કથાવિચાર/નિવેદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

સ્વ. પ્રમોદકુમાર પટેલના આ મરણોત્તર વિવેચનસંગ્રહને પ્રગટ કરતાં દુઃખ અને આનંદની મિશ્ર લાગણી અનુભવું છું. પ્રમોદકુમાર જાણે વાત કરતાંકરતાં એકાએક વિદાય થઈ ગયા એ ભાવ મનમાંથી ખસતો નથી. ઘણું બધું કામ કરવાનું એમના મનમાં સળવળ્યા કરતું. પણ તેઓ જે કામ મૂકીને ગયા છે એ પણ ગુજરાતી સાહિત્યવિવેચનમાં વિરલ છે. તેમની હયાતીમાં જ તેર જેટલા એમના વિવેચનગ્રંથો પ્રગટ થઈ ગયેલા. પરંતુ એ સિવાયનું એમનું બીજું અંગ્રથસ્થ લખાણ એકત્ર કર્યું ત્યારે લાગ્યું, બીજા ચાર ગ્રંથો આમાંથી થઈ શકે. એમના શોધનિબંધનો બીજો ભાગ પણ હજી બહાર આવવાનો બાકી છે. એટલે ૧૮ જેટલા વિવેચનગ્રંથો એક વ્યક્તિ આપી જાય એ નાનીસૂની ઘટના નથી. આ ગ્રંથોનો કોઈપણ લેખ મારતી કલમે કે ઉતાવળે લખાયો છે એમ એમના વિવેચન પરત્વે ઉદાસીન અભ્યાસીઓ પણ નહીં કહી શકે. એમની શૈલી થોડી દીર્ઘસૂત્રી છે, પરંતુ ધીરજથી એમના વિવેચનમાંથી પસાર થનાર અભ્યાસીને વિચારવા માટેના ઘણા મુદ્દા મળી આવે એમ છે. જોકે પ્રમોદકુમારના સમકાલીનો જેટલા તરુણ અભ્યાસીઓ એમના વિવેચન તરફ ઉદાસીન નથી એ સુખદ બાબત છે. આજે વિવેચન વંચાતું બંધ થવા માંડ્યું છે એવી ફરિયાદ સાંભળવા મળે છે, તોપણ પ્રમોદકુમારના વિવેચનને છાપવા માટે પ્રકાશકો અને સાહિત્યસંસ્થાઓ આગળ આવે છે એ પ્રમોદકુમારની એક તેજસ્વી અભ્યાસી તરીકેની કેવી પ્રબળ છાપ સાહિત્યવર્ગમાં પ્રવર્તે છે એની સૂચક છે. એમના સિદ્ધાંતચર્ચાના લેખોનો એક સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરવાનું સ્વીકાર્યું અને એમના કથાસાહિત્ય અંગેના લેખો છાપવાનું પાર્શ્વ પબ્લિકેશનના માલિક બાબુભાઈ શાહે સ્વીકાર્યું તે પ્રમોદકુમારના મિત્રો માટે આનંદની બાબત છે. હું એ સૌ વતી એમનો આભાર માનું છું. એમના બીજા બે ગ્રંથો એમના કુટુંબીજનો પ્રગટ કરી રહ્યાં છે. એ પણ એક આનંદની ઘડી છે. એક સાધુઅભ્યાસીને આનાથી મોટી અંજલિ કઈ હોઈ શકે?

તા. ૩૦-૧૨-૯૮

– જયંત ગાડીત