એકોત્તરશતી/૮૯. જન્મદિન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જન્મદિન


આજે મારો જન્મદિન. એ હમણાં જ પ્રાણની સીમા પર ડૂબકી મારીને, મરણ પાસેથી મુક્તિપત્ર લઈને વિલુપ્તિના અંધકારમાંથી, ઉપર આવ્યો છે. કોણ જાણે શાથી, મનમાં થાય છે જે પુરાણા વરસની ગ્રન્થિથી બાંધેલી જીર્ણ માળા ત્યાં છિન્ન થઈ ગઈ છે; આજે નવા સૂત્રે નવો જન્મદિવસ ગૂંથાઈ રહ્યો છે. જન્મોત્સવે આ જે આસન પાથર્યું છે ત્યાં હું તો કેવળ યાત્રી છું, રાહ જોઈશ ને નૂતન અરુણરેખા જ્યારે પ્રવાસ માટે ઇશારો કરશે ત્યારે મૃત્યુને જમણે હાથે તિલક કરાવીશ. આજે જન્મદિન અને મૃત્યુદિન પાસે પાસે આવ્યા છે; એકાસને બંને બેઠા છે; મારા જીવનની સીમાએ બંને પ્રકાશ મોઢામોઢ મળ્યા છે; રજનીના ચન્દ્ર અને પ્રભાતના શુક્રતારકની જેમ—એક મંત્રે બંનેની અભ્યર્થના. હે પ્રાચીન અતીત, તું તારો અર્ધ્ય નીચે ઉતાર; અરૂપ પ્રાણની જન્મભૂમિ, ઉદયશિખરે એના આદિ જ્યોતિને જો. મને આશીર્વાદ દે કે તૃષાતપ્ત દિગન્તરમાં માયાવિની મરીચિકા અદશ્ય થઈ જાઓ! કંગાળની જેમ આસક્તિની છાબડી મેં ભરી હતી- એ અશુચિ સચયપાત્રને ખાલી કર, ભિક્ષાની મૂઠી ધૂળમાં પાછી લે, યાત્રાની નૌકામાં જતાં જતાં પાછું વાળીને ફરી ફરી આર્ત ચક્ષુએ જીવનભોજનના છેલ્લા ઉચ્છિષ્ટના ભણી હું ટગર ટગર જોયા ન કરું. હે વસુધા, તું સદા મને સમજાવતી રહી છે—જે તૃષ્ણાએ, જે ક્ષુધાએ તારા સંસારરથને હજારોની સાથે બાંધીને મને રાતદિવસ સ્થૂલ સૂક્ષ્મ અનેક પ્રકારના દોરથી અનેક દિશામાં અનેક માર્ગે ખેંચાવ્યો છે તેનો અર્થ આજે, મુક્તિની ગોરજવેળાના તન્દ્રાળુ પ્રકાશમાં, ઓછો થઈ ગયો છે. તેથી જ તો હે કૃપણા, ધીમે ધીમે તું મારી શક્તિને પાછી લઈ રહી છે, સ્વચ્છ પ્રકાશને આંખ અને કાનથી દૂર સરાવતી જાય છે; દિવસે દિવસે તું મને કયા નિષ્પ્રભ નેપથ્ય તરફ ખેંચી રહી છે? તારે મન હવે મારું પ્રયોજન ઘટી ગયું છે. આથી જ તું મારા મૂલ્યનું હરણ કરી રહી છે; મારા કપાળ પર વર્જિતની છાપ મારે છે. પણ હું જાણું છું કે તારી અવજ્ઞા મને દૂર ખેંચીને ફેંકી દઈ શકવાની નથી. જે તારા કામનો નથી તેને તારા અંતિમ નમસ્કારે ચરમ સમ્માન દેવું પડશે. જો તું મને પંગુ કરશે, આંધળા જેવો કરી નાંખશે, નિઃશક્તિની સાંધ્ય છાયામાં છુપાવી