવનનું એ વાસ્તવ એના ભીષણ એટલા જ કરુણ, અને તટસ્થ એટલી જ સમભાવપૂર્ણ કલાથી ચીતરાયેલા, સ્વરૂપમાં નાટ્યદેહ પામે છે. એ નાટકોની દુનિયા ગામડાંની છે - અને એય તે વળી પલટાયેલી જીવનદૃષ્ટિ અને જીવનપ્રવાહનું જ સૂચક છે - અને તેની ભાષા પણ, યોગ્ય રીતે જ, ઉત્તર ગુજરાતની લોકબોલીના સ્વરૂપની છે. આમ એકાંકીમાં પહેલી જ વાર લોકબોલીનો પ્રયોગ શરૂ થાય છે, અને એ તેની સચોટ કાર્યસાધકતાથી અસાધારણ અસર ઉપજાવે છે. ઉપરાંત, મુખ્યત્વે આ બધાં એકાંકીઓ ગામડાંની “નિર્ધનકંગાલ અધમ પતિત દુર્જનતાથી ભરેલી” સ્થિતિનું નિરૂપણ કરતાં હોવા છતાંયે આ એકાંકીઓમાં વૈવિધ્ય ભારોભાર ભર્યું છે. કરુણતા એક છે, પણ તેનો અવિષ્કાર જુદેજુદે સ્વરૂપે અને એટલીબધી જુદીજુદી પરિસ્થિતિમાં જોવા મળે છે કે એ બધાં દ્વારા ગુજરાતના જિવાતા જીવનના વિધવિધ દ્વારા સાંભળવા મળતાં ચિત્ત પરિતૃપ્તિ પામે છે, અને એકાંકીનો કલાપ્રકાર નવી જ દિશામાં આગે કદમ કરે છે. કહેવું હોય તો એમ જરૂર કહી શકાય કે ૧૯૨૨થી ૩૨ સુધી પ્રયોગોની અને અથડામણની દશામાં રહ્યા પછી ઉમાશંકર જોશીનાં નાટકો દ્વારા જ ગુજરાતમાં એકાંકી પહેલવહેલું કલાદેહ પામ્યું. એ દેહ પણ એની પહેલાંનાં એકાંકીઓનો હતો તેના કરતાં વધારે સુશ્લિષ્ટ છે, વધારે ઘન છે. વચલાં વર્ષોમાં શાળામહાશાળાઓમાં ભજવાતાં અનેક નાટકોનાં દર્શનને અનુભવે, અને પરદેશી સાહિત્યનાં એકાંકીઓના ઘાટનો વધારે સૂક્ષ્મતાથી અભ્યાસ કરવાની મળેલી તકને કારણે, અને કુદરતી સૂક્ષ્મ કલાસૂઝ અને કલાકસરને કારણે એ દેહના આકારમાં પણ આવો આવકારયોગ્ય પલટો શક્ય બન્યો હશે. સંવાદો માર્મિક છે, ઝાઝા ભાગનાં નાટકોમાં એક અંકે એક જ દૃશ્ય હોય છે. અને ન જોઈતી એક પણ વસ્તુ આ એકાંકીઓમાં ક્યાંયથી પણ પ્રવેશ પામતી દેખાતી નથી. ને છેવટની ચોટ એટલીબધી મર્મભેદી હોય છે કે આખાય નાટકની દુનિયા ઉપર ફરી પાછો અણધાર્યો પ્રકાશ પાથરી દે. એ સંગ્રહ પછી પણ ઉમાશંકરે એકાંકીનો બીજો સંગ્રહ પ્રસિદ્ધ કર્યો છે અને તેમાં વિષયવસ્તુ અને આકારનું પણ વિશેષ વૈવિધ્ય છે. પણ ‘સાપના ભારા’ના સ્વાભાવિક કલાકાર ઉમાશંકર એ નાટકોમાં વિશેષ સભાન કલાકાર બની ગયા છે એમ લાગ્યા વગર રહેતું નથી. ‘બારણે ટકોરા’ કે ‘સાપના ભારા’ કે ‘ઊડણ ચરકલડી’નું કલાસામર્થ્ય ‘શહીદ’નાં બહુ જ થોડાં એકાંકીઓમાં જોવા મળે છે. એ છતાંય જિવાતા જીવનના સંપર્ક ઝીલતાં એ નાટકો પણ ગુજરાતી એકાંકીનાં ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પણ કલાની આટલી સૂક્ષ્મ સમજ, રસની આટલી સબળ ઉત્પત્તિ અને જીવનનાં આવાં સચોટ ચિત્રણો ઉમાશંકરનાં નાટકો ધરાવતાં હોવા છતાંય, રંગમંચની દૃષ્ટિએ એ નાટકોને આદર્શ કહી શકાય કે નહીં તે એક વિચારવા જેવો પ્રશ્ન છે. તેમનાં ઘણા નાટકો તખ્તા ઉપર વારંવાર ભજવાયાં છે તોયે સાહિત્યની કલાની દૃષ્ટિએ અતિ ઉચ્ચ સ્થાન ધરાવતી આ કૃતિઓ રંગમંચની જરૂરિયાતોની દૃષ્ટિએ હજીયે વિશેષ કાર્યસાધક બની શકી હોત તેમ લાગ્યા વગર રહેતું નથી. તેનું કારણ તેમણે જ કહ્યું છે તેમ એ નાટકો “લખતી વખતે સાધારણ ગુજરાતી યુવાનને હોઈ શકે એનાથી વધારે રંગભૂમિનો અનુભવ” તેમને હતો નહીં એ, કે એ માટે તેમણે લીધી છે એથી વિશેષ કાળજીભરી દરકાર તેમણે લીધી ન હોય એ, હોઈ શકે. આમ સાહિત્યની કલાની દૃષ્ટિએ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરતાં ઉમાશંકર જોશીનાં એકાંકીઓ રંગભૂમિની દૃષ્ટિએ કંઈક ઊણાં ઊતરતાં લાગે છે, તો જયંતિ દલાલનાં એકાંકીઓ સાહિત્યની કલાની દૃષ્ટિએ કેટલીક વાર ઉચ્ચાવચ અવસ્થા પ્રાપ્ત કરતાં હોવા છતાં રંગભૂમિની જરૂરિયાતોની દૃષ્ટિએ ઉચ્ચ કોટિની કલાસાધનાવાળાં હોય છે. જયંતિ દલાલે પણ ૧૯૩૩-૩૪થી એકાંકીઓ લખવાં શરૂ કરેલાં અને ૧૯૪૧માં તેમને પહેલો એકાંકીસંગ્રહ ‘જવનિકા’ પ્રસિદ્ધ થયેલો. એ પછી ‘પ્રવેશ બીજો’ ને ‘ત્રીજો પ્રવેશ’ અને ‘ચોથો પ્રવેશ’ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. આગળનાં બટુભાઈ, પંડ્યા વગેરેનાં એકાંકીઓથી જયંતિ દલાલના એકાંકીઓ પણ જિવાતા જીવનનો ધબકાર ઝીલવામાં, અને વિવિધ સ્વરૂપે તેની અભિવ્યક્તિ કરવામાં, સ્પષ્ટ રૂપે જુદાં પડી આવે છે. ‘સાપના ભારા’માં ચીતરાયેલું જીવન ગામડાનું છે તો ‘જવનિકા’ અને એ પછીનાં દલાલનાં એકાંકીઓમાં ચીતરાયેલું જીવન શહેરનું છે. એ જીવનનાં અનેકાનેક પાસાંઓને આ નાટકો સપર્શ કરે છે. અને બહુધા કટાક્ષ, વક્રોક્તિ અને વિચક્ષણ હાસ્યનાં સાધનો દ્વારા રાજકીય, સામાજિક અને જીવનનાં અન્ય ક્ષેત્રોનાં ઉપરઉપરથી રૂપાળાં-રૂપાળાં લાગતાં સ્વરૂપ પાછળ છુપાઈ રહેલાં