કથાચક્ર/૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુરેશ જોષી

એનાં ચરણ ચાલતાં ચાલતાં થાક્યાં નહોતાં. ચરણ ચાલતાં થંભી જાય તો ક્યાંક એને વિસામો લેવો પડે, ને વિસામો લેવા જતાં ક્યાંકથી થોડી માયા, એકાદબે શબ્દ, ઘડીક સ્થિર થઈને ઊડી ગયેલી કોઈકની દૃષ્ટિ – આ બધું એને ઘેરી વળે એની એને ભીતિ હતી. વહેતા પ્રવાહ પર તો કોઈ પંખી માળો બાંધતું નથી! આથી એ વહ્યે જતો હતો, પોતાના પ્રવાહ પર એ કશાં પ્રતિબિમ્બ ઝીલતો નહોતો. ક્યાંક ક્યારેક એકાદ નીચી નમેલી શાખાનો સ્પર્શ એને અનુનય કરતો. પણ એથી એણે પોતાની ગતિ કદી થંભાવી દીધી નહોતી. આથી અન્ધકારનું પાતળું પડ દૃષ્ટિને ઝાંખી કરી નાખતું હતું તોય એ ચરણને વશ થઈને ચાલ્યો જતો હતો.

નાનું શું ઘાસતેલનું ટમટમિયું, એના ઝાંખા અજવાળામાં દેખાતી બ્રુકબોન્ડ ચા પીતી સુંદરી, એની જ બાજુમાં લક્સ સાબુ વાપર્યાનો આનન્દ પ્રકટ કરતી અભિનેત્રી, નીચેના અડધિયા ડબ્બાઓમાં લાંગની દાળ, મસૂર, ગોળનાં ચીકણાં ચોસલાં – ને આ બધાંની વચ્ચે બેઠેલો આધેડ વયનો દુકાનનો માલિક. ઘડીભર આ ચિત્રની વીગત એણે જોયા કરી. પછીથી બહાર નાખેલી પાટલી પર એ બેઠો. ધમણથી ફુંકાતી ભઠ્ઠીમાંથી ઊડતા તણખાને એ હોલવાઈ જતા જોઈ રહ્યો. એણે દૂર નજર કરી. પશ્ચિમમાં નદીની રેખાનો આછો આભાસ હતો. સારસનાં જોડાં ઊડીઊડીને ચાલી જતાં હતાં. આથમતા સૂર્યની લાલ આભા નદીના પ્રવાહે ઝીલી લીધી હતી. એનું મન નદી કાંઠે દોડી જવાને ઉત્સુક બની ઊઠ્યું.નદીના જળમાં પગ પખાળીને બેસવું, પાણીમાં છબછબિયાં કરવાં, ને સામે કાંઠે સરી જતી હોડીમાંના માછીમારના ગીતના આ તરફ સરી આવતા પ્રલમ્બ સૂરને કાંઠાની નિર્જનતાના પાત્રમાં ઝિલાઈ રહેતા જોવા – આ બધું એને ગમતું હતું. પણ અન્ધકારમાં નદી એને ગમતી નહોતી. અન્ધકારનાં છેદાયેલાં ગાત્ર જેવી એ ત્યારે લાગતી. ચાંદનીમાં નદીના રેતાળ પટ પર નિરર્થક ભમ્યા કરવાનો એને કેફ ચઢતો.

‘તને તો જાણે આ ચાંદનીનો કેફ ચઢ્યો હોય એવું લાગે છે!’

‘ને તને? તું તો ભારે સ્વસ્થ, જોખીમાપીને ડગલું ભરનારી, ખરું ને?’

‘સ્ત્રીને કેફ ન પરવડે.’

‘મન કોઈક વાર એમ થઈ આવે છે કે તારી આ સ્વસ્થતાના કિલ્લાના કોટકાંગરા તોડી નાખું!’

‘હં, પછી?’

‘પછી શું?’

‘એ પરાક્રમ કેમ આજ સુધી આચરી શકાયું નથી?’

‘તું રક્ષાકવચ પહેરીને બેઠી છે ને!’

‘ખોટી વાત.’

‘તો સાચી વાત શી છે? કહે જોઉં?’

‘કિલ્લામાં પ્રવેશ કરતાં ખાઈ ઓળંગવી પડે, ને એ ખાઈ પાણીથી ભરેલી હોય એ તને ખબર છે ને?’

‘હા, તેનું શું?’

‘મારા સ્વસ્થતાના કિલ્લાની ચારે બાજુ આંસુની ખીણ છે. એ ઓળંગવાનું તારામાં સાહસ છે ખરું?’