રાખશે, વાર્ધક્યની જાળમાં બાંધી રાખશે તોય ભાંગેલા મંદિરની વેદી પર પ્રતિમા તો ગૌરવપૂર્વક અખંડ રહેશે—એને છીનવી લેવાની તારામાં શક્તિ નથી. ભાંગી નાંખ, ભાંગી નાંખ, ભંગારના ઢગલાને ભલેને ઊંચો કર, એ જીર્ણતાની આડે મારું આનંદસ્વરૂપ ઉજ્જવળ બનીને રહ્યું છે તે હું જાણું, છું. પ્રતિદિન ચારે દિશામાં રસપૂર્ણ આકાશની વાણીએ એને સુધા આણી આપી હતી, એના પ્રત્યુત્તરમાં અનેક છન્દે એણે ગાયું છેઃ “મેં તને ચાહ્યું છે.” એ પ્રેમે, તારા અધિકારમાંથી મને છોડાવીને સ્વર્ગની અડોઅડ મૂકી દીધો છે. મારો એ પ્રેમ બધાં ક્ષતિ અને ક્ષયને અંતે અવશિષ્ટ રહેશે; એની ભાષા કદાચ ટેવના મ્લાન સ્પર્શથી એની દીપ્તિ ખોઈ બેસશે, તોય જો મૃત્યુને પેલે પાર હું જાગી ઊઠું તો એનું અમૃતરૂપ મારી સાથે જ રહ્યું હશે. આમ્રમંજરીની રેણુએ એના અંગે પત્રલેખા આંકી હતી; કોમળ પારિજાતે શિશિરકણિકા વડે સુગંધની એને અર્ચના કરી હતી; પ્રભાતવેળાના કોયલના ગીતે પોતાના આશ્ચર્યભર્યા ટહુકારના સૂત્રથી એના સૂક્ષ્મ ઉત્તરીય પર કળામય ભાત ગૂંથી દીધી હતી; પ્રિયાના વિહ્વવળ સ્પર્શે એના આખાય દેહે રોમાંચિત વાણી પ્રકટાવી હતી—તે સદાને માટે સંચિત થઈને રહી છે. જ્યાં તારી કર્મશાળા છે ત્યાં બારીમાંથી, સહેજસરખો અવકાશ મળતાં, કોણ જાણે કોણ મારા લલાટને ઘેરીને માળા પહેરાવી દેતું—એ કોઈ સેવકને માટેનો પુરસ્કાર નથી; કેવા ઇંગિતે, કેવા આભાસે, ન હાથમાં ઝલાય કે ન આંખે દેખાય એવા દૂત ઘડીકમાં અસીમની આત્મીયતાનો પરિચય કરાવીને ચાલ્યા જતા! બિનજરૂરી આ માણસને કેવી ભાષાતીત વાતો કહી જતા! હે ધરણી, એ માણસનો તારો આશ્રય છોડીને જવાની વેળા આવે ત્યારે એને તેં જે કાંઈ દીધું હોય- તારા કર્મચારી તરીકેનો બધો સાજ, તેં આપેલું માર્ગનું ભાથું—તે ગણી લેજે. એથી એ શરમાશે નહિ; ખાલી હાથે જવામાં દૈન્ય નથી. તોય એટલું જાણજે જે મેં તારા માટીના દાનની અવજ્ઞા કરી નથી. હું એ માટીનો ઋણી છું—એની જ સીમમાં રહીને મને અમૃતની ભાળ લાધી છે એ મેં વારેવારે જણાવ્યું છે. જ્યારે જડતાનો પડદો પ્રકાશે પ્રકાશે લીન થઈ જતો તે ક્ષણે પુષ્પે પુષ્પે તૃણે તેણે રૂપે-રસે જે ગૂઢ રહસ્ય દિને દિને નિઃશ્વસિત થઈ ઊઠતું તેનો જ ચરમ અર્થ શોધવાને જાણે આજે મૃત્યુલોકને બીજે તીરે જવાને મેં મુખ ફેરવ્યું