એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/૭. વસ્તુવિસ્તાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭. વસ્તુવિસ્તાર

આ સિદ્ધાંતોની સ્થાપના કર્યા પછી હવે આપણે વસ્તુના યોગ્ય ગ્રથનની ચર્ચા કરીએ, કારણ કે કરુણિકામાં વસ્તુ એ સર્વપ્રથમ અને સર્વાધિક મહત્ત્વની વસ્તુ છે.

હવે, આપણી વ્યાખ્યા પ્રમાણે કરુણિકા એ સ્વયંપર્યાપ્ત, સર્વાંગ અને અમુક પરિમાણ ધરાવતી ક્રિયાવિશેષનું અનુકરણ છે; એનું કારણ એ છે કે પરિમાણની ઊણપવાળી પણ કોઈ વસ્તુ સર્વાંગ હોઈ શકે. સર્વાંગ તે છે. જેને આદિ, મધ્ય અને અંત હોય. જે કારણભૂત આવશ્યકતાથી કશાને અનુસરે નહિ પણ કુદરતી રીતે જેની પાછળ કશુંક હોય અથવા બને તે આદિ. એનાથી ઊલટું, અંત તેને કહેવાય જે કુદરતી રીતે જ કોઈ અન્યને આવશ્યકતાનુસાર કે નિયમાનુસાર અનુસરે પણ જેને અનુસરનાર કોઈ ન હોય. મધ્ય તે છે જે કશાકને અનુસરે છે અને કશુંક જેને અનુસરે છે. આથી, સુગ્રથિત વસ્તુમાં આદિ યદૃચ્છા શરૂ થવું ન જોઈએ કે ન તો અંત યદૃચ્છા આવવો જોઈએ. એમાં આ સિદ્ધાન્તોનું અનુસરણ થવું જોઈએ.

વળી, કોઈ પણ સુંદર પદાર્થમાં–પછી તે સજીવ પ્રાણી હોય કે વિભાગોથી સુગ્રથિત કોઈ અન્ય સમગ્ર (આકૃતિ) હોય – અંગોની ક્રમબદ્ધ વ્યવસ્થા પૂરતી નથી; તેને અમુક પરિમાણ હોવું જ જોઈએ; કારણ કે સૌંદર્ય પરિમાણ અને ક્રમબદ્ધતા પર આધાર રાખે છે. આથી,ખૂબ જ નાનું પ્રાણી સુંદર ન હોઈ શકે, કારણ કે એને જોવામાં એટલો તો ઓછો–નહિવત્–સમય લાગે છે કે એનું દર્શન ધૂંધળું બને છે. એ જ રીતે ખૂબ મોટા કદનો પદાર્થ પણ સુંદર ન હોઈ શકે, કારણ કે દૃષ્ટિ એના રૂપસમગ્રને એકી વખતે ગ્રહણ કરી શકતી ન હોવાથી દ્રષ્ટાને સમગ્રની એકતા અને તેનો ખ્યાલ બંને ગુમાવવાં પડતાં હોય છે. ઉદાહરણ રૂપે,ધારો કે કોઈ પદાર્થ એક હજાર માઈલ લાંબો હોય તો! એટલે, જીવધારીઓના શરીરમાં અમુક પરિમાણ આવશ્યક હોય છે, જે એકી વખતે દૃષ્ટિમાં આવી શકે; અને એવી જ રીતે વસ્તુમાં અમુક વિસ્તાર આવશ્યક છે, જેને સ્મૃતિ સરળતાથી આશ્લેષી શકે. નાટ્યસ્પર્ધા અને ઐન્દ્રિય રજૂઆતના સંદર્ભમાં વિસ્તારની મર્યાદા કલાસિદ્ધાંતનો ભાગ નથી બનતી. જો એકસો કરુણિકાઓની એકીસાથે સ્પર્ધા યોજાય તેવો નિયમ હોય તો તેમની રજૂઆત જલયંત્રઘટિકાથી નિયંત્રિત થાત – અને ખરેખર એમ બનતું હતું એમ કહેવામાં પણ આવે છે. પરંતુ નાટકની પ્રકૃતિએ પોતે જે વિસ્તારસીમા નિયત કરી છે તે તો આ પ્રમાણે છે : જેટલો વિસ્તાર અધિક હશે તેટલા પ્રમાણમાં નાટક પોતાના કદને કારણે સુંદર હશે, પરંતુ શરત એટલી કે એનું સર્વાંગ ગ્રહણક્ષમ હોવું જોઈએ. અને આ વાતને જરા સ્થૂળ રીતે કહીએ તો સંભવિતતા કે અનિવાર્યતાના નિયમ મુજબ ઘટનાઓનો ક્રમ દુર્ભાગ્યમાંથી સદ્ભાગ્ય તરફ કે સદ્ભાગ્યમાંથી દુર્ભાગ્ય તરફ જઈ શકે એટલું પરિવર્તન સાધી શકે એવી મર્યાદાઓનો સ્વીકાર કરતું યોગ્ય પરિમાણ જળવાવું જોઈએ.