અહમહમિકા, દંભ અને પોકળને છતાં કરે છે. ગુજરાતી એકાંકીઓમાં સહેતુક જીવનદૃષ્ટિની કલાત્મક પહોંચ કેટલી કાર્યસાધક નીવડી શકે એનું આ એકાંકીઓ સબળ દૃષ્ટાંત પૂરું પાડે છે. દલાલ ઝાઝે ભાગે હાસ્ય, કટાક્ષ અને વક્રોક્તિનો આશ્રય લઈને એમનાં નાટકોની રચના કરે છે. છતાં એ બધાં પાછળ પણ જીવનનાં વિશાળ અને વિધવિધ અંગો અને અંશો પાછળ છુપાયેલા કરુણ અને અન્ય રસોનું તેમનું દર્શન, અને તેનું સમભાવભર્યું નિરૂપણ કરવાની નેમ, અછતી રહેતી નથી. એટલે તો એમની એકાંકીસૃષ્ટિનું આકર્ષક વૈવિધ્ય ઊડીને આંખે વળગે છે, અને આપણા જીવનના, એમની પહેલાંના અસ્પૃષ્ટ ભાગોને સામર્થ્યપૂર્વક સ્પર્શ કરતું એ દેખાઈ આવે છે. એમ કરવામાં તેમના ચમકદાર સંવાદો અને રંગભૂમિની જરૂરિયાતોનો અને એકાંકીના કલાસ્વરૂપનો તેમનો સ્પષ્ટ ખ્યાલ તેમને અત્યંત મદદરૂપ થઈ પડે છે. પણ છતાંયે તેમના આ બળવાન અંશો જ ઘણી વાર મર્યાદા રૂપે તેમને નડતર પણ કરે છે. ચમકદાર સંવાદો કોઈક વાર પોતાની ચમત્કૃતિ સાધવામાં વસ્તુને આગળ વધતી અટકાવતા લાગે છે, તો વક્રકથનનો તેમનો બહુધા સાર્થ બની જતો ઉપયોગ, કોઈક વાર તેમને પોતે જ દગો દેતો લાગે છે અને કશો સરખો સમજાય એવો અર્થ સ્પષ્ટ કરતો દેખાતો નથી. ઉપરાંત, રાજકારણ અને સામાજિક જીવનના અતિ આગ્રહી કાર્યકર્તાની સહેતુક દૃષ્ટિ પણ કોઈક વાર એમના કટાક્ષમાં અનભિપ્રેત અનિષ્ટ કડવાશ લાવી દે છે, અને તેમના એકાંકીને સર્વાંગસપૂર્ણ કલાકૃતિ - જે કૃતિ પોતે જ પોતાનો હેતુ સંપૂર્ણપણે પોતામાં સમાવી બેઠી હોય એવી કલાકૃતિ - બનાવી દેવાને બદલે કશાક હેતુથી સજાગ અભિવ્યક્તિ માટેના એક સાધન તરીકે વપરાયેલી કૃતિ જેવું બનાવી દે છે. પણ એ બધી તો દલાલની કૃતિઓની વિષયવસ્તુ વગેરેની વાતો થઈ. દલાલનાં એકાંકીઓનું સૌથી મોટું અર્પણ એકાંકીના સ્વરૂપ વિશેના તેમના સાચા ખ્યાલોને વિધવિધ પ્રયોગો દ્વારા ગુજરાતી સાહિત્યમાં મૂર્ત રૂપ આપી એકાંકીના કલાપ્રકારને અવનવા ઘાટોથી તેમણે વિભૂષિત કર્યો છે એ છે. ઘાટની કશીયે કૃત્રિમ મર્યાદામાં એકાંકીને સીમિત થતું તેમના અખતરાઓ દ્વારા તેમણે અટકાવી દીધું છે. પ્રકાશયોજનાની વિધવિધ કરામતો દ્વારા, રંગમંચને વિધવિધ ભાગોમાં વહેંચી દઈ અનેક દૃશ્યો એક જ દૃશ્યમાં વહેંચી દેવાના તેમના