ઓખાહરણ/કડવું ૨૮
[સ્વજનોની ઉપસ્થિતિમાં, વડીલોના આશિષ, સ્ત્રીઓના]
રાગ દેશાખ
સમે વર્તે તે સાવધાન, અસુર-પત્ની કરે છે ગાન,
ગર્ગાચાર્ય મોટા મુન્ય, લાગી વેદવિચક્ષણ ધુન્ય. ૧
શુક્રાચાર્ય આચાર્ય ઋષિ, ઘૃત તલ જવ અગ્નિ મૂકી,
હાથ સરુઓ અને સ્વાહા થાય, પાસે બેઠો બાણાસુર રાય; ૨
તાંહાં આડું અંતરપટ તાણી, ઓખા માંહ્યરા માટે આણી,
અનિરુદ્ધ આગળ બેસારે, સુખ આગળ દુઃખ વિસારે. ૩
હાથેવાળો સાહ્યો છે પાણ, વરકન્યા સુંદર સુજાણ,
આડાં અંતરપટ અળગાં લીધાં, કન્યા છાંટણે તંબોલ કીધાં. ૪
પહેલું મંગળ તે વરતાય, વરકન્યાને ફેરા ફરાય,
ભેરીના શબ્દ અનુપમ થાય, ગીત માનિની મંગળ ગાય; પ
ધેનુ આપી સહસ્ર દૂઝણી, સહસ્ર દાસી આપી વિચક્ષણી;
બીજું મંગળ તે વરતાય, ત્રણ સહસ્ર રથ શ્રીકાર; ૬
ત્રીજું મંગળ તે વરતાય, આપ્યા ચૌદ સહસ્ર તોખાર,
આપ્યાં આયુધ સેવકજન, સોનું રૂપું સાત મણ ધન; ૭
ચોથું મંગળ તે વરતાય, આપી સાત સો અનુપમ ગાય,
પહેરામણી આપી કીધા નમસ્કાર, આપી દ્વિજને દક્ષણા સાર; ૮
એમ વર્ત્યાં મંગળ ચાર, શ્વસુર-પત્ની પીરસે કંસાર,
હસી હસી આરોગે સ્ત્રી-ભરથાર, મન આનંદનો નહિ પાર; ૯
તાંહાં દાસીજન ગીતો ગાય, જામાત્રને હસવું થાય :
‘જમો જમો કંસાર, જમાઈ! કીધી વડવાએ જેવી કમાઈ; ૧૦
કાંહાંથી પેઠો ઘર ખંખોળી, તમે છેતરી ઓખાબાઈ ભોળી,
તારાં કુષ્ણ પિતા, કુણ માત? શું કરીએ? ભુલી વિધાત; ૧૧
દાનવ-માનવ જોતાં ખામી, નીચ ઊંચની કન્યા પામી. ૧૨
રાગ ફેર
છોરા ઘી પી રે ઘી પી, તારું શરીર થાય કાંઈ માતું રે.
તારે ઘેર ક્યાંથી દુઝણું રે? રખે સાસરિયાં વિના થાય વહાણું રે;’ ૧૩
એમ ગીત ગાય છે વરણી રે, વરકન્યા ઊઠ્યાં પરણી રે,
ચાર સોહાગણ આવી વધાવે રે, એમ અખંડ એવાતણ ભાવે રે; ૧૪
વળી વિપ્રને આપે દાન રે, ઋષિ સંતોષી દીધાં માન રે,
રાય બાણાસુર લાગ્યો પાય રે, વિઠ્ઠલને આપી વિદાય રે. ૧૫
વલણ
વિદાય આપી કૃષ્ણને, પ્રણિપત વિવિધ કરી,
માતા વળાવે ઓખાબાઈને, શિખામણ દે છે ફરી ફરી. ૧૬