કંસારા બજાર/વૃક્ષાર્પણ
પૂરમાં તણાઈ આવેલું એક વૃક્ષ છે તું.
આટલાં વર્ષો થયાં
હજી તારા ફળોમાંથી
પાણી ટપકે છે.
મારી તરસ ન ભાંગે એવું
ડહોળાયેલું, મેટું, ક્ષારવાળું
બેસ્વાદ પાણી.
દાવાનળમાં સળગી ગયેલું એક વૃક્ષ છે તું.
તારી રાખના ઢગલામાંથી
ક્યારેક કોઈ ફળ મળી આવે છે.
ગર્ભિત સીતાફળ કે રાતું સફરજન
કે ખાટાં બોર.
એ ફળ શોધવા જતાં
તારી રાખના ઢગલામાં
સળગતા રહી ગયેલા કોલસાથી
મારા હાથમાં ચાઠાં પડી જાય છે.
વંટોળમાં સાવ મૂળસોતું ઊખડી ગયેલું વૃક્ષ છે તું.
તારાં કાચાં ખરી પડેલાં ફળોને
હું ઘઉં ભરેલી કોઠીઓમાં રાખીને પકવું છું,
તારી મીઠાશથી
મારો કોઠાર મઘમઘી ઊઠે છે.
જમીનમાં ઊંડો ખાડો ખોદી
તારાં મૂળિયાં રોપી, માટી ભરાવીને
હું તને સ્થિર કરું છું.
તું ખીલી ઊઠે છે, કામણગારી નારિયેળી જેમ.
તારું કોપરું, મલાઈ, કાથી, તેલ, રેસા
બધું જ મારા માટે છે,
હું તને અઢેલીને બેસું?
મારી આંખો હજી તો માંડ બિડાય છે
ને તું એક અડાબીડ અરણ્ય બની જાય છે.
સાવ પાસે પાસે ઊગી નીકળેલા
તારા ખરબચડા, રૂક્ષ થડમાં
બિચારાં ઘેટાંનાં માથાં અથડાય છે.
તારી ઊંચી શાખાઓ ચોગમ ફેલાઈ ગઈ છે.
તારાં પાંદડાંઓ વચ્ચેથી તો હવે
સૂર્યનાં કિરણો પણ જોઈ નથી શકાતાં.
મને મારગ આપ, વૃક્ષ,
હું તને ક્યાં શોધું?
થડમાં, ડાળમાં, પાંદડાઓમાં?