પ્રયોગો દ્વારા, એકી સાથે અનેક ચીજોને રંગભૂમિ ઉપર એમનાં વિધવિધ સ્વરૂપે રજૂ થઈ જવાની તક મળે એવી પ્રસંગોની વિધવિધ ગૂંથણી દ્વારા અને રંગભૂમિના તંત્ર વિશેની સાચી સમજણ દ્વારા તેમણે એકાંકીને એવું સ્થાયી જીવન બક્ષી દીધું છે કે તે મારફત થયેલી તેની કાયાપલટ તેને અનેક વર્ષો સુધી આકર્ષક આકારના વળાંકો લેતું કરી દઈ શકે. પણ સમયના આ ગાળામાં - ઉમાશંકર અને દલાલનાં એકાંકીઓના ગાળામાં - માત્ર તેમની બેની જ કલમો દ્વારા ગુજરાતી સાહિત્યમાં એકાંકીઓ ઉતર્યાં છે એવું નથી. અવેતન રંગભૂમિના ઉત્કર્ષમાં અને લઘુ નાટકોની નવી રીતની રજૂઆતના ક્ષેત્રમાં ચંદ્રવદન મહેતાનું અર્પણ મહત્ત્વનું છે. પચીસથી સાડત્રીસ સુધીમાં તેમણે અનેક નાટકો લખ્યાં છે અને ભજવ્યાં છે, પણ કમભાગ્યે તેમની કલમમાંથી જેને શુદ્ધ એકાંકી કહેવાય એવી રચનાઓ ઓછી નીકળી છે. ફાર્સનું રૂપ ધરતો હાસ્યનો પ્રકાર એમને વધારે ગોઠે છે અને તેમાં ‘દેડકાંની પાંચશેરી’ અને ‘ધારાસભા’ જેવાં યાદગાર એકાંકીઓ તેમણે તેમનાં એ વર્ષોના લેખનકાળ દરમિયાન સર્જયાં. પાછળથી ‘પ્રીત ભઈ’ જેવું એકાંકી પણ તેમણે લખ્યું છે એ એક આનંદદાયક હકીકત છે. ઉપરાંત દુર્ગેશ શુક્લે ‘પૃથ્વીનાં આંસુ’ના તેમનાં કવિત્વમય અને લોકબોલી તેમજ શિષ્ટબોલીનો સમુચિત ઉપયોગ કરતાં ભાવનામય એકાંકીઓ પણ સમયના એ ગાળામાં જ લખ્યાં છે. કનૈયાલાલ મુનશીએ નાટકો તો ઘણાં લખ્યાં, પણ એકાંકી એકે ન લખ્યું, પણ રમણલાલ દેસાઈએ ઘણાં એકાંકી લખ્યાં, અને તેમાંનાં ઘણાં રંગમંચ પર આકર્ષક રીતે રજૂ પણ થયાં. ધનસુખલાલ મહેતાએ પરદેશી એકાંકીઓનાં અનુવાદ-રૂપાંતરો પણ કર્યાં અને પોતાનાં થોડાં મૌલિક એકાંકીઓ પણ આ ગાળા દરમિયાન બહાર પાડ્યાં. આ બધી વિગતો એકાંકીના કલાપ્રકારે ગુજરાતી સાહિત્યના સર્જકસમુદાય પર પોતાની કેવી જબરી પકડ જમાવી છે એ હકીકતની દ્યોતક છે. ૧૯૩૦-૩૨ના ગાળામાં રામનારાયણ પાઠક જેવા સમર્થ સાહિત્યકાર પણ ‘દેવી કે રાક્ષસી’ કે ‘કુલાંગાર’ જેવાં એકાંકી લખવા લલચાયા હતા, અને એ પછીના કાળમાં ધૂમકેતુ કે મેઘાણી જેવા ધુરંધર વાર્તાકારે પણ એકાંકીનો એક-એક સંગ્રહ આપવા પ્રેરાયા હતા - તેમની પ્રતિભાના વિસ્તારનું ક્ષેત્ર જુદું રહ્યું એટલે એમને એમાં એમની શક્તિને અનુરૂપ સફળતા ન મળી