કંકાવટી/કોયલ વ્રત
Jump to navigation
Jump to search
કોયલ વ્રત
કોયલ વ્રત તો સુહાગણનું છે વૈશાખ માસનું વ્રત. કેમકે આંબાની ઘટા વૈશાખ માસમાં જ ઘાટી બને. કોયલના ય કલ્લોલ તે સમે જામી પડે. આખો વૈશાખ મહિનો સ્ત્રી માથામાં તેલ ન નાખે, ધણીને પથારી ય ન કરી આપે, એકલી સાદડી નાખીને સૂવે, ટાઢે પાણીએ નહાય, પ્રભાતે નદીકાંઠે કોયલ બોલાવવા જાય. આંબાની ઘટા સામે આમ કહી બોલાવે:
બોલો કોયલ બોલો!
તમને આવે ઝોલો.
ઝોલે ઝોલે જાળી, કોયલની મા કાળી.
કાળા કાળા કમખા, કે રાતા અમારા ચૂડા,
કોયલ વેદ ભણે, કે ઘીના દીવા બળે.
કોયલ કૂ-કૂ-ઉ-કૂ, કોયલ કૂ-કૂ-કૂ-કૂ
કૂ-ઉ-ઉ-કૂ કરીને કોયલ પણ જો સામો જવાબ આપે તો જ જમાય, નહિ તો અપવાસ પડે. કોયલને બોલતી કરવી હોય તો કોયલના જેવો જ ટહુકાર કાઢતાં આવડવું જોઈએ ને?
એક જ ટાણું જમાય.
કાળું પહેરાય નહિ.
કાળું ઓઢાય નહિ.
કાળું ખવાય નહિ.