ઓખાહરણ/કડવું ૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૫

[પાર્વતીના વરપ્રાપ્તિના વરદાન પછી યૌવનમાં પ્રવેશેલી અને પિયુમિલન માટે અધીર બનેલી ઓખાની ઉત્કટ વિરહવ્યથાનું ્ર આલેખન થયું છે.]

રાગ ગોડી

વર વરવાને જોગ થઈને પ્રગટ્યાં સ્ત્રીનાં ચિહ્ન જી,
ઓખા કહે છે ચિત્રલેખાને, એક વાત સાંભળ, બહેન જી!’
સહિયર! શું કીજે? હાં હાં રે દહાલડા કેમ લીજે? એ તો દોષ કરમને દીજે ૧

જમ-પેં ભૂંડું જોબનિયું રે, મદપૂરણ[1] મુજ કાય જી;
પિતા તો પ્રીછે નહિ રે, બાઈ! કુંવારો ભવ ક્યમ જાય જી?
સહિયર! શું કીજે? ૨

સહુ કો’ સાસરે જાય ને આવે સખીઓ મુજ સમાણી જી,
હું અપરાધણ હરખે હણાઈ, આંખે ભરું નિત પાણી જી;
સહિયર! શું કીજે? ૩

એણે દુખે હું દૂબળી, મુને અન્ન-ઉદક નવ ભાવે જી,
આવાસ-રૂપી શૂળીએ સૂતાં નિદ્રા કેઈ પેર આવે જી?
સહિયર! શું કીજે? ૪

મરજાદા સહિત ભરથાર બોલાવે, કરે આંખ તણો અણસારો જી,
તેવાં સુખ નયણે નવ નીરખ્યાં, મારો એળે ગયો જન્મારો જી;
સહિયર! શું કીજે? ૫

સ્વામી કેરો સંગ નહિ સ્ત્રીને, તેથી શું હોય નરતું જી?
હવે આશા શી પરણ્યા કેરી? મારું જોબનિયું જાય ઝરતું જી;
સહિયર! શું કીજે? ૬

બીજી વાત મુજને નવ રુચે, મારું મન ભરથારમાં મગ્ન જી,
આંહી કોઈ પુરુષ આવે તો સદ્ય પરણું, નવ પૂછું જોશીને લગ્ન જી;
સહિયર! શું કીજે? ૭

વેણ રસિક કહેતો કરુણાવર, આવે લટકતી ચાલે જી,
પ્રેમકટાક્ષે પિયુને બોલાવું, હૃદયા-ભીતર વહાલે જી;
સહિયર! શું કીજે? ૮

મરકલડે મુખે, મધુરે વચને, મરજાદા મન આણી જી,
શાક-પાક પિયુને નવ પીરસ્યાં, આઘો પાલવ તાણી જી!
સહિયર! શું કીજે? ૯

એવાં સુખ નયણે નવ નીરખ્યાં, દાખવ્યું કર્મ કઠોર જી,
મારો જનમારો એળે ગયો, જેમ વગડા કેરું બોર જી;
સહિયર! શું કીજે? ૧૦

જળ વિના જેમ માછલી રે, ચંદ્ર વિના રેન જેવી જી,
પિયુ વિના જોબનિયું વૃથા, હું અભાગણી પૂરી તેવી જી;
સહિયર! શું કીજે? ૧૧

અઘોર વનમં વેલ ફૂલી, ન મળે ભમરો ભોગી જી,
વપુવેલી[2] જોબનિયું ફૂલ્યું, મળ્યો નાથ સંજોગી જી;
સહિયર! શું કીજે? ૧૨

એ સુખ-દુઃખ મિથ્યા કરું, હું લેવાઈ મારા પાપે જી,
આ બંધેગીરી[3] કરમે કરી રે, બાઈ! શૂળીએ ચડાવ્યાં બાપે જી;
સહિયર! શું કીજે? ૧૩

જળ વિના જેમ વેલડી રે, લવણ વિના જેમ અન્ન જી,
ભરથાર વિના તેમ ભામિની રે, દોહિલે નાખે દિન્ન જી;
સહિયર! શું કીજે? ૧૪

અકળ ગતિ છે ગોવિંદની, શું નીપજશે બહેની જી?
ગોપાળનું ગમતું થાશે, પણ મનડું મારું રહે નહિ જી;
સહિયર! શું કીજે? ૧૫
વલણ
મનડું મારું રહે નહિ, વિરહ-વહ્નિ થયો ઉદે;’
વલવલતી ઓખાને દેખી, ચિત્રલેખા વાણી વદે. ૧૭



  1. મદપૂરણ-યૌવનસભર
  2. વપુવેલી-શરીર રૂપી વેલ
  3. બંધેગીરી-બંધન