શકી એ વાત સ્વીકારવી રહી - અને કવિ સુંદરમે તો ‘કાદવિયાં’ જેવું સમર્થ એકાંકી સર્જ્યું હતું, એ હકીકત પણ આ સુંદર કલાપ્રકારનું અવનવું આકર્ષણ જ સિદ્ધ કરે છે. ઉમાશંકરે ઉત્તર ગુજરાતની લોકબોલીમાં લખેલાં એકાંકીઓએ તે પ્રદેશનો એક આખો માનવસમુદાય ઊભો કરી દીધેલો, તો છેલ્લાં થોડાં વર્ષોમાં ચુનીલાલ મડિયાએ સૌરાષ્ટ્રની લોકબોલીમાં લખેલાં એકાંકીઓએ સૌરાષ્ટ્ર પ્રદેશનો આખો એક માનવસમુદાય ઊભો કરી દીધો છે. એ માનવસમુદાયને પોતાનાં સુખદુઃખ છે, ગમાઅણગમા છે, હર્ષશોક છે, વીરત્વ છે, કાયરતા છે અને અનેક ભાવોની રમણામાં એ પોતાનું જીવન વિતારી રહ્યો છે. મડિયાનાં એકાંકીઓમાં એ બધાયે ભાવો ઉચ્ચારણ પામે છે. અને એ આખોયે માનવસમુદાય જીવતો-જાગતો, હરતો-ફરતો થઈ જાય છે. સૌરાષ્ટ્રની લોકબોલી ઉપરનું તેમનું પ્રભુત્વ અને ત્યાંની સામાન્ય જનતાના વિધવિધ થરના લોકોના અંતરંગમાં પ્રવેશ પામી જઈ તેમને જીવતા-જાગતા ચિત્રિત કરી દેવાની તેમની સર્જનશક્તિ એ સુભગ પરિણામ લાવી શકે છે. વળી આ બધાં વર્ષો દરમિયાન એકાંકીના સ્વરૂપ વિશેના ખ્યાલો પણ વિશેષ સ્થિર થયા હોવાને અંગે, અને વારંવાર અને વિધવિધ સ્થળોએ અભિનયપટુ નટનટીઓને હાથે એકાંકીઓની રજૂઆત થતી રહેતી હોવાને અંગે, તેના ઘાટ બાબતમાં પણ હમણાંના લેખકને પહેલાંના લેખક કરતાં ઘણી ઓછી મુશ્કેલી અનુભવવી પડે છે. મડિયાના એકાંકીઓમાં, એ રીતે ઘાટની દૃષ્ટિએ પણ કશું કહેવાપણું રહેતું નથી - જોકે ઝાઝો ભાગે તેમનાં એકાંકીઓ એક સ્થિર કાર પામેલા ઘાટમાં જ પોતાનું વક્તવ્ય રજૂ કરે છે એટલે એ બાબતમાં ખાસ કશું કહેવાપણું રહે પણ નહીં. પણ આનો અર્થ એમ નથી કે મડિયાએ માત્ર સૌરાષ્ટ્રના જીવનનાં જ એકાંકીઓ લખીને સંતોષ માન્યો છે. તેમણે એકાંકીના આકાર બાબતમાં ભલે એટલું વૈવિધ્ય ન વાપર્યું હોય, પણ વિષયવસ્તુ અને તેની રજૂઆત બાબતમાં તો અનેક પ્રયોગો કર્યાં છે. મડિયાનાં એકાંકીઓની ખામી હોય તો તે વસ્તુ, વિષય કે રજૂઆત બાબતની નહીં, પણ એ બધાં દ્વારા જે વ્યંજના તેઓ ધ્વનિત કરવા માગે છે તે અંગેની છે. એ અંગે ઘણી વાર એમ લાગ્યા વગર નથી રહેતું કે આખા નાટકના વિભાવન અંગે અને તેમાં આવતાં પાત્રોના મનોભાવોનાં સંચલન અંગે તેમના મનમાં કશીક ઝાંખીઝાંખી અસ્પષ્ટતા રહી જતી હોય