કંકાવટી મંડળ 2/તુલસીવ્રત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તુલસીવ્રત

વિદ્યાર્થી બામણ હતો. રાજાની રાણી હતી. રાણીએ તો બામણને બોલાવ્યો છે. કીધું છે કે ભાઈ ભાઈ, વ્રત કાઢ્ય.

વ્રત કાઢ્યાં વરતુલા કાઢ્યાં. પે’લું વ્રત બ્રહ્માનું કાઢ્યું. બીજું વ્રત વિષ્ણુનું કાઢ્યું. ત્રીજું વ્રત સૂરજનું કાઢ્યું. ચોથું વ્રત તુલસીમાનું કાઢ્યું. ભાઈ ભાઈ, મારે કિયા વ્રત ઉપર લેણું છે? બાઈ, તમારે તુળસીમાના વ્રત ઉપર લેણું છે. દીકરી ઉપર મારે લેણું છે કે અલેણું? લેણું તો છે, પણ દીકરી તમારી શોક્ય થાય!

હાં કે’ છે કોઈ? એક કરતાં એકવીસ હાજર છે. જઈને દીકરીને વગડામાં મેલી આવો. ધાવણી દીકરીને તો વગડામાં લઈ ગયા છે. નગન કરીને વડલાની પોલ્યમાં મેલી છે. વડ માથે મધનું પોડું જામેલું છે. એ તો અદાડે ઉઝરે છે.

તુળસીમાએ લખમીનો વેશ લીધો છે. જંગલમાં તો આળિયાં ને જાળિયાં, કાચનાં કમાડિયાં, પારણાં ને પાણિયારાં, રસ સધ ને નવનધ થઈ ગઈ છે. બેઠાં બેઠાં લખમીજી રેંટિયો કાંતે છે. રાજાની કુંવરી તો રમતી રમતી આવી છે. માતાજીને તો પગે પડી ગઈ છે. બાઈ બાઈ બેન, ઊભી થા. તુળસીની પૂજા કરતી જા. તારે સૌ સારાં વાનાં થશે.

રાજા શિકારે ચઢ્યો છે. વડલાની વડવાયે ઘોડો બાંધ્યો છે. જોબનવંતી અસ્ત્રી દીઠી છે. રાજાએ તો માગું નાખ્યું છે. કોરો ચૂડ્યો લાવ્ય, લીલું પાનેતર લાવ્ય, હું પરણાવું, તું હથવાળે પરણી જા.

રાજા તો પરણ્યો છે. વગડામાં રહ્યાં છે. એને તો પાંચ પૂતર થયા છે. રાજકરણ, રવિકરણ, દેવકરણ, વીજકરણ, સૂરજકરણ :

પાંચેય ભાઈ ભેળા રમે છે. શોક્યે તો દાસીને મોકલી છે. ઝેરના પ્યાલા મોકલ્યા છે. શિખવાડીને મોકલી છે.

રાજકરણ, રવિકરણ, દેવકરણ, વીજકરણ, સૂરજકરણ! તમારી મોટેરી માએ દૂધ સાકરના પ્યાલા મોકલ્યા છે. આ લ્યો, પી જાવ. કુંવરિયાઓએ તો જવાબ દીધો છે. અમારે તો ના’વાં છે, ધોવાં છે. તુળસીપૂજા કરવી છે. મેલો તુળસીમાને ક્યારે. તુળસીમા દેશે ને અમે પીશું.

કુંવરની માએ પણ એમ કીધું છે. હું કાલી ઘેલી કાંઈ ન જાણું. તુળસીમાને ક્યારે મેલો, તુળસીમા આલે ને કુંવર પીવે.

તુળસીમાએ તો ઝેરના હતા તે ઢોળી નાખ્યા! દૂધસાકરના કરી નાખ્યા! પાંચેય કુંવરડા પી ગયા. પી કરીને રમવા ગયા.

