એકાંકી નાટકો /કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

એકાંકી નાટકો : બાળ નાટકો સિવાયનાં શ્રીધરાણીનાં 10 એક-અંકી નાટકોમાં 9 ટૂંકી કૃતિઓ રંગદર્શી ભાવનાશીલતાને પાત્રો વચ્ચેના સંવાદોથી આલેખે છે ને એ વિશેષે રેડીઓ નાટકની શ્રાવ્યતાનો ગુણ ધરાવે છે, અને એક દીર્ઘ એકાંકી પિયો ગોરી વાસ્તવના રસપ્રદ કથાનકથી ને તિર્યક આલેખનથી રંગભૂમિ-ક્ષમતા ધરાવે છે. ‘કેતકી’, ‘ડુંગળીનો દડો’, ‘ડૂસકું’ — એ કૃતિઓમાં જે પ્રેમ-કથન બલકે પ્રેમ-સંવેદન છે એ ન્હાનાલાલીય ભાવ-સંવેદનની લચકવાળું છે. અને એમાં જે રસપ્રદ કલ્પનાશીલતા છે એ વિશેષે કાવ્યાત્મક છે. ‘વૃષલ’, ‘બહારનો અવાજ’, તથા ‘પ્રાંગણ અને પછીત’ — એ 3 નાટકોમાં લેખકે અસ્પૃશ્યતાની સમસ્યાનાં જુદાંજુદાં પાસાંને નિરૂપ્યાં છે. એમાં ગાંધીયુગીન વિચાર-ભાવનાનો સૂર પણ સંભળાય છે. રંગભૂમિક્ષમ બનેલા ને એ કારણે ત્યારે વખણાયલા એકાંકી ‘ઝબક જ્યોત’માં બાળવયના રાષ્ટ્રપ્રેમી દીકરાની શહીદીને કારણે સરકારી અમલદાર પિતાનું હૃદય-પરિવર્તન નિરૂપાયું છે એ ગાંધીયુગી વિચાર-ભાવનાનો જ પ્રભાવ બતાવે છે. ‘પિયો ગોરી’ 1946માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. (લખાયેલું તો1934 પહેલાં). એ સમયની એક નોંધપાત્ર પ્રયોગલક્ષી કૃતિ તરીકે એ શ્રીધરાણીની એક કીતિર્દા કૃતિ બનેલી. વાસ્તવની ભોંય પર ટકી રહેતું આ નાટક એની પાત્રોચિત ને સહજ બોલચાલની ભાષાથી પણ રસપ્રદ બને છે. ભાષામાં જે વાગ્મિતા છે એ જૂની રંગભૂમિની ભાષાશૈલીને યોજતી યુક્તિ તરીકે આવે છે. ઘટના જૂની નાટકકંપનીનાં પાત્રોવાળી હોવાથી નાટકમાં નાટક એવા બે સ્તરે રહેતું આ એકાંકી દિલચશ્પ બને છે. આજનો કોઈ દિગ્દર્શક પણ એને અજમાવે તો એ સફળ પ્રયોગ બની શકે.

શ્રીધરાણીની આવી વિલક્ષણ નાટ્યકૃતિઓમાં એક ભાવક તરીકે આપણે હવે પ્રવેશીશું ને?

— રમણ સોની