કંકાવટી મંડળ 2/સાતમનો સડદો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાતમનો સડદો

કણબી અને કણબણ હતાં. કણબી ખેડ કરે. શ્રાવણ મહિનો આવ્યો. અંધારિયું પખવાડિયું આવ્યું. શીતળા સાતમ આવી. સાતમના તો ચૂલા ઠારવા જોઈએ. આગલો દી રાંધણ છઠનો હતો. છઠની સાંજરે પટલાણીએ તો સડદો રાંધી મૂક્યો. સડદો એટલે શીતળા સાતમની રસોઈ : પૂરી, ઢેબરાં, સુખડી વગેરે કરીને પટલાણીએ તો સડદો ઊંચે શીકા ઉપર મેલ્યો. બીજે દી સવારે પટેલને પટલાણીએ કહ્યું કે તમે ખેતર જાઓ. હું નાઈધોઈ શીતળા માને જવારીને પછી સડદાનું ભાત લઈને ખેતરે આવીશ. પટેલ તો ખેતર ગયા. ખેડતાં ખેડતાં પટેલના હળની કોશ ભાંગી. એ તો ગામમાં પાછો કોશ સમી કરાવવા આવ્યો. મનમાં થયું કે, આવ્યો છું ત્યારે, લે ને, ઘેર થાતો જાઉં. ઘરમાં પટલાણી નહોતાં. પટેલને લાગી હતી કકડીને ભૂખ. ઊંચે શીકામાં જોયું તો તાસ ભરીને સડદો પડેલો. લે ને ત્યારે ખાતો જ જાઉં! પટલાણીને ખેતર ધક્કો ખાવો મટ્યો. ખાવા બેઠો, જેટલો હતો તેટલો બધો જ સડદો ઊચકાવી ગયો, પાણી પીને પટેલ ખેતરે ચાલ્યો ગયો. પટલાણી ઘેરે આવ્યાં. શીકે જુએ તો સડદો સાફ થઈ ગયો હતો. પડોશીએ કહ્યું કે પટેલ આવ્યા’તા. ઓય મારો રોયો! બધો જ સડદો ખાઈ ગયો! મને ને છોકરાંને ભૂખ્યાં રાખ્યાં! હવે એનું વેર લઉં ત્યારે જ હું કણબણ સાચી. ગામના રાજાને નાનો એક રાજકુંવર. રાજકુંવરને હોઠ માથે જ ગૂમડું થયું છે. લાખો મોઢે ઇલાજ કર્યા પણ મટતું નથી. રાજકુંવર ચીસેચીસો પાડે છે. રાજા ગામડામાં પડો વજડાવે છે : છે કોઈ ગૂમડાનો જાણનારો? પટલાણીએ લાગ દીઠો : કહ્યું કે હા, હા, મારા ધણીનું ગડગૂમડમાં બહુ ધ્યાન પડે છે. બોલાવો પટેલને! સપાઈ આવ્યા. કહે કે ચાલો પટેલ, રાજા તેડાવે છે. પટેલ કહે : અરે ભોગ લાગ્યા! મારું શું કામ પડ્યું રાજાને? પટેલ, તમે તો ગડગૂમડમાં બહુ જાણો છો! રાજકુંવરનું ગૂમડું મટાડો. અરે માબાપ! આ શું બોલો છો! હું કશું નથી જાણતો. ખોટું બોલો મા, તમારી બાયડીએ જ અમને કહ્યું છે. પટલાણી કહે : હા હા સા’બ, પટલ ભોંઠા પડે છે એટલે નથી માનતા. કણબીને તો બળજબરાઈથી રાજકુંવરના ઓરડામાં લઈ ગયા. ઓરડો બહારથી બંધ કરી વાળ્યો. કહ્યું કે કુંવરનું ઓસડ કરો તો જ ઉઘાડશું! કણબીને હસવું ને વળી હાણ્ય. રાંડ કણબણે પણ કાંઈ કરી છેને માથે! અરે રામ! ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સડદો ખાધો! એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા :

ક્યાં કોશ ભાંગી!
ક્યાં દોણી ફૂટી!
ક્યાં સડદો ખાધો!
હાથ નો અડાડું શીકાં!

બોલતો બોલતો મંડ્યો એ તો કૂદવા, નાચવા ને તાળીઓ પાડવા : ઊંચે ઊંચે ઊછળીને કૂદે છે : તાલે તાલે બોલ છે કે :

ક્યાં કોશ ભાંગી!
ક્યાં દોણી ફૂટી!
ક્યાં સડદો ખાધો!
ફૂટ્ય ગડગૂમડીકા!
હાથ નો અડાડું શીકાં!

પટેલનું આવું વૈદું દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો. વેદના વીસરાઈ ગઈ ને એને તો ખડખડ દાંત આવ્યા. દાંત આવ્યા તે ભેળી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગૂમડું ફૂટ્યું. ફૂટતાંવેંત જ રાજકુંવરને શાતા વળી ગઈ. એની ચીસો બંધ પડી. કોઈ રાજાને ખબર કરો, કે પટેલે તો કુંવરનું ગૂમડું ફોડી નાખ્યું છે. પટેલ તો મોટા વૈદકના જાણકાર છે. રાજાએ તો આવીને પટેલને કહ્યું કે, માગ માગ. ખેતર માગ અને વાડી માગ. મારે કાંઈ ન જોવે, બાપા! મને મારાં છે એટલાં ખેતર ખેડી ખાવા દ્યો. મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લ્યો! રાજાને તો સડદાની આખી વાતની ખબર પડી છે. સૌ દાંત કાઢીને ઢગલા થયા છે. જ્યાં ત્યાં ગામલોક બોલતાં જ જાય છે કે :

ક્યાં કોશ ભાંગી!
ક્યાં દોણી ફૂટી!
ક્યાં સડદો ખાધો!
ફૂટ્ય ગડગૂમડીકા!
હાથ નો અડાડું શીકાં!