આંસુની ક્ષીણ ધારના જેવી નદીના ઝાંખા બનતા જતા પ્રવાહને એ જોઈ રહ્યો. આંસુની બિલોરી અર્ધપારદર્શકતા આગળ એ હંમેશાં હાર્યો છે. ગાલ પર ટપકતાં આંસુની લિપિમાં એણે હંમેશાં પોતાની હદપારીના સંકેતને વાંચ્યો છે. આથી એ હદ ઓળંગતો ભટકે છે, પણ હદપારીના શાપને એ ભૂંસી નાખી શકતો નથી.

એ અન્યમનસ્ક બનીને ચા ગટગટાવવા લાગ્યો. ચાને ધુમાડાનો પાસ બેઠો હતો, એનો સ્વાદ જુદો પાડીને એ જોવા લાગ્યો. એ સ્વાદ સાથે બાળપણની કેટલી સ્મૃતિઓ સંકળાયેલી હતી! સ્મૃતિની શૃંખલા તોડવા એ ઘણું મથ્યો હતો. પણ કેટકેટલી રીતે એનાં જાળાં એની આજુબાજુ વીંટાયે જતાં હતાં. ઘણી વાર વર્તમાનનું સંવેદન ભૂતકાળની સ્મૃતિથી એવું તો ઢંકાઈ જતું કે એ વર્તમાન સાથે એનો સંયોગ જ થતો નહીં. આવી તિરસ્કૃત વર્તમાનની ક્ષણો વળી, એનાથી અણજાણપણે, સ્મૃતિમાં સંચિત થયે જતી હતી. આથી ઘણી વાર એ પોતાને પણ વર્તમાનમાંથી હદપાર થયેલો અનુભવતો હતો.

હવે અંધારું ગાઢું થયું હતું. નદીના અસ્ખલિત વહ્યે જવાનો આછો શો એકધારો અવાજ એ સાંભળી રહ્યો હતો. એનાં ચરણ સ્થિર થયાં તેની સાથે એનું હૃદય ઉદ્વેલિત થઈ ઊઠ્યું. એક પછી એક ઘટના જાગીને ઊઠવા લાગી – ઘણી વાર એવી કે જેને નદીના સુવિસ્તૃત પટ પર કોઈક જોડે ચાલતાં ચાલતાં નિરાંતે ઉકેલી શકાય; કેટલીક એવી જેને ઘરના કોઈ નિભૃત ખૂણે ઘણાં બધાં મૌન વચ્ચે સંગોપીને ધીમે રહીને બીજાનાં હૃદયમાં સરકાવી દેવાય, ઘણી વાર એવી કે જેને કાઢતાં ઊંડે જ, કાંટાની જેમ ઊતરતી જાય.

એણે દુકાનના માલિક સાથે વાતો કરવાનો પ્રયત્ન કર્યો. અહીં દેખાતા ચહેરાઓ પૈકીનો એકાદ ચહેરો આજ રાત પૂરતો લઈને એ શું અહીં રાતવાસો નહીં કરી શકે? રાતની સાથે આશ્રય–રાત પોતે જ કેટલી બધી વસ્તુ સામે આશ્રય આપે છે?

‘કેમ ગભરાય છે?’

‘કોણે કહ્યું કે ગભરાઉં છું.’

‘લાવ જોઉં તારો હાથ.’

‘એમ સહેજ સહેજમાં કોઈ સ્ત્રી બીજાને પોતાનો હાથ નહીં આપે.’

‘સ્ત્રી સાથેના વર્તન વિષેના નિયમો તેં ઠીક ગોખી રાખ્યા લાગે છે, નહિ?’

‘ચાલ, હવે પાછા વળીએ.’

‘કોઈક વાર તારી પાછા વળવાની દિશાને જ સાવ બંધ કરી દેવાનું મન થાય છે.’

‘તો કેમ બંધ કરી દેતો નથી?’

‘એ કાંઈ તને પહેલેથી કહીને નહીં કરું. હં, બોલ તું કેમ ગભરાય છે? તને મારો ભય લાગે છે?’

‘તારો ભય? હમણાં એક મંત્ર ભણીને ફૂંક મારું ને તો તું આ…મ ઊડી જાય.’

‘ઓહો, તો માર જોઉં ફૂંક.’

‘ના રે, પછી તું બહુ બહુ દૂર ઊડી જાય તો પાછો નીચે કોણ ઉતારે?’

‘તો તને શેની બીક લાગે છે?’

‘એ જાણતી હોત તો ભયનું કારણ જ ન રહ્યું હોત ને, મૂરખ!’