છે. તારું નિમન્ત્રણ પામીને જ્યારે શાન્ત અને નિરાસકત બનીને ગયો છું ત્યારે એ શુભ ઘડીએ અમરાવતીએ પણ પ્રસન્ન બનીને દ્વાર ખોલી દીધાં છે; ભુખાળવાની લાલસાને એ વંચિત રાખે છે; એની માટીના પાત્રમાં જે અમૃત એકઠું રહે છે તે દીન ભિખારી લાલાયિત લોલુપને માટે નથી. હે ધરિત્રી, તું ઇન્દ્રનું ઐશ્વર્ય લઈને ત્યાગીની રાહ જોતી જાગી રહી છે, નિર્લોભીને સમ્માન દેવાને, દુર્ગમ પથના પથિકને વૈરાગ્યના શુભ્ર સિંહાસને આતિથ્યનું તારું દાન દેવાને તું જાગી રહી છે. જેઓ ક્ષુબ્ધ છે, જેઓ લોભી છે, જેઓ માંસની ગંધથી મુગ્ધ છે, જેઓ આત્માની દૃષ્ટિ બિલકુલ ખોઇ બેઠેલા તથા સ્મશાનમાં ભટકનારા છે, તારા એઠાજૂઠાના કુણ્ડને ઘેરીને તે બીભત્સ ચીત્કાર કરતા રાતદિવસ ભમ્યા કરે છે, નિર્લજ્જ ને હિંસાપૂર્ણ મારફાડ કર્યા કરે છે. એથી આજે દિશાદિશાએ માનવ-પ્રાણીનો હુંકાર ગરજી ઊઠતો સાંભળું છું તોય મને છે કે એકવાર જેમ પંડિતની મૂઢતાને, ધનિકની દીનતાના અત્યાચારને, શણગારાયેલાના રૂપની મશ્કરીને મેં ફરી ફરી હસી કાઢ્યાં છે તેમ એનેય હસી નાખીને ચાલ્યો જઈશ. જે અપદેવતા જંગલી મુખવિકારથી મનુષ્યના દેવતાનો ઉપહાસ કરે છે તેને હાસ્યનો આઘાત કરીને કહેતો જઈશ : ‘આ પ્રહસનના મધ્ય અંકમાં દુષ્ટ સ્વપ્નનો એકાએક લોપ થશે; નાટકની કબરરૂપે માત્ર બળી ચૂકેલી મશાલનો ભસ્મરાશિ રહેશે, અને રહેશે અદૃષ્ટનું અટ્ટહાસ્ય.’ હું કહેતો જઈશ : ‘દ્યૂતના છળે દાનવનો મૂરખાઈભર્યો અપવ્યય ઇતિહાસમાં કદીય શાશ્વત અધ્યાય ગૂંથી જઈ શકશે નહિ.’ રહેવા દો વૃથા વાત. તારા ઉંબર પર ઘંટ વાગતો સાંભળું છું—અંતિમ પ્રહરનો ઘંટ; એની સાથે થાકેલી છાતીમાં વિદાયનાં દ્વાર ખૂલી જવાનો અવાજ સાંભળું છું. એ નજીકમાં જ સૂર્યાસ્તના રંગે રંગ્યા પુરવીના સૂરે ધ્વનિત થઈ રહ્યો છે. જીવનના સ્મૃતિદીપમાં આજેય જે જ્યોત પૂરી રહી છે તે થોડીક વાટવડે સપ્તર્ષિની દૃષ્ટિ સામે તારી સંધ્યાની આરતી રચીશ; દિવસના અંતની છેલ્લી પળે મારી મૌનવીણા મૂર્છિત થઈને તારા ચરણતળમાં રહેશે—ને મારી પાછળ રહેશે નાગકેસરનો છોડ જેના પર હજુ ફૂલ બેઠાં નથી, ને રહેશે પાર કરાવનારી નાવને નહીં પામનારો આ પારનો પ્રેમ—વિરહસ્મૃતિના રોષથી થાકીને આખરે એ રાતને અંતે પાછું વાળીને જોશે. ૮ મે, ૧૯૩૮ ‘સેંજુતિ’

(અનુ. સુરેશ જોશી)