અપર માએ તો દાસીને મોકલી છે. જા તો દાસી, શું કરે છે? રોતાં હોય તો રોવા લાગજે, કૂટતાં હોય તો કૂટવા લાગજે, દાસીએ તો આવીને કહ્યું છે : ઈ તો એ રૂપાળા રમે! ધોળા ધોળા ફૂલ જેવા, અપર માએ તો બીજે દી એરુ, વીંછી ને પરડોતરાં મોકલ્યાં છે. દાસીએ જઈને કહ્યું છે : રાજકરણ, રવિકરણ, દેવકરણ, વીજકરણ, સૂરજકરણ! લ્યો, આ તમારી મોટેરી માએ મોકલ્યાં છે. સોનાનાં સાંકળાં. રૂપાનાં વાંકળાં. આ લ્યો, આ પહેરો.

કુંવારિયાએ તો જવાબ દીધો છે. અમારે તો ના’વાં ધોવાં છે. તુળસીપૂજા કરવી છે. મેલો તુળસીમાને ક્યારે તુળસીમા દેશે ને અમે પહેરશું. કુંવરિયાની માએ પણ એમ જ કીધું છે, કે હું કાલીઘેલી કાંઈ ન જાણું. તુળસીમાને ક્યારે મેલો. તુળસીમા આલે ને કુંવર પીવે.

એરુ પરડોતરાં મટી ગયાં છે. 

તુળસીમાએ સોનારૂપાનાં સાંકળાં કરી નાખ્યાં છે. પાંચેય ભાઈઓએ પહેરી લીધાં છે. પહેરીને હોંસે હોંસે રમવા ગયા છે.

જા જા દાસી, શું થયું છે? રોતાં હોય તો રોવા લાગજે!

કૂટતાં હોય તો કૂટવા લાગજે! દાસી તો જઈને જોઈ આવી છે. ઈ તો એ રૂપાળા રમે ધોળા ધોળા ફૂલ જેવા! કારભારીએ તો વાત કરી, કે એને તુળસી પરસન છે. માથે તુળસીમાનો હાથ છે. એ મરે એમ નથી.

અપરમાએ તો રથ જોડાવ્યો છે. હવે તો વનમાં હાલી નીકળી છે. કારભારી! કારભારી! તુળસીના છોડવા ખેંચી કાઢો. રાણીજી! રાણીજી! પચાસ દેતાં હો તો પાંચ દેજો! પણ લીલાં ઝાડ મારાથી નહિ ખેંચાય. લીલાં ઝાડમાં તો જીવ રમે છે.

રાણીએ તો કોદાળી લીધી છે. એ તો તુળસીને ખોદવા ઊતરી છે. એક બે ને ત્રણ ટચકા કરે ત્યાં તો રાફડામાંથી સરપ ફટકાવ્યો છે. તુળસીમા કોપવાન થયાં છે. બાઈનાં તો મરતુક નીપજ્યાં છે. બાનડી તો વનમાં જાય છે. નવી રાણીને ગોતતી જાય છે. આવીને કહે છે કે તમારી બેન તમને મળવા આવતાં’તાં, ત્યાં એમને સરપ ડસ્યો ને. બાઈ તો તુળસીમા પાસે પહોંચે છે. પગે પડીને કરગરવા માંડે છે. માતાજી, મારી બેનને સજીવન કરો! તુળસીમાએ તો અમીનો કૂંપો ને કરેણની કાંબ આપ્યાં છે. લઈને બાઈ તો ચાલી છે. શોક્યના મડદા માથે અમી છાંટ્યાં છે. કરેણની કાંબ અડકાડી છે. શોક્ય તો આળસ મરડીને બેઠી થઈ છે. નવી રાણીના પગમાં પડે છે.

બેન, બેન, મારે પગે શીદ લાગો છો? પગે તો તુળસીમાને લાગો. તુળસીમા! તુળસીમા! એક દીકરી, તેમ બીજીયે દીકરી! ડાબી જમણી બેય સરખી રાખજો! બેન, બેન, તુંને તુળસીમા કેમ પરસન થયાં?