‘આ બે લુચ્ચી આંખોમાં આવું કેટલું જૂઠાણું તે ઠાંસી ઠાંસીને ભર્યું છે વારુ?’

‘વારુ, સતવાદી તને રાતે ભય લાગે છે ખરો?’

‘હા, મને તારો ભય લાગે છે.’

‘મારો? મારે માથે શિંગડાં છે, મને શું દંતશૂળ છે, લાંબા લાંબા નખ છે – મારાથી ભય પામે છે?

‘હા, એકાદ શબ્દ, અણજાણપણે થતો એકાદ સ્પર્શ, શબ્દમાં એકાએક બાઝી જતી ખખરી, આંખને ફેરવી લેવામાં થયેલો એકાદ ક્ષણનો વિલમ્બ – આથી મારું હૃદય ફફડી ઊઠે છે.’

‘તો મારાથી દૂર ક્યાંક ભાગી જા ને!’

‘એટલે તો કહું છું: ફૂંક મારીને ઉરાડી મૂક.’

‘વારુ, એવો વખત આવશે ત્યારે એય કરીશ, પણ સાચું કહું. મને રાતનો ભય લાગે છે. એથી હૃદયમાં ઊંડે ઊંડે કશાક બિહામણા પડઘા ગાજી ઊઠે છે. આંખ દૂરનિકટનો ભેદ ખોઈ બેસે છે. બધું સ્પર્શની સીમાથી દૂર સરી જાય છે.’

‘એટલે તો કહું છું: લાવ તારો હાથ.’

‘નહીં આપું.’

‘એમ?’

‘ઓય મા રે! જંગલી, આ શું કરે છે!’

દુકાનની અંદરના ભાગમાંથી ક્યાંકથી એણે દબાઈ ગયેલી ચીસ સાંભળી. એ કદાચ એની સ્મૃતિએ રચેલો આભાસ જ હશે એમ માનીને એ બેઠો રહ્યો. પછી દુકાનના માલિકે પૂછ્યું: ‘કેમ, હવે રાતે ક્યાં જશો? અહીં જ ધામો નાખો ને.’

એણે કશું બોલ્યા વિના સંમતિસૂચક માથું ધુણાવ્યું. એણે બહાર પાટ પર થેલો મૂક્યો. દીવાને અજવાળે એ આજુબાજુની સૃષ્ટિની સીમાને જોઈ રહ્યો. એ સીમાને છેડે, અન્ધકારની આડશે, એને એક આકૃતિ દેખાઈ. એણે નદી તરફના અન્ધકાર તરફ નજર વાળી લીધી. ધીમે ધીમે ઘર શાન્ત થયું. સૃષ્ટિ જંપી ગઈ. જેને પોતે પોતાના હૃદયનું રહસ્ય ગણતો હતો તેની આજુબાજુ આ નવા અન્ધકારના પડને વીંટતો એ ક્યાં સુધી બેસી રહ્યો. પછી ઘાસતેલના ખડિયાને અજવાળે એ લખવા બેઠો.

પ્રિય,

એક નદી છે, હું છું, અન્ધકાર છે, તારી ફૂંકથી હું હજી ઊડ્યા જ કરું છું. હવે તું મન્ત્ર ભણીને મને પાછો ઉતારશે ત્યારે મને ઓળખી શકવાની નથી. આ અન્ધકાર તને અજાણ્યો છે. કાંઈ કેટલા અજાણ્યા પવન મારા મુખની રેખાઓ અવળીસવળી કરતા ગયા છે. આંખમાં કોઇકનાં આંસુનાં ઊડતાં ફોરાં બાઝ્યાં છે. હજુ આ જાદુ ચાલ્યા જ કરે છે. આ સંતાકૂકડીના દાવમાં તું હારી જવાની છે. કદાચ એવી ગણતરીથી જ તેં રમત નહોતી માંડી?

એ એકાએક લખતો અટકી ગયો. કોઈનો ઉષ્ણ ઉચ્છ્વાસ એની ડોક પરની રુવાંટીને થરકાવી ગયો. એણે વળીને જોયું તો સત્તરેક વર્ષની કન્યા, બે આંખો બહાર શૂન્યમાં માંડેલી, ને હાથ પાસેના પંખીના પિંજર પર ટેકવેલો. એ એક ય શબ્દ બોલતી નહોતી. અંધારી રાતે પિંજર ખોલી દે તોય શું પંખી પિંજરનો આશ્રય છોડીને રાતનો આશ્રય લેવા જાય ખરું?