તો નવાઈ નહીં. તેમના ભાથામાં તીરો એટલાંબધાં ભરેલાં છે કે એક વખત સૃષ્ટિ ઊભી કરવાની શરૂઆત કરી દીધા પછી સંવાદોની ચમકમાં, પ્રસંગોની રમઝટમાં અને કારીગરીની તીરંદાજીમાં તેઓ એટલાબધા ઓતપ્રોત થઈ જાય છે કે એ સૃષ્ટિના મુખ્ય સંચાલક બળને વીસરી જવાય. એને અંગે એ સૃષ્ટિમાં હલનચલન કરતાં પાત્રો જીવતાં-જાગતાં હોવા છતાં અને તેમાં આવતા પ્રસંગો, સંવાદો વગેરે તેમના સામર્થ્યને અંગે આકર્ષક હોવા છતાં, કલાકૃતિ તરીકે એ સૃષ્ટિ તેને મળવું જોઈતું એકત્વ, અને એ એકત્વ સાથે જ અનિવાર્ય રીતે જોડાયેલું સૌંદર્ય પ્રાપ્ત કરતી રહી જાય. મડિયાનાં એકાંકીઓમાં મુખ્યત્વે ગામડાંનો માનવસમુદાય આવે છે, તો શિવકુમાર જોશીનાં એકાંકીઓમાં શહેરોનો મધ્યમવર્ગીય માનવસમુદાય આવે છે. દલાલે સર્જેલી શહેરની સૃષ્ટિ કરતાં શિવકુમારની શહેરની સૃષ્ટિ જુદી જાતની છે. કટાક્ષ અને મર્મવેધક વક્રકથન દ્વારા દલાલ માનવજીવનમાં ડગલે ને પગલે ડોકાઈ રહેલાં દંભ, પોકળ, સ્વાર્થ અને લાલસાને ઉઘાડાં પાડવા વારંવાર મથી રહે છે, પણ શિવકુમારને એવું કરવું અભિપ્રેત નથી. તેઓ ઘણીબધી વાર આ મધ્યવર્ગના માનવસમુદાયને પ્રેરી રહેતા મુગ્ધ પ્રેમ, સૌંદર્ય અને સેવાના સાત્વિક ભાવોને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. અને એટલે એમનાં નાટકોમાં રોમેન્ટિક ભાવના સેવતાં યુવકયુવતીઓ, તેમનાં મસ્ત તોફાન અને મુક્ત હાસ્ય તથા અન્ય સેવાભાવી અને સમજદાર માનવોનો સમુદાય વારંવાર દેખા દે છે. માનવનિર્બળતા, દંભ કે દુષ્ટતાનું પણ તેમનાં એકાંકીઓમાં આલેખન થતું નથી એવું નથી. પણ જ્યાંજ્યાં એ થાય છે ત્યાં પણ નિર્દેશ હાસ્યના અને વીંધે નહીં એવા કટાક્ષના આલેખન દ્વારા જ એ થાય છે, અને એટલે એમનાં નાટકો વાચકના ચિત્ત ઉપર સુંવાળા સદ્દભાવની છાપ વારંવાર આંકી જાય છે. સુંદર મર્માળા શિષ્ટ ગુજરાતીમાં આલેખાયેલા ચમકદાર સંવાદો, મુગ્ધ પ્રણયના અને યૌવનસુલભ બીજા અનેક આકર્ષક ભાવોનું સમભાવ અને સમજણપૂર્વકનું આલેખન, અને જિવાતાં જીવનનાં અનેક પાસાંઓનું વૈવિધ્યભર્યું નિરૂપણ શિવકુમારનાં એકાંકીઓના સબળ અંશ છે. વળી એકાંકીના સ્વરૂપ પ્રત્યે પણ તેમને વિધવિધ, અલબત્ત બહુ મુશ્કેલ નહીં એવા, પ્રયોગો કરવાનો શોખ છે, અને એ પણ એમના ગુણપક્ષે જ છે. પણ શિવકુમારના ગુણો જેમ સ્પષ્ટ સ્વરૂપે બહાર તરી આવે છે તેમ તેમની મર્મયાદાઓનું દર્શન પણ એટલા જ સ્પષ્ટ સ્વરૂપે તરત થઈ શકે એમ છે. તેમનાં નાટકોમાં સંવાદનું ચાતુર્ય એટલું હોય છે કે નાટકને અનિવાર્ય એવો સંઘર્ષ તેમાં કેટલીક વાર જોવા નથી મળતો; અને એટલે, બીજી રીતે આકર્ષક કૃતિ બની હોવા છતાં, એમાં નાટકના તત્ત્વોની ખામી સ્પષ્ટ સ્વરૂપે દેખાઈ આવે છે. ઉપરાંત એ સંવાદો અનિવાર્ય રીતે કાર્ય તરથ ગતિ કરતા જ હોય એવું પણ ન બનતું કેટલીક વાર દેખાઈ આવે છે. અને એકાંકીમાં તો એકેએક શબ્દ કાર્ય તરફ નાટકને ઢસડી જતો હોય ત્યારે જ તે શબ્દનું સાર્થક્ય ગણાય. અભિનયક્ષમ તો એમનાં નાટકો, એ છતાં પણ હોય જ છે, અને વારંવાર રંગભૂમિ ઉપર એ રજૂ થાય છે એ જ એમની અભિનયક્ષમતાનો પુરાવો છે; પણ મુગ્ધ દૃષ્ટિએ કરેલું આલેખન ઘણું મર્યાદા તેમની દૃષ્ટિમાં જોઈએ તેટલાં ઊંડાણની ઓછપ છે. આ છેલ્લાં વર્ષોમાં બીજાયે અનેક લેખકોએ કલાના આ સુંદર પ્રકારને સમૃદ્ધ કરવામાં પોતપોતાનો યથાશક્તિ ફાળો આપ્યો છે. અને એ રીતે ગુજરાતના પ્રજાજીવનના ખંડેખંડને ફાળો આપ્યો છે. અને એ રીતે ગુજરાતીના પ્રજાજીવનના ખંડેખંડને એના સ્પર્શથી પ્રકાશિત કરી દીધો છે. પન્નાલાલ પટેલે બે કે ત્રણ જ છતાં કલાની મહેંકથી મહેંકી રહેતાં એકાંકીઓ આપીને, પુષ્કર ચંદરવાકરે તેમને પ્રિય એવા વિષયોને લોકબોલીના માધ્યમ દ્વારા એકાંકીના સ્વરૂપમાં સરસ રીતે ગૂંથી લઈને - છેલ્લેછેલ્લે તો તેમણે સૌરાષ્ટ્રના સાગરકાંઠાના જીવનને તેમના એક એકાંકીમાં વણી લીધું છે. એ વળી નવી દિશામાં એકાંકીને કદાચ વહેતું પણ કરે - યશોધર મહેતા અને કરસનદાસ માણેકે પોતપોતાની આગવી અને અનનુકરણીય રીતે તેનાં એકાંકીઓ આલેખીને, ફિરોઝ આંટિયાએ તખ્તા વિશેની અદ્ભુત આવડતવાળાં પારસી જીવનનાં હાસ્ય અને સમભાવભર્યાં એકાંકીઓ લખીને, અને પ્રબોધ જોશી અને પ્રાગજી ડોસાએ પોતપોતાની વિશિષ્ટ શૈલીનાં નાટકો આપીને, ગુજરાતી સાહિત્યના એકાંકીવિભાગને વહેતો રાખ્યો છે. ઉમેશ કવિનાં મૌલિક એકાંકીઓ, અશોક હર્ષનાં સમર્થ રૂપાંતરો અને અન્ય લેખકોનાં એકાંકીઓ પણ એ પ્રવાહમાં પોતપોતાનું અર્પણ આપતાં રહ્યાં છે એ ઓછા આનંદની વાત નથી.

[‘ગુજરાતીનાં એકાંકી’, ૧૯૫૮; ‘રૂપસૃષ્ટિમાં’, ૧૯૬૨]