એક અજાણ્યા ગાંધીની આત્મકથા/લેખક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લેખક પરિચય
Natvar Gandhi.jpg
સર્જક : નટવર ગાંધી

નટવર ગાંધીનો જન્મ સાવરકુંડલામાં. મુંબઈમાં બી.કોમ. અને એલ.એલ.બીનો અભ્યાસ. પછી મૂળજી જેઠા મારકેટમાં, મિલની પેઢીઓમાં અને અન્ય કંપનીઓમાં નોકરી. ત્યાર બાદ અમેરિકા આવી એમણે એમ.બી.એ. અને પી.એચ.ડી.ની ડીગ્રીઓ મેળવી. પછી યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગ, અમેરિકન યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓમાં ભણાવ્યું. ૧૯૭૬-૧૯૯૭ દરમિયાન અમેરિકન કોંગ્રસની ‘વોચ ડોગ’ એજન્સી જનરલ એકાઉન્ટિંગ ઑફિસમાં ટેક્સ પોલિસી અને એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું. ૧૯૯૭માં વૉશિન્ગટનના ટેક્સ કમિશ્નર તરીકે તેઓ નિમાયા અને ત્યાર બાદ ૨૦૦૦થી ત્યાં જ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે નાણાંપ્રધાનની જવાબદારી ૨૦૦૦થી ૨૦૧૪ સુધી સંભાળી. એ હોદ્દાની રૂએ વૉશિન્ગટનના બાર બિલિયન ડોલરના બજેટની વ્યવસ્થા અને વ્યવહાર એમના હાથમાં હતા.

અમેરિકન કરવેરા અને નાણાકીય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ નટવર ગાંધીનું ઘણા એવોર્ડ્સથી બહુમાન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવા માટે ૧૯૯૬માં એમને ‘વિશ્વગુર્જરી’ એવોર્ડપણ એનાયત થયો છે.

નટવર ગાંધીનું કામ બજેટનું, પણ એમની અભિરુચિ કવિતાની. એમણે અત્યાર સુધીમાં ત્રણ કાવ્ય સંગ્રહો પબ્લિશ કર્યા છે: અમેરિકા, અમેરિકા (૨૦૦૪), ઇન્ડિયા ઇન્ડિયા (૨૦૦૬), અને પેન્સિલવેનિયા એવન્યૂ (૨૦૧૧). એમની કવિતામાં એક પરદેશ વસતા ભારતીયની જન્મભૂમિ પ્રત્યેની પ્રીતિ પ્રગટ થાય છે. સાથે સાથે અમેરિકન વસવાટ, વિવિધ ધર્મવિચાર, વિધવિધ રાજકીય વિચારધારાઓ અને મૃત્યુની અનિવાર્યતા વિષે લખાયેલા કાવ્યો દ્વારા નટવરભાઈ ગુજરાતી સાહિત્યમાં એક અનોખું વિષય વસ્તુ લાવે છે.

આ આત્મકથામાં ગઈ સદીના વચલા દાયકાઓમાં દેશનાં નાનાં ગામોમાં તેમ મુંબઈ જેવા શહેરમાં સામાન્ય લોકો હાડમારીભર્યું જીવન કેમ જીવતા એનું એમણે વર્ણન કર્યું છે. વધુમાં એમની સાવરકુંડલાથી અમેરિકાની રાજધાની વૉશિન્ગટન સુધીની જીવનયાત્રા અને વૉશિન્ગટનને નાણાંકીય રીતે સધ્ધર બનાવવામાં એના સીએફઓ તરીકે એમણે જે ભાગ ભજવ્યો તેની રસપ્રદ વાત પણ કરી છે. ૨૦૧૯માં એમની આત્મકથા Still the Promised Land ઇંગ્લીશમાં પણ પબ્લિશ થઈ છે.