હું તો નાહીધોઈને તુળસીક્યારે પાણી રેડતી. તુળસીમાનું વ્રત કરતી. બેન બેન, મને કહે, હુંયે કરું. આગલી વાર્તાનું પાઠાન્તર [1] બામણ ને બામણી હતાં. તે હાલ્યાં તીરથ કરવા. હાલતાં હાલતાં હાલ્યાં જાય છે. ત્યાં એક સરોવર આવ્યું. બામણ ને બામણીએ નાઈધોઈ તુળસીને ક્યારે ટીંબણ કર્યું. ત્યાં તો બાઈને પેટમાં દુખવા આવ્યું. બાઈને દીકરી આવી. બામણી કહે, હવે શું કરશું? તુલસીને ક્યારે દીકરી મેલીને વરવહુ હાલી નીકળ્યાં છે. ત્યાં તો તુળસીમા ડોસીનું રૂપ ધરીને આવ્યાં છે. દીકરીને પગનો અંગૂઠો મોંમાં દીધો છે. ડિલ ઉપર તો પાંદડાં ઓઢાડ્યાં છે. માતાજીએ રધસધ દીધી છે. દીકરી તો પગનો અંગૂઠો ચહ ચહ ધાવે છે. એમ કરતાં તો દીકરી જુવાન થઈ છે. [2] શે’રના રાજા શિકારે આવ્યા છે. રાજાને તો તરસ લાગી છે. પરધાનજી, તમે પાણી ભરી આવો. પરધાન તો પાણી ભરવા ચાલ્યો જાય છે. સ્રોવર-પાળે સુંદરી દીઠી છે. બાઈનું રૂપ ને સૂરજનું રૂપ એક થઈ ગયાં છે. પરધાન તો પાછો ભાગ્યો છે. રાજાને આવીને કે’ છે : રાજા! રાજા! એક અસ્ત્રી દીઠી, રૂપરૂપના અંબાર દીઠા, પણ નગન બેઠી છે, તે હું પાછો આવ્યો. રાજા તો ત્યાં જાય છે, પૂછે છે : તું કોણ છો? ડેણ છો? ડાકણ છો? ડેણ નથી, ડાકણ નથી, કાળા માથાનું માનવી છું. પૂંઠ વાળીને ઊભા રો’, અને તમારું ફાળિયું ફગાવો. રાજાએ તો ફાળિયું ફેંક્યું છે. પૂંઠ વાળીને ઊભો રહ્યો છે. બાઈએ તો ફાળિયું પે’રી લીધું છે. બાઈ બાઈ! તું કોણ છે? મારે તને વરવું છે. હું તો છું વનની દીકરી. વરવાનું તો મારી માતાને પૂછો. રાજા તુળસીમા આગળ આવ્યો છે. દીકરીનું તો માગું નાખે છે. રાજા! રાજા! વનની દીકરી વનમાં વરે. આલાલીલા વાંસ ચઢાવો. ત્રાંબા-પિત્તળની ચોરી બંધાવો. આલાલીલા વાંસ વઢાવ્યા છે. ત્રાંબા-પિત્તળની ચોરી બંધાવી છે. ઘડિયાં લગન લીધાં છે. રાજા પરણે છે. વનમાં મહેલ ચણાવ્યો છે. રાજા–રાણી ઘરવાસ માંડે છે. ખાય છે, પીએ છે, હીંડોળાખાટે હીંચકે છે. રાણીને તો ઓધાન રહે છે. એક વરસે એક દીકરો થાય છે. બીજે વરસે બીજો દીકરો થાય છે. ત્રીજે વરસે ત્રીજો, ચોથે વરસે ચોથો, ને પાંચમે વરસે પાંચમો દીકરો થાય છે. પાંચનાં તો નામ પાડ્યાં છે. એકનું નામ રાજકરણ : બીજાનું નામ રવિકરણ : ત્રીજાનું દેવકરણ : ચોથાનું વીજકરણ : સૂરજકરણ. [આંહીંથી વાર્તા આગળની વાર્તાની પેઠે એકધારી ચાલે છે.]