એકાંકી અને ગુજરાતી એકાંકી/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

‘ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા’ની પેઠે આ ગ્રંથમાં પણ લગભગ બધાં લેખો ઓછે વત્તે અંશે ટૂંકાવવામાં આવ્યા છે. શ્રી જશવંત શેખડીવાલાના લેખમાં તો, ત્યાં દર્શાવ્યા પ્રમાણે, બે લેખનું થોડુંક સંકલન છે અને શ્રી મહેશ ચોકસીના લેખમાં ભાષાશૈલીનું સ્વલ્પ પરિમાર્જન પણ છે. લેખકોની ઉદાર સંમતિથી જ આ થયું છે. એટલું જ નહીં, અનુભવ તો એવો છે કે લેખકો આ સ્વાધ્યાયશ્રેણીની સંપાદનપદ્ધતિની આનંદપૂર્વક કદર કરે છે. ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા’ની જે થોડીક સમીક્ષાઓ થઈ છે તેમાં પણ એ ગ્રંથના સંપાદનકર્મની પૂરી કદર બૂઝવામાં આવી છે, પણ ક્યાંક, આ જાતની સંપાદનપદ્ધતિ અનુસરવા જેવી કે કેમ એ વિશે શંકા પણ વ્યક્ત થઈ છે. આ સંપાદનપદ્ધતિ વિશે, તેથી જ, અહીં થોડી સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે. આ શ્રેણીના ગ્રંથો સંદર્ભગ્રંથોની ગરજ સારવા નિર્માયેલા છે, સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને અન્ય અભ્યાસીઓને મહત્ત્વની સામગ્રી હાથવગી કરી આપવી એ એની નેમ છે. મૂળ લેખો બધા એક કક્ષાના ન જ હોય; વળી અમુક સમયે, અમુક પરિસ્થિતમાં, અમુક પ્રયોજનથી એ લખાયા હોય. આ ગ્રંથશ્રેણીના હેતુને ધ્યાનમાં રાખીને એમાંથી તારવણી કરવાની રહે જ. જેમ ઉપયોગી-નિરુપયોગી લેખની તારવણી થાય, તેમ લેખના પણ ઉપયોગી-નિરુપયોગી અંશોની તારવણી થઈ શકે. વળી એક જ વિષયના અનેક લેખોમાં ઘણી સમાન સામગ્રી હોય. અને અહીં લેખકોને નહીં, સામગ્રીને કેન્દ્રમાં રાખવાનું ઈચ્છ્યું છે. તેથી લેખની સળંગસૂત્રતાને હાનિ ન થાય તેવી રીતે પુનરાવર્તન ટાળવાનું આવશ્યક બની જાય. જ્યાં જે મુદ્દો વધારે વિગતથી, ઊંડાણથી ચર્ચાયેલો હોય ત્યાં તે રાખી, બીજે જ્યાં એ અછડતો સ્પર્શાયેલો હોય ત્યાં એને બાદ કરી શખાય. કોઈપણ ગ્રંથમાં પાનાંની મર્યાદા તો હોય જ. એટલે તારવેલી સામગ્રી આપીએ ત્યારે વધારે સામગ્રી આપવાની તક સાંપડે છે, એ પણ લક્ષમાં રાખવું જોઈએ. મૂળ લેખ જ્યાં છે ત્યાં છે જ. એને કોણ ખસેડી શકે? અમુક પ્રયોજનને અનુલક્ષીને સામગ્રી સંપાદિત કરવામાં આવે એથી મૂળ લેખને કોઈ હાનિ ન હોવી જોઈએ. પણ આપણે ત્યાં એક તો, સંપાદનનો સિદ્ધાંત જ કંઈક અળખામણો છે; પશ્ચિમમાં, શ્રીધરાણીએ એક વખત નોંધ્યું છે કે, ભલભલા લેખકોના લેખો સામયિકોમાં સંપાદિત થઈને પ્રગટ થતા હોય છે. પુસ્તકપ્રકાશકો પાસે પણ નિષ્ણાત સંપાદકો હોય છે. અને એક જ વિષય પર વિવિધ હેતુથી અને વિવિધ દૃષ્ટિબિંદુથી થયેલાં સંપાદનો ઢગલાબંધ પ્રાપ્ય હોય છે. ‘ચૉમ્સ્કી : સિલેક્ટેડ રીડિંગ’ (સં. ઍલન અને બુરેન, ઑક્સફર્ડ, ૧૯૭૧) આ દૃષ્ટિએ જોવા જેવું છે. સંપાદકોએ ચૉમ્સ્કીના વિવિધ ગ્રંથોમાંથી એના ભાષાવિચારમાં પ્રવેશ કરાવે એવી સામગ્રી લઈ પોતાને ઇષ્ટ ક્રમમાં ગોઠવી છે. જરૂર લાગી ત્યાં સંપાદકીય નોંધ પણ ઉમેરવામાં આવી છે. ચૉમ્સ્કીના શબ્દોમાં ચાલતા લખાણમાં પણ વચ્ચેથી સહેજસાજ છોડ્યું હોય અને ફકરાઓને સાંધી દીધા હોય એવું ઘણી વાર બન્યું છે અને સંપાદકોએ એને માટે કોઈ નિશાનીઓ કરવાનું ઇષ્ટ ગણ્યું નથી. ઇતરજનને ચૉમ્સ્કીના ભાષાવિજ્ઞાનનાં મૂળતત્ત્વોમાં સરળતાથી લઈ જવાનું કરતા નાનકડા ગ્રંથમાં આ સંપાદનપદ્ધતિ કેટલી સાર્થક છે એ એને જોનાર જ સમજી શકે. સમીક્ષકોએ ગમે તે માણસ દ્વારા આ સંપાદનપદ્ધતિનું અનુસરણ થાય એના જોખમનો નિર્દેશ કર્યો છે. એક તો, ગમે તે માણસ આ સંપાદનપદ્ધતિને અનુસરે નહીં, કેમકે એ શ્રમભરી છે. બીજું ગમે તે માણસ કોઈપણ કામ કરે એમાં જોખમ હોવાનું; કામ નબળું હોય ત્યાં બેધડક કહી શકાય, પણ એટલા માટે ઉપયોગી લાગતી સંપાદનપદ્ધતિને આવકારવામાં સંકોચ શા માટે અનુભવવો? સામાન્ય રીતે આ જ વિષયના સળંગસૂત્ર સ્વયંસંપૂર્ણ ગ્રંથમાંથી કોઈ અંશ લેવાની મારી પદ્ધતિ નથી કેમકે એવો ગ્રંથ આ સંપાદનગ્રંથની સાથે જ ઊભો રહી શકે. પણ આ વખતે શ્રી નંદકુમાર પાઠકના ‘એકાંકી : સ્વરૂપ અને સાહિત્ય’ એ પુસ્તકમાંથી અંશો લઈને અપવાદ કર્યો છે, બે કારણો હતાં : એક તો, પુસ્તક ઘણા સમયથી અપ્રાપ્ય છે અને બીજું, રેડિયો-નાટિકા જેવા વિષયની પૂર્તિ બીજી કોઈ રીતે સારી રીતે થઈ શકે એમ ન લાગ્યું. આ વખતે પણ સામયિકોમાં પડેલી બધી સામગ્રી જોઈ શકાઈ નથી એમ કહેવાવારો આવે છે એ દુઃખદ છે. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાનીમાં, જ્યાં વિદ્યાપીઠ અને વિદ્યાસભાનાં જેવાં જૂનાં ગ્રંથાલયો હોય, કોપીરાઈટ વિભાગ હોય, ગુજરાતની મોટામાં મોટી યુનિવર્સિટી હોય, અનેક નાટ્યસંસ્થાઓ કામ કરતી હોય ત્યાં રંગભૂમિ અને નાટ્યને લગતાં બધાં જૂનાં સામયિકો જોવા પણ ન મળે એ કેવું? એક કેન્દ્રિય સામયિક-લાયબ્રેરીની જરૂરિયાત હવે તીવ્રપણે વરતાય છે. છતાં પર્સિવલ વાઇલ્ડ તથા કોઝલેન્કોનાં અપ્રાપ્ય પુસ્તકો અનુક્રમે હ. કા. કૉલેજ અને ગુજરાત કૉલેજ ગ્રંથાલયમાંથી મળ્યાં તેનો અતિ આનંદ છે. ત્યાંના મિત્રોનો આભારી પણ છું. લેખકોના પ્રેમભર્યા સહકાર વિના તો આ કામ જ કેમ થાય? શ્રી દિનેશ કોઠારીએ ખાસ મારે માટે શ્રમ ઉઠાવ્યો. એ સૌનો હું અત્યંત ઋણી છું. ઉત્તમ મુદ્રણ માટે મધુ પ્રિન્ટરીના કારીગર ભાઈઓ અને શ્રી ભીખાભાઈને ધન્યવાદ ઘટે છે. અંગ્રેજી નામો-શબ્દોની જોડણી, થોડી બાંધછોડ સાથે, ડેનિઅલ જોન્ઝ પ્રમાણે રાખવા કોશિશ કરી છે. તેથી જ અહીં ‘બર્નાર્ડ’ને બદલે ‘બર્નર્ડ’ વગેરે જોવા મળશે.

જ્યંત કોઠારી ૧૬ ઓક્ટોબર, ૧૯૭૯ ૨૪, સત્યકામ સોસાયટી, અમદાવાદ ૩૮૦૦૧૫