કંસારા બજાર/કૃતક નથી
Jump to navigation
Jump to search
કૃતક નથી
સમુદ્ર અહીં પૂરો થાય છે,
હવે શરૂ થાય છે જમીન.
જમીન પર આમ તો ઘાસ ઊગે,
જરખ દોડે કે દર બનાવે અજગર.
પણ આ જમીન જરા જુદી છે,
અહીં ગાંડા બાવળની જેમ ઇચ્છાઓ ઊગે છે,
ચાર પગે દોડે છે સપનાંઓ,
ને મનમાં છેક ઊંડે સુધી પેસી ગયેલા ભય,
દર બનાવે છે અજગર જેવાં.
આ જમીન પર ઠેરઠેર દેખાય છે, કોઈક પગેરું.
જે લઈ જાય એક શરીર સુધી.
આ જમીન કૃતક નથી
અને જ્યાં જવું છે એ શરીર પણ સાચું જ છે.
રોમરોમથી પરિચિત છે એ શરીર.
અને આંખ સામે પથરાયેલી છે આ જમીન.
છતાં ડર લાગે છે પગ ઉપાડતાં.
મહામાનવ તરફનું આ પગેરું
ક્યાંક દોરી તો નહીં જાય
વેંતિયાઓના પ્રદેશમાં?
સમુદ્ર અહીં પૂરો થાય છે.
હવે, આપણે આવી પહોંઆ છીએ.
ચાલી ન શકાય એવી